સાહિત્ય પલ્લવ – ભાગ ૨/દેવીનું ખપ્પર
(લાવણી)
અરદેશર ફરામજી ખબરદાર
ભર ભર મારું ખપ્પર, ભૈયા! ઓ ભારતના વાસી!
ઘર ઘર ભીખું હરનિશ ફરતી, હું જુગજુગની પ્યાસી :
ખપ્પર ભરો ભરો હો! ધ્રુવ
ક્ષણ ક્ષણ ગણતાં મન શોષાયું, શોષાયું તન ત્રાસી;
બાર બાર સૈકાથી ભટકું અરે! અરે! ઉપવાસી :
ખપ્પર ભરો ભરો હો! ૧
અંજલી નાખે, ખોબો નાખે, નાખે કો ભર પ્યાલી;
જુગસૂકું તળિયું દે શોષી, ખપ્પર તો રહે ખાલી :
ખપ્પર ભરો ભરો હો! ૨
ઓ ભૈયા! જુગના જુગ વીત્યા, હવે નહીં એ ચાલે;
નદ ઊલટાવો, સિંધુ ભરાવો – છલછલ ભરો ઉછાળે :
ખપ્પર ભરો ભરો હો! ૩
ગાજવીજ ને મૂશળધારે રેલ રેલ જગ છાતી;
એક ઝાપટે નવ ચોમાસું : વીર! તૃષા ન છિપાતી;
ખપ્પર ભરો ભરો હો! ૪
જ્યોતિ જ્યોતિ ઘર ઘર જો સળગ્યા, રોતી રોતી શું માગું?
શિર કાપી ખપ્પરમાં નાખો, કરો કાળજું આધું!
ખપ્પર ભરો ભરો હો! ૫
એક કેસરીની ત્રાડે તો ભરી દીસે વન-વસ્તી;
એક વીરરસની મસ્તીમાં કરુણ તણી ક્યાં હસ્તી?
ખપ્પર ભરો ભરો હો! ૬
અધઊઘડ્યાં દ્વાર પ્રભાનાં : ઓ ભૈયા! ઝટ આવો!
ખપ્પર મારું ભરો વીરત્વે! પૂર્ણ પ્રભા રેલાવો!
ખપ્પર ભરો ભરો હો! ૭
સ્વાધ્યાય