‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘ગ્રંથાગાર’ બંધ થવાથી... : સંજય શ્રીપાદ ભાવે: Difference between revisions
(+1) |
(+1) |
||
| Line 20: | Line 20: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘ભાષાવિમર્શ’ અને પત્રચર્ચા : હેમન્ત દવે | ||
|next = | |next = લેખકોને પુરસ્કાર? : યજ્ઞેશ દવે | ||
}} | }} | ||
Latest revision as of 03:10, 17 October 2025
સંજય શ્રીપાદ ભાવે
[‘ગ્રંથાગાર’ બંધ થવાથી]
સ્નેહીશ્રી રમણભાઈ, ‘ગ્રંથાગાર’ બંધ થયું તેનાથી આવેલો ખાલીપો ઠાલવવા માટે ગ્રંથસમીક્ષાના ઉત્તમ સામયિકના, તમારા જેવા તંત્રી બીજા કોણ મળે એ વિચારે લખું છું. લોકોને પૂછવાઠેકાણાં હોય છે, મારું પુસ્તકઠેકાણું હતું ગ્રંથાગાર. સાડા ત્રણ મહિનેય કોઈ નવા ગુજરાતી પુસ્તક વિશે વાંચતાં સહજ રીતે એમ થાય કે એકાદ બે દિવસમાં ગ્રંથાગારમાં જોઈ લઈશું. ગુજરાતી પુસ્તક ભેટ આપવાનો વિચાર આવે એટલે આજેય એમ થાય કે ‘હંસાબહેનને કહી રાખશું!’ અમદાવાદમાં બીજે ક્યાંય જોવા ન મળે તેવાં ગુજરાતી અને ઘણીવાર અંગ્રેજી પુસ્તકો પહેલવહેલાં અહીં જોવાં મળતાં. કરમશી પીરનું ‘બહુવચન’ હોય કે પછી વીરચંદ ધરમશી કૃત ભગવાનલાલ ઇન્દ્રજીનું ચરિત્ર હોય, તમારો નવો ‘સમયદર્શી સાહિત્ય સંદર્ભકોશ’ હોય કે ‘શબ્દસૃષ્ટિ’નો નાટ્યવિશેષાંક હોય... તાજેતરનાં જ આવાં કેટલાં નામ યાદ કરું? આવાં પુસ્તકો અહીં ન મળે તો એ ગ્રંથાગાર નહીં, ને બીજે મળે તો એ અમદાવાદ નહીં. વળી આ જગ્યાએ મારા જેવા સાધારણ વાચકનો પણ કેવો અસાધારણ ખ્યાલ રાખવામાં આવતો હોય! મનસુખ સલ્લાનું ‘જીવતર નામે અજવાળું’ મારા પ્રિય પુસ્તકોમાંનું એક. તેનું આવરણ બહુ સૂચક અને સુંદર. ‘લોકભારતી’ના નોખા જનોનું એ પુસ્તક મારી પાસેથી ક્યાંક ગયું તે ગયું! નવી આવૃત્તિની છપાઈ અને તેનું મુખપુષ્ઠ કંઈ ખાસ રુચિ ન થાય તેવાં. મેં એ પુસ્તક લીધું અને વાતવાતમાં પેલી પહેલી આવૃત્તિ માટેના મારા લગાવની પણ વાત થઈ ગઈ. છએક મહિને હંસાબહેનને એ ક્યાંયથી મળી તે મને ભેટ આપી દીધી! પૂનાના મરાઠી દૈનિક ‘સકાળ’એ બહાર પાડેલા ગાંધીજી વિશેના સંપાદન ‘ટાઇમલેસ ઇન્સપિરેટર’ની છ નકલો મને કંઈ કેટલીય મહેનતે મગાવી આપી. ગયાં દસેક વર્ષનાં આવાં સંભારણાંની યાદી ઘણી લાંબી થઈ શકે. પુસ્તક ‘ગ્રંથાગાર’માં ન હોય તો આપણી સામે જ ફોન કરીને બીજી દુકાનોમાં પૂછીને પુસ્તક ક્યાં મળશે તે આપણને કહી દે, ઇવન ‘બુક શેલ્ફ’ જેવી ગુજરાતી પુસ્તકોની દુકાન કે ‘ક્રોસવર્ડ’ જેવી પૈસાદારો માટેની દુકાનમાંય ફોન કરે. ધંધો કે હરીફાઈ જેવી બાબતો જાણે છે જ નહીં! આપણને એમ થાય કે આ નાનકભાઈ લાઇબ્રેરી ચલાવે છે કે પુસ્તકોની દુકાન, ધંધો ચલાવે છે કે ધર્માદું! મારા જેવા કેટલાયનો અનુભવ છે કે નાનકભાઈએ જાણે પુસ્તકો વેચવા માટે નહીં પણ વંચાવવા માટે દુકાન ચાલુ કરી છે. એમના આંગણે આવેલ મહિલા કે પુરુષ એ એમની દૃષ્ટિએ પહેલાં વાચક હોય, અને પછી ગ્રાહક હોય તો હોય! જો એ વાચક ગ્રાહક ન બને (ઘણી વાર ન જ બને!) તોય નાનકભાઈને વાંધો ન હોય. બલકે આનંદ હશે એવી આપણને શંકા જાય! આવા વાચકોનેય તે મોંઘાંમોંઘાં પુસ્તકો નહીં નામ, નહીં નોંધ – એમ ને એમ વાંચવા આપી દે. નાનકભાઈ પુસ્તકો બતાવવા, વાંચવા આપવામાં અને દુર્લભ પુસ્તકો મગાવી આપવામાં જેટલા અધીરા હોય, તેના કરતાં પૈસા લેવામાં વધારે ઉદાસીન હોય. સંસ્થાઓના હજારો રૂપિયાની ઉઘરાણી તો શું માગણીય ન કરે. એક વાર જયંતભાઈ મેઘાણીએ તેમના મોટા ભાઈમાં પૂરી શ્રદ્ધા અને આત્મવિશ્વાસથી કહેલું ‘કમાણી થાય એવું નાનકભાઈ કરે જ નહીં ને!’ દુનિયાભરનાં પુસ્તકોના પરખંદા, અંગ્રેજીમાં પાવરધા એવા આ બુકસેલરની સાદગી અને નમ્રતા સામા માણસને અચૂક ગેરસમજ કરાવે. દિલ્હીના વિશ્વપુસ્તક મેળે ટેબ્લેટ કે કિન્ડલ સાથે પુસ્તકના મહત્ત્વ અંગે ઇંગ્લિશમાં ટિશફિશ કરતા માર્કેટિંગ એક્ઝિક્યૂટીવ મળતા હોય છે. એવા ટાણે, સારાં પુસ્તકો યોગ્ય વાચકો સુધી પહોંચે તે માટે પુસ્તક-આવરણોથી ભરેલા થેલા સાથે સાયકલ પર અને જાહેર વાહનોમાં કૉલેજો અને સંશોધન-સંસ્થાઓની લાઇબ્રેરીઓના ઉંબરા ઘસનાર ગ્રંથગુરુ નાનક ખસૂસ યાદ આવે. ભારતભરનાં પુસ્તકબજારો અને પ્રદર્શનોમાં જનારા, ઉજાગરા કરીને સૂચિપત્રો વાંચનારા, દેશવિદેશનાં પ્રકાશનગૃહો સાથે સરસ અંગ્રેજીમાં જાતે પત્રો ટાઈપ કરીને પત્રવ્યવહાર કરનારા નાનકભાઈ ગ્રંથવિક્રેતા કરતાં વિદ્યાવ્યાસંગી વધુ છે. અસલના જમાનામાં ગુજરાતમાં જે ત્રણ-ચાર યુનિવર્સિટીઓ હતી તે, ઉપરાંત ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મૅનેજમેન્ટ, ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરિ, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઈન જેવી અમદાવાદની પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને શ્રી હ. કા. આર્ટસ કૉલેજ, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, એલ. ડી. આર્ટસ કૉલેજ જેવી સમૃદ્ધ ગ્રંથાલય ધરાવતી કૉલેજો ગ્રંથાગાર પાસેથી પુસ્તકો ખરીદતી. અમદાવાદમાં કોઈને ત્યાં ન મળે એવાં અંગ્રેજી પુસ્તકો અને આકરગ્રંથો પુસ્તકાલયો સુધી, વાચકો સુધી પહોંચાડવાં એ નાનકભાઈનું ધ્યેય. ‘અલ્પાચમન જ્ઞાનોદધિ કેરું’ એવું સૂત્ર બિલ પર અને અન્યત્ર વાંચવા મળતું. રાજકોટના ‘સાહિત્યમિલાપ’ પછી સી. જી. રોડ પરના એક બંગલામાં ગ્રંથાગાર હતી. નગીનદાસ પારેખ, યશવંત શુક્લ, ઉમાશંકર જોશી જેવા કંઈ કેટલાય અહીં આવતા. નાનકભાઈ આસપાસ નાનુંમોટું કામ કરવા તો તાળું માર્યા વગરેય જતા. પ્રકાશ ન. શાહ રાત્રે જમીને આંટો મારવા નીકળે ત્યારે ડોકિયું કરી જતા. ગ્રંથાગારનો એ સુવર્ણકાળ હતો એ મને નાનપણમાં જેટલું નહોતું સમજાયું, એટલું આજે સમજાય છે. પુસ્તકો દસ રૂપિયાનાં ખરીદો કે દસ હજારનાં, ગ્રંથાગાર દસ ટકાથી વધારે કે ઓછું વળતર આપે નહીં. દસ ટકાનો આ આચાર આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ હતો. પુસ્તક-વ્યવસાયમાંય જમાનો વધુ ખરાબ થયો, વળતરની જગ્યાએ કટકીઓ આવી. પુસ્તકદીઠ કટકી કરનારા ઘણા ગ્રંથપાલો, વિદ્યાર્થી વિદ્યાર્થીએ ગ્રાન્ટમાં પૈસા કમાનારા ઘણા પ્રિન્સિપાલોવાળા માહોલમાં નાનકભાઈ જેવા ‘પુણ્યનો વેપાર’ કરનારા હડસેલાઈ ન જાય તો એ ભારત શેનું? ગ્રંથગારની જગ્યાઓ કંઈ અમસ્તી નથી બદલાતી રહી. અંતે તે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં આવ્યો. પહેલાં ગુજરાતી પુસ્તકોના માંડ બે-ત્રણ ઘોડા રહેતા તેમાં હવે અંગ્રેજી પુસ્તકો આવ્યાં, અને ગ્રંથભંડારનું કેન્દ્ર ગુજરાતી પુસ્તકો બન્યાં. જોકે એમાંય પેલી ઉત્તમ માટેની અભીપ્સા તો અકબંધ હતી. વાચક માટેનો પ્રેમાદર પણ. ઉર્વીશ કોઠારીએ ‘ગ્રંથાગાર’માંના કેટલાક દુર્લભફોટા સાથેના લાજવાબ બ્લૉગમાં લખ્યું છે તેમ, આ જગ્યા ‘દુકાન નહીં પણ ચોતરફ પુસ્તકો ગોઠવાયેલાં હોય તેવો પુસ્તકોનો અડ્ડો’. અહીં આવીને કલાકો સુધી બેસીને પુસ્તકો માત્ર જોઈ શકાતાં એમ નહીં પણ વાંચીય શકાતાં. કાઠિયાવાડી પરોણાગતમાં ચા જ નહીં પણ હંસાબેન પાસેથી નાસ્તાની બહુ સ્વાદિષ્ટ અવનવી વાનગીઓ, બિસ્કિટ, ચોકલેટ, મિઠાઈ તેમ જ ઉનાળામાં શરબત કે આઇસ્ક્રીમ મળતાં. ગામ આખાની વાતો કરી શકાતી. લેખોની હસ્તપ્રતોના અંશો વાંચી શકાતા. નાનકભાઈ એકાદ માર્મિક ટિપ્પણી કરતા. હંસાબહેન ઝાઝું બોલ્યા વિના દાદ આપતાં. હંસાબહેન વિના ‘ગ્રંથાગાર’ની કલ્પના ન થઈ શકે. વ્યવસાય-કુશળતા અને સ્નેહનું કંઈક અદ્ભુત મિશ્રણ એમનામાં હતું. તેમના વિના ગ્રંથાગાર ‘ગ્રંથાલય’ માત્ર બની જાત અને ટૂંકા ગાળામાં અટકી જાત. નવાં પુસ્તકો બતાવવાનો નાનકભાઈ અને હંસાબહેનનો હરખ સરખો, ફેર માત્ર વ્યવહારભાનનો જ. હંસાબહેન પુસ્તકોની ભાળ પણ રાખે અને ગ્રાહકની પસંદગી પણ જાણે. ગ્રંથાગારનાં પુસ્તકોની આપ-લેનાં, પોસ્ટ અને પાર્સલનાં, કેટલાક વાચકોને પુસ્તકો ઘરે પહોંચાડવાનાં કામ વર્ષો લગી મૂંગે મોઢે મન દઈને કર્યાં. પુસ્તકોની દુકાનો વિશે વાંચવાનું થાય – પૂનાના ‘ઇન્ટરનૅશનલ બુક ડેપો’ વિશેનો પુ.લ. દેશપાંડેનો કે પેરિસના ‘શેક્સપિઅર ઍન્ડ કંપની’ પુસ્તકભંડાર વિશેનો ભગતસાહેબનો લેખ હોય, લેવિ બઝબિનું ‘યલો લાઇટેડ બુક શૉપ’ કે હેલેન હૅન્કના ‘૮૪ ચૅરિંગ ક્રોસ રોડ’ જેવાં બુકશોપ વિશેનાં અનોખાં પુસ્તકો મળે, – એ બધી વખતે ગ્રંથાગાર યાદ આવે. અને ખાસ યાદ આવે ઝવેરચંદ મેઘાણીના જાણીતા અવતરણમાં ‘બુકસેલર તો પોતાના શહેરનો જ્ઞાનમાળી બની શકે.’ મેઘાણીના આ શબ્દોને તેમના ત્રણ સપૂતોએ ચરિતાર્થ કર્યા છે, તેમાંના એક તે નાનકભાઈ મેઘાણી. ગ્રંથાગારના વિરામ વિશેના એક અંગ્રેજી લેખનું છેલ્લું વાક્ય હતું ‘The city without a book-place like Granthagar appears slightly less civilized to me’, એટલે કે ‘ગ્રંથાગાર જેવા પુસ્તક-સ્થાનક વિનાના શહેરમાં મને સંસ્કારિતા અને સંસ્કૃતિની કંઈક ઉણપ હોય તેવું જણાય છે.’ જેને પુસ્તકો ગમતાં હોય તેવા માણસ તરીકે, રમણભાઈ, મને ખરેખર આવું જ લાગે છે. ગ્રંથાગારને યાદ કરતાં બહુ ખાલીપો અને ખિન્નતા લાગે છે. એમ થાય છે કે એ સમય પાછો મેળવી શકાતો હોત તો કેવું સારું!
સ્નેહાધીન
૫ ડિસે.૨૦૧૩
૧૪૩, પારસકુંજ સોસાયટી, વિભાગ ૩, સેટેલાઇટ રોડ, અમદાવાદ ૩૮૦૦૧૫. ફોન ૦૯૮૭૯૭૩૧૫૫૧
– સંજય શ્રીપાદ ભાવે
[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૧૩, પૃ. ૩૬-૩૮]