ભરત વિંઝુડાની ગઝલસંપદા/રમતમાં હોય નહીં: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 04:08, 14 November 2025

૩૩
રમતમાં હોય નહીં

દાવ દેવાનો થયો ત્યારે રમતમાં હોય નહીં,
વાત પણ એવી કરે જાણે જગતમાં હોય નહીં!
કેન્દ્રસ્થાને હોય છે મારા જીવનમાં તે છતાં,
વારતા મારી જો વાંચો તો વિગતમાં હોય નહીં!
તેય હારી જાય છે ક્યારેક કોઈ ખેલમાં,
જીતવાની તે છતાં તેઓ શરતમાં હોય નહીં!
એની પાસે જઈને શું કહેવું ને શું કરવું કહો,
લત લગાડે છે અને પોતે એ લતમાં હોય નહીં!
આંસુઓ સાથે વહી નીકળી ગયેલું હોય છે,
જોઉં છું ભીતરમાં તો કંઈ પણ બચતમાં હોય નહીં!

(લાલ લીલી જાંબલી)