રાજેન્દ્ર પટેલની કવિતા/તીડ

From Ekatra Wiki
Revision as of 02:56, 26 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૨. તીડ

આજકાલ, જ્યાં ને ત્યાં,
ઊભા ને ઊભા મોલ પર,
તૂટી પડે છે તીડ.

લીલપ તરસી આ તીડની ટોળકીઓ,
ઉજ્જડ કરતી જાય છે આ ધરા.

ખાવામાં એવાં તો મશગૂલ હોય છે આ તીડ,
જાણે બહેરાં ન હોય!
કોઈ પણ જંતુનાશક દવાથી કે,
ગમે તેવા ધુમાડાથી પણ ટેવાઈ ગયાં છે,
આ તીડ.

આ તીડ બાળપણમાં જોયેલાં તે નથી જ,
આ તો અપરંપાર ખાઈને પણ ભૂખ્યાં ડાંસ,
મસમોટાં જનાવરો કરતાં ભયંકર.

આ તીડે તો,
જાણે ઢાંકી દીધા છે સૂરજ ચાંદાને,
અને ભરદિવસે અંધારું કરી મૂક્યું છે.

ને કશાય અણસાર વિના,
છવાઈ ગયાં છે સર્વત્ર.