સરોવરના સગડ/વિનોદ ભટ્ટઃ દંતકથાનો નાયક

From Ekatra Wiki
Revision as of 17:04, 11 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


Center

વિનોદ ભટ્ટ : દંતકથાનો નાયક

(જન્મ તારીખ ૧૪-૧-૧૯૩૮, અવસાન તા. ૨૩-૫-૨૦૧૮)

વિનોદ ભટ્ટ જેવા વિનોદ ભટ્ટ પણ ક્યારેક નાના હતા. પછી જેમ બધાં મોટાં થાય છે એમ એ પણ થયા. જો કે એમને મોટા બનાવવામાં, મોટા માણસોનું નાનું અને ઘણા નાના માણસોનું મોટું યોગદાન હતું. બચુભાઈ રાવતથી માંડીને અમદાવાદના રિક્ષાવાળા સુધી આ પોળ અને દાનનો ચાપ વિસ્તરે છે. હા, તો એ નાના હતા ત્યારે કદીયે સ્વેચ્છાએ, આનંદથી નિશાળે ભણવા ગયા નહોતા. આદરણીય જસવંતલાલદાદા અને એમના નોકર-ચાકર સહિતનાં બધાં ય ભેગાં મળીને કેટલોય શ્રમયજ્ઞ કરે, પ્રસ્વેદદાન કરે ત્યારે - છેવટે એ બધાંને કારમી હારનો સામનો ન કરવો પડે એટલા ખાતર ઔદાર્યપૂર્વક વિનોદભાઈ શાળાપ્રવેશ કરતા. એમને મૂકવા ગયેલા લોકો ઘેર પહોંચે ત્યાર પહેલાં તો, શિક્ષકોને હંફાવીને પોતે ઘેર પહોંચીજ ગયા હોય! કહેવાય છે કે એ નાના હતા ત્યારે એમની જીભ ઝલાતી. અમુક વ્યંજનોથી શરૂ થતા શબ્દો બોલવામાં ઘણી તકલીફ ઉઠાવવી પડતી. પણ, શાસ્ત્રોમાં કહ્યું છે કે મોટા માણસો પોતાની મર્યાદાને વિશેષતામાં ફેરવી નાંખતા હોય છે. એમણે ભાષાને ખલેલ પહોંચાડવાને બદલે, અમુક રીતે પોઝ લઈને, અક્ષરેઅક્ષર છુટ્ટો પાડીને બોલવાનું શરૂ કર્યું. અને એમ પણ કહેવાય છે કે એ એમની પોતીકી સ્ટાઈલ બની ગઈ! આ સ્ટાઈલને કારણે કોઈ પણ કાર્યક્રમમાં વિનોદભાઈ વીસ મિનિટના વક્તવ્ય માટે ચાલીસથી પચાસ મિનિટ જેટલો સમય લઈ લેતા. અહીં ‘સમય ખાઈ જતા' એવા શબ્દો હું ખાઈ જાઉં છું! એમની એક વિશેષતા હતી કે કાર્યક્રમ ગમે તેનો હોય, ગમે તે વિષયનો હોય, ગમે તે સમયે હોય પણ એમને જે બોલવું હોય તે જ બોલતા. છતાં એ એટલા બધા લોકપ્રિય હતા કે એમના નામ પર આખા ને આખાં સભાગૃહ છલકાઈ જતાં. બોલતી વખતે કોઈ શબ્દ ખોવાઈ જાય ત્યારે ડાબા હાથની મધ્યમા આંગળી બ્રહ્મરન્ધ્ર ઉપર ભાર દઈને ઘસતા અને તણખો થતો. તમામ પ્રકારના શબ્દો પોતાની અર્થચ્છાયાઓ સમેત આવી આવીને નીચી ડોકે એમની પાસે ઊભા રહી જતા. વક્તવ્ય આપતી વખતે તેઓ ઉદાર બની જતા. એકનું એક વારંવાર બોલીને, લોકોને મોઢે કરાવી દેવામાં એમણે કદી સંકોચ અનુભવ્યો નહોતો. પ્રેમમાં જેમ પુનરાવૃત્તિનો દોષ નથી લાગતો એમ વિનોદવક્તવ્ય સંદર્ભે પણ આને દોષ ગણવામાં આવતો નહીં. અને લોકો પણ કેવાં તો ઉદારચરિત કે પહેલી જ વાર સાંભળતાં હોય એમ ભોળેભાવે હસતાં. ગુજરાતના પ્રતિષ્ઠિત છાપાંમાલિકોને પણ વિ.ભ. ક્યારેક હાસ્યનું ભાજન બનાવી દેતા, છતાં અખબારી આલમ એવી ઉદાર કે એમની કલમકટાર અન્ન નહીં તો તત્ર પણ ચાલતી જ રહી. લખાયેલું બધું જ, સાહિત્યિક ધોરણે પણ ગ્રંથસ્થ કરવા જેવું હોય એવા લેખકો બહુ ઓછા હોય છે. વિનોદભાઈ એ ઓછી જમાતના અગ્રણી લેખક હતા. મૃત્યુની બાબતમાં પણ એમણે શાળાપ્રવેશવાળી રસમ અપનાવેલી. જેટલી વાર એમને હોસ્પિટલ લઈ જવાયા એટલી વાર મૃત્યુને હંફાવીને તેઓ પાછા ઘેર આવી જતા. યમરાજાનો ફેરો ફોગટ ન જાય એટલા ખાતર કેટલાક સાહિત્યકારો વખતેકવખતે માંદા પડીને વિનોદભાઈની કુમકે આવી જતા અને શ્રદ્ધાંજલિનું સુખ પામતા! બે-ચાર દિવસ પોતાની માંદગીનો મલાજો રાખીને વળી પાછા, ભટ્ટસાહેબ ‘ઈદમ તૃતીયમ' કહીને રસરંગી બની જતા. પોતાની જાત ઉપર, પ્રતિષ્ઠાને ભોગે પણ હસવાનું કાઠું કામ તેઓ આસાનીથી કરી શકતા. તેઓ ક્યારેક શ્રોતાની પાત્રતા જોયા વિના જ પોતાની શક્તિઓને ચકાસતા રહેતા. હાસ્ય એમને બચપણથી જ વરેલું. વિનોદભાઈ આ અસાર સંસારસાગરમાં, પોતાના બાહુબળે તર્યા, એકથી વધુ વખત વર્યા અને મુક્ત રીતે હર્યાફર્યા તો પણ હાસ્યની દેવીએ એમના ઘરવાસ પરહર્યા નહોતા, એ એમની હાસ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા લેખાવી જોઈએ. કવિ નર્મદની રજા લઈને કહું તો- વર્ષો સુધી, દર અઠવાડિયે સાતત્યપૂર્વક અને સારું લખવું એ કોઈ જેવી તેવી વાત નથી. ગુજરાતી સાહિત્ય પરિષદનાં અધિવેશનો અને જ્ઞાનસત્રોમાં વિનોદ ભટ્ટ હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની રહેતા. એમની આજુબાજુ મધમાખીઓ હોય જ! કોઈ વ્યાખ્યાન વધારે પડતું વિદ્વત્તાપૂર્ણ લાગે તો તેઓ તંબુની બહાર ડેરો જમાવતા. વર્ષો પહેલાં તેને પત્નીઓ કૈલાસબહેન અને નિલનીબહેનને સાથે લાવતા. પરિષદના દાયરાની બહાર પણ આ માણસના ચાહકોનો તો પાર જ નહીં. શેખાદમ આબુવાલા, ચંદ્રવદન મહેતા, માધવસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા, લાભશંકર ઠાકર, વિનોદ જાની, રતિલાલ બોરીસાગર, રજનીકુમાર પંડ્યા, ચંદુલાલ સેલારકા, તારક મહેતા, મધુસૂદન પારેખ, વસુબહેન, નિરંજન ત્રિવેદી… કોણ નહોતું એમનું મિત્ર? અમારી વિદ્યાર્થીવસ્થામાં તો એમની અને ચિનુભાઈ વિશે અનેક દંતકથાઓ અમે સાંભળેલી. ચિનુભાઈ વિશેની દંતકથાઓ મહદ્અંશે સાચી નીકળી. જ્યારે વિનોદભાઈ અંગે તો કથા-દંતકથાનું સદાય રહસ્ય જ રહ્યું. અમે ક્યારેક ઉદંડ બનીને એમને ન પૂછવાના સવાલો ય પૂછી બેસતા. વિનોદભાઈ સૌહાર્દ ગુમાવ્યા વિના બાંધ્યાભારે જવાબ આપતા. ક્યારેક જવાબ મળી જાય એવા ટુચકાથી અમને મૌન કરી દેતા. પોતાનાં વખાણ સાંભળવા કોને ન ગમે? સરેરાશ માણસને તો ગમવાં જ જોઈએ. વિનોદ ભટ્ટ સરેરાશથી ઘણા ઉપર હતા, એટલે આપણે એમના કોઈ લેખ કે વક્તવ્યનાં વખાણ કરીએ ત્યારે કહે કે - 'વહાલા! ધીરે ધીરે બોલ! કાનને કેટલું સારું લાગે છે!' આપણું બોલવાનું પૂરું થાય ત્યાં સુધી પોતે એકકાને સાંભળે અને પછી કહે - ‘આ બધું ફરીથી બોલી જા!’ પોતાની જાતને ચાહવાનાં એમનાં ધોરણો ઘણાં સ્ટ્રોંગ હતાં. જ્યારે પણ વાત કરવાનો મોકો મળ્યો છે, ત્યારે ત્યારે એમણે તરોતાજા સેન્સર્ડ-અનસેન્સર્ડ તમામ પ્રકારની જોક્સ સંભળાવ્યા વિના અમને છોડ્યા નથી. સામે પક્ષે કોઈનું કશુંક સારું વાંચે ત્યારે એ લખાણ પોતે લખ્યું હોય એટલો એમનો ઉમળકો વરતાતો. ટુચકાલેખનથી શરૂ થયેલી એમની લેખનયાત્રા પૂરા કદના હાસ્યલેખનમાં પરિણમી એમાં એમનાં વ્યાપક વાંચને વિશેષ ભાગ ભજવ્યો હતો. હાસ્ય, કટાક્ષ અને કરુણનું અદ્ભુત મિશ્રણ કરવાનું એમને માટે સહજ હતું. આપણી એક આંખ હસે અને બીજી આંખ રડે, છતાં સાહિત્યનો બ્રહ્માનંદ સહોદર આનંદ પણ મળી રહે એ વિદ્યા વિનોદને કોઠે ચડી હતી. વિશ્વના મહાન અને વિલક્ષણ લોકોની આત્મકથા અને જીવનચરિત્ર એમને વધુ પ્રિય. ઐતિહાસિક, પૌરાણિક પાત્રોને એ પોતાની રીતે જીવંત કરતા. કવિતા-વાર્તા અને બીજું બધું જ વાંચે. રાજી થઈને ફોન કરે. એમને વ્યક્તિ અને વ્યક્તિવિશેષમાં ખૂબ રસ પડતો. વ્યક્તિપૂજામાં એ માનતા કે નહીં તે અંગે એમણે મને સદાય અવઢવમાં રાખ્યો છે. નર્મદ, જ્યોર્જ બર્નાડ શો, ચેખવ, ચાર્લી ચેપ્લિન, મન્ટો આદિ વિશેનાં લખાણો આનાં શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ એવું કહેતા કે વાંચવાનું કશું ન હોય ત્યારે જ હું લખું છું. 'આકૃતિ ગુણાનુ કથયતિ..' એ સૂત્ર એમને બરાબર લાગુ પડતું. ચહેરો જ એવો કે કશું ન બોલ્યા હોય તો ય કહી શકાય કે આ માણસ હાસ્યલેખક છે. ઊભાં રહો! એમણે પોતે જ કરેલા-કરાવેલા સ્વદર્શન અથવા વિશ્વરૂપદર્શનનું વર્ણન વાંચીએ : ‘ઝીણી આંખો, આંખો નીચે કાળાં કૂંડાળા (કાળાં કર્મોનું ફળ!), જરૂર કરતાં મોટું નાક, થોડો ખરબચડો - રુક્ષ ચહેરો, વધુ સમય સાંભળવો ન ગમે - ફૂટી ગયેલા વાસણ જેવો કર્કશ અવાજ, ગળામાંથી ક્યારેક તો બે-ત્રણ અસ્પષ્ટ અવાજો સાથે નીકળતા લાગે, ને ઝડપથી બોલવા જતાં જીભ ખોટવાઈ પણ જાય. ચહેરા પરથી ભોળો લાગે, પણ લાગે એટલું જ; દેખાય છે એવો ભોળો તે હરગિજ નથી. ચહેરો છેતરામણો છે - ડિસેપ્ટિવ’ હાસ્યની...’ રીતે પણ, વિનોદચાચાની સાથે અસંમત થનારા આપણે કોણ? એટલું ઉમેરીએ કે ઝીણા ઝીણા દાંત દેખાય એમ હસે ત્યારે સાવ નિર્દોષ લાગે. એમને લાગે કે મારું વાક્ય ઓડિયન્સમાં બરાબર ઝિલાયું નથી તો તરત જ શર્ટનો કોલર સરખો કરીને આખું વાક્ય રિપિટ કરે. લોકોને હસવા માટે પૂરતો સમય પણ આપે કેમકે આમાં લોકોનું પણ કશુંક યોગદાન હોવું જોઈએ એવું એ પ્રામાણિકપણે માનતા! મોટેભાગે તો ડાર્ક સફારી અથવા અરધી બાંયનું શર્ટ અને લાઈટ પેન્ટમાં જ જોયા છે. પણ, પરિષદપ્રમુખ થયા પછી ટેરિકોટનનો ઝભ્ભો પણ પહેરતા. આ માણસ ખરા અર્થમાં જવાબદાર હતો. એ પ્રમુખ થયા ને ખબર પડી કે પરિષદને આર્થિક સંકડામણ ઘણી છે. તરત જ નાનાંમોટાં ડોનેશન લાવવાનું શરૂ કર્યું. પણ એમ તે કંઈ તરભાણું થોડું જ ભરાય? અચાનક જ એક દિવસ પ્રેમાનંદનું 'સુદામાચરિત' એમને હાથે ચડી ગયું. ‘તને સાંભરે રે? મને કેમ વીસરે રે!’ અને તરત જ પહોંચી ગયા એમના કોલેજકાળના મિત્ર અને તે વખતના મુખ્યમંત્રી શંકરસિંહ બાપુ પાસે. ખરા હૃદયની લાગણી અને આંખનાં સાચાં આંસુ સાથે બાપુને આજીજી કરી. પરિણામ રૂપે પરિષદ માટે રૂપિયા એકાવન લાખ, અંકે રૂપિયા એકાવન લાખ પૂરા લઈ આવ્યા. એ કથા એમણે અક્ષરશઃ ખૂબ જ જાણીતી કરી હોવાથી અહીં એની આવૃત્તિ નથી કરતો. પણ, સુજ્ઞભાવકના જ્ઞાનલાભાર્થે એટલું જણાવું કે આ ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના ૧૯૦૫માં, એટલે કે વિનોદ ભટ્ટના જન્મ પહેલાં, રણજિતરામે કરી દીધેલી અને ગોવર્ધનરામ એના પરથમ પરમુખ હતા. વધારામાં વિનોદભાઈની તાજપોશીઘટના પૂર્વે, આજાનબાહુ રઘુવીર ચૌધરીના મુખ્ય પ્રયત્નો થકી પરિષદનું જે ભવન આજે છે એ નિર્માણ પામી ચૂક્યું હતું. વિનોદભાઈને તો એમ જ લાગ્યું હશે ને કે – આ ગોવર્ધનરામે અને રઘુવીરે ખોટી ઉતાવળ કરી દીધી! આપણે આવવાના જ હતા ને? બીજી હકીકત તો એ છે કે ગુજરાતી સાહિત્ય પરિષદના ક.લા. સ્વાધ્યાયમંદિરને સરકારી ગ્રાન્ટ મળતી નહોતી એ પણ વિનોદભાઈ લઈ આવ્યા. એટલું જ નહીં, સમાનધર્મા સંસ્થાઓને પણ સાચી અને સમાન રીતે, જે લાભ મળવો જોઈએ તે અપાવ્યો એ એમનું બહુ મોટું પ્રદાન છે. સંસ્થાઓને, કર્મચારીઓને અને એમનાં પરિવારજનોને નિશ્ચિંત કરવાનું મહાપુણ્ય એમના ખાતે જમે બોલે છે. પેન્શન બાબતે એમના આશીર્વાદ અમને, એટલે કે ગુજરાત સાહિત્ય અકાદમીના કર્મચારીઓને પણ મળવાના હતા. એ માટે તેઓ વજુભાઈ વાળા પાસે મને રજૂઆત કરવા પણ લઈ ગયેલા. વાળાસાહેબ સંમત થયા ને એ કામ થવામાં જ હતું પણ તે સમયે, ફક્ત એક અધિકારીની જીદને કારણે એ થઈ શક્યું નહીં. કળિકાળ છે તો સાચી વાતને સમજાવવામાં ય સમય તો લાગે જ ને? વર્ષો પછી, એ કામ ફક્ત અને ફક્ત પોતાની જ જવાબદારી હોય એમ, કવિમિત્ર હર્ષ બ્રહ્મભટ્ટે હાથમાં લીધું. હર્ષભાઈ હોય નહીં ને આ કામ થાય નહીં! છેવટે મણિનગરનો યશ મણિનગરમાં જ રહ્યો એનો આનંદ! ભલું કર્યું ગ્રાન્ટ લઈ આવવાનું કામ, પણ પોતે કરેલાં કામો બાબતે વિનોદભાઈ સ્વનિર્ભર સંસ્થા જેવા હતા. એકાવન લાખવાળી વાત,(એકાવન લાખમાં કેટલાં મીંડાં આવે?) પોતે એટલી જ વખત જાહેર-ખાનગીમાં બોલી ચૂક્યા ત્યારે મેં કહ્યું – ‘વિનોદભાઈ! તમે અત્યાર સુધીમાં આ વાત જેટલી વખત બોલ્યા એ દરેક વખતે એક એક મીંડાનું પુણ્ય ઓછું થતું ગયું છે. આપ એ પુણ્ય તો ક્યારનાય પરવારી ચૂક્યા છો, પણ હવે બોલશો તો પાપમાં પડશો! થોડોક બીજાઓ ઉપર પણ ભરોંસો રાખો!’ ‘નહીં બોલું! જા વહાલા, આજથી એકાવન… (એ અટકી ગયા!) નહીં બોલું! આ મારું વચન છે!' એકદમ મોટા અવાજે એ બોલ્યા હતા એ આજેય કાનમાં ગૂંજે છે. હા, વિનોદ ભટ્ટ વચનપક્કા આદમી હતા. વિચાર્યા વિના કોઈને વચન આપે નહીં. પણ જો એક વાર વિચાર્યા વિના ય આપી દીધું તો પછી પ્રામાણિકપણે વળગી રહે! તેઓ વચનવિવેકી હોવા ઉપરાંત બહાદુર પણ હતા. ‘વિનોદની નજરે' શ્રેણી ‘કુમાર’માં (૧૯૭૬ થી ૧૯૭૯) પ્રગટ થતી. બચુભાઈનું પણ એ સાહસ ઓછું નહોતું. વિ.ભ.એ ઘણા સાહિત્યકારોની ખાલ ઉખેડીને એમને ન્યાલ કરેલા. તમામ અર્થમાં એ વિનોદની નજર હતી. એ લેખો 'કુમાર'માં આવતા ત્યારે વાંચવાનો જે રોમાંચ થતો એ કોઈ રીતે ય ભૂલ્યો ભુલાય એમ નથી. એક માત્ર બક્ષીબાબુને બાદ કરીએ તો નિરંજન ભગત સહિતના હર કોઈએ એ ‘નજર'નો ખેલદિલીપૂર્વક રસાનંદ લીધેલો. બક્ષી અને એમની વચ્ચે ભારત પાકિસ્તાનની ક્રિકેટટીમ જેવું હતું. એક વાર તો હસમુખ ગાંધીફેઈમ 'સમકાલીન'નાં પાનાં ઉપર બંનેએ દિવસો સુધી 'ફોશી-બહાદુર'નો ખેલ રચેલો. જ્યારે યશવંતભાઈએ મોટું પેટ રાખીને વિનોદ ભટ્ટની 'સર્જનાત્મકતા'ના પણ વખાણ કરેલા! કટોકટી વખતે દેશનું તમામ બુદ્ધિધન ઇન્દિરા ગાંધીની વિરુદ્ધ હતું. કેટલાક લોકો જેલમાં હતા તો કેટલાક લોકો જેલમાં જવાની તૈયારી સાથે, પોતે જે લખવું જોઈએ તે લખતા હતા. વિનોદભાઈ નાની નાની, લવિંગિયાં મરચાં જેવી કટાક્ષિકાઓ હિંમતભેર લખતા. ગુજરાતી પોલિટિકલ સેટાયરમાં આજે પણ એમનો કોઈ સાની નથી. બધાંને એમ હતું કે આવી બનશે આ બાપડા હાસ્યલેખકનું. પણ સરકારે જેલ સબબ બીક અને ગાંભીર્ય જાળવી રાખવાના ઈરાદે વિનોદ ભટ્ટને સર્વથા મુક્ત રાખવાનું પસંદ કરેલું! રિક્ષા-સ્કૂટર કે એવાં વાહનોમાં બેસી ગયા પછી પણ વિનોદભાઈને બીક લાગતી છતાં સચ્ચાઈપૂર્વક કહેવું જોઈએ કે હિંમત તો આ માણસની જ. સામેનાની લાયકાત અને સમય જોઈને ભલભલાને ભૂ પાઈ દેવામાં એ પાવરધા હતા. ‘પોતે જે માને છે એ જ કહે છે અને જે નથી માનતા તે નથી કહેતા’ એવી ભૂમિકા સાથે એમની બહાદુરીના બે પ્રસંગ જોઈએ : પ્રસંગ એક : ગુજરાત સાહિત્ય અકાદમીના પારિતોષિક-વિતરણ સમારોહમાં એક વખત મુખ્ય મહેમાનપદે વિનોદ ભટ્ટને બોલાવેલા. મંચ ઉપર ખાતાના મંત્રી તરીકે શ્રીમતી આનંદીબહેન પટેલ હતાં. તે વખતે પણ અકાદમીઓની સ્વાયત્તતા સંદર્ભે સ્પષ્ટ માગણી હતી. વિનોદભાઈને બોલવાનો વારો આવ્યો ત્યારે એ યશવંત શુક્લ અને નિરંજન ભગતના શિષ્યને છાજે એ રીતે ગુજરાતી સાહિત્યજગતનું મુખ બન્યા. બીજી અનેક સારી વાતો કર્યા પછી માનનીય આનંદીબહેનને ઉદ્દેશીને આ મતલબનું બોલ્યા કે – ‘આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ આમ તો કોઈનું સાંભળતા નથી. પણ લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે એ ફક્ત તમારું જ સાંભળે છે! તો ભલાં થઈને તમે એમને બે વેણ ન કહી શકો? અકાદમી સ્વાયત્ત કરે એવું અમારા વતી કહો ને! આમેય સરકારને બીજાં કામો ક્યાં ઓછાં હોય છે? સભામાં હાસ્ય અને આનંદની લહેર ફરી વળી… પ્રસંગ બે : ઉપર્યુક્ત અકાદમીના બીજા એક સમારંભમાં એટલે કે ગૌરવ પુરસ્કાર અર્પણમાં પણ તેઓ અતિથિવિશેષ તરીકે પ્રેમથી પધારેલા. ત્યારે એ ખાતાના મંત્રી હતા ફકીરભાઈ વાઘેલા. સંસ્કૃતમાં ભટ્ટ મમ્મટ, ભટ્ટ લોલ્લ્ટ એવું લખવાની પરંપરા છે તે મુજબ, ભટ્ટ વિન્નોદ માનનીય મંત્રીશ્રીને ઉદ્દેશીને આ મતલબનું બોલ્યા : 'લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે આપણા મુખ્યમંત્રી આપનું કહ્યું કશું સાંભળતા નથી. છતાં મારી વિનંતી છે કે આપ એમને ભલામણ અને આગ્રહ કરો કે સર્વ અકાદમીઓને સ્વાયત્ત કરે.' સભામાં ઉપર જણાવ્યા પ્રમાણે... 'હાસ્યલેખક વિ.ભ. ગંભીર’ એવું છાપામાં વાંચ્યું એ એમની પહેલી માંદગી હતી. હું અને બિન્દુ, પાસ કઢાવીને ખાસ એમને કર્ણાવતી હોસ્પિટલમાં જોવા ગયાં હતાં. એમને માટે સાચા હૃદયથી પ્રાર્થના કરી હતી. એમણે જ કહ્યું છે : 'મારું આ શરીર રોગો માટેની સાર્વજનિક હોસ્પિટલ ગણી શકાય. ગમે તે રોગ મન ફાવે ત્યારે શરીરમાં દાખલ થઈ જતો ને અતિથિની પેઠે લાંબા સમય સુધી ધામા નાખીને રહી પડતો.’ એટલે ઘરનાં કે મિત્રો માટે આ નવી વાત ન હતી, પણ ચિંતાજનક અને કષ્ટદાયક હતી એ હકીકત છે. પછી તેઓ અનેકવાર માંદા પડ્યા અને બેઠા થયા. ભટ્ટસાહેબ વચન આપવામાં અને લેવામાં, ગુરુદ્રોહ કરવો પડે તો તેમ કરીને પણ, મિત્રધર્મને જ આગળ કરતા. વચન આપવામાં પોતાને કેટલું ખરપાવું પડશે એનો વિચાર ન કરતા. જ્યારે વચન લેવામાં તો એ માત્ર અને માત્ર સાહિત્યજગતનાં વ્યાપક હિતનો જ વિચાર કરતા. ગુજરાત સાહિત્યસભાના હિતમાં એમણે કવિ લાભશંકર ઠાકર પાસે વચન માગેલું. અને એ બારામાં લાભશંકરે રણજિતરામ સ્વીકારવાનો યશ ભટ્ટસાહેબને આપ્યો હતો. એક અઘરું કામ પાર પાડ્યાનો સંતોષ વિનોદભાઈના ચહેરા ઉપર જોઇને મધુસૂદન પારેખ પણ રાજી થયેલા. ૨૦૧૨ના વર્ષમાં વિનોદભાઈએ ડૉ. સુરેશ હ. જોષી પરનો એમનો લેખ 'શબ્દસૃષ્ટિ' માટે મને મોકલતાં જણાવ્યું કે ‘ઠીક લાગે તો છાપજો.’ એ લેખ વાંચીને મેં શરત મૂકી કે ‘તમારે મને આવા ઓછામાં ઓછા પચીસ લેખો આપવા પડશે.' ફોન પર એમણે કહ્યું : 'ભલે, પ્રયત્ન કરીશ.’ જો કે એ લેખમાળા અડધે રસ્તે પહોંચી, ત્યારે મને કહે કે -‘આ લેખો જો નવનીત-સમર્પણ'માં છપાય તો પ્રતિભાવપત્રો વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય! કેટલા પત્રો મળ્યા એની મને ખબર નથી! જો તને વાંધો ન હોય તો..’ કોઈનું ભલું થતું હોય તો જરૂર હાથ દેવો એ દર્શકવાક્યને અનુસરીને મેં અનુમતિ આપી. પછીથી એનું પરિણામ તે 'તમે યાદ આવ્યાં પુસ્તક. એમણે એ પુસ્તક મને અડધું અર્પણ કરીને જીવતે જીવ મારું તર્પણ કર્યું હતું એ યાદ આવે છે. એમના ઘેર બોલાવીને, હસતાક્ષર સાથે મને આપતાં કહે : ‘મને ખબર છે આમાં વિનોદની નજરે'નો જાદુ રહ્યો નથી !' છેલ્લે છેલ્લે તેઓ બિનસ્વાયત્ત ગુજરાત સાહિત્ય અકાદમીના સલાહકારમંડળમાં હતા. એ પૂર્વે અકાદમીમુદ્દે ગુજરાતી સાહિત્ય પરિષદના ટ્રસ્ટીપદેથી અને 'કુમાર'ચંદ્રકના નિર્ણાયકપદેથી રાજીનામું આપી ચૂક્યા હતા. કહો કે ભાગ્યવશાત ગુણગ્રાહી બન્યા હતા! આ એમનો ઘોડાનાળ પ્રકારનો વિકાસ હતો. અકાદમીના સલાહકારમંડળના સભ્ય હોતે છતે, નવા જ શરૂ કરાયેલા રમણભાઈ નીલકંઠના નામના હાસ્યપારિતોષિક માટે એમનું નામ સૂચવાયું ત્યારે; પોતે તારકભાઈનું નામ આગળ કર્યું પણ પોતાની બાબતે તેઓ મના ન કરી શક્યા. અને સમારંભમાં એમ પણ કહ્યું કે મારા પહેલાં આ પારિતોષિકને લાયક તો ઊંધાં ચશ્માંવાળા તારક મહેતા છે! શ્રોતાવર્ગના લોકો એમની આ ‘ખેલ-દિલી' પર વારી ગયેલા જો કે પછીથી તારક મહેતા પણ એ જ પ્રકારે વિભૂષિત થયેલા! અનેક વિરોધાભાસથી ભરપૂર હતું એમનું જીવન. તો જ આત્મકથા રોચક બને ને? અકાદમીની બાબતે હું અને વિનોદભાઈ તદ્દન સામસામેના છેડે હતા. તેમ છતાં, મારી સ્વૈચ્છિક નિવૃત્તિ ટાણે મને અકારણ હેરાનગતિ ન થાય એ માટે વિનોદભાઈ અને રઘુવીરભાઈ ઉપરાંત એક વરિષ્ઠ અધિકારીએ માત્ર ભલામણ જ કરી એમ નહીં, પૂરેપૂરો પૂર્વગ્રહ વિનાનો નિર્ણય થાય તે માટે આગ્રહ રાખેલો. એ ઘટના, આ ત્રણેય મહાનુભાવોની મારા પ્રત્યેના વાત્સલ્ય સમેતની માનવીય ઊંચાઈ બતાવે છે. એમની ચાહતનું એક ઉદાહરણ: અકાદમી સાથેનું એમનું બે વર્ષનું કમિટમેન્ટ પૂરું થયું અને તરત જ મુક્ત થયા એ પછી એક દિવસ એમનો ફોન આવ્યો : 'વહાલા! હું માણસ કહેવાઉં કે ભગવાન?' ‘કેમ એમ પૂછો છો?’ 'કહે તો ખરો!’ 'માણસ! હું ને તમે બધાં જ માણસ… તમે તો વળી સવાયા માણસ!’ ‘તો માણસથી કોઈ ભૂલ ન થાય? દેવોએ પણ ક્યાં ઓછી ભૂલો કરી છે? તમે બધા મિત્રો મારાથી નારાજ થાવ તે બરાબર નહીં. તું નથી આવતો, રમેશ (૨. દવે) તો ફ્રોન પણ નથી કરતો અને કિરીટ તો… યાર! હું તમને બધાંને ચાહું છું...’ ‘તમે ભૂલ નહીં, વિનોદભાઈ! ભૂલોની પરંપરા ખડી કરી દીધી છે એનું શું? ભગતસાહેબ જેવા ભગતસાહેબને ય તમે..... ‘જો દોસ્ત! આમાં એવું છે કે આપણે નવો બુસકોટ પહેરીએ ત્યારે ઉતાવળમાં પહેલું બટન ઊંધું ભિડાય પછી તો બધાં બટન એ જ રીતે આગળ વધે ને?’ ‘પણ... તમને કોણે નવો બુસકોટ પહેરવાનું કહ્યું હતું?’ કોણે એમને વાઘા પહેરાવ્યા અને એમણે કેમ પહેર્યા તેની રજેરજ વિગતે વાત કરી જે અહીં લખવી જરૂરી નથી. પણ છેવટે માણસનો અને પ્રેમનો વિજય થયો. વિનોદભાઈ દ્વિજ હતા. પણ, આમાં તો દ્વિજપણાનો ય વર્ગ થયો હતો! હું એકલો જ વિનોદભાઈને ઘેર ગયો. ધર્મયુગના બંગલાના વરંડામાં તેઓ પલંગમાં આડા પડ્યા હતા. કેથેટર લગાડેલું હતું. શરીર પરની ચામડી ઊતરવા લાગી હતી. આ વિનોદ ભટ્ટ જુદા હતા. સ્કૂલયુનિફોર્મમાં આવે એવી ચહી અને શર્ટ પહેર્યાં હતાં. વળી એક વાર મને કહે કે, 'તું અને કિરીટ દુધાત કાલે સાંજે આવો. બહુ બધી વાતો કરીશું.' બીજે દિવસે હું અને કિરીટ બીઆરટીએસમાં મણિનગર જવા બેઠા રસ્તામાંથી મેં એમ કહેવા ફોન કર્યો કે અમે નીકળી ગયા છીએ અને આવીએ છીએ. સામેથી એમની દીકરીએ કહ્યું કે ‘ન આવશો... અમે અત્યારે જ એમને હોસ્પિટલ લઈ જઈએ છીએ!' અમે પણ વિનોદભાઈની જેમ અધવચ્ચેથી ઊતરીને પાછા આવ્યા. 'કુમાર'માં આવતી મારી આ લેખમાળાના સોળ લેખો એમણે ભરપૂર માંદગી વચ્ચે પણ પ્રેમપૂર્વક વાંચ્યા છે, વાંચ્યા છે એટલું જ નહીં, ભારોભાર વખાણ્યા પણ છે. દરેક લેખ વિશે ઉછરંગી થઈને વાત કરે. ત્રણેક લેખ વખતે તો કહે - ‘મને તારી મીઠી ઈર્ષ્યા આવે છે! એમ થાય છે કે આ લેખના લેખક તરીકે વિનોદ ભટ્ટનું નામ હોય તો કેવું સારું લાગે?' મેં કહ્યું : 'અત્યાર સુધી હું તમને મારા જેવા જ સામાન્ય માણસ સમજતો હતો. પણ તમે તો ખરેખર મહાન નીકળ્યા!’ ‘વહાલા! ફોડ પાડીને કહે ને!’ 'કહેવાતા મોટા માણસોને મેં મારી ઈર્ષ્યા કરતા જોયા છે. કેટલાકે તો ‘કવિ! તમારી ઈર્ષ્યા આવે છે!' એવું મારા મોઢે કહેવાની ય હિંમત કરી છે. પણ એકદમ નિર્મળ થઈને તમે ‘મીઠી' શબ્દ મૂકીને મને વધાવ્યો એટલા પૂરતા તો મહાન જ ને?’ ‘સારું હવે એ કહે કે તું મારા વિશે ક્યારે લખે છે?’ 'હાલ તો માત્ર દિવંગતો પૂરતું જ લખવાનું ધાર્યું છે....’ 'તો હું દિવંગત થાઉં એની તું રાહ જુએ છે? એક કામ કર. હું નથી એમ ધારીને લખી કાઢ! અરે કહું છું લખી કાઢ! બિન્દાસ! છપાવજે પછી! મારે એ વાંચ્યા વિના જવું નથી.....’ 'સોરી વિનોદભાઈ! એ નહીં બને! હું લખીશ એ તમે કદાચ નહીં સહી શકો!! 'તારે જે લખવું હોય એ મુક્તમને લખ.. હું સહેજ પણ ખોટું નહીં લગાડું કે નહીં કરું પ્રતિવાદ! પ્રોમિસ!' મેં ફરીથી માફી માગી… ‘તો એક કામ કર. કાલે જ આવી જા. મેં સોળ વાંચ્યા છે. હવે હું વાંચી શકું એમ નથી. તું સત્તર અઢાર મને સંભળાવી જા!’ બીજે દિવસે હું ગયો. ઉમાશંકરવાળો લેખ સંભળાવ્યો. છેલ્લું વાક્ય વાંચતાં મારો અવાજ તરડાયો. મેં ઊંચું જોયું તો એમની આંખોમાંથી પણ ગંગાજમનાએ મારગ કરી લીધો હતો. બે વાર બોલ્યા : 'અદ્ભુત યાર! અદ્ભુત!’ એટલું કહ્યું ને ઊંડા ઊતરી ગયા. એ દિવસે એ એક જ લેખ સાંભળી શક્યા. મને કહે : ‘હું બોલાવું ત્યારે ભગતસાહેબને લઈને આવી જજે!' પછી એમનાં પુત્રવધૂને બોલાવીને કહ્યું કે- 'અંદર સામેના કબાટમાં જાડું પુસ્તક ‘ગુજરાતી કહેવતસંગ્રહ' છે તે અને રાજેન્દ્ર યાદવ વિશેનું હિન્દી પુસ્તક છે તે લઈ આવો.' બંને પુસ્તક મને આપીને કહે કે – ‘હિન્દી છે તે બિન્દુ માટે છે ને કહેવતવાળું છે તે રમેશ માટે છે. તું પહોંચાડી દેજે! પહોંચની જરૂર નથી...' કોણ જાણે કેમ પણ મને ઊગી આવ્યું કે કાલે ઊઠીને કદાચ આ માણસ નહીં હોય તો? અને મેં રહસ્ય છતું કરી દીધું. આ 'સરોવરના સગડ' હું તમને અને રજનીકુમારને અર્પણ કરવાનો છું!’ એમના ચહેરા ઉપર જે આનંદ હતો એનું વર્ણન હું કરી શકું એમ નથી. ધીરે ધીરે એ આનંદ એમની આંખથી ઉભરાયો. અમે બંને એક દુઃસ્વપ્ન જેવા સમયમાંથી બહાર નીકળી ગયા હતા અને સમયે શાશ્વતીનું રૂપ ધારણ કરી લીધું હતું! એ પછી ભગતસાહેબવાળો લેખ સાંભળવા કે વાંચવા આ જગતમાં તેઓ ન રહ્યા. ઘણા સમય પહેલાંથી જ જે લોકો શ્રદ્ધાંજલિ તૈયાર રાખીને બેઠેલા એમનાં લખાણોને પણ વિનોદ ભટ્ટે મોક્ષગતિ આપી. સાચે જ વિનોદ ભટ્ટ દંતકથાના નાયક હતા...