સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/અભિવ્યક્તિવૈચિત્ર્ય

From Ekatra Wiki
Revision as of 15:58, 4 July 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અભિવ્યક્તિવૈચિત્ર્ય

વિભાવ-અનુભાવ નૂતન ન હોય, પરિચિત ને પરંપરાગત હોય પરંતુ એને જુદી જ ભંગિથી વ્યક્ત કરવામાં આવેલ હોય, ને એ રીતે એને નૂતનતા પ્રાપ્ત થઈ હોય. આ પણ કવિકૌશલ જ છે. દિનેશ કોઠારીના ‘અઢળક ઢળિયો રે…’ એ કાવ્યમાં વરસાદ પડ્યા પછીની સૃષ્ટિ કવિને થતા વિસ્મયાનંદના વિભાવરૂપ છે. એ સૃષ્ટિની જે રેખાઓ આલેખાઈ છે – ડૂંડે ઝૂમતાં ખેતર ને હવાનું ગુંજન – એમાં કશી નવીનતા છે એમ ન કહેવાય. પણ કવિએ વિરોધનો એક ચમત્કાર સર્જ્યો છે. ખુલ્લાં ખાલીખમ હતાં તે ખેતર આજે ડૂંડે ઝૂમે છે, લુખ્ખી ને લયહીન જે હતી તે હવા આજે હૂડે ગુંજન કરે છે. ઉપરાંત પ્રેમાનંદની ‘અઢળક ઢળિયો રે શામળિયો’ એ પંક્તિનો વિનિયોગ કરીને ચપટી તાંદુલના વેરવાથી મબલખ મોલ પ્રાપ્ત થયો છે એમ ‘સુદામાચરિત્ર’નો સંદર્ભ ગૂંથી લઈને જાણીતી પ્રાકૃતિક ઘટનાને એક નવું મૂલ્ય આપ્યું છે. વિસ્મયાનંદના વિભાવ તરીકે બાહ્ય સૃષ્ટિના પરિવર્તનની સાથે આંતરસૃષ્ટિના પરિવર્તનને – ‘ભેંકાર હતો જે ભૂત હુંય તે દેવલોકમાં ભળિયો’ – જોડવામાં તો અનન્ય કવિકર્મ રહ્યું છે. ‘પ્રસાદજીની બેચેની’માં અંગ રૂપે શૃંગાર રસ આલેખાયો છે. એના વિભાવરૂપ પેલી બજારુ ઓરત છે. પ્રસાદજીના રતિભાવને ઉદ્દીપ્ત કરનાર તરીકે રજૂ થયાં છે એ ઓરતનાં કંકણનો રણકાર, એની ઉર્દૂ જબાં, એનાં કપડાંમાંથી મહેકતો હિનો, એના બદન પરના કમખાના ખૂંચતા જરીના તાર, એના સુગંધીદાર પાનવાળા મોંની ખુશબો. આમાં બદન પરના કમખાના ખૂંચતા જરીના તાર જેવો વિભાવ વિશિષ્ટ કવિસૂઝનો દ્યોતક જણાય છે. પણ તે સિવાય આ વિભાવો અલંકારોક્તિથી રજૂ થયા છે – રણકી ઊઠતાં કંકણ તે જાણે બુલબુલો, મીઠી ઉર્દૂ જબાં તે જાણે ધીમેધીમે પ્રસરતું ગુલાબનું અત્તર વગેરે. ઉપરાંત આ વિભાવવર્ણનમાં ઉર્દૂ પદાવલિનો ખાસ્સો વિનિયોગ થયો છે. તેથી જાણે આ વિભાવસૃષ્ટિ આપણી સમક્ષ નવા રૂપે ઊઘડતી હોય એવું લાગે છે. રાવજી પટેલના ‘એક બપોરે’ કાવ્યમાં ખેતરને શેઢેથી સારસી ઊડી જતાં નાયકના ચિત્તમાં વ્યાપી વળેલો વિષાદ આલેખાયેલો છે. એ વિષાદની અભિવ્યક્તિ કેવી રીતે થઈ છે તે જુઓ. નાયક માને ઢોચકીમાં છાશ પાછી રેડી દેવા, રોટલાને બાંધી દેવા, ચલમનો અગ્નિ ઠારી નાખવા કહે છે અને સાથીને બળદને હળે ન જોતરવા સૂચવે છે. છાશરોટલા ન ખાવાં, ચલમ ન પીવી, ખેતર ન ખેડવું એ વિષાદના અનુભાવો બને – કૃષિજીવનના લાક્ષણિક એવા અનુભાવો, પણ અહીં એ અનુભાવોની એવી સીધી અભિવ્યક્તિ કરવામાં નથી આવી. નાયકની માને અને સાથીને અપાયેલી સૂચનાઓમાંથી એ અનુભાવો વ્યંજિત થાય છે ને એથી નાયકની નિષ્ક્રિયતાને શગ ચડી છે. નાયકને પોતાને ઢોચકીમાં છાશ પાછી રેડી દેતો, રોટલાને બાંધી દેતો, બળદને હળેથી છોડી નાખતો વર્ણવવામાં આવ્યો હોત તો નાયકનો જે વિષાદભાવ વ્યક્ત થયો હોત તેનાથી એ અહીં કંઈક જુદી છટા સાથે પ્રગટ થાય છે એમ નથી લાગતું? ભાનુપ્રસાદ પંડ્યાના ‘દીવો બળે ને…’ એ કાવ્યમાં વિરહભાવનું આલેખન છે. એને અનુષંગે પ્રતીક્ષાનો ભાવ કેવી રીતે આલેખાયો છે તે જુઓ : ‘રોજ ઉલેચે આંખ્યનાં કૂંડાં, વાલમજી! જોણું છીછરું ને દરિયા ઊંડા વાલમજી!’ દરિયે આંખ માંડીને વાટ જોયા કરવી એ ખારવા સ્ત્રીની એક સ્વાભાવિક ચેષ્ટા કહેવાય પણ આંખનાં કૂંડાંથી દરિયયા ઉલેચવા – એવી ખારવાજીવન સાથે સંબંધિત અલંકારોક્તિથી પ્રતીક્ષાના ભાવને ઉત્કટતા સાંપડી છે. એ જ રીતે વિરહિણી સ્ત્રીને રાત્રે ઊંઘ ન આવે એ જાણીતી વાત છે. પણ અહીં ‘ગૂંથું સાદડીમાં રાત્યુંની રાત્યું’ એમ રાત્રિનિર્ગમનની ક્રિયા પ્રત્યક્ષ આલેખાઈ છે, એમાં ખારવાજીવનના સંદર્ભને કામમાં લીધો છે અને અલંકારોક્તિનો, લક્ષણાપ્રયોગનો આશ્રય લીધો છે. આ બધું વિરહના ભાવને મૂર્ત કરવામાં ખૂબ કામયાબ નીવડે છે. શૃંગારનો એક સુપરિચિત અનુભાવ તે સ્પર્શ. ભાનુપ્રસાદ સ્પર્શની શૃંગારચેષ્ટાને હથેળીના માધ્યમથી ને કેવી પરોક્ષતાથી વર્ણવે છે! – હથેળીમાં આખી રાત આલેખાઈ છે, હથેળીમાં તાજાં ધૂપેલ ફોરે છે ને ઓડિયાંનો વાંકડિયો તોર ફરકે છે વગેરે. (‘હથેળિયુંમાં…’) આ પરોક્ષતામાં જ વિશિષ્ટ કવિકર્મ રહ્યું છે.