સાહિત્ય પલ્લવ – ભાગ ૧/જય જગનાથ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 11:16, 22 March 2026
જય જગનાથ!
આરતી
ડુંગર ટોચે દેવ વિરાજે, ખીણમાં ખદબદ માનવકીટ;
પરસેવે લદબદ ભગતો ને પ્રભુમસ્તક ઝગમગત કિરીટ!
જય જગનાથ! જય જગનાથ!
અવિનાશીને અન્નકોટના આવે નિત અમૃત ઓડકાર:
ખીણમાં કણ કણ કાજે મરતાં માનવ-જન્તુ રોજ હજાર! ૫
જય જગનાથ! જય જગનાથ!
પ્રભુને નિત જરકશીના જામા : પલક પલક પલટાયે ચીર!
ખીણના ખેડુ આબરૂ-ઢાંકણ આયુભર પામે એક લીર!
જય જગનાથ! જય જગનાથ!
ખીણના ખાતર ખેડુ પૂરશે ધરતીમાં ધરબી કૃશ કાય; ૧૦
ડુંગર દેવા જમી પોઢશે ઘુમ્મટની ઘેરી શીળી છાંય!
જય જગનાથ! જય જગનાથ!
કીડી કણ, હાથીનો હારો : સૌને સૌનું જાય મળી;
જગન્નાથ, સૌને દેનારો : અર્ધવાણી તો આજ ફળી!
જય જગનાથ! જય જગનાથ! ૧૫
જગન્નાથનો જય પોકારો : કીડીને કણ પણ મળી રે‘શે;
ડુંગરનો હાથી તો હારો, દો નવ દો, પણ લઈ લેશે!
જય જગનાથ! જય જગનાથ!
[આલબેલમાંથી]
સ્વાધ્યાય
૧. પ્રભુ અને ભક્ત વચ્ચે કવિ કયા કયા સ્થિતિ-ફેર નોંધે છે?
૨. ‘અર્ધવાણી તો આજ ફળી!’ એમ કવિ શા માટે કહે છે?
૩. ‘કીડી કણ, હાથીનો હારો ‘એમ કહી કીડી તરીકે અને હાથી તરીકે કવિ કોનું કોનું સૂચન કરે છે?
૪. કવિનો કટાક્ષ આ કાવ્યની કઈ પંક્તિમાં તેની પરાકાષ્ટાએ પહોંચે છે?