ભરત વિંઝુડાની ગઝલસંપદા/સંપાદન વિષે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 16:31, 12 November 2025

Template:Headingસંપાદન વિશે

કવિ ભરત વિંઝુડા આઠમા દાયકાથી ગુજરાતી ગઝલલેખન ક્ષેત્રે પ્રવૃત્ત છે. જોકે આ કવિ પહેલો સંગ્રહ છેક ૧૯૯૪માં આપે છે. પ્રારંભકાળનું આ ધૈર્ય કવિની ગઝલપ્રતિની ગંભીરતાનું સૂચક છે. એ પછી તો એમની પાસેથી આજ સુધીમાં ૧૪ કાવ્યસંગ્રહ પ્રાપ્ત થયા છે. જેમાં એક ‘સ્ટ્રીટલાઈટ’ને બાદ કરતાં બાકીના બધા ગઝલસંગ્રહો છે. એમાંય પ્રતિસંગ્રહમાં સરેરાશ ૧૧૦ થી ૧૫૫ ગઝલો છે. એ જોતાં એની સંખ્યા પંદરસો આસપાસ થાય છે. સંખ્યાની રીતે વિપુલ આ ગઝલરાશિમાંથી અહીં સિત્તેર ગઝલ પસંદ કરી છે. આ સીમિત ગઝલ પસંદગીમાં કેટલાક ધોરણો ધ્યાનમાં રાખ્યા છે. જેમકે પૂરા પાંચ દાયકા જેટલા દીર્ઘકાળ પર વિકસેલી-વિસ્તરેલી કવિની ગઝલયાત્રાનો વિકાસોન્મુખ ગ્રાફ મળી રહે એ હેતુથી અહીં એમના દરેક સંગ્રહમાંથી ઓછામાં ઓછી ત્રણ-ચાર અને વધુમાં વધુ સાત-આઠ ગઝલો પસંદ કરવામાં આવી છે અને એનાં ક્રમિકરૂપમાં જ અહીં મૂકી છે. બીજું, વિષય-વૈવિધ્યની સાથે છંદ-વૈવિધ્ય પણ જળવાઈ રહે એ બાબત પણ ધ્યાનમાં રાખી છે. પ્રયોગશીલ ને કાવ્યત્વની રીતે કમાલ કરતી કેટલીક ગઝલો કે જે કવિની ‘સિગ્નેચર પોયેમ’ કે પ્રતિનિધિરૂપ ગણાવી શકાય તેવી ગઝલો પણ અહીં સમાવી લેવા પ્રયાસ કર્યો છે. આમ, અનુઆધુનિક કાળમાં સૌથી વધુ સર્જાતા ગઝલ કાવ્યસ્વરૂપમાં પોતાની સાદગીભરી ગઝલિયતથી આગવી ઓળખ ઊભી કરનાર આ ગઝલકારની વિપુલ ગઝલસંપદામાંથી અહીં ગણતર છતાં કવિનાં કવિકર્મનો હિસાબ આપી રહે તેવી ગઝલોને આ સંપાદનમાં સ્થાન આપવાનો પ્રયાસ કર્યો છે. આશા છે આ સંપાદન ભાવકો માટે કવિ ભરત વિંઝુડાનાં તાજગીભર્યા કવિકર્મનું પરિચાયક નીવડશે.