સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/કવિતાનું ભાષાકર્મ : લક્ષણાવ્યાપાર

From Ekatra Wiki
Revision as of 04:27, 3 July 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કવિતાનું ભાષાકર્મ : લક્ષણાવ્યાપાર

ધ્વનિવિચાર એ મુખ્યતયા શબ્દવ્યાપારવિચાર છે. આજના આપણા કાવ્યવિવેચનમાં ભાષાકર્મની તપાસ મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી રહી છે ત્યારે સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો શબ્દવ્યાપારવિચાર ખાસ પ્રસ્તુત બની રહેવો જોઈએ પણ કવિતાના ભાષાકર્મ પ્રત્યે આપણે જાગૃત બન્યા છીએ તે તો છેલ્લાં પચાસ વરસમાં પશ્ચિમમાં કાવ્યભાષાના સ્વરૂપનિર્ણય ને એના વિવેચન – વિશ્લેષણની જે ઉગ્ર મથામણ ચાલી તેને પ્રતાપે. એટલે કાવ્યભાષાના વિશ્લેષણનાં ઓજારો પણ આપણે ત્યાંથી જ લઈએ ને? આપણા અત્યારના વિવેચનમાં મેટાફર, ડિવિએશન, ફૉરગ્રાઉન્ડિંગ, ઍબ્સ્ટ્રેક્શન, અર્થવિલંબન, વ્યવસ્થાભંગ, કલ્પન, પ્રતીક આદિ ઘણી બધી પરિભાષા પશ્ચિમમાંથી આયાત થઈ છે અને થઈ રહી છે. આપણું એ તરફ લક્ષ ગયું નથી અને જતું નથી કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રે શબ્દવ્યાપારવિચાર વધારે સૂક્ષ્મ પૃથક્કરણપૂર્વક, સુસંકલિત વ્યવસ્થાપૂર્વક કર્યો છે અને કાવ્યના ભાષાકર્મની વિશેષતાઓને પકડમાં લેવા એ વધારે સમર્થ ઓજારો પૂરાં પાડે છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રે શબ્દવ્યાપારને ત્રણ વિભાગમાં વહેંચ્યો છે – અભિધા, લક્ષણા અને વ્યંજના કે ધ્વનિ – એ આપણે સૌ જાણીએ છીએ. લક્ષણા એટલે રૂઢ, નિયત, સંકેતિત અર્થના – મુખ્યાર્થના – ભંગપૂર્વક થયેલો શબ્દપ્રયોગ-ભાષાપ્રયોગ. લક્ષણાનું ક્ષેત્ર ઘણું વિશાળ છે અને ઘણા અલંકારોમાં પણ લાક્ષણિક પ્રયોગ રહેલો હોય છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર લક્ષણાના વિવિધ પ્રકારો વર્ણવે છે એટલે કે લાક્ષણિક શબ્દપ્રયોગ પાછળ જુદીજુદી પ્રક્રિયા હોય છે એનું વિશ્લેષણ કરે છે. ડિવિએશન, ફૉરગ્રાઉન્ડિંગ, મેટાફર, ઍબ્સ્ટ્રેક્શન, અર્થવિલંબન વગેરે પરદેશી વાઘા પહેરીને આવેલી લક્ષણા જ છે અને એ પરદેશી વાઘાને કારણે આપણને એમાં નૂતનતા ભાસે છે. ચંદ્રકાંત ટોપીવાળાએ એક વખતે આધુનિક કવિના ભાષાકર્મમાં ઍબ્સ્ટ્રેક્શન, ડિસ્પ્લેસમેન્ટ, કન્ડેન્સેશન, ડિસ્ટૉર્શન, સૂપરઇમ્પોઝિશન વગેરે વ્યાપારો બતાવ્યા છે. મને તો આ બધામાં મૂળભૂત રીતે લક્ષણાવ્યાપાર જ જણાયો છે. એમનું ઍબ્સ્ટ્રેક્શનનું ઉદાહરણ છે - ‘ટાઇપરાઇટર પર ટાઇ, ઝોડિયાક મેઇક, ગોલ્ડ ફ્લેક.’ ટાઇપરાઇટર પર ઝૂકેલો છે તો માણસ, જેણે ટાઈ પહેરેલી છે અને જેના મોંમાં ગોલ્ડ ફ્લેક સિગારેટ છે, પણ માણસને સ્થાને ટાઈ અને ગોલ્ડ ફ્લેક ઝૂકેલાં છે એવું અહીં વર્ણન થયું છે. આ સંસ્કૃત કાવ્યશાસ્ત્રની ઉપાદાન – લક્ષણા નથી તો શું છે? ઉપાદાન – લક્ષણામાં મુખ્યાર્થની અસંગતિનું નિવારણ એમાં કંઈ ઉમેરીને થતું હોય છે. ટાઈ કંઈ એકલી ટાઇપરાઇટર પર ઝૂકી ન શકે એ મુખ્યાર્થની અસંગતિ છે, પણ ટાઈવાળો માણસ એમ આપણે સમજીએ એટલે અસંગતિ રહેતી નથી. મમ્મટ ‘ભાલાંઓ પ્રવેશે છે’ એવો દાખલો ઉપાદાનલક્ષણાનો આપે છે તેમાં અને આમાં શો ફેર છે? અનિલ જોશીના ‘કન્યાવિદાય’ની ‘કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે’ એ પંક્તિમાં ‘કેસરિયાળો સાફો’ એ પણ ઉપાદાન – લક્ષણાનો જ પ્રયોગ. ટોપીવાળાના ‘અપરિચિત अ અપરિચિત ब’ એ પુસ્તકનું અવલોકન કરતાં મેં આ બતાવેલું, પરંતુ ઍબ્સ્ટ્રેક્શન એ લક્ષણા હોવાના મારા અભિપ્રાય સાથે ટોપીવાળા સંમત થયા નહોતા અને આ બંને શા માટે એક નથી એ તેઓ મને સમજાવી પણ શક્યા ન હતા. સૂપરઇમ્પોઝિશનના ઉદાહરણ તરીકે તેઓ ‘સમુદ્રના મેદાનમાં વહાણોના ટશિયા ઊગતા જોઉં’ એ પંક્તિ ટાંકે છે અને ખાસ કહે છે કે આમાં કેવળ રૂપક નથી, સૂપરઇમ્પોઝિશન છે. ‘કેવળ રૂપક’ નથી એટલે શું એ હું સમજી શકતો નથી. રૂપકમાં આરોપણવ્યાપાર જ હોય છે. અને સંસ્કૃત કાવ્યશાસ્ત્ર એને સારોપા ગૌણી લક્ષણા આરોપણવાળી સાદૃશ્યમૂલક લક્ષણા તરીકે પણ ઓળખાવે છે. ટોપીવાળાનું આ ઉદાહરણ સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ રૂપક અલંકારનું જ ગણાય. કંઈક સંકુલ પ્રક્રિયાવાળું પણ રૂપક જ. ટોપીવાળાની દૃષ્ટિએ રૂપક અલંકારનું સ્વરૂપ કંઈ જુદું છે? ભાષાની આ જાતની પ્રક્રિયાઓ અર્થની ગતિનું વિલંબન કરે છે એમ ટોપીવાળા કહે છે અને અર્થવિલંબનને આજની કવિતાના વિશિષ્ટ ભાષાકર્મ તરીકે ઓળખાવે છે. આપણે ત્યાં લક્ષણાને સ્ખલદ્ગતિ કહેલ જ છે, કેમ કે એમાં મુખ્યાર્થ અસંગત બનતાં આપણે જરા અટકીને આગળ વધવાનું આવે. અર્થવિલંબન તે લક્ષણાની આ સ્ખલદ્ગતિ સિવાય બીજું શું છે? અદ્યતન કવિતામાં ભાષાની તોડફોડ દેખાય છે. તે લક્ષણાવ્યાપાર નીચે જ આવે એમાં શંકા નથી, છતાં લક્ષણા આજની કવિતાના બધા ભાષાવ્યાપારોને સમજાવવા અપર્યાપ્ત લાગતી હોય તો એનું કારણ એ હોવા સંભવ છે કે આપણે લક્ષણાને કોઈ આંકેલી સીમાવાળા વ્યાપાર તરીકે જોતા હોઈએ – મમ્મટે આપેલાં ઉદાહરણો ને પ્રકારો દ્વારા જ આપણે લક્ષણાને ઓળખતા હોઈએ. એ ઉદાહરણો કંઈ કાવ્યનાં નથી, સામાન્ય ભાષાવ્યવહારનાં છે અને સામાન્ય ભાષાવ્યવહારમાં પણ લાક્ષણિક પ્રયોગો થતા જ હોય છે. એ લક્ષણાનું સ્વરૂપ દર્શાવવા જ અપાયેલાં છે. કાવ્યમાં ક્રિયાશીલ બનતી લક્ષણા એ જુદી ચીજ છે, એ પોતાના નૂતન સંદર્ભો રચીને આવે. કાવ્યશાસ્ત્ર જેની વ્યંજના ગૂઢ છે એવી અને જેની વ્યંજના અગૂઢ છે એવી લક્ષણાનો ભેદ કરે છે. અગૂઢ એટલે સર્વજનગ્રાહ્ય અને ગૂઢ એટલે સહૃદય-હૃદયસંવેદ્ય. કાવ્યનું ચારુત્વ તો આવે છે ગૂઢ વ્યંજનાવાળી લક્ષણાના પ્રયોજનથી. ‘કન્યાવિદાય’ની ‘કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે’ એ પંક્તિમાં કન્યાને લઈને જતા વર માટેનો ‘કેસરિયાળો સાફો’ એ લાક્ષણિક શબ્દપ્રયોગ કેટલોબધો અર્થપૂર્ણ બની રહે છે! ગૌરવ, દોરદમામ, મસ્તી, રંગરાગ, મંગલતા, આનંદોલ્લાસ એવા એના ઘણા અર્થસંકેતો અહીં કાર્યરત બને છે. કોઈ ભાજપી ક્ષત્રિય – સભાને અનુલક્ષીને આપણે કહીએ કે ‘અહોહો, કેટલાબધા કેસરી સાફાઓ અહીં એકઠા થયા છે’ એના જેવો કંઈ આ લાક્ષણિક પ્રયોગ નથી. અનિલના લક્ષણાપ્રયોગની વ્યંજના ગૂઢ છે, ચારુત્વયુક્ત છે. કાવ્યે લક્ષણાપ્રયોગનું આવું ચારુત્વ સિદ્ધ કરવાનું હોય છે. લક્ષણાના પ્રકારો મમ્મટે છ આપ્યા છે, વિશ્વનાથ એમાં થોડી વધારે ઝીણવટ કરે છે. લક્ષણામાં મુખ્યાર્થ સાથેનો સંબંધ કાવ્યશાસ્ત્ર અપેક્ષિત કરે છે ને એણે અનેક સંબંધો સ્ફુટ કર્યા છે સામીપ્ય, સાહચર્ય, સાદૃશ્ય, આશ્રયઆશ્રયિભાવ, કાર્યકારણભાવ અને વૈપરીત્ય સુદ્ધાં! આપણે બીજા સંબંધો પણ સ્ફુટ કરી શકીએ. ટૂંકમાં લક્ષણાઅંતર્ગત અનેકવિધ પ્રક્રિયાઓ સંભવી શકે છે. ભાનુપ્રસાદ પંડ્યાના ‘અડોઅડ’ની સમીક્ષા કરતાં એમના લક્ષણાપ્રયોગોમાં જોવા મળતી કેટલીક પ્રક્રિયાઓ મેં જુદી પાડી બતાવેલી – રૂપક, અતિશયોક્તિ, ક્રિયા કરનારને સ્થાને ક્રિયા, પદાર્થને સ્થાને એના ગુણધર્મ, ઘટના કે પદાર્થને સ્થાને એનાં સ્થળસમય, સજીવારોપણ વગેરે. કવિતા નવીનવી પ્રક્રિયા ધરાવતા લાક્ષણિક પ્રયોગો પણ કરે. એ માટે આપણે આપણી લક્ષણાની સમજને વિસ્તારવી પડે. સઘન લાક્ષણિક પ્રયોગો લઈને પણ આવે. કવિતા ઘણા નૂતન, વિશિષ્ટ, ‘કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે’ એ પંક્તિનો જ વિચાર કરો. એમાં કંઈ ‘કેસરિયાળો સાફો’ અને ‘ઘરનું ફળિયું’ એ બે છૂટાછૂટા લાક્ષણિક પ્રયોગો છે એવું નથી, આખી ઉક્તિ પણ એક લાક્ષણિક પ્રયોગ બને છે. સાફો કંઈ ફળિયાને લઈને ચાલી શકે? અને એ ઉક્તિ કેવી અનન્ય અર્થવાહકતા લઈને આવે છે! ‘ઘરનું ફળિયું’ એટલે ફળિયામાં ખેલકૂદ કરતી, ફળિયાને સજીવ બનાવતી કન્યા. (કાવ્યશાસ્ત્ર એને લક્ષણલક્ષણા કહે.) કન્યાના જવાથી સર્જાનારા શૂન્યાવકાશનું તો અહીં સૂચન છે જ, પણ ‘કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે’ એ ઉક્તિમાં દોરદમામનો નિર્દોષ ખેલકૂદ પર અધિકાર સ્થપાયાનું અને એ દ્વારા નારીજીવનના એક મંગલ પ્રસંગમાં ગર્ભિત સૂક્ષ્મ કરુણતાનું કેવું મર્મસ્પર્શી સૂચન રહેલું છે! આજનો કવિ નૂતન અને સંકુલ લક્ષણારચનાઓ કરે છે – લક્ષણા પર લક્ષણા આરોપાય છે અને એથી એમાં દુર્બોધતા પણ પ્રવેશે છે. ‘કન્યાવિદાય’માં ઉત્કટ સંકુલ લક્ષણાવ્યાપાર છે, પરંતુ આપણને પરિચિત સંસારઘટના વર્ણવાઈ છે તેથી એની બાંય પકડીને આપણે કાવ્યમાં ગતિ કરી શકીએ છીએ, પરંતુ બધે એમ બની શકતું નથી. આધુનિક કવિઓ ઘણું અંગત ને વિલક્ષણ ભાવવિચારજગત લઈને આવે છે. એથી એમની સંકુલ લક્ષણારચનાઓ દુર્ભેદ્ય બની જાય છે. અનિલ જોશીના કાવ્ય ‘બરફનાં પંખી’ના ‘અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં’ એ શબ્દપ્રયોગો આપણને તરત તો વિમૂઢ કરે જ. આરંભમાં જ આપણને પ્રશ્ન થાય કે ‘બરફનાં અમે પંખી’ એમ અન્વય કરીને આ પંખીનો ઉદ્ગાર છે એમ સમજવાનું છે? કે ‘અમે’ પર પંખીનું આરોપણ છે ને એ રીતે ‘અમે’ દ્વારા બીજું કોઈ નિર્દીષ્ટ થયું છે એમ માનવાનું છે? બે તદ્દન વિભિન્ન ધર્મો–પંખીનું ટહુકવું અને બરફનું પીગળવું – નું એકસાથે હોવું ને ટહુકા વડે પીગળવાની ક્રિયા થવી એ તો ઘણી મોટી અસંગતિ લાગે આ અસંગતિ નિવારવાનું, એની પાછળના મર્મો પ્રગટ કરવાનું કામ ઘણો સૂઝભર્યો વિવેચનશ્રમ માગે. પીગળવું એટલે આર્દ્ર બનવું અને પીગળવું એટલે હ્રાસ પામવું એમ બંને અર્થો થાય. બરફના સંદર્ભમાં તો હ્રાસ પામવું એ અર્થ જ આપણે લેવાનો રહે. પણ ટહુકાથી હ્રાસ પામવું એટલે શું? પંખીના ટહુકા એનો પ્રાણક્ષય કરે છે એમ? પંખી પોતાના ટહુકામાં પોતાના પ્રાણ રેડે છે એમ? પણ પીગળવું એ હ્રાસની એક ચોક્કસ રીત છે – સતત રીતે પણ ધીમેધીમે, સ્વાભાવિકપણે ક્ષય પામવું, કશા બાહ્ય આઘાત વિના ક્ષય પામવું, બરફ સ્વાભાવિકપણે જ પીગળે છે. ‘પીગળવું’ શબ્દની આ અર્થછાયાઓ અહીં કઈ રીતે ઉપકારક બને? ટહુકવું એ પંખીની સહજ ક્રિયા છે એમ ટહુકવા દ્વારા ક્ષય પામવું એ પણ પંખીની સહજ ક્રિયા તરીકે અહીં અભિપ્રેત છે? અને આ વાત પંખી પૂરતી મર્યાદિત છે કે આને અન્યોક્તિ લેખવાની છે? કવિ કે કલાકાર પણ પોતાનાં સર્જનકર્મોમાં પોતાના પ્રાણ રેડતો હોય છે અને સહજ રીતે જ પોતાની પ્રાણશક્તિનો ક્ષય કરતો હોય છે એવા સંકેત સુધીયે આપણે પહોંચી શકીએ? આવું અને આથીયે વધુ જટિલ, નૂતન, વિલક્ષણ, ભાષાકર્મ લઈને આધુનિક કવિતા આપણી પાસે આવે છે. એ ભાષાકર્મ ઘણી વાર આપણા વિવેચનની પકડમાં ન આવતું હોય એવું દેખાય છે. આપણે નવી પરિભાષાના આશ્રયમાત્રથી, પ્રશંસાત્મક પણ લપટાં વિધાનો કરી સંતોષ માનવો પડે છે. મને એવી આશા છે કે લક્ષણાના શબ્દવ્યાપારની ઊંડી સમજ દાખવીને અને એ સમજનો વિસ્તાર કરતા રહીને આધુનિક કવિતાનાં ભાષાકર્મોને પ્રકાશિત કરવામાં આપણે નોંધપાત્ર સફળતા મેળવી શકીશું.