સોનાની દ્વારિકા/ચોવીસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ચોવીસ

જોયું તો સામે કાનજીભાઈ! એક હાથમાં એક ઊંઘતો છોકરો તેડેલો અને બીજા હાથની આંગળીએ બીજો છોકરો! આંગળીએ હતો એ ચાર સાડા ચાર વર્ષનો હશે અને નાનો તો ખરેખર જ નાનો, માંડ બે-અઢી વર્ષનો! કાનજીભાઈએ આવીને એને પાટ ઉપર સુવડાવ્યો. પાતળી ચાદર ઓઢાડી. છોકરાના મોઢામાંથી લાળ ટપકી હતી એટલે કાનજીભાઈનું પહેરણ ખભાના ભાગમાં ભીનું થઈ ગયું હતું. કાંતાબહેનને થોડીક વાર તો કંઈ ખબર જ ન પડી કે શું કરવું? જો કે એમને એકદમ આશ્ચર્ય તો નહોતું જ થયું. કેમકે સવારે કાનજીભાઈ ગયા ત્યારે જ અંદેશો આવી ગયેલો કે એ બાળકોને લાવ્યા વિના નહીં રહે. એક તો એ કાનજીભાઈના સ્વભાવને બરાબર જાણે અને બીજું, ઊંડે ઊંડેથી પોતાનું મન પણ ખેંચાતું હતું કે — ‘હવે એ બાળકોનું કોણ?’ જેને કદી જોયા જ નહોતા એ બાળકો માટે એમના મનમાં આખો દિવસ ચિંતા રહી હતી. બંને છોકરાઓ એકદમ વહાલા લાગે એવા. પણ જાણે કેટલાય દિવસથી ખાધુંપીધું ન હોય એવા નિસ્તેજ. શરીર એકદમ કૃશ, મોટી મોટી આંખોએ ડોળા ડબકાવ્યા કરે. બંનેના દાંત બહુ સરસ. મોટો છોકરો તો એવો ગભરાઈ ગયો હતો કે બસ ટગરટગર જોયા જ કરે. રડી રડીને એની આંખોનાં આંસુ સુકાઈ ગયાં હતાં. ઘડીમાં ઘરની દીવાલો જુએ તો ઘડીમાં ઊંચું જોઈ નળિયાં જોયા કરે. નાનો તો ભર ઊંઘમાં જ હતો. કાંતાબહેને કશી ચર્ચા કે પૂછાપૂછ વિના ભાખરી-શાક બનાવવાનું શરૂ કર્યું અને કાનજીભાઈ મોટા છોકરાને પોતાની સાથે ચોકડી તરફ હાથપગ ધોવા લઈ ગયા. થોડી વારે મોઢું લૂછતાં લૂછતાં આવ્યા અને સીધા જ રસોડામાં આસનો પાથરીને ગોઠવાઈ ગયા. કાન્તાબહેન ભાખરી કરતાં કરતાં પૂછે : ‘આ બંનેનાં નામ શું છે?’ કાનજીભાઈ હસતાં હસતાં કહે કે- ‘આ નાનકો સૂઈ ગયો છે એનું નામ તો તમારે જ પાડવું પડશે. ત્યાં તો બધાં એને મુન્નો જ કહેતાં હતાં અને કાન્તાબહેન તમને ખબર છે? આ ભાઈને તો પોતાનું નામેય બોલતાંય આવડે છે!’ ‘ના મને ક્યાંથી ખબર હોય?’ ‘તું બોલ તો ખબર પડે ને ભઈ!’ ‘એમ કહી એમણે હસતો ચહેરો અને એથી વધુ હસતી આંખો છોકરાના ચહેરા પર માંડી. એની દાઢી પકડીને વહાલ કર્યું. છોકરો એકદમ શરમાઈ ગયો. ગાત્રો સંકોચવા લાગ્યો. બીજી વાર પૂછ્યું તો કાનજીભાઈની પીઠ પાછળ માથું નાંખી દીધું. કાનજીભાઈએ એની પીઠ પર હાથ ફેરવ્યો અને પેટમાં જરા ગુદગુદી કરી. એ ખિલખિલ હસી પડ્યો. કાનજીભાઈએ એને લગભગ ખોળામાં લઈ લીધો અને કહ્યું કે કાન્તાબહેનને તમારું નામ તો કહો!’ ધીમે ધીમે શરમાતાં શરમાતાં એ પોતાનું નામ બોલ્યો : ‘દીપક!’ ‘અરે વાહ! તારું તો સરસ નામ છે ને કંઈ! ભાઈ તેં તો ચારેકોર અજવાળું કરી દીધું! બોલ તો તારું નામ કોણે પાડ્યું’તું?’ ‘મા... એ!’ મા શબ્દ સાંભળીને કાન્તાબહેન ચૂપ થઈ ગયાં. આટલા નાના છોકરા, અને તેય માબાપ વિનાના? એ થોડાં ગંભીર થયાં કે તરત જ કાનજીભાઈએ વાતનો દોર સંભાળી લીધો અને કહે કે— ‘કાન્તાબહેન! મને અને દીપકને કકડીને ભૂખ લાગી છે... કેમ દીપક ભૂખ લાગી છે ને?’ દીપકે હકારમાં માથું હલાવ્યું. ‘તમે હવે જલદી ભાખરી પૂરી કરો એટલે આપણે બધાં જમી લઈએ. પછી તો આપણે રોજ દીપક અને મુન્ના સાથે વાતો કરવાની જ છે ને? કેમ દીપક? અમારી સાથે વાતો કરીશ ને?’ દીપકે ડોકું હલાવીને હા કહી. સૌથી પહેલાં પ્રભુની થાળી તૈયાર કરી. પ્રભુ રોજની આદત મુજબ થાળી લઈને ઓટલે ચાલ્યો ગયો. પછી ત્રણેય જમવા બેઠા. દીપકે બે હાથે ભાખરી તોડી. ભાખરી ઉપર શાક ચડાવીને ખાતો જાય ને વાટકામાં આપેલું દૂધ પીતો જાય. એ સતત કાન્તાબહેન સામે જોયા કરે. વચ્ચે વચ્ચે ક્યાંક ખોવાઈ જતો હોય એવુંયે લાગે પણ એણે નિરાંતે પેટ ભરીને ખાધું! પતિપત્ની બંને ભાવથી એને જોઈ રહ્યાં. મુન્નો ઊંઘમાં હતો. એને જગાડવાનું ઠીક ન લાગ્યું એટલે એમ વિચાર્યું કે રાત્રે જાગશે ત્યારે દૂધ પીવડાવીને પાછો ઉંઘાડી દઈશું. ‘એકબીજાંને કશું કહેવું જ ન પડે ને બધું યથાયોગ્ય થયા કરે ત્યારે સમજવું કે એમાં કુદરતનો પણ સાથ છે.’ એમ કહીને કાનજીભાઈ માત્ર આટલું જ બોલ્યા- ‘કાન્તાબહેન! હવે આપણો પરિવાર બે જણનો નથી રહ્યો. પ્રભુ સહિત આપણે પાંચ થયાં!’ ‘પાંચ નહીં, છ!’ ‘કેમ છ?’ કાંતાબહેને કહ્યું કે એક બીજા મહેમાન પણ આવ્યા છે, મિઠુમિયાં! જુઓ આ રહ્યા! એમ કહીને પાટની નીચેની ચાળણી બતાવી. કાનજીભાઈએ ચાળણી ઊંચી કરીને જોયું તો પોપટના બચ્ચાએ પાંખ ઊંચીનીચી કરી અને ક્રેં.. ક્રેં.. ક્રેં.. એવો અવાજ કર્યો. અવાજની દિશામાં દીપક દોડતો આવ્યો. પોપટને જોઈ ખુશ થઈ ગયો. કાનજીભાઈએ જરા હાથ ફેરવીને ચાળણી પાછી ઢાંકી દીધી. જોયું કે પોપટની એક પાંખ લબડી ગઈ હતી. કદાચ એ ક્યારેય નહીં ઊડી શકે એવી એમને ખબર પડી ગઈ એટલે કહે કે— ‘કાલે એક પિંજરું લાવવું પડશે. આમાં તો બિલાડી એને રહેવા જ ન દે!’ કાંતાબહેને મોટાભાઈ આવ્યા હતા એની અને ‘આ પ્રભુય ખરો છે!’ એમ કહીને કઈ રીતે આ પોપટનું બચ્ચું લઈ આવ્યો એનીયે બધી વાત કરી. એક બાજુ આ બે બાળકો આવ્યા એને કારણે પણ એમની માનસિકતા થોડી બદલાઈ હતી. શું કરવું ને કેમ કરવું એની સમજ ન પડે. બીજી બાજુ કાનજીભાઈ બાબતે, એક સ્ત્રી તરીકે ગૌરવની લાગણી થતી હતી તો ત્રીજી બાજુએ હવે નવા સત્રથી વિદ્યાલયમાં જોડાશે એનો આનંદ હતો. મનમાં એમ કે બે પગાર આવશે તો થોડી રાહત પણ રહેશે. આવી બધી મિશ્ર લાગણીઓ એક સાથે ઊભરાવાથી કાંતાબહેનને ખ્યાલ ન આવ્યો કે વાત ક્યાંથી શરૂ કરવી? છેવટે એમણે ધીરજ ધરી અને પથારી કરવાનું કામ હાથમાં લીધું. ત્યાં તો પ્રભુ જમીને થાળી સાફ કરીને અંદર આવી ગયો હતો. કોણ જાણે કેમ, પ્રભુએ આજે પોતાની પથારી બહાર ઓટલે કરવાને બદલે અંદર ઓશરીમાં કરી. પોતાની બાજુમાં એણે બીજી પથારી કરી. આ જોઈને કાંતાબહેને પૂછ્યું, ‘પ્રભુ! અહીં કોણ સૂવાનું છે?’ પ્રભુએ દીપક તરફ આંગળી લંબાવી અને બાજુની પથારીમાં હાથ મૂક્યો. દીપક સમજી ગયો કે પોતાને અહીં સૂવાનું છે. તરત જ કાનજીભાઈએ કહ્યું, ‘ના પ્રભુ. હમણાં બે ચાર દિવસ આ બંને દીકરા અમારી સાથે અંદર જ સૂશે. જરા ટેવાય પછી વિચારીશું. આમેય તારે જ એમની સંભાળ લેવાની છે ને!’ વાતમાં સંમત થયો હોય એમ પ્રભુ ‘હોહોહઅ…’ કરતો બીજી પથારી અંદર ઓરડામાં મૂકી આવ્યો અને પોતાની પથારી લઈને ઓટલે જતાં પહેલાં પગ પછાડીને સલામ કરી. કાનજીભાઈએ એનો હાથ પકડીને કહ્યું : ‘પ્રભુ! આ સલામ કરવાનું હવે બંધ કર. અંગ્રેજો તો ક્યારનાયે ગયા. આપણે સહુ એક પરિવારનાં જ છીએ. મને તો શું, કોઈને પણ સલામ શા માટે કરવાની?’ જવાબમાં પહેલી વાર પ્રભુએ પોતાની ઓળખ પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો. એનાં કપડાંમાં સંતાડેલો એક જૂનો ઘસાયેલો, પીળો પડી ગયેલો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો હતો એ લઈ આવ્યો અને કાનજીભાઈના હાથમાં મૂક્યો. કાનજીભાઈ નાકનકશો જોઈને તરત જ ઓળખી ગયા કે એ ફોટો પ્રભુનો હતો. લશ્કરી જવાનના યુનિફોર્મમાં પડાવેલા આ ફોટામાં એ માંડ અઢાર વીસ વર્ષનો લાગે! કાનજીભાઈને વારંવારની સલામનો તાળો મળ્યો અને પ્રભુ વિશેની ઉત્સુકતા પણ વધી. પણ મનમાં એવું ખરું કે એ જ્યાં સુધી પોતાની મેળે કશું પ્રગટ ન કરે ત્યાં સુધી આપણે જાણવાની કોશિશ ન કરવી. રાત્રે કાનજીભાઈ દીપકને અને કાન્તાબહેન મુન્નાને, વાંસામાં પંપાળતાં રહ્યાં. એકાએક મુન્નાએ ઊંઘમાં જ પડખું ફરીને કાંતાબહેનની છાતીમાં મોઢું નાંખ્યું ને પેટ પર હાથ મૂક્યો! કાંતાબહેનનું આખું શરીર ઝણઝણી ઊઠ્યું. છાતીમાં પણ કંઈ અજબ અનુભવ થવા લાગ્યો. આ સ્પર્શ એમના માટે તદ્દન અજાણ્યો હતો. કાન્તાબહેનનું રોમેરોમ જાણે માતૃત્વમાં પલટાઈ રહ્યું હતું. એકાદ ક્ષણના થરકાટ પછી એમણે મુન્નાને એકદમ નજીક ખેંચી લીધો! વહાલથી એના માથે હાથ ફેરવતાં રહ્યાં. કાનજીભાઈએ આ દૃશ્ય જોયું. પતિપત્ની બંને માટે આ એક અદભુત રોમાંચક અને વિલક્ષણ અનુભવ હતો. આટલા વખતમાં પહેલી વાર, પથારીમાં બંને જણ આટલાં દૂર છતાં એકબીજાને વધારે નજીક અનુભવતાં હતાં. કાનજીભાઈએ હાથ લાંબો કર્યો. કાન્તાબહેન જાણે રાહ જ જોતાં હતાં. એમણે પણ હાથ આપ્યો. હળવે રહીને કાંતાબહેને પૂછ્યું : ‘આ બંને છોકરાઓને કેવી રીતે લાવ્યા?’ ‘તમારા ઉપરના ભરોંસે...!’ એમણે કાન્તાબહેનનો હાથ સહેજ દબાવ્યો. ‘અરે! એમ નહીં! આ છોકરાઓનાં કુટુંબીઓએ એમ જ આપી દીધાં?’ ચિત્રસેને બધી તપાસ કરી લીધી હતી. આમનાં માબાપ ખેતમજૂરો હતાં. પાસે પાંચ પૈસાનીય મિલકત નહીં. એક છાપરામાં રહેતાં’તાં. છોકરાઓના બૂરા હાલ થાય એવી સ્થિતિ હતી. એટલે ચિત્રસેને કીધું કે, ‘હું રાખવાની વ્યવસ્થા સુરેન્દ્રનગરમાં કરી દઉં! પણ ધ્યાન તમારે રાખવાનું થશે!’ ‘એ બીજી વ્યવસ્થા ગોઠવાય ત્યાં સુધી અમે રાખશું એમ કહીને હું લેતો આવ્યો. કદાચ અનાથાશ્રમમાં મૂકવાની વાત છે. ખર્ચની વ્યવસ્થા ચિત્રસેન કરશે એવું કહેતો હતો.’ ‘અહીં આ ગામમાં ક્યાં અનાથાશ્રમ છે?’ ‘અહીં તો નથી જ, પણ અમદાવાદ કે સૂરત એવી કોઈ જગ્યાએ મૂકશે... જોઈએ શું થઈ શકે છે તે!’ આ બે બાળકોના વિચારમાંથી જ બંને બહાર નહોતાં આવ્યાં એમાં વિદ્યાલય વાળી વાત કેવી રીતે કરવી? છતાં કાન્તાબહેને હિંમત કરી. ‘સવારે મોટાભાઈ આવ્યા હતા...’ ‘શું કહેતા હતા?’ ‘કહેતા હતા કે આજે તમારી નિમણૂકનો હુકમ કરી દઈએ. જેથી ઊઘડતા વેકેશને તમે જોડાઈ શકો.’ ‘હંઅઅ...’ કાનજીભાઈ ઊંડા વિચારે ચડી ગયા. પછી કાન્તાબહેન સાંભળે એમ જ, જેમ વિચાર આવે એમ બોલતા ગયા… ‘કાન્તાબહેન! એમ થાય છે કે કુદરતે દીપક અને મુન્નાને આપણી પાસે એક નવો દરવાજો ઉઘડાવવા જ મોકલ્યા છે. કેમ અને કેવી રીતે? એની અત્યારે તો કંઈ ખબર નથી પડતી પણ, આ બે બાળકો અનાથાશ્રમમાં અન્ય કોઈ જગ્યાએ જશે તો એમનું શું થશે? આપણે તો ઠીક કે બેપાંચ દિવસમાં જે તે જગ્યાએ મોકલીને મુક્ત થઈ જઈશું. પણ એટલાથી શું? એ આપણી સાથે લાગણીથી માંડ જોડાશે ત્યાં ફરી વખત ઉખડવાનો વખત આવશે... પછી તો જિંદગીભર એમની સાથે આવું થતું જ રહેવાનું કોણ એમનો ઉછેર કરશે અને કેવો કરશે એની આપણને શું ખબર પડવાની?’ ‘એમ કરો તમે અત્યારે નિરાંતે સૂઈ જાવ. આખા દિવસના થાક્યા પણ હશો. મને શ્રદ્ધા છે કે કશોક માર્ગ નીકળશે...’ રાત્રે ઊંઘમાં જ મુન્નાએ ચડ્ડીમાં પેશાબ કર્યો. કાંતાબહેનની સાડી પણ ભીંજાઈ. એમણે ઊભાં થઈને કપડાં બદલ્યાં. પણ મુન્નાને શું પહેરાવવું? બેમાંથી એકેયનાં બીજાં કપડાં નહોતાં. રાત આખી છોકરાને ભીનાં કપડાંમાં તો કેમ રખાય? ઊભાં થઈને એક જૂની સાડી કાઢી. એમાંથી એક મોટો કકડો ફાડીને લંગોટ બનાવ્યો અને મુન્નાને પહેરાવ્યો. બાકી વધેલી સાડી બેવડી કરીને એને ઓઢાડી. તરત ને તરત ચોકડીમાં જઈને એનાં ચડ્ડી-બુશકોટ પાણી સોંસરાં કાઢ્યાં. કાલે સવારે પહેરાવવાં પડશે એમ વિચારીને બહાર વરંડામાં સૂકવવા જતાં હતાં, ત્યાં કાનજીભાઈ જાગી ગયા. બંનેને ફક્ત ચાર-પાંચ કલાકમાં જ ખબર પડી ગઈ કે જીવન બદલાઈ રહ્યું છે. બદલાઈ રહ્યું છે શું? બદલાઈ જ ગયું છે! દીપક અને મુન્નાની સંભાળમાં જ રાત વીતી. બંનેની ઊંઘમાં ન જાણે કેટલાંય ખાંપા, ઝઈડકા અને થીગડાં આવી ગયાં! સવારે ઊઠ્યાં ત્યારે એમ લાગ્યું કે બંનેની ઉંમર દસેક વર્ષ વધી ગઈ છે! છોકરાઓ હજી સૂતા હતા એટલામાં દૂધવાળો આવ્યો. કાનજીભાઈએ રોજ કરતાં બમણું દૂધ માગ્યું! ‘મે’માન લાગે છે!’ એમ કહીને એણે દૂધની પળીઓ ભરી. પતિપત્ની બંનેને આશ્ચર્યનો પાર નહોતો. ઊંઘતા છોકરાઓને થોડી થોડી વારે જઈને જોઈ આવે. એમ લાગ્યું કે અત્યાર સુધી પોતે જ એકબીજાનાં કેન્દ્રો હતાં. હવે અચાનક જ બન્નેના કેન્દ્રમાં આ બાળકો આવી ગયા! ‘જુઓ તો મુન્નો કેવો પગ વાળીને સૂતો છે!’, ‘જુઓ તો આ દીપક પથારીના સાવ છેડે ચાલ્યો ગયો છે!’, ‘ઊંઘમાં હસતો હોય એવું લાગે છે!’ ‘આને સૂવડાવતાં પહેલાં સૂ... સૂ... કરાવ્યું છે ને?’ આવા બધા સંવાદો ચાલતા રહ્યા અને કાન્તાબહેને વિચાર્યું કે ઘરમાં થોડીક ખાદી પડી છે તો તાત્કાલિક ધોરણે બેયનાં એક-બે જોડી કપડાં સીવડાવી લઈએ. વિચારની સાથે જ એ બોલી પડ્યાં : ‘એમ કરો ને, તમે કોટનમાર્કેટમાં જઈને હંસરાજભાઈને કહેજો ને કે આજે ને આજે જ આ બંનેનાં કપડાં સીવી આપે. કપડું તો ઘરમાં જ છે. જેટલું વહેલું આપીએ એટલું જલદી થાય!’ કાનજીભાઈએ હા કહી અને બોલ્યા: ‘બાળકો ઊઠે પછી તૈયાર કરીને લઈ જઉં, માપેય આપવું પડશે ને?’ ‘ના. એમાં તો સમય બહુ જાય. એ કંઈ મારી ને તમારી જેમ થોડા તરત તૈયાર થવાના? હું તમને બેયનાં માપ આ કાગળમાં લખી આપું છું ને વધારામાં તમે બંનેની ઉંમર કહીને વર્ણન કરજો હંસરાજભાઈ સમજી જશે!’ ‘અરે વાહ કાન્તાબહેન! આ માલધારીની અક્કલ આટલી ન ચાલી હોત હોં! એમ કહી એમણે કાંતાબહેનના માથે હાથ મૂક્યો. કાન્તાબહેને સોયદોરાના ડબ્બામાંથી મેજરટેપ કાઢી અને સૂતેલા દીપકનું માપ લેવા માંડ્યું. એ બોલતાં ગયાં અને કાનજીભાઈ લખતા ગયા એમ બંનેનાં કપડાંનું માપ લીધું. કબાટમાંથી કાપડ કાઢવા ગયા ત્યાં બારણે ટકોરા પડ્યા અને મોટાભાઈનો અવાજ સંભળાયો : ‘શું કરો છો કાનજીભાઈ? આવી ગયા કે?’ ‘આવો આવો મોટાભાઈ!’ ‘કંઈ બહાર જવાની તૈયારીમાં કે શું?’ આમેય એમનો અવાજ મોટો અને આજે જરા વધારે મોટા અવાજે બોલ્યા. એટલે કાન્તાબહેને એકદમ પોતાના નાક પર આંગળી મૂકીને ધીમે બોલવાનો ઈશારો કર્યો. મોટાભાઈએ શબ્દથી પૂછવાને બદલે આંગળીઓ અને હથેળી હલાવીને ‘શું છે?’ એમ પૂછ્યું. જવાબમાં કાન્તાબહેન એમનો હાથ પકડીને ધીમા પગલે અંદર ઓરડામાં લઈ ગયાં અને બાળકો બતાવ્યા. એમના ચહેરા પર એટલો બધો આનંદ હતો કે ન પૂછો વાત! મોટાભાઈ પણ ધીમે ધીમે ડગ માંડતા બહાર આવ્યા અને બોલ્યા : ‘અચ્છા એમ વાત છે! પેલા બેય છોકરાઓને અહીં લઈ આવ્યા એમ કે?’ કહીને એમણે કાનજીભાઈ સામે જોયું અને એમનો હાથ પકડી લીધો. પછી બંનેએ હાથના સંકેતથી જ નક્કી કર્યું કે બહાર ઓટલે બેસીએ! મોટાભાઈએ જાણે કશોક જાદુ કરતા હોય એમ બંડીના ખિસ્સામાં હાથ નાંખ્યો. અંદરથી એક લાંબુ કવર કાઢ્યું અને કાનજીભાઈના હાથમાં મૂક્યું. કાનજીભાઈ સમજી ગયા કે વિદ્યાલયમાં નિમણૂકનો ઓર્ડર છે! એમણે કાળજીપૂર્વક કવર તોડ્યું. કાગળ બહાર કાઢ્યો. વાંચ્યો અને પાછો હતો એમ ગડી વાળીને ક્વરમાં મૂકી દીધો. ‘મોટાભાઈ! તમારો કયા શબ્દોમાં આભાર માનું?’ ‘આપણે ત્યાં તો કામ કરીને જ આભાર માનવાની રીત પ્રચલિત છે! વળી, અમારે તો વજુભાઈનો આદેશ એટલે છેલ્લો અક્ષર જ સમજવાનો ને? અને હવે તમે ક્યાં અજાણ્યા છો કે તમારી પરીક્ષા લઈએ! કાલ કરે સો આજ કર અને આજ કરે સો અબ...!’ ‘મોટાભાઈ એક સાચી વાત કહું? હજી મેં કાન્તાબહેન સાથે કશી વાત નથી કરી, પણ હું થોડો દ્વિધામાં છું. તમે તો આપેલું વચન નિભાવ્યું, પણ કદાચ હું તમને ઊણો ઊતરતો લાગું તો ક્ષમા કરશો. મને લાગે છે કે કુદરતે મારા માટે કંઈ જુદું જ નિર્માણ કર્યું છે. આ બે દેવદૂતો મોકલીને એણે દિશા તો ચીંધી જ છે! હવે જો મારામાં એનો પડઘો પાડવાની ત્રેવડ ન હોય તો કુદરતની અવમાનના થઈ કહેવાય!’ ‘વિગતે સમજાવો... કાન્તાબહેન અહીં આવો તો!’ હાથ લૂછતાં લૂછતાં કાન્તાબહેન આવ્યાં અને બેસતાં બેસતાં કહે : ‘બોલો!’ ‘આ કાનજીભાઈ કંઈક અલગ વિચારતા હોય એવું લાગે છે!’ ‘એ શું વિચારશે એની ખબર મને ગઈ કાલે જ પડી ગઈ છે...’ ‘મોટાભાઈ! માઠું ન લગાડો તો એક વાત પૂછું?’ ‘પૂછો ને બહેન! હવે આપણા સંબંધો માઠું લગાડવાના નથી રહ્યા... તમતમારે મોકળા મને કહો....’ ‘વજુભાઈની ભલામણ ન હોત તો તમે ક્યારેય અમારા વિશે વિચાર કર્યો હોત ખરો?’ ‘ના...’ ‘તો હવે વાત એ છે કે કાનજીભાઈ કે હું ફક્ત અને ફક્ત પગાર માટે નોકરી કરી ખાઈએ એવાં નથી, એ મારે તમને કહેવાનું ન હોય! વિદ્યાલયને શિક્ષકો તો ઘણા મળી રહેશે પણ આ અનાથ બાળકોને કાનજીભાઈ નહીં મળે. હમણાં અમને કોઈ નાની એવી જગ્યા શોધી આપો. એમના માટે તો અનાથાશ્રમ શરૂ કરવાનો વખત આવી જ ગયો છે! પછી આગળ ઉપર જોયું જશે....’ મોટાભાઈ આભા બનીને જોઈ રહ્યા. વાત તો સમજાઈ જ ગઈ, પણ આ બંનેની નિષ્ઠા અને સાહસવૃત્તિ માટે માન થઈ આવ્યું. ‘અને હા, તમે એવું ન ધારશો કે કાનજીભાઈ વિદ્યાલયમાંથી સદંતર મુક્તિ મેળવે છે. એમ સમજો કે વધારે મજબૂત રીતે જોડાઈ રહ્યા છે! તમારા જેટલી જ નૈતિક જવાબદારી અમારી પણ રહેશે.’ ‘ભારે કરી તમે તો! પણ, હું અંદરથી રાજી થાઉં છું. એ પણ આપણું જ કામ છે ને? તમતમારે કરો ફત્તેહ! બોલો અનાથાશ્રમ માટે હવે શું કરવાનું?’ કાનજીભાઈનો અવાજ થોડો ભારે થઈ ગયો. અવાજ જાણે ગળામાં જ અટવાઈ જતો હોય એવું લાગ્યું. માંડ માંડ બોલ્યા : ‘અનાથાશ્રમ તો નહીં જ. મને એ શબ્દ યોગ્ય નથી લાગતો. એમાં તો આપણે નાથ હોવાની બૂ આવે છે.... એમ કરીએ “શિશુસદન” રાખીએ તો?’ મોટાભાઈ અને કાન્તાબહેન બંને સંમત થયાં. કોઈ કંઈ પણ બોલે એ પહેલાં અંદરથી મુન્નાના રડવાનો અવાજ આવ્યો...

***