ગુજરાતી બાળવાર્તા સંપદા/ભગવાન પર મુકદ્દમો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
 
(ફૂટરમાં અનુક્રમણિકા પ્રમાણે ક્રમ બદલ્યો)
 
Line 63: Line 63:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = જોડણી પ્રસાદની જે !
|previous = ફેં કથા
|next = દૂધની ધારનું સંગીત
|next = પાણીનો તોળનારો
}}
}}

Latest revision as of 05:10, 9 November 2025

ભગવાન પર મુકદ્દમો

હરીશ નાયક

ન્યાય એટલે ન્યાય. ન્યાયથી કાંઈ પર નથી. ભગવાન પણ નહિ. જો ભગવાન ગુનો કરે તો ભગવાન પર પણ કામ ચલાવી શકાય. ભગવાન જે કંઈ કરે તે સારું જ કરે, એવું ન્યાય વિચારી શકે નહિ. ભગવાન ઉપર આરોપ હોય તો ભગવાને કોર્ટમાં હાજર થવું જ પડે. કોર્ટના સમન્સથી કોઈ ઊંચું નથી. વડાપ્રધાન જેવા પર કોર્ટનો સમન્સ આવે તો તેમણે પણ કોર્ટમાં પ્રત્યક્ષ થવું જ પડે. ભગવાને જે કંઈ કર્યું તે સાચું છે કે ખોટું? એ નિર્ણય ભગવાને કરવાનો નથી. ન્યાયની અદાલતે કરવાનો છે. ભગવાન હાજર જ હતા. અદાલતના સાક્ષીના પીંજરામાં આવીને ઊભા રહ્યા. ભગવાન સામે હાજર હતો – દત્તુ. જી હા, તમે જેને ડિટેક્ટિવ દત્તુ કહો છો તે જ. ન્યાયની દુનિયામાં કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. ન્યાય બધાંને માટે સરખો છે અને ન્યાયને માટે બધાં સરખાં છે. દત્તુએ ભગવાનને પૂછ્યું : ‘જેને લોકો ભગવાન કહે છે તે આપ છો?’ ભગવાન કહે : ‘હું એવું માનું છું ખરો.’ ‘અહીં માનવાની વાત ન ચાલે. જે કંઈ સાચું હોય તે કહો મિસ્ટર ભગવાન!’ ‘આ સવાલનો જવાબ હું આપી શકું તેમ નથી. સવાલ મારા માનવાનો નથી. લોકો મને ભગવાન માનતા હોય તો હું શું કરું? બાકી હુંય નિધિ અને વિધિને આધીન છું. કાળનું ચક્ર છે. સમયની બલિહારી છે. એ ઘટનાક્રમમાંથી હુંય પર નથી...’ ‘ઠીક. બધી અઘરી અઘરી વાતો ન કરો, મિસ્ટર ભગવાન! અને ગીતા પર હાથ મૂકીને કહો કે જે કંઈ કહીશ તે સાચું કહીશ, સાચું કહીશ અને સાચું જ કહીશ.’ ભગવાન ગીતા જોઈને રાજી થયા. તેઓ કહે : ‘આ ગીતા તો મેં જ લખી છે. એમાં બધી સાચી જ વાતો લખેલી છે, મારી લખેલી વાતનો હવાલો મારે જ આપવાનો?’ દત્તુ જરા નારાજ થયો. તે કહે : ‘આ ગીતા તમે જ લખી છે ભગવાન! એટલે? કેવી રીતે લખી છે? ઇન્ડિપેનથી, પેન્સિલથી કે રિફિલથી?’ ભગવાન કહે: ‘વાત એવી છે નામદાર! કે આ ગીતા મેં લખેલી નથી, પણ...’ ‘પહેલાં કહો છો કે ગીતા તમે લખેલી છે અને હવે કહો છો તમે લખી નથી? તમારાં વિધાનો વિરોધાભાસી છે. સાચેસાચું કહો, ગીતા તમે લખી છે કે નહિ?’ ‘હા અને ના.’ ‘એ વળી શું?’ ‘એનો અર્થ એમ કે ગીતાના શબ્દો મારા છે. એમાંનો એકએક શબ્દ મારો બોલાયેલો છે. કુરુક્ષેત્રના રણક્ષેત્રમાં આ ગીતા હું બોલ્યો છું.’ ‘રણક્ષેત્રમાં કોઈ આટલું બધું બોલે?’ ‘બોલ્યો. હા બોલવું પડે તેમ હતું. નહિ તો અર્જુન લડવા તૈયાર ન હતો.’ ‘એટલે તમે લોકોને લડાવવાનું કામ કરો છો મિસ્ટર ભગવાન?’ ‘ન્યાય માટે તો લડવું જ પડે ને! આ તમારી કોર્ટો શું છે? આપણે સાચા હોઈએ તો સાચા સાબિત કરવાં કાં રણક્ષેત્રમાં જવું પડે, કાં કોર્ટમાં જવું પડે!’ ‘ઠીક ઠીક મિસ્ટર ભગવાન! આડી વાતો ન કરો. ગીતા તમે બોલ્યા હતા, ખરું?’ ‘ખરું. એ મારા દ્વારા બોલાયેલા પાઠ છે.’ ‘તો પછી ગીતા મેં લખી એમ કેમ કહો છો?’ ‘ભૂલ થઈ ગઈ નામદાર! હું તો એનો બોલક છું, એનો લેખક તો કોઈ બીજો જ છે.’ ‘એટલે કે આજના ઘણા બાળ-સાહિત્યકારો જેવું જ થયું એમ કહો ને! એ બધા પછી કહે છે કે આનો લેખક હું છું.’ ‘મારી બાબતમાં એવું નથી નામદાર! હું આ બધી વાતો બોલ્યો છું પછી મારી નજર હેઠળ તે લખાઈ છે. લખાયેલી વાતો બરાબર લખાઈ છે તેની મેં ચકાસણી કરી છે. આ બધી વાતો પ્રથમ વાર મારા દ્વારા જ બોલાઈ છે. મૌલિક છે.’ ‘એટલે કે પ્રૂફરીડિંગ તમે જાતે કર્યું છે, એમ જ ને?’ ‘એમ જ સમજો, એમ જ નામદાર.’ આ ક્ષણે ન્યાયાધીશે બે વખત હથોડી ઠોકીને દત્તુને ટોકતાં કહ્યું : ‘આટલો વિલંબ ન ચાલે. ડિટેક્ટિવની કામગીરી ક્યારે પતાવશો?’ ‘આઈ એમ સોરી મિ. લૉર્ડ! દત્તુએ માફી માગી અને ભગવાનને કહ્યું : ‘ગીતા, તમે બોલી હોય કે લખી હોય એની સાથે અમારે લેવાદેવા નથી. તમે લખી હોય તોપણ તમારે સોગંદ ખાવા જ પડે. ચાલો, ગીતા પર હાથ મૂકીને સોગંદ ખાવ કે તમે જે કંઈ કહેશો તે સાચું અને સાચું જ કહેશો.’ લાલ કપડામાં વીંટાળેલા પુસ્તકને ભગવાને જોઈ લીધું. એ ગીતા જ છે, તેની ખાતરી કરી લીધી. પછી તેઓ કહે : ‘હું જે કંઈ કહીશ તે સાચું સાચું અને સો ટકા સાચું જ કહીશ.’ અને હવે દત્તુએ સીધા સવાલો શરૂ કર્યા. ‘ભગવાન!’ તેણે કહ્યું : ‘ભગવાન હમણાં જ એક માનવીનો અકસ્માત થઈ ગયો. તેણે તમારા નામનો દોરો-ધાગો પહેર્યો હતો.’ ભગવાન કહે : ‘ઘણો નવાઈ ભરેલો સવાલ પૂછો છો તમે નામદાર! એવા ધાગા-દોરાને અને અકસ્માતને શો સંબંધ? અને એમાં હું એટલે કે ભગવાન વળી ક્યાં આવ્યો?’ ‘મિસ્ટર ભગવાન! એ તો જાણીતી વાત છે કે દોરાનો અર્થ સુરક્ષા થાય છે, ભગવાનને નામે એટલે કે તમારા નામે બંધાયેલા દોરાની સુરક્ષા તમારે કરવાની છે.’ ‘આ પ્રશ્ન દત્તુજી! તમે મને શા માટે પૂછો છો?’ ‘એટલા માટે કે આ પ્રશ્ન અમને બાળકોને સદા મૂંઝવે છે. મા-બાપ છોકરાઓના હાથે ગળે દોરા-ધાગા, માદળિયાં, તાવીજો બાંધે છે અને કહે છે કે ભગવાન તારું રક્ષણ કરશે. પણ મિસ્ટર ભગવાન! તમે રક્ષણ કરતા નથી. આપણા અત્યારના કેસમાં પણ એવું જ થયું છે...’ ‘દત્તુજી! મારે નામે કોઈ કંઈ કરે તો એમાં મારો વાંક ક્યાં થયો?’ ‘જવાબદારી તમારી છે મિ. ભગવાન!’ ‘કેવી રીતે? એ દોરા-ધાગા હું તો બાંધતો નથી. ભગવાન કદી કોઈને દોરાઓ વીંટાળવા ગયો નથી. દત્તુજી! અને હાજર રહેલા તમામ લોકો સાંભળી લો કે જ્યારે માનવનો જન્મ થાય છે, એટલે કે બાળકનો જન્મ થાય છે ત્યારે જે કાંઈ જરૂરી ચીજવસ્તુઓ હોય તે કુદરત તેને આપી જ દે છે. હવે જો ભગવાનને દોરા-ધાગાની જરૂર હોત તો તે બાળકને એ બધું વીંટાળીને જ દુનિયામાં મોકલત એટલે કે જે વસ્તુ મેં કરી નથી, એનો આરોપ મારી પર કેમ મૂકો છો?’ ‘તો શું તમારે નામે જે કંઈ થાય એની જવાબદારી તમારી નથી?’ ‘જરાય નહીં...’ ‘અમરનાથ-યાત્રા એટલે ભગવાનની યાત્રા. એ યાત્રામાં ગયેલા સેંકડો લોકો મરી ગયા. એ બધાંએ દોરા-ધાગાની સુરક્ષા મેળવી હતી. શું એ હત્યાઓનો આરોપ તમારો ન કહી શકાય?’ ‘જરાય નહિ. દત્તુજી! કોર્ટ અને નાનામોટા બાલમિત્રો! એક વાત મારા તરફથી સાંભળી લો કે હું કોઈને દોરા-ધાગા-તાવીજ મંત્રો પહેરવાનું કહેતો નથી. પહેરાવતો નથી. એ દોરાઓને સુરક્ષાનું નામ પંડિતો આપે છે. એ બધો તેમનો ધંધો છે. દરેક શુભકાર્ય વખતે તેઓ કહે છે કે આ દોરાથી આગથી, પાણીથી, પ્રવાસથી, ઉપરથી, નીચેથી, જાણતામાં, અજાણતામાં કંઈ જ થશે નહિ. તમારું સદા રક્ષણ થશે. તમારો ભગવાનેય વાળ વાંકો નહિ કરે. હવે જો એ સુરક્ષા વચન બાદ એ પંડિતે જો ફી લીધી હોય એટલે કે દક્ષિણા લીધી હોય અને છતાં અકસ્માત થયો હોય તો ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ તમારે તેમની ઉપર કામ ચલાવવું જોઈએ. દોરા તે બાંધે છે, તેમને પકડો મને શું કામ પકડો છો?’ દત્તુ દલીલ શોધવામાં રોકાયો. જરા ગૂંચવાયોય ખરો. એટલે ભગવાને આગળ કેફિયત શરૂ કરી : ‘મારા મિત્રો! સાથીઓ! દરેક કાર્યને શુભ ગણો. માત્ર ઘર બનાવો તે, યાત્રા ઉપર ઊપડો તે, રસ્તા કે પુલ બનાવો તે શાળા-મહાશાળામાં દાખલ થાવ તે, ભલે દરેક કાર્ય શુભ જ છે. હવે ઘરના વાસ્તા વખતે તમે દોરા દશ વીંટાળશો. પંડિત તમારે માટે સુરક્ષાના સો શ્લોકો બોલી અભયવચન આપશે પણ જો ઈંટ ખરાબ હોય, સિમેન્ટ-રેતીનું મિશ્રણ બરાબર ન હોય, કામ કાચું હોય તો મકાનની સુરક્ષા ક્યાંથી થવાની છે? એ મકાન પડવાનું જ છે. દોરા-ધાગાવાળો હાજર હશે તો તેની ઉપર પણ પડવાનું જ છે. તમારી હિન્દી ફિલમની જેમ હાથના કે ગળાના દોરાથી ચમત્કાર થવાનો નથી કે પડતું મકાન અધ્ધર અટકી પડવાનું નથી.’ ‘તો પછી અમરનાથ-યાત્રાળુઓનાં મૃત્યુની જવાબદારી તમારી નહીં?’ ‘એ બધાંને અભયવચન આપનાર પંડિતો-પૂજારીઓ-સાધુઓ ને તમે દુનિયાવાળા નહિ? શું તેઓ દોરા બાંધીને દક્ષિણા લઈને છૂટા?’ ‘તો પછી ભગવાન! તમારું નામ કોણ લેશે?’ ‘જેને મારામાં શ્રદ્ધા છે તે. જેઓ મને ઓળખે છે અને ઓળખવા લાગે છે તે. જેઓ મારો પરિચય મેળવવા માગે છે અને મને મેળવવા માગે છે તે. મારી અને એની વચમાં કોઈ દોરા-ધાગા કે તાવીજમંત્રની જરૂર નથી. મેં એને દેહ આપ્યો છે એ જ દેહે એ જ તનમનથી વિચાર કરીને એ મને મળી શકે છે, મારી પાસે આવી શકે છે. બાકી ઋતુ-ઋતુનું કામ કરશે જ. સમયકાળ એની મેળે ચાલ્યા જ કરશે. એ કદી રોકાયો નહિ. ગાફેલ રહેનાર કે બાવરા બનનાર અકસ્માતનો ભોગ બનશે જ. એના હાથના દોરા એને નહિ બચાવી શકે. સાચી વાત આ છે. માનવીનો ભ્રમ તૂટવો જોઈએ. પાસ થવા માટે દોરા-ધાગા નહિ ચાલે. આશીર્વાદ નહિ ચાલે. વિદ્યાર્થીએ વાંચવું જ પડશે. વાંચીને તૈયાર થનાર વિદ્યાર્થી દોરા-ધાગાવાળા વિદ્યાર્થીથી આગળ જ રહેશે, એની ખાતરી રાખશો.’ ભગવાનને બોલતાં અવરોધવાની દત્તુની કોઈ ઇચ્છા ન હતી. છતાં તેના મનમાં ઘણા પ્રશ્નો ઊભા થતા હતા. એકદમ વચ્ચેથી જ તેણે પૂછ્યું : ‘તો શું ભગવાન! હવે લોકો તમારી યાત્રાએ નહિ જાય? તમારાં દૂરદૂરનાં દર્શન નહિ કરે?’ ‘યાત્રા તો પ્રવાસ છે, દત્તુ! સાહસ, હિંમત અને તૈયારી જ પૂરતાં છે. વિશાળ આકાશ, અનુપમ વનરાજિ, ઊંચા-ઊંચા પહાડો, દોડતાં વાદળો, આહ્લાદક હવામાન આ બધે જ મારાં મંદિર છે. જે મંદિરો માનવે બનાવેલાં છે એમ અદ્ભુત છે. એ યાત્રા-પ્રવાસની મંજિલ છે. જરૂર ત્યાં સુધી પહોંચો. દુનિયાથી અલાયદી એક અવનિને નિહાળો. પણ ત્યાં હવામાન પલટો ખાય, ભેખડ ધશે, ન થવાનું ઘણું થઈ શકે. એ અનિશ્ચિતતામાં જ યાત્રાનું આકર્ષણ છે નામદાર! બાકી જીવન-મૃત્યુ કોઈ દોરા-ધાગા પર આધાર રાખતું નથી. એવા દોરાઓને સુરક્ષા માનવાની જવાબદારી મારી નથી. હું એને અશ્રદ્ધા કહીશ. પંડિતો બાંધે છે, સાધુઓ બાંધે છે. આરોપ તમે એમની પર મૂકી શકો. મારી પર નહિ.’ દત્તુને આગળ બોલતો અટકાવી નામદાર ન્યાયાધીશે ન્યાય ઉચ્ચારી દીધો : ‘આ કેસને લાગેવળગે છે ત્યાં સુધી અકસ્માતના દોરા ભગવાને બાંધ્યા નથી. દોરાધાગા સુરક્ષા છે એવું ભગવાને કહ્યું નથી. માટે એની જવાબદારી ભગવાનની નથી. ભગવાનને કોર્ટ અકસ્માતના આ આરોપમાંથી મુક્તિ આપે છે, નિર્દોષ જાહેર કરે છે અને ડિટેક્ટિવ દત્તુને કોર્ટ અભિનંદન આપે છે કે તેણે બાળકોના મનના એક ગૂંચવાતા પ્રશ્નને ઉકેલવાનો હિંમતભર્યો પ્રયાસ કર્યો. ખુદ ભગવાનને જ કોર્ટના પાંજરામાં હાજરાહજૂર બોલાવીને.’ દત્તુ જાગી ઊઠ્યો. તે હાંફળોફાંફળો બની ગયો. તે તો ઘસઘસાટ ઊંઘતો જ હતો. સપનાં તો ઊંઘમાં જ આવે ને! તો શું આ બધું એક સપનું હતું?!