ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/મંજુલાલ જમનારામ દવે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મંજુલાલ જમનારામ દવે

એઓ મૂળ પેટલાદના વતતી; જાતે વડનગરા નાગર બ્રાહ્મણ છે. એમનો જન્મ સંવત્ ૧૯૪૬ના જેઠ વદી ૧૧ (તા. ૧૩–૬–૯૧)ના રોજ પેટલાદ ગામમાં થયો હતો. એમના પિતાનું નામ જમનારામ લાભરામ દવે તથા માતાનું નામ ઝીણીબા છે.

એમણે પ્રાથમિક અને માધ્યામિક કેળવણી પેટલાદ તથા વડોદરામાં લીધી હતી. સન ૧૯૦૬માં મેટ્રિક થઇ વડોદરા કૉલેજમાં જોડાયેલા. સન ૧૯૧૧માં નેચરલ સાયન્સ–વનસ્પતિ શાસ્ત્ર તથા પ્રાણી વિજ્ઞાન શાસ્ત્રના ઐચ્છિક વિષય લઈને બીજા વર્ગમાં બી. એ., પાસ થયલા, સન ૧૯૧૫માં ગુજરાતી તથા ઇંગ્રેજી ભાષાસાહિત્યના ઐચ્છિક વિષય લઇ અંગ્રેજીમાં પ્હેલા વર્ગના માર્કસ મેળવી એમ. એ.ની ડીગ્રી મેળવેલી.

ગુજરાતી, ઇંગ્રેજી તથા ફ્રેન્ચ સાહિત્યના અધ્યાપક તરીકે તેમણે કાર્ય કરેલું છે.

ભિન્ન ભિન્ન દેશોનાં સાહિત્ય તથા સંસ્કૃતિ, એ એમનો પ્રિયતમ અભ્યાસક વિષય છે.

સન ૧૯૧૬માં તેઓ પ્રથમ પાટણની ન્યુ ટ્રેનિંગ કોલેજમાં ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યાપક નીમાયલા; અને તેજ સમયથી ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિની કૈં કૈં ભાવનાઓ તેમણે સકુટુમ્બ સેવેલી : જે આજ નાટ્યો, નિબંધો, કાવ્યો, સમીક્ષાઓ, વાર્તાઓ, ચરિતો, સંવેદનો, વિગેરે રૂપે પ્રસિદ્ધ છે.

સન ૧૯૧૮માં તેઓ સુરત એમ. ટી. બી. આર્ટસ કોલેજમાં ઇંગ્રેજીના અધ્યાપક નિમાયા હતા. પાછળથી સન ૧૯૨૧માં તેઓ કોલ્હાપુરમાં રાજારામ કોલેજમાં ગયેલ. તે પછી ૧૯૨૬માં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ ઇત્યાદિ પાશ્ચાત્ય દેશોમાં વધુ અભ્યાસ માટે, તેમ તે તે દેશોની સાર્વદેશીય સુસંસ્કૃત પ્રવૃત્તિ પ્રગતિના નિરીક્ષણ–સમીક્ષણ કાજે, જઈ ત્યાંથી પી.એચ ડી અને ડી. લીટ (ડૉક્ટર ઑફ ફીલોસોફી તથા ડોકટર ઓફ લીટરેચર)ની માનવંતી પદ્વીઓ મેળવી આવ્યા છે. ઉપરાંત યુરપખંડને એક છેડેથી બીજે છેડે–આટ્લાંટીક મહાસાગરમાંના એરન દ્વીપના જૂના જગતને ચારેથી તે તે ખંડની પ્રાચીન સંસ્કૃતિને વહતા ગ્રીસદેશના ક્રીટના દ્વીપ સુધી પશ્ચિમ પૂર્વ તેમણે મુસાફરી આદરી છે, અને અનેકવિધ અનુભવો ઝીલી પશ્ચિમના મહાન સ્ત્રી પુરૂષોના નિકટ સંબંધમાં આવ્યા છે.

વિલાયતથી પાછા ફરતાં તેઓ મુંબઇની વિલ્સન કોલેજમાં ફ્રેન્ચ ભાષા સાહિત્યના મુખ્ય અધ્યાપક નિમાયલા; અને મુંબઇ યુનિવર્સીટી તરફથી સ્થપાયેલા ઈન્ટર–કોલેજીએટ વર્ગોમાં તેમણે પોસ્ટ–ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ સમક્ષ ફ્રેન્ચ વાઙમય તે સંસ્કૃતિ વિષયક વ્યાખ્યાનમાળા દીધેલ. સન ૧૯૨૯–૩૦માં કલકત્તા યુનિવર્સીટીના ડો. કાલિદાસ નાગ સાથે ડો. મંજુલાલ દવે પણ મુંબઇ વિદ્યાપીઠના એકસ્ટેન્શન લેકચરર તરીકે નિમાયલા; અને ફ્રાન્સના લક્ષ્ય સાહિત્ય (Symbolism) પર છ વ્યાખ્યાનો આપેલાં. સેન્ટ ઝેવીઅર કોલેજના પ્રીન્સીપાલ ફાધર ધુર તથા મુંબઇમાં રહેતા ફ્રેન્ચ કોન્સલ મ. શાલાં ઇત્યાદિ ફ્રેન્ચવાઙમય વિશારદો તરફથી એ વ્યાખ્યાનો પ્રશંસાને પામેલાં.

સન ૧૯૦૮માં તેમનો પ્રથમ લેખ વડોદરા કોલેજ મિસેલેનીમાં છપાયલો. ત્યારબાદ ટાગોરના ડાક–ઘર–પોસ્ટ ઑફીસ નાટકનો અનુવાદ કરેલો. ટાગોર વિષે એમણે ઉંડો અભ્યાસ કરેલો છે; અને પુરાણકાળથી પ્રખ્યાત એવી દક્ષિણ ફ્રાન્સના મુખ્ય નગર મોંપીલીએની યુનિવર્સીટીની સાહિત્યવિશારદ (ડૉકટર ઑફ લેટર્સ)ની પદવી, “લા પોએઝી દ રવીન્દ્રનાથ ટાગોર” – રવીન્દ્રનાથ ટાગોરની કવિતાકલા–નામનો ફ્રેન્ચ ભાષામાં અઢીસો પાનાનો એક નિબંધ રજુ કરીને મેળવી છે. આ નિબંધ યુરોપ અમેરિકાના જાણીતા વિદ્વાનો તથા આંતરરાષ્ટ્રિય સન્માનને પામેલ સાક્ષરજનો તરફથી ઘણીજ પ્રશંસાને પામેલ છે. ગાંધીજી જેમને “પશ્ચિમના પ્રજ્ઞ” એ નામે સંબોધે છે અને જેઓ સાચા જ સ્થિતપ્રજ્ઞ ને સર્વાંગ સિધ્ધ પુરૂષ છે, તેવા મ. રોમેં રોલાંનો એ નિબંધ (જે પુસ્તક રૂપે પ્રસિધ્ધ છે) પરનો પ્રશંસાપત્ર આ રીતનો છે:–

વ્હાલા મિત્ર,

“રવીન્દ્રનાથ ટાગોરની કવિતા” નામક સુસુન્દર પુસ્તક તમે મને મોકલાવ્યું તે માટે તમારો અત્યંત આભાર માનું છું. અતીવ ઉંડેરા ભાવે મેં તેને ઉકેલ્યું છે: ફ્રાન્સમાં તો તેની ખાસ જરૂર જ હતી, કારણ ત્યાં જેટલા ટાગોર પ્રખ્યાત છે તેટલા પરિચિત નથી જ. સારું થએ તમારું પુસ્તક એ મહાનુભાવ સાહિત્યકારને તેના સર્વોત્કૃષ્ટ પ્રકાશમાં તેની સર્વતો ભદ્ર કલામયતામાં, આકાશ પૃથ્વીને સાંધતા ઇન્દ્રધનુના રંગશકલોની જેમ, પ્રકટ–પ્રસિદ્ધ કરી રહે છે.

મને તો એમાંથી કવિની માતૃભાષા બંગાળીનું સંગીત પણ સૂણાઇ શકેલ છે–જે અમારે ત્યાંના ટાગોરના અનુવાદકો, જેવા કે ઝીદ્ અને ઝૂવ્ નથી જણાવી શકેલ. કારણ બંગાળી ભાષાનો સંબંધ ભૂમધ્ય સમુદ્ર ફરતી ભાષાઓ સંગે છે–(દા. ત. દક્ષિણ ફ્રાન્સની તેમ દક્ષિણ ઇટલીની ભાષાઓ સંગે છે, ટૂંકામાં સર્વ કોઈ ‘રોમાન્સ’ ભાષાઓ સંગે.)

કવિવર જ્યારે ગઈ સાલ વિલનવ આવ્યા હતા ત્યારે “માનસી” તથા “બલાકા” માંના કાવ્યોનો પરમ રસાસ્વાદ અમને ચખાડી ગયેલા.

હું તમારા આ કાર્યને સહૃદયી સન્માન ભાવવડે વધાવી રહું છું, અને ઓ વ્હાલા સન્મિત્ર, તમને હું પ્રાર્થના કરું છું કે મ્હારા અંતરની ઉલ્લસિત એ ભાવના તમે સત્કારશો...

(સહી) રોમેં રોલાં.

લગભગ પાંચસો જેટલાં પાનાનો ડૉકટર–ઑફ–ફીલોસેફીવાળો એમનો બીજો નિબંધ “યુરપ–એશિયાના સાહિત્યમાંનો લક્ષ્યવાદ (Symbolism)” એ પરત્વે છે. આની પ્રસ્તાવના યુરપની ભિન્નભિન્ન ભાષાઓના જાણકાર પ્રોફેસર ડૉકટર રૂડમોઝ–બ્રાઉને લખી છે. આ નિબંધમાં દુનિયાના લગભગ વીસેક સર્વોપરિ વાઙમય પર સમાલોચના આદરવામાં આવી છે, અને પૂર્વ પશ્ચિમના લક્ષ્યવાદી સાહિત્ય ભાવની તુલનાત્મક સમીક્ષા થયેલી છે.

એમના પ્રકીર્ણ લેખોનો સંગ્રહ પણ બહુ મોટો થવા જાય છે. ઘણાખરા ગુજરાતી માસિકોમાં એમના લેખો છપાયલા મળી આવશે; અને તે અનેકવિધ હશે. થોડા સમયથી એમણે કેટલાંક ફ્રેન્ચ અને યુરોપીય નાટકોના ગુજરાતીમાં અનુવાદ કરવાનું પ્રશસ્ય કાર્ય ઉપાડી લીધું છે. સાહિત્યમાં નવા નવા ટાઈપ–લેખનપ્રકાર–દાખલ કરવાને તેઓ બહુ ઉત્સુક રહે છે.

એમનાં પત્ની સ્વ. સૌ. કનુબ્હેન પણ આપણા સાહિત્યનાં એક સારાં અભ્યાસી અને લેખક હતાં. ગીતાંજલિનો અનુવાદ, ટાગોરને તે માટે ઈનામ મળ્યું, તે અરસામાં એમણે ગુજરાતીમાં ઉતારી પ્રકટ કરેલો. એમની “જીવનસ્મૃતિ” તથા “નોંધપોથી”, જે માસિકોમાં પ્રસિધ્ધ થયેલાં છે તે ઉપરથી સમજાય છે કે એમની રસવૃત્તિ અને વિવેચનશક્તિ કેળવાયેલી તથા વિકસેલી હતી. ભાવનગરની સાહિત્ય પરિષદમાં ચૂંટાયલો “સૌ. કનુબ્હેનના કવન” સંબંધીનો ઉલ્લેખ પણ તેમને ગુજરાતનાં એક સાચાં કવિયત્રી તરીકે સ્થાપી રહે છે. સુરત અમદાવાદની સાહિત્ય પરિષદોમાંના પોતાના નિબંધો પણ તેટલાજ તલસ્પર્શી અને આકર્ષક નીવડેલા. આવાં એક સહૃદયી અને સાહિત્ય રસિક પત્નીનું અવસાન ખરે, દુઃખદ નીવડે; અને એની અસર રા. મંજુલાલના કેટલાક લેખોમાં દૃષ્ટિગોચર થશે.

એમણે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સાહિત્યનો માર્મિક તેમજ સૂક્ષ્મ અભ્યાસ કરેલો છે; અને એમના લખાણમાં તેમની છાયા અને છાપ સ્પષ્ટ ઉઠી આવે છે. પૂર્વ તથા પશ્ચિમનો સંસ્કૃતિ–સુયોગ કઈ રીતે સુલભ થઈ રહે એ એમનાં સ્વપ્ન મનોરથ અને આશાભિલાષ છે.

ગુજરાતીની પેઠે એમના અંગ્રેજી લખાણનો જથો પણ મોટો છે; પણ તે વિષે અહીં કાંઈ નહિં કહીએ. એટલી જ માત્ર અભિલાષા રાખીશું કે એમના ગુજરાતી લેખોમાંથી ચુંટણી થઈ તે સંગ્રહ સ્વતંત્ર પુસ્તક રૂપે જેમ બને તેમ જલદીથી પ્રસિદ્ધ થઈ રહે; કારણ લગભગ ચારેક હજાર પૃષ્ઠ જેટલું આ વિદ્વાન પતિપત્નીનું સાહિત્ય માસિકોનાં પાનાં પર વીખરાયેલું પડ્યું છે, જેને પુસ્તકાદ્વારે પ્રકટ થયેલું જોવા હરકોઈ સાહિત્યવિલાસી ઇચ્છશે જ.......

એમનું પુસ્તકઃ

ડાકઘર ૧૯૧૫