સોનાની દ્વારિકા/ત્રેવીસ

From Ekatra Wiki
Revision as of 04:49, 25 June 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search

ત્રેવીસ

કાંતાબહેને ઊભાં થઈને પાણી પીધું. કાનજીભાઈ હોત તો તરત કહ્યું હોત : ‘તમે પાણી પીઓ છો એનો ઘૂંટડોય ગળામાં દેખાય છે!’ વિચારમાત્રથી પણ પોતાનું હસવું ન રોકી શક્યાં. સાંજે રસોઈમાં શું બનાવવું એનો વિચાર કરતાં હતાં. પણ અંદરથી એમ થયું કે એ આવે પછી જોઈશું. કદાચ છે ને જમીનેય આવે. કંઈ ઠેકાણું નહીં! તો પછી શું કરવું? એવું વિચારતાં હતાં ત્યાં યાદ આવ્યું. એમના લેંઘાની નીચેની પટ્ટીઓના દોરા નીકળી ગયા છે. લાવ અત્યારે જ હાથસિલાઈ કરી લઉં! એ ઊભાં થયાં. સોયદોરો હાથમાં લીધો અને પાછું એમનું મન અલિયાબાડા પહોંચી ગયું. આ રીતે ફરી ફરી વાર કાનજીભાઈને અનુભવવાનું એમને ગમતું હતું. શિબિરમાંથી નીકળતી વખતે બધાંને સંસ્થામાં ઊગેલાં જમરૂખ આપવામાં આવ્યાં હતાં. કાનજીભાઈની થેલી પુસ્તકો, કપડાં અને કાગળોથી ભરચક હતી. એમાં આ જમરૂખે પરાણે જગ્યા કરી. ઠાંસી ઠાંસીને બધું ભર્યું હતું! જેવા થેલી ઊંચકવા ગયા કે નાકું તૂટી ગયું. હવે? કાનજીભાઈએ તો બેય નાકાં ભેગાં કરીને ત્રિવેણીસંગમ જેવી ગાંઠ મારી દીધી. પણ કાન્તાબહેનથી ન રહેવાયું. કહે કે— ‘હજી તો નીકળવાને ઘણી વાર છે. લાવો હું સાંધી આપું!’ એમ કહીને સીધાં જ એક શિક્ષકના ઘરમાં જઈને સોયદોરો માગી આવ્યાં. નીચે જમીનમાં જ થેલી ઊભી રાખીને વાંકા વળીને એમણે બેવડા દોરે મજબૂત ટાંકા લઈ દીધા. બીજું નાકું પણ બરાબર છે કે નહીં તે પણ જોઈ લીધું. ઊભાં થઈને જુએ તો આજુબાજુ બધાં મૂર્તિની જેમ સ્થિર થઈ ઊભાં રહી ગયેલાં! એમના ચહેરા ઉપર શરમના શેરડા ફૂટી આવ્યા એ કાનજીભાઈએ જોયું. આભાર માનીને થેલી લઈ લીધી. બધાં ચાલતાં ચાલતાં મુખ્ય દરવાજે આવ્યાં. કેટલાંકને સુદામાપુરી જોવા જવું હતું તો કેટલાંકને સોમનાથ. એટલે જામનગર સુધી બધાંને વાહનમાં મોકલવાની વ્યવસ્થા સંસ્થાએ કરી આપી. જામનગરથી બધાં છુટ્ટાં પડવાનાં હતાં. બે મેટાડોર ઊપડી. રસ્તામાં બધાંએ મન ભરીને ગીતો ગાયાં. જામનગર પહોંચ્યાં અને સહુએ પોતપોતાનો સામાન સંભાળ્યો. થોડી વારમાં જ બસસ્ટેન્ડ ઉપર, સત્તાવારના વિદાય સમાંરભ પછીનો વિદાય સમારંભ શરૂ થયો. સરનામાંની આપ-લે. આવજો…… આવજો… કાગળ લખજો... હસ્તધૂનન... આલિંગન તો વળી ક્યાંક ભીની આંખો… મનમાં દેશ માટે નવાં સપનાં, નવાં કામોનાં આયોજનો અને અકળ એવા ભવિષ્ય સામે બાથ ભીડવાની તૈયારી વગેરે મિશ્ર મનોભાવોનો ભરાયેલો મેળો વિખરાઈ રહ્યો હતો. બધાં એટલાં બધાં ભાવુક થઈ ગયાં હતાં કે છૂટવું ખરેખર અઘરું થઈ ગયું હતું. કાનજીભાઈ અને કાન્તાબહેન શાંતિથી ઊભાં ઊભાં એક પછી એક, જેમની જેમની બસ આવે તેમને વિદાય આપી રહ્યાં હતાં. એ બંનેને અમદાવાદ જવાનું હતું અને એમની બસને વાર હતી એટલે નિરાંતમાં હતાં. કાન્તાબહેન અમદાવાદથી સીધાં જ મુંબઈ જવાનાં હતાં. રવિવાર હતો એટલે પ્રમાણમાં ગિરદી ઓછી હતી. કાનજીભાઈએ થેલીમાંથી બે જમરૂખ કાઢ્યાં. બાજુમાં જ પાણી વાળી બાઈ બેઠી હતી. એની પાસેથી પાણી લઈને ધોયાં અને એક કાંતાબહેનના હાથમાં મૂકી દીધું. આપતાં આપતાં બોલ્યાય ખરા કે- ‘ગાંધીજીએ ફળને ધોઈને લૂછવાની ના પાડી છે એટલે એમ જ ખાઓ!’ ‘તમે બાપુને પૂછવા ગયા’તા?’ ‘હા, આપણે બધું બાપુને પૂછીને જ કરીએ!’ એક જાણીતો પ્રસંગ છે : ‘પ્રવાસમાં એક રેલવેસ્ટેશને કોઈએ બાપુને સફરજન ખાવા આપ્યું. તો બાપુએ પૂછ્યું : ‘ધોયું છે?’ પેલા ભાઈ નળના પાણીથી ધોઈ આવ્યા અને ખિસ્સામાંથી રૂમાલ કાઢીને લૂછી પણ આપ્યું. એમને એમ કે બાપુને ભીનું સફરજન ન અપાય. તો બાપુ કહે કે, ‘આ તમે ચોખ્ખું કર્યું કે વધારે ગંદુ?’ ‘આ જાણ્યું, એ દિવસથી આપણે પણ ફળને લૂછતા નથી!’ કાંતાબહેનને વાતમાં અને ખાસ તો એમની કહેવાની રીતમાં મજા પડી ગઈ. બંનેએ રસદાર જમરૂખ ખાધાં. થોડી વારમાં બસ આવી. સામાન છાજલી ઉપર મૂકીને ડાબી બાજુ બેની સીટમાં ગોઠવાયાં. કાંતાબહેનને બારી પાસે બેસાડીને પોતે બાજુમાં કંઈક સંકોચ સાથે બેઠાં. ટિકિટ ટિકિટ કરતો કંડક્ટર આવ્યો. ‘બે અમદાવાદ!’ કહેતાંની સાથે તીવ્ર ઝડપે કાંતાબહેને સો રૂપિયાની નોટ એના હાથમાં આપી દીધી. કાનજીભાઈને શું બોલવું એનો ખ્યાલ ન આવ્યો. હકીકત એ હતી કે એમનાં ખિસ્સામાં પોતાનાજોગા જ રૂપિયા હતા. એટલે ખોટો વિવેક કરવા જાય તો ખબર પડી જાય અને એકલા પોતાની જ ટિકિટ લે, તોય અવિવેક થાય એટલે ચૂપ રહ્યા. કંડક્ટરની બે ઘંટડી અને બસ ઊપડી. થોડી વારમાં હિસાબનું મેળવણું કરીને કંડક્ટરે બીડી સળગાવી. આખી બસમાં એની કડવી વાસ ફરી વળી. કાંતાબહેનને ઉધરસ આવી. સાડીનો છેડો મોઢા ઉપર દબાવી દીધો. કાનજીભાઈથી રહેવાયું નહીં. એકદમ ઊભા થયા ને કંડક્ટર પાસે ગયા. ‘બસમાં ધુમ્રપાન કરવાની સખ્ત મનાઈ છે.’ લખ્યું હતું એની સામે આંગળી ચીંધીને કહે- ‘વાંચો જોઈએ! આ શું લખ્યું છે?’ ‘ઈ તો હાલે બધું! તમે ન્યાં બેહી જાવ તો!’ એમ કહી કંડક્ટરે એક ઝટકા સાથે સીટ તરફ આંગળી ચીંધી અને બીડી સીટના પાટિયા સાથે અથડાઈ. ગલ ખરી પડ્યો એના પાટલુન પર! પાટલુનમાં નાનકડું કાણું પાડીને બીડી બુઝાઈ ગઈ! કંડક્ટરે સાથળ પર હથેળી ઘસી લીધી. કાનજીભાઈ ખડખડાટ હસી પડ્યા. હસતાં હસતાં કહે કે- ‘જોયું ને? નિયમ વિરુદ્ધ કરવા જઈએ તો આવું જ થાય!’ કંડક્ટર સાચે જ છોભીલો થઈ ગયો. કાનજીભાઈ પાછા જગ્યાએ આવી ગયા. કાન્તાબહેન ધીમે રહીને બોલ્યાં : ‘આમ શું દોડી જવાની જરૂર હતી? આ બધાને તો રોજનું થયું! ને મને કંઈ બહુ તકલીફ નહોતી. થોડી વારમાં ચાલ્યું જાત હવામાં બધું...’ આ ઘટનાનો પ્રભાવ એવો પડ્યો કે છેક અમદાવાદ સુધી કંડકટરે બસમાં બીડી ન સળગાવી. કોઈ બસસ્ટેન્ડમાં બસ ઊભી રહે ત્યારે પી આવે! કાંતાબહેને પૂછ્યું : ‘વિદ્યાપીઠમાં મજા આવે છે ભણવાની?’ ‘હા. બહુ મજા આવે. એક તો અધ્યાપકો બહુ સારા! દુનિયાભરની બારીઓ ખોલી આપે. મને તો ઉદ્યોગમાંય બહુ મજા આવે!’ ‘ઉદ્યોગમાં શું કરવાનું?’ ‘કાંતણ, વણાટ અને બાગાયત!’ ‘એમાં શું મજા આવે?’ ‘રેંટિયો વિચારોનું સૂત્ર તૂટવા ન દે અને વણાટ તેમ જ બાગાયત સંતોષ આપે. આ પહેરણનું કપડું મેં જાતે વણેલું છે!’ ‘અરે વાહ!’ કાન્તાબહેન રોમાંચિત થઈ ગયાં. સહજ રીતે જ એમનો હાથ પહેરણની બાંય પર ફરી વળ્યો અને કાનજીભાઈના રોમેરોમમાંથી વીજળી પસાર થઈ ગઈ. ‘શિક્ષણ વિશારદ થઈને શું કરવા ધારો છો?’ ‘પહેલાં તો ક્યાંક નોકરી લેવી પડશે ને?’ ‘હંઅ...’ ‘વિદ્યાપીઠ સુધી કેવી રીતે પહોંચ્યા?’ કાનજીભાઈને થયું કે આમને વારે વારે પ્રશ્નો ન કરવા પડે એટલે વિગતે જ વાત કરું. ‘રાણકપુર મારું ગામ.’ હજી આગળ કંઈ બોલે એ પહેલાં પ્રશ્ન આવ્યો : ‘એ ક્યાં આવ્યું? ‘ચોટીલાથી વીસેક કિલોમીટર થાય. માલધારીનો દીકરો એટલે નાનપણથી જ ગાયો-ભેંસો ને ઘેટાંબકરાં ચરાવવા જતો. આખા નેસમાં ભણવાનું તો કોઈ નામ જ ન લે. લખતાંવાંચતાં આવડે એટલા માટે માબાપે નિશાળે મૂક્યો, પણ રોજ જાવું એવું જરૂરી નહીં! કોઈ પૂછેય નહીં ને!’ ‘માલધારી’ શબ્દ સાંભળીને કાન્તાબહેન જરા વિચારમાં પડી ગયાં. પણ એમણે તરત જ જાત સંભાળી લીધી, કાનજીભાઈને ખબર ન પડે એમ. તરત બીજો પ્રશ્ન : ‘તો પછી આટલું ભણ્યા કેવી રીતે?’ ‘કહું છું ને! ઘરનાં તો બધાં મને માલમાં જ મોકલવા માગતાં હતાં. પણ મને એ ઘરેડિયા જીવનમાં મજા નહોતી આવતી. મને તો ભણવાનું ગમે. છાપાનો કાગળ હાથમાં આવી જાય એય છોડું નહીં. બધું જ વાંચી નાંખું. કંઈ નહીં તો છેવટે દુકાનનાં પાટિયાં! ક્યાંય પણ કંઈ લખ્યું હોય તે વાંચ્યા કરું. માસ્તરો મારામાં રસ લે. માસ્તરના ઘરે રોજ એક લોટો દૂધ આપવા જવાનું. તે એક દિવસ માસ્તરે પૂછ્યું કે ‘એલા કાનિયા, તું બે દિ’થી નિશાળે કેમ નથી આવતો?’ મેં કહ્યું કે – ‘માલમાં જ્યો’તો!” કાલે તારા બાપાને લેતો આવજે!’ બાપા તો કહે કે, ‘મારે કંઈ નથી આવવું નિશાળે! અને તારેય ભણવાની કોઈ જરૂર નથી. આટલાં બધાં ઢોરાં કુંણ ચરાવશ્યે?’ મેં જિદ કરી એટલે કહે કે, ‘તારી માને લઈ જાજે નિશાળે!’ મા બિચારી અભણ, પણ સમજણ ખરી. એને એમ કે કાનિયો ભણે તો સારું.... એટલે એ આવી. માસ્તરે સમજાવ્યું કે છોકરો ભણે એવો છે તો ભણાવો ને! આમ ડોબાં ચાર્યે શું દિ’ વળવાનો?’ માના મગજમાં વાત બેસી ગઈ કે કાનિયાને ભણાવવો! સાત ધોરણ તો રાણકપુરમાં જ કર્યાં. વળી પાછું આવ્યું કે હવે નથી ભણવાનું! હું એકલો એકલો રડ્યા કરું. મારે ભણવું હતું ને બાપાને એમ કે આ માલધારી બને. માતાજીનો ભૂવો થાય! બહુ મૂંઝવણ થઈ છેવટે એવું નક્કી કર્યું કે ભલે ઘર છોડવું પડે પણ ભણીશ તો ખરો જ. પછી તો હું કોઈને કીધા વિના જ, ઊંઘતી માનું મોઢું જોઈને નીકળી પડ્યો. આવ્યો સાયલા. લાલજી મહારાજની જગ્યામાં ઓટલે પડ્યો રહું. સળંગ બે દિવસ ત્યાં જમ્યો એટલે મહંતબાપુએ પૂછ્યું : ‘ક્યાંથી આવ્યો છો?’ ‘રાણકપુરથી...’ ‘ભાગીને આવ્યો છો?’ ‘હા.’ ‘ચ્યમ ભઈ?’ ‘મારે ભણવું છે પણ ઘરનાં ભણવા દેતાં નથી એટલે...!’ બે દિવસમાં તો બધાંએ મને ગોતી નાંખ્યો. મહંતબાપુ વચ્ચે પડ્યા. કહે કે, ‘છોકરાને ભણવું છે તો આડા ન આવો. અહીં જગ્યામાં રહેશે અને હાઈસ્કૂલમાં ભણશે. તમારાથી થાય એટલું કરજ્યો.... બાકીનું લાલજી મા’રાજ દેશે...’ ‘અને એમ મેં મેટ્રિક પાસ કરી. હું ભણવામાં હોશિયાર અને સારા માર્ક્સ આવે એટલે મહંતબાપુ ખુશ થાય. રોજ રાત્રે મારે એમના પગ દબાવવાના. બીજું તો કોઈ નહીં, પણ મા બહુ યાદ આવે. રાત્રે સૂતો સૂતો રડ્યા કરું. ક્યારેક મા કોઈની સાથે જાદરિયું કે એવું કંઈક ખાવાનું મોકલે. ઘર બહુ જ સાંભરે ખાસ તો મારી ગાયો અને ભેંશો. માલધારીનું લોહી એમ કંઈ પોતાનો માલ ભૂલે? ઘણી વાર ઊંઘમાં મને ઢોરઢાંખરની ગંધ આવે! પણ મેં નક્કી કર્યું છે કે કંઈક કરી બતાવવું એ પછી જ ગામમાં પગ મૂકવો. ‘તો પછી ગ્રેજ્યુએશન ક્યાં કર્યું?! ‘શરૂઆત મુંબઈમાં... જો કે એ છોડી દીધેલું. પછી તો વિદ્યાપીઠમાં જ નવેસરથી..’ મુગ્ધભાવે મીઠી ફરિયાદ કરતાં હોય એમ કાન્તાબહેન પૂછી વળ્યાં : ‘તો પછી આપણે મુંબઈમાં કેમ મળ્યાં નહીં?’ કાનજીભાઈ હસી પડ્યા. ‘ઓહોહો! એ વખતે આપણે એકબીજાંને ક્યાં ઓળખતાં’તા? ને ઓળખતાં હોઈએ તોય કીડિયારાંની નગરીમાં ક્યાં પતો લાગે? તમે તો એવી વાત કરો છો... જાણે મુંબઈ એટલે રાણકપુર! જ્યાં ગામના લોકો માણાહને તો શું પણ પાણાનેય ઓળખતા હોય! અને આ તો કેવડી મોટી મુંબઈ! એમાં આપણો ક્યાં મેળ પડે?’ ‘હા હવે, એટલી તો ખબર છે! આ તો જરા અમસ્થી જ કહું છું...’ ‘ક્યારનોય હું એકલો જ બોલ બોલ કરું છું, તમે તો કંઈ બોલતાં નથી. કંટાળો આવતો હશે… ચાલો બીજી વાત કરીએ! તમે કંઈક કહો...’ ‘ના! મારે તો તમારી જ વાતો સાંભળવી છે…’ પહેલી વાર આંખમાં આંખ પરોવીને કહ્યું, ‘તમે બોલો! બધુંય બોલો! જે કોઈનેય ન કહ્યું હોય, એ બધું જ બોલો. મારે એ જ સાંભળવું છે...’ સાયલામાં મારો એક મિત્ર. નામ એનું ચિત્રસેન. અમે બંને સાથે ભણીએ. એના બાપુજી લક્ષ્મીકાન્તભાઈ બે જિનના માલિક. રોજ લાલજી મહારાજનાં દર્શને આવે. મહંતબાપુએ મારી વાત કરી ને કહ્યું કે, ‘છોકરો છે તો ભણે એવો, પણ ક્યાં મૂકવો? તમારા ચિત્રસેનની ભેગો જ ભણે છે.’ ‘હું વિચારીને પછી તમને કહીશ. ચિત્રસેનને તો અમે મુંબઈ મૂકવાનું નક્કી કર્યું છે. ત્યાં આપડી બે રૂમ ખાલી છે. તે ત્યાં રહેશે અને મારી બહેન બાજુમાં જ રહે છે એને ઘેર જમશે. પણ આ કાનિયાનોય પ્રશ્ન વિચારવા જેવો તો ખરો જ!’

‘થોડા દિવસમાં એવી વ્યવસ્થા થઈ કે મારે અને ચિત્રસેને સાથે જ મુંબઈ જવું. મારો ભણવાનો ખર્ચ અડધો મહંતબાપુ આપે અને અડધો ચિત્રસેનના બાપા. એમ હું મુંબઈ ગયો. પણ ત્રણ-ચાર મહિનામાં તો મરવા જેવો થઈ ગયો. દરિયાની હવા મને માફક ન આવી. એવાં તો શરદી ઉધરસ વળગ્યાં... એમ થયું કે ક્યાંક ટી. બી. લાગુ ન પડે! બિસ્તરા બાંધ્યા ને ડેલીએ હાથ દઈને પાછો આવ્યો. એમાંને એમાં એક વરસ તો બગડ્યું. છેવટે અમારી હાઈસ્કૂલના શિક્ષક બાલકદાસ દૂધરેજિયાએ હાથ પકડ્યો. ચિઠ્ઠી લખીને મોકલ્યો વિદ્યાપીઠ. પ્રવેશ અને સ્કોલરશીપ બંને મળ્યાં. વધારામાં હું ટ્યૂશન પણ કરું... અને એમ ગાડું ગબડતું થયું, તે હવે આ શિક્ષણ વિશારદ સુધી પહોંચશું!’

‘વિશારદનું તો હમણાં પૂરું થઈ જશે. પછી?’ કાન્તાબહેને ઉત્સુકતાથી પૂછ્યું. ‘સમાજનું કામ કરવું હશે તોય પેટ તો ભરવું જ પડશેને? અને પેટ ભરવા માટે આછીપાતળીયે નોકરી તો કરવી જ પડશે ને? જોઈએ કુદરત ક્યાં લઈ જાય છે એ!’ ‘હા, પણ તમે જે સપનાં જુઓ છો, અનાથ બાળકો અંગે કામ કરવાનાં... એ અને નોકરી આ બધું કેવી રીતે થશે?’ ‘ભગવાન જાણે! જુઓ કાન્તાબહેન! અત્યારે તો ઊભાં રહેવાનીય કોઈ જગ્યા નથી. વળી જીવનનો મેં કોઈ નકશો નથી વિચાર્યો. મનમાં પ્રબળ સંકલ્પ છે તો ક્યારેક ને ક્યારેક ચરિતાર્થ થશે એવો વિશ્વાસ છે. અને અહંકાર ન સમજો તો મારી શ્રદ્ધાની એક વાત કહું?’ ‘બોલો...’ ‘હવે તો મારું સંકલ્પબળ એવું થતું જાય છે કે, જો હું મારા સમગ્ર અસ્તિત્વથી કોઈ ઝાડને પણ પોકાર પાડીને બોલાવું તો એણેય મારી પાસે આવવું પડે! આપણને જેમ નિસ્વાર્થ ભાવે કંઈક સારું કામ કરવાની ઈચ્છા થાય છે ને? એવી જ ઈચ્છા કદાચ કુદરતને પણ થતી હોય છે આપણને નિમિત્ત બનાવવાની! ‘તમારા વાક્યમાં એક સુધારો સૂચવું? ‘કદાચ’ શબ્દ કાઢી નાંખો! જો આપણે કુદરતને એવી ઈચ્છા કરાવવાને યોગ્ય થઈએ તો બધું અનુકૂળ કરવાની જવાબદારી પણ એની છે. અને જો એ વિઘ્નો સર્જે તો માનવું કે હજી આપણે પાત્રતા કેળવવાની બાકી છે!’ ‘કાનજીભાઈ થોડા આર્દ્ર થઈ ગયા. થોડીક વાર તો કશું જ બોલી ન શક્યા. બારીમાંથી બહાર જોતા રહ્યા. એ દરમિયાન કાન્તાબહેને ક્યારે એમનો હાથ પોતાના હાથમાં લઈ લીધો એની સરત ન રહી. જાડી, ખરબચડી અને મોટી મહેનતકશ હથેળીમાં કાન્તાબહેનનો ગુલાબી હાથ પાંદડા પરના કમળ જેવો શોભતો હતો. એ હાથમાં રહેલી ઊર્જા અને ઉષ્મા બંનેનો અનુભવ કાનજીભાઈને થયો. ગંગા અને જમુના બંનેએ આપોઆપ જાણે મારગ કરી લીધો. ઘણી વાર સુધી કોઈ કશું બોલ્યું નહીં. બસ દોડી રહી છે અને આટલો બધો અવાજ કરે છે એનો પહેલી વાર અહેસાસ થયો. અત્યાર સુધી લગભગ મૌન રહેલાં કાન્તાબહેને જાણે પહેલી વાર મોં ખોલ્યું. બોલવા ગયાં પણ તરત ન બોલી શક્યાં. કાનજીભાઈનો હાથ પોતાના હાથમાં જ રાખીને એમણે આંખો બંધ કરી. એમ જ બેસી રહ્યાં. પછી હળવે રહીને કહે- ‘તમારા દરેક સંકલ્પમાં હું તમારી સાથે છું. આખી દુનિયા સામેની તરફ હશે તો પણ… એટલો વિશ્વાસ રાખજો. દુ:ખમાં સાથ નહીં છોડું અને સુખમાં તમને છકી જવા નહીં દઉં! આજથી તમે એકલા નથી એટલું જાણજો!’ કાનજીભાઈએ ઊંડો શ્વાસ લીધો. એમના માટે આ ક્ષણ અકલ્પ્ય હતી. સ્વપ્નમાં પણ જેનો વિચાર ન થઈ શકે એવા વાસ્તવે રોમેરોમમાં દીવા પ્રગટાવી દીધા હતા. થોડી વાર પછી એકાએક સભાન થયા અને હળવેથી પૂછ્યું : ‘કાન્તાબહેન! તમે શું બોલો છો એનો તમને ખ્યાલ છે?’ કાન્તાબહેને મક્કમતાથી કહ્યું : ‘હા.’ ‘તમે એમ. એ. થયેલાં છો. હું તો માંડ અહીં સુધી ઢબી ઢબીને આવ્યો છું. આવતી કાલની મને ખબર નથી. તમારાં મૂળ અને કુળ અલગ છે. તમે તો કોઈ દિવસ ઉઘાડા પગે પણ ચાલ્યાં નહીં હો ને મારા પથમાં તો ડગલે ને પગલે કાંટાકાંકરા છે. યાદ છે ને તમારા પિતા કોણ છે? ચીમનલાલ ચંદુભાઈ શાહ! ક્યાં સ્વર્ગલોકની ગંગા અને ક્યાં આ માટીનું ઢેકું! ક્યાં તમારું ફૂલ જેવું અભિજાત સૌન્દર્ય અને ક્યાં આ હાથિયો થોર! પૂનમની ચાંદની જેવું તમારું રૂપ અને મારો કાળા ડામર જેવો વાન… કંઈ સમજ પડે છે તમે શું બોલો છો એની?’ કાન્તાબહેન મર્માળુ હસ્યાં. પછી કહે કે તમારું નામ બોલો તો? ‘મારું નામ? એમાં શું બોલવાનું એ તો તમને ખબર જ છે ને?’ ‘ના, મારે અત્યારે જ તમારા મોઢે સાંભળવું છે!’ ‘કાનજી!’ ‘તે કાનજી તો કાળા જ હોય ને?’ ‘ના... મને તમારી જિંદગી બગાડવાનો કોઈ અધિકાર નથી... કાન્તાબહેન તમે જે મારગે જવા ધારો છો ત્યાંથી પાછાં વળી જાવ. એમાં જ તમારું હિત છે...’ ‘હું ક્યારેય પાછાં વળવું પડે એવા ડગ માંડતી જ નથી. વળી બાપુજીને તો ખબર જ છે કે આ નોખી માટીની છે. એમ ને એમ તો હું કંઈ સેવાદળમાં નહીં જ આવી હોઉં ને? મને વિશ્વાસ છે કે હું જે કરીશ એમાં બાપુજી મારી સાથે હશે... અને નહીં હોય તોય હું દરેક પરિસ્થિતિ સામે લડવા તૈયાર છું... તમે હિતને નામે મારું મનોબળ ઓછું ન કરો!’ કાનજીભાઈએ એમનો જમણો હાથ પોતાના હાથમાં લીધો અને બંધ આંખે ચૂમી લીધો! ભીની આંખે કાંતાબહેનને ધારી ધારીને જોવાનો પ્રયત્ન કર્યો પણ, ઝળઝળિયાં બધું ધૂંધળું કરી દેતાં હતાં. કાનજીભાઈએ કાન્તાબહેનના પાલવનો છેડો પકડીને આંખે અડાડ્યો. પાંપણ ઝુકાવીને બધું આંખમાં ભરી લીધું! એ જ ક્ષણે કાન્તાબહેને પોતાનું માથું કાનજીભાઈના ખભે ઢાળી દીધું અને આંખો મીંચી દીધી... બહાર કોઈના પગરવ જેવું સંભળાયું ને કાન્તાબહેન બારણે આવીને ઊભાં રહ્યાં...

***