‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/લેખકોને પુરસ્કાર? : યજ્ઞેશ દવે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૮ ક
યજ્ઞેશ દવે

લેખકોને પુરસ્કાર

લેખકોના ગૌરવ અને હિતને લગતા એક પ્રશ્નની આજે આપના પ્રતિષ્ઠિત સામયિકના માધ્યમ દ્વારા ચર્ચા છેડવી છે. સામયિકોની મોટી મૂડી કે મૂડી માત્ર જે ગણો તે તેમાં પ્રકાશિત થતી સાહિત્યસામગ્રી. લેખક પોતાનું સમગ્ર હીર નિચોવી નાખે, પોતાનું ઉત્તમોત્તમ આપે પણ સામે પક્ષે એ સામયિક લેખકને શું આપે? ક્યારે આપે? કઈ રીતે આપે છે? આવો કોઈ સવાલ કદી થયો છે ખરો? ન થયો હોય તો થવો જોઈએ. સામયિકોના સંપાદકો, તંત્રીઓ કે વ્યવસ્થાપકો વાચકો ગ્રાહકો પાસેથી લવાજમ અને જાહેરખબરો કે દાનની લેવડમાં અને કાગળ, ટાઈપસેટિંગ, પ્રૂફરીડિંગ, બાઈન્ડિંગ, પ્રિન્ટીંગ, પોસ્ટીંગમાં પૈસાની દેવડ સાથે સંકળાયેલા છે. આ બધામાં કોઈ ઉપેક્ષિત અને છેવાડાનો રહી જતો હોય તો તે લેખક. પ્રિન્ટીંગ પ્રેસવાળા પંદર દિવસમાં ઉઘરાણી કરશે અને તેમને પૈસા મળી પણ જશે જ્યારે લેખકને? વધતા જતા કાગળ, પોસ્ટેજ, પ્રિન્ટીંગના ભાવ સામે વરસોથી ઝીંક ઝીલતાં સાહસિક સામયિકો લેખકોને મળતા પુરસ્કારમાં વધારો કરવાની બાબતમાં કેમ પાછી પાની કે આનાકાની કરે છે? કેટલાંક તંત્રીઓએ તો પુરસ્કારની પ્રથાને જ સતીપ્રથાના કુરિવાજની જેમ કાઢી નાખી છે. અને એમાંય પાછું ગૌરવ લેતા તંત્રીઓ પણ ગુજરાતમાં છે. કોઈ સામયિકનું પ્રકાશન જ્યારે હાથ પર લીધું હોય ત્યારે તેની અર્થવ્યવસ્થાનાં બધાં પાસાંઓનો વિચાર કરવો જ જોઈએ અને તે માટેનું ભંડોળ કે નાણાંની વ્યવસ્થા કરવી જ જોઈએ કે જેમાં સાહિત્યકારને માનભેર આપવામાં આવતા પુરસ્કારનું પણ એક મહત્ત્વના ઘટક તરીકે સ્થાન હોય. પૂરતાં વાચકો/ગ્રાહકો ન મળતાં હોવાની ફરિયાદ પહેલાં ઊઠતી અને આજે પણ ઊઠે છે. પણ સામયિકે લોકોની વાચનભૂખ થકી અને લોકો થકી ચાલવું જોઈએ. અને તેમ ન ચાલે તો ગાંધીજી જેવા પણ છાપું બંધ કરવા તૈયાર થયેલા. ઉમાશંકરે તો બંધ કરી ય દેખાડ્યું. આવું જ પાસું લેખકોનું. જો સામયિક લેખકોને માનભેર પુરસ્કાર ન આપી શકતું હોય તો સામયિક ચલાવી લેખકોના ભોગે તેનો યશ સંપાદક-તંત્રીઓએ શા માટે લેવો જોઈએ? લેખક જે સાહિત્ય લખે છે તેમાં તે અંદરથી કેટલો વલોવાય છે તેની પીડા અને આનંદની વાત બાજુ પર જવા દઈએ. તે લેખના મૂલ્ય(વૅલ્યુ)ની વાત પણ જવા દઈએ. પણ લેખકને તે લેખની કિંમત(પ્રાઈસ) તો મળવી જ જોઈએ? લેખકને પણ સારો કાગળ, પોસ્ટેજ, આંગડિયા, ફેક્સ ઝેરોક્ષમાં જે ગાંઠનાં ગોપીચંદન થાય છે તેનું શું? સાહિત્યનું મહત્ત્વ, મૂલ્ય ન સમજનાર તેની કિંમત આંકવામાંથી પણ ગયા! સાહિત્યનાં સામયિકો પણ લેખકો સાથે આવો દુર્વ્યવહાર કરશે તો ધંધાકીય પ્રકાશકો કે વર્તમાનપત્રોના તંત્રવાહકો અને તેમની વચ્ચે ફેર શું રહેશે? ગુજરાતમાં પણ કવિ શ્રી નિરંજન ભગત સંપાદિત ‘સાહિત્ય’ જેવા શુદ્ધ સાહિત્યિક સામયિકે પણ લેખકોને યોગ્ય પુરસ્કાર મળે તેનું ધ્યાન રાખેલું અને થોડો સમય ચાલેલા વ્યાવસાયિક સામયિક જેવા ‘ઇન્ડિયા ટુડે’ની ગુજરાતી આવૃત્તિએ પણ લેખકને માનભર્યું વળતર મળી રહે તે જોયેલું. બાકી? કેટલાંક સામયિકો છોકરાં છાનાં રાખવા મમરા વેરે તેમ ફદિયાં વેરે છે. કેટલાંક તો લેખકો પોતેય ભૂલી ગયા હોય ત્યારે છેક બટકુંક આપે છે, કેટલાંક માપીને પાનાના ભાવે પૈસા આપે છે. તો કેટલાંક તો આપતાં જ નથી. લેખકોને માનદેય આપવા માટે નાણાપંચના અહેવાલની રાહ જોવાની નથી કે કોઈ કમિટી બેસાડવાની નથી તો પછી આમ કેમ? જો સામયિકો પોતે જ સંસ્કારી પ્રજાના પ્રતિનિધિ તરીકે આ ભૂમિકા નહીં બજાવે તો કોણ બજાવશે? લેખકોને તેમના સર્જનનું મૂલ્ય સમજીને માનભર્યો યોગ્ય પુરસ્કાર વેળાસર આપવો તેમાં જ સામયિકની ગરિમા અને શોભા છે. ગુજરાતમાં કે બીજે ક્યાંય સારા કામ માટે પૈસાની ખોટ નથી. ખોટ છે તો આયોજનની. સામયિકના સમગ્ર આર્થિક આયોજનમાં જ લેખકના પુરસ્કારને સ્થાન આપી આવી વ્યવસ્થા ગોઠવાય તો ભવિષ્યમાં આવી ફરિયાદો ન રહે. આ વિશે લેખકો અને વાચકો જાગૃત થાય, સામયિકો સંવેદનશીલ થાય તેટલો જ છે આ ચર્ચા પત્રનો હેતુ. આ પ્રશ્ને સામયિકના તંત્રવાહકોની લાપરવાહી કે નિષ્ઠુરતાની સાથેસાથે જ લેખકોની પોતાની ઉદાસીનતા પણ અકળાવે તેવી છે. ક્યાંય ઊહ કે અપોહ નથી. કશીક પૂઠ મારી હોય તેમ લેખકો ચૂપ છે. આ ચૂપકીદીમાં જ લેખકોએ પોતાની જાતને પણ taken for granted ગણી લીધી છે. આશા છે કે લેખકના ગૌરવને સ્પર્શતા આ મુદ્દા પર લેખકો સક્રિય ચર્ચામાં ઝંપલાવશે.

બી-૩. સદ્‌ગુરુવંદનાધામ-૩
રાજકોટ ૩૬૦ ૦૦૫

– યજ્ઞેશ દવે

[જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૧, પૃ. ૩૬]

ઉપરના પત્રમાં સૂચવાયેલા મુદ્દાઓ સાથે અમે સહમત છીએ – પરેશ નાયક, હિમાંશી શેલત, દીપક રાવલ, માય ડિયર જયુ, રાજેન્દ્ર પટેલ, શિલ્પીન થાનકી, ભગવાનદાસ પટેલ, રજનીકાન્ત સથવારા, દિવાન ઠાકોર, નીતિન ત્રિવેદી, હરિકૃષ્ણ પાઠક, (મૌખિક સંમતિ) રમેશ પારેખ. ૦ સંપાદકનો પ્રતિભાવ પ્રિય યજ્ઞેશ અને મિત્રો, તમારા મુદ્દા સાથે એકદમ સંમત બાર-તેર જ કેમ, અનેક મિત્રોએ આ પત્ર નીચે સહી કરી હોત. મારી સહી પણ ગણી લેવી – ‘સામેવાળા’ પણ સહી કરી શકતા હોય તો. હાલ તો, પત્ર સાભાર પ્રગટ કરું છું. તમારો આ પત્ર પાંચ વાક્યમાં લખાય એમ હતો – કસીને, અસરકારક રીતે. એટલે, ટેવ મુજબ, એડિટ કરી લેવા પેન્સિલ તત્પર થઈ. પણ તમારો જે મૂડ આખા પત્રમાં પથરાયો છે એ પણ આસ્વાદ્ય છે એટલે પેન્સિલ ચલાવી નથી. માત્ર એક જ વાક્ય છેકી નાખ્યું છે – એ તમે જ, કાળજીથી, કૌંસમાં મૂક્યું હતું એટલે તમારી અર્ધસંમતિ તો ગણાય જ, કાઢી નાખવામાં નીકળી ગયું એ તમને પણ ગમશે. સંપાદક તરીકેની મારી ભૂમિકા સ્પષ્ટ કરવા, આજથી ૬ વર્ષ પહેલાં ૧૯૯૫માં ‘સામયિક સંપાદક વિશેષાંક’માં પુરસ્કાર વિશે મેં જે લખેલું તે અહીં ઉતારું છું.૧[1] વળી, તમે પત્ર-નિબંધ-કૃતિ લખી છે તો, વર્ષો પહેલાં બળવંતરાય ઠાકોરે આ વિશે એક લાક્ષણિક કાવ્યકૃતિ કરેલી એ પણ ઉતારું છું. (એમાં છેલ્લી બે પંક્તિઓમાં જે ચિમકી છે એ પણ ખાસ નોંધશો.૨[2] તમારો મુદ્દો મહત્ત્વનો છતાં જાણીતો છે. નવો નથી. એટલે, આ તો બરાબર છે, પણ સામયિકોની સ્થિતિનું સર્વેક્ષણ પણ કરવું જોઈએ : ગ્રાહક-સંખ્યા, નિર્માણખર્ચ, જાહેરખબરની સહાયકતા વગેરેનું. આપણે ત્યાં ઘણાંખરાં સામયિકો તો પુરસ્કાર આપે છે. પણ કેટલો આપે છે? નથી જ આપતાં એ કેમ નથી આપતાં? – એ પૂછીને, એને આધારે કશુંક નવું. નક્કર લખો. ઘણો પ્રકાશ થશે ને ઘણો પ્રકાશ પડશે. – સંપા.

*** નોંધો

  1. ૧. ખોટ તો રહી જ છે. પણ એક વાત શરૂઆતથી જ મનમાં ખટકતી હતી એને કંઈક હળવી કરી શકાઈ છે – સમીક્ષકોને પુરસ્કાર નહોતો આપી શકાતો તે. બીજાં ખર્ચ તો અનિવાર્ય, એ વધતાં પણ રહે, ને એક લેખક જ નિવાર્ય? પરંતુ એ આપણાં મોટાભાગનાં સામયિકોનો શિરસ્તો થઈ ગયો છે.. વળી, લેખકની મહેનતના પ્રમાણમાં મહેનતાણું તો આપી શકાતું નથી – આપણે તો ‘પ્રતીક પુરસ્કાર’ (એટલે કે ન-જેવી રકમ!) આપી શકીએ. એ પણ નથી થતું એનો વસવસો હતો. એટલે ૧૯૯૪થી (ત્રીજા વર્ષથી) પુરસ્કાર શરૂ કરવા વિચાર્યું. પ્રકાશક તરીકે શારદાએ વિચારને દૃઢાવ્યો. મોટા-ભાગના સમીક્ષકમિત્રોએ પુરસ્કાર સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી. છતાં આગ્રહ કરીને – ‘તમે એક આવશ્યક પ્રણાલી ઊભી કરવામાં સહાયક બનવા માટે પણ સ્વીકારો’ એવી વિનંતી કરીને સૌને પુરસ્કાર આપવાનું ચાલુ રાખ્યું છે.’
    – રમણ સોની
    (‘પ્રત્યક્ષ’. જુલાઈ-સપ્ટે. ૧૯૯૫, ૧૩૭-૧૩૮)
  2. ૨. પુરસ્કાર અને સામયિકો ‘પુરસ્કાર વિના માગો લેખો, તે છે શું વાજબી?
    વેચો જે આપ તેના છે સાચા સર્જક લેખકો.
    આપ રાખો દલાલી ને મૂલ્ય સર્જકને દિયો,
    વ્યવહારનીતિ જાણીતી સોદા સાટાં તણી જગે.
    સર્જકને નવ કોડી, જો દલાલ સઘળું ગળે,
    ન સેવા, શાહુકારી ના, એ છે લેખક-ચૂસણ.
    બેસમઝ લેખકોયે ફૂલે માત્ર પ્રસિદ્ધિથી,
    ખીસે દામ શું પામે તે, ફૂલણજી નેત્રે જે જુવે!
    - બળવંતરાય ઠાકોર (‘ભણકાર’, ગુચ્છ :૩)

[જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૧, પૃ. ૩૬]