< ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું
ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય
એઓ જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર–બ્રાહ્મણ અને પોરબંદરના વતની છે; પણ લાંબી મુદતથી મુંબઈમાં રહે છે. એમનો જન્મ સંવત ૧૯૧૯ના ફાલ્ગુન સુદ ૮ને દિને પોરબંદર ગામે થયો હતો. એમનાં માતાનું નામ સૌ. રળિઆત અને પિતાનું નામ પ્રભુરામ જીવનરામ વૈદ્ય, જેમણે એક અનુભવી અને કુશળ વૈદ્ય તરીકે સારી પ્રતિષ્ઠા અને નામના મેળવ્યાં હતાં.
પ્રાથમિક અને માધ્યમિક કેળવણી એમણે પોરબંદર અને મુંબાઈમાં અનુક્રમે લીધેલી. સને ૧૮૯૩માં મેટ્રીક્યુલેશનની પરીક્ષા પાસ કરી, સને ૧૮૮૪માં એલ્ફીનસ્ટન કોલેજમાં જોડાયેલા. બી. એ.,ની પરીક્ષા (૧) ન્યાય (Logic) અને નીતિશાસ્ત્ર (Moral Philosophy), તેમજ (૨) અંગ્રેજી અને સંસ્કૃત (શાંકર ભાષ્ય સાથે) ઐચ્છિક વિષય લઈને ત્રીજા વર્ગમાં પાસ કરી હતી. સને ૧૮૯૪માં સોલીસીટર થવા મેસર્સ ભાઈશંકર અને કાંગાની ઑફિસમાં જોડાયેલા. પણ પછીથી સને ૧૯૦૧માં બારિષ્ટર થવા ઈંગ્લાંડ ગયા. સને ૧૯૦૨માં ઓરિએન્ટલ કોંગ્રેસમાં ગયા અને સને ૧૯૦૪માં બારિષ્ટર થઈ મુંબઈ હાઇકોર્ટમાં જોડાયા.
એમણે અન્ય રોકાણો છતાં સાહિત્ય વાચન અને લેખન કાર્ય છોડ્યું નહોતું. એમનું પ્રથમ પુસ્તક ‘સરસ્વતીચન્દ્રનું અવલોકન’ સને ૧૮૯૦માં પ્રસિદ્ધ થયું હતું. એમણે એક પુરાતત્વજ્ઞ તરીકે સારી કીર્તિ મેળવેલી છે. તેઓ મુંબાઈની રૉયલ એશિયાટિક સોસાયટીના ઘણા વર્ષોથી સભ્ય છે અને તેના ઉપ–પ્રમુખ તરીકે પણ આજ દશ વર્ષ થયાં કામ કરી રહ્યા છે. એમની વિદ્વતા અને પુરાતત્વ વિષયોની પ્રીતિના કારણે પહેલી ઓરિયન્ટલ કોંગ્રેસ પૂણામાં સને ૧૯૧૯માં મળેલી તેના સ્વાગત મંડળના અધ્યક્ષનું પદ એમને અપાયું હતું. હમણાંજ સને ૧૯૨૮માં લડાઈ પછી ભરાયેલી ૧૭મી ઈન્ટરનેશનલ ઓરિયન્ટલ કોંગ્રેસ (જે. ઑક્ષફર્ડ–ઈગ્લાંડ)માં ભરાઈ ત્યાં એઓએ જાતે હાજર થઇને इसावास्योपनिषद् ઉપર નિબંધ વાંચ્યો હતો; જેમાંનો થોડોક ભાગ બહુ પ્રાચીન છે એવું બતાવવા તેમાં પ્રયત્ન કર્યો હતો. વળી મહાભારતની સંસ્કારવાળી સંશોધિત આવૃત્તિનું કામ તૈયાર કરાવવામાં હિન્દુસ્થાનના વિદ્વાનો સારી રીતે કામ કરી શકે અને તેથી તેમના કામને ઉત્તેજન મળવું જોઈએ, એવું દર્શાવવા એવો ૧૭મી ઈન્ટરનેશલ ઓરિએન્ટલ કોંગ્રેસમાં ગયા હતા. અને ત્યાં આગળ તેમના પ્રયાસથી કોંગ્રેસના હિન્દી વિભાગની મદદથી એમના મંતવ્યને અનુકૂળ ત્રણ ઠરાવો પસાર કરાવ્યા હતા. મહાભારતના કામમાં મદદ કરવા યુરપમાં જેટલી મહાભારતની પ્રતો હોય તેનું સંશોધન કરાવી પાઠાન્તરોની વિગત પૂણાની ભાન્ડારકર ઓરિએન્ટલ રીસર્ચ ઇન્સ્ટીટયુટને પહોંચાડવી એવો પણ ઠરાવ કરવામાં આવ્યો હતો.
વળી તેઓ ગુજરાતી સાહિત્ય પ્રવૃત્તિ સાથે પણ સંસર્ગ રાખી રહ્યા છે; અને તક મળે પરિષદમાં હાજરી આપે છે.
એમના ગ્રંથોની યાદી:
(૧) સરસ્વતીચન્દ્રનું અવલોકન, પ્રથમ આવૃત્તિ. સને ૧૮૯૦
(૨) વેદાન્ત દર્શન (પ્રથમ આવૃત્તિ) ” ૧૯૦૦
[જેમાં નીચે જણાવેલાં પાંચ લેખોનો સમાવેશ છે.]
अ. તત્વવિવેક, ब. ભૂતવિવેક, क. ગૌરીશંકર ઓઝાના જીવન
ઉપરવિચાર, ख. પૉ . ડૉયસનના વેદાન્ત વિચાર. ग. મઠામ્નાય.
(૩) લોર્ડ લોરેન્સનું જીવનચરિત્ર. (ગુજરાત વ. સો.) સને ૧૮૯૫
(૪) અદ્વૈતામૃતઃ (વેદાન્ત ચર્ચાની વાર્તા). ” ૧૯૦૪
(૫) આર્યધર્મ પ્રકાશ માસિકમાં આવેલા લેખો.
(૧) પ્રમાણ વિચાર સં. ૧૯૫૫
(૨) ભક્તરાજ સં. ૧૯૬૪
(૩) ન્યાયશાસ્ત્ર સં. ૧૯૫૮
(૪) આચારનીતિની પદ્ધતિ. સં. ૧૮૯૪
(૬) ભાસર્વજ્ઞ ઉપર લેખ (ઓરિયન્ટલ કોંગ્રેસમાં) સને ૧૯૨૪
(૭) ન્યાયસારઃ પ્રથમ આવૃત્તિ ” ૧૯૦૯
(૮) ईशावास्योपनिषद् માં ઑક્સફોર્ડ ખાતે ભરાયેલી ૧૭મી ઈન્ટરનેશનલ ઑરિયન્ટલ કોંગ્રેસ માટે નિબંધ.” ૧૯૨૯