સાહિત્ય પલ્લવ – ભાગ ૨/હરિનો મારગ
હરિનો મારગ
પ્રીતમદાસ
હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.
સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા માંહી પડ્યા મરજીવા જોને.
મરણ આગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને.
પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનારા દાઝે જોને.
માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહીં સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.
રામ-અમલમાં રાતા માતા, પૂરા પ્રેમી પરખે જોને;
પ્રીતમના સ્વામીની લીલા, તે રજનીદન નરખે જોને.
સ્વાધ્યાય
૧. હરિનો મારગ એટલે? એનું વર્ણન કરો.
૨. મરજીવા એટલે?
૩. આ કાવ્ય મોઢે કરો.
૪. પૂજાલાલનું ‘મરજીવિયા’ તેમના સંગ્રહ ‘પારિજાત’માંથી વાંચો.