સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/આલંબનવિભાવ-ઉદ્દીપનવિભાવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આલંબનવિભાવ-ઉદ્દીપનવિભાવનો ભેદ કૃત્રિમ

આલંબનવિભાવ અને ઉદ્દીપનવિભાવ એવો ભેદ આપણે ઘણી વાર કરીએ છીએ પણ એ જોઈ શકાશે કે અહીં મેં એ ભેદ કરવાનું ટાળ્યું છે. એ ભેદ કંઈક કૃત્રિમ છે અને ઘણી વાર એ ભેદ કરવાનું મુશ્કેલ બને છે. કાવ્યશાસ્ત્ર પણ આ ભેદ કરવાનું આવશ્યક માનતું નથી. ભરત શૃંગારમાં સ્ત્રીપુરુષવિષયક રતિ હોય છે એમ કહે છે, પણ પછી ઉપવન, ઋતુ, માલ્ય આદિને ‘વિભાવ’ જ કહે છે, ‘ઉદ્દીપનવિભાવ’ એવો શબ્દ વાપરતા નથી. અભિનવગુપ્ત તો સર્વ સામગ્રી ભેગી મળીને વિભાવ બને છે ને આલંબન-ઉદ્દીપનવિભાવ એ ભેદ કાલ્પનિક છે એમ કહે છે. ‘જૂનું ઘર ખાલી કરતાં’માં મૃત બાળક તે આલંબનવિભાવ અને જૂનું ઘર ખાલી કરવાનો પ્રસંગ તે ઉદ્દીપનવિભાવ એવો ભેદ આપણે કરીશું? એથી કાવ્યને શું લાભ થાય છે? જીવનવૈષમ્યની લાગણીથી યુક્ત જે વિશિષ્ટ કરુણનો કાવ્યમાં બોધ થાય છે એની પાછળ તો આખી પરિસ્થિતિ પડેલી છે – જૂનું ઘર ખાલી કરતી વેળા થયેલી મૃત બાળકની સ્મૃતિ. પેલી બજારુ ઓરત એના સર્વ અસબાબ સાથે શિવપ્રસાદના રતિભાવનો વિભાવ છે – આલંબન, ઉદ્દીપન એવા ભેદ કરો એટલે એ ઓરત જાણે ખંડિત થતી લાગે છે.