આંગણે ટહુકે કોયલ/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Revision as of 15:16, 11 August 2024 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લોકગીતોની જણસ


શ્રી નીલેશ પંડયા મૂળ તો પત્રકારત્વ અને અધ્યાપનકાર્ય સાથે જોડાયેલા છે. સાથે સાથે લોકગીતના ગાયક-વાહક તરીકે પણ ગુજરાતભરમાં આગવાં માન-સન્માન અને પ્રતિષ્ઠા પામ્યા છે. તેઓ લોકગીતના માત્ર ગાયક જ નહીં, પણ એક ઉમદા આસ્વાદક પણ છે. હલક ભર્યા કંઠે લોકગીતની રજૂઆત કરતાં કરતાં તેઓ શ્રોતાસમૂહ સમક્ષ લોકગીતના અર્થોને પણ મર્મસ્પર્શીરીતે ખોલતા જાય છે. નવી પેઢી જ્યારે આપણાં લોકગીતોથી વિમુખ થતી જાય છે તેવા દિવસોમાં નવી પેઢીને આપણી અમૂલ્ય સાંસ્કૃતિક ધરોહર સમાં લોકગીત તરફ પુનઃ અભિમુખ કરવાનો તેમનો પ્રયાસ સ્તુત્ય છે.

આપણે ત્યાં લોકગીતોનાં સંપાદનની એક ઉજ્જવળ પરંપરા છે જેના ફળસ્વરૂપે લોકગીતોના અસંખ્ય સંપાદનો મળ્યાં છે, પરંતુ લોકગીતોનાં આસ્વાદ સાથેનાં સંપાદનો પ્રમાણમાં ખૂબ જ ઓછાં મળે છે. ત્યારે નીલેશ પંડયાનો આસ્વાદ સાથેનો સંપાદન અભિગમ આવકાર્ય છે. આવા અભિગમનાં ફળસ્વરૂપે તેમની પાસેથી 'ચાંદો ઊગ્યો ચોકમાં', છેલ્લા હો છેલડા' અને 'સોના વાટકડી રે' જેવા લોકગીતોના આસ્વાદમૂલક સંપાદનો મળ્યા છે. આ પરંપરાનું આ ચોથું સંપાદન આંગણે ટહુકે કોયલ' તેમની પાસેથી મળે છે. જેમાં આંગણાની કોયલના ટહુકા સમાન પંચોતેર લોકગીતો અને તેનો આસ્વાદ પ્રસ્તુત થયો છે. આ લોકગીતો એ માનવમનની આડંબર વિનાની અભિવ્યક્તિ છે. જેમાં માનવીના અંતરમનના સૂક્ષ્મભાવો શબ્દના માધ્યમથી ઘાટ પામ્યા છે. માનવજાતના હૂંફ, પ્રેમ, સદાચાર, કટાક્ષ જેવા ભાવો અને નવેય રસોની પ્રાકૃતિક અને સહજ અભિવ્યક્તિ આ લોકગીતોમાં થઈ છે. આ લોકગીતો સાહિત્યના કોઈપણ કાવ્ય સ્વરૂપથી ઉતરતાં નથી, ઉલટાનું આ લોકગીતોમાં જ જીવનનો સાચો દસ્તાવેજ મળી રહે છે. અહીં લોકગીતની પસંદગી, તેના વિષયની સમજૂતી અને તેનાં લયની સમજ વગેરેમાં નીલેશ પંડ્યાની દ્રષ્ટિનો પરિચય મળી રહે છે. તેમના સ્વાધ્યાયના આવા સુફળ ભવિષ્યમાં પણ મળતા રહે એવી આશા સાથે આ ગ્રંથને પ્રસન્નતા સાથે આવકારું છું.

— જે.એમ.ચંદ્રવાડિયા
નિયામક
શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ-૫.