આમંત્રિત/૩૭. સચિન

From Ekatra Wiki
Revision as of 02:16, 29 July 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૭. સચિન

મહાનગર ન્યૂયોર્કમાં ડિસેમ્બર મહિનાનો અંત એટલે જાણે ઋતુ અને પ્રજાજનો વચ્ચે એક ગજગ્રાહ! ઋતુ ઈચ્છે કે હવા ઠંડી હોય, ને વાતાવરણ ગુમસુમ જેવું હોય. પ્રજાજનો આ મહિનાને શિયાળાની શરૂઆત નહીં, પણ ઉત્સવનો સમય ગણે. પહેલા જ અઠવાડિયામાં રૉકફેલર સેન્ટરમાંનું વિરાટકાયી ‘ક્રિસમસ-ટ્રી’ રંગીન દીવાઓથી સુશોભિત થઈ જાય, ને બીજા અઠવાડિયાથી શહેરમાં ઑફીસોની મોટી મોટી લૉબિમાં અસંખ્ય ‘ટ્રી’ મૂકાઈ જાય, અને રસ્તે રસ્તે બત્તીઓની ઝૂલ બંધાઈ જાય. ગયા વર્ષે પાપાને રોકફેલર સેન્ટર અને લિન્કન સેન્ટરનાં ‘ટ્રી’ જોવા લઈ ગયો હતો, તે સચિનને યાદ હતું. આ વખતે અંજલિ અને માર્શલ કદાચ એમને લઈ ગયાં હોય. કદાચ પાપાને ફરીથી જવાનો શોખ ના પણ થાય. કેમ રહી હશે એમની તબિયત?, સચિન વિચારતો હતો. દિલ્હીથી નીકળેલું વિમાન ન્યૂયોર્કના આંતર્રાષ્ટ્રીય મથક પર ઊતરતું જતું હતું. વિમાનમથક પર પણ ક્રિસમસને લગતી શોભા હતી. એકાદ લાઉન્જમાં ‘ટ્રી’ પણ મૂક્યું હશે, પણ એમનાં જોવામાં આવ્યું નહીં. ‘બસ, હવે જાણે જલદી ઘેર પહોંચી જઈએ’, જૅકિને ક્યારનું થતું હતું. શિયાળો થતાં વૃક્ષોનાં પાંદડાં ખરી ગયાં હતાં. સૂકી ડાળીઓમાં થઈને તો હવે હડસન નદી ઘણી વધારે દેખાતી હતી. આ દૃશ્ય જૅકિને બહુ પ્રિય હતું. સામે વિસ્તરેલી નદી, ઉપર વિશાળ આકાશ. એને બહુ જ પોતાનું લાગતું આ દૃશ્ય. ‘એકદમ નિજી’, એણે વિચાર્યું. ‘ઓહ, નિજી, અને જીવંત’, એને એ શબ્દો યાદ આવી ગયા. સચિન એની સામે જોઈને જાણે એમ જ વિચારી રહ્યો હતો. બંનેનું પોતીકું સ્થાન હતું આ, અને બંનેના પ્રેમથી સિક્ત. સાંજે પાંચ વાગ્યાથી જ બંને સુજીતને મળવા જતાં રહ્યાં. બહુ વખતે પાપા સાથે બેસીને ચ્હા પીવા સચિન આતુર હતો. જમવાનું પણ ત્યાં જ હતું. શું મંગાવીશૂં?, એમ સચિન વિચારતો હતો, ત્યાં એણે માલતીબહેનને જોયાં. મુકુલ ને રીટા બહાર જમવાનાં હતાં, તેથી એકલા દિવાન અંકલને માટે જમવાનું કરે, એના કરતાં એમને જ અહીં જમવા બોલાવી લીધેલા, ને એ રીતે આજે રાતે ગરમ રસોઈ ખાવા મળવાની હતી. સચિનને પાપા જરા સૂકાયેલા લાગ્યા. “તબિયત સારી રહી હતીને, પાપા?”, એણે પૂછ્યું. માલતીબહેન કશું કહેવા ગયાં, એને લાગ્યું, પણ પાપાની સામે જોઈને અટકી ગયાં હતાં. થોડી વારે અંજલિ આવી, ને એણે સચિનને કહ્યું, કે “પાપાને શ્વાસ ચઢી ગયેલો, ગભરામણ થઈ ગયેલી, ને એક વાર હોસ્પિટલમાં લઈ જવા પડેલા.” સચિન ચિંતા કરવા માંડશે, એમ વિચારીને એણે આવું કાંઈ ફોનમાં કહેલું નહીં. હમણાં તો નવા વર્ષની ઉજવણી નિમિત્તે બધે જાહેર રજાઓ ચાલતી હતી. એ પછી ડૉક્ટર સાથે વાત કરી લેવી પડશે, સચિન મનમાં કહેતો હતો. ટ્રીપની ઘણી વાતો થઈ. જૅકિ ત્રણ-ચાર પર્સ સાથે લેતી આવેલી. એમાંથી એણે અંજલિને પસંદ કરવાનું કહ્યું. માલતીબહેન અહીં જ હતાં, એટલે એક પર્સ એણે એમને પણ આપી. સચિને આંખથી પૂછ્યું, ‘ચોક્કસ આપવી છે?’ એટલેકે, બીજી બહેનપણીઓ માટે પૂરતી થશેને? પણ જૅકિએ આ કારણે જ વધારે ખરીદી હતી. એમ તો એણે શર્માજીને ત્યાં શીલાને, અને દિવાન અંકલને ત્યાં રીટાને પણ એક એક પર્સ આપવાનું વિચારી રાખેલું. આ બધા સંબંધોનો એને પણ આનંદ હતો. ડિસેમ્બરની છેલ્લી રાત તો ખલિલની સાથે જ ગાળવાની હતી. એ વચન તો આપેલું જ હતું. આમ તો, ઘણા લોકો બહુ મોટી પાર્ટી કરે. ડ્રિન્ક્સ, મ્યુઝીક, તીણી સિસોટી, ઘોંઘાટ - ઘણું ગાંડપણ થાય. એવું આ લોકોને પસંદ નહતું. ખલિલ, રેહાના, સચિન, જૅકિ, માર્શલ, અંજલિ, ઑલિવર, દોલા - એટલાં જ ભેગાં થયેલાં. જૅકિ રેહાના અને દોલા માટે પોન્ડિચેરીવાળી કળાત્મક પર્સ લેતી આવેલી. આખી સાંજ સરસ જાઝ મ્યુઝીક ચાલુ રહ્યું. સાથે થોડો ડાન્સ પણ થતો રહ્યો. ઘણો વિનોદ પણ ચાલ્યો. ખલિલે એની ટેવ પ્રમાણે જૅકિને કહ્યું, “તો તારા નવાનક્કોર પતિએ તને તાજમહેલ બંધાવી આપવાનું વચન આપ્યું છે કે નહીં?” કોણ જાણે કેમ, પણ જૅકિને આ મજાક ગમી નહીં. તાજમહેલમાં એને સુંદર, પણ સ્થગિત એક મૃત સ્થાન જ દેખાયેલું. એનું કશું પણ પોતાના જીવનમાં એને જોઈતું નહતું. એણે જવાબ આપ્યો, “એવા કોઈ વચનની મારે જરૂર જ નથી. સચિને મને ક્યારનું એક અસાધારણ જીવંત ઘર બનાવી આપ્યું છે.” સચિને જૅકિને વહાલ કરીને કહ્યું, “અમે મે મહિનાની શરૂઆતમાં લગ્નની પાર્ટી કરવાનું વિચાર્યું છે. વસંત શરૂ થવામાં હોય, હવા સુંદર બની હોય, ફૂલો ખીલવા લાગ્યાં હોય. જોકે બહાર રાખી શકાય તેટલું ગરમ ના થયું હોય. એટલે કોઈ સારો હૉલ મૅનહૅતનમાં શોધવો પડશે. હડસન દેખાય એવો જોઈશે. રાઇટ, જૅકિ?” અમેરિકામાં જન્મેલાં, ને ઉછરેલાં આ યુવા અમેરિકનોને ગંગા-યમુનાનો કશો સંદર્ભ હતો નહીં, પણ હડસન નદીનો ખરો. એમને માટે આ નદી એટલે ગતિમાન જળ, અને જળ એટલે જીવનનું અગત્યનું તત્ત્વ. આ અર્થમાં એમનો ખ્યાલ વ્યાપક જ હતો. દરરોજ એને જોઈને જૅકિ અને સચિન આનંદ પામતાં રહેલાં, તેથી લગ્નની ઉજવણીના ખૂબ આનંદના પ્રસંગે એમને હડસનની હાજરી બહુ જ નજીકમાં જોઈતી હતી. સારું થયું કે આ વાત અહીં નીકળી. ખલિલ તો મદદરૂપ થયો જ હોત, પણ આજે ઑલિવર પાસેથી એક અસામાન્ય આઇડિયા મળી ગયો. એણે કહ્યું, “આર્કિટેક્ટ ફ્રૅન્ક ગેહ્રિનું નામ સાંભળ્યું છેને? એમણે ન્યૂયોર્કમાં એક નવી ઈમારત બાંધી છે. છે તો ઑફીસ-બિલ્ડિન્ગ, પણ એકદમ મૉડર્ન ડિઝાઇન છે. અને માનશો, છેક નદીની ઉપર કહેવાય તેવી છે. અગિયારમો ઍવન્યુ એટલે મૅનહૅતનનો છેડો, પછી વૅસ્ટ સાઇડ હાઈવે, અને એ પછી તો હડસન પોતે.” સચિને જોઈ જ હતી આ ઈમારત. “હા, જુદું જ સ્થાપત્ય છે. આખી દીવાલો કાચની બારીઓની બનેલી છે. એમાં ઉપર હૉલ તો હશે જ. પણ એ ભાડે મળે ખરો?”, એણે પૂછ્યું. એમાં એક નાની આર્ટ-ગૅલૅરી પણ હતી, ને ત્યાં ઑલિવરને એક સંપર્ક હતો. “હું પૂછી જોઈશ”, એણે કહ્યું. ખલિલને તો બધે જ ઓળખાણો હતી. એ પણ તપાસ કરવા માંડવાનો હતો. સચિનને તો આ આઇડિયા બહુ જ ગમી ગયો. એ તો ત્યારથી જ આશા રાખવા લાગી ગયો, કે એમાં જ હૉલ મળી જાય. રૉલ્ફ અને કૅમિલ પણ તરત જ મળવા ઈચ્છતાં હોય, તે જૅકિ અને સચિન જાણતાં હતાં. નવા વર્ષના બીજે દિવસે એ બંને કૅમિલને ત્યાં ગયાં. ન્યૂયોર્ક પાછાં આવતાં, પૅરિસના ઍરપોર્ટ પરથી એમણે ફ્રેન્ચ વાઇનની બે બૉટલ રૉલ્ફની સાથે માણવા માટે લીધેલી. ફરીથી જોસેફીન બેકરની સિ.ડિ. ચાલુ થઈ, ફ્રેન્ચ વાઇન ખોલવામાં આવ્યો. “ઘણી વાર ઘરમાં બેસીને વાતો કરવાની વધારે મઝા આવે છે, એવું નથી લાગતું?”, કૅમિલે કહ્યું. પોન્ડિચેરીની સરસ પર્સ જોઈને એ ખૂબ ખુશ થઈ ગઈ. “કેટલી કળા છે ઈન્ડિયામાં, નહીં?”, એણે જૅકિનો આભાર માનતાં કહ્યું. એને જૅકિની ટ્રીપની ઘણી વિગતો જાણવી હતી. એ બે વાત કરતાં હતાં ત્યારે રૉલ્ફ અને સચિનની વચ્ચે લગ્નની પાર્ટીની વાત નીકળી હતી. આર્કિટેક્ટ ગેહ્રિના બિલ્ડિન્ગનો ઉલ્લેખ થતાં રૉલ્ફ બોલ્યો, “અરે, ત્યાં બહુ સરસ હૉલ છે. એક વાર કોન્સ્યુલેટની પાર્ટીમાં હું ત્યાં ગયો છું. ત્યાં મારે ઓળખાણ છે. હું પણ તપાસ કરીશ.” સચિનને લાગ્યું કે ‘ખરેખર, કોઈ શુકનિયાળ ક્ષણે જ આ પાર્ટીની અને ગૅહ્રિવાળા બિલ્ડિન્ગની વાત શરૂ થઈ છે. અમારી ઈચ્છા પ્રમાણે બધું ચોક્કસ ગોઠવાઈ જશે.’ પછીના બેએક મહિના બધાં માટે બિઝી ગયા. બધાંને કામ વધારે રહ્યું, અને પ્રવૃત્તિઓ પણ. એક વાર ક્લિફર્ડે એમને બાલી ટાપુના સંગીત-નૃત્યના એક કાર્યક્રમ માટે એની બારુખ કૉલેજ પર આવવા આમંત્ર્યાં. ત્યાં એણે એમની ઓળખાણ કરાવી “આ ક્રિસ્ટિન છે”, કરીને. દેખાવડી છોકરી હતી. એની જેમ જ કરીબિયન ટાપુની, અને કોલેજમાં આર્ટ વિભાગમાં પ્રોફેસર હતી. બંનેને મૈત્રી થવા માંડેલી, ને હવે બંને વધારે નજીક આવેલાં. ક્લિફર્ડ કહે, “સચિન, તને જૅકિની સાથે જોઈને મને થતું હતું, કે ખરેખર, જીવનમાં એક અંગત ઘનિષ્ટ સંબંધ હોય તે કેટલું જરૂરી હોય છે. આ ક્રિસ્ટિનને કારણે મારા જીવનમાં જાણે કશીક અસાધારણતા આવવા લાગી છે!” પછી લિરૉય અંકલ મળ્યા ત્યારે એમણે સુજીતને ખાસ કહેલું, “સુજી, માય મૅન, તારા દીકરાએ પહેલાં મારી જિંદગી બદલી નાખી, ને હવે મારા દીકરાને સુખી થવાની પ્રેરણા આપી છે. ક્રિસ્ટિન પણ જૅકિ જેવી જ સરસ અને સીધી છોકરી છે.” પછીથી જૅકિએ એક પર્સ ક્રિસ્ટિનને પણ ભેટ આપી. ક્લિફર્ડ પણ કેટલો સરસ મિત્ર બની ગયો હતો. પાર્ટીનાં આમંત્રણ-પત્રની ડિઝાઇન અંજલિ કરવાની હતી. પણ સચિને કહેલું, “સાદું જ રાખવાનું છે બધું. કાર્ડ ઉપર નદીનું વહેણ દેખાવું જોઈએ, અને ડૅફોડિલ્સનાં ફૂલ હોવાં જોઈએ.” “ભાઈ, તો પછી તું જ બનાવને કાર્ડ”, અંજલિએ કહેલું. ને હજી તો સચિનનું એક સૂચન ઉમેરવાનું હતું - “અંદર લખજે કે કોઈ ભેટ આપવાની નથી. એને બદલે દાન કરવા વિનંતી છે.” સુજીતે અંજલિને આગ્રહ કરેલો, “ભાઈની પાર્ટી માટે કાર્ડ તો તારે જ બનાવવાનું હોય ને. અને એ દિવસને માટે એક સરસ નવો ડ્રેસ મારા તરફથી ખરીદજે.” મહિના પહેલાં ગૅહ્રિ-બિલ્ડિન્ગમાંનો હૉલ મળી ગયેલો. આમંત્રિત મિત્રોનું લિસ્ટ સચિને તૈયાર કરી જ રાખેલું. એની અને જૅકિની ઑફીસમાંથી કેટલાંક જણ, અને બધાં જ મિત્રોને યાદ કર્યાં હતાં. લિરૉય અંકલ, દિવાન અંકલ, શર્માજી અને એમનાં ઘરનાંને પણ કહેવાનું હતું. દેવકી આન્ટીને કહેવું કે નહીં, એ વિચાર સચિને કર્યા કરેલો. કદાચ છેને આન્ટીને જોઈને પાપા અપસેટ થઈ જાય તો? પછી દોલાએ કહેલું, “મમ્મી ક્યાંય જતી જ નથી. તમે કહેશો તોયે એ નહીં આવે. કદાચ સોના અહીં હોય, તો તમે એને ગણી શકો આમંત્રિતોમાં.” વામા આન્ટી અને રૉબર્ટ અંકલને તો કહેવું જ હતું. એની યે સચિને ચિંતા કરેલી, કે એમને જોઈને પાપા અપસેટ નહીં થાય ને? પછી એણે પાપાને પૂછી જ લીધેલું, કે એમને બોલાવીએને? આ બધા પ્લાનિન્ગની વચમાં એક જુદા જ સમાચાર આપવાના થયા. સચિન અને જૅકિએ પાપાને ખાસ મળવા જઈને, એમને પગે લાગીને કહ્યું, “પાપા, આશીર્વાદ આપો.” જૅકિને ઠીક રહેતું નહતું. ડૉક્ટરને બતાવતાં ખબર પડી કે એ પ્રેગ્નન્ટ થઈ હતી. બધાં ખાસ મિત્રો અભિનંદન આપવા માંડેલાં. અત્યંત હર્ષને કારણે સુજીતનું ગળું રુંધાઈ ગયું. એમણે બંનેને ભેટીને આશીર્વાદ આપ્યા, પણ તરત કશું બોલી ના શક્યા. સચિને કહ્યું, “પાપા, અમે નક્કી કર્યું છે કે દીકરી આવશે તો એનું નામ ‘જોનાકિ’ પાડીશું. યાદ છેને તમે જૅકિ માટે એ સૂચવ્યું હતું? તો આપણે એ નામ જૅકિની દીકરીને માટે રાખી શકીશું.” ખલિલે એનું ડહાપણ વાપરીને પૂછ્યું હતું, “હા, અને દીકરો આવશે તો? એને માટે નામ વિચાર્યું છે કે નહીં?” “ચોક્કસ વળી. એનું નામ અમે ‘જુગનુ’ રાખીશું.” જૅકિનાં પૅરન્ટ્સને ફોન કરીને બંનેએ સાથે જણાવેલું. પણ એ પછી સચિને એમને ઑફીસેથી ફોન કરીને પાર્ટીને માટે, અને જૅકિને અભિનંદન આપવા માટે ન્યૂયોર્ક આવવાનું આમંત્રણ આપ્યું. એ ટિકિટ ખરીદવા તૈયાર હતો, પણ ડૅડે ખાત્રી આપી કે એવી કોઈ જરૂર નહતી. બે-ત્રણ વાર આમ ખાનગી ફોન કરીને નક્કી થયું, કે જૅકિનાં મમા અને ડૅડ પાર્ટીના બે દિવસ વહેલાં આવી જશે. પણ જૅકિને હમણાં કહેવાનું નહતું. એને માટે આ સરપ્રાઈઝ રાખવાની હતી. સચિનને એક જ વિમાસણ હતી. એની જૅકિ એટલી શાર્પ હતી, કે એ પોતાની વધારે પડતી ખુશીનું કારણ પકડી તો નહીં પાડે ને. પાર્ટીને દિવસે જૅકિએ સાડી પહેરી. મમા એને માટે પોતાની જ એક વખતની નેવિ-બ્લૂ રંગના ફ્રેન્ચ શિફૉનની સાડી અને બ્લાઉઝ લેતાં આવેલાં. સાથે એણે ગળું ભરાઈ જાય તેવો નેવિ-બ્લૂ લાપિસ-લઝુલિ અને મોતીનો કંઠો પહેર્યો. હાથમાં ઉદેપુરવાળી લાખની બંગડીઓ. સચિને ઉદેપુરથી લીધેલી ફૂલગુલાબી ચુંદડી મમાની હૅન્ડબૅગમાં મુકાવી દીધી. એને માટે એક પ્લાન હતો એના મનમાં. આધુનિક અને કળાત્મક ગૅહ્રિ બિલ્ડિન્ગના હૉલમાંથી હડસન નદીનું રૂપ જ એટલું સુંદર દેખાવાનું હતું, કે સચિનને હૉલમાં બીજું કશું ડૅકોરેશન જોઈતું નહતું. પણ અંજલિ અને માર્શલે વાસંતી પીળાં ડૅફોડિલ ફૂલોના ઘણા ગુચ્છ ગોઠવી દીધેલા. સચિનને જાઝ ઉપરાંત રેગે મ્યુઝીકનું મન હતું. એમાં ક્લિફર્ડ મદદરૂપ થયો. એનો કઝીન ગૅરિ કરીબિયન કમ્યુનિટીમાં જાણીતો ડિ.જે. હતો. એને જ બોલાવી લીધેલો. એનું સિલેક્ષન ખરેખર બહુ સરસ હતું. બધાંને પસંદ પડ્યું, અને લગભગ બધાં ડાન્સ પણ કરતાં રહ્યાં. સચિન અને જૅકિ પર તો ઘણી તાલીઓ પડી. મમા અને ડૅડને માટે એ મ્યુઝીક જરા જુદું હતું, પણ એ બંનેએ પણ પછી લય બરાબર પકડી લીધો. સચિનની ઈચ્છા હતી કે ઈન્ટરનૅશનલ ફૂડની વિશિષ્ટ પસંદગી રાખવામાં આવે. એ મુજબ અમેરિકી ચીઝ સૅન્ડવિચ, ઈન્ડિયન સમોસાં અને ખમણ, ચીની નૂડલ્સ અને સ્પ્રિન્ગરોલ, તિબેટન મોમો, રશિયન બ્લિન્ત્સ, ઇટાલિયન પોલેન્તા, ફ્રેન્ચ રાક્લે, પોલિશ પિરોગી, ગ્રીક ગ્રેપલીવ્સ, ઈંગ્લંડની પાસ્તિ, ઈથિયોપિયન ઍન્જિરા, આર્જેન્ટીનાના ઍમ્પૅનાડા, લૅબૅનોનનું ફલાફલ વગેરેના થાળા લઈને વેઈટર મહેમાનોની વચમાં ફરતા હતા. દરેક થાળામાં વાનગીના નામની ચીઠ્ઠી મૂકેલી હતી. ગળપણ પણ જુદા જુદા દેશોમાંનું જ હતું. બધાંને અનહદ આશ્ચર્ય થતું હતું, કે એક તો આવો આઇડિયા આવવો, અને પછી આ બધું ક્યાં ક્યાંથી મેળવવું. કેટલાંક જણે પૂછ્યું પણ ખરું. અરે, પાપાએ પણ ભારે નવાઈ પ્રગટ કરેલી. “ક્યાંથી પહોંચી વળ્યો તું, બાબા?”, એમણે પૂછેલું. પાર્ટી દરમ્યાન, બે મિનિટ માટે મ્યુઝીક અટકાવીને, સચિને ખલિલનો ખાસ આભાર માન્યો. “આ વિશિષ્ટ રજુઆત માટે ખલિલે ઘણી મહેનત કરી છે. એના વગર પાર્ટી આ રીતે થઈ જ ના શકી હોત.” બંને મિત્રો ભેટ્યા. ખલિલે સચિનના કાનમાં કહ્યું, “તારા વગર અમારી પાર્ટી ક્યાં થઈ શકી હોત, દોસ્ત?” બીજાં કેટલાંકનો આભાર માનવાનું સચિન ભૂલ્યો નહીં. અંજલિ અને માર્શલનો આમંત્રણ-પત્રિકા અને ડૅફોડિલ ફૂલો માટે, અને ક્લિફર્ડનો ડિ..જે. ગૅરિ સાથે સંપર્ક કરાવી આપવા માટે આભાર માન્યો. પાપાની, અને મમા ને ડૅડની ઓળખાણ બધાંની સાથે કરાવી. છેક ફ્રાન્સથી ન્યૂયોર્ક સુધી આવવા માટે એણે એમનો આભાર માન્યો. જૅકિની પાસે ઊભાં રહીને એણે “પ્રિય ન્યૂયોર્ક શહેર અને અમારી આ હડસન નદી”નો હૃદયથી આભાર માન્યો. પછી એના ઈશારા પરથી ડિ.જે. ગૅરિએ એક ગીત મૂક્યું. એ રાજસ્થાની લોકગીત હતું. સચિને ફૂલગુલાબી ચંુદડી જૅકિને આપી, અને એને નૃત્ય કરવા દોરી. એણે ના-ના કરી, પણ પછી એ ગીતના લય સાથે ફરવા લાગી, અને ઉદેપુરમાં શીખી હતી તેમ હાથનો અભિનય પણ કરવા લાગી. પછી ખલિલે સચિનને પણ જૅકિ તરફ ધકેલ્યો. યુવાન, દેખાવડાં, હસતાં, સ્નેહાળ એ બંનેને સાથે આનંદ કરતાં જોઈને સુજીતને ખૂબ સંતોષ થયો. ‘બધું બરાબર છે. હવે આપણે જઈ શકીએ”, ઊંડો શ્વાસ લઈને એમણે મનોમન પોતાના જીવને કહ્યું. સમય પ્રમાણે મહેમાનો જવા માંડ્યાં. છેલ્લે ડિ.જે. ગૅરિએ ફરી એ લોકગીત ચાલુ કર્યું. ટીખળ-મજાકના એ શબ્દોના લયમાં હવે બધાં યુગલો જોડાઈ ગયાં. ગીતનો રમતિયાળ સૂર હૉલમાં ગુંજતો રહ્યો – મારો પલ્લો લટકે રે, મ્હારો પલ્લો લટકે, જરા સા - જરા સા ટેઢો હોજા બાલમા, મ્હારો પલ્લો લટકે –