ચિત્તવિચારસંવાદ/આમુખ: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 04:09, 2 March 2026
ઈસવી સનના ૧૭મા શતકમાં થયેલા અખા ભગત ગુજરાતી સાહિત્યના અસામાન્ય પ્રતિભાશાળી કવિ છે. તેમના જીવન વિશે ચોક્કસ પ્રમાણભૂત માહિતી મળતી નથી પણ તેમની કૃતિઓમાં પુરાણો, જ્યોતિષ, ખગોળ, શિલ્પ, સંગીત, વૈદિક વિદ્યાઓ, લોકસમયો, કવિસમયો વગેરે વિશેના પ્રચુર ઉલ્લેખોથી એ સ્પષ્ટ જણાય છે કે તેમના જ્ઞાનનો વ્યાપ અસાધારણ હતો, અને જીવનને તેમણે સૂક્ષ્મ રીતે અવલોક્યું હતું અને સાક્ષી-ભાવે અનુભવ્યું હતું. તેઓ જ્ઞાનમાર્ગી ધારાના કવિ છે અને તેમના તત્ત્વચિંતનનો પાયો કેવલાદ્વૈત વેદાંત છે. ગૌડપાદાચાર્યના તત્ત્વવિચારની તેમની કૃતિઓમાં સ્પષ્ટ અસર જણાય છે. ન્યાય-વૈશેષિક, સાંખ્ય-યોગ આદિ દર્શનોની પણ સચોટ સમજ તેમણે દાખવી છે. આવા અખા ભગતની ‘ચિત્તવિચારસંવાદ’ નામક ૪૧૧ કડીની કૃતિની સંશોધિત વાચના પીએચ.ડી. ઉપાધિ માટેના મહાનિબંધ અર્થે કુ. કીર્તિદાબેન રતિલાલ જોશીએ તૈયાર કરી અને હવે તે પ્રકટ થાય છે તેનો આનંદ છે. વિશેષ આનંદ એ વાતનો છે કે પ્રો. જયંતભાઈ કોઠારી જેવા સંનિષ્ઠ વિદ્યાવ્યાસંગી સજ્જન એવા ગુરુના માર્ગદર્શન હેઠળ આ કામ થયું છે, તેથી ઘણું ઝીણું કાંત્યું હોય તો તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. ડૉ. કીર્તિદાબેન જોશીએ પ્રસ્તાવનામાં અખાના જીવન અને સાહિત્ય-સર્જન વિશે વિસ્તૃત સમીક્ષા કરી છે. તે પછી ભારતીય તત્ત્વવિચારની પરંપરાનું પ્રતિપાદન કરતાં વૈદિક સંહિતાઓ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યક, ઉપનિષદ્, વેદાંગ, સૂત્ર-સાહિત્ય, શ્રુતિ-સ્મૃતિ અને દર્શનો અંગે સંક્ષેપમાં સમજ આપી છે, છ વૈદિક દર્શનો વિશે સંક્ષિપ્ત પણ સારું પ્રતિપાદન કર્યું છે અને અખાજી કેવલાદ્વૈત-પરંપરાના હિમાયતી હોઈ શંકરાચાર્યના કેવલાદ્વૈત વિશે વધુ વિસ્તારથી વિવરણ કર્યું છે, જે વાચકને ખૂબ ઉપયોગી બનશે. અન્ય વિચારપરંપરાઓ જેમાં તંત્રમાર્ગ અને સંતપરંપરા મુખ્ય છે, તેમની પણ સહાનુભૂતિપૂર્વક નોંધ લીધી છે. આટલી ચર્ચા કર્યા પછી ‘ચિત્તવિચારસંવાદ’ના વિષયવસ્તુનું વિશ્લેષણ કર્યું છે અને તેની સમીક્ષા કરી છે. આ કૃતિમાં અખાનું મુખ્ય લક્ષ્ય ચિત્તને તેના શુદ્ધ સ્વરૂપની અર્થાત્ ચિત્સ્વરૂપની ઓળખાણ કરાવવી તે છે. ગૌડપાદાચાર્ય કહે છે તેમ મનનો અમનીભાવ થતાં આત્માનુભૂતિ થાય અને દ્વૈત ટકી શકે નહીં. ચિત્ત અને વિચારના સંવાદ દ્વારા ખૂબ રોચક અને પ્રતીતિકારક રીતે, જરૂર જણાય ત્યાં સુંદર દૃષ્ટાંત આપીને જીવના બ્રહ્મભાવ કે ચિત્તના ચિત્-સ્વરૂપનું આલેખન કર્યું છે. ઈશ્વર થવાના મોહમાં ન ફસાવું જોઈએ એમ વાંચીએ ત્યારે તો શંકરાચાર્ય જ યાદ આવે. અખાજી ભક્તિ વગેરેમાં માનતા હોવા છતાં અદ્વૈતના ક્ષેત્રમાં જ તેમનું સ્થાન છે, જ્યાં બધું એક જ છે ત્યાં કોણ કોને ભજે, કોને આરાધે – એ તેમનું દૃઢ મંતવ્ય છે. આત્માનુભૂતિ થતાં કશું કરવાનું રહેતું નથી. ડૉ. કીર્તિદાબહેને અખાજીની કૃતિ સમજવા માટે ભારતીય દર્શનો અને તેમાંય કેવલાદ્વૈતવાદનું જ્ઞાન મેળવવા ઘણો પ્રયત્ન કરીને ઊંડી સમજ મેળવી છે એમાં શંકા નથી. સંશોધિત વાચના તૈયાર કરવા માટે જે બૌદ્ધિક વ્યાયામ જરૂરી છે તે કર્યો છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. અંતે કઠિન કે પારિભાષિક શબ્દોની સંક્ષિપ્ત વ્યાખ્યા કરી છે અને સંદર્ભગ્રંથોની સૂચિ આપી છે. ડૉ. કીર્તિદાબેનને આવું ઉપયોગી કામ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં પણ વિદ્યાક્ષેત્રે તેમના તરફથી ઉત્તમ પ્રદાન પ્રાપ્ત થતું રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ.
અમદાવાદ
તા. ૨૩-૩-૧૯૯૨
એસ્તેર સોલોમન
(ભૂતપૂર્વ સંસ્કૃત વિભાગાધ્યક્ષ,
ભાષા-સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી)