ચિત્તવિચારસંવાદ/નિવેદન
મારા મહાનિબંધનું આ મુદ્રિત સ્વરૂપ એ મેં આદરેલા નાનકડા જ્ઞાનયજ્ઞનું સુફળ છે. આ યજ્ઞકાર્યે મને મારા વિષય પરત્વે સમૃદ્ધ કરી છે, સાથેસાથે માનવસંબંધોથી પણ હું સમૃદ્ધ થઈ છું. મારું આ કાર્ય, મને જો અનેક વિદ્વાન અને સહૃદયી વ્યક્તિઓ તથા ગ્રંથાલયોનો સાથ ન મળ્યો હોત તો સરળ ન બનત. અભ્યાસવિષય કૃતિની હસ્તપ્રતો મને સુલભ કરી આપનારાં ગ્રંથાલયો – ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ, પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા અને મુ. શ્રી કનુભાઈ યોગીન્દ્ર ત્રિપાઠીની હું હૃદયપૂર્વકની ઋણી છું. ફાર્બસ ગુજરાતી સભાના ગ્રંથપાલ મુ. શ્રી મંજુબહેનનો તો અત્રે હું વિશેષ આભાર માનું છું. કેમકે તેઓએ ઘણા લાંબા સમય સુધી અભ્યાસ વિષય કૃતિની હસ્તપ્રત મારી પાસે રાખવા દીધી હતી. જી. એલ. એસ. આટ્ર્સ કૉલેજના આચાર્યશ્રી મંગળ વેઢેકર સાહેબે મને કૉલેજના ગ્રંથાલયનો ઉપયોગ કરવાની છૂટ આપી તે માટે તેઓનો આભાર માનું છું. અભ્યાસ કરતાં કરતાં ‘ચિત્તવિચારસંવાદ’ કૃતિના પાઠ અને શબ્દાર્થના કોયડાઓ ઉકેલવામાં મને મદદરૂપ થનારા મુ. ડૉ. હરિવલ્લભ ભાયાણી સાહેબ, તત્ત્વવિચારના પ્રશ્નોમાં સહાયક થનારાં મુ. ડૉ. એસ્તરબહેન સોલોમન, ડૉ. લક્ષ્મેશ જોશી અને ડૉ. મધુસૂદન બક્ષી તેમજ વૈદકના સંદર્ભો પરત્વે માર્ગદર્શન આપનારા વૈદ્યરાજ શોભન વસાણી – આ સૌ વિદ્વાનોની હું હૃદયપૂર્વકની ઋણી છું. પદ્મશ્રીથી વિભૂષિત ડૉ. એસ્તરબહેન સોલોમને મારા મહાનિબંધ માટે આશીર્વચન લખી આપ્યાં તે માટે હું આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરું છું. લેખનસ્વરૂપ જ્યારે મુદ્રણમાં મૂકવું હોય ત્યારે મનમાં કેટલીક દ્વિધા થાય છે. આ દ્વિધામાંથી મુક્ત થવા માટે મને માર્ગદર્શન આપનારાં સન્માનનીય ગુરુજનો શ્રીમતી તરલાબહેન દેસાઈ અને શ્રીમતી પ્રેમાબહેન ટટુનું અત્રે સાદર સ્મરણ કરું છું. આ જ્ઞાનયજ્ઞનો આરંભ મેં જેમની પાસે કર્યો અને અંત સુધી જેઓ મારી સાથે રહ્યા છે એ મારા માર્ગદર્શક પ્રો. જયંત કોઠારી પ્રત્યે ઋણ વ્યક્ત કરવા માટે મારી પાસે ભાષા નથી. અ. સૌ. મંગળાભાભીને તો કેમ ભુલાય? તેમણે મારા અભ્યાસના એ સમય દરમ્યાન મારી ખૂબ કાળજી રાખી છે તેનો મને આનંદ છે. ભગવતી મુદ્રણાલયના ભીખાભાઈએ મુદ્રણકામ ખૂબ સારું કરી આપ્યું છે તેનો મને આનંદ છે. પ્રો. કાંતિભાઈ શાહ પ્રૂફરીડિંગના કામમાં મારી સાથે રહ્યા છે. એમની કાળજીપૂર્વકની સહાય માટે હું એમની ઋણી છું. મારા અભ્યાસ દરમ્યાન મારાં કુટુંબીજનોનું પ્રોત્સાહન મને હમેશાં મળ્યું છે, એ સૌની મારા પ્રત્યેની લાગણીનું અત્રે સુખદ સ્મરણ કરું છું.
કીર્તિદા જોશી