ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/ગુજરાત સર્વસંગ્રહ: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 06:59, 1 February 2026
ગયે વર્ષે ‘ગ્રંથ અને ગ્રંથકાર ‘ની પ્રસ્તાવનામાં ‘ગુજરાત સાંવત્સરિક’ નામનું પુસ્તક એ જાતનાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થતા પ્રકાશનોનાં ધોરણે પ્રયોજવા પ્રસંગોપાત ઉલ્લેખ કર્યો હતો; પણ એ પ્રકારનું ગુજરાતી આબ્દિક પુસ્તક ( Gujarati Year Book) તૈયાર કરવું હોય તો તે સારૂ ગુજરાત વિષે-કાઠિયાવાડ અને કચ્છ સુદ્ધાંત-સર્વસામાન્ય માહિતી પ્રથમ, પદ્ધતિસર અને યોજનાપૂર્વક, સંગ્રહાવી જઈએ અને તે સુલભ હોવી જેઈએ.
વાર્ષિક પ્રકાશનોમાં સામાન્યતઃ જરૂરી, ખપપુરતી અને માર્ગદર્શક માહિતી-પ્રતિ વર્ષના સુધારાવધારા સહિત-નોંધવાનું બની શકે, પરંતુ તે વિષયની વિસ્તૃત માહિતી સારું, મ્હોટાં અને પ્રમાણભૂત પુસ્તકો, જેવાં કે ગેઝીટીઅર અને જ્ઞાનચક્ર વગેરેનો આશ્રય લેવો પડે.
આબ્દિક પુસ્તકનું સંપાદન ઘણુંખરું એવા આધારભૂત ગ્રંથોની ભૂમિકા પર યોજવામાં આવે છે; અને તેનો આશય માત્ર ઉપયુક્ત માહિતી કોઈ પણ સામાન્ય બનાવ કે વિષયપર, સંક્ષેપમાં, પૂરી પાડવાનો અને દિશાસૂચક હોય છે.
અંગ્રેજીમાં વિવિધ જાતિનાં રેફરન્સ પુસ્તકો સુલભ હોય છે તેવી રીતે એ પ્રકારના ગુજરાતી રેફરન્સ પુસ્તકો મેળવવા આપણે ઇચ્છીએ, એ સ્વાભાવિક છે; અને જગત જે વિદ્યુત ગતિએ પ્રગતિ કરી રહ્યું છે તે પરિસ્થિતિમાં, ગુજરાતી જ્ઞાનચક્ર, ગુજરાતી ગેઝીટીઅર, ગુજરાતી આબ્દિક પુસ્તક એવાં રેફરન્સ પુસ્તકોની અગત્ય વધુ ને વધુ માલુમ પડે છે, અને ચાલુ વિચાર પ્રવાહ સાથે પરિચિત રહેવા, જુદા જૂદા વિષયોમાં પારંગતતા મેળવવા, તદ્ વિષયક જ્ઞાનની સાધન સામગ્રી,-ચોપડી, ચોપાનીઆં, વર્તમાનપત્રો વગેરે-ઉપલબ્ધ હોવાં જોઈએ, એટલું જ નહિ પણ તેનો સારી રીતે ઉપયોગ કરી શકાય એવી વ્યવસ્થા અને સગવડ થવી જોઈએ; એ પ્રકારની મદદ મળે, જ્ઞાનપ્રાપ્તિ વડે, આપણે સુધરેલી પ્રજાઓની હરોળમાં એક સાથે અને એકસરખી ગતિએ કૂચ કરી શકીશું.
તે સ્થિતિએ પહોંચવા આપણે તેના પાયા રૂપે શી પૂવ તૈયારી કરવી જોઈએ તે પ્રશ્નનો પ્રથમ વિચાર કરીશું.
બ્રિટિશ સરકારે આપણા દેશમાં સ્થિર થતાં તેમને વેપાર રોજગાર ચોતરફ વિસ્તારી અને વધારી શકાય એ ઉદ્દેશથી, સન ૧૮૪૩માં હિન્દી પ્રધાનની આજ્ઞા થતાં, મુંબાઈ ઈલાકાના વ્યવહારના માર્ગો, જેમકે રસ્તા, નદી માર્ગ કયે સ્થળે નદી ઓળંગાય છે, ક્યાં હોડીઓ ફરે છે, તેમજ ક્યા ધોરી રસ્તાઓ લંબાવવાનું અનુકૂળ અને શક્ય છે, તે વિષે બને તેટલી સંપૂર્ણ માહિતી એકઠી કરવાનું મુંબાઈ સરકારે રેવન્યુ અમલદારો-કલેકટરો જેમને જીલ્લામાં ફરવાનું ઘણુંખરું હોય છે અને જેઓ પ્રજાના સંસર્ગમાં ઝાઝા આવે છે, તેમને એ કાર્ય સુપરત કરવામાં આવ્યું હતું.
સદરહુ માહિતી સંગ્રહનું કાર્ય એટલેથી અટક્યું નહોતું. આપણ રાજકર્તાઓ મુત્સદ્દી છે; દુરંદેશીભરી ઝીણવટવાળા છે; એ પ્રજાને હિન્દુસ્તાનમાં રાજ્ય કરવું હતું; એટલે દેશ સ્થિતિથી પૂરા પરિચિત રહેવું જોઈએ, તે કારણસર હિન્દી પ્રધાને ફરી સન ૧૮૬૭માં આપણા પ્રાન્તનું ગેઝીટીઅર તૈયાર કરવાનું મુંબઈ સરકારને લખી જણાવ્યું હતું; જેમાં ઈલાકાનો ઇતિહાસ, વસ્તી, વેપાર રોજગાર, હુન્નર ઉદ્યોગ, ખેતી, આબોહવા, જોવાલાયક અને ઐતિહાસિક સ્થળો, કેળવણી, મહેસુલ પદ્ધતિ, ન્યાયનું ધોરણ વગેરે ભિન્ન ભિન્ન વિષયોને લગતી ઉપયુક્ત હકીકત પદ્ધતિસર સંકલિત કરવામાં આવે; અને સ્થાનિક સરકારે તે વિષે ઘટતી ભલામણો કરવા, ઈલાકાના બે રેવન્યુ કમિશનરો અને કેળવણી ખાતાના વડા, એ ત્રણની કમિટી નીમી હતી.
પ્રસ્તુત કાર્ય અગાઉના વ્યવહારના માર્ગના રિપોર્ટ જેવું સહેલું નહોતું. તે જેમ વિવિધ પ્રકારનું તેમ તે જૂદી જૂદી લાયકાતવાળા અભ્યાસીઓ જ કરી શકે એવું હતું; અને જે માહિતી લખાઈ આવે તેને તપાસી વિચારી યોગ્ય રીતે સંકલિત કરવા એક જુદો, બાહોશ સંપાદક આવશ્યક હતો.
ઉપરોકત કમિટીએ આખોય પ્રશ્ન સમગ્રપણે અવલોકી એવી ભલામણ કરી હતી કે ગેઝીટીઅરનું સંપાદન કાર્ય એક એલાયદા ઓફીસરને સુપરત કરવું; તે સંપાદકને ઈલાકાના જીલ્લા કલેકટરો સર્વ હકીકત પૂરી પાડે; તેમ તે કાર્યમાં સરકારી રેકર્ડ-પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધનો-ઉપયોગ કરવામાં આવે; અને વિશેષમાં જે લખાણ દાખલ કરવાનું હોય તેનો ખરડો-પત્રક રૂપે-કમિટીને રજુ કરવામાં આવે. આ કાર્ય સારૂ રૂ. ૧૨૦૦૦) નું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.
ગેઝીટીઅરનું સ્વરૂપ અને ધોરણ નક્કી કરી, તે વિષે-એ વિષયના નિષ્ણાત-સર વિલિયમ હંટરના અભિપ્રાય અને સલાહ લેવામાં આવ્યાં હતાં.
સન ૧૮૭૧ માં હિન્દી સરકારે પણ હિન્દી સામ્રાજ્ય માટે ગેઝીટીઅરની યોજના હાથ ધરતાં સર વિલિયમ હંટરને તે કામ પર નિમ્યા હતા.
મુંબઈની ગેઝીટીઅર કમિટીએ તેનું કામ આરંભ્યા પછી થોડાક વખતમાં તેના લખાણના કાગળ ચોરાઈ ગયા હતા, તેમ તેના કાર્યકર્તાઓ પ્રસંગોપાત બદલાયા કરતા; પણ સન ૧૮૭૩ થી સર જેમ્સ કેમ્પબેલ સંપાદક પદે આવતાં, તેમાં સારી પ્રગતિ થવા પામી હતી.
મુંબઈ ઈલાકાના ગેઝીટીઅરના ૩૩ વોલ્યુમો થયા હતા, તેમાં તળ મુંબાઈને લગતાં ત્રણ વોલ્યુમો હતાં અને બાકીનામાં ૧૮ બ્રિટિશ હકુમતના જીલ્લાઓ અને ૮૨ દેશી સંસ્થાનોનો સમાવેશ થતો હતો.
તેના સંપાદનમાં અનેક લેખકો, યુરોપિયન અને હિન્દીઓની સહાયતા લેવામાં આવી હતી; અને ગુજરાતીઓ તરીકે જેમણે સક્રિય ફાળો આપ્યો હતો તેમાં પંડિત ભગવાનલાલ ઈન્દ્રજી, ભીમભાઈ કિરપારામ અને રતિલાલ દુર્ગારામ એઓ મુખ્ય હતા.
ગુજરાત અને કાઠિયાવાડ વિભાગના ગેઝીટીઅરો સન ૧૮૮૪ માં પ્રસિદ્ધ થયેલાં તેનો ગુજરાતી અનુવાદ કવિ નર્મદાશંકરે કરી આપ્યો હતો અને તે બદલ તેમને પારિતોષિક તરીકે રૂ. ૨૫૦૦ મળ્યા હતા.
ઉપરની વિગતો પરથી માલુમ પડશે કે આપણા પ્રાન્તની હકીકત ભેગી કરવા સન ૧૮૪૩ માં પ્રયાસ કરવામાં આવ્યો હતો. મુંબાઈ ઈલાકાના ગેઝીટીઅરની યોજના સન ૧૮૬૭ માં વિચારાઈ હતી અને તેનો રીતસર પ્રારંભ સન ૧૮૭૩ માં શરૂ થઈ, તે કાર્યની સમાપ્તિ સન ૧૯૦૧ માં થઈ હતી. એ પ્રમાણે સમસ્ત હિન્દ માટે ગેઝીટીઅર તૈયાર કરવાની પ્રવૃત્તિનો સન ૧૮૭૩ માં આરંભ થઈ સન ૧૮૮૨ માં તેની પહેલી આવૃત્તિ નિકળી હતી; તે પછી થોડાંક જ વર્ષોમાં-સન ૧૮૮૫-૮૭ માં તેની બીજી આવૃત્તિ થવા પામી હતી; અને સન ૧૮૯૩ માં એમાંના હિન્દ વિષેના પ્રકરણને સુધારીવધારી તેના વિદ્વાન સંપાદક સર વિલિયમ હંટરે ‘હિન્દ સામ્રાજ્ય’ એ નામે એક જુદું પુસ્તક પ્રકટ કર્યું હતું, તે લાંબા વખત સુધી પ્રચારમાં હતું. તે પછી ઇમ્પિરિયલ ગેઝીટીઅરની નવેસર સંકલના થઈ નવી આવૃત્તિ સન ૧૯૦૯ માં બહાર પડી હતી; તેના ઊપોદ્ઘાત રૂપે હિન્દ સામ્રાજ્ય વિષે ઘણી ઉપયુક્ત માહિતી ચાર વોલુયમમાં આપવામાં આવી છે, તે ધારણે ‘ગુજરાત સર્વસંગ્રહ’નું નિરૂપણ કરવામાં આવે તે તે કાર્ય સહેલું બની, ઘણું ઉપયોગી અને મહત્વનું થઈ પડે.
મુંબાઈ ઈલાકાના ગેઝીટીઅર વોલ્યુમો તૈયાર થયે ઘણાં વર્ષો વીતી ગયાં છે; તેમ તે ગ્રંથમાળાના ઘણાંખરાં વોલ્યુમો મળી શકતાં નથી; અને તે લખાયા પછી ઘણી નવી અને મૂલ્યવાન માહિતી પ્રાપ્ત થયેલી છે; અને વેપાર રોજગાર, વસ્તી, હુન્નર ઉદ્યોગ, વિગેરે વિષયો નવેસર લખાવા ઘટે છે.
દેશ દિનપ્રતિદિન પ્રગતિ કરે જાય છે અને આ પ્રકારની સંકલિત માહિતી રેફરન્સ કાર્ય માટે તદ્દન આવશ્યક છે; અને તે માટે અભ્યાસીઓ અને સામાન્ય વાચક વર્ગ તરફથી વારંવાર માગણી થયા કરે છે.
આ સંજોગોમાં આપણું કર્તવ્ય થઇ પડે છે કે એ ઉણપ પૂરી પાડવા કાંઈ પણ પ્રબંધ થવો જોઈએ; તે સારું સાધન સામગ્રી જે વેરણખેરણ પડેલી છે, તેનું એકીકરણ થવું જોઈએ; અને બીજી સંતોષકારક બીના એ છે કે, એ વિષયમાં રસ લેતા અભ્યાસીઓની સંખ્યા મ્હોટી છે, અને વધતી જાય છે, એટલે ‘ગુજરાત સર્વસંગ્રહ’નું સંપાદન કાર્ય શાસ્ત્રીય ધોરણે અને સફળતાપૂર્વક પાર ઉતારવામાં મુશ્કેલી પડે એમ નથી. પ્રશ્ન માત્ર એજ વિચારવો રહે છે કે તે યોજના કેવી રીતે વ્યવહારમાં મૂકી શકાય અને તેનો સંતોષકારક રીતે અમલ થઈ શકે.
તે મુદ્દા પર આવતા પહેલાં સાહિત્યના ક્ષેત્રમાં નિયોજિત મુદતબંધી કાર્યક્રમની રૂપરેખા ગઈ વખતે રજુ કરવામાં આવી હતી તે વિષયમાં શું થઈ શક્યું છે, તેની થોડીક વિગતો અહિં આપીશું, એવી શ્રદ્ધાથી કે નવી યોજના જે આપણે વિચારી રહ્યા છીએ, તેને એથી કાંઈક વિશેષ પ્રોત્સાહન મળે.
તે લેખમાં ત્રણ મુદ્દાઓ ચર્ચ્યા હતા. (૧) પ્રાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ સલંગપણે આલેખવા, પૂર્વતૈયારી રૂપે જૂદા જૂદા સંગ્રહોમાંની ઉપલબ્ધ હાથપ્રતોની કવિવાર અને સાલવાર એક વિસ્તૃત સૂચી થવી જોઈએ; (૨) અર્વાચીન સાહિત્યનો ઇતિહાસ સારી રીતે લખી શકાય તેને સારૂ અર્વાચીન વિદેહી જાણીતા સાહિત્ય કારોનાં જીવન ચરિત્રો વિવેચન દૃષ્ટિએ, લખાવવાં; તે નિમિત્તે વિદેહી સાહિત્યકારો સંબંધી કેટલીક હકીકત જે હાલ તુરત મળવાનો સંભવ છે, તે સંગ્રહવાનું બની શકે; અને (૩) બૃહત ગુજરાતી કોશની યોજના એક જવાબદાર, જૂદા જૂદા પ્રતિનિધિત્વવાળી મંડળી દ્વારા, ઉપાડી લેવાનું સૂચવવામાં આવ્યું હતું.
આ ત્રણમાંની પહેલી સૂચના સોસાઈટીએ અમલમાં સુદ્ધાં મૂકી દીધી છે; અને પ્રાચીન ગુજરાતી સાહિત્યની બને તેટલી સંપૂર્ણ સૂચી કરવાનું સંપાદન કાર્ય, એ વિષયમાં જેમને સારો અનુભવ અને જ્ઞાન છે, તે, જાણીતા અભ્યાસી શ્રીયુત કેશવરામ કાશીરામ શાસ્ત્રીને સોંપ્યું છે. ચરિત્ર વિષયમાં બુક કમિટીની ભલામણ પરથી સોસાઇટીની વ્યવસ્થાપક કમિટીએ, રણછોડભાઈ ઉદયરામ, મનઃસુખરામ, કવિ દલપતરામ, કવિ નર્મદાશંકર, ગોવર્ધનરામ, કલાપી, ભગવાનલાલ ઈન્દ્રજી, મણિલાલ નભુભાઈ, બાલાશંકર, રમણભાઈ, નરસિંહરાવ, નવલરામ, કેશવરામ હરિરામ વિગેરેનાં જીવનચરિત્રો હાલ તુરત તૈયાર કરાવવાનો નિર્ણય કર્યો છે; અને તે વિષે જાહેરાત આપી, આપવા આવેલી અરજીઓ પરથી તેમ બીજી રીતે તજવીજ કરી, તે ગ્રંથ લખી તેના યોગ્ય અધિકારી પુરુષોને વિનંતિ કરવામાં આવશે. મહાત્માજીના પ્રમુખપદે મળેલી સાહિત્ય સંમેલનની છેલ્લી બેઠકમાં ગુજરાતી કોશ વિષે નીચે મુજબ ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતો, “ગુજરાતી ભાષામાં એક સારા, મ્હોટા અને પ્રમાણભૂત કોશની ઉણપ લાંબા સમયથી માલુમ પડે છે, તે તાકીદે પૂરી પાડવા અને તે સારૂ યોગ્ય પ્રબંધ કરવા આ સંમેલન ગુજરાતી સાહિત્ય પરિષદને સૂચના કરે છે.”
મધ્યસ્થ સભાએ તે બાબતમાં શા વ્યવહારૂ પગલાં લઈ શકાય તે વિષે યોગ્ય સૂચના કરવા એક કોશ સમિતિ નીમી હતી, તેણે, પરિપત્રથી, ગુજરાત વિદ્યાપીઠ તરફથી બૃહત ગુજરાતી કોશની ગોઠવણ થઈ રહેલી છે, તેને સત્કારી લેવા અને તેને પુરતી સહાયતા આપવા, તેના પ્રયોજક શ્રીયુત નરહરિ ભાઇનો પત્ર વાંચ્યા બાદ, નિરધાર કર્યો છે; તે પત્રમાંનો ખપપૂરતો ભાગ અહિં ઉતારવામાં આવે છે તે ઉપરથી એ યોજના—તેના સ્વરૂપ અને ધોરણ-નો સ્હેજ ખ્યાલ આવશે:-
૧ શબ્દભંડોળ
(૧) આ કોશમાં વર્તમાન ગુજરાતી ભાષાનો શબ્દસંગ્રહ પૂરેપૂરો છે એવો દાવો કરી શકાય તે સારુ.
- (૧) સાહિત્યમાં ઊતરેલા તથા
- (૨) બોલીમાં ચાલતા
તમામ શબ્દો સંઘરવા પ્રયત્ન કરવો. તે માટે વર્તમાન શિષ્ટ સાહિત્ય-ગ્રંથસ્થ તેમજ શિષ્ટ સામયિકોનું-બધું તપાસી જઈ તેમાંથી શબ્દો લેવા. બોલીના શબ્દો સંઘરવા માટે ગુજરાતના બોલીવાર જુદા જુદા પ્રદેશો પડે છે ત્યાંના માણસોના સહકાર ઉપરાંત તે તે પ્રદેશમાં ખાસ માણસ મોકલી બરાબર તપાસ (સર્વે) કરાવી અને શબ્દો એકઠા કરવા.
૨ જૂનું સાહિત્ય
ઐતિહાસિક ક્રમને ખ્યાલ રાખી, આખા જૂના સાહિત્યમાંથી (આમાં જે જૂની ગુજરાતી ગણાય છે તેના શબ્દો નહિ આવે) પ્રતિનિધિ- ગ્રંથોની યાદી તૈયાર કરી તે ગ્રંથોમાં વપરાયેલા બધા શબ્દો સંઘરવા, (જે શબ્દોના અર્થ ન સમજાતા હોય તે પણ કોશમાં મૂકવા અને તે ક્યાં વપરાયેલા છે તે નોંધવું.)
આ યાદીમાં લગભગ દરેક લેખકને સ્થાન હોય અને ગ્રંથો નક્કી કરવામાં પણ બને તેટલી વિસ્તૃતતા રાખવામાં આવે.
૩ પરિભાષા
ઓછામાં ઓછા વિનીત (મેટ્રિક) સુધીના વૈજ્ઞાનિક શિક્ષણના વિષયોની પરિભાષા કોશમાં ઉતારવી, તેમાં
| શારીર | સંગીત |
| પદાર્થવિજ્ઞાન | ગણિત |
| રસાયણ | અર્થશાસ્ત્ર |
| આહાર | રાજકારણ |
| આરોગ્ય | જીવવિદ્યા |
| સ્વચ્છતા |
આટલાં વિજ્ઞાનોની પરિભાષા મેળવવી. તે તે વિજ્ઞાનનાં ચાલુ પાઠ્ય પુસ્તકોમાં તથા અન્ય ગ્રંથોમાં વપરાયેલી પરિભાષાનો સંગ્રહ કરી તેમાંથી પસંદગી કરવી જ્યાં શબ્દો ન હોય ત્યાં નવી પરિભાષા યોજવી. સાહિત્ય પરિષદ તરફથી વૈજ્ઞાનિક પરિભાષા માટે નિમાયેલી સમિતિની મદદ આ કામમાં મેળવી શકાય તેટલી મેળવવી.
(૨) ઔદ્યોગિક પરિભાષા-કાંતણ વગેરે ખાદીપ્રક્રિયા, સુતારી, લુહારી, ખેતી ઇત્યાદિ ધંધાની ઔદ્યોગિક પરિભાષા (પ્રાદેશિક બોલીની તપાસની સાર્થ સાથે જ) સંઘરવી. જ્યાં ઔદ્યોગિક શિક્ષણ ચાલે છે ત્યાંથી મેળવી શકાય તે પરિભાષા પણ મેળવવી.
૪ સાંપ્રદાયિક અને કોમી સાહિત્ય
- (૧) ગુજરાતના વિવિધ સાંપ્રદાયિક ગ્રંથો, જેવા કે સ્વામીનારાયણ, સંતરામ, કબીર, ઈ. ના જોઈ જવા.
- (૨) ખ્રિસ્તી, ગુજરાતી, પારસી-ગુજરાતી તથા ખોજા-ગુજરાતી સાહિત્યમાંથી પણ પ્રતિનિધિ ગ્રંથો જોઈ જવા.
આ સાહિત્યમાંથી જે શબ્દો લેવા તેની આગળ ‘ખ્રિ.’ પા, ‘ખો,’ એવી સંજ્ઞાઓ વાપરવી.
૨ શબ્દ પરિચય
સંઘરેલા શબ્દોનો બની શકે તેટલો પૂર્ણ પરિચય આપવો. તેમાં નીચેની વિગતો હોય.
(૧) શબ્દ સ્વરૂપ-જોડણી વિદ્યાપીઠની નિયમાવલિ અનુસાર રાખવી. જ્યાં જોડણી ઉચ્ચારણને બરાબર વ્યક્ત ન કરી શકાતી હોય ત્યાં ઉચ્ચારણ નોંધવું. આને અંગે યશ્રુતિ, હશ્રુતિ, એ તથા ઓના સાંકડા પહોળા ઉચ્ચારો, ફારસી જ, ઝ વગેરેના ભેદો, એ બધું નોંધવું જોઈશે.
(૨) વ્યાકરણ - શબ્દોનો પ્રકાર બતાવવા ઉપરાંત વ્યાકરણને લગતી ખાસ કોઈ વિગત હોય તો તે નોંધવી.
(૩) વ્યુત્પતિ—શક્ય હોય તેટલી......... વ્યુત્પતિ આપવી. વચગાળાના પ્રાકૃત તથા અપભ્રંશ રૂપો મળી શકે ત્યાં આપવાં. ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી વગેરેના ઉપલબ્ધ સાધનો પરથી મળતી બધી વ્યુત્પતિનો સંગ્રહ કર્યા બાદ જે શબ્દોની વ્યુત્પતિ અજ્ઞાત રહે તે શબ્દો વખતોવખત ગુજરાતના વિદ્વાનો આગળ મુકવા.
(૪) અર્થ-ટૂંકા છતાં સૂચક અને પુરા સ્પષ્ટ હોવા જોઈએ બને તેટલા સ્થાનોનો પર્યાય પણ નોંધવા.
(૫) અર્થોનો ઐતિહાસિક ક્રમ ઓક્સફર્ડ ડિક્સનેરીની રીતે આપણે શબ્દ નિબંધો તો નહિ લખી શકીએ પણ સાહિત્યના આપણા વાચનમાંથી મળે તેટલા અર્થક્રમ આપવા. શબ્દની વ્યુત્પત્તિ તથા વાપર ઉપરથી ઐતિહાસિક અર્થ વિકાસ આપી શકાય તેટલો આપવો. શબ્દો તેના નોંધેલા અર્થમાં ભાષામાં વપરાયેલા હોવાજ જોઈએ. તેનાં પ્રમાણભૂત ઉદાહરણ મેળવવાં અને તેના સ્થાનનો નિર્દેશ કરવો. વળી અર્થ તથા પ્રયોગની સ્પષ્ટતાની ખાતર જ્યાં ખાસ આવશ્યક જણાય ત્યાં અવતરણ પણ આપવું.
(૬) શબ્દ પ્રયોગ-વાક્યમાં એકજ શબ્દના જુદા પ્રયોગ થતા હોય તે ઉદાહરણ આપવાં જરૂરના લાગે ત્યાં આપીને નોંધવા.
(૭) શબ્દોને અંગે નીચેના જેવી વીગતો નોંધવી.
- (ક) શબ્દની પ્રાંતીયતા હોય તો તે જણાવવું
- (ખ) શબ્દ કાલગ્રસ્ત (obsolete) થએલો હોય તો તે બતાવવું.
- (ગ) સાહિત્યમાં નહિ પણ બોલીમાંજ વપરાતા હોય તેની નોંધ કરવી.
- (ઘ) શબ્દ ગ્રામ્ય હોય તો તે નોધવું.
શબ્દની આજુબાજુ જે કાંઈ વિશેષતા હોય તે નોંધવી.
૩ વસ્તુ પરિચય
શબ્દ પરિચય ઉપરાંત વસ્તુવાચક શબ્દોનો પરિચય આપવા કોઇક જ્ઞાનકોશના જેવી સામગ્રી આપવી. પણ તેમાં બહુ વિગતો ન હોય. વાચકને થોડી માહિતી મળે અને સમજવામાં મદદ થાય એટલી વિગતો આપવી જોઈએ. તેના અંગે નીચેના વિશે વિગતો મેળવીને એકઠી કરવી.
- (૧) વનસ્પતિ......ફળ, ફૂલ, વેલ, ઝાડ ઇ.
- (૨) પશુપક્ષી
- (૩) નાતજાત તથા કોમ
- (૪) વિશેષ નામો
સાહિત્યમાં ઉતરેલાં પોરાણિક, ભૌગોલિક, ઐતિહાસિક વગેરે
- (૫) રોગ, ઔષધિ ઇ.
- (૬) રમતો વગેરે વગેરે
X X X X X
એટલે કે જે મુદતબંધી કાર્યક્રમની રૂપરેખા યોજવામાં આવી હતી, તેનો અમલ બહુધા થઈ ચૂક્યો છે; અને તે પુસ્તકોની પ્રાપ્તિ નજદિકમાં થશે એવી આપણે આશા રાખીશું.
‘ગુજરાત સર્વસંગ્રહ’ની પ્રવૃત્તિ એજ પ્રમાણે નિશ્ચયપૂર્વક, તેના સંપાદનની વિચારપૂર્વક યોજના ઘડી કાઢી, ઉપાડી લેવામાં આવે તો ત્રણથી પાંચ વર્ષમાં તે કાર્ય અવશ્ય સિદ્ધ થવા પામે.
તેની વિગતોમાં આપણે હવે ઉતરીશું.
ગુજરાત સર્વસંગ્રહની સંકલના હિન્દ સામ્રાજ્ય-ઇમ્પિરિયલ ગેઝીટીઅરનાં ચાર પુસ્તકો પ્રસ્તાવના રૂપે છે, તેના ધોરણને અનુસરીએ તે ઈચ્છવા યોગ્ય છે, તેથી કાર્યમાં ઘણી સુગમતા થશે અને તેની વિગતો વિચારવામાં અને નક્કી કરવામાં જે સમય જાય અને શ્રમ કરવો પડે તે બચી જાય.x ચારસેં ચારસેં રોયલ આઠ પેછ પૃષ્ટનાં પાંચ ભાગમાં આપણે તેની વહેંચણી કરીશું.
જે વિષયને તેમાં સમાવેશ કરેલો છે, તે સર્વ આપણે સ્વીકારીશું; અને તે વિષયને આપણે અહિં કોણ યોગ્ય ન્યાય આપી શકે એમ છે, એવા એકથી વધુ અભ્યાસીઓનાં નામો નોંધીશું; પણ તે વિષે છેવટનો નિર્ણય તે કાર્ય હાથ ધરવાનું નક્કી થાય ત્યારે, દરેક લેખક સાથે ઘટતો પત્રવ્યવહાર કર્યા પછી, બની શકે.
- ઇમ્પિરિયલ ગેઝીટીઅરની નવેસરની રચના થઇ તેના અંગે મુંબાઈ ઇલાકાને લગતાં બે વોલ્યુમો ફરી લખાયા હતા, તે પ્રસ્તુત કાર્યમાં ખાસ ઉપયોગી થઇ પડશે.
આ યાદી માત્ર સૂચના રૂપે છે.
| ૧ ગુજરાતનું પ્રાકૃતિક વર્ણન | શ્રી. ભોગીલાલ ગિ. મહેતા શ્રી. હરિલાલ માંકડ શ્રી. દ્વારકાદાસ દોશી શ્રી. કૃષ્ણલાલ ત્રિ. શેઠ |
| ૨ ગુજરાતની ભુસ્તર વિદ્યા | શ્રી. ડાહ્યાભાઈ દેરાસરી શ્રી. વિજયલાલ ધ્રુવ શ્રી. દારાશા વાડીઆ |
| ૩ ગુજરાતની આબોહવા | ‘હવામાન’ના લેખક (શ્રી. ફોર્બસ સભાનું પ્રકાશન) શ્રી. છોટાલાલ પુરાણી શ્રી. હરિલાલ માંકડ |
| ૪ ગુજરાતની વનસ્પતિઓ | શ્રી. બાપાલાલ વૈદ્ય શ્રી. સુરેશ દિક્ષીત |
| ૫ ગુજરાતનું પ્રાણીવિજ્ઞાન | શ્રી. હરિનારાયણ આચાર્ય |
| ૬ ગુજરાતની નાતો | શ્રી. પ્રો. ઘુર્યે |
| ૭ ગુજરાતી ભાષા | શ્રી. મધુસૂદન સી. મોદી |
| ૮ ગુજરાતી સાહિત્ય (પ્રાચીન) | શ્રી. અંબાલાલ બુ. જાની શ્રી. મંજુલાલ ર. મજમુદાર શ્રી. કેશવરામ શાસ્ત્રી |
| ગુજરાતી સાહિત્ય (અર્વાચીન) | શ્રી. વિશ્વનાથ મ. ભટ્ટ શ્રી. વિજયરાય વૈદ્ય શ્રી. હિંમતલાલ અંજારિયા |
| ૯ ગુજરાતના ધર્મો | શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રી શ્રી. જેઠાલાલ શાહ શ્રી. મણિલાલ છો. પારેખ |
| ૧૦ ગુજરાતની વસ્તી | રા. બા. ગોવિંદભાઈ હાથીભાઈ શ્રી. સત્યવ્રત મુકરજી |
| ૧૧ ગુજરાતનું આરોગ્ય | ડૉ. બાલકૃષ્ણ પાઠક |
| ૧૨ ગુજરાતના ઉત્કીર્ણ લેખો | શ્રી. ગિરજાશંકર આચાર્ય |
| ૧૩ ગુજરાતના ઐતિહાસિક અવશેષો | શ્રી. ડી. વા. ડિસકળકર |
| ૧૪ ગુજરાતનું સ્થાપત્ય અને શિલ્પ | શ્રી. એચ. ડી. સાંકળિયા |
| ૧૫ ગુજરાતના સિક્કાઓ | શ્રી. રણછોડલાલ જ્ઞાની |
| ૧૬ ગુજરાતનો પ્રાચીન, મધ્યકાલીન, મુસ્લિમ, મરાઠા અને બ્રિટિશ સમયનો ઇતિહાસ | શ્રી. રત્નમણિરાવ શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રી પ્રો. કેશવલાલ કામદાર શ્રી. જિનવિજયજી પ્રો. કોમિસેરિયટ |
| ૧૭ ગુજરાતની ખેતી | શ્રી. ભાઈલાલ એસ. પટેલ |
| ૧૮ ગુજરાતનાં જંગલો | |
| ૧૯ ગુજરાતની ખનિજ સંપત્તિ | |
| ૨૦ ગુજરાતનાં હુન્નર ઉદ્યોગ | શ્રી. જયસુખલાલ મહેતા |
| ૨૧ ગુજરાતના વેપાર રોજગાર | શ્રી. જયસુખલાલ મહેતા |
| ૨૨ ગુજરાતની શરાફી | શ્રી. સી. એન. વકીલ |
| ૨૩ ગુજરાતની નહેરો | રા. સા. હરિપ્રસાદ ઠાકોર |
| ૨૪ ગુજરાતની રેલ્વે અને વ્યવહારના માર્ગ | ઠાકોર શ્રીયુત્ વિજયલાલ ધ્રુવ શ્રી. કે. ટી. શાહ |
| ૨૫ ગુજરાતનો રાજવહિવટ-સ્થાનિક સ્વરાજ્ય | શ્રી. સી. ડી. બરફીવાળા |
| ૨૬ ગુજરાતના દેશી રાજ્યો | શ્રી. જયંતિલાલ મોરારજી |
| ૨૭ ગુજરાતનું જમીન મહેસૂલ | રા. સા. ચીમનલાલ કવિ |
| ૨૮ ગુજરાતની કેળવણી | શ્રી. પ્રાણલાલ કી. દેશાઈ |
| ૨૯ ગુજરાતની કેળવણી અને પુસ્તકાલય પ્રવૃત્તિ | શ્રી. મોતીલાલ અમીન |
| ૩૦ ગુજરાતના વર્તમાનપત્રો અને માસિકો | શ્રી. ચુનીલાલ શાહ |
| ૩૧ ગુજરાતી ભીલ અને રાનીપરજ જાતિઓ | શ્રી. અમૃતલાલ ઠક્કર |
| ૩૨ ગુજરાતના ગ્રામ ઉદ્યોગ | શ્રી. શંકરલાલ બેન્કર |
| ૩૩ ગુજરાતનો પહેરવેશ અને રીત રીવાજો | |
| ૩૪ ગુજરાતનું સંગીત અને ચિત્રકળા | |
| ૩૫ ગુજરાતનાં બંદરો | |
| ૩૬ ગુજરાતનાં જાણીતા સ્ત્રી પુરુષો |
ઉપરોકત યાદી માત્ર નિર્દેશક છે; તેમાં બીજા ઘણા વિષયો ન્હાના મોટા ઉમેરી શકાય; તેમજ લેખકો પણ સારી સંખ્યામાં મળશે એવી પ્રતીતિ છે.
હવે તેની આર્થિક બાજુ તપાસીએ.
આશરે બેહજાર પૃષ્ટો ‘ગુજરાત સર્વસંગ્રહ’ માટે બસ થઇ પડે એવી ગણત્રી કરેલી છે અને તે પાંચ ભાગમાં વહેંચી નંખાય તો તેનો ઉપયોગ કરવાનું સવડભર્યું થઇ પડે, એમ માનવું છે. તેના સંપાદન માટે એક તંત્રીમંડળ નિમવામાં આવશે, જે તેની સંકલના અને સર્વ વ્યવસ્થા કરશે.
ઉપર સૂચવ્યા પ્રમાણે જે તે વિષય પર તેના નિષ્ણાત પાસે બહુધા લેખો મંગાવવામાં આવશે અને તેના લેખકને દર પૃષ્ટે રૂ. બે પ્રમાણે પારિતોષિક આપવામાં આવશે. પ્રસ્તુત પ્રવૃત્તિ આર્થિક લાભની દૃષ્ટિએ નહિ પણ સેવાભાવથી ઉપાડી લેવામાં આવે છે, એ ભૂલાવું જોઈએ નહિ.
તેના ખર્ચનો અંદાજ નીચે મુજબ છે:
| પારિતોષિક દરપૂષ્ટે રૂ. બે પ્રમાણે (૨ x ૨૦૦૦) | ૪૦૦૦ |
| પ્રેસકોપી-કલાર્કનો ખર્ચ ૦ાા ના પ્રમાણે ( ૦ાા x ૨૦૦૦) | ૧૦૦૦ |
| તંત્રી મંડળને દરપૂષ્ટે રૂ. ૧ પ્રમાણે (૧ × ૨૦૦૦) | ૨૦૦૦ |
| પટાવાળા અને ઓફીસનું ખર્ચ | ૧૫૦૦ |
| છપામણી ખર્ચ ૨૫૦ ફોર્મ રૂ. ૧૦ પ્રમાણે (૧૦ × ૨૫૦) | ૨૫૦૦ |
| કાગળ ૨૫૦ રીમ | ૩૦૦૦ |
| વળામણી બગાડ વગેરે મળી | ૫૦૦ |
| પુસ્તકો, પોષ્ટેજ, કંટીજંટ વગેરે*[1] | ૫૦૦ |
| રૂ. ૧૫૦૦૦ |
અગાઉથી ગ્રાહક નોંધીને અથવા લિમિટેડ મંડળી રૂપિયા દશના શેરની રૂ. વીસ હજારની મૂડીની ઊભી કરે, આ કાર્ય સહેલાઈથી થઈ શકે એવું મારું માનવું છે.
આ ગ્રંથો ગ્રાહકોને અથવા શેર હોલ્ડરોને રૂ. દશની કિંમતે આપી શકાય; તોપણ ખાધ આવે નહિ; અને તે પુસ્તકો પ્રસિદ્ધ થયા પછી તેની કિંમત રૂ. પંદર રાખવામાં આવે તે પાંચ ભાગો માટે વધારે ન કહેવાય. તેમાંથી જે નફો રહે તેમાંથી એ કાર્ય ચાલુ રાખી, હિન્દ સર્વ સંગ્રહ, એશિયા સર્વસંગ્રહ, વિશ્વ સર્વસંગ્રહ એવી ગ્રંથમાળા પ્રયોજી શકાય સ્વર્ગસ્થ મલબારીની એક શીખામણ હતી કે પહેલા આપણે આપણા ઘરથી પરિચિત થવું જોઈએ; પછી શેરીથી, પછી શહેરથી, પછી તાલુકાથી, પછી જીલ્લાથી, પછી પ્રાન્તથી એમ ઉત્તરોત્તર જ્ઞાન વધારતા જવું. અત્યારની આપણી પરિસ્થિતિમાં આપણે ગુજરાત સર્વસંગ્રહ, હિન્દ સર્વસંગ્રહ. એશિયા સર્વસંગ્રહ અને અંતે, વિશ્વ સર્વસંગ્રહ એમ વધતે વધતે પ્રગતિ કરીએ તો તેમાં આર્થિક જોખમ મ્હોટું ખેડવું પડશે નહિ અને તેનો અમલ કરવામાં મુશ્કેલી જણાશે નહિ; ઉલટું પાછલા કામનો અનુભવ નવી પ્રવૃત્તિ ઉપાડી લેવામાં બહુ સહાયભૂત થશે.
ગુજરાતમાં ચાર મ્હોટી સાહિત્ય સંસ્થાઓ છે. સંખ્યાબંધ દેશી રાજ્યો છે, નિશાળો એટલી બધી છે કે એમાંનો ચોથા ભાગ પણ એક એક પ્રત ‘ગુજરાત સર્વસંગ્રહ’ની ખરીદે તો તેની બે હજાર પ્રતો જોતજોતામાં ખપી જાય. જેમ વધુ પ્રતો કાઢવામાં આવે તેમ તેનું ખર્ચ ઓછું આવે અને તે સરતી કિંમતે આપી શકાય એ સ્પષ્ટ છે. ગુજરાત વર્નાકયુલર સોસાઈટી કે ગુજરાતી સાહિત્ય પરિષદના આશ્રય હેઠળ આ યોજના ઉપાડી લેવામાં આવે તો તેની પ્રતિષ્ઠાનો લાભ મળી, તેના ગ્રાહકો શરૂઆતથી સારી સંખ્યામાં મળે અને તે કાર્ય પરિપૂર્ણ થશે એવી તે સૌને પ્રતીતિ પડે. અંતમાં આ વિષયમાં રસ લેતા સૌ કોઇ સાહિત્ય રસિક બંધુને મારી નમ્ર વિનંતિ છે કે તે પ્રસ્તુત યોજના વિષે તેમના અભિપ્રાય મને લખી મોકલે અથવા તે વિષે વર્તમાનપત્રમાં ચર્ચા કરે. એ રીતે ચર્ચા થતાં તેમાંથી એ પ્રશ્નનો ઉકેલ થઈ, ઇપ્સિત ફળની પ્રાપ્તિ થશે.
તા. ૧૭-૧૦-૧૯૩૭
ગુ. વ. સોસાઈટી અમદાવાદ
હીરાલાલ ત્રિ. પારેખ
- ↑ • ઓફીસ અને પટાવાળાનો ખર્ચ હેતુપૂર્વક આપ્યો નથી.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.