ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ગુજરાતી સામયિક પત્રો
“ગ્રંથ અને ગ્રંથકાર”ના ઉપોદ્ઘાતમાં આ વર્ષે “ગુજરાતી સામયિક પત્રો” એ વિષય ચર્ચવાનું પસંદ કર્યું છે. એ પસંદગી કરવામાં ત્રણ ચાર કારણો મળી આવ્યાં. પત્રકારિત્વ આજકાલ સાહિત્યના પર્યાયરૂપ થઈ પડ્યું છે. એક સારૂં વર્તમાનપત્ર આજે જેટલી અને જેવા વિવિધ પ્રકારની વાચનસામગ્રી પૂરી પાડે છે, તે આપણાં પુસ્તકોમાંથી મળી શકતી નથી. પુસ્તકો કરતાં એક વર્તમાનપત્ર ઝાઝું વંચાય છે અને તેનો બહોળો પ્રચાર થાય છે. આધુનિક જીવન એટલું વ્યવસાયી બની ગયું છે અને તે એવું વ્યગ્ર રહે છે કે કોઇ વિષય પર સામાન્ય માહિતી મેળવવા જિજ્ઞાસા ઉદ્ભવે તોપણ તે પાછળ એટલો સમય આપવાને આપણને અવકાશ હોતો નથી. આધુનિક સંસ્કૃતિનું કેન્દ્રસ્થાન વર્તમાનપત્ર છે એમ કહી શકીએ અને તેના વિકાસ અને અભ્યુદયમાં પ્રજાનો જીવનવિકાસ અને ઉન્નતિ બહુધા અવલંબી રહે છે. કોઈ શસ્ત્ર કરતાં કે કોઈ રાજસત્તા કરતાં તેની શક્તિ, લાગવગ અને કાબુ અદ્ભુત છે. સમાજમાં આજે તે અદ્વિતીય સ્થાન ધરાવે છે. તે ઇચ્છે એવા રંગવાળું મનુષ્ય જીવનને રંગી શકે છે; તે ધારે એવા વિચારોનો પ્રચાર કરી શકે છે. લોકશિક્ષણનું અને લોકમત કેળવવાનું તે એક સમર્થ અને પ્રચંડ સાધન છે. આપણે અહિં અક્ષરજ્ઞાન હજુ વસ્તીની અલ્પ સંખ્યામાં છે પણ એ પ્રમાણ જેમ વધતું જશે તેમ વાચનનો શોખ જરૂર ખીલશે. આજે પણ જનતામાં વાચનનો શોખ વધ્યો છે, તે દરરોજ નવાં અઠવાડિકો નિકળ્યે જાય છે તે બતાવી આપે છે. આપણા જીવનને આ પ્રમાણે સ્પર્શતું અને સાહિત્યને પોષક એવું એક અંગ અને બળ તેનો યથાવકાશ જરૂર વિચાર અને ચર્ચા થવાં ઘટે છે. પત્રકારિત્વના અંગે અનેક જાતના પ્રશ્નો એક પત્રકારે તેમ આપણા સમાજના નેતાએ વિચારવાના ઉપસ્થિત થાય છે; આ લેખ લખવાનું શરૂ કર્યું એ અરસામાં જુદા જુદા પત્રોમાં પત્રકારિત્વ પરત્વે ભિન્ન ભિન્ન દૃષ્ટિએ ચર્ચાયલા મુદ્દાઓ મારા વાંચવામાં આવ્યા તે પ્રથમ રજુ કરીશ. જેઠ માસનું “કુમાર” માસિક તા. ૪થી સપ્ટેમ્બરના રોજ મળ્યું તેમાં નીચે મુજબ એક નોંધ હતીઃ “આપણે ત્યાં પત્રોમાં વૈવિધ્ય ખીલતું નથી તેનું કારણ જ એ છે કે વિવિધ પ્રકારના જીવન–અનુભવોવાળા અને ધંધાના માહિતગાર માણસો પોતાની દિશામાં રચ્યાપચ્યા રહેલા હોવાથી માત્ર થોડાં નાણાંની ખાતર તેઓ લખવાની પ્રવૃત્તિ હાથ ધરે તેમ નથી, તેમ જ તેમના ધંધામાં મળતાં લવાજમની બરોબર લેખનથી પ્રાપ્તિ થઈ શકે એમ નથી; એટલે મૌલિક, અનુભવપૂર્ણ લેખો, હકીકતો, વાર્તાઓ વગેરે માટે આપણે તેમની દરકાર અને ઉદારતા ઉપર જ આશા બાંધવાની રહે છે.” ગુજરાતમિત્ર અને ગુજરાત દર્પણમાં એજ મુદ્દાને “સેનાની” નામધારી લેખકે જુદી જ દૃષ્ટિએ અવલોક્યો છે. તે ભાઇ લખે છે, “લેખકોએ પણ “પૈસા” મળે એ આશાએ લખવું જોઇએ નહીં. પરંતુ તેમણે “સાહિત્યની સેવા” તરીકે જ કાર્ય કરવું રહ્યું. ભલે, પછી એ સેવાનો બદલો ન મળે; પરંતુ નાણાંની અપેક્ષાએ જ “સેવા” કરવી એેવો સિદ્ધાંત તો ન જ રાખવો જોઈએ. “સાહિત્ય” એ પણ એક કળા છે અને કળાનાં મૂલ્ય કદી “પૈસા”થી થયાં છે કે હવે થાય?”[1] ઉપરનાથી જુદા પ્રકારનો પણ પત્રકારિત્વની રીતિનીતિ વિષે મહત્વનો પ્રશ્ન તેજ વખતે “જૈન” અઠવાડિકના વિદ્વાન તંત્રીએ “ક્ષમાપના” એ શિર્ષક હેઠળ, તેના તા. ૩જી સપ્ટેમ્બરના અંકમાં ચર્ચેલો જોવામાં આવ્યો. તે પેરા આ પ્રમાણે હતોઃ— “પત્રકારની જવાબદારી તેમજ જોખમદારી કોઈ પણ શિક્ષક, ઉપદેશક કે માર્ગદર્શક કરતાં જરાય ઉતરતા પ્રકારની નથી. પત્રકાર માત્ર દોષ દૃષ્ટિવાળો જ હોય એવી ભ્રમણા કેટલાક જાણી જોઇને ફેલાવે છે. સામયિક ૫ત્રો સંક્ષોભ જ પેદા કરે છે એમ પણ કેટલાક માનતા હશેઃ ૫રન્તુ એ આખીય વિચારશ્રેણી સત્યથી વેગળી છે. જેમને પોતાનો જ કક્કો મનમાનતી રીતે ઘુંટાવવો હોય, ગાડરીઆ પ્રવાહને એકજ લાકડીએ હાંકવો હોય તેને સામયિક પત્રો અને પત્રોના સંચાલકો અકારા લાગે એ સમજાય એવી વાત છે.” આનાથી ઉલટું કેટલાંક ઈંગ્રેજી પત્રો અંગત સ્વાર્થ અને લાભ મેળવવાની ખાતર, તેમના પત્રોના બહોળા પ્રચાર અર્થે જે હલકી અને અધમ રીતિ અખત્યાર કરે છે તેની એ જ તારીખના ટાઈમ્સ ઑફ ઇન્ડિયા (Times of India)ના અંકમાં તેના તંત્રીએ અગ્ર નોંધમાં કડક શબ્દોમાં ખબર લીધી હતી. એ નોંધનો લેખક જણાવે છે, “It is by no means an exaggeration to say that the type of mind which has been permitted to control this section of the British Press during the last decade has been making drastic and heavily financed efforts to prostitute a great profession.” ગુજરાતી પત્રોમાં પણ આ બદી ધીમે ધીમે પગપેસારો કરતી જાય છે, એ વર્તમાનપત્રના અનુભવીઓની નજર બહાર નહિ હોય. ૫રંતુ આ વિચારોથી ખિન્ન થયલા મનને “નેશ” નામના જાણીતા ઈંગ્રેજી માસિકનો સપ્ટેમ્બરનો તાજો જ અંક પ્રાપ્ત થતાં, તેમાં વર્તમાનપત્રનું મુખ્ય અંગ “સમાચાર” એ વિષયને મહત્વ આપી તે મુદ્દાને રમુજ ભર્યો ચર્ચેલો વાંચતાં કંઈક સાન્ત્વન મળ્યું અને આ સઘળા વિચારોએ મને ગુજરાતી સામયિક ૫ત્રો વિષે વિવેચન કરવા પ્રેર્યો. આ પ્રશ્ને બીજી રીતે પણ મારૂં ધ્યાન ખેંચ્યું હતું. ચાલુ સાલમાં સોસાઇટીએ પહેલી ગુજરાત પુસ્તકાલય પરિષદ ભરવાનો નિર્ણય કર્યો હતો, અને તેની સાથે ગુજરાતી સામયિક પત્રોનું પ્રદર્શન યોજવાની વ્યવસ્થા રાખી હતી. એ પ્રદર્શનનો એક આશય એ પણ હતો કે ગુજરાતીમાં પ્રસિદ્ધ થતાં સર્વ પત્રોની હકીકત બને તેટલી સંપૂર્ણ એકઠી કરી શકાય; અને એ ઉદ્દેશથી એક પત્રક, જે તે પત્રના તંત્રી વા સંચાલકને મુખ્ય અને મહત્વની માહિતી પૂરી પાડવા મોકલવામાં આવ્યું હતું. સન ૧૯૨૪માં પહેલી ગુજરાતી પત્રકાર પરિષદ અમદાવાદમાં મળી હતી ત્યારે આ પ્રમાણે આપણા ગુજરાતી પત્રોની સૂચી તૈયાર કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તે વખતે પરિષદના અંગે વર્તમાનપત્રોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું અને તેના ઉદ્ઘાટનની ક્રિયા લેડી વિદ્યાબ્હેન રમણભાઈ નીલકંઠના હસ્તે કરાવવામાં આવી હતી. પણ જે મિત્રોને તેમાં રજુ થયલાં વર્તમાનપત્રોની નોંધ લેવાનું સોંપ્યુ હતું તે સંજોગવશાત્ તેઓ કરી શક્યા નહોતા. એટલે પ્રસ્તુત હેતુ બર લાવવા સૌ પત્રકાર બંધુઓને તેના પત્રની નકલ પ્રદર્શન માટે મોકલી આપવાની સાથે જે છાપેલું પત્રક તેમને રવાના કરવામાં આવ્યું હતું તે ભરી મોકલવા વિનંતિ કરી હતી. વળી પ્રસ્તુત યાદીનું કામ સુગમતાભર્યું થઈ પડે એ વિચારથી મુંબાઈ ઇલાકાના ટપાલ ખાતાના ઉપરી અધિકારીને જે સામયિક પત્રો ટપાલ ખાતાના નિયમાનુસાર ટપાલના ઓછા અને ખાસ દરોનો લાભ મેળવે છે, તેનાં નામોની ટપાલખાતા પાસેની યાદી, વેચાતી મળી શકતી હોય તો તેની કિંમત લઈને અથવા તેની નકલ ઉતરાવવાનો ખર્ચ લઈને, આપવા સૂચવ્યું હતું; પણ તેનો ઉત્તર ખાતા તરફથી નકારમાં આવ્યો હતો. મારૂં માનવું છે કે એ યાદી આવા ખાસ કારણસર પૂરી પાડવામાં સરકારે વાંધો લેવો ન જોઇએ. સોસાઇટીના વિનંતિપત્રથી સામયિક પત્રો જેની નકલો અમને સીધી મળી તે પરથી તેમ અન્ય રીતે તજવીજ કરીને મેળવી શક્યા તેના આધારે ગુજરાતીમાં પ્રસિદ્ધ થતા સામયિક પત્રોની સૂચી આ પુસ્તકના પૃષ્ટ ૪૯ થી ૬૦ ઉપર છાપવામાં આવી છે. આ યાદી સંપૂર્ણ છે એમ ન જ કહેવાય. પણ એની સંખ્યા ૨૨૭ની નોંધાયેલી છે તેમાં પાંચ ટકા રહી જતાં પત્રોનાં નામ ઉમેરીએ તો લગભગ તેનો ખરો આંકડો મળી રહે, એમ ધારવું છે. હિન્દી વસ્તીપત્રકના રીપોર્ટમાં સામાન્ય રીતે જુદી જુદી ભાષાઓ બોલનારાના આંકડાઓ આપવાનો શિરસ્તો છે; પણ દિલગીરીની વાત એ છે કે સન ૧૯૩૧ના હિન્દી વસ્તીપત્રકના રિપોર્ટના કોષ્ટક ૧૦ માં જે ભાષાવાર કોલમ આપવામાં આવ્યું છે, તેમાં આ વખતે ગુજરાતી ભાષા બોલનારાઓની સંખ્યા નોંધવામાં આવી નથી. ગુજરાતી ભાષાને આ મોટો અન્યાય થયો છે; અને તેમ કરવાનું સેન્સસ કમિશનરે કાંઈ કારણ પણ દર્શાવ્યું નથી. મોર્ડન રિવ્યુના બાહોશ તંત્રી શ્રીયુત રામાનંદ ચેટરજીએ સરકારના આ મનસ્વી કાર્યને તે માસિકના ફેબ્રુઆરી અંકમાં વખોડી કાઢ્યું હતું. તે સિવાય અન્ય કોઇ પત્રે એ વિષે ઉલ્લેખ કર્યો હોય એમ મારી જાણમાં નથી. તે પરથી મને લાગ્યું કે પાછલા વસ્તીપત્રકોમાંથી આ વિષય પર જરૂરી માહિતી ભેગી કરવી. હિન્દી વસ્તીપત્રકના જુના રીપોર્ટો સુલભ નહોતા. પણ મુંબાઈ ઈલાકાના રીપોર્ટ હું મેળવી શક્યો, તે મારા કાર્ય માટે પુરતા હતા. ગુજરાતી સામયિક પત્રો વિષે લખવામાં આ પણ એક પ્રેરક કારણ હતું. તે સમયે મુંબાઈ ઇલાકાનો સન ૧૯૩૧નો વસ્તીપત્રકનો રીપોર્ટ પ્રસિદ્ધ થયો નહોતો. પણ સન ૧૯૧૧ અને સન ૧૯૨૧ના રીપોર્ટ ઉપલબ્ધ હતા. તેમાં પણ આપણા સામયિક ૫ત્રો વિષે આપણે ઇચ્છીએ એવી પૂરેપૂરી હકીકત નોંધેલી નહોતી. સન ૧૯૧૧ના (મુંબાઈ ઇલાકાના) વસ્તીપત્રક રીપોર્ટમાં ‘છાપાં’ એ મથાળા હેઠળ ગુજરાતી વર્તમાનપત્રોની સંખ્યા ૪૫ ની બતાવેલી છે અને તે સંખ્યા સન ૧૮૯૧ અને સન ૧૯૦૧ માં ૩૧ અને ૩૧ અનુક્રમે હતી એમ વધુમાં નોંધ્યું છે. એ સંખ્યામાં ૬ છાપાં એવાં હતાં કે જેનો ફેલાવો ૨૫૦૦ થી વધુ નકલોનો હતો. સન ૧૯૨૧ના વસ્તીપત્રક રીપોર્ટના સંપાદન કરનાર સેન્સસ કમિશનરને આ પ્રકારની માહિતી આપવાની અગત્ય જણાઈ નહોતી. તેઓ લખે છેઃ “In ૧૯૧૧ figures were also given of newspapers and their circulation. This I have not done on the present occasion. The increase in the newspaper reading habit which is undoubted, takes the form of increase in the circulation of existing rather than the foundation of new papers and the circulation of any paper is probably a matter of some uncertainty.” ઉપરોક્ત કથન વજુદ વિનાનું છે એમ કહેવાની ભાગ્યેજ જરૂર રહે છે. વાચનનો શોખ વધવા અને ખીલવાની સાથે વર્તમાનપત્રો નવાં નવાં નિકળતાં જાય છે, તે સન ૧૯૩૩નાં સામયિક પત્રોની યાદી અન્યત્ર છાપી છે તેમાં એક વર્ષની અંદરના પત્રોની સંખ્યા જોવાથી ખાત્રી થશે. ગુજરાતી ભાષા સાહિત્ય દિન પ્રતિદિન વિકસતું અને ખીલતું જાય છે અને તેની સાહિત્ય સમૃદ્ધિ અન્ય કોઈ દેશી ભાષાની હરીફાઇમાં ઉભી રહી શકે એવા ઉંચા પ્રકારની છે; અને તેનાં પુસ્તક પ્રકાશનના આંકડા અન્ય કોઇ દેશી ભાષામાં છપાતાં પુસ્તકોના પ્રમાણમાં એાછા માલુમ નહિ પડે; એટલું જ નહિ પણ ગુજરાતી જનતા મુખ્યત્વે વેપારી વર્ગની હોઇને તેનામાં અક્ષરતાનું પ્રમાણ પણ મોટું જણાશે. તેના સમર્થનમાં પાછલા વસ્તીપત્રકોમાંથી આંકડા આપીશું; અને સરખામણી સારૂ મરાઠી ભાષા બોલનાર જેની સંખ્યા ગુજરાતીથી જાદે છે અને મરાઠી સાહિત્ય પણ વધુ વિકસેલું છે, તેના આંકડા રજુ કરીશું.
| પુસ્તકો | સન ૧૯૦૧ | ૧૯૧૦ | ૧૯૦૧ થી | ૧૮૯૧ થી |
| ૧૯૧૦ સુધી | ૧૯૦૦ સુધી | |||
| ગુજરાતી | ૨૧૩ | ૪૭પ | ૨૯૩૭ | ૨૫૩૯ |
| મરાઠી | ૧૦૦ | ૩૫૯ | ૧૯૮૯ | ૧૮૦ર |
| છાપાં | ૧૮૯૧ | ૧૯૦૧ | ૧૯૧૧ | ૧૯૨૧-૧૯૩૧ |
| ગુજરાતી | ૩૧ | ૩૧ | ૪પ | * ૭૯ |
| મરાઠી | ૬૦ | ૬૮ | ૬૭ | * ૮૭ |
વધુ ચોક્કસ થવા સદરહુ રીપોર્ટમાંથી જ એ બે ગુજરાતી અને મરાઠી ભાષા બોલતી પ્રજાના આંકડાઓ ઉતારીશું.
| ભાષા | ૧૯૦૧ | ૧૯૧૧ | ૧૯૨૧ | ૧૯૩૧ |
| ગુજરાતી | ૬૬૭૦૦૦૦ | ૭૨૦૪૦૦૦ | ૭૪૦૪૦૦૦ | XXXX |
| મરાઠી | ૧૦૧૦૦૦૦૦ | ૧૦૪૫૩૦૦૦ | ૯૭૯૧૦૦૦ | ૧,૧૧,૧૫,૦૦૦ |
આ આંકડાઓ મુંબાઈ ઈલાકા પુરતા છે; પરંતુ સામાન્ય માન્યતા એવી છે કે ગુજરાતી ભાષા બોલનારી પ્રજાની સંખ્યા આશરે સવા કરોડ, મરાઠીની દોઢથી બે કરોડ, બંગાળીની પાંચ કરોડની આસપાસ અને હિન્દીની દસ કરોડથી વધુ, એ પ્રમાણે છે, સામાન્ય અક્ષરજ્ઞાન એટલે કે લખી વાંચી જાણે એવા મનુષ્યોની સંખ્યા મુંબાઈ ઈલાકામાં સન ૧૯૩૧ના વસ્તીપત્રકના રીપોર્ટમાં કુલ ૨૩,૧૫૯,૫૩૮ની વસ્તીમાં, ૧,૮૭૭,૧૮૦ બતાવેલી છે. એમાં ગુજરાતીઓની સંખ્યા જુદી કાઢી બતાવેલી નથી; પણ કુલ વસ્તીનો ૮.૧ ટકા ભાગ અક્ષરજ્ઞાનવાળો છે; બાકીનો ૯૧.૯૯ ભાગ હજુ અજ્ઞાન પડેલો છે. નિરક્ષરતા નિવારણની ગતિ કેટલી બધી મંદ ચાલે છે, એ નીચે આપેલા તેના પચાસ વર્ષના આંકડા પરથી સ્પષ્ટ થશેઃ
| વર્ગ | ૧૮૯૧ | ૧૯૦૧ | ૧૯૧૧ | ૧૯૨૧ | ૧૯૨૧ |
| પુરુષ-હજારે | ૯૧ | ૧૦૮ | ૧૧૨ | ૧૩૪ | ૧૪૩ |
| સ્ત્રીઓ-હજારે | પ | ૯ | ૧૩ | ૨૩ | ૨૪ |
આપણે અહિં જે પ્રમાણમાં વસ્તીનો વધારો થાય છે, તેના જેટલો પણ પ્રજામાં અક્ષરજ્ઞાનમાં વધારો થતો નથી, એ શોચનીય છે. વળી એ વસ્તીનો વધારો પણ બીજા દેશોના વસ્તીના વધારાના પ્રમાણમાં ઓછો છેજ. હવે બીજા પ્રાંતોમાં અને પાશ્ચાત્ય મુલકોમાં વસ્તીના પ્રમાણમાં વર્તમાન૫ત્રોનો પ્રચાર કેવો છે તે જોઇએ. સન ૧૯૩૨ની સ્ટેટ્સમેન ઇયર બુકમાંથી મોર્ડર્ન રિવ્યુના તંત્રીએ એ માહિતી નીચે પ્રમાણે તારવી કાઢી છે.[2]
: સન ૧૯૨૯–૩૦માં સામયિક પત્રોની સંખ્યા :
| મદ્રાસ. | ૩૦૯ | સંયુક્ત પ્રાંત. | ૬૨૬ | બિહાર અને એરિસ્સા. | ૧૩૬ |
| મુંબાઈ. | ૩૧૪ | પંજાબ. | ૪૨૫ | મધ્ય પ્રાંત અને બિહાર. | ૫૫ |
| બંગાલ. | ૬૬૩ | બર્મા. | ૧૬૧ | આસામ. | ૪૩ |
| દિલ્હી. | ૮૮ | વાયવ્ય પ્રાંત. | ૧૩ |
આ આંકડાઓ સાથે કેનેડા અને અમેરિકાના આંકડા સરખાવીશું તો હિન્દ અને એ દેશોની સ્થિતિ વચ્ચે આસ્માન જમીનનો ફરક માલુમ ૫ડશે.
| વસ્તી. | પત્રો. | દૈનિક. | અઠવાડિયામાં ત્રણવાર. | પખવાડિક | અઠવાડિક | માસિક | દ્વિમાસિક | પ્રકીર્ણ |
| કેનેડા કરોડથી વધુ | ૧૬૦૯ | ૧૧૬ | ૫ | ૨૧ | ૯૬૬ | ૩૮૮ | ૬૬ | ૫૭ |
| યુનાઈટેડ સ્ટેટ્સ બાર કરોડથી વધુ | ૨૦૭૨૪ | ૨૨૯૯ | ૬૫ | ૪૮૭ | ૧૨૮૨૫ | ૩૮૦૪ | ૨૮૫ | ૯૫૯ |
આ સઘળી વિગતોમાં ઉતરવાનું પ્રયોજન માત્ર એ છે કે વાચકબંધુ જોઇ શકે કે આધુનિક સમાજજીવનમાં આરંભમાં જણાવ્યા પ્રમાણે સામયિક પત્રો કેવું મોટું અને મહત્વનું સ્થાન ભોગવે છે. બાબુ રામાનંદ ચેટરજીએ તો એક પત્રકારને જનતાના નેતૃત્વનું પદ બક્ષ્યું છે. તેઓ કહે છે, “પત્રકારે તો જનતાના વિચારો જાણવા જોઈએ અને એ વિચારોને અનુસરતી દિશાઓમાં પ્રવૃત્તિ કરવી જોઇએ. એ તો જનતાના વિચારનું પ્રતિનિધિત્વ લઇને બેઠા હોય છે. એ તો પ્રજાનો સાચો પ્રતિનિધિ હોય છે. એણે પોતાના વિચારો એટલી બધી ગંભીરતાપૂર્વક ને સુવ્યવસ્થિત રીતે જાહેરમાં મુકવા જોઈએ કે જેને લઇને જનતાનું કલ્યાણુ થાય.”[3] આ સબબથી ગુજરાતી સામયિક પત્રોનો પ્રશ્ન, તેની સંખ્યા, તેનો પ્રચાર અને વિસ્તાર, તેની વિવિધતા અને ઉપયોગિતા, તેનો વિકાસ અને ખિલવણી, તેની ઉણપતા અને મુશ્કેલીઓ વગેરે, એ દૃષ્ટિએ વિચારાવાની અગત્ય મને જણાઇ. અક્ષરતા આજે નહિ જેવી છે; અને પત્રકારિત્વ તેની શક્તિ અને સાધનના પ્રમાણમાં અનેક પ્રકારની અડચણોની સામે ટક્કર ઝીલીને, ઠીક ઠીક વિસ્તરે છે અને વિકસે છે; અને જતે દિવસે આપણા સમાજમાં પૂર્વના આચાર્યો અને સ્મૃતિકારોના જેવું તે મોભાવાળું અને બહોળી લાગવગ ધરાવતું જનતાના નેતૃત્વનું પદ પ્રાપ્ત કરે તો તેમાં નવાઈ પામવા જેવું કાંઇ નથી. આ સંજોગમાં ગુજરાતી સામયિક ૫ત્રેાની ચર્ચા ઉપયુક્ત થઇ પડશે. આ આખોય પ્રશ્ન અવલોકવાનું સુગમ થઇ પડે, એટલા માટે સામયિક પત્રોની જે યાદી આ ગ્રંથમાં અન્યત્ર છાપી છે તેને બે કોષ્ટકમાં વહેંચી નાંખી છે. (૧) તેના વિષયાનુસાર–બહુ વિસ્તૃત અર્થમાં–અને (૨) તેના વર્ષાનુસાર.
ગુજરાતી સામયિક પત્રોનું પૃથક્કરણ વિષયાનુસાર.
| પ્રકાર | દૈનિક | અર્ધ-સાપ્તાહિક | અઠવાડિક | પાક્ષિક | માસિક | દ્વૈમાસિક | ત્રૈમાસિક | અધ-વાર્ષિક | વાર્ષિક | કુલ |
| સામાન્ય | ૧૦ | ૧ | ૧૯ | ... | ૨૭ | ... | ૨ | ૧ | ... | ૬૦ |
| પારસી | ૧ | ૧ | ૩ | ... | ૮ | ... | ... | ... | ... | ૧૩ |
| જૈન | ... | ... | ૩ | ... | ૫ | ... | ... | ... | ... | ૮ |
| ઇસ્લામી | ... | ... | ૪ | ... | ૧ | ... | ... | ... | ... | ૫ |
| મજુરવર્ગ | ... | ... | ૨ | ૧ | ૧ | ... | ... | ... | ... | ૪ |
| અંત્યજ | ... | ... | ૧ | ... | ૧ | ... | ... | ... | ... | ૨ |
| સ્ત્રીઓ | ... | ... | ૨ | ... | ૩ | ... | ... | ... | ... | ૫ |
| બાળકો | ... | ... | ... | ... | ૮ | ... | ... | ... | ... | ૮ |
| જ્ઞાતિ | ... | ... | ૧ | ૨ | ૨૮ | ૨ | ૩ | ... | ... | ૩૬ |
| બૃહદ્-ગુજરાત | ૧ | ... | ૪ | ... | ૧ | ... | ... | ... | ... | ૬ |
| કેળવણી | ... | ... | ... | ... | ૩ | ૧ | ૩ | ૧ | ... | ૮ |
| આરોગ્ય, વૈદક, વ્યાયામ | ... | ... | ... | ... | ૪ | ... | ૨ | ... | ... | ૬ |
| સિનેમા | ... | ... | ૪ | ... | ૧ | ... | ... | ... | ... | ૫ |
| ખાદી | ... | ... | ૧ | ... | ૧ | ... | ... | ... | ... | ૨ |
| ખ્રિસ્તિ (હિંદી) | ... | ... | ... | ... | ૧ | ... | ... | ... | ... | ૧ |
| હળવું સાહિત્ય | ... | ... | ૨૫ | ... | .. | ... | ... | ... | ... | ૨૫ |
| વેપાર ઉઘોગ, હુન્નર | ... | ... | ... | ... | ૧ | ... | ૧ | ... | ... | ૨ |
| દેશી રાજય | ... | ... | ૩ | ૧ | ૧ | ... | ... | ... | ... | ૫ |
| ધર્મ | ... | ... | ૬ | ... | ૯ | ... | ... | ... | ... | ૧૫ |
| ખેતીવાડી, સહકાર, જીવદયા | ... | ... | ... | ... | ૨ | ૩ | ૩ | ... | ૧ | ૯ |
| પુસ્તકાલય | ... | ... | ... | ... | ૧ | ... | ... | ... | ... | ૧ |
| પ્રકીર્ણ | ... | ... | ... | ... | ૧ | ... | ... | ... | ... | ૧ |
| ૧૨ | ૨ | ૭૮ | ૪ | ૧૦૮ | ૬ | ૧૪ | ૨ | ૧ | ૨૨૭ |
ગુજરાતી સામયિક પત્રોની પૃથક્કરણ વર્ષાનુસાર
| ૧ વર્ષની | પ વર્ષની | ૧૦ વર્ષની | ૧પ વર્ષની | રપ વર્ષની | પ૦ વર્ષની | ૭૫ વર્ષની | ૧૦૦ વર્ષની | ૧૨૫ વર્ષની | કુલ | |
| અંદરના | અંદર | અંદર | અંદર | અંદર | અંદર | અંદર | અંદર | અંદર | ||
| દૈનિક | ૨ | ૫ | ૧ | ... | ૧ | ૧ | ... | ... | ૨ | ૧૨ |
| અર્ધ-સાપ્તાહિક | ... | ... | ... | ... | ૧ | ૧ | ... | ... | ... | ૨ |
| અઠવાડિક | ૨૪ | ૧૬ | ૧૬ | ૪ | ૫ | ૬ | ૬ | ... | ૧ | ૭૮ |
| પાક્ષિક | ૧ | ૨ | ૧ | ... | ... | ... | ... | ... | ... | ૪ |
| માસિક | ૩૦ | ૨૩ | ૨૪ | ૧૨ | ૯ | ૭ | ૨ | ૧ | ... | ૧૦૮ |
| દ્વૈમાસિક | ૩ | ૧ | ૧ | ૧ | ... | ... | ... | ... | ... | ૬ |
| ત્રૈમાસિક | ૧ | ૩ | ૪ | ૧ | ૩ | ૧ | ... | ૧ | ... | ૧૪ |
| છ માસિક | ... | ૨ | ... | ... | ... | ... | ... | ... | ... | ૨ |
| વાર્ષિક[4] | ... | ... | ... | ... | ૧ | ... | ... | ... | ... | ૧ |
| ૬૧ | ૫૨ | ૪૭ | ૧૮ | ૨૦ | ૧૬ | ૮ | ૨ | ૩ | ૨૨૭ |
ઉપલાં બે પત્રકો વિગતવાર તપાસતાં માલુમ પડે છે કે વર્ષ દોઢ વર્ષ દરમિયાન ૬૧ નવાં સામયિકપત્રો નિકળ્યાં હતાં; અને સામયિક પત્રોની એકંદર સંખ્યાની સરખામણીમાં તેનું પ્રમાણ પચીસ ટકાથી વધુ થવા જાય છે. સામયિકપત્રો વેચનારની દુકાનપર થોડોક સમય આપણે થોભીશું તો થોકબંધ પત્રો સચિત્ર તેમ રંગબેરંગી પુંઠાવાળાં, તેના વિવિધ પ્રકારના નામાભિધાનથી ધ્યાન ખેંચશે તેમજ સામાન્ય જનસમૂહ તેની નકલો ઉપરાચાપરી ઉપાડતો જોવામાં આવશે. તે બતાવી આપે છે કે જનતાને નવા વાચનનો શોખ લાગ્યો છે; અને તે શોખ કેળવાય અને ખીલે એવી તજવીજ કરવી, એ પત્રકારોનું કર્તવ્ય છે. આ સઘળું વાચનસાહિત્ય મુખ્યત્વે જેને સામાન્ય રીતે હળવું સાહિત્ય કહેવાય એ પ્રકારનું છે, તે ઘણુંખરૂં દર અઠવાડિયે બહાર પડે છે અને તે પત્રોની સંખ્યા આશરે ૨૫ની છે. વળી નવાઈ જેવું એ છે કે એમાંનો મોટો ભાગ વર્ષ દોઢવર્ષમાં અસ્તિત્વમાં આવેલો છે; પણ તે પરથી આપણે એક અનુમાનપર આવી શકીએ કે જનસમૂહ હળવું સાહિત્ય માગી રહ્યો છે. આ પ્રકારનાં બે ત્રણ અઠવાડિકો સારી સફળતા પામતાં, તેની સ્પર્ધામાં ત્યારપછી પુષ્કળ અઠવાડિકો પ્રસિદ્ધ થવા લાગ્યાં; તેમ છતાં ‘બે ઘડી મોજ’ અને ‘વીસમી સદી’ એ બે જાણીતાં અઠવાડિકો તેનું મુખ્ય સ્થાન અદ્યાપિ સાચવી રહ્યાં છે. તે બંને પત્રોનો ફેલાવો બહોળો અને મોટો છે; અને તેમની, વાચકને આકર્ષવાની અને તેમને મનપસંદ અને રમુજ આપે એવું વાચનસાહિત્ય પૂરૂં પાડવાની, કાબેલિયત અને કુનેહ તારીફ કરવા લાયક છે. સામાન્ય વાચકને તેમ સાહિત્યરસિકને તે સંતોષી શકે છે એજ તેની ખૂબી છે. એ કોટિનું પણ કંઈક ગંભીર વાચનસાહિત્ય આપતું, સામયિક જીવન-પ્રશ્નોને, સ્વતંત્ર રીતે, વિચારાત્મક શૈલીમાં ચર્ચતું, લુપ્ત ‘સૌરાષ્ટ્ર’ની ગરજ સારતું પણ તેનું સ્થાન પુરતું નહિ, એવું ‘ફુલછાબ‘ ટુંક મુદતમાં સારી નામના પામ્યું છે. તેની કલમ જેવી સચોટ છાપ પાડી શકે છે, તેવી સીધી અસર બહુ થોડા અઠવાડિકા ઉપજાવી શકતા હશે. તેનું લખાણ પણ પ્રગતિમાન વિચારોથીને રાષ્ટ્રીય ભાવનાથી રંગાયલું, જોરદાર હોય છે. ફક્ત તેમાં અવારનવાર આવતું વ્યક્તિગત આક્ષેપનું વલણ ઓછું થવા પામે તો તેનો પ્રભાવ કંઈ જુદોજ જોવામાં આવે. તેના નામ પ્રમાણે ‘ફુલ છાબ’ની ફોરમ ચોતરફ પ્રસરી રહી, વાચકના મનને તેના મઘમઘાટથી જરૂર રંજન કરે, એવું તેનામાં સામર્થ્ય છે. ભાવનગરમાં ઉજવાયલી નર્મદ શતાબ્દી ઉત્સવ વિષે, વિકારભરી પીલી નજરે લખાયલો વૃત્તાંત એ પત્રમાં વાચીને મારી પેઠે ઘણાંને ક્ષોભ થયો હશે. મારૂં નમ્ર માનવું છે કે સારા પ્રતિષ્ઠિત છાપાઓએ આવા પ્રકારના એકપક્ષી અને અઘટિત આક્ષેપભર્યા લેખને ઉત્તેજન આપવું ન જ ઘટે. હળવું સાહિત્ય રજુ કરનારાં કેટલાંક અઠવાડિકો માંહોમાંહે હરીફાઇમાં ઉતરી એક બીજા પર અંગત અને હલકા આક્ષેપો કરે છે, તે વાંચીને ઘૃણાજ ઉપજે છે. પત્રકારિત્વની અમુક મર્યાદા આપણા પત્રકારો નજ ઉલ્લંઘે એમ આપણે જરૂર ઇચ્છીશું. અત્યારે આ પત્રોની સંખ્યા મોટી માલુમ પડે છે. પણ ચાર પાંચ સારાં અઠવાડિકો બાદ કરતાં તે સઘળાં ઝાઝો સમય ટકશે કે કેમ એજ મને સંદેહ પડતું લાગે છે. આ લેખ લખાઇ રહ્યો છે તે પહેલાંજ ચાર પાંચ અઠવાડિકો તો બંધ પડ્યાં છે; અને જે ચાલુ છે તેમાં પણ દૈવતવાળું તત્ત્વ થોડુંજ નજરે પડશે. કેટલાંક તો દેખાદેખી, ખોટી હરીફાઇ ખાતર નિકળ્યાનું મારા જાણવામાં આવ્યું છે. પણ એમાં એક તત્ત્વ વિશેષ ધ્યાન ખેંચે છે અને તે સિનેમા વિષેનું. આ ૫ત્રોમાંનાં કેટલાંકને જુદી જુદી સિનેમા કંપનીઓ તરફથી ઉત્તેજન મળે છે; અને તેના સંપાદકો, ટુંકી વાર્તા, હાસ્યરસના ટુચકા અને એકાદ લાંબી વાર્તા રજુ કરે છે; પણ તે વાચન કુતુહલતા સંતોષવા પુરતું હોય છે; તેનો આનંદ પણ ક્ષણિક હોય છે; ખાસ સત્વવાળું અને રસભર્યું લખાણ ક્વચિત્ જોવામાં આવે છે. અહિ સિનેમા વિષે બે શબ્દ લખવા પ્રાપ્ત થાય છે. સિનેમા અને રંગભૂમિને લગતાં ત્રણ અઠવાડિક અને બે માસિકો પ્રગટ થાય છે, જે ખુશી થવા જેવું છે. સિનેમાએ આધુનિક સમાજ જીવનમાં વર્ત્તમાનપત્રથી બીજે નંબરે મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે; અને એ ધંધો સારી રીતે ખીલે અને જામે, તે પ્રજાને બધી રીતે લાભદાયી છે. ઉપરોક્ત સિનેમા પત્રો ચાલુ ચિત્રપટો વિષે તેમ નવા તૈયાર થતા ચિત્ર૫ટો અને બોલપટો વિષેની જાણવા જેવી અને ઉ૫યુક્ત માહિતી રજુ કરે છે અને તેમાં ભાગ લેનારા જુદા જુદા પાત્રોનો, તેમનો મુખ્ય પાર્ટ અને અભિનય વિષે રસિક વિગતો આપી, ૫રિચય કરાવે છે તે એક પ્રકારનું તેને સાનુકૂળ અને ઉત્તેજક વાતાવરણ ઉભું કરવામાં મદદગાર થઇ પડે છે. આ દૃષ્ટિએ આ પત્રો જરૂરનાં છે. તેનો ઉપયોગ બીજી રીતે પણ થઈ શકે એમ છે. આપણા દેશમાં નિરક્ષરતાનું પ્રમાણુ બહુ મોટું છે. અક્ષરજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના પ્રજાને વર્તમાનપત્રોનો સંદેશો પહોંચવાનો નથી. એ સત્કાર્યમાં સિનેમા આપણને બહુ ઉપયોગી થઈ પડે એમ છે. અક્ષરજ્ઞાનના અભાવે પ્રજાનું જીવન એળે જાય છે; તેમને આપણે ચિત્રપટ દ્વારા કંઈક રાહત આપી શકીશું; તેમના જીવનમાં રસ રેડી શકીશું. એ રીતે સિનેમાની શક્તિ અને સામર્થ્ય અતુલ છે. આપણા પત્રોમાં ચિત્રપટ અને બોલપટ વિષે પ્રમાણમાં વધુ અને વધુ માહિતી અપાતી રહે છે, તે આશાજનક છે; પરન્તુ હિન્દી સિનેમા કંપનીઓ જે ચિત્રપટો અને બોલપટો તૈયાર કરે છે, તેમાં સુધારા માટે મોટો અવકાશ છે. ધાર્મિક ફિલ્મોની વિરુદ્ધ મારે કાંઈ કહેવાનું નથી; પણ અત્યારની જરૂર પ્રજાને નવીન વિચાર અને ભાવનાથી પરિરચિત કરવાની છે; ખાસ કરીને સાંસારિક અને સામાજિક જીવનમાં પરિવર્તન આણવાની છે. તે કાર્ય આ પુરાણી ધાર્મિક ફિલ્મોથી પાર પડવું શક્ય નથી. આપણને ઈંગ્રેજી ફિલ્મો–ચિત્રપટ અને બોલપટ–બંને સારી સંખ્યામાં જોવા સરખાવવાને મળે છે. કોઈપણ તટસ્થ નિરીક્ષક તે અને આપણી ફિલ્મો જોઈને કહી શકશે કે એ ક્ષેત્રમાં આપણે હજુ શિખાઉ છીએ. આપણા પત્રોમાં એ પ્રશ્ન ઠીક ઠીક ચર્ચાય છે. તા. ૧૭ મી સપ્ટેમ્બરના ‘વીસમી સદી’ ના અંકમાં એ વિષે નોંધ માલુમ પડશે. સપ્ટેમ્બર માસના ‘નવયુગ’ ના અંકમાં “મીસ ૧૯૩૩” નું અવલોકન લખતાં તેના વિવેચકે કેટલીક વિચારણીય સૂચનાઓ રજુ કરેલી છે. એ વિષય ચર્ચવાનું આ સ્થાન નથી; પણ એટલું સૂચવી શકાય કે એમાં શિક્ષિત વર્ગે મોટી સંખ્યામાં જોડાઈ, સિનેમાને એક ધંધા તરીકે તેમ શિક્ષણના સાધન તરીકે ખીલવવાની અને વિસ્તારવાની અગત્ય છે. થોડા દિવસ પર ‘Saturday Review of Literature’માં સિનેમા જોનારાની સંખ્યા યુનાઇટેડ સ્ટેટ્સમાં દર અઠવાડિયે સાત કરોડથી વધુની નોંધી હતી. આપણે અહિ પણ સિનેમાં લોકપ્રિય નિવડતા જાય છે અને તેનો લાભ લેનારા પણ વધતા જાય છે. આ વિષે અગ્રલેખ લખતાં “Evening News” પત્રના તંત્રીએ જે અભિપ્રાય દર્શાવ્યો હતો તે ઉતારવો વાજબી થઇ પડશેઃ– “The Cinema has a mission in India second to that of the Press. As an instrument for the education of the rural population it has an important part to play. It is therefore necessary that film producers should work with this end in view, determined to increase the significance of their contribution to national life.”[5] હળવું સાહિત્ય કરતાં પણ વધુ સંખ્યામાં જ્ઞાતિપત્રો છપાય છે. તેની કુલ સંખ્યા ૩૬ છે. તેમાં એક અઠવાડિક, બે પખવાડિક, બે દ્વિમાસિક, ત્રણ ત્રૈમાસિક અને અઠ્ઠાવીશ માસિકો છે. જ્યાં જ્ઞાતિની ભાવના નિર્મૂળ કરવાને પ્રયત્ન થાય છે, ત્યાં આ પ્રકારની જ્ઞાતિની સંકુચિત પ્રવૃત્તિ આદરણીય નજ થાય. જ્યાં સમાનતા અને સ્વાતંત્ર્ય મેળવવા માટે તજવીજ થતી હોય ત્યાં વાડા, એકડા અને અને ઘોળને તિલાંજલિ જ આપવી વાસ્તવિક થઈ પડે. ચાર વર્ણની યોજના સરલ અને સમજાય એવી છે; તે પછી જે કૃત્રિમ બંધનો ઉભાં કરવામાં આવ્યાં છે તે છેદે જ છૂટકો છે. જે જ્ઞાતિપત્રો પ્રસિદ્ધ થાય છે તે બહુધા જ્ઞાનબોધક હોય છે; અને જે કોઇ જ્ઞાતિપત્ર તેના જ્ઞાતિ સુધારણાના અને જ્ઞાતિહિતના પ્રશ્નો ચર્ચે છે. સમગ્ર એક વર્ણના સંગઠ્ઠન અને ઐક્ય માટે જે કાંઇ પ્રયાસ થતા હોય તો તેનું પરિણામ નહિ જેવું જ જણાયું છે. આ જ્ઞાતિપત્રો તેમના જ્ઞાતિ કુંડાળામાં કેવી અસર પેદા કરે છે, તે જાણવાને કોઇ સાધન નથી. એ તો જ્ઞાતિપત્રોના તંત્રીઓ તેમના સ્વાનુભવ જાહેર કરે ત્યારે ખરી હકીકત બહાર આવે. હું એક જ્ઞાતિપત્ર વિષે કહી શકું એમ છું; અને તે આપણા જાણીતા કવિ અને સમર્થ લેખક શ્રીયુત કેશવલાલ હ. શેઠના તંત્રીપદ હેઠળ નિકળતું “ખડાયતામિત્ર”. એ જ્ઞાતિએ જ્ઞાતિમાં કેળવણીના પ્રચારાર્થે એક લાખથી વધુ રૂપિયાનું કેળવણી ફંડ એકઠું કર્યું છે અને હમણાંજ સ્ત્રી કેળવણીના પ્રચાર માટે ઝુંબેશ ઉઠાવી છે. એ વિષયમાં શ્રીયુત કેશવલાલ શેઠની કલમ કમાલ કામ કરે છે; અને એ કોમે જ્ઞાતિ ઉત્કર્ષનું જે નિદાન શોધી કાઢ્યું છે તે સાચું છે. જ્ઞાતિ વા પ્રજાનો ઉત્કર્ષ તેની કેળવણીમાં રહ્યા છે અને એ માર્ગે જે કોઇ વ્યક્તિ વા સમૂહ વિચરશે તેનું શ્રેય થશે, એ નિર્વિવાદ વાત છે. વાસ્તે જ્ઞાતિપત્રો જ્ઞાતિમાં કેળવણી પ્રચાર અને વિસ્તાર અર્થે, કેળવણીનાં ફંડો સ્થાપવા પ્રયત્ન કરે, એજ હિતાવહ થશે. તેના પુરાવામાં વા સમર્થનમાં જૈન અને પારસી કોમોના દાખલા આપી શકાય. એ કોમોનું બંધારણ એવા પ્રકારનું ઘડાયલું છે કે સમસ્ત કોમના હિત અને અભ્યુદય અર્થે સામાન્ય સાર્વજનિક ફંડોની યોજના અને વ્યવસ્થા હોય છે. પારસી પંચાયત ફંડ માતબર છે, એવું આણંદજી કલ્યાણજીની પેઢીનું ફંડ જૈન સમસ્ત માટે ખુલ્લું છે. કોમની ઉન્નતિ અર્થે ઇચ્છે એવા કાર્ય ઉપાડી લઈ શકે એવા તેઓ શક્તિશાળી અને સાધન સંપન્ન છે. પણ આપણે જુદે માર્ગે જઇ ચઢ્યા. જૈન કોમ અને જૈન ધર્મને લગતાં ચાર અઠવાડિક અને ચાર માસિકો નીકળે છે; તેમાં જૈન ધર્મ, ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનનાં પ્રશ્નોને મુખ્યત્વે સ્થાન અપાય છે; પણ તેની સાથે સાંસારિક પ્રશ્નોને વિસરવામાં આવતા નથી. તે કોમ જેવી સંપત્તિવાળી તેવી પ્રગતિમાન છે. ગુજરાતની બધી કોમોમાં પારસી જાતિ આગળ પડતી અને આગળ વધેલી જીવનના સર્વક્ષેત્રોમાં માલુમ પડશે. ગુજરાતી પત્રોનો આરંભ એમનાથી જ થયો હતો; અને ઘણાં વર્ષો સુધી મુંબાઇનાં દૈનિક પત્રોનો સર્વ વહિવટ અને કબજો એમના હસ્તક હતો. આજે એ સ્થિતિ સહેજ બદલાઇ ગઇ છે; પણ જીવનના ગમે તે ક્ષેત્રમાં જુઓ, એમનું સાહસ, એમનું બુદ્ધિકૌશલ્ય, એમની વિદ્વત્તા અને કાર્યદક્ષતા, એમની ગૃહસ્થાઇ અને ઉદાર દિલની સખાવત સૌ કોઇનું ધ્યાન ખેંચશે અને એમના માટે માન પેદા કરશે. કોમની દૃષ્ટિએ જોતું હોય એવું એમનું એકજ પત્ર છે, જેની શતાબ્દી ગયે વર્ષે ઉજવાઇ હતી, તે “જામે જમશેદ”; નહિ તો બીજા બધાં પત્રો સર્વસામાન્ય હોય છે અને તેમાં કોમી ભેદ ક્વચિત્ જોવામાં આવે છે. હળવું સાહિત્ય પૂરૂં પાડવામાં એમનો હિસ્સો ન્હાનોસુનો નથી. હિન્દી પંચે વર્ષો સુધી રમુજી ચિત્રો અને કટાક્ષ ચિત્રો રજુ કરીને પ્રજાને આનંદ આપ્યો હતો. “ગપસપ” પણ આજે જ્ઞાન સાથે થોડી ગમ્મત આપતું નથી; અને એમના “ફુરસદ” અને “નવરાસ” માસિકો તો વાર્તા રસિકોના માનીતા પત્રો હતાં, જેની ફાઇલો મેળવવા શોખીનો મ્હોં માગ્યા દામ આપતા હતા. એવું બહુ થોડા ગુજરાતી માસિકો માટે કહી શકાશે. સન ૧૯૨૦ પહેલાં બાલ સાહિત્ય સમૂળગું નહોતું; તો પછી માસિકોની વાત જ શી? આજે બાળકો માટે આઠ માસિકો નિકળે છે; તે સિવાય ત્રણે સ્ત્રીમાસિકો તેના અંકમાં બાળ વિભાગ જૂદો આપે છે. “સ્ત્રીબોધ” બહુ જુનું અને જામેલું સ્ત્રી માસિક છે; અને તેના નામ પ્રમાણે તે જ્ઞાનબોધક છે. “ગુણસુંદરી” નવીન સ્ત્રીજીવનને બંધ બેસતું અને સ્ત્રીજીવનના ગુણોને વ્યક્ત કરે છે; જ્યારે “સ્ત્રી શક્તિ” અઠવાડિક આજની નવયુવતિઓની શક્તિનું માપ કાઢે છે; અને તે સર્વે સાધન અને સંજોગાનુસાર ગુજરાતી સમાજની સુંદર સેવા કરે છે, એમ જણાવતાં આનંદ થાય છે. મજુર વર્ગનું હિત સાચવતા ત્રણ પત્રો જોવામાં આવે છે; તેમાં જાણીતું અને સાધનસંપન્ન અમદાવાદ મજુર ઓફીસ તરફથી પ્રગટ થતું “મજુર સંદેશ” છે અને તે સંસ્થાની સઘળી પ્રવૃત્તિઓ પેઠે મજુરના સંગઠ્ઠન, ઐક્ય અને હિત સાધવામાં એ પત્રનો ફાળો મ્હોટો છે. “લાલ મીલ” અને “બેકાર” એ નામનાં પત્રો હમણાં જ બહાર પડવા માંડ્યાં છે; એટલે તેનું પરિણામ ચોક્કસ રીતે જાણવાને સમય જોઇએ. હરિજનનો પ્રશ્ન આજે હિન્દુ જનતાને મુંઝવી રહ્યો છે. હરિજનો ન્યાય માગી રહ્યા છે. મનુષ્ય તરીકેના તેઓ હક્ક મેળવવા ઇચ્છે છે. સમાનતા અને સ્વાતંત્ર્ય માટે આપણે હિન્દી જનો લડી રહ્યા છીએ તો ૫છી એમને કેવી રીતે એ હક્કની ના પાડી શકીએ એ સમજાતું નથી. મહાત્માજીના “હરિજન” અઠવાડિકની એમાંના લેખોને લીધે આતુરતાપૂર્વક રાહ જોવાય છે. ગાંધીજીના, મહાદેવભાઈના અને કાકાસાહેબ કાલેલકરના એ વિષય પરના તેમ એમના અન્ય લેખો વાંચવાનો લાભ મળવો એ પણ એક જીવનની લિજ્જત છે. એવું ઉંચી કોટિનું જીવનને સ્પર્શતું અને જીવનને પ્રબોધતું ને પ્રેરક તે લખાણ સામાન્યતઃ હોય છે. છતાં હરિજનોના આર્થિક, કેળવણી વિષયક અને સામાજિક પ્રશ્નો ચર્ચવા અને તેમના સારૂ રચનાત્મક કાર્યો ઉપાડી લેવા અને તે વિષે પ્રચાર કાર્ય થવા વધુ ૫ત્રોની આવશ્યકતા લાગે છે. આ પ્રશ્નને અંગે આપણા હિન્દુ ધર્મનો પ્રશ્ન આપણી આંખ સમીપ આવી ઉભો રહે છે. હરિજનના ઉદ્ધારથી હિન્દુ ધર્મને કશી હાનિ પહોંચવાની નથી; ઉલટું હરિજનો જેઓ પોતાને હિન્દુ કહેવડાવવાને માન અને ધર્મ સમજે છે, તેમની ગણના હિન્દુ સમાજમાં કાયમ રહેતાં, આપણા હિન્દુઓનું સંગઠ્ઠન મજબુત થશે, એ નિઃસંદેહ છે. હિન્દુ તરીકે આપણે આપણા ધર્મ વિષે ભાગ્યેજ સ્વતંત્રપણે અને તટસ્થતાથી વિચાર કરતા હોઈશું. આ વિષયને ચર્ચતા પત્રોની સંખ્યા ૧૫ની નોંધાયલી છે પરંતુ તેમાંનાં ઘણાખરાં પત્રો સાંપ્રદાયિક છે; અને તેમાં મૌલિક વિચાર, વિવેચન કે ચિંતન જેવું જવલ્લેજ જોવામાં આવશે. ખરે, તેનો અભાવજ છે એમ કહેવું ખોટું નથી. તેની સરખામણીમાં ઈંગ્રેજીમાં પ્રસિદ્ધ થતાં ધર્મચિંતન, તત્ત્વજ્ઞાન, નીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને ધર્મગ્રંથોના ઐતિહાસિક તુલનાત્મક પદ્ધતિએ થતાં નિરુપણ અને અન્વેષણના લેખો, ત્યાંના અગ્રગણ્ય ત્રૈમાસિકો–હિબર્ટ જર્નલ, ફિલોસોફિકલ રિવ્યુ વગેરેમાં વાંચવામાં આવે છે ત્યારે મનને ખેદ થાય છે કે એમાંનો શતાંશ જેટલા વાચનનો લાભ પણ ગુજરાતી વાંચનારી જનતાને મળતો નથી; એટલે અંશે તેના આત્મવિકાસમાં બહારનાં સાધન અને મદદની તેને ઉણપ રહે છે, એમ મનને ખેદ થયા કરે છે. પ્રિન્સિપાલ આનન્દશંકર ધ્રુવ કે દી. બા. નર્મદાશંકર મહેતાનો, શ્રીયુત નરસિંહરાવ કે મહાત્મા ગાંધીજી કે કાલેલકરનો ધર્મવિષયક એકાદ લેખ વાંચતાં, કેટલો આનંદ થાય છે; આત્માને કેટલી બધી સ્ફૂર્તિ મળે છે; એવી પ્રેરણા ઉપરોક્ત ઇંગ્રેજી લેખો વાંચતાં થાય છે, તેમાંનું ગુજરાતી ધર્મમાસિકોમાં કાંઇ પ્રસિદ્ધ થતું નથી એમ સખેદ કહેવું જોઇએ. અન્ય પ્રાંતોમાં એવી ઉદાસિનતા નજરે પડતી નથી. વેદ, ઉપનિષદ્, પુરાણો વિષે બોલતાં આપણે તેનાં ભારોભાર વખાણ કરીએ પણ તે ગ્રંથો ભાગ્યેજ જોવામાં આવ્યાં હોય! તો પછી વાંચવાની તો વાત ક્યાં રહી? તેનો ૫રિચય ગુજરાતી વાચકોને કરાવવામાં આવે તો એ પણ થોડો લાભ ન કહેવાય. થોડા સમય પર મરાઠીમાં મુખ્ય દશ ઉપનિષદોનો અનુવાદ ભીંડેશાસ્ત્રીએ માસિકરૂપે બહાર પાડ્યો હતો અને તે પ્રયોગ સફળ નિવડ્યો હતો. હમણાં ઔંધના જાણીતા કાર્યકર્તા પંડિત સાતવળેકરે ભગવદ્ગીતાનું પ્રકાશન માસિકરૂપે શરૂ કર્યું છે; અને તેમના હસ્તે સંપાદન થતું “પુરૂષાર્થ” માસિક એવુંજ બીજું ઉપયોગી કાર્ય કરે છે. હિન્દીમાં “કલ્યાણ” માસિકની સેવા સર્વત્ર પ્રશંસા પામી છે; અને તેના વિશેષાંક આપણા ધર્મવિચારના નિધિરૂપ જણાયા છે. આવું ઉત્તમ ધાર્મિક વાચન ગુજરાતી પ્રજાને મળતું રહે એવો પ્રબંધ તાકીદે થવો જોઇએ એમ મને લાગે છે. સામાન્ય સામયિક પત્રોમાં આપણે હવે ગુજરાતી દૈનિકો અને અઠવાડિકોનો વિચાર કરીએ. મુંબાઇમાં પ્રસિદ્ધ થતાં દૈનિકો પુષ્કળ અને ઉપયોગી વાચનસામગ્રી પૂરી પાડે છે અને તે માહિતી વિધવિધ પ્રકારની તેમ મનને રંજન કરનારી પણ હોય છે; તેની સાથે દરેક પત્રનું વ્યક્તિત્વ તેના સંપાદનમાં જુદું તરી આવતું જોવામાં આવે છે. પરંતુ તળ ગુજરાતમાંથી નિકળતા દૈનિકો માટે એવું કહી શકાય એમ નથી; પણ તેમની લોકપ્રિયતા જોતાં, તેના સંચાલકો તેની સુધારણાનું કાર્ય ઉપાડી લે તો તેનો પ્રચાર વધવાની સાથે તેની ઉપયોગિતા વધે અને તે વધારે અસરકારક નિવડે. થોડાક દિવસોપર મુસાફરી કરવાનું પ્રાપ્ત થતાં, મેં જોયું કે ન્હાનાં ન્હાનાં સ્ટેશનો પર અમદાવાદનાં દૈનિકપત્રો માટે ચાલુ માગણી થતી હતી, જેને તેનો ન્યુઝ એજંટ પહોંચી શકતો ન હતો. લોકોને નવું અને તાજું વાંચવાની અભિરુચિ ખીલી છે તે અને પત્રોનું સસ્તાપણું–એક પૈસાની કિમ્મત–આ બે તેની ફતેહનાં કારણો છે. વર્ત્તમાનપત્રોના બીજા લાભોની સાથે લોક શિક્ષણમાં તેનો ફાળો થોડો નથી; અને આ દૈનિક પત્રોના સંચાલકો જ્ઞાનપ્રચારના ઉદ્દેશથી, યોજનાપૂર્વક અને વ્યવસ્થિત રીતે જનતાના હિતને ઉપયોગી થાય એવી માહિતી અને વાચન આપવાની તજવીજ કરે તો તેની અસર બહોળી થવા પામે અને દેશની સુધારાની પ્રગતિમાં પણ ફેર પડે. પત્રોનું આવશ્યક અંગ ન્યુઝ–સમાચાર–છે; તેમ છતાં આપણી હિન્દી-ગુજરાતી ન્યુઝ એજન્સી નહિ હોવાથી આપણા દૈનિક પત્રોમાં સ્થાનિક–આપણા પ્રાંતની ખબરો દેશપરદેશોની ખબરોના પ્રમાણમાં ઓછી આવવા પામે છે. ગુજરાતના મ્હોટા મ્હોટા શહેરોની ખબરો સર્વ પ્રકારની નિયમિત રીતે પ્રગટ થતી રહે તો એની અસર કઇક જુદીજ થવા પામે. કેટલાંક વર્ષો પર એસોસિએટ પ્રેસના અમદાવાદના ખબરપત્રી મી. ચીમનલાલ મોદીએ ગુજરાત ન્યુઝ સર્વિસ સ્થાપવાનું કાર્ય શરૂ કર્યું હતું; પણ પુરતી નાણાંની મદદના અભાવે એ કાર્ય અધવચ્ચે છોડી દેવું પડ્યું હતું. તે અખતરો ફરી અહિંના દૈનિકપત્રોએ અજમાવવા જેવો મને લાગે છે. આપણા પત્રોનું રીપોર્ટીંગ સુધરતું જાય છે. તે અહેવાલ જેમ મુદ્દાસર તેમ ચોક્કસાઈભર્યો હોય છે; પણ કેટલીક વખત એ વૃત્તાંત એકતરફી આપવાનું, તેને મચરડી નાંખવાનું વલણ જોવામાં આવે છે, એ દોષથી આપણા ૫ત્રો દૂર રહે એમ સૌ કોઇ પરકારિત્વમાં રસ લેનાર ઇચ્છશે. રિપોર્ટ શુદ્ધ, સાચો અને વિશ્વસનીય હોય, એજ આવશ્યક છે. તેમાં તેની મહત્તા રહેલી છે એટલું જ નહિ પણ પત્રકારનું તે એક કર્તવ્ય અને આશય હોવાં જોઇએ. અઠવાડિક પત્રોમાં પણ સારો સુધારો થયલો જોવામાં આવે છે; તેમાં મુંબાઇ જ આગેવાની લેછે. દૈનિક પત્રોનો બહોળો પ્રચાર નહોતો ત્યારે આ અઠવાડિક પત્રો સાત દિવસની ખબર એકત્રિત કરીને છાપતાં હતાં, એ રીતિ વાસ્તવિક હતી. પણ અત્યારે દૈનિક પત્રો મ્હોટી સંખ્યામાં બહાર પડે છે અને તેનો ખપ–ઉપાડ પણ ભારે છે. દરરોજના બનાવની તાજી બાતમી પ્રજાને મળી શકે તે માટે ખાસ વધારા કાઢવામાં આવે છે. આ પરિસ્થિતિમાં આપણા અઠવાડિકોએ તેના સંપાદન વિભાગમાં કેટલોક ફેરફાર કરવો ઘટે છે. તે બે રીતે કરી શકાય. એક તો સદરહુ અઠવાડિકોને ઈંગ્રેજી અઠવાડિકો–ઇન્ડિયન સોશિયલ રિફોર્મર, સ્પેક્ટેટર, ન્યુ સ્ટેટ્સમેન અને નેશન વગેરેની ધાટીએ અથવા તો ઈંગ્લાંડના સન્ડે ટાઇમ્સ, ઓબ્ઝર્વર, માન્ચેસ્ટર ગાર્ડિયનની પદ્ધતિએ, જેમાં માત્ર છેલ્લા દિવસના તાજા સમાચાર જ આપેલા હોય. તદુપરાંત તેની ઉપયોગિતા અને આકર્ષણ વધારવા સારૂ આપણા અઠવાડિકોમાં જુદા જુદા અભ્યાસીઓ અને નિષ્ણાતોના હસ્તે લખાયલા લેખો, અમુક અમુક વિષયપર નિયમિત રીતે છપાતા રહેવા જોઈએ. “સાહિત્ય પ્રિય” ની સંજ્ઞા નીચે પ્રજાબંધુમાં સાહિત્ય અવલોકનનું કોલમ આવવા માંડ્યું ત્યારથી સર્વ પત્રોએ તેનું અનુકરણ કર્યું છે; અને અઠવાડિકોનું તે અંગ આકર્ષક નિવડ્યું છે. સિનેમા વિષે પણ એવું એક કોલમ કેટલાક દૈનિકપત્રો અને અઠવાડિકોમાં જોવામાં આવે છે. આમાં ભાર મૂકવાનો એ મુદ્દા પર છે કે એ કોલમ જે લખાય તે જાણકાર અને અનુભવીથી લખાયલું હોય, જેનું વ્યક્તિત્વ માલુમ પડી આવે; અને તે એ વિષયમાં રસ લેનારાઓને મદદગાર થાય. આપણે ઈંગ્રેજી દૈનિકોમાં જોઈશું તે રમતગમત અને રેસીસ–ઘોડ દોડની સરતો પર ખૂબ ધ્યાન અપાય છે; તેવું વ્યાયામ વિષય૫ર લક્ષ જવું જોઇએ છીએ. એ વિષયને ચર્ચતું એકજ “વ્યાયામ” નામનું માસિક બહાર પડે છે; અને તે પણ મરાઠીનું રૂપાન્તર છે. પ્રજાજીવનની અને રાષ્ટ્રની દૃષ્ટિએ આપણા પત્રકારો આ વિષયને, તેના જુદા જુદા સ્વરુપમાં પ્રજા સમક્ષ દરરોજ રજુ કરે, એજ ઈષ્ટ છે. અક્ષરજ્ઞાન પ્રચારમાં પુસ્તકાલય પ્રવૃત્તિ ઘણી મદદગાર થઇ શકે. વડોદરા રાજ્યે એ પ્રશ્નને ઉકેલ્યો છે; અને એ પ્રવૃત્તિના કાર્યકર્તાઓને, તેની ખીલવણી અર્થે એક મુખપત્રની અગત્ય જણાતાં “પુસ્તકાલય” નામનું માસિક કાઢ્યું. હમણાંજ કલકત્તામાં મળેલી અખીલ ભારતવર્ષીય પુસ્તકાલય પરિષદે દેશમાં પુસ્તકાલય પ્રવૃત્તિ સ્થાપવા, પુસ્તકાલયોનું સંગઠ્ઠન કરવા, અને તે પુસ્તકાલયો લોકોપકારક થઈ પડે એવી વ્યવસ્થા કરવા બાંગ પોકારી હતી, આ વિષયમાં આપણને ઉદાસીન રહેવું નજ પરવડે. આપણા પત્રોને પણ એ પ્રવૃત્તિ પોષક થઇ પડશે. આપણો દેશ ખેતીપ્રધાન છે. વસ્તીનો ૭૫ ટકાનો આધાર ખેતીની આબાદી પર છે; તેમ છતાં ખેતીવિષયક એકજ માસિક જોવામાં આવે છે. અન્ય દેશોની સરખામણીમાં આપણે એ વિષયને અવગણ્યો છે એ ખરેખર શોચનીય છે. આપણાં પત્રો આ વિષયોને ચર્ચતાં નથી એમ કહેવાનોમ્હારો આશય નથી. મારૂં કહેવું એ છે કે આપણા પ્રજાજીવનનાં જુદાં જુદાં અંગોની માહિતી આપતાં, એ વિષયોનેજ વિશેષે કરીને ચર્ચાતા, તેની ખીલવણી અને વિસ્તાર અર્થે પ્રયાસ કરતા વિશિષ્ટ પ્રકારનાં માસિકો હોવા જરૂરનાં છે. એ દૃષ્ટિએ ઉપર જે આપણા સામયિક પત્રોનું વર્ગીકરણ આપ્યું છે તે ઉપયોગી થશે. તે પરથી સ્પષ્ટ થશે કે આપણે અહિં પત્રકારિત્વને ખીલવાનો પુરતો અવકાશ છે; અને જે પત્રો ચાલુ છે તેમાં પણ સુધારોવધારો દાખલ કર્યાથી, તેનો ઉપાડ અને પ્રચાર જરૂર વધશે. આપણે હવે એ ધંધાના અંગે ઉપસ્થિત થતા કેટલાક પ્રશ્નો તપાસીએ. પ્રથમ તો આપણા છાપાંઓનું મુદ્રણ કાર્ય સારૂં અને સફાઈબંધ તેમ ઝડપથી કરી શકાય તે માટે છેલ્લી સુધરેલી ઢબનાં, તેનાં ઉ૫કારક સાધનો સહિત, મ્હોટાં મુદ્રણયંત્રો ખરીદ કરવાં જોઈએ. અગાઉ એક છાપખાનું ટુંકા ભંડોળથી અને એકલે હાથે ચાલી શકતું; પણ અત્યારે હરીફાઇ એટલી બધી વધી પડી છે કે મોટા પાયાપર છાપખાનાનું કામ ઉપાડ્યા વિના નવી પરિસ્થિતિને પહોંચી ન શકાય. આ પરિસ્થિતિનું પરિણામ એ ઉદ્ભવ્યું છે કે એ આખોય ધંધો મૂડીવાળાના હાથમાં જઇ પડ્યો છે. જબરજસ્ત યંત્રો ખરીદવામાં પુષ્કળ નાણું જોઇએ છે તેમ પત્રના ચાલુ ખર્ચ માટે હાથ પર સારી રકમ ફાજલ રાખવી પડે છે, જે સામાન્ય સ્થિતિના મનુષ્યોથી બની ન શકે. ધનિકો એકલા વા બે પાંચ જોડાઇને આ પત્રો ખરીદી લે છે અને તેનો એકહથ્થુ કબજો કરે છે; અને પછી પત્રની તેઓ જે નીતિ નિર્ણિત કરે તદનુસાર એ પત્રો ચલાવાય છે. નવી ગોઠવણથી પત્રકારિત્વની ખીલવણી સારી થવા પામી છે એ ખરૂં, પણ પત્રકારિત્વના સ્વાતંત્ર્ય પર તેથી તરા૫ ૫ડી છે, એની ના પાડી શકાશે નહિ. તંત્રી મંડળ એક રીતે એ મૂડીવાળી સિન્ડીકેટનું વાજિંત્ર થઈ પડે છે, એમ કહેવામાં કાંઇ ખોટું નથી; અને એ સ્થિતિ હાલતુરત અનિવાર્ય છે. આપણા પત્રકારિત્વને મુંઝવતો બીજો પ્રશ્ન લેખકના પારિતોષિકનો છે. ઇંગ્રેજી છાપાંઓ તેના લેખકોને સારી રીતે પૈસા આપે છે, તેનું જોઈને આપણા લેખકો પણ તેમના લખાણના પૈસા મળવા માગણી કરે છે અને તે માગણી વાસ્તવિક અને વાજબી છે. ગુજરાતી ૫ત્રોને આપણે ખીલવવાજ ઇચ્છતા હોઇએ તો લેખકોને જેમ પત્રમાં કામ કરનારા અન્યને પૈસા અપાય છે, તેમ યોગ્ય પારિતોષિક આપવું જ જોઇએ અને એક સિદ્ધાંત તરીકે તે સ્વીકારવું જોઇએ. એ વાત ખરી છે કે આપણે અહિં જ્ઞાનને પવિત્ર માનવામાં આવ્યું છે; અને તેનું નાણાંમાં કદી મૂલ્ય થયું નથી; એવી માન્યતાથી મહાત્માજી એમના લેખો છાપવાને સર્વને છૂટ બક્ષે છે. વળી આપણા ૫ત્રોની આર્થિક સ્થિતિ સારી નથી એવી દલીલ કરવામાં આવે છે; પણ તે દલીલો અત્યારના બદલાઇ ગયલા સંજોગોમાં વાજબી નથી. હાલ તો દરેકે દરેક વસ્તુનું મૂલ્ય અંકાય છે. સોલિસિટર એક પત્રના વાચન માટે ફી ચાર્જ કરે છે; ડોક્ટર સલાહ આપવાની ફી લે છે–જ્યાં ત્યાં નાણું, નાણું એજ શબ્દ સાંભળવામાં આવે છે; તો પછી લેખક, ઘરના કાગળ અને સાહી વાપરી, તે પાછળ તેનો કિમતી સમય આપી અને માનસિક શ્રમ ઉઠાવી લેખ લખી મોકલે, તેનો કોઇ પ્રકારે બદલો મળવો જોઈએ. તે બદલો પછી નાણામાં હોય, પુસ્તકરૂપે હોય, ભેટરૂપે હોય કે પત્રની નકલમાં હોય. તેની સમજુતિ લેખક અને પત્રકાર ઉભય કરી લે. મને લાગે છે કે આવું કોઇ ધોરણ આપણા પત્રકારોએ આજે નહિ તો નજદિકમાં અવશ્ય ગ્રહણ કરવું પડશે. વકીલ અને ડોક્ટરના ધંધામાં બુદ્ધિશાળી અને બાહોશ મનુષ્યો મોટી સંખ્યામાં ખેંચાઈને પડે છે તેમ પત્રકારના ધંધામાં જોવામાં આવતું નથી, તેનું કારણ એ છે કે એમાં ધનપ્રાપ્તિ બહુ થોડી હોય છે અને મળતરના પ્રમાણમાં કામનું દબાણ પુષ્કળ રહે છે. પત્રકારનો ધંધો દેખીતો જેટલો ઉજળો છે તેટલો તેમાં કામ કરનારાઓને અન્ય રીતે નિચોવનારો છે. એક પત્રકારને ઘડીનો જં૫ હોતો નથી. તેનું સંપાદન કામ કરનારને અને તેના મુદ્રકને ચોવીસે કલાક સાવધ રહેવું પડે છે. તેના તંત્રીને એક દિવસની વિશ્રાન્તિ મળતી નથી. કામ, કામ અને કામ, રાતને દિવસ માનસિક શ્રમનું કામ એ લોકને હોય છે; તેથી ઘણાનું આરેાગ્ય કથળી જાય છે અને તેઓ અકાળે વૃદ્ધત્વને પામે છે. એ ધંધાની જવાબદારી અને શિષ્ટ બહુ સખ્ત હોય છે, તેમાંય કાયદાની ચુંગાલ તેમને સદા ચિંતાગ્રસ્ત રાખે છે. પત્રના સ્વાતંત્ર્યને એ છાપખાનાનો કાયદો નડતરરૂપ છે. તેના વિકાસમાં તે અંતરાયરૂપ થાય છે. હું તે વિષે કશું કહું તેના કરતાં હમણાંજ પત્રકારિત્વના સ્વાતંત્ર્ય વિષે વ્યાખ્યાન આપતાં, ઈગ્લાંડના જાણીતા અને અગ્રગણ્ય દૈનિક માન્ચેસ્ટર ગાર્ડિયનના તંત્રીએ હિન્દમાં પ્રગટ થતા દેશી પત્રોપરના અંકુશ વિષે જે ઉદ્ગાર કાઢ્યા હતા તે ઉતારવા પ્રસંગોચિત થશેઃ– “In India at this day the Vernacular Press was subject to restrictions and prosecutions comparable with those of over a hundred years ago.”[6] આપણા પત્રકારોની આવી વિષમ અને મુશ્કેલીભરી સ્થિતિ હોવા છતાં શરમની વાત તો એ છે કે આ પત્રકારોમાં કોઈ પ્રકારનું સંગઠ્ઠન નથી. જો એમનું સંઘબળ જામે તો એમના વિકાસમાં તેમ આર્થિક અભ્યુદયમાં ઘણો ફેર પડે. આ યુગ સંઘયુગનો છે. પાશ્ચાત્ય દેશેામાં પત્રકારિત્વ બહોળું ખીલેલું છે; તોપણ ત્યાં પત્રકારોનાં મંડળો અને સંઘો છે. તેમના હકનું અને હિતનું એ સંસ્થાઓ રક્ષણ કરે છે; એટલુંજ નહિ પરન્તુ એમાંનો કોઇ સભ્ય માંદગીને લઇને કોઈ અકસ્માતથી યા વ્યાધિથી મુશ્કેલીમાં આવી પડે તો તેને મદદ કરવા સારૂ એક ફંડ પણ સ્થાપવામાં આવેલું છે.[7] એ ફંડ વધતું રહે તે સારૂ પ્રતિ વર્ષે જાણીતા અને મુખ્ય લેખકોનો સાથ અને સહકાર પ્રાપ્ત કરી, એક પ્રકાશન કાઢવામાં આવે છે, જેનો નફો સદરહુ ફંડના લાભાર્થે જાય છે. સન ૧૯૨૪–૨૫ માં ગુજરાત પત્રકાર મંડળે આ પ્રકારે આપણા પત્રકારોને આર્થિક સહાયતા આપવાનું અનુકૂળ થઇ પડે એ આશયથી “લેખક મિત્ર” નામનું એક પુસ્તક દર વર્ષે કાઢવાનો નિર્ણય કર્યો હતો; અને તે દિશામાં પ્રયત્ન કરવામાં આવે એવામાં અમદાવાદની સાહિત્યોત્તેજક સભા તરફથી “વિણા” નામક વાર્ષિક પુસ્તક પ્રસિદ્ધ થતાં, એ વિચાર પડતો મૂકાયો હતો. આપણે દેશી પત્રકારિત્વમાં નડતી મુશ્કેલીઓ, તેના વિકાસમાં આવતા અંતરાયો, તેની અપૂર્ણતાઓ, તેના વહિવટની ખામીઓ, એ બધું ઉપલક રીતે જોઈ ગયા. આપણે જાણીએ છીએ કે વિદ્યુત વેગથી આજે પત્રકારિત્વ ગતિ કરી રહ્યું છે; અને જનસમુદાયના માનસપર તે પ્રબળ છાપ પાડે છે; એટલું જ નહિ પણ તે છાપ વિચારની એકરૂપતા લાવે છે. (Mass Production) એક સામટો અને બહોળો જથાની ઉત્પત્તિના જે લાભ ગેરલાભ હોય છે તે એમાં રહેલા છે. પણ એ પ્રશ્નની ચર્ચામાં આપણે નહિ જઇએ. પણ આપણા છાપાંઓ, જે સ્થાન પૂર્વે આપણા શાસ્ત્રોનું, સંસ્કૃત ગ્રંથોનું હતું તે પ્રાપ્ત કર્યું છે. પત્રમાં આવેલી ખબર પ્રમાણભૂત મનાય છે. તેના સત્યાસત્યની પરીક્ષા કરનારા થોડા હોય છે. આવા જબરજસ્ત શસ્ત્ર-સાધનનો ઉપયોગ અને વહિવટ પ્રામાણિક, સત્યપ્રિય, બુદ્ધિશાળી અને સમર્થ દુરંદેશીવાળી, દુનિયાના અનુભવી અને કસાયલા કલમબાજના હાથમાં હોય એમ સૌ કોઈ ઇચ્છશે. લેખનવાચનના શોખથી અને સેવાભાવી નવયુવકો એ ધંધા પ્રતિ ખેંચાય છે; નામ અને કીર્તિનાં પ્રલોભનો પણ થોડાં નથી. આમ તેની જનસેવા કરવાની શક્તિ અમાપ છે તેમ તેનો દુરુપયોગ પણ સહેલાઈથી થઈ શકે છે. વાસ્તે તેનું તંત્ર યોગ્ય, સંસ્કારી અને સુશિક્ષિત વર્ગના હાથમાં જાય એ આવશ્યક છે; અને એવા મનુષ્યો, પૈસા ખાતર નહિ તો પત્રકારિત્વની પ્રીતિ અને તેની પ્રતિષ્ઠા ખાતર, તે દ્વારા થતી જનસેવા ખાતર એ ધંધામાં જોડાય એમ આપણે વાંછીશું. તે પૂર્વે પત્રકારોનું સંગઠ્ઠન થાય, તેમનું સંઘબળ જામે અને તેમના હક્ક ને હિતના સંરક્ષણ અને સંવર્ધન અર્થે એક ગુજરાતી પત્રમંડળ સ્થપાય એવી શુભેચ્છા સાથે હું વિરમું છું. એ મંડળ દ્વારા પત્રકારિત્વને લગતા અનેક પ્રશ્નો વિચારી તેમ ચર્ચી શકાશે; અને એક વ્યક્તિ, પછી તે ગમે તેટલી મ્હોટી અને પ્રતિષ્ઠાલબ્ધ અને સાધનસંપન્ન હશે તે એક સંસ્થાની પ્રતિષ્ઠા, લાગવગ અને માનની તોલે આવી નહિ શકે. યંત્ર કરતાં મનુષ્ય મહોટો છે; અને એક વ્યક્તિ કરતાં એક સંસ્થા-સમાજ મહોટો છે. એવું એકાદ ગુજરાતી પત્રકાર મંડળ અસ્તિત્વમાં આવશે તો આ મારા લેખ પાછળ લીધેલો શ્રમ સફળ થયલો હું સમજીશ.
અમદાવાદ,
તા. ૨૩–૯–૧૯૩૩
હીરાલાલ ત્રિ, પારેખ
પાદટીપ :
- ↑ ગુજરાતમિત્ર અને દર્પણ, તા. ૩જી સપ્ટેમ્બર.
- ↑ મોર્ડર્ન રિવ્ય, જાન્યુઆરી ૧૯૩૩, પૃ. ૧૨૩
- ↑ દેશી મિત્ર–સુરત–તા. ૧૪ મી સપ્ટેમ્બર ૧૯૩૩.
- ↑ આમાં દિવાળીના અંકોનો સમાવેશ કર્યો નથી.
- ↑ Evening News of India –page ૮.
- ↑ Manchester Guardian Weekly, ૨૫th August ૧૯૩૩.
- ↑ સરખાવોઃ
”There was in England an institution called the Newspaper Fund. Grants for the relief of distress arising from sickness, unemployment and other causes, for the maintenance of widows and orphans and for education amounted to જ્ર ૨૧,૨૩૩ during the ૧૯૩૨........ In India, there was greater need for the recognition of the dire want that prevailed among those connected with the Press and their dependents.”
[The Press in India, Address at Mysore journalists’ meeting by Dr. C. V. Raman. –The Hindu, ૧૮th September’ ૩૩]
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.