ભારતીય કાવ્યસિદ્ધાંત/વ્યંજના

From Ekatra Wiki
Revision as of 13:25, 26 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વ્યંજના

આલંકારિકો અભિધા અને લક્ષણા ઉપરાંત શબ્દની એક ત્રીજી શક્તિ પણ સ્વીકારે છે. એ ત્રીજી શબ્દશક્તિ છે વ્યંજના. વિશ્વનાથ૧ વ્યંજનાની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે :

विरतास्वभिधाद्यासु ययार्थो बोध्यते परः ।
सा वृत्तिर्व्यञ्जना नाम शब्दस्यार्थादिकस्य च ॥
{[gap|10em}}(साहित्यदर्पण)

એટલે કે અભિધા, લક્ષણા, તાત્પર્ય આદિ શક્તિઓ પ્રવર્તીને વિરમે ત્યાર પછી પણ કેટલીક વાર શબ્દમાંથી કે કાવ્યમાંથી કોઈ વિશિષ્ટ અર્થનો બોધ થાય છે. આ વિશિષ્ટ અર્થ તે વ્યંગ્યાર્થ અને એનો બોધ કરાવનાર શક્તિ તે વ્યંજના. આ વ્યંજનાશક્તિ વડે કેવળ શબ્દમાંથી જ નહિ, અર્થમાંથી—વાચ્ય, લક્ષ્ય અને વ્યંગ્ય અર્થમાંથી—પણ વિશિષ્ટ અર્થનો બોધ થાય છે. આથી એને શાબ્દી અને આર્થી ઉભય પ્રકારની માનવામાં આવી છે, છતાં એ કહેવાય છે તો શબ્દશક્તિ જ. ૧.[1]મમ્મટે વ્યંજનાની વ્યાખ્યા આપી નથી. લક્ષણના પ્રયોજનની પ્રતીતિ માટે વ્યંજના જેવી કોઈ શક્તિની આવશ્યકતા છે એમ પ્રતિપાદિત કરી, એ સીધા વ્યંજનાના પ્રકારો તરફ વળી જાય છે. વ્યંગ્યાર્થને સમજવા એક દ્રષ્ટાંત લઈએ :

एवं वादिनि देवर्षौ पार्श्वे पितुरधोमुखी ।
लीलाकमलपत्राणि गणयामास पार्वती ।।
{[gap|10em}}(कुमारसंभवम् )

દેવર્ષિ નારદ જ્યારે પાર્વતીના પિતાને શંકરની વાત કરતા હતા, ત્યારે પાસે નીચું મોં રાખી ઊભેલી પાર્વતી કમળપત્રો ગણતી હતી, એ આ શ્લોકનો વાચ્યાર્થ છે; પરંતુ એ અર્થ ઉપરાંત એક બીજો અર્થ પણ અહીં સ્ફુરે છે; અને તે છે પાર્વતીના પૂર્વાનુરાગની લજજાનું સૂચન. આ બીજો અર્થ તે વ્યંગ્યાર્થ અને એનો બોધ કરાવનાર શક્તિ તે વ્યંજના. કવિ સુન્દરમની

છતાં જાણું મારી ધરતી પર ક્યાંકેય સવિતા
સદા જાગે ને ભો નહિ તિમિરનો છે દિલ, પિતા !

એ પંકિતઓમાં કેવળ સૂર્યના પ્રકાશ-અંધકારની જ વાત છે એમ નથી; એ તો એનો વાચ્યાર્થ છે, પણ એની સાથે જ સંસ્કૃતિના પ્રકાશ અને સંસ્કૃતિધ્વંસના અંધકારની—દૈવી વૃત્તિના પ્રકાશ અને આસુરી વૃત્તિના અંધકારની વાત એમાંથી સૂચિત થાય છે. આ છે એનો વ્યંગ્યાર્થ. અભિધા એ શબ્દની સ્વતંત્ર શક્તિ છે. સંકેતને કારણે અભિધા શબ્દનો અર્થ સાક્ષાત્ આપી શકે છે. લક્ષણા સ્વતંત્ર શક્તિ નથી. અભિધા પ્રવૃત્ત થઈ ચૂક્યા પછી મુખ્યાર્થનો બાધ થાય, ત્યારે જ એ પ્રવૃત્ત થઈ શકે. પણ વ્યંજનાને આવા કોઈ મુખ્યાર્થબાધની જરૂર નથી. એ અભિધાની સાથે સાથે જ પ્રવૃત્ત થઈ શકે છે. વળી, લક્ષ્યાર્થમાંથી પણ વ્યંગ્યાર્થ સ્ફુરી શકે છે. લક્ષણાના પ્રયોજનની પ્રતીતિ એ આ જાતનો વ્યંગ્યાર્થ જ છે. આમ, વ્યંગ્યાર્થ એ વાચ્યાર્થ અને લક્ષ્યાર્થથી ભિન્ન છે. આલંકારિકોએ વ્યંજનાને શબ્દશક્તિ કહી છે, વ્યંગ્યાર્થને પ્રકાશિત કરવામાં શબ્દની સાથે અર્થનું સહકારિત્વ માન્યું છે, છતાં શબ્દ અને અર્થને જાણવાથી વ્યંગ્યાર્થનો બોધ થઈ જાય એમ તેઓ માનતા નથી.

शब्दार्थशासनज्ञानमात्रेणैव न वेद्यते । वेद्यते स हि काव्यार्थतत्त्वज्ञैरेव केवलम् ।। {[gap|10em}}(ध्वन्यालोक)

તો પછી કાવ્યતત્ત્વને જાણનારા સહૃદયોની રસિકતાને જ વ્યંજના કહીશું? ના, કારણ કે વ્યંગ્યાર્થ સ્ફુરે છે તો શબ્દને જ આધારે; અને ગમે તે શબ્દમાંથી ગમે તે વ્યંગ્યાર્થ સ્ફુરતો નથી. તો પછી શબ્દના વાચ્યાર્થની પાછળ આલંકારિકોએ ઈશ્વરેચ્છારૂપી સંકેતને કારણભૂત માનેલ છે, તેમ શબ્દના વ્યંગ્યાર્થની પાછળ સહૃદયોની રસિકતા, એમની વિવક્ષા કે એમના કાવ્યાર્થજ્ઞાનરૂપી સંકેતને કારણભૂત માનીએ તો?૧ [૭]


  1. ૧. હકીકતે ‘શબ્દવ્યાપારવિચાર’ માં મમ્મટ કહે જ છે કે જેમ સંકેતની સહાયથી શબ્દ વાચ્યાર્થને પ્રગટ કરે છે, મુખ્યાર્થબાધ વગેરે ત્રણ તત્ત્વોની મદદથી લક્ષ્યાર્થને પ્રગટ કરે છે તેમ પ્રતિભા, સંસારનો વિદગ્ધ પરિચય અને પ્રકરણાદિના જ્ઞાનની સહાયથી તે વ્યંગ્ય અર્થને પ્રગટ કરે છે.