આમંત્રિત/૩૬. જૅકિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૩૬. જૅકિ

કેટલી ઝડપથી જતા હતા દિવસો. ઑક્ટોબર પૂરો થઈ જવા આવ્યો. હવે ઋતુ બદલાઈ જવાની. હવે ફરીથી શિયાળાના ગુણ જોતાં થવું પડશે. જૅકિને લાગતું હતું, કે એને પોતાને તો કાંઈ કરવાનું જ નહતું. બધું સચિને જ કરવાનું હતું - સિટિ હૉલમાં દિવસ અને સમય નોંધાવવાનો, ઈન્ડિયાની ટ્રીપ માટેની ગોઠવણ કરવાની, એનાં પૅરન્ટ્સ સાથે વાત કરતાં રહેવાનું. એવો રૂટ નક્કી થયેલો કે જેમાં સચિન અને જૅકિ ન્યૂયોર્કથી પૅરિસ જવાનાં, ત્યાંથી ચેન્નાઈ જતી ફ્લાઈટમાં પૅરન્ટ્સ જોડાવાનાં. બધાં સીધાં પોન્ડિચેરી તરફ જવાના મતનાં હતાં. દરિયા-કિનારાની નજીકની એક સરસ હોટેલમાં સચિને બે બેડરૂમનો અપાર્ટમેન્ટ બૂક કરાવ્યો હતો. આશ્રમ પણ ત્યાંથી પંદરેક મિનિટ દૂર જ હશે. થોડા દિવસ ત્યાં ગાળ્યા પછી જૅકિનાં પૅરન્ટ્સ પાછાં પૅરિસ જવાનાં હતાં. સચિને જૅકિની સાથે ઉદેપુર અને આગ્રા જવાનો પ્લાન કર્યો હતો. પાછું નવું વર્ષ શરૂ થવાની રાત પહેલાં તો એમણે ન્યૂયોર્ક પહોંચી જ જવાનું હતું. ખલિલે વચન લીધું હતું. સચિનને લાગતું હતું કે ટ્રીપ બહુ ટૂંકી થવાની. જૅકિ કહેતી હતી, કે કામ પરથી બે અઠવાડિયાંથી વધારે લાંબું જવું ભાગ્યે જ બનતું હોય છે. નવેમ્બરમાં, ‘થૅન્ક્સ ગિવિન્ગ’ના બહુ જ અગત્યના કહેવાય તેવા પ્રથાગત પ્રસંગે તો બધાં પોતપોતાનાં કુટુંબ સાથે દિવસ ગાળે, તેથી સચિન અને જૅકિએ એના આગલા રવિવારે એક લંચ રાખ્યું. પાપા, અંજલિ, માર્શલ, ખલિલ, રેહાના, દોલા, ઑલિવર, સચિન અને જૅકિ. બસ, બધાં ઘરનાં જ. એમને બીજાં ઘણાંયે યાદ આવેલાં, જેમકે રૉલ્ફ, કૅમિલ, ક્લિફર્ડ, લિરૉય અંકલ વગેરે. પણ ના, આ વખતે આટલાં જ. જોકે પાપાની ઈચ્છા હતી એટલે દિવાન અંકલને કહેવું પડ્યું. વળી, માલતીબહેનને જમવાનું બનાવવા માટે બોલાવેલાં, ને તેથી એમના હસબંડને પણ આમંત્રણ આપી દીધેલું. સચિને જૅકિને કહ્યું, “તોયે ઘણાં જણ થઈ ગયાં, નહીં?” “તે ભલે ને. આટલાં સ્વજન હોય તે આપણું સદ્ભાગ્ય છે ને?”, જૅકિએ કહ્યું. બધાંને બહુ મઝા પડી, અને બહુ ઉષ્મા લાગી. બહાર વૃક્ષોનાં પાંદડાં તો ક્યારનાં ખરી ગયેલાં, પણ હડસન નદી બહુ જ સુંદર દેખાતી હતી. નવેમ્બરનું આકાશ ઘણું સ્વચ્છ હોય, તેથી પાણી પણ ભૂરું બન્યું હોય, અને શિયાળાની શરૂઆતનો તડકો એવો તો તેજસ્વી હોય, કે આખા વહેણ પર ચળકાટ પથરાયેલો લાગે. બધાંને બાલ્કનિમાં જ બેસવાનું, ઊભાં રહેવાનું મન થતું હતુ. એક સમયે ચર્ચા આજકાલના સમચારમાં સંભળાતા રહેતા, શહેરના સામાજિક પ્રશ્નો પર વળી. ઘર વગરનાં, ગરીબ, આશિક્ષિત, ગુનાહિત વગેરે અભાવગ્રસ્ત પ્રજાજનોની સમસ્યાઓ પર મંતવ્ય આપાયાં. ને ચર્ચા કરતાં કરતાં, હાજર હતાં તે બધાં યુવાવયી સદસ્યોએ સહજ નિર્ણય કર્યો, કે દર વર્ષે નિયમિત રીતે અમુક પૈસા વિશ્વસનીય સંસ્થાઓમાં દાનમાં આપવા. સચિને તો એ શરૂ કરી જ દીધું હતું. કેતકીએ આપેલા પૈસામાંથી એ રકમ વધારવાનો પણ હતો. જોકે એ વિષે એણે કાંઈ કહ્યું નહીં. પણ એણે ગ્રાન્ડ કૅથિડ્રાલ, હાર્લેમ હૉસ્પિટલ, બાઉરી અસોસિયેશન વગેરે જગ્યાઓનો ઉલ્લેખ કર્યો, કે જ્યાં ઘણું અગત્યનું કામ થતું હતું. દિવાન અંકલ નવાઈ પામ્યા હતા, કે આ જુવાનિયાં આવા ઉદાર અને આદર્શવાદી નિર્ણયો પણ લેતાં હોય છે. એ સુજીતને કહેવા માંડ્યા, “તમારા ઘરનાં આ બધાં નાનેરાં ઉંમરથી ઘણું વધારે ડહાપણ ધરાવે છે. વાહ. આ બધાંનાં વર્તન અને વિચાર જોઈને હું ગદ્ગદ્ થયો છું, હોં, ભાઈ. હું મારા મુકુલને પણ કહીશ, કે સચિનની સાથે આ બાબતે વાત કરે.” ડિસેમ્બરની સાતમીએ સવારે ઋતુને શોભે એવી રુચિર ઠંડી હતી. જૅકિના ગાલ પર લાલી હતી. કદાચ ઠંડીને લીધે, કદાચ આ લગ્ન- પ્રસંગના આવેશને કારણે. સચિનની આંખો એના મુખ પરથી ખસવા નહતી માગતી. કૅમિલ એમની સાથે ટૅક્સીમાં આવી હતી. ખલિલ એને ઘેરથી સિટિ હૉલ પર આવી ગયો હતો. જૅકિએ આછા પીસ્તાઈ રંગનાં સ્કર્ટ અને બ્લાઉઝ પહેર્યાં હતાં. ગળામાં કેતકીએ આપેલી ચેન એણે આદરથી પહેરી હતી. એણે સચિનને કહેલું, કે “રજિસ્ટર કર્યા પછી પાપાને ત્યાં જઈશું ત્યારે યાદ રાખીને કાઢી નાખીશ. કદાચ છેને એ ઓળખી જાય આ ચેનને.” સચિન પોતાને ને ખલિલને માટે તાજાં લાલ કાર્નેશન, અને જૅકિ ને કૅમિલને માટે સફેદ કાર્નેશન લેતો આવેલો. સાથે બે સેફ્ટિપીન પણ યાદ રાખીને લાવેલો, નહીં તો ડ્રેસ પર ભરાવે કઈ રીતે? બંને યુવતીઓએ વિસ્મિત આનંદથી સચિનનો આભાર માન્યો. જૅકિએ એનો હાથ દબાવ્યો. એને મન તો થતું હતું સચિનને જોરથી ભેટવાનું. એમને લાંબી રાહ જોવી ના પડી. લગ્નના રજિસ્ટ્રેશન માટે એમનો નંબર થોડી જ વારમાં આવી ગયો. આ વિધિમાં તો બહુ વાર થતી જ નથી. કલાકેકમાં ઑફીશિયલ થઈ ગયું, કે સચિન અને જૅકિ હવે પરીણિત દંપતી છે. ખલિલની ખુશી તો જાણે સમાતી નહતી. કૅમિલ જરા નવાઈ પામી ગયેલી. “આખી જિંદગી સાથે ગાળવાની છે, ને એને માટેની પરવાનગી મળતાં બસ, આટલી જ વાર?”, એણે કહ્યું. જૅકિ હસી, “સામાન્ય રીતે, ચર્ચમાં વિધિ લાંબો ચાલ્યા જ કરે તો જ લગ્ન થયું લાગે, નહીં? આપણે એ રીતે જ ટેવાયેલાં છીએ, પણ અમને આ સહી-સિક્કામાં બહુ સગવડ દેખાય છે. લગ્નમાં થવાનો હોય તે ખર્ચ આપણે સમાજમાં વહેંચી દઈ શકીએ છીએ.” સચિન સમજી શકતો હતો, કે તરત ને તરત છૂટાં પડતાં ખલિલ દુઃખી થશે. તેથી એ બધાંને નજીકના કાફેમાં લઈ ગયો. કૉફીના કપ હાથમાં લઈ લઈને સચિન અને જૅકિને અભિનંદન અપાયાં. એ ને જૅકિ લંચ માટે તો પાપાને ત્યાં જવાનાં હતાં, પણ સાંજે એમણે ખલિલ અને રેહાનાને આમંત્રણ આપ્યું. અને પછીની સાંજે કૅમિલ અને રૉલ્ફને મળવાનું નક્કી કર્યું. આ પછી તો ચારેક દિવસ જ રહેતા હતા. પછીની સાંજે તો એમની ફ્લાઈટ હતી. સચિન કહે, “બહુ ઝડપથી જાય છે દિવસો, જૅકિ. ને તારી સાથે એકલાં ને નિરાંતે મને ક્યારે સમય મળશે? કદાચ ઉદેપુરના લેક પૅલૅસમાં હોઈશું ત્યારે જ.” જૅકિને એ જ સમયની રાહ હતી. ચેન્નાઈના ઍરપોર્ટથી જ ટૅક્સી કરીને ચારેય જણ પોન્ડિચેરી તરફ નીકળી ગયાં. જૅકિનાં પૅરન્ટ્સ પૅરિસના ઍરપોર્ટ પર સચિન અને જૅકિને મળ્યાં ત્યારથી જ ખૂબ ઉત્તેજિત હતાં. એક તો, આ દરમ્યાન એમની દીકરીએ આવા સરસ યુવાનની સાથે લગ્ન કર્યાં હતાં, અને બીજું, ફરીથી એ લોકો પોન્ડિચેરી જઈ રહ્યાં હતાં. એમનાં તો ઘણાં વર્ષ ત્યાં વીતેલાં. શ્રી ઑરૉબિન્દો આશ્રમમાં દરરોજ જવાનો નિયમ હતો. આટલાં વર્ષે હવે દીકરી-જમાઈની સાથે પ્રણામ કરી શકશે, ધ્યાન-ખંડમાં બેસી શકશે. હોટેલ સારી હતી. ત્યાંથી દરિયા-કિનારે ચાલીને જઈ શકાતું. આશ્રમ સુધી પણ એ ચારેય ચાલીને જવાનું પસંદ કરતાં. સચિનને પોન્ડિચેરીના ઘટાદાર ઝાડ અને લાક્ષણિક ઘરવાળા રસ્તાઓ પર ચાલવું બહુ ગમવા લાગેલું. “વાતાવરણ ફ્રેન્ચ લાગે છે?”, જૅકિએ પૂછેલું. “એકદમ જુદું તો લાગે જ છે”, સચિને કહેલું. પછી તો સિન્યૉરા માટે સમાધિને ફૂલોથી શણગારવાની સંમતિ પણ મળી ગઈ. એક સાંજને માટે, ભીની આંખે, એમણે રંગરંગીન ફૂલોને સમાધિ પર ગોઠવ્યાં. વચમાં ગુલાબી પોયણાંથી હૃદય-આકાર બનાવ્યો, ને એમાં ખોલેલાં બે સફેદ કમળ મૂક્યાં. કોઈ દેખીતું ઇંગિત આપ્યા વગર એમણે જૅકિ અને સચિનના સહજીવનને માટે પ્રાર્થના કરી હતી. ત્યાં ઊભાં રહીને બધાંએ પ્રણામ કર્યાં, ને ધ્યાન-ખંડમાં પરમ શાંતિ અનુભવી. પછી તો જૅકિની સ્કૂલ જોઈ, લાયબ્રેરી જોઈ. ક્રિસમસની રજાઓમાં અંદરથી તો બધું બંધ હતું. વર્ષો પહેલાં જ્યાં રહેતાં હતાં તે રસ્તા પર ગયાં, ને એ ઘર સચિનને બતાવ્યું. “હવે તો સમારકામ થયું છે, ને ઘણું મોડર્ન બન્યું છે”, ડૅડ બોલ્યા. જૅકિ બહુ ખુશ થઈને બોલી, “મેં કલ્પ્યું પણ નહતું કે હું ફરી અહીં આવીશ, આ ઘરને ફરી જોવા પામીશ, ને તે પણ મમા ને ડૅડની સાથે.” “આપણે ત્રણેએ આભાર તો સચિનનો જ માનવાનો છે. એ જ અહીં લઈ આવ્યો છે આપણને”, મમાએ બહુ ભાવપૂર્વક કહ્યું. પોન્ડિચેરીમાંના દિવસો આ રીતે ગયા. બધાં દરરોજ આશ્રમમાં અને ધ્યાન-ખંડમાં સાથે જતાં. એ સિવાય, મમા અને ડૅડ બેએક જગ્યાએ જઈને કોઈ ઓળખીતું હોય તો મળી આવ્યાં; સચિન જૅકિને લઈને દરિયા-કિનારે ચાલવા જતો રહ્યો. “કેવી જુદી જ દુનિયા છે અહીંની, નહીં?”, સચિને કહ્યું. “કેવી શાંત છે. અહીં દિવસો કેવા સરસ ધીમી ગતિથી જતા લાગે છે, નહીં?” “થોડા દિવસમાં જ ક્રિસમસ આવશે, પણ આપણે મમા ને ડૅડની સાથે નહીં હોઈએ, તો અહીં જ મોટા ચર્ચમાં એક વાર સાથે જઈ આવીએ, તો કેવું?”, સચિને સૂચન કર્યું. જૅકિ તો સચિનની ઉદાર વિચારસરણી જાણતી જ હતી, પણ પૅરન્ટ્સ ખૂબ ખુશ થયાં આ સૂચનથી. ફ્રાન્સ પછી જૅકિ સાથે ચર્ચમાં જવાનું એમને અહીં ફરી મળી રહ્યું હતું. આશ્રમની બાજુમાં એક નાની દુકાનમાં પોન્ડિચેરીમાં વિશિષ્ટ એવા ‘માર્બલ પેઇન્ટિન્ગ’ની વસ્તુઓની દુકાન હતી. જાડા કાગળની જાતજાતની ચીજો - કાર્ડ, પૅડ, બૉક્સ, હોલ્ડર વગેરે. ઉપરાંત, સિલ્ક પર આ વિશિષ્ટ કળાથી રંગ કરીને આકર્ષક ચીજો બનાવેલી હતી - રુમાલ, સ્કાર્ફ, પર્સ, સાડી. જૅકિને ઘણી મિત્રો યાદ આવતી હતી. એણે છ લઉં?, આઠ લઉં? કરતાં કરતાં દસેક જેટલી ક્લચ-પર્સ પસંદ કરી. ‘પોન્ડિચેરીની આ કળા બીજે ક્યાંય ના મળે. ગિફ્ટ તરીકે આ સ્પેશિયલ થશે’, એણે વિચાર્યું. મમા અને ડૅડ ચેન્નાઈમાં બે દિવસ રહેવાનાં હતાં. ઍનિ બિસન્ટ અને શ્રી ક્રિષ્ણમૂર્તિનાં થોડાં લખાણ એમણે વાંચેલાં, અને એમને અડ્યારમાંની થિયોસોફિકલ સોસાયટીમાં ફરીથી જવું હતું. જૅકિ અને સચિને ઉદેપુર જવા માટે ફ્લાઇટ લીધી. સચિને ધાર્યું હતું તેમ, લેક પૅલૅસમાં પહોંચ્યા પછી જ એને જૅકિની સાથે નિરાંતે એકલાં રહેવા મળ્યું. એકાદ વાર પિછૌલા સરોવરમાં નૌકાની સહેલ લીધી, પણ બાકીનો સમય એમણે અઢારમી સદીમાં સફેદ આરસમાંથી બનાવેલા મહેલની અસાધારણ શોભાની વચમાં રહીને જ ગાળ્યો. આખો દિવસ સરોવર પરથી પવન આવતો રહેતો, ને રાજસ્થાનમાં તો ડિસેમ્બરની સરસ ઠંડક પણ હતી. સંગીતના સૂર દરેક સાંજે આખા મહેલમાં પ્રસરતા. એક દિવસ એક ગાયન બહુ જ ગમ્યું. પૂછ્યું તો ખબર પડી, કે એ ગિરિજાદેવીની ઠુમરીની સિ.ડિ. હતી. “ઓહ, પાપા સાંભળતા રહે છે તે. એટલે જ ઓળખાઈ. એમને કહીશું તો એ ખુશ થશે”, સચિને કહ્યું. એક યુરોપી પ્રવાસી-જૂથને માટે એક સાંજે નાનો રાજસ્થાની મેળો ગોઠવાયો હતો. સચિને લાખની સંુદર બંગડીઓ ખરીદીને જૅકિના હાથમાં પહેરાવી. જૅકિ ચુંદડીવાળાની પાસેથી એક ચુંદડી પસંદ કરતી હતી, ત્યાં આવીને લોક-નૃત્ય કરતી છોકરીએ નૃત્યમાં જોડાવા એને બોલાવી. જૅકિએ તો હંમેશ મુજબ લાંબું સ્કર્ટ પહેર્યું હતું, ને હાથમાં આ ફૂલગુલાબી ચુંદડી. એણે એકાદ મિનિટ નૃત્યની રીતિ જોઈ, ને પછી રાજસ્થાની લોક-સંગીતની સાથે, બરાબર તાલબદ્ધ રીતે, એ નૃત્ય કરવા લાગી. સચિન જલદીથી વિડિયો લેવા માંડ્યો. રંગીન બંગડી પહેરેલા એના હાથ, ફૂલગુલાબી ચુંદડી, ને જૅકિનું હસતું, ચમકતું મુખ. એને માટેનો પ્રેમ સચિનની આંખો ભીની કરવા લાગ્યો. નૃત્ય પૂરું થતાં બધાંએ જૅકિ માટે તાલીઓ પાડી. મૅનૅજરે એમને ડિનર માટે ખાસ આમંત્રિત કર્યાં. જોકે જૅકિને તો સચિનની સાથે એકલાં જ રહેવું હતું. “આ જગ્યા તો દુનિયાની બહારની હોય તેવી જ લાગે છે. ખૂણે ખૂણો અત્યંત સુંદર હોય તેવું બીજે ક્યાં જોવા મળે?”, અહીં લાવવા માટે સચિનનો આભાર માનતાં જૅકિએ કહ્યું, “હવે બીજે ક્યાંય નથી જવું, સચિન. આનાથી વધારે સુખ ક્યાં મળવાનું?” “બસ, હવે એક જ જગ્યાએ તારી સાથે જવું છે મારે. અહીં આપણા પ્રેમનું નિજી સ્વરૂપ આપણે ઘડી શકીએ, પણ હવે જ્યાં જઈશું તે ઉત્કટ પ્રેમનું વૈશ્વિક પ્રતીક ગણાય છે. આ જળ-મહેલને છોડવાનું જૅકિને કે સચિનને મન નહતું, પણ સમય ક્યાં બહુ હતો? હવે આગ્રા માટે છેલ્લા ચાર દિવસ રહ્યા હતા. ઉદેપુરથી મોટર-માર્ગે અથવા ટ્રેનમાં જવું ગમ્યું હોત, પણ દસ-બાર કલાક થઈ જાય. ઈન્ડિયામાં ભ્રમણ કરવું કેટલું અઘરું હતું, તે એમણે સાંભળેલું. પાપાએ પણ તકલીફોનો થોડો નિર્દેશ તો કરેલો જને. તેથી આગ્રા જવા સચિને ફ્લાઇટ નક્કી કરેલી. તાજમહેલની ખૂબ પાસે હોય તે હોટેલ, અને એના જે રૂમમાંથી તાજ દેખાતો હોય તે સ્પેશિયલ રૂમ સચિને બૂક કરાવેલો. હોટેલમાં પ્રવેશતાં જ બંને ખુશ થઈ ગયેલાં. રૂમનું બારણું ખોલીને અંદર જતાં જ સચિને જૅકિનો હાથ પકડ્યો, અને આંખો બંધ કરવા કહ્યું. પછી એને બારી પાસે લઈ ગયો, પડદો ખસેડ્યો, અને આંખો ખોલવા દીધી. સામે હતો સફેદ સંગેમરમરનો બનેલો નખશિખ-સુંદર આકાર. “આહ”, જૅકિ બોલી ઊઠી, “આ તો એક સ્વપ્ન જેવું લાગે છે.” “આ એ સ્વપ્ન છે કે જે સિદ્ધ થયું હોય. આપણે માટે તો થયું જ છે.” “હા, સચિન, આ એક વધારે જગ્યાએ તું મને લાવ્યો તે બહુ જ સારું થયું. આ સ્થાપત્ય જિંદગીમાં એક વાર તો જોવું જ જોઈએ.” ખરેખર જ બે દિવસ હોટેલમાં જ ગાળ્યા. એનો પણ સરસ બાગ હતો, ફુવારા, ફૂલો, અને ભીડ નહીં. સંપૂર્ણપણે અંગત સમય. “પાસેથી એક વાર નથી જોવો તાજને, જૅકિ?”, સચિને પૂછ્યું. “એક વાર એ પણ કરવું જ જોઈએ, નહીં? ચાલ, લંચ પછી આજે જઈ આવીએ. પણ હું છેક અંદર નહીં જાઉં. શહેનશાહ અને બેગમ જ્યાં દફન થયાં છે ત્યાં મારે નથી જવું. ભલે હજારો લોકો જતા હોય, હું એક જણ એમને પ્રાઇવસી અને ડિગ્નિટિ આપવા માગું છું. અને મારે કોઈ જાતની ઉદાસી કે કરુણતા આ થોડો વખત નથી અનુભવવી.” સચિન પણ જાણતો હતો, કે આ સ્વપ્ન જેવો સમય વીતી જશે પછી ન્યૂયોર્કમાંની વાસ્તવિક જિંદગી જ સાથે રહેવાની છે. તાજમહેલના ઉપલા પ્લૅટફોર્મ પર ચાલતાં એણે કહ્યું, “જો, જૅકિ, યમુના નદી પર ઉત્કટ પ્રેમનું આ વૈશ્વિક પ્રતીક છેને. તો હડસન નદી પર આપણા ઊંડા પ્રેમનું નિજી સ્થાન છે. ખરું કે નહીં, જૅકિ?” “નિજી, અને જીવંત, સચિન.”