સાહિત્ય પલ્લવ – ભાગ ૨/હરિગુણ ગાય તે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:34, 1 April 2026

હરિગુણ ગાય તે

બાપુ ગાયકવાડ

હરિગુણ ગાય તેને હરિ જેવા જાણો,
સમજ્યા વિના તે મત શીદ તાણો;
તાણો, કે હરિને જાણો. હરિ૦
જે કરે લાગા તેથી વહાલો ગયા આઘા,
સૂધું સમજ્યા નહિ તો બળ્યા એના વાઘા,
આત્મા ચીને નહિ તો મૂઆ ઢાંક્યા ને નાગા,
એના મનના સંશય નથી ભાગ્યા;
હરિનું નામ મૂકીને જો લે પહાણો,
પહાણો કે તેને જાણો. હરિ૦
હરિને પાષાણ કહે તે જ ગાંડો,
એ તો સદા અખંડ છે ને ના થાય ખાંડો,
તમે સમજીને પગલાં માંડો.
હરિને જડ કહે તે જડ,
ત્યાં તો થઈ છે વઢાવઢ,
ત્યાં થઈ છે ભડાભડ;
જેણે શોધ્યું નહિ થડ,
તેને ખર્ચો કાયાગઢ.
સમજણ દીવો કર્યો રાણો,
રાણો, કે હરિને જાણો. હરિ૦
હરિ કે હુકમ બિન પત્ર નહિં હાલે,
રૂડો ખેલ બનાવ્યો મારે વહાલે,
હરિજન તો મગ્ન થઈ મહાલે.
એને નેત્ર નહિ કરણ,
એને ભુજા નહિ ચરણ,
એને એકું નહિ વરણ,
એને આવે નહિ મરણ,
હરિ વસ્તુ તારણતરણ.
સાચી વાત કહું છું તેને છાણો.
છાણો, કે તેને જાણો. હરિ૦
બાપુ સત નામ સમજે તે તો શાણો,
શાણો, કે તેને જાણો. હરિ૰

સ્વાધ્યાય

૧. હરિ કોનાથી આઘા રહે છે?
૨. મૂર્તિપૂજા વિરુદ્ધ બાપુને શું કહેવું છે?