zoom in zoom out toggle zoom 

< ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું

ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/વિજયરાય કલ્યાણરાય વૈદ્ય

From Ekatra Wiki
Revision as of 01:45, 11 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિજયરાય કલ્યાણરાય વૈદ્ય

એઓ જ્ઞાતિએ વડનગરા નાગર ગૃહસ્થ છે; એમના પિતાનું નામ કલ્યાણરાય શંકરપ્રસાદ વૈદ્ય અને માતાનું નામ શિવઈચ્છાલક્ષ્મી છે. એમનો જન્મ ભાવનગરમાં સન ૧૮૯૭માં થયો હતો. પ્રાથમિક શિક્ષણ એમણે ભાવનગર દરબારી નિશાળમાં મેળવ્યું હતું અને માધ્યમિક શિક્ષણ બહુધા ગેકળદાસ તેજપાળ હાઈસ્કુલ મુંબાઇમાં લીધું હતું. તેમણે સન ૧૯૧૪માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી, પ્રીવિયસ વિલસન કૉલેજમાંથી અને પછી ભાવનગર કૉલેજમાં જોડાયલા અને પાછળથી બી. એ; થતાં સુધી ફરીથી કૉલેજ અભ્યાસ મુંબાઇમાં કરેલો, જ્યાંથી સન ૧૯૨૦માં તેઓ બી. એ; થયલા. કૉલેજમાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન ગુજરાતીમાં લેખો લખવા શરૂ કરેલા. એમનો પ્રથમ લેખ ‘વીસમી સદી’માં અને પ્રથમ કાવ્ય સન ૧૯૧૯માં “વિનોદ કાન્ત” એ સંજ્ઞાથી “ગુજરાતી”માં છપાયા હતા.

કોલેજનો અભ્યાસ પૂરો થતાંજ એમણે સાહિત્યક્ષેત્રમાં ઝંપલાવ્યું, જાણે કે એજ કાર્યમાં પોતાનું સમગ્ર જીવન અર્પણ કરવાના હોય! સન ૧૯૨૦માં સુરતમાંથી નિકળેલા “ચેતન” માસિકનું સહતંત્રીપદ સ્વીકાર્યું અને તે ત્રણ વર્ષ (એપ્રિલ ૧૯૨૩) સુધી ચલાવ્યું હતું. તે દરમિયાન તેઓ “હિન્દુસ્તાન” અઠવાડિકના તંત્રી થયલા (સન ૧૯૧૧–૨૨) અને સન ૧૯૨૩થી ૨૪ (માર્ચ આખર લગી) જાણીતા “ગુજરાત” માસિકમાં ઉપતંત્રી તરીકે કાર્ય કરેલું. સન ૧૯૨૫માં થોડા માસ “યુગ ધર્મ”માં ઉપતંત્રી નિમાયલા; પણ એ સર્વ કાર્યથી એમને સંતોષ થયલો નહિ. જ્યારે સન ૧૯૨૪માં (ઑકટોબર ત્રિમાસિક “કૌમુદી” કાઢવાને તેઓ શક્તિમાન થયા ત્યારે માલુમ પડ્યું કે એક ક્રમિક પત્ર માટે એમનો આદર્શ કેટલો ઉચ્ચ હતો અને કેવા પ્રકારના માસિક સાહિત્ય માટે એમનો જીવ તલસતો હતો. છેલ્લાં પાંચ વર્ષથી તેઓ “કૌમુદી” (જે ૧૯૩૦ની શરૂઆતથી માસિક રૂપે નીકળે છે) કેટકેટલી મુશ્કેલીઓમાં અને કેવી કેવી આશાનિરાશામાં નિભાવી રહ્યા છે, એ જેમ એક રોમાંચક કથા છે તેમ એ વિરલ ભોગ, પોતાના ધ્યેયની પ્રાપ્તિ માટે, એ સાહિત્ય સેવાવ્રત માટે ખચિત એમના માટે માન પેદા કરે છે.

એક સમર્થ વિવેચક તરીકે એમણે પ્રતિષ્ઠા પાડેલી છે અને ગુજરાતી માસિકમાં આજે એમનું પત્ર “કૌમુદી” ઉંચું અને અનોખું સ્થાન ભોગવે છે, એ પત્રકારિત્વ વિષેના એમના ઉચ્ચ આદર્શ અને ભાવનાનું ફળ છે.

એમના ગ્રંથોમાં અત્યારે, જૂદા જૂદા માસિકોમાં લખેલાં રસકલ્પનાત્મક લખાણોનો સંગ્રહ, જે “પ્રભાતના રંગ” નામે સને ૧૯૨૭માં પ્રકટ થયલો તેજ છે.

એમનું પુસ્તક:

પ્રભાતના રંગ {{right|૧૯૨૭}]