બાબુ સુથારની કવિતા/જ્યારે શબ્દો અર્થ વ્યક્ત ન કરી શકે ત્યારે
૨૬. જ્યારે શબ્દો અર્થ વ્યક્ત ન કરી શકે ત્યારે
જ્યારે શબ્દો અર્થ વ્યક્ત ન કરી શકે ત્યારે
દેવો કામ ન લાગે
ત્યારે પૂર્વજો કામ લાગે
જે સ્વર્ગમાં રહે એ આપણા શબ્દને
કઈ રીતે જોડી શકે
આપણા જગત સાથે?
હું જાણું છું કે પૂર્વજો સ્વર્ગમાં નથી રહેતા
એ રહેતા હોય છે આપણામાં
આપણા જીવની તદ્દન પાડોશમાં જ હોય છે એમનું ઘર
મને લાગે છે કે જ્યારે શબ્દો
અર્થ વ્યક્ત ન કરી શકે ત્યારે
માણસોએ હાથમાં નાળિયેર લઈને
દેવોની શોધમાં નીકળવાને બદલે
એણના પૂર્વજોને હાકલ કરવી જોઈએ
કેમ કે દેવો સ્વર્ગમાં રહેતા હોય છે
મેં હમણાં જ બૂમ પાડી મારા બાપાના નામની
અને એ હાજર થઈ ગયા
હાથમાં હોકો લઈને
અને હું કહું એ પહેલાં જ
એમણે મારા શબ્દોને
જોડી દીધા મારા જગત સાથે
જય હો બાપાનો
જય હો બાપાના બાપાનો પણ
આ કવિતા મેં એ જોવા જ લખી છે કે
બાપાએ મારા શબ્દોને મારા જગત સાથે
બરાબર જોડ્યા છે કે નહીં.
(‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’ માંથી)