આત્મપરિચય/સુરેશ જોષી : એક વિલક્ષણ સર્જક વ્યક્તિત્વ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} સુરેશ જોષીના સર્જનાત્મક વ્યક્તિત્વનો પરિચય મેળવવા માટે એક...")
(No difference)

Revision as of 00:10, 24 July 2021

સુરેશ જોષીના સર્જનાત્મક વ્યક્તિત્વનો પરિચય મેળવવા માટે એક રીતે જોઈએ તો તેમના સર્જન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પરંતુ જો બીજાં કોઈ સ્રોત મળતાં હોય તો તે જોવામાં કોઈ છોછ ન હોવો જોઈએ. જે સર્જકો માત્ર રૂપરચનાવાદી અભિગમ અપનાવીને બેઠા હોય તેમને માટે તેમની કૃતિઓની બહાર જવું જરૂરી નથી. જે સર્જકોએ સાંગોપાંગ રૂપરચનાવાદી અભિગમ અપનાવ્યો ન હોય તેમનું મૂલ્યાંકન કરવા માટે તેમની પ્રત્યેક રચનાને સ્વાયત્ત, જૈવિક ઘટના માનીને જો વિવેચન ચાલે તો સાચું મૂલ્યાંકન થઈ ન શકે. જે અભિગમ આપણને કૃતિના કે સર્જકના હાર્દ સુધી પહોંચાડે નહિ તેને બાજુ પર પણ મૂકી શકાય. કૃતિલક્ષી કે અમેરિકન નવ્ય વિવેચન સામેનો વિરોધ આ સંદર્ભમાં સમજવો જોઈએ. સર્જકને, કૃતિને પામવા કૃતિની બહાર જવું પણ પડે. એટલે જો આપણે સુરેશ જોષીના વ્યક્તિત્વને સમજવામાં એમની રચનાઓ સિવાયના જગતમાં જઈ ચઢીએ તો કશું ખોટું નથી. મર્યાદિત ભૂમિકાએ એમના જીવનની ઝાંખી કરી શકાય. એમણે અંગત રીતે પોતાના વિશે ઝાઝું લખ્યું નથી, પરંતુ સુમન શાહ સંપાદિત ‘આત્મનેપદી’માં એમની એક મુલાકાત ગ્રંથસ્થ થઈ છે. એમાં પહેલી વાર મોકળાશથી પોતાના અંગત જીવન વિશે થોડી વાતો સુરેશ જોષીએ કરી છે. શિશુકાળમાં થયેલા અનુભવોએ એમને માટે અદ્ભુત, ભયાનકનાં દ્વાર ખોલી આપ્યાં, સાથે સાથે એક બાજુ ઇન્દ્રિયજન્ય સંવેદનો માણવા માટેની સભર, ઉત્કટ ચેતનાશક્તિ અને બીજી તરફ મૃત્યુનો સાક્ષાત્કાર — આ બે વડે જે વ્યક્તિત્વ ઘડાયું તે જીવનભર એમની કૃતિઓમાં એક અથવા બીજી રીતે પ્રગટ થતું રહ્યું. તેમની પ્રકૃતિને બહુ જલદી આધ્યાત્મિક રંગ લાગ્યો હતો. શરૂઆતમાં વિવેકાનન્દથી અને પાછળથી રમણ મહષિર્થી પ્રભાવિત થયા. કદાચ સંસારની માયા ત્યજીને જે માટી, સોનામાં ભેદ જોતો નથી એવા વૈરાગી જીવ તેઓ બની ગયા હોત પરંતુ એવામાં પ્રવેશ્યા રવીન્દ્રનાથ, તપસ્વિની મળે તો જ વનમાં જવા તૈયાર થાય એવા રવીન્દ્રનાથ; અને એમાં ભળી પ્રેમની અનુભૂતિ. આમ સંસારની માયાથી દૂર જઈ શકાયું નહીં. રવીન્દ્રનાથની આંખે ઘણું બધું જોવા માંડ્યું, પરંતુ હજુ નવી ક્ષિતિજોના પરિચયને વાર હતી. મુંબઈના એક મિત્ર રસિક શાહે તેમને જરા જુદા પ્રકારના વૈજ્ઞાનિક તત્ત્વદર્શન, મનોવિજ્ઞાનનો પરિચય કરાવ્યો, તો બીજા મિત્ર જયંત પારેખે યુરોપઅમેરિકાની આધુનિક સાહિત્યકૃતિઓ વડોદરા પહોંચાડવા માંડી. આ ઉપરાંત સુરેશ જોષીના વ્યક્તિત્વને ઘડવામાં ૧૯૫૦માં વડોદરા ખાતે સ્થપાયેલી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો. આખા ભારતમાંથી કળાકારો અહીં આવ્યા. વિશ્વભરની પરંપરાગત, આધુનિક કળાસૃષ્ટિની વાતો થવા માંડી, અહીં તાલીમ પામેલા જ્યોતિ ભટ્ટ, ગુલામમોહમ્મદ શેખ, જેરામ પટેલ, ભૂપેન ખખ્ખર વગેરે મિત્રો દ્વારા આ કળાજગતની વાતો તેમના સુધી આવવા માંડી અને સાહિત્યને અન્ય કળાઓના સન્દર્ભમાં જોવાની એક નવી દૃષ્ટિ સાંપડી. હજુ બીજા એક જગતનો પરિચય કરવાનો બાકી હતો. દોસ્તોએવ્સ્કી જેવા સર્જકોથી અસ્તિત્વવાદી દર્શન પણ પ્રવેશ્યું. ભારતીય તત્ત્વદર્શનની પરંપરાઓ સામે અસ્તિત્વવાદથી કેળવાયેલા ચિત્તો કેટલાક પ્રશ્નો ઊભા કર્યા, એથી કરીને તેમના વ્યક્તિત્વમાં નવાં પરિમાણો ઉમેરાયાં, પણ મૂળભૂત વ્યક્તિત્વ તો જીવનની અપરોક્ષાનુભૂતિ દ્વારા ઘડાયેલું હતું. સુરેશ જોષીની ઓળખ રૂપવાદી વિવેચક તરીકે આપવાનો એક શિરસ્તો પડી ગયો છે. તેમણે પોતે પણ અવારનવાર રૂપરચનાવાદનો મહિમા ગાયો હતો. નવ્ય વિવેચનના ઘણા બધા સંસ્કારોએ કૃતિનિષ્ઠ વિવેચનના આદર્શો તેમની સમક્ષ ઊભા તો કરી આપ્યા પરંતુ સર્જક તરીકે (‘ગૃહપ્રવેશ’ અને ‘જનાન્તિકે’થી શરૂ થતી સર્જનયાત્રા) અને રવીન્દ્રનાથ, જીવનાનન્દ દાસ, દોસ્તોએવ્સ્કી, કાફકા, ક:મ્યૂ જેવાની સર્જનયાત્રાના પરિચય કરાવતી વખતે વિવેચક તરીકે તેમનો એ અભિગમ — અર્થાત્ કૃતિનિષ્ઠ અભિગમ — ન ટકી શક્યો. એક રીતે જોઈશું તો સર્જક તરીકે અને સાહિત્યકૃતિઓના આસ્વાદક તરીકે તેમનો અભિગમ મુખ્યત્વે ફિનોમિનોલોજિકલ, ચૈતન્યલક્ષી, ચેતોવિસ્તારની સતત ખેવના રાખનારા આપણા સંસ્કૃત કાવ્યાચાર્યોએ પુરસ્કારેલ ભાવકલક્ષી અભિગમ રહ્યો હતો. એનાથી એમની વિવેચનભાષા ઉષ્માસભર, પ્રાસાદિક અને આત્મીય બની. ગુજરાતીમાં જ નહિ પરંતુ અન્ય ભાષાઓમાં સર્જક-વિવેચકની એક પરંપરા જોવા મળે છે; ટી.એસ.એલિયટ, પોલ વાલેરી, સ્ટીફન માલાર્મે કે બવ્વંતરાય ઠાકોર, રામનારાયણ પાઠક, સુહદરમ્, ઉમાશંકર જોશી વગેરે. કેટલીક વખત આવા સર્જકોની વિવેચના તેમની સર્જનપ્રક્રિયાના પરિણામ રૂપે હોય છે. પોતાના સર્જનને આધારે ઘડેલી સાહિત્યવિભાવનાને ધોરણ તરીકે જાણેઅજાણે તેઓ સ્થાપી દેતા હોય છે. સાહિત્યના-કળાના ઇતિહાસમાં આવું અનેક વાર બન્યું છે. એટલે જ આધુનિક ચિત્રકાર હેન્રી માતીસે ઘનવાદી ચિત્રકારોને અસ્વીકાર્યા, ઘનવાદી ચિત્રકારોએ અમૂર્ત શૈલીના ચિત્રકારોને બાજુ પર મૂક્યા; બવ્વંતરાય ઠાકોરે નાનાલાલ કવિને સ્વીકૃતિ ન આપી; સુરેશ જોષીએ પણ ઘણા બધાને અસ્વીકાર્યા. આ પ્રકારનાં ભયસ્થાનોને આપણે સૌએ ભાવક તરીકે તો ઓળખવા રહ્યાં. સુરેશ જોષી જેવા સર્જકને મૂલવતી વખતે એક બીજી વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે. જેની એક કૃતિ અને બીજી કૃતિ વચ્ચે કોઈ સમ્બન્ધ નથી એવા સર્જકો, જેની એક કૃતિની સમૃદ્ધિથી અંજાઈને બીજી કૃતિ માટે ઉત્સુક થઈ ઊઠીએ એવા સર્જકો, જેની એક કૃતિનાં કથયિતવ્ય તથા રૂપનિર્માણની સંકુલ સમૃદ્ધિ પામવા બીજી કૃતિમાં જવાની ફરજ પડે એવા સર્જકો (આ જૂથમાં પ્રથમ પંક્તિના સૌ સર્જકો આવે) સુરેશ જોષી આ ત્રીજા જૂથમાં આવે. એટલે જ તેમની વાર્તાઓનું હાર્દ પામવા અન્ય વાર્તાઓ જ નહિ પરંતુ નિબન્ધો સુધી પહોંચવા માટે આપણને ફરજ પડે છે. ગુજરાતી ભાષામાં સુરેશ જોષી ઉપરાંત આવા સર્જકો છે એ આપણા માટે આનંદ અને ગૌરવની વાત છે. એક વિદ્રોહી સર્જક તરીકે સુરેશ જોષી ‘મનીષા’(૧૯૫૫)થી જ વિવાદાસ્પદ રહ્યા હતા. ખાસ કરીને તો તેમની ટૂંકી વાર્તાની વિભાવના સામે ભારે ઊહાપોહ થયા કર્યો. ઘટનાનું તિરોધાન, ઘટનાહ્રાસ, ઘટનાલોપની વાતો ચારે બાજુ કાચીપાકી, ખરીખોટી સમજ સાથે અથડાવા લાગી. એમ તો ધૂમકેતુએ પણ વસ્તુવિધાન, પાત્રાલેખન અને શૈલી — ત્રણેના સુંદર મેળમાંથી જ ઉત્તમ વાર્તા જન્મે એમ ક્યાં કહ્યું નહોતું? તો પછી ઘટનાના તિરોધાનની વાત સુરેશ જોષીએ કરી ત્યારે વિરોધ કેમ થયો? કહેવું જોઈએ કે આ સમજવામાં થોડી મુશ્કેલી પડતી હતી. શીલરે complete annihilation of matterની વાત કરી હતી. આ જર્મન ચંતિકને બાજુએ મૂકીને જો આપણે સંસ્કૃત કાવ્યસિદ્ધાન્ત પાસે જઈએ, પ્રત્યક્ષ રીતે ન જવાય તો ડોલરરાય માંકડ — નગીનદાસ પારેખની મદદ લઈએ તો કદાચ એ વાતનું હાર્દ વધુ સારી રીતે સમજી શકાય. (સરખાવો : ‘વધુમાં વધુ ઇષ્ટ અસર… ઉપજાવવા માટે… તેવી ભાષા, તેવા છંદ, તેવા અલંકાર, તેવી રીતિ, તેવા રસ આદિથી અંકિત કરીને કવિ શબ્દદેહ અર્પે છે. આ ભાષાદિના વાઘા સજાતાં જ મૂળ વાસ્તવિક પ્રસંગાદિનું પૂરું તિરોધાન થાય છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ મૂળ વસ્તુનું તિરોધાન થાય છે એમ કહે છે તેનો અર્થ આ જ છે.’ (‘કાવ્યવિવેચન’ : ડોલરરાય માંકડ) સાદી ભાષામાં કહેવું હોય તો વિષયવસ્તુને છંદ, અલંકાર, પ્રતીક, કલ્પન, અન્વય જેવી યુક્તિપ્રયુક્તિઓ વડે સાકાર કરવું એનું નામ વસ્તુનું તિરોધાન. એવી જ રીતે સુરેશ જોષીએ ભાષાના પુનવિર્ધાનની વાત ઉપર અવારનવાર ભાર આપ્યો હતો, આ મુદ્દો સમજવા માટે પોલ વાલેરી પાસે ન જઈએ તો ચાલે, અભિનવગુપ્તે સૈકાઓ પહેલાં કહ્યું હતું : ‘સહુ લોકોના ઉપયોગને કારણે જૂના થઈ ગયેલા અર્થનું વિચિત્ર (વૈવિધ્યપૂર્ણ) રીતે સુંદર રૂપે ભાવન થાય છે.’ (‘અભિનવનો રસવિચાર’ : નગીનદાસ પારેખ) જો ગુજરાતી ભાષાના કાવ્યરસિકને ભારતીય કાવ્યચર્ચાની આ પરંપરાની જાણ હોત તો તિરોધાન જેવા મુદ્દા ખોટી રીતે ચગત નહીં. સુરેશ જોષીએ વિલક્ષણ પ્રકારની વાર્તાઓ લખી, કલ્પન-પ્રતીકની યુક્તિપ્રયુક્તિઓનો વધારે ઉપયોગ કરીને ઘટનાઓને બાજુ પર મૂકી. પરંતુ આ તેમને માટેનું આદર્શ જગત હતું. વળી જેવી રીતે સર્જનહારની સૃષ્ટિમાં વૈવિધ્યભરી સંકુલ સમૃદ્ધિ છે એવી જ રીતે સુરેશ જોષીનું વાર્તાવિશ્વ પણ તેમનાથી જુદા પ્રકારની વાર્તા લખનારાઓએ સ્વીકારી લેવું જોઈએ. કોઈ વ્યક્તિ સાહિત્યસ્વરૂપો વચ્ચેની ભેદકરેખા ભૂંસી નાખીને નવું સાહસ કરી શકે; પરંપરાઓ આવી જ રીતે સમૃદ્ધ થતી હોય છે. એટલે ઘટનાસહિતની વાર્તા લખી શકાય અને ઘટનાનો હ્રાસ કરીને પણ વાર્તા તો લખી શકાય છે, વાર્તાકલાની અણસમજ જ કેટલાક અપ્રસ્તુત પ્રશ્નો ઊભા કરી આપે છે. મૂળમાં તો કોઈ પણ સર્જકને મૂલવવા માટે આપણી સામે સમગ્ર સાહિત્યનો પરિપ્રેક્ષ્ય હોવો જોઈએ, પહેલાં ગુજરાતી સાહિત્ય, પછી ભારતીય સાહિત્યની વાત આવે. વળી, ભરત-ભામહથી શરૂ થતી અને જગન્નાથ પંડિત સુધી વિસ્તરેલી કાવ્યશાસ્ત્રની પરંપરાનું જ્ઞાન હોવું જોઈએ. તો જ અભિનવગુપ્ત અને ફિનોમિનોલોજી વચ્ચે સંબંધ બાંધી શકાય. ગુજરાતી ભાષામાં વિવેચન કરવા માગનારે આ બધાને સમગ્રતયા પામવાના રહે. સાથે સાથે વિવેચનના પ્રશ્નોને ગુજરાતી સાહિત્યના સન્દર્ભે તપાસવા પડે, અન્યથા આપણી વિવેચનપ્રવૃત્તિ અર્થહીન, અપ્રસ્તુત બની જાય. પશ્ચિમના કોઈ પણ વિવેચકની પ્રવૃત્તિ જોવાથી આ વાતની ખાતરી થશે, તેણે ક્યારેય પોતાના પરિસરની બહાર જઈને વાત માંડી નથી. જો આમ નથી થતું તો વિવેચન દ્વારા સર્જનાત્મક આબોહવાનું નિર્માણ થતું નથી. વિવેચને સાથે સાથે સમકાલીન સાહિત્ય સાથે પાનું પાડવું જ રહ્યું. હા, ક્યારેક સમકાલીનોની સર્જનાત્મક અભિવ્યક્તિઓની પ્રગલ્ભ નવીનતા જે તે સર્જક સુધી આપણને પહોંચવા દેતી નથી. એક નિબંધમાં સુરેશ જોષીએ ફરિયાદ કરી હતી; તેમણે એક મુરબ્બી મિત્રને (એટલે કે ઉમાશંકર જોશીને) કહ્યું : આપણે સમકાલીન છીએ એટલે એકબીજાનું લખેલું વાંચવામાંથી બચી ગયા એનું ભારે સુખ છે. વ્યંગ તો ભારે હતો, જોકે ઉમાશંકર જોશીને એ વાત લાગુ પડતી ન હતી એનો સ્વીકાર કરવો જોઈએ. સુરેશ જોષીએ અવારનવાર ગુજરાતી સાહિત્ય સામે અસંતોષ વ્યક્ત કર્યો છે, આમ કરવાનો એમને એવો અધિકાર હોઈ શકે. બ.ક.ઠાકોરે પણ પુષ્કળ કવિતા માત્ર પોચટ આંસુ સારતી ક્યાં નહોતું કહ્યું? પરંતુ સાથે સાથે ગુજરાતી સાહિત્યની જે સિદ્ધિઓ છે એનો સ્વીકાર કરીને ચાલવું જોઈએ. ૧૯૫૦ પહેલાંની જો ગુજરાતી ટૂંકી વાર્તાની વાત કરીએ તો એ પચીસીમાં (૧૯૨૬-૫૦) કેટલી બધી સમૃદ્ધ વાર્તાઓ લખાઈ હતી. કથયિતવ્યની અસામાન્ય સંકુલ સમૃદ્ધિને કેટલાય સર્જકોએ પોતપોતાની રીતે ઘાટ આપ્યો હતો, તો આધુનિક સમયમાં કાવ્યક્ષેત્રે નવા નવા થયેલા આવિષ્કારોને ‘કુંઠિત સાહસ’ કહીને ઓળખાવવાની કોઈ અનિવાર્યતા ખરી? ભૂતકાળની સમૃદ્ધ અને સમકાલીનોની નવી નવી અભિવ્યક્તિઓને આવકાર મળવો જોઈએ, રુઝ્રચની ઉદારતા જ આપણને નવા સાહિત્ય પ્રત્યે અભિમુખ કરી શકે. આ વાત નીકળી છે ત્યારે એક આડ વાત ઉમેરી શકાય. સાહિત્યજગતમાં સુરેશ જોષી અને ઉમાશંકર જોશી વચ્ચેના સંઘર્ષની વારતાઓ થયા કરતી હતી. વડોદરાની કોલેજમાં મારા જેવા પ્રથમ વર્ષ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ સમક્ષ પણ ઉમાશંકર જોશી કવિ તરીકે કેટલા બધા અપરિપક્વ છે એવું કહીને અમારા મનમાં આ ગાંધીવાદી કવિની જે આદરપાત્ર મૂતિર્ હતી તેને છિન્નભિન્ન કરી નાખી. સુરેશ જોષીએ પોતાનો એક ગ્રંથ ઉમાશંકર જોશીને અર્પણ કરતાં એક પંક્તિ ટાંકી હતી : But a tortoise shaken by asthama goes on protesting.. પણ એમના અસંપ્રજ્ઞાત મનમાં ઉમાશંકર જોશી વિશે એક સાવ જુદી છાપ હતી અને તે ભાગ્યે જ પ્રગટ થઈ હતી. તેમના મૃત્યુ પહેલાંની લગભગ સન્નિપાત જેવી ક્ષણોમાં તેમના મુખમાંથી બે કવિઓની પંક્તિઓ વહી હતી તેનો હું સાક્ષી છું. એક જર્મન કવિ રિલ્કે : Who, if I cried, would hear me among the angelic orders? અને બીજા ઉમાશંકર જોશી: ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા. એક બીજી વાત પરંપરાનાં હજારો વર્ષોથી જોતા આવ્યા છીએ કે સાહિત્યસર્જક અને સાહિત્યવિવેચક સાથે સાથે તત્ત્વચંતિક પણ હોય છે — હા, દરેક સર્જક, દરેક વિવેચક આવી પ્રતિભા ધરાવતો હોવો જોઈએ એ જરૂરી નથી. જેઓ સદીઓથી પ્રભાવક રહ્યા છે એ બધા જ તત્ત્વચંતિક પણ હતા. જગત વિશે, જીવન વિશે ગંભીરતાપૂર્વક જેઓ કશી દાર્શનિક પીઠિકા ધરાવતા હોય તેઓ જ ચિરંજીવ નીવડી શકે. સુરેશ જોષી આવા જ એક દાર્શનિક પીઠિકા ધરાવતા સર્જક હતા. એમની એ વ્યક્તિતાનો સદ્વદર્ભ નિબંધ — ચિહતનાત્મક નિબંધ — માં તરત જ પામી શકાય છે. જનાન્તિકે ગોત્ર સિવાયના નિબંધોમાં ચિન્તનની ધારા વિશેષત: જોવા મળે છે. કબૂલી લઈએ કે આ પ્રકારનું ચિન્તન દોહન, વિવરણ, અનુવાદ રૂપે છે. ખાસ કરીને તો ‘પશ્યન્તી’માં આવા નિબદ્વધોનું પ્રમાણ સવિશેષ છે. સુરેશ જોષી આ પ્રકારના નિબન્ધોમાં યુરોપ-અમેરિકાના જે સર્જકો-ચિન્તકોની વાતો કરે છે, તે મોટે ભાગે કયા પ્રકારના છે? જે આ બધા સર્જકો-ચિન્તકો છે તે કોઈ ને કોઈ પ્રકારે વિદ્રોહી મુદ્રા ધરાવે છે, એટલે તેઓ જીવના જોખમે પણ સ્થાપિત હિતો સામે માથું ઊંચકતા પાછા હટ્યા નથી, પછી એ સ્થાપિત હિત ધર્મ હોય, રાજ્ય હોય કે કોઈ સંસ્થા હોય. આવા ઘણા બધા અપરિચિત સર્જકો-વિચારકોનો પરિચય સુરેશ જોષીએ કરાવ્યો, આપણને સમકાલીન વૈશ્વિક પ્રશ્નોની મોઢામોઢ કરી દીધા. આપણને સૌને કેટલીક મર્યાદાઓ છે, એટલે આપણા વતી વાંચન કરીને સુરેશ જોષીએ આ જગત આપણને ધરી દીધું. કદાચ એમના મનમાં એક બીજો ખ્યાલ પણ સંભવી શકે. ગુજરાતી સમાજમાં મરાઠી સમાજ જેટલું આખાબોલાપણું નથી, આપણા ગુજરાતી સર્જકો-વિચારકોની તત્સમવૃત્તિ કેમ કરતાં ઓછી થાય, ગુજરાતી સર્જક-વિચારક પણ પોતાની આગવી દિશામાં આગળ કેમ કરીને વધે અને એના શબ્દમાં નવો પ્રાણ ફુંકાય : આવી કશીક અપેક્ષા સાથે હર્બર્ટ માર્ક્યુઝ, ચે ગુવેરા, સોલ્ઝેનિત્સીન જેવા સર્જકો-વિચારકો વિશે સતત લખતા રહ્યા. જ્ઞાનજગતની આપણી ક્ષિતિજોને તેઓ આ રીતે વિસ્તારતા રહ્યા. તેમના વૈચારિક જગતમાંય સનાતન કાળથી ચાલી આવતો નિર્વેદ હતો, હતાશા હતી. વ્યાસ મુનિએ પણ હાથ ઊંચા કરીને આવી હતાશા વ્યક્ત કરી હતી. દૈવાસુર સંપદાયોગમાં પણ ગીતાકાર આવી જ એક નિરાશાની વાત નથી કરતા? આ જગત કેટલું બધું ક્રૂર છે એ વાત હેમ્લેટે પણ મરતાં પહેલાં પોતાના મિત્રને કહી જ હતી ને! સુરેશ જોષીએ જાણે હજુ ગઈ કાલે જ કહ્યું ન હોય એવી રીતે કહ્યું છે, અને એ સાંભળ્યા પછી ભયાવહ મૌન સિવાય શું સંભવી શકે? ‘આપણે સહુ એક પ્રાચીન અને ભવ્ય સંસ્કૃતિની અન્તિમ ક્ષણોએ એની સ્મશાનયાત્રાના ડાઘુઓ બનીને આવ્યા છીએ. તો હવે સૂરજને કાળા વાઘા પહેરાવો, પડછાયાઓના સરઘસ કાઢો, મન્દિરોમાં ઇલેક્ટ્રોનિક્સના જાદુ કરો, છાપાંની મદદથી નવી વાસ્તવિકતાનો ઉકરડો ઊભો કરો. મતગણતરીથી નવા ઈશ્વરને સ્થાપો, દરરોજ નરમેધ રચવાનાં નવાં નવાં નિમિત્તો શોધતાં રહો, જીવનપ્રવાહથી છૂટા પડીને બંધ બારી-બારણાંવાળાં કબર જેવાં ઘરમાં દટાતા રહો, લક્ષ્મીના તાપથી અનુકમ્પાના સ્રોતને સૂકવી નાખો — આટલું થશે પછી ભગવાનને પણ નવું નરક રચવાનો શ્રમ ઉઠાવવો નહિ પડે.’ (પ્રથમ પુરુષ એકવચન, ૧૭૬)[1] શિરીષ પંચાલ

  1. ૮-૨૯ ડિસેમ્બર, ૨૦૦૨ના દિવસો દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આયોજિત જ્ઞાનસત્રમાં ‘સુરેશ જોષી : એક પુનર્મૂલ્યાંકન’ બેઠકમાં અતિથિવિશેષ તરીકે આપેલું વક્તવ્ય થોડી શુદ્ધિવૃદ્ધિ સાથે — (૩૧-૧૨-૨૦૦૨).