સોનાની દ્વારિકા/વીસ

From Ekatra Wiki
Revision as of 04:37, 25 June 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

વીસ

રસીલા મુંબઈથી આવી એના બરાબર નવમા મહિને લલિત જન્મ્યો. સખપર આવી એ જ રાત્રે એણે પૂરી આક્રમકતાથી જાદવજીનાં એકેએક અંગને પૂરા બ્રહ્માંડની સફર કરાવી હતી. જાદવજીને ઊંડે ઊંડે થતું હતું કે આ મેં મોકલેલી એ રસીલા નથી. આ તો જાણે પોતાની સાંસારિક આધ્યાત્મિકતાને અભડાવનારી કોઈ માયાવી અપ્સરા હોય એવું એને લાગ્યું. પણ, ઘણા લાંબા સમયે આવી છે એટલે પ્રેમનો ઊભરો આવ્યો હશે એમ ધારીને મન મનાવ્યું. લલિત જન્મ્યો કે તરત બધાંનું એવું કહેવું હતું કે ‘ઈના કાકા ઉપર જ્યો સે...’ જેના ને તેના મોઢે આ એકની એક વાત વારંવાર સાંભળીને જાદવજીનો અંતરાત્મા કોચવાતો. એના શરીરમાં એક લખલખું ફરી વળતું. એની છઠ્ઠી ઈન્દ્રિય સતત સળવળતી ને સળગતી રહેતી. વારે વારે એનું મન ચગડોળે ચડતું. લલિતના અવતરવાને એ કોઈ પણ રીતે સ્વીકારી શકતો નહોતો. એક બાજુ દુલાને કામનો પાર નહોતો તોય ગમે તે બહાને ચાર મહિનામાં ત્રણ વાર આવી ગયો. ભાઈ આવે એ કોને ન ગમે? પણ, જાદવજીને દુલો સ્વાભાવિક નહોતો લાગતો. દુલાના ચહેરા ઉપર કળી ન શકાય એવી અમૂંઝણ તરવરતી રહેતી. જાદવજીની સામે જુએ તોય એની આંખમાં જાણે કોઈ ભાવ નહોતો આવતો. એને કંઈક કહેવું હતું, પણ કહે કોને? લલિત માટે ઢગલોએક રમકડાં, કપડાં અને બધાં માટે કંઈ ને કંઈ લાવેલા દુલાની એક પણ વસ્તુનું જાદવજીને આકર્ષણ થતું નહીં, બલકે વિતૃષ્ણા થતી જતી હતી. શાંતિ મેરાઈની અનુભવી આંખને પરિસ્થિતિ સમજતાં વાર ન લાગી. એમની પાસે સિલસિલાબંધ વિગતો નહોતી એટલું જ. વાત બહાર પડે તોય ઘર ગધેડે ચડે અને રસીલા એવી હોંશિયાર કે વાતનું વતેસર કરીને ડોસાના ધોળામાં ધૂળ નાંખ્યા વિના ન રહે. ડોસા અંદર ને અંદર સોરવાતા રહ્યા. આખો દિવસ છોકરાને રમાડે. મંદિરે જાય… ચોરાના ઓટલે ટેકો દઈને પગ ઉપર પગ ચડાવીને બેઠા રહે. આજુબાજુ છોકરા રમતા રહે. ચોવીસ કલાકની બેચેનીએ એમને ડંખ દીધો હતો. કેમેય એમનો દિવસ ન જાય. જાદવજીને તો એવું કે એ ભલો ને એનો સંચો ભલો. એક દિવસ સવારના પહોરમાં ઘરની બહાર ઓટલે બેસીને લલિતને કાગડો દેખાડતાં દેખાડતાં જ શાંતિ ડોહા ઢળી પડ્યા. ગામ આખું ભેગું થઈ ગયું. કોઈ કહે પવન આવવા દો! કોઈએ પંખો નાંખવાનું શરૂ કર્યું. કોઈ વળી પાણીનો લોટો ભરી આવ્યું. ડોહાના મોઢામાં થોડુંક પાણી રડ્યું પણ અંદર ઊતર્યું નહીં... જાદવજી તો વહેલી સવારે જ કોઈના ઘરે સીવવા ગયેલો. સમાચાર સાંભળીને દોડતો આવ્યો અને જોયું તો બાપાના દેહમાં રામ નહીં! એમણે લાંબી વાટ પકડી લીધી હતી. એણે મનમાં ને મનમાં ભજન ઉપાડ્યું... ‘ઊડી ગયો હંસ પિંજર પડી તો રહ્યું..… મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું!’

તળાવની પાળે સ્મશાનછાપરીમાં ડોહાના દેહને જાદવજીએ દેન દીધી ત્યારે એને લાગ્યું કે પોતાનો જલમધરમ પૂરો થઈ ગયો છે. જાદવજી ઠૂંઠવો મેલી મેલીને રડ્યો ત્યારે એને એકલું બાપાના જવાનું દુ:ખ નહોતું. સંસારભરના સાક્ષાત્કારની પીડા એમાં ભરી હતી. બાપાના કારજ વખતે આવેલો દુલો પંદરેક દિવસ રહ્યો. પોતે બધી જવાબદારી ઉપાડી લીધી. બાપા પાછળ જે કંઈ કરવું પડે તે બધું જ કર્યું. બેનું-દીકરિયુંને દાન-દખૈણાથી માંડીને ગાયોને ઘાસ અને કૂતરાંઓને રોટલા, કોઈ વાતે કમી ન રાખી. જરૂર જણાય ને જાદવજીને કંઈ પૂછવા જાય તો કહે— ‘તું ને તારી... ભાભી કહેતાં એની જીભ થોથવાણી, પછી કહ્યું. ‘તમને બધાંને જીમ ઠીક લાગે ઈમ કરો....’ પોતે જાણે આ ઘરનું માણસ જ ન હોય એમ જાદવજી બધાં સાથે વર્તતો. વ્યવહાર-સંસારનાં કામ કરે, પણ એમ લાગે કે એ બધે હાજર હોવા છતાં સાવ ગેરહાજર જ છે. એક દિવસ વહેલી સવારે પોતે દિશાએ જઈને આવ્યો. ડબલું મૂકીને હાથ ધોતો હતો અને એની નજર ઓરડા તરફ ગઈ. એમ લાગ્યું કે આખું બ્રહ્માંડ બમણી ગતિએ દોડી રહ્યું છે. રસીલા અંદર સૂતેલા દુલાને જગાડતી હતી. એને તો ખબરેય નહોતી કે જાદવજી આવી ગયો છે. બસ, એ ક્ષણે જ જાદવજીને લાગ્યું કે એ દુલાને નહીં, ખરેખર તો મને જગાડી રહી છે, સંસારનિદ્રામાંથી. અજ્ઞાનનિદ્રામાંથી. મનમાં કંઈક ગાંઠ વાળી. નાહીધોઈને કામે જતાં પહેલાં રોજની જેમ હાથમાં કાતર લીધી. પિત્તળના અંગુઠ્વાળી લાંબી ધારદાર કાતર! એના મનમાં એક દૃશ્ય ભજવાયું. દુલાના ચહેરા પર ઝૂકેલી રસીલાની પીઠમાં કાતરના ઘા! ઉપરાઉપરી, એક-બે-ત્રણ- ચાર-અસંખ્ય... લોહીની વહેતી નદી... દુલો ઊભો થવા ગયો તો એની ડોક ઉપર કાતર જાણે આપોઆપ ઊંડા ઘા કરતી હતી, પણ પોતાનો હાથ ક્યાંય એને દેખાતો નહોતો. જાદવજીને ચક્કર આવી ગયાં. એને થયું કે શીદ આવાં પાતક વહોરવાં? કોઈને મારવા કરતાં જાતે મરીને અમર કેમ ન થવું? એની જીભે આવીને અખૈયો બેસી ગયો : ‘જિયાં રે જોઉં તિયાં નર જીવતા, મરેલા ન મળે કોઈ; પણ મરેલાને જો મરેલા મળે, તો એને આવાગમન નો હોય... મડદું પડ્યું મેદાનમાં, કોઈના કળ્યામાં નો આવે; કામ ક્રોધ ને ઈર્ષ્યા, ઈ તો ત્રણેને ખાઈ જાવે... મડદાનો ખેલ મેદાનમાં, એને કોઈ રતિભાર ચાખે, એક રે અક્ષરનો અનુભવ કરી, એને રૂદિયામાં રાખે… એ જીવતા માણસને જોખમ ઘણાં, મરેલાંને કોણ મારે? જોખો મતિ ગ્યો એના જીવનો, ઈ તો આવતા જમ પાછા વાળે! મન રે મારીને મેંદો કરે, ગાળીને કરે એનો ગોળો ભૂતનાથ ચરણે ભણે અખૈયો… જેણે લીધો સંતનો ઓળો!’ વાત પૂરી! માથું લેવા કરતાં તો માથું દઈ દેવું! જાદવજીએ માંડ માંડ જાત સંભાળી. લાગ્યું કે એના માટે ત્રિભુવનનાં દ્વાર ખૂલી રહ્યાં છે, સદેહે નવા ઘરમાં જઈ રહ્યો છે. એ ખરેખર ભાનમાં આવ્યો ત્યારે દુલો દાતણ લઈને ઓટલા તરફ જતો હતો ને રસીલા ચૂલે ચા મૂકતી હતી. જાદવજીએ રોજની જેમ જ કામે જવા પગ ઉપાડ્યા. રસોડેથી અવાજ આવ્યો: ‘એ પશ્યાના બાપા ચા પીન જાજ્યો...’ જાદવજીના પગ થંભી ગયા. કાતર હાથમાં ને એના પગ અટકી ગયા. જમણો પગ ઉંબરની બહાર જેર ઉપર અને ડાબો પગ ઘરની અંદર! બસ એ જુગ જેવડી એક જ પળમાં એણે નિર્ણય કરી લીધો! હળવે રહીને ડાબો પગ ઉપાડ્યો અને બંને પગને પૃથ્વીની પરસાળે ઠેરવ્યા. થોડી વારમાં દુલો મોઢું લૂછતો લૂછતો બહાર આવ્યો ને જાદવજીની પાસે આવીને બેઠો. રસીલા ત્રણ રકાબી અને ચાનો લોટો લઈને બહાર આવી. એય બેઠી. રકાબી મોંઢે માંડતાં દુલો કહે— ‘ભઈ! હું હવે મુંબઈ જઉં છું. પશ્યાનેય હાર્યે લેતો જઉં છું. ત્યાં ઈને કામે વળગાડી દઈશ હવે તમારે ઈની ચિંતાફિકર નહીં!’ જાદવજીએ એની આંખમાં જોયું. એને લાગ્યું કે દુલો પણ અણકથ પીડા ઢબૂરીને બેઠો છે. નાનપણમાં એને પોતાનાં રમકડાં-કપડાં આપી દેતા જાદવજીને દુલા ઉપર પહેલાં જેવું જ હેત ઉભરાયું. દુલો એક નવું રમકડું માગે છે એવો ભાવ જાગ્યો. રાજા ભરથરીની સાથોસાથ જેસલ-તોરલ અને સાસતિયાની વાર્તા એના ચિત્તમાં ઘૂમરાવા લાગી. એને થયું કે યુગો થયા આ એક અમરફળ કેવા કેવાના હાથમાં ફરતું રહ્યું છે! હજી સુધી કોઈ એને ખાઈ શક્યું નથી ને હવે તો એ અમરફળમાંય ઈયળો પડેલી દેખાય છે. જાદવજી ખિન્ન થઈ ગયો. રસીલા સતી તોરલની તોલે તો ક્યાંથી આવે? ને દુલોય વળી ક્યાંનો જેસલ? અને પોતે તો સાસતિયા કાઠીના પગની રજ થવાનેય લાયક નથી! યુગ બદલાય છે, પણ આ એક બાબતે સમય જાણે થંભી ગયો છે. પાત્રો બદલાતાં રહે છે, પણ આકર્ષણ અને વૃત્તિ તો એની એ જ! હાથમાં પકડેલી કાતર ઉપરની પક્કડ ઢીલી થઈ ગઈ. ક્યાંય સુધી બેસી રહ્યાં ત્રણેય જેર ઉપર. ન કોઈ બોલે ન કોઈ ચાલે. ત્રણેયનું મૌન એકબીજા સામે છોભીલું પડતું હતું. અચાનક એક ઝાટકે જાદવજી ઊભો થયો અને દુલાને કીધું કે- તારે એમ નથી જાવાનું… લલિતની માને અને લલિતનેય લેતો જાજે. હું તો ભગવાન હુજાડશે ઈમ રોડવી લઈશ. આજથી આ બધાં તને હોંપ્યાં...’ પાછું વાળીને જોયા વિના જ જાદવજીએ ઊભી બજારે ચાલવા માંડ્યું. કોઈ કંઈ બોલી શકે એમ હતું નહીં. આખું ઘર મૌનના ભાર તળે દબાઈ ગયું હતું. રસીલા અને દુલો બંને જાણતાં હતાં કે એકબીજાં વિના રહેવાનું અશક્ય છે ને તોય આમ જાદવજી હપૂચી માયા મેલી દે એય એમનાથી સહન થતું નહોતું. ધીરે ધીરે બન્ને છોકરાઓને જગાડ્યા તૈયાર કર્યા. મુંબઈનો સામાન બાંધવા માંડ્યો. અંધારપછેડો ઓઢીને નીકળે એમ, ભરબપોરે ઘરે અમથી સાંકળ ચડાવીને બધાં નીકળી ગયાં. રાત્રે ભેંકાર ઘરમાં ખાટલીએ પડેલા જાદવજીએ જોયું તો દીવાલની ઉપરના નાના એવા જાળિયામાંથી પ્રકાશનો પુંજ આવી રહ્યો હતો. પોતે નક્કી કર્યું કે હવે પછી આ શેરડો જે દેખાડશે એ મારગે જાશે. અચાનક અવાજ સંભળાયો : ‘જાદવજી! તારો સમય હવે પાકતો આવે છે. આ બધી તો આંકણીતાવણી છે. વખત આવ્યે બધું શમી જશે. આમાંથી પાર ઊતર એટલે તારા આત્માનો ઉદય થશે...’ એક ક્ષણ જાદવજીને લાગ્યું કે ત્યાં દીવાલમાં ખરેખર કોઈ છે. એ ઊભો થઈ ગયો. દીવાલે જઈને હાથ ફેરવ્યો, પણ અવાજને દેહ નહોતો. ભોંઠો પડીને પાછો ખાટલીમાં આવી પડ્યો. બીજી પળે જોયું તો કશું નહીં! એને એમ પણ થયું કે આ તો પોતાનો જ અવાજ હતો કે શું? કદાચ ભ્રમણા પણ હોય એમ વિચારીને પડી રહ્યો. માંડ માંડ સવાર પડી. જાણે એક સ્વપ્ન પૂરું થઈ ગયું હતું. જાદવજીનું રૂંવાડુંય ગામમાં ટકતું નહોતું. પણ જાય ક્યાં? ઘણા લાંબા સમય પછી દુલાનો કાગળ આવ્યો કે- ‘તમે ધારતા હશો કે અહીં અમે લીલાલહેર કરતાં હઈશું. પણ, ભાભી આયાં આવીને એક અઠવાડિયામાં જ કોઈને કહ્યા વિના ક્યાંક નીકળી ગઈ છે. પરસોતમ અને લલિતને અહીં મૂકીને ગઈ એ ગઈ પછી પાછી આવી નથી. છોકરાઓ ‘મા. મા…’ કરે છે, પણ તમે ચિંતા ન કરશો. હું મારા જીવના ભોગે પણ બેયને સાચવી લઈશ. હું જાણું અને સમજું છું ત્યાં લગી ભાભીનો પતો જડે ઈ વાતમાં માલ નથી.... હશે જેવી ઉપરવાળાની મરજી. તમે શરીર સાચવીને કામકાજ કરજો..’ જાદવજી દુલાનો કાગળ પૂરો ન કરી શક્યો. છેલ્લે જે ઘરે કામ ચાલતું હતું એય પરાણે પૂરું કર્યું. ઘરે પાછો આવ્યો, એ પછી સંચો ક્યારેય બહાર નીકળ્યો નહીં. જાદવજી કાં તો ભજન ગાય કાં તો ચોધાર આંસુએ રોવે! ગામને થયું કે નક્કી ગાંડો થઈ જશે કાં આપઘાત કરશે! એટલે સહુ આડોશીપાડોશી એનું ધ્યાન રાખવા માંડ્યાં. ગમે તેના કોઈ એક ઘરેથી એનો રોટલો પહોંચી જાય અને એમ જાદવજીનું ગાડું ગબડે... કોઈ રસીલા કે છોકરાઓને યાદ કરાવે ત્યારે જાદવજી આટલું જ બોલે : ‘જો ભઈ! પુન્યમાં ને પાપમાં ભાગીદારી નો હોય! ઈ તો જેવાં જેનાં કરમ! આપડે તો હવે આત્મકલ્યાણના મારગે જ હાલવાનું સે ઈમ નક્કી થાતું આવે સે...’ થોડા દિવસમાં તો જાદવજીએ એવું કરવા માંડ્યું કે આખું ગામ અચંબામાં પડી ગયું. ઘરવખરી જે હતી તે ગરીબગુરબાંને આપવા માંડી.... જે જરૂરિયાતવાળું આવે એ ખાલી હાથે ન જાય! હરજીવન મેરાઈના દીકરા હસમુખને બોલાવીને સંચો, કાતર, બોબીન-કોકડીઓ, માપપટ્ટી, નખલી, સોય-દોરા ને ઊંજવાના તેલની કુંપી સિખ્ખે જે હતું તે બધું આપી દીધું. થોડાંક વાસણો હતાં એય આપવા માંડ્યાં. ઘરમાંથી રોજ બે-ચાર વાસણ ઓછાં થવા માંડ્યાં. પાડોશીઓ ભેગાં થયાં ને જાદવજીને વારવા લાગ્યાં. કહે કે— ‘આમ ને આમ બધું દીધા કરશો તો વાંહે રે’શે શું? ઘરે ઘરે ભીખ માંગવાનો વારો આવશે!’ જાદવજી સંત જેવું મર્માળુ હસીને કહે, ‘આપડે ચ્યાં ઉપરથી લઈન આઈવા’તા?’ એમ કહીને એ તો ભજન ગાવા મંડાણો : ‘ગંગા ને યમુના મારા પગ રે પખાળે ને બસ્તી લાવે દૂધભાતા રે…!’ એમ કરતાં કરતાં બધું આપી દીધું. છેલ્લે પાણી ભરવાનું પિત્તળનું એક બેડું બચ્યું હતું. બાકી ઘરના ચારેય ખૂણા સરખા કરીને જાદવજી બેઠો હતો. રાત્રે ઘર ઉઘાડું ફટ મૂકીને ઓસરીમાં પગ લાંબા કરીને માટીની ગાર્ય ઉપર સૂતો ત્યારે એને લાગ્યું કે જાણે પોતે જ કરેલા સાથરે સૂતો છે. હવે જાદવજી આ ધરતી પર નહોતો. ગગનના ગોખમાં એનાં બેસણાં થઈ ચૂક્યાં હતાં. પડ્યા ભેગી જ નીંદર આવી ગઈ. પરોઢ થવાને હજી વાર હતી ને ઊંઘમાં જ એને લાગ્યું કે ઘરમાં કોઈ સ્ત્રી પ્રવેશી રહી છે.... એ બબડ્યો... ‘કુંણ સે આવાં ટાણે?’ ‘તારી મા... બચી!’ ‘હેંએંએંએં? મા? તું અટાણે ચ્યાંથી?’ ‘બધું કૃષ્ણાર્પણ કરીન તો બેઠો સું, તો ઈમ કર્ય, હવેં ઝાઝું શેટું લાગતું નથી પુતર! જોગ લઈ લે... અટલ્યે હંધાય લપસિંદર સૂટે...’ ‘માડી! જોગ તો અબઘડી લઈ લઉં… પણ કો’ક એવો ગુરુ મળે ને દીક્ષા આપે. બસ ઈની જ રાહ સે..!’ ‘મેં તને જલમ આઈપો તાંણે જ એક સાધુએ કીધેલું કે, મા આ તારા હાથે જ દીક્ષા લેશે!’ ‘હવેં ઈમ કર્ય... હવારે ઊઠીન જે પે’લું જડે ઈને આ ભરેલું બેડું દઈ દે! અને તારા હાથે જ ભગવાં પે’રી લે ભઈ! ચૂલાના આગમણમાં જે રખ્યા સે… ભર્ય ઈને કપાળે.... હું તારી જણેતા મા તને અટાણે જ વચનદીક્ષા દઉં સું... આ ભવમાં તારે ગરુ કરવાનો નંઈ રે... હું જ તારો ગરુ.. હવારે ગરનારનો મારગ ઝાલી લે મારા પુતર! દત્તબાવો તારી વાટ જોવે સે...’ ‘મા... મા...’ કરતો જાદવજી ઊભો થઈ ગયો... હવામાં બાચકા ભર્યા પણ મા તો હવા થઈ ગઈ હતી... સવારે ગામ જાગ્યું ત્યારે જાદવજીના ઘરનાં ભીંતડાં એકબીજા સાથે વડચકાં કરતાં હતાં. ફળિયામાં એક-બે કૂતરાં આંટા મારતાં હતાં. એક કૂતરીએ તો ઓયડાની ગાર્ય ખોદી કાઢીને બખોલ કરી નાંખી હતી. આખી શેરીનાં લોક ભેગાં થઈને કહેતાં હતાં- ‘જાદુભઈનું તો ઘણા ટેમથી સટકેલું જ હતું... તે ઈ હવે હાથ્ય નો આવે...!

***