ધીરેન્દ્ર મહેતાની કવિતા/ખારી નદી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 03:15, 21 February 2026

૪૪.
ખારી નદી*[1]

ખારાશ બધીયે ખેંચીખેંચી
ખેંચાઈ ગઈ એ પોતે
(પોતાની અંદર?)
સંકોચાતી હોય ગામથી એ રીતે
પડી રહે એકાકિની
આ વિજન વાટે
સુક્કા દેશેઃ
તજી દીધી હોય એવી
‘ખારી નદી’ની લાંછન જેવી ઓળખ સાથે
સૂની નદી આ...
ફાટી ગયેલી આંખો જેવી
એની ફાટો
ભજવતાં દૃશ્યોને નીરખે...
કાંઠે જલી ઊઠતાં શરીરો સાથે
નિઃશેષ થતા સંબંધો...
ધુમાડાના ગોટેગોટે ઘુમરાતું ભાવિ
પીઠે લાદી
ડાઘુઓ સૌ ચાલ્યા...
સીધી સ્વર્ગબારણે લઈ જતી
આ નદીકિનારે
અગ્નિદાહ અપાય
એવી એકજ એ વાંછા
ચાંપી છાતી સાથે
દ્હાડા ગણતાં ઘરમાં
ચોપાડે જે સૂતાં
ઘરડાંઓની પડખે થઈને ચાલ્યા જતા એ ડાઘુ...
સન્નાટાઘેરી
કો’રાતે
‘બિડાયેલી
આ આંખોની ધારે
વહી આવતી
આંસુની ધારા
હોઠને ખૂણે અટકે...
સ્પર્શ સરીખા આછેરા સ્વાદે એના
બુદ્બુદ્ બુદ્બુદ્
શબ્દ સરે-
ખારી નદી?’
૨૯-૫-૨૦૧૨


  1. * ભાગોળે સ્મશાનભૂમિને અડીને આવેલી ભુજની એકમાત્ર નદી, એ ભૂમિ પર અગ્નિસંસ્કાર થવાથી સ્વર્ગપ્રાપ્તિ થાય છે એવી પ્રચલિત માન્યતા.