ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ગુજરાતી સામયિક પત્રો

From Ekatra Foundation
Revision as of 14:14, 6 January 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ગુજરાતી સામયિક પત્રો

“ગ્રંથ અને ગ્રંથકાર”ના ઉપોદ્‌ઘાતમાં આ વર્ષે “ગુજરાતી સામયિક પત્રો” એ વિષય ચર્ચવાનું પસંદ કર્યું છે. એ પસંદગી કરવામાં ત્રણ ચાર કારણો મળી આવ્યાં. પત્રકારિત્વ આજકાલ સાહિત્યના પર્યાયરૂપ થઈ પડ્યું છે. એક સારૂં વર્તમાનપત્ર આજે જેટલી અને જેવા વિવિધ પ્રકારની વાચનસામગ્રી પૂરી પાડે છે, તે આપણાં પુસ્તકોમાંથી મળી શકતી નથી. પુસ્તકો કરતાં એક વર્તમાનપત્ર ઝાઝું વંચાય છે અને તેનો બહોળો પ્રચાર થાય છે. આધુનિક જીવન એટલું વ્યવસાયી બની ગયું છે અને તે એવું વ્યગ્ર રહે છે કે કોઇ વિષય પર સામાન્ય માહિતી મેળવવા જિજ્ઞાસા ઉદ્‌ભવે તોપણ તે પાછળ એટલો સમય આપવાને આપણને અવકાશ હોતો નથી. આધુનિક સંસ્કૃતિનું કેન્દ્રસ્થાન વર્તમાનપત્ર છે એમ કહી શકીએ અને તેના વિકાસ અને અભ્યુદયમાં પ્રજાનો જીવનવિકાસ અને ઉન્નતિ બહુધા અવલંબી રહે છે. કોઈ શસ્ત્ર કરતાં કે કોઈ રાજસત્તા કરતાં તેની શક્તિ, લાગવગ અને કાબુ અદ્‌ભુત છે. સમાજમાં આજે તે અદ્વિતીય સ્થાન ધરાવે છે. તે ઇચ્છે એવા રંગવાળું મનુષ્ય જીવનને રંગી શકે છે; તે ધારે એવા વિચારોનો પ્રચાર કરી શકે છે. લોકશિક્ષણનું અને લોકમત કેળવવાનું તે એક સમર્થ અને પ્રચંડ સાધન છે. આપણે અહિં અક્ષરજ્ઞાન હજુ વસ્તીની અલ્પ સંખ્યામાં છે પણ એ પ્રમાણ જેમ વધતું જશે તેમ વાચનનો શોખ જરૂર ખીલશે. આજે પણ જનતામાં વાચનનો શોખ વધ્યો છે, તે દરરોજ નવાં અઠવાડિકો નિકળ્યે જાય છે તે બતાવી આપે છે. આપણા જીવનને આ પ્રમાણે સ્પર્શતું અને સાહિત્યને પોષક એવું એક અંગ અને બળ તેનો યથાવકાશ જરૂર વિચાર અને ચર્ચા થવાં ઘટે છે. પત્રકારિત્વના અંગે અનેક જાતના પ્રશ્નો એક પત્રકારે તેમ આપણા સમાજના નેતાએ વિચારવાના ઉપસ્થિત થાય છે; આ લેખ લખવાનું શરૂ કર્યું એ અરસામાં જુદા જુદા પત્રોમાં પત્રકારિત્વ પરત્વે ભિન્ન ભિન્ન દૃષ્ટિએ ચર્ચાયલા મુદ્દાઓ મારા વાંચવામાં આવ્યા તે પ્રથમ રજુ કરીશ. જેઠ માસનું “કુમાર” માસિક તા. ૪થી સપ્ટેમ્બરના રોજ મળ્યું તેમાં નીચે મુજબ એક નોંધ હતીઃ “આપણે ત્યાં પત્રોમાં વૈવિધ્ય ખીલતું નથી તેનું કારણ જ એ છે કે વિવિધ પ્રકારના જીવન–અનુભવોવાળા અને ધંધાના માહિતગાર માણસો પોતાની દિશામાં રચ્યાપચ્યા રહેલા હોવાથી માત્ર થોડાં નાણાંની ખાતર તેઓ લખવાની પ્રવૃત્તિ હાથ ધરે તેમ નથી, તેમ જ તેમના ધંધામાં મળતાં લવાજમની બરોબર લેખનથી પ્રાપ્તિ થઈ શકે એમ નથી; એટલે મૌલિક, અનુભવપૂર્ણ લેખો, હકીકતો, વાર્તાઓ વગેરે માટે આપણે તેમની દરકાર અને ઉદારતા ઉપર જ આશા બાંધવાની રહે છે.” ગુજરાતમિત્ર અને ગુજરાત દર્પણમાં એજ મુદ્દાને “સેનાની” નામધારી લેખકે જુદી જ દૃષ્ટિએ અવલોક્યો છે. તે ભાઇ લખે છે, “લેખકોએ પણ “પૈસા” મળે એ આશાએ લખવું જોઇએ નહીં. પરંતુ તેમણે “સાહિત્યની સેવા” તરીકે જ કાર્ય કરવું રહ્યું. ભલે, પછી એ સેવાનો બદલો ન મળે; પરંતુ નાણાંની અપેક્ષાએ જ “સેવા” કરવી એેવો સિદ્ધાંત તો ન જ રાખવો જોઈએ. “સાહિત્ય” એ પણ એક કળા છે અને કળાનાં મૂલ્ય કદી “પૈસા”થી થયાં છે કે હવે થાય?”૧ ઉપરનાથી જુદા પ્રકારનો પણ પત્રકારિત્વની રીતિનીતિ વિષે મહત્વનો પ્રશ્ન તેજ વખતે “જૈન” અઠવાડિકના વિદ્વાન તંત્રીએ “ક્ષમાપના” એ શિર્ષક હેઠળ, તેના તા. ૩જી સપ્ટેમ્બરના અંકમાં ચર્ચેલો જોવામાં આવ્યો. તે પેરા આ પ્રમાણે હતોઃ— “પત્રકારની જવાબદારી તેમજ જોખમદારી કોઈ પણ શિક્ષક, ઉપદેશક કે માર્ગદર્શક કરતાં જરાય ઉતરતા પ્રકારની નથી. પત્રકાર માત્ર દોષ દૃષ્ટિવાળો જ હોય એવી ભ્રમણા કેટલાક જાણી જોઇને ફેલાવે છે. સામયિક ૫ત્રો સંક્ષોભ જ પેદા કરે છે એમ પણ કેટલાક માનતા હશેઃ ૫રન્તુ એ આખીય વિચારશ્રેણી સત્યથી વેગળી છે. જેમને પોતાનો જ કક્કો મનમાનતી રીતે ઘુંટાવવો હોય, ગાડરીઆ પ્રવાહને એકજ લાકડીએ હાંકવો હોય તેને સામયિક પત્રો અને પત્રોના સંચાલકો અકારા લાગે એ સમજાય એવી વાત છે.” આનાથી ઉલટું કેટલાંક ઈંગ્રેજી પત્રો અંગત સ્વાર્થ અને લાભ મેળવવાની ખાતર, તેમના પત્રોના બહોળા પ્રચાર અર્થે જે હલકી અને અધમ રીતિ અખત્યાર કરે છે તેની એ જ તારીખના ટાઈમ્સ ઑફ ઇન્ડિયા (Times of India)ના અંકમાં તેના તંત્રીએ અગ્ર નોંધમાં કડક શબ્દોમાં ખબર લીધી હતી. એ નોંધનો લેખક જણાવે છે, “It is by no means an exaggeration to say that the type of mind which has been permitted to control this section of the British Press during the last decade has been making drastic and heavily financed efforts to prostitute a great profession.” ગુજરાતી પત્રોમાં પણ આ બદી ધીમે ધીમે પગપેસારો કરતી જાય છે, એ વર્તમાનપત્રના અનુભવીઓની નજર બહાર નહિ હોય. ૫રંતુ આ વિચારોથી ખિન્ન થયલા મનને “નેશ” નામના જાણીતા ઈંગ્રેજી માસિકનો સપ્ટેમ્બરનો તાજો જ અંક પ્રાપ્ત થતાં, તેમાં વર્તમાનપત્રનું મુખ્ય અંગ “સમાચાર” એ વિષયને મહત્વ આપી તે મુદ્દાને રમુજ ભર્યો ચર્ચેલો વાંચતાં કંઈક સાન્ત્વન મળ્યું અને આ સઘળા વિચારોએ મને ગુજરાતી સામયિક ૫ત્રો વિષે વિવેચન કરવા પ્રેર્યો. આ પ્રશ્ને બીજી રીતે પણ મારૂં ધ્યાન ખેંચ્યું હતું. ચાલુ સાલમાં સોસાઇટીએ પહેલી ગુજરાત પુસ્તકાલય પરિષદ ભરવાનો નિર્ણય કર્યો હતો, અને તેની સાથે ગુજરાતી સામયિક પત્રોનું પ્રદર્શન યોજવાની વ્યવસ્થા રાખી હતી. એ પ્રદર્શનનો એક આશય એ પણ હતો કે ગુજરાતીમાં પ્રસિદ્ધ થતાં સર્વ પત્રોની હકીકત બને તેટલી સંપૂર્ણ એકઠી કરી શકાય; અને એ ઉદ્દેશથી એક પત્રક, જે તે પત્રના તંત્રી વા સંચાલકને મુખ્ય અને મહત્વની માહિતી પૂરી પાડવા મોકલવામાં આવ્યું હતું. સન ૧૯૨૪માં પહેલી ગુજરાતી પત્રકાર પરિષદ અમદાવાદમાં મળી હતી ત્યારે આ પ્રમાણે આપણા ગુજરાતી પત્રોની સૂચી તૈયાર કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તે વખતે પરિષદના અંગે વર્તમાનપત્રોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું અને તેના ઉદ્‌ઘાટનની ક્રિયા લેડી વિદ્યાબ્હેન રમણભાઈ નીલકંઠના હસ્તે કરાવવામાં આવી હતી. પણ જે મિત્રોને તેમાં રજુ થયલાં વર્તમાનપત્રોની નોંધ લેવાનું સોંપ્યુ હતું તે સંજોગવશાત્‌ તેઓ કરી શક્યા નહોતા. એટલે પ્રસ્તુત હેતુ બર લાવવા સૌ પત્રકાર બંધુઓને તેના પત્રની નકલ પ્રદર્શન માટે મોકલી આપવાની સાથે જે છાપેલું પત્રક તેમને રવાના કરવામાં આવ્યું હતું તે ભરી મોકલવા વિનંતિ કરી હતી. વળી પ્રસ્તુત યાદીનું કામ સુગમતાભર્યું થઈ પડે એ વિચારથી મુંબાઈ ઇલાકાના ટપાલ ખાતાના ઉપરી અધિકારીને જે સામયિક પત્રો ટપાલ ખાતાના નિયમાનુસાર ટપાલના ઓછા અને ખાસ દરોનો લાભ મેળવે છે, તેનાં નામોની ટપાલખાતા પાસેની યાદી, વેચાતી મળી શકતી હોય તો તેની કિંમત લઈને અથવા તેની નકલ ઉતરાવવાનો ખર્ચ લઈને, આપવા સૂચવ્યું હતું; પણ તેનો ઉત્તર ખાતા તરફથી નકારમાં આવ્યો હતો. મારૂં માનવું છે કે એ યાદી આવા ખાસ કારણસર પૂરી પાડવામાં સરકારે વાંધો લેવો ન જોઇએ. સોસાઇટીના વિનંતિપત્રથી સામયિક પત્રો જેની નકલો અમને સીધી મળી તે પરથી તેમ અન્ય રીતે તજવીજ કરીને મેળવી શક્યા તેના આધારે ગુજરાતીમાં પ્રસિદ્ધ થતા સામયિક પત્રોની સૂચી આ પુસ્તકના પૃષ્ટ ૪૯ થી ૬૦ ઉપર છાપવામાં આવી છે. આ યાદી સંપૂર્ણ છે એમ ન જ કહેવાય. પણ એની સંખ્યા ૨૨૭ની નોંધાયેલી છે તેમાં પાંચ ટકા રહી જતાં પત્રોનાં નામ ઉમેરીએ તો લગભગ તેનો ખરો આંકડો મળી રહે, એમ ધારવું છે. હિન્દી વસ્તીપત્રકના રીપોર્ટમાં સામાન્ય રીતે જુદી જુદી ભાષાઓ બોલનારાના આંકડાઓ આપવાનો શિરસ્તો છે; પણ દિલગીરીની વાત એ છે કે સન ૧૯૩૧ના હિન્દી વસ્તીપત્રકના રિપોર્ટના કોષ્ટક ૧૦ માં જે ભાષાવાર કોલમ આપવામાં આવ્યું છે, તેમાં આ વખતે ગુજરાતી ભાષા બોલનારાઓની સંખ્યા નોંધવામાં આવી નથી. ગુજરાતી ભાષાને આ મોટો અન્યાય થયો છે; અને તેમ કરવાનું સેન્સસ કમિશનરે કાંઈ કારણ પણ દર્શાવ્યું નથી. મોર્ડન રિવ્યુના બાહોશ તંત્રી શ્રીયુત રામાનંદ ચેટરજીએ સરકારના આ મનસ્વી કાર્યને તે માસિકના ફેબ્રુઆરી અંકમાં વખોડી કાઢ્યું હતું. તે સિવાય અન્ય કોઇ પત્રે એ વિષે ઉલ્લેખ કર્યો હોય એમ મારી જાણમાં નથી. તે પરથી મને લાગ્યું કે પાછલા વસ્તીપત્રકોમાંથી આ વિષય પર જરૂરી માહિતી ભેગી કરવી. હિન્દી વસ્તીપત્રકના જુના રીપોર્ટો સુલભ નહોતા. પણ મુંબાઈ ઈલાકાના રીપોર્ટ હું મેળવી શક્યો, તે મારા કાર્ય માટે પુરતા હતા. ગુજરાતી સામયિક પત્રો વિષે લખવામાં આ પણ એક પ્રેરક કારણ હતું. તે સમયે મુંબાઈ ઇલાકાનો સન ૧૯૩૧નો વસ્તીપત્રકનો રીપોર્ટ પ્રસિદ્ધ થયો નહોતો. પણ સન ૧૯૧૧ અને સન ૧૯૨૧ના રીપોર્ટ ઉપલબ્ધ હતા. તેમાં પણ આપણા સામયિક ૫ત્રો વિષે આપણે ઇચ્છીએ એવી પૂરેપૂરી હકીકત નોંધેલી નહોતી. સન ૧૯૧૧ના (મુંબાઈ ઇલાકાના) વસ્તીપત્રક રીપોર્ટમાં ‘છાપાં’ એ મથાળા હેઠળ ગુજરાતી વર્તમાનપત્રોની સંખ્યા ૪૫ ની બતાવેલી છે અને તે સંખ્યા સન ૧૮૯૧ અને સન ૧૯૦૧ માં ૩૧ અને ૩૧ અનુક્રમે હતી એમ વધુમાં નોંધ્યું છે. એ સંખ્યામાં ૬ છાપાં એવાં હતાં કે જેનો ફેલાવો ૨૫૦૦ થી વધુ નકલોનો હતો. સન ૧૯૨૧ના વસ્તીપત્રક રીપોર્ટના સંપાદન કરનાર સેન્સસ કમિશનરને આ પ્રકારની માહિતી આપવાની અગત્ય જણાઈ નહોતી. તેઓ લખે છેઃ “In ૧૯૧૧ figures were also given of newspapers and their circulation. This I have not done on the present occasion. The increase in the newspaper reading habit which is undoubted, takes the form of increase in the circulation of existing rather than the foundation of new papers and the circulation of any paper is probably a matter of some uncertainty.” ઉપરોક્ત કથન વજુદ વિનાનું છે એમ કહેવાની ભાગ્યેજ જરૂર રહે છે. વાચનનો શોખ વધવા અને ખીલવાની સાથે વર્તમાનપત્રો નવાં નવાં નિકળતાં જાય છે, તે સન ૧૯૩૩નાં સામયિક પત્રોની યાદી અન્યત્ર છાપી છે તેમાં એક વર્ષની અંદરના પત્રોની સંખ્યા જોવાથી ખાત્રી થશે. ગુજરાતી ભાષા સાહિત્ય દિન પ્રતિદિન વિકસતું અને ખીલતું જાય છે અને તેની સાહિત્ય સમૃદ્ધિ અન્ય કોઈ દેશી ભાષાની હરીફાઇમાં ઉભી રહી શકે એવા ઉંચા પ્રકારની છે; અને તેનાં પુસ્તક પ્રકાશનના આંકડા અન્ય કોઇ દેશી ભાષામાં છપાતાં પુસ્તકોના પ્રમાણમાં એાછા માલુમ નહિ પડે; એટલું જ નહિ પણ ગુજરાતી જનતા મુખ્યત્વે વેપારી વર્ગની હોઇને તેનામાં અક્ષરતાનું પ્રમાણ પણ મોટું જણાશે. તેના સમર્થનમાં પાછલા વસ્તીપત્રકોમાંથી આંકડા આપીશું; અને સરખામણી સારૂ મરાઠી ભાષા બોલનાર જેની સંખ્યા ગુજરાતીથી જાદે છે અને મરાઠી સાહિત્ય પણ વધુ વિકસેલું છે, તેના આંકડા રજુ કરીશું.

પુસ્તકો સન ૧૯૦૧ ૧૯૧૦ ૧૯૦૧ થી ૧૮૯૧ થી
૧૯૧૦ સુધી ૧૯૦૦ સુધી
ગુજરાતી ૨૧૩ ૪૭પ ૨૯૩૭ ૨૫૩૯
મરાઠી ૧૦૦ ૩૫૯ ૧૯૮૯ ૧૮૦ર
છાપાં ૧૮૯૧ ૧૯૦૧ ૧૯૧૧ ૧૯૨૧-૧૯૩૧
ગુજરાતી ૩૧ ૩૧ ૪પ * ૭૯
મરાઠી ૬૦ ૬૮ ૬૭ * ૮૭

વધુ ચોક્કસ થવા સદરહુ રીપોર્ટમાંથી જ એ બે ગુજરાતી અને મરાઠી ભાષા બોલતી પ્રજાના આંકડાઓ ઉતારીશું.

ભાષા ૧૯૦૧ ૧૯૧૧ ૧૯૨૧ ૧૯૩૧
ગુજરાતી ૬૬૭૦૦૦૦ ૭૨૦૪૦૦૦ ૭૪૦૪૦૦૦ XXXX
મરાઠી ૧૦૧૦૦૦૦૦ ૧૦૪૫૩૦૦૦ ૯૭૯૧૦૦૦ ૧,૧૧,૧૫,૦૦૦

આ આંકડાઓ મુંબાઈ ઈલાકા પુરતા છે; પરંતુ સામાન્ય માન્યતા એવી છે કે ગુજરાતી ભાષા બોલનારી પ્રજાની સંખ્યા આશરે સવા કરોડ, મરાઠીની દોઢથી બે કરોડ, બંગાળીની પાંચ કરોડની આસપાસ અને હિન્દીની દસ કરોડથી વધુ, એ પ્રમાણે છે, સામાન્ય અક્ષરજ્ઞાન એટલે કે લખી વાંચી જાણે એવા મનુષ્યોની સંખ્યા મુંબાઈ ઈલાકામાં સન ૧૯૩૧ના વસ્તીપત્રકના રીપોર્ટમાં કુલ ૨૩,૧૫૯,૫૩૮ની વસ્તીમાં, ૧,૮૭૭,૧૮૦ બતાવેલી છે. એમાં ગુજરાતીઓની સંખ્યા જુદી કાઢી બતાવેલી નથી; પણ કુલ વસ્તીનો ૮.૧ ટકા ભાગ અક્ષરજ્ઞાનવાળો છે; બાકીનો ૯૧.૯૯ ભાગ હજુ અજ્ઞાન પડેલો છે. નિરક્ષરતા નિવારણની ગતિ કેટલી બધી મંદ ચાલે છે, એ નીચે આપેલા તેના પચાસ વર્ષના આંકડા પરથી સ્પષ્ટ થશેઃ

વર્ગ ૧૮૯૧ ૧૯૦૧ ૧૯૧૧ ૧૯૨૧ ૧૯૨૧
પુરુષ-હજારે ૯૧ ૧૦૮ ૧૧૨ ૧૩૪ ૧૪૩
સ્ત્રીઓ-હજારે ૧૩ ૨૩ ૨૪

આપણે અહિં જે પ્રમાણમાં વસ્તીનો વધારો થાય છે, તેના જેટલો પણ પ્રજામાં અક્ષરજ્ઞાનમાં વધારો થતો નથી, એ શોચનીય છે. વળી એ વસ્તીનો વધારો પણ બીજા દેશોના વસ્તીના વધારાના પ્રમાણમાં ઓછો છેજ. હવે બીજા પ્રાંતોમાં અને પાશ્ચાત્ય મુલકોમાં વસ્તીના પ્રમાણમાં વર્તમાન૫ત્રોનો પ્રચાર કેવો છે તે જોઇએ. સન ૧૯૩૨ની સ્ટેટ્‌સમેન ઇયર બુકમાંથી મોર્ડર્ન રિવ્યુના તંત્રીએ એ માહિતી નીચે પ્રમાણે તારવી કાઢી છે.૨

: સન ૧૯૨૯–૩૦માં સામયિક પત્રોની સંખ્યા :

મદ્રાસ. ૩૦૯ સંયુક્ત પ્રાંત. ૬૨૬ બિહાર અને એરિસ્સા. ૧૩૬
મુંબાઈ. ૩૧૪ પંજાબ. ૪૨૫ મધ્ય પ્રાંત અને બિહાર. ૫૫
બંગાલ. ૬૬૩ બર્મા. ૧૬૧ આસામ. ૪૩
દિલ્હી. ૮૮ વાયવ્ય પ્રાંત. ૧૩

આ આંકડાઓ સાથે કેનેડા અને અમેરિકાના આંકડા સરખાવીશું તો હિન્દ અને એ દેશોની સ્થિતિ વચ્ચે આસ્માન જમીનનો ફરક માલુમ ૫ડશે.

વસ્તી. પત્રો. દૈનિક. અઠવાડિયામાં ત્રણવાર. પખવાડિક અઠવાડિક માસિક દ્વિમાસિક પ્રકીર્ણ
કેનેડા કરોડથી વધુ ૧૬૦૯ ૧૧૬ ૨૧ ૯૬૬ ૩૮૮ ૬૬ ૫૭
યુનાઈટેડ સ્ટેટ્‌સ બાર કરોડથી વધુ ૨૦૭૨૪ ૨૨૯૯ ૬૫ ૪૮૭ ૧૨૮૨૫ ૩૮૦૪ ૨૮૫ ૯૫૯

આ સઘળી વિગતોમાં ઉતરવાનું પ્રયોજન માત્ર એ છે કે વાચકબંધુ જોઇ શકે કે આધુનિક સમાજજીવનમાં આરંભમાં જણાવ્યા પ્રમાણે સામયિક પત્રો કેવું મોટું અને મહત્વનું સ્થાન ભોગવે છે. બાબુ રામાનંદ ચેટરજીએ તો એક પત્રકારને જનતાના નેતૃત્વનું પદ બક્ષ્યું છે. તેઓ કહે છે, “પત્રકારે તો જનતાના વિચારો જાણવા જોઈએ અને એ વિચારોને અનુસરતી દિશાઓમાં પ્રવૃત્તિ કરવી જોઇએ. એ તો જનતાના વિચારનું પ્રતિનિધિત્વ લઇને બેઠા હોય છે. એ તો પ્રજાનો સાચો પ્રતિનિધિ હોય છે. એણે પોતાના વિચારો એટલી બધી ગંભીરતાપૂર્વક ને સુવ્યવસ્થિત રીતે જાહેરમાં મુકવા જોઈએ કે જેને લઇને જનતાનું કલ્યાણુ થાય.”૩ આ સબબથી ગુજરાતી સામયિક પત્રોનો પ્રશ્ન, તેની સંખ્યા, તેનો પ્રચાર અને વિસ્તાર, તેની વિવિધતા અને ઉપયોગિતા, તેનો વિકાસ અને ખિલવણી, તેની ઉણપતા અને મુશ્કેલીઓ વગેરે, એ દૃષ્ટિએ વિચારાવાની અગત્ય મને જણાઇ. અક્ષરતા આજે નહિ જેવી છે; અને પત્રકારિત્વ તેની શક્તિ અને સાધનના પ્રમાણમાં અનેક પ્રકારની અડચણોની સામે ટક્કર ઝીલીને, ઠીક ઠીક વિસ્તરે છે અને વિકસે છે; અને જતે દિવસે આપણા સમાજમાં પૂર્વના આચાર્યો અને સ્મૃતિકારોના જેવું તે મોભાવાળું અને બહોળી લાગવગ ધરાવતું જનતાના નેતૃત્વનું પદ પ્રાપ્ત કરે તો તેમાં નવાઈ પામવા જેવું કાંઇ નથી. આ સંજોગમાં ગુજરાતી સામયિક ૫ત્રેાની ચર્ચા ઉપયુક્ત થઇ પડશે. આ આખોય પ્રશ્ન અવલોકવાનું સુગમ થઇ પડે, એટલા માટે સામયિક પત્રોની જે યાદી આ ગ્રંથમાં અન્યત્ર છાપી છે તેને બે કોષ્ટકમાં વહેંચી નાંખી છે. (૧) તેના વિષયાનુસાર–બહુ વિસ્તૃત અર્થમાં–અને (૨) તેના વર્ષાનુસાર.

ગુજરાતી સામયિક પત્રોનું પૃથક્કરણ વિષયાનુસાર.

પ્રકાર દૈનિક અર્ધ-સાપ્તાહિક અઠવાડિક પાક્ષિક માસિક દ્વૈમાસિક ત્રૈમાસિક અધ-વાર્ષિક વાર્ષિક કુલ
સામાન્ય ૧૦ ૧૯ ... ૨૭ ... ... ૬૦
પારસી ... ... ... ... ... ૧૩
જૈન ... ... ... ... ... ... ...
ઇસ્લામી ... ... ... ... ... ... ...
મજુરવર્ગ ... ... ... ... ... ...
અંત્યજ ... ... ... ... ... ... ...
સ્ત્રીઓ ... ... ... ... ... ... ...
બાળકો ... ... ... ... ... ... ... ...
જ્ઞાતિ ... ... ૨૮ ... ... ૩૬
બૃહદ્‌-ગુજરાત ... ... ... ... ... ...
કેળવણી ... ... ... ... ...
આરોગ્ય, વૈદક, વ્યાયામ ... ... ... ... ... ... ...
સિનેમા ... ... ... ... ... ... ...
ખાદી ... ... ... ... ... ... ...
ખ્રિસ્તિ (હિંદી) ... ... ... ... ... ... ... ...
હળવું સાહિત્ય ... ... ૨૫ ... .. ... ... ... ... ૨૫
વેપાર ઉઘોગ, હુન્નર ... ... ... ... ... ... ...
દેશી રાજય ... ... ... ... ... ...
ધર્મ ... ... ... ... ... ... ... ૧૫
ખેતીવાડી, સહકાર, જીવદયા ... ... ... ... ...
પુસ્તકાલય ... ... ... ... ... ... ... ...
પ્રકીર્ણ ... ... ... ... ... ... ... ...
૧૨ ૭૮ ૧૦૮ ૧૪ ૨૨૭








અમદાવાદ.
તા. ૨૫–૯–૧૯૩૩

હીરાલાલ ત્રિ. પારેખ.