ગ્રંથ અને ગ્રંથકાર/પિનાકિન્ ઉદયલાલ ઠાકોર

From Ekatra Wiki
Revision as of 11:12, 9 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
Jump to navigation Jump to search

પિનાકિન્ ઉદયલાલ ઠાકોર

[૨૪-૧૦-૧૯૧૬]

કવિ શ્રી પિનાકિન્ ઠાકોર વતની અમદાવાદના, પણ એમનો જન્મ થયો છે મ્યોંગ્મ્યોં-બ્રહ્મદેશમાં. જ્ઞાતિએ કાયસ્થ (માથુર). પિતાનું નામ ઉદયલાલ હિંમતલાલ, માતાનું સરસ્વતીબહેન અને પત્નીનું નામ સુનીતાબહેન. જન્મતારીખ ૨૪-૧૦-૧૯૧૬ અને લગ્ન થયેલાં ૧૯૩૯માં. વડોદરાની સરકારી મિડલ સ્કૂલમાં ૧૯૨૬થી ૧૯૩૦ દરમ્યાન શિક્ષણ લઈ ત્યાંની જ સરકારી હાઈસ્કૂલમાંથી ૧૯૩૩-૩૪માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા, વિજ્ઞાનમાં વિશેષ યોગ્યતા સાથે, પસાર કરી અને બરોડા કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી પ્રથમ વર્ષની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ પૂનાની કૉલેજ ઑફ એગ્રીકલ્ચરમાં પ્રવેશ મેળવ્યો અને મુંબઈ યુનિ.ની બી. એસસી. (એગ્રી-ઓનર્સ)ની પદવી ઈ. ૧૯૩૮માં પ્રાપ્ત કરી. એમને મુખ્ય વ્યવસાય ઝવેરાતના વેપારનો છે, પરંતુ નાટ્યનિર્માણમાં એમને ઉત્કટ રસ છે. હાલ તેઓ અમદાવાદ આકાશવાણી કેન્દ્રના નાટ્યનિર્માતા તરીકે પોતાની સેવાઓ આપે છે. વ્યાસ અને વાલ્મીકિ શ્રી ઠાકોરના પ્રિય કવિઓ છે અને માનવજીવનમાં રહેલા સત્યનું વિવિધ સ્વરૂપે દર્શન કરાવતા રામાયણ-મહાભારત એમના પ્રિય ગ્રંથો છે. કાવ્ય અને તાટક એમના પ્રિય સાહિત્યપ્રકાર છે. તેમ છતાંય નવલકથા અને નવલિકા વાંચવા એમને ગમે છે, અને ક્યારેક ઇતિહાસ, ઐતિહાસિક ભૌગોલિક પૌરાણિક સંશોધન-સાહિત્ય પણ મનગમતા લેખનવિષયમાં કાવ્ય અને નાટ્યરૂપાંતર તેમ ગેયનાટિકા-નૃત્યનાટિકા. નાટક, કાવ્ય અને વિવેચન અંગેનાં પુસ્તકો તેઓ વિશેષ વાંચે છે. લેખન- પ્રવૃત્તિને ઉદ્દેશ છે કેવળ આનંદ. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, અને સંસ્કૃત ઉપરાંત મરાઠી અને બંગાળી ભાષાઓ પણ તેઓ જાણે છે અને હિંદીમાં થોડીક રચનાઓ પણ કરી છે. એમની લેખનપ્રવૃત્તિનો આરંભ ૧૯૩૧-૩૨માં થયો- હસ્તલિખિત સામયિક માટે, અને પછી વડીલ બહેનના મૃત્યુના આઘાતના ઉદ્ગારરૂપે. ભારતને સ્વાતંત્ર્યસંગ્રામ, વડીલ બહેન, માતા અને પિતાનું મૃત્યુ તથા બુધ કાવ્યસભાનો સંપર્ક-એ એમના જીવનમાંની લેખકજીવનને સુસંગત બની રહેલી મહત્ત્વની ઘટનાઓ છે. મહાત્મા ગાંધીજી અને એમનાં પુસ્તકોએ અને ૧૯૩૦થી આરંભાયેલા સત્યાગ્રહના સ્વાતંત્ર્યસંગ્રામે, ૧૯૪૨ ની ‘હિંદ છોડો'ની ઘટનાએ, શ્રીધરાણીની કૃતિઓએ, 'સરસ્વતીચન્દ્ર' તેમ જ બંગાળી અને હિંદી કવિતાએ એમના જીવન પર પ્રબળ અસર પાડી છે. શરદબાબુ અને રવીન્દ્રનાથ પણ ખરા. કૉલેજ મૅગેઝિનમાં એમની પ્રથમ કૃતિ પ્રગટ થયેલી - 'સંતનો જીવનપંથ'. એ પછી એમની ત્રણ રચનાઓ 'ભાવના’ શીર્ષક હેઠળ શ્રી રામનારાયણ પાઠકે 'પ્રસ્થાન'માં પ્રસિદ્ધ કરી, પરંતુ પોતાની પ્રથમ નોંધપાત્ર કૃતિ તેઓ 'પાથેય’ને ગણે છે, જે ‘કુમાર’ સામયિકમાં પ્રગટ થયેલી. શ્રી પિનાકિનનો એક જ કાવ્યસંગ્રહ પ્રગટ થયો છે-'આલાપ'. વ્યવસાયે ઝવેરી આ કવિની કવિતામાં પણ આકાર, સૌષ્ઠવ અને ચારુતાનો અચ્છો કસબ જોવા મળે છે. મિલન અને વિરહના ભાવને નિરૂપાતાં પ્રણયનાં; કુટુંબ, મિત્ર અને રાષ્ટ્રપ્રેમનાં; વ્યંજનાભર્યા પ્રકૃતિસ્વરૂપોનાં અને નારીનાં કન્યા-વધૂ-માતા રૂપને વર્ણવતાં તેમ જ પ્રભુ પ્રતિની અભીપ્સાનાં કાવ્યો એ 'આલાપ'ની સંપત્તિ છે. એમાં વિશિષ્ટ રીતે જુદાં તરી આવે છે એમનાં ઊર્મિંગૂંથ્યાં ગીતો. ‘આલાપ' મુંબઈ રાજ્યનું પારિતોષિક પામેલ છે. આ કવિએ કવિતા ઉપરાંત નૃત્યનાટિકાઓ લખી છે અને નાટ્યરૂપાંતરો પણ કર્યા છે. આકાશવાણી પરથી એમનાં અનેક સફળ નાટ્યરૂપાંતરો અત્યાર સુધીમાં રજૂ થઈ ચૂક્યાં છે. એમનાં નાટ્યરૂપાંતરો, કાવ્યો વગેર 'રાગિણી’ના ત્રણેક ખંડમાં પ્રગટ થવામાં છે. શ્રી પિનાકિન કવિલોક, લેખકમિલન, સાહિત્ય પરિષદ, બુધ કાવ્યસભા, ભારત કલા મંડળ, ગુજરાત પ્રકૃતિ મંડળ, રાઇફલ એસોસિયેશન અને ગુજરાત વિદ્યાપીઠ સાથે સંકળાયેલા છે, અને નગરની સાંસ્કારિક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લે છે. અમદાવાદ બુધ કાવ્યસભા તરફથી પ્રથમ કવિતાસત્રની યોજના મિત્રોના સહકારથી એમણે ખંત અને પ્રેમપૂર્વક પાર પાડેલી.

કૃતિઓ
૧. આલાપ : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૫૨.
પ્રકાશક : પોતે.
૨. આલાપ (સંવર્ધિત) : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૬૧.
પ્રકાશક : વોરા એન્ડ કું., મુંબઈ.
અભ્યાસ-સામગ્રી :
'આલાપ'નો પ્રવેશક 'સુન્દરમ્' (સંવર્ધિત આવૃત્તિમાં)જુઓ 'અવલોકના.’
રાષ્ટ્રવાણી, નવેમ્બર, ૧૯૫૩; જન્મભૂમિ ૧૮-૧૨-૧૯૫૨; જયહિંદ ૧૧-૫-૧૯૫૩; શિક્ષણ અને સાહિત્ય, નવેમ્બર ૧૯૫૨; પ્રજાબન્ધુ ૧૫-૨-૫૨; આકાશવાણી, ૬-૨-૧૯૫૩ (ગ્રંથનો પંથ-શ્રી પીતાંબર પટેલ).

સરનામું : પંચશીલ સોસાયટી, ઉસમાનપુરા, અમદાવાદ-૧૪.