આત્મપરિચય/કેટલાક અંગત પત્રો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કેટલાક અંગત પત્રો|}} {{Poem2Open}} ઓમ પ્રો. બી.વી.વ્યાસ, ૭૨, મૂલજી જેઠ...")
(No difference)

Revision as of 11:00, 24 July 2021

કેટલાક અંગત પત્રો

ઓમ પ્રો. બી.વી.વ્યાસ, ૭૨, મૂલજી જેઠા ક્લોથ માર્કેટ, બોમ્બે બઝાર, કરાંચી ૫-૩-૪૭ અ. સૌ. કુમુદ, તારો પત્ર મળ્યો. વાંચીને આનન્દ થયો. હું પોતે ખૂબ જ વાચાળ માણસ રહ્યો એટલે બીજા કોઈ કશું ન બોલે એ મને જરા વિચિત્ર લાગે. ને એમાંયે એકલા હોઈએ ત્યારે તો જરા વધારે જ લાગે. મનેયે ઘણી વાર મારા આ સ્વભાવની ખૂબ જ નવાઈ લાગે છે. આટલું બધું વાંચ્યું છે. બુદ્ધિ પણ થોડીઘણી છે. છતાં આ બધાની હૂંફ શોધ્યા કરવાની, ન મળે તો અસહાય જેવા થઈ જવાની મારી નિર્બળતાને દૂર નથી કરી શકતો. મને રવીન્દ્રનાથની કવિતાઓ ખૂબ ગમે છે, ફરવું રખડવું ખૂબ જ ગમે છે. પણ કવિતા વાંચતી વેળાએ કે ફરવામાં પણ કોઈ સાથે હોય તો જ મજા આવે. નહીં તો મન વિના કારણે વધારે ઉદાસ થઈ જાય. વાંચવાનો શોખ જળવાઈ રહ્યો છે એ મોટા વરદાનરૂપ જ ગણું છું. મન જરા અસ્વસ્થ લાગે કે તરત વાંચવા બેસી જાઉં. વાંચવામાં ગમે તેટલો સમય નીકળી જાય તોયે ખબર ન પડે. પણ ખરી મજા તો રાતે થાય છે. રાતના ઊંઘ વહેલી આવતી નથી. સૂતાં એક દોઢ તો થાય જ. ઊંઘની રાહ જોઈને વાંચતો હોઉં. પછી આંખ ખેંચાય ને પાંપણ ઢળે ત્યારે ઊઠીને લેમ્પની સ્વીચ ઓફ કરવાનો એવો કંટાળો આવે કે ન પૂછો વાત! ત્યારે એમ પણ થઈ જાય કે ભલે લેમ્પ બળ્યા કરે, ભલે ચોપડી હાથમાં જ રહી જાય. કોઈક આવીને ચોપડી લઈ લે, લેમ્પ ઓલવી નાંખે તો કેવી નિશ્ચિન્તતા! આ વાતો તો સાવ નજીવી છે. પણ તોયે મન બૂમ પાડી ઊઠે છે : એ ન મળ્યું, ન મળ્યું! વસન્તઋતુનાં અહીં તો કશાંયે ચિહ્નો દેખાતાં નથી. મન જાણે કશાક ઉત્સાહથી, ઉમળકાથી દોડવા જાય છે ને વળી જાણે હતાશ થઈને બેસી જાય છે. આવી એક લાગણી હૃદયમાં સળવળ્યા કરે છે એટલું જ. પણ આપણા માટુંગાના સ્ટેશન પરનાં ઝાડ લીલાંછમ પાદડાંથી હવે તો ચળકતાં હશે. તમે તમારા માટુંગામાં શિવને રસ્તે ફરવા નીકળશો તો કિંગસર્કલના સ્ટેશન આગળના પુલ પાસે પોલિસચોકી આગળના ભાગમાં કેસૂડાં ખીલી ઊઠ્યાં હશે. હું રજા પડે ને આવું ત્યારે એકાદ વાર એકલો એકલો પણ એ તરફ હમેશાં ફરી આવું. હોળી વખતે હું તમારા બધાંની સાથે નહીં હોઈશ. એથી કેટલી ખોટ જશે, ખબર છે? જો — શિખંડ, બહેનના હાથની કઢી ને તારાં બટાકાવડાં — આટલું તો જાણે ગયું જ. અહીં માંકડસાહેબને ત્યાં જમવાનું નોતરું તો છે. પણ ત્યાં શિખંડ જ મળશે એવી આશા નથી. પણ મુંબઈ આવ્યા પછી કાંઈ શિખંડ નથી મળવાનો એવું થોડું જ છે? પણ ફાગણની પૂનમની ચાંદનીથી રંગાએલો શિખંડ ખાવાનું જ માહાત્મ્ય છે. ખરી બપોરે ઘરની ચાર દીવાલ વચ્ચે બેસીને શિખંડ ખાવામાં મજા ન પડે. આ વખતે વિચાર થાય છે કે કોઈક રવિવારે આપણે બધાં ઘરઘરનાં એલિફન્ટા કે એવી કોઈક જગાએ જઈએ. પણ એ તો હું ત્યાં આવું પછી. અહીં ખાસ એવાં ફરવાનાં સ્થળો બહુ નથી. છતાં જે કાંઈ છે ત્યાં હું ને વ્યાસ સાહેબ ફરી આવ્યા છીએ. હવે અહીંથી અંજળ ઊઠયું. જતી વેળાએ હૃદય ભારે તો થાય જ છે. હું કેવો માણસ છું એ તો તમે બધાં જાણો જ છો ને સૌથી વિશેષ તો હું જાણું છું. મારી નિર્બળતાઓને પણ નભાવી લઈને મને જે સ્નેહથી અહીં અપનાવી લીધો તે બદલ હું ખરેખર સૌનો ખૂબ જ ઋણી છું. ત્યારે મન ઘડીભર બોલી ઊઠે છે કે ભગવાનની કૃપા હજુ ખોઈ નથી. જીવનમાં આવો સન્તોષ મળતો રહે તોયે ઓછું નથી — ખાસ કરીને મારા જેવા માણસ માટે. છોટાલાલકાકાની તબિયતના સમાચાર બાપુજીએ લખ્યા હતા. હવે તબિયત સારી છે જાણી આનન્દ થયો. હું આવીશ પછી જો રમેશને દેવલાલી જવાનું થશે તો જરૂર સાથે જઈશ — ખબર લેવા જવાના શિષ્ટાચારને ખાતર નહીં. તમે જે મંગાવ્યું છે તે લેતો આવીશ. મને વસ્તુઓ લેતાં આવડતી નથી. પસંદગીનું ધોરણ પણ બીજાંને કદાચ નર્યું વિચિત્ર જ લાગે. એટલે જ હું પૂછાવ્યા કરતો હતો. બાકી જો લઈ જ જવું હોય તો પૂછાવવાની કશી જરૂર ન હોય એ હું સમજું છું. કોઈ એમ કહે કે અમુક ચોપડી લઈ આવજે તોય વાંધો ન આવે. પ્રજ્ઞાબહેન પણ કદાચ દેવલાલી જ હશે. આપણી મણિ આગળ કેટલું ભણી? જો એને વાંચતાં આવડી ગયું હોય તો હવે એને સરસ ચિત્રોવાળી ચોપડી લાવી આપીશ. પણ એ તો કાંઈ લખતી નથી. ઊમિર્લાબહેન મજામાં હશે. આવતી વખતે સ્ટીમરમાં આવું કે ગાડીમાં તે હજુ નક્કી કર્યું નથી. સ્ટીમરની મુસાફરીમાં સરખેસરખાં બધાં સાથે હોઈએ તો જ મજા આવે. હું એકલો ભૂત જેવો ડેક પર ફર્યા કરું તેમાં શી મજા આવે? છતાં હજુ કાંઈ નક્કી નથી. બધા કહે છે કે હજુ થોડા દિવસ રોકાઈ જાઓ, પછી જજો. બાકી, કામ તો આજે પૂરું થયું. ધારું તો આજે ને આજે નીકળી શકું. પણ થાય છે કે બધાંની લાગણી છે તો બીજા ૬-૭ દિવસ રોકાઈ જાઉં. પછી વળી અહીં ક્યારે આવવાના હતા! આવતી વખતે સામાનમાં પુસ્તકોનો જ ભાર વધારે થશે. કપડાં તો હજુ સીવડાવ્યાં જ નથી. બિસ્તરાના પટા તૂટી ગયા છે તે હજુ એમ ને એમ જ પડ્યા છે. જોડા ફાટી ગયા તેયે એમને એમ જ રહ્યા — ચામડું હતું છતાં ન સીવડાવ્યા. કોલેજમાં ફોટો પડાવતી વખતેયે કોટપાટલૂન સાથે ચંપલ પહેરવી પડી! એક બીજી ગમ્મત થઈ. ફોટામાં માથાની ટાલ બરાબર દેખાઈ ગઈ. આથી એ ફોટો સાથે લાવતો નથી. બીજા બેએક છે એમાંથી જો સારા આવશે તો લઈ આવીશ. ફોટો મારો સારો લાગતો જ નથી. ઘેરે જુદો કાગળ નથી લખતો. હું કુશળ છું. હમણાં તો વિદાયવિધિમાં દિવસો જાય છે. ઘડિયાળ મળ્યું છે તે સરોજને આપી દીધું. ડોક્ટરસાહેબે તો મને કેવળ વન્દન જ લખાવ્યાં. મારા એમને સસ્નેહવન્દન કહેજે. કહેજે કે હવે પત્ર લખવાની તકલીફ લેવાની રહેશે નહીં. હવે તો હું સાક્ષાત્ હાજર થાઉં છું. ચિ. સરોજ તથા ચિ. ઊમિર્લાને સસ્નેહશુભાશિષ. જે કોઈ મને સંભારે તેને ઘટિત. એ જ લિ. મોટાભાઈના સસ્નેહ શુભાશિષ ૭-૩-૪૭ પ્રિય ઉષા, જાતી છોને બૂઝાઈ જીવનધૂપસળી મ્હેંકતી મ્હેંકતી આ કેટલીક વાર પરિસ્થિતિ એવી બની જાય છે કે એમાં રહેલી ગૂંચનાં કે અસ્વસ્થતા ઉત્પન્ન કરનારાં તત્ત્વને દૂર કરવાનો પ્રયત્ન જેમ જેમ અધીરા બનીને કરતા જઈએ તેમ તેમ ગૂંચ અને અસ્વસ્થતા જાણે વધતી જ જતી હોય એવું લાગે. આનાથી મન રૂંધાઈ જાય, અશાન્તિ ઉત્પન્ન કરનારાં તત્ત્વો આક્રમક બને, અને આ સૌને પરિણામે ચિત્તના પર એવી તો અસ્વાભાવિકતાનું વાદળ ઘેરાઈ જાય કે ન પૂછો વાત! છતાંય જે સાચું છે, સદા સ્થાયી છે તે આકસ્મિક અસ્વાભાવિકતાનાં આવા આક્રમણથી ઢંકાઈ જતું નથી, ખણ્ડિત થતું નથી, વિકલ બનતું નથી. સ્નેહની સ્વચ્છસલિલા સ્રોતસ્વિનીમાં કદીક આકાશમાં ઘેરાયલાં કાળાં વાદળોની શ્યામ છાયા પથરાઈ જાય, પણ એ શ્યામ છાયા સ્નેહમાં રહેલું કશુંક અન્તર્ગત અવિભાજ્ય તત્ત્વ નથી. એ તો એની બહાર રહેલી એવી કશીક વસ્તુની છાયા માત્ર છે, જે આકસ્મિક રીતે આવી પડી હોય છે. આ વાત હું સ્પષ્ટ રીતે સમજું છું ને છતાંય મારું ચિત્ત અકળાઈ જાય છે. હું મારાથી જ અકળાઈ ગયો છું. હૃદયમાં સદા પ્રતિષ્ઠિત થયેલી સત્યનિષ્ઠા, સદાકાંક્ષા ને સાચી લાગણીઓ જે રૂપે આવિષ્કાર પામે તે રીતે — રૂપે આવિષ્કાર પામતી નથી. એની ઉપર ચિત્તની અન્ય ક્ષુદ્ર, ક્ષણજીવી, અસંસ્કૃત વૃત્તિઓની છાયા આછી ઘેરી પથરાઈ જાય છે. આથી હું મારે હાથે જ મને અન્યાય કરું છું. આવી વિચિત્રતાને કારણે જે વિષમ પરિસ્થિતિ ઉદ્ભવે છે તે મારે માટે અસહ્ય બની ઊઠે છે. એને સુધારી લેવાના પ્રયત્નોમાં પણ પૂરી સફળતા મળતી નથી. આત્મા જે સંવાદિતાનું સંગીત જીવનમાંથી ઝંકૃત કરવા ઝંખે છે તેમાં જાણે એક વિસંવાદી સૂર ભળી જઈને ક્લેશ જન્માવે છે, ને ઉષા, એ ક્લેશ મારાથી સહન થથો નથી. આથી ઘણી વાર મનમાં ઊંડે ઊંડે ખૂબ ગ્લાનિ અનુભવું છું. કદીક એવી ભીતિ પણ ઉદ્ભવે છે કે આ સ્વભાવગત ન્યૂનતા મારો વિનાશ તો નહીં નોતરી લાવે ને? મારે વિશે હું કશું કહી શકતો નથી. કારણ કે એ વિષયમાં હું જ વિશેષ મૂંઝાઈ જઉં છું. સમ્ભવ છે કે મારા કરતાં મારે વિશેની સમજ બીજા કોઈને વધારે હોય, પણ એટલું તો જરૂર કહી શકું કે મારા આવા વ્યક્તિત્વમાંથીય તને અર્પણ કરવા જેવું હું જે કાંઈ રચી શક્યો છું તે અલ્પસદૃવ નથી. તેમાં મારા સર્વ શ્રેષ્ઠને મેં ખરચ્યું છે. ને સર્વશ્રેષ્ઠનો એ રીતે વિનિયોગ કરી ચૂક્યાનો સન્તોષ જ કૃતાર્થતાનો રોમાંચ ખડો કરે છે. એથી જ ન્યૂનતા ને વિષમતા છતાં જીવનમાં પ્રસન્નતાના ઝરણાને હજી શોષાઈને ક્ષીણ બની જવા દીધું નથી. ઉષા, વધારે લાંબું કશું કહેવાની ઇચ્છા નથી. પણ પ્રસન્નતાનું મારું નાનું શું ઝરણું તારી પ્રસન્નતાના મહાસ્રોત સાથે મળીને છલકાઈ જવા ઇચ્છે છે. એ પ્રસન્નતાના ગુલાબી રંગે ચિત્ત આખું રંગાઈ જાય તો મારામાં વસતા કિલ્મિષના સર્વ ડાઘ પણ નષ્ટ થાય. આથી જ એ પ્રસન્નતાનું વરદાન હું તારી પાસે માગું છું. એનાથી વિપરીત કશું જ ન બનવું જોઈએ. સત્ય પ્રસન્નતાની આબોહવામાં જ પ્રફુલ્લ રહી શકે છે. જો એ પ્રસન્નતાની આબોહવા જ ચાલી જશે તો જીવનમાંથી સત્ય પણ ઝૂંટવાઈ જશે. પછી જીવનને અર્થ આપે એવું કશું રહેશે નહીં. તો ઉષા, એવા જીવનનો મને કશો મોહ નથી. એવા જીવનને નિમેષ માત્રમાં ફગાવી દેતાં હું ખંચકાઈશ નહીં. મારા સ્વભાવની આવી નિર્બળતાઓના ડાઘ તારી પ્રસન્નતાના પર પડે એને હું એક મોટું અનિષ્ટ ગણું છું. એ પણ મારાથી સહી શકાતું નથી. મારી મર્યાદાઓ ઘણી છે માટે મને આલમ્બનની સવિશેષ આવશ્યકતા છે. આલમ્બન રૂપે હું તને સ્વીકારી ચૂક્યો છું. એટલે હવે જો તું ખસી જાય તો જીવનને ભાંગી પડતું અટકાવવાનો કોઈ ઉપાય નથી, ને ઉપાય હોય તો એનો ઉપયોગ કરવાની મને જરાય ઇચ્છા નથી. જ્યાં સંઘર્ષને કશોય અવકાશ ન હોય ત્યાંય મેં ઘણી વાર સંઘર્ષો ઊભા કર્યા હશે. પણ કોણ જાણે કેમ જ્યાં સજાગ રહેવાની જરૂર છે ત્યાંય કશું ધ્યાન રહેતું નથી. ભગવાનને કહું છું કે આ તે તેં મારી કેવી વિડમ્બના કરી છે! જે અસહ્ય છે તે સહ્ય બને એવી કદી મેં આકાંક્ષા રાખી નથી. એવી દીનતાને હું સ્થાન આપવા તૈયાર નથી. વેદનાથી હું ડરતો નથી, પણ હૃદયનાં પાત્રને હું તારી પાસે ધરું છું ને ઝંખું છું કે તારા ચિરસંચિત આનન્દના સોમરસની ધારાથી એ ભરાઈ જાય. એની પ્રાપ્તિને માટેની યોગ્યતા મારામાં કદાચ નથી. પણ એની સાધના કરવામાં હું કદી પાછો પડીશ નહીં. ઉષા, આવી દુઃખકર વાતોનું પુનરાવર્તન કરવું મને ગમતું નથી. પણ તારો ને મારો અભેદ એ કોઈ પણ ભોગે મારે તો સાધવો જ છે. આપણી વચ્ચે કશાંયનુંય આવરણ કે અન્તરાય રહે એ વાત મારે મન એવી તો મર્મભેદક છે કે એના ખ્યાલે જાણે અણુએ અણુ વીંધાઈને લોહી ઝરતું બની જાય છે. પ્રસન્નતાનું નમણું પારિજાત — બસ ખોબે ખોબે હું એ તારી પાસેથી પામ્યા જ કરું, એની અજસ્ર વૃષ્ટિ મારા પર થયા જ કરે એમ હું ઇચ્છું છું. તારી પ્રસન્નતા એ જ મારે મન સંજીવની છે — પ્રાણધારણ શક્તિ છે. એથી વિશેષ શું કહું? સુરેશ

ઓમ ૨૨-૮-૪૮ શ્રેયસી, તારો પત્ર ગઈ કાલે મળ્યો. સાંજે એક જગાએ સ્થિર બેસીને પત્ર લખવાનો વખત જ નહીં મળ્યો. એથી આજે લખું છું. જો એને દોષ ગણતી હોય તો તારો રોષ માગી લઉં છું. હવે તો મુંબઈ આવવાના દિવસ ગણું છું. હવે તું આ તરફ આવશે એવી આશાને વદાય કરી દીધી છે. એ સમ્બન્ધમાં તો મુંબઈ આવીશ ત્યારે લડી લઈશ. ‘વાણી’ કે ‘મન્દારમાલા’ હજુ તૈયાર થઈ શક્યાં નથી. આશા તો રાખું છું કે મુંબઈ આવું ત્યાં સુધીમાં તૈયાર થઈ જશે. ‘ભારતીય ધર્મ’નું કામ તો હમણાં આ કારણે બાજુ પર જ મૂકવું પડ્યું છે. ‘મન્દારમાલા’ની સાથે એક પ્રવેશક લખવાનો વિચાર છે. એમાં રવીન્દ્રનાથની કવિપ્રતિભા તથા એમણે પ્રકટ કરેલાં આત્યન્તિક મૂલ્યો વિશે થોડું લખવાનો વિચાર છે. કેવું લખીશ તેની ખબર નથી. લખવા સમ્બન્ધમાં હજુ આત્મવિશ્વાસ પ્રકટ્યો નથી. આથી કશું પણ લખતાં બહુ વિચાર કરું છું. ઘણું તો લખ્યા વગરનું જ રહી જાય છે. પણ હું ક્યાં કીર્તિને વરવા નીકળ્યો છું? આ જન્મે તો તારી વરમાળા પામીને કૃતાર્થ થઈ ચૂક્યો છું. હવે આપણે બે એ વરમાળાને ભગવાનને કણ્ઠે પહેરાવવાની યોગ્યતા પ્રાપ્ત કરીએ એટલે બસ, ખરું ને? મેં પેલા ઉપનિષદ્ને વિશે લખ્યું છે. વચલા સમયમાં લખાએલાં કેટલાંક ઉપનિષદો — મૈત્રેયી ઉપનિષદ્, બ્રહ્મોપનિષદ્ વગેરેમાં જે દાર્શનિક વિચારણા રજૂ કરવામાં આવી છે તે નિર્ભીક તટસ્થ અને મૂલગામી છે. આજે ધર્મનું જે વિકૃત સ્વરૂપ આપણે જોઈએ છીએ, વર્ણવ્યવસ્થાની જે જોહુકમી જોઈએ છીએ તેની સામે એ ઉપનિષદોએ વિરોધનો સૂર ઉઠાવ્યો છે. એ Minor Upanisadsમાંથી થોડાંક પસંદ કરીને એનો અનુવાદ તથા એમાં પ્રકટ થએલાં દાર્શનિક મન્તવ્યો સમ્બન્ધે એક અભ્યાસપૂર્ણ નિબન્ધ — આટલું તૈયાર કરવાનો વિચાર છે. જો ઉષા, ૩૧મે વરસે જ જો ચાલ્યો જાઉં તો તને જીવનભર સન્તોષ અર્પે, જીવવાનું સામર્થ્ય આપે એવું કશું તો આપી જાઉં ને? તું દુઃખી ન થઈશ. કોઈક વાર, કશાં કારણ વિના મારા પર મૃત્યુની છાયાને પથરાતી જોઉં છું. તને જ્યારે કૃશ અને અસ્વસ્થ જોઉં છું ત્યારે મારા હૃદયમાં શુંનું શું થઈ જાય છે એ તને શી રીતે કહું? ઘણી વાર તને ચક્કર આવે છે, શરદી ઊધરસ તાવ હોય છે, વાંસો દુઃખે છે. આ ચાલુ જ રહ્યું છે આથી મારું મન આશ્વસ્ત થઈ શક્યું નથી. ઘણી વાર મન નાના બાળકની જેમ ઇચ્છે છે : ઉષા મારી છાયામાં કેવળ સુખ જ જુએ, એના ઉલ્લાસોજ્જ્વલ મુખ ઉપર વિષાદની સહેજસરખી પણ છાયા ન છવાય, આંખમાં આંસુ ન આવે તો કેવું સારું. આમ કહેનારા મેં જ તને નથી રડાવી? આજ સુધી તું પશ્ચાત્તાપ કર્યા કરે છે. એ બધાંથી મુક્ત થઈને તારું ચિત્ત પ્રસન્ન બની રહે એવું જ મેં સદા ઇચ્છ્યું છે. મારો સ્વભાવ તો બહુ વિચિત્ર છે. ઘણી વાર વિના કારણે કશીક અજાણી વ્યથાથી અત્યન્ત ક્ષુબ્ધ થઈ ઊઠું છું. તારી પ્રસન્નતાના પ્રકાશમાં ઊભા રહીને ચિત્તને સદા આશ્વસ્ત કરી શકું, એટલું બની શકે એવું તારી પાસે માગું છું. તેં શું નથી આપ્યું? તું મારી અન્નપૂર્ણા છે. તારાં વખાણ કરવાનું મને કોઈ વાર ઘણું મન થઈ આવે છે. પણ પત્રમાં એ લખું એના કરતાં મારા સ્પર્શથી કહું એ જ વધારે ઉચિત લાગે છે. તને એ નહીં ગમે? આ જીવનમાં જે મળ્યું છે તે તને જ દઈશ. એ સારું પણ હશે, ખરાબ પણ હશે. જે ખરાબ હોય તેને તું મારે માટેના તારા સ્નેહથી વિશુદ્ધ કરી દેજે. આનન્દની એક પળ વિષાદના અનેક પ્રહરોની ટક્કર ઝીલી શકે છે. આનન્દની પળમાં તારી સાથે હોઉં છું ત્યારે જીવનનાં બધાં દુઃખોનો જાણે અન્ત આવી જાય છે. એથી જ તો ફરી તને મળવાના દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. હમણાં તો દૂર દૂર દૃષ્ટિ દોડી જાય છે. અસંપ્રજ્ઞાતપણે ચિત્ત દૂરના અન્ધકારને ભેદીને ભવિષ્યની યાત્રાના માર્ગને ખોળતા દોડી જાય છે. જે વિરાટ છે, બૃહત્ છે, રુદ્ર છે તેની સમ્મુખ ઊભા રહેવાનું મુહૂર્ત આવે તો તેને માટેની તૈયારી કરવામાં ચિત્ત રોકાઈ જાય છે. ફરી ફરી ઉપનિષદ્ના મન્ત્રદ્રષ્ટાઓની વાણીના દિવ્ય જ્યોતિને ચિત્તમાં બધે પ્રસરાવવાને મથું છું. ફરી ઈશોપનિષદ્નો પહેલો મન્ત્ર વાંચતો હતો. એ મન્ત્રમાં જે દૃઢ આન્તરિક પ્રતીતિથી, જે ઉલ્લાસથી વિશ્વસમસ્તમાં ઈશ્વરના વ્યાપી જવાનો અનુભવ કર્યો છે તેનો વિચાર કરું છું ત્યારે મારા ચિત્તની જડતાના ખ્યાલે ખૂબ દુઃખ થાય છે. ચિત્ત કેમ હજુ જાગતું નથી, એ ઝંખના હજી કેમ જાગતી નથી? ઈશાવાસ્યમિદં સર્વમ્ — કેવો વિરાટ ભાવ! ત્યાં ઝૂલતી વૃક્ષની શાખા, આકાશમાં દોડતું વાદળું, પવનની લહરીનો સ્પર્શ — એ સર્વમાં ભગવાનની ક્રિયાને જોવી, અનુભવવી — આ રીતે પ્રત્યેક પળે ભગવાનની સહોપસ્થિતિ અત્યન્ત વાસ્તવિક રીતે અનુભવી શકાય ત્યારે જીવનનો છન્દ જ બદલાઈ જાય — આ બધી ક્ષુદ્ર નિરર્થક આધિઉપાધિઓનાં જાળાં આપોઆપ દૂર થઈ જાય. ચિત્ત એ તરફ અભિમુખ થાય ત્યારે જીવન સાચી રીતે જીવવું શરૂ થયું એમ કહેવાય. તારી આંખો — એમાં મીટ માંડીને નિહાળવા દઈશ? એમાં જોઉં છું ત્યારે જાણે અનેક અપ્રકટ સૃષ્ટિઓ એક પછી એક આંખ સામે ખડી થતી જાય છે. આ પરિચિત અસ્તિત્વની શૃંખલામાંથી મુક્ત થઈને પ્રાણ હળવા બનીને જાણે હવામાં તરવા માંડે છે. દેહનો ભાર હળવો થઈ જાય છે. દૂરદૂરથી જાણે નિમન્ત્રણધ્વનિ સંભળાય છે. એ ધ્વનિ જાણે તું અહીં લઈ આવી છે. હવે તું આવી પહોંચી છે — હવે વિલમ્બ શાનો? જીવનમાં સુખદુઃખ ઘણાં આવ્યાં, ઘણાં આવશે. સુખમાં તું સાથે હશે, દુઃખના આઘાતમાંય તું સાથે હશે. તારું આલમ્બન મળી ચૂક્યું છે એથી હું તો નિશ્ચિન્ત બની શકીશ, પણ તું આ બધો ભાર ઝીલીને ટકી રહીશ ને? તારે મારી મર્યાદાઓને કારણે ભવિષ્યમાં ન કલ્પેલું ઘણું વેઠવું પડે તો તેથી તું તારું આલમ્બન લઈ ન લઈશ. પ્રાત:કાળના પ્રથમ પ્રકાશકિરણ સાથે ચિત્તનાં દ્વાર ખોલીને કોઈક પ્રવેશે છે. એને જોઈ શકતો નથી, એનો માત્ર આભાસ થાય છે, ઉત્તરીયનો છેડો જ ફરફરતો સ્હેજ દેખાય છે. પછી દિવસ આરમ્ભાય છે. એક બાજુથી અહમ્ આવે છે, બીજી બાજુથી કીર્તિ, ત્રીજી બાજુથી ઈર્ષ્યા, ચોથી બાજુથી સ્વાર્થ, ભય — એ બધાંના કોલાહલની વચ્ચે કેદી બનીને દિવસ પૂરો કરું છું. સાંજ પડે છે, અન્ધકાર બધે વ્યાપે છે ત્યારે એ બધા કોલાહલની વચ્ચેથી માર્ગ કરીને કોઈક ચાલી જતું જણાય છે, બહારને દરવાજે એને રોકીને પૂછું છું : તું કોણ? એ કહે છે : હું આનન્દ. પૂછું છું : કેમ, ચાલ્યો જાય છે? એ કહે છે : હું સૌથી પહેલો તારા ચિત્તમાં આવ્યો. તેં મારી સામે ન જોયું. — ઉપેક્ષા પામીને હું હવે જાઉં છું. મેં કહ્યું : હું તને જ શોધતો હતો, રોકાઈ જા, રોકાઈ જા… પણ એ ચાલ્યો જાય છે. એના જતાંની સાથે ચિત્તમાં અન્ધકાર છવાઇ જાય છે, ને એ અન્ધકારમાં ચારે બાજુથી સ્વાર્થ, ભય, ઈર્ષ્યા — વગેરેનું અટ્ટહાસ્ય મને ઘેરી વળીને જાણે ગૂંગળાવી નાંખે છે. એ અનાહૂત અતિથિ આજ સુધી તો જાણે ઉપેક્ષા પામીને ચાલ્યો ગયો, પણ હવે તું એનું સ્વાગત કરીશ ને? એના સ્વાગતવિધિનો ભાર તારે માથે છે. હું તને કેટલાં કામો સોંપતો જાઉં છું, નહીં? મારો અધિકાર ભોગવું તો ખરો જ ને! આ મારા અક્ષર તું વાંચી શકે છે ખરી? તું મને અક્ષર સુધારવાનું નથી કહેતી? કદાચ તને હવે તો ખાતરી થઈ ગઈ હશે કે આ કોઈ બાબતમાં સુધરી શકે એમ છે જ નહીં, ખરું ને? ત્યારે, મજામાં તો છે ને? બોલ, ઉપનિષદ્ મોકલાવે છે ને? મારે કારણે તને ઘણા ધક્કા ખવડાવું છું. એ શિક્ષા તું આનન્દથી સહી લઈ શકીશ? Book ક્યારે મળી શકશે? તબિયત કેમ છે? પત્ર તો લખ્યો છે. રવિવાર છે. stamp મળશે તો આજે રવાના કરી શકીશ. ગુસ્સે ન થઈશ. સુરેશનાં —

ઓમ ૨૦-૧૧-૪૯ શ્રેયસી, જોયું ને, મારો સ્વભાવ કેટલો અધીરો છે! ઉષા, તને ખૂબ દુઃખ થયું હશે. તારો સુરેશ આવો કેવો? તું એને સુધારીશ? કે પછી તને આવો સુરેશ જ ગમી ગયો છે? લુચ્ચી, હું તને યાદ કરું છું કે નહીં એમ તુું મને પૂછે છે. તારા વિના નથી રહેવાતું એ શું તું નથી જાણતી? મારું હૃદય અત્યારે કેવળ તારી જ ઝંખનાથી સભર છે. બીજું બધું જાણે યન્ત્રવત્ કર્યે જાઉં છું. ઘણી વાર સારું સારું વાંચવાનો પ્રયત્ન કરું છું. તને પાસે બેસાડીને વાંચવા જાઉં છું. પણ આંખમાં ઝળઝળિયાં આવી જાય છે. શ્લોકો ન્હાઈને વાંચવા બેઠો. હિરણ્યગર્ભસૂક્ત વાંચવા ગયો ને કાન તારા શબ્દને શોધવા લાગ્યા. આંખ ભીની થઈ ગઈ. ઉષા, તારા વિના જાણે જીવનમાંથી કશુંક ખોઈ રહ્યો છું એમ લાગે છે. એ ખોવાયેલું પાછું નથી મળવાનું. આથી જ આ વિયોગના દિવસોને ઘણા પ્રયત્ન છતાં કોઈ રીતે સહ્ય બનાવી શક્યો નથી. ઉષા, તું જલદી જલદી મારી પાસે આવી જા. મારાથી નથી રહેવાતું. આજે તેં ચિ.પ્રણવની તબિયતના સમાચાર લખ્યા તેથી મને ચિન્તા થવા માંડી છે. ઉષા, આપણા પ્રણવને કશું થવાનું નથી એવી હૃદયની તો ઊંડી શ્રદ્ધા છે ને આપણા પર ભગવાનના આશીર્વાદ પણ છે. ભગવાને આજ સુધીમાં આપણું કશું ખરાબ કર્યું નથી. આપણે કેટલા બધા સદ્ભાગી છીએ, ખરું ને? માર્ગમાં થોડીઘણી કસોટી એણે મૂકી છે. પણ એથી જ તો આપણો પ્રેમ કેવો દૃઢ થઈ ગયો છે. હવે આખા વિશ્વમાં મારે બીજી કશી પ્રાપ્તિની લાલસા નથી. તું મને મળી ગઈ છે ઉષા, બીજું મારે શું જોઈએ? પણ હવે તને એક પળ અળગી નથી કરી શકાતી. તારી પાસે બેસીને ખૂબ ખૂબ વાતો કરવી છે. તારા ખોળામાં સૂવા દઈશ ને? ચિ.પ્રણવને તું હાથ ફેરવે છે, ને હવે તો મંગળવારે બ્રાહ્મમુહૂર્તમાં જ એ એના પિતાના પણ આશિષ પામશે. એ હસતોરમતો થઈ જશે. ઉષા, તારો ૧૭મીનો પત્ર ૨૦મીએ મળ્યો. આથી મારું મન ખૂબ વિક્ષુબ્ધ થઈ ગયું હતું. ને મન વિક્ષુબ્ધ હોય છે ત્યારે જ દમ હુમલો કરે છે. આવી મનની સ્થિતિમાં હું તને કાંઈ લખું તેથી દુઃખી ન થઈશ. આખરે તો એ તારા સુરેશની જ વસ્તુ છે ને? મારો આઘાત તને હણે નહીં, એ તો પુષ્પવૃષ્ટિ. જોને, તને દુઃખી કરીને હવે પટાવવા બેઠો છું. પણ ઉષા, આવા સુરેશનો તારા સિવાય કોણ ઉદ્ધાર કરવાનું હતું? મારા પર ગુસ્સે નથી થઈ ને? પ્રસૂતિની પીડાની વાત જાણી. ઉષા, ‘મરી ગઈ’ એમ કેમ બોલાઈ ગયું? એટલી મારી ઊણપ. હું હંમેશાં ધ્યાન અને પ્રાર્થનાથી તને શક્તિ આપવાના પ્રયત્નો યથાશક્તિ કરતો રહું છું. તેથી જ મને આશા હતી કે મારી ઉષા હસતે મુખે પુત્રને જન્મ આપશે. પુત્રજન્મની વાત તો સાચી પડી. એ મારી આન્તરિક પ્રતીતિ હતી. એ વિશે મેં તને કહ્યું પણ હતું. પણ મારી શક્તિ ઓછી પડી. યાતના સહેવામાં હું તને પૂરી મદદ ન કરી શક્યો. ભગવાન મારા આટલા દોષની ક્ષમા કરશે ને? ઉષા, તું તો મારું નાજુકનમણું ફૂલ. તને તો હું બહુ સાચવી સાચવીને રાખું છું. તને કંઈ થાય તો મારો ભગવાન મારા પર ગુસ્સે થાય. હવે મારી પ્રાર્થનામાં બળ આવશે. જીવનની એકેએક ક્ષણ તારે અર્થે સમર્પી દેવાની સાધના અધૂરી નહીં રહે. આ જન્મમાં આથી બીજી સાધના કરવાનો મને આદેશ નથી. ભગવાનને પણ આ સાધનાથી રીઝવવાના છે. જે દિવસે મારી ઉષાના ચિત્તમાં નરી પ્રસન્નતા અને શાન્તિ હશે તે દિવસે મારા જીવનને પ્રભુ એના હાસ્યથી છલકાવી દેશે. પણ એ અધિકાર માટે હજુ તો હું કેટલો ઊણો છું! કેટલી ક્ષુદ્ર વૃત્તિને સંઘરી બેઠો છું! ઉષા, તું મારાથી નિરાશ ન થઈશ. જે હું આખું જીવન દઈને કરી રહ્યો છું તે કાંઈ મિથ્યા નહીં નીવડે. એટલી શ્રદ્ધાને તું તારા અન્તરમાં અખણ્ડ રાખજે. રાખીશ ને? તો મારી લાડકી ઉષા, હું તને આલિંગવાને આવું છું. મંગળવારે સવારે પૂ.વ્યાસ સાહેબ સાથે ખાર આવીશ. વ્હેલી સવારે પહેલી લોકલ આવે છે તેમાં. હું તને ભેટ્યા વિના ક્ષણ પણ રહી શકીશ નહીં. તું આપણા ઓરડામાં જ છે ને? હું વ્યાસસાહેબને દિવાનખાનામાં બેસાડીને તારી પાસે જ આવીશ. આપણે સાથે ચિ.પ્રણવના કાનમાં ગાયત્રી મન્ત્ર ભણીશું. પછી તારી સાથે ભેટીને સૂઈ રહીશ. જોજે, મારે આવીને બેસી ન રહેવું પડે. ઉષા, આટલું કરીશ ને? વ્યાસસાહેબ તો બુધગુરુવારે પાછા જશે. હું બીજા બુધવાર સુધી રહેવાનો છું. આથી બે દિવસ રમેશને ત્યાં રહીશ. લોકોને પણ જરા ઠીક લાગે. પછી જાણે હું પણ વ્યાસસાહેબ સાથે જતો રહ્યો છું એમ માનશે. પછી પાંચેક દિવસ તો તારાથી જરા પણ અળગા રહેવું નથી. ઉષા, બસ મિલનના હર્ષથી અત્યારથી હૃદય છલકાઈ ઊઠ્યું છે. તું ચિ.પ્રણવને જલદી જલદી સારો કરી નાખ. એ પણ આપણા આનન્દમાં ભાગ લેશે ને? ઉષા, ખૂબ આનન્દ કરવો છે હં. હવે તો તારે કાંઈ કામ કરવાનું હોય નહીં. એટલે તું મારી પાસે જ રહેશે ને? મારે પછી ક્યાંય બહાર જવું નથી. બધાં કામ — કોલેજનાં — બે દિવસમાં પતાવી દઈશ પછી ૩૦મી મેએ રાતે ખારથી નીકળીશ. બોલ, તને ગમ્યું ને? તું તો ત્રણેક દિવસની જ વાત કરતી હતી, પણ હું કેટલું બધું રહીશ — મારી ઉષાને છોડીને મારાથી કેમ રહેવાય? ઉષા, મારી ઉષા થઈને તું એટલું નહીં માને? દોઢ મહિના પછી ન્હાઈને અહીં નહીં આવે? તું બહુ લુચ્ચી છે, મને કહીશ : પ્રયત્ન કરીશ. ના ઉષા, મને નિરાશ ન કરીશ. મેં બલવન્તરાયને લખ્યું છે કે ચિ.અ.સૌ. ઊમિર્લાને માર્ચ સુધી મારે ત્યાં રહેવાની રજા આપો. તને એની સાથે ઠીક ફાવશે. ને આપણી જેઠી બાઈ બધું સરસ કરશે. તું પૂ. મોટીબહેન પાસે હા પડાવે એટલી જ વાર. તો ઉષા, તારા સુરેશને કેટલો આનન્દ થાય. તો એનું વજન જરૂર ૧૪૦ થાય. અત્યારે તો કાંઈ ખવાતું જ નથી. તારાથી દૂર રહીને જાણે જીવવાનું જ ગમતું નથી. ગ્રીનનું ખાવાનું તારું તારું છે એમ તે મનને શી રીતે મનાવી શકું? ના ઉષા, એવું મને કહીશ નહીં. જો, તારે માટે બિલકુલ ચોક્ખું ૧૦ શેર ઘી લાવું છું. ખૂબ શીરો ખાજે ને પ્રણવને પણ મસ્ત બનાવજે. હું ગરીબ માણસ, તારે માટે કશું કરી શકતો નથી. મને એથી ઓછું આવે છે. આજે મારી સ્થિતિ સારી હોત તો તારાં પૂ. મોટીબહેન દોઢ મહિના પછી તને અહીં આવવા દેવામાં જરાય આનાકાની ન કરત. તને પણ બે વિચાર કરવા ન પડત. પણ ચિ.પ્રણવના આગમન પછી તો આપણું સુધરી જવાનું છે. ને ભગવાનના આશીર્વાદ તો છે જ ને, પછી શું? તો ઉષા, હું આવું છું. સ્તન કઠણ થઈ ગયા હોય તો દૂધ કાઢી નાખવું. ચિ.પ્રણવને બે બે કલાકે ધવડાવે છે ને? ચિ.અ.સૌ.કુમુદ આવી ગઈ હશે. હવે તો હું આવું છું. મને બધી વાત કરજે. તને સ્હેજ પણ અળગી કરવાનો નથી. ચિ.પ્રણવને વહાલભર્યા શુભાશિષ. સુરેશનાં.. બ્લોક નં. ૧૨, લેડી પ્રેમચંદ જૈનહિન્દુ સેનેટોરિયમ, યરવડા, પૂના — ૬ ૧૩-૪-૬૭ ચટુલિકા, હજી સુધી તારો એક પણ પત્ર મળ્યો નથી. મેં અહીંનું સરનામું જાણીને શનિવારે મુંબઈથી પત્ર લખેલો તે તને મળ્યો હશે. ત્યાર પછી અહીં આવીને તરત એક પત્ર લખ્યો તે પણ મળ્યો હશે. દાંત પડાવવાના હતા તેની મને ચિન્તા છે. એ બધું હું હોઉં ને પતે એટલા માટે રોકાયો, પણ આખરે ચિંતા નસીબમાં હશે તે અહીંની તારીખ સાચવવા આવવું પડ્યું. મનને એમ મનાવ્યું કે રેડિયો લાયસન્સ રજિસ્ટર્ડ પોષ્ટથી મોકલવાનું કહેતી હતી એટલે એની જોડે તેં કાગળ લખ્યો હશે. આજે તો મળવો જોઈએ. આ લખ્યા પછી પણ મળે તો સારું. આપણે એવી intimacyથી જીવીએ છીએ કે નાહતાં, સૂતાંને બધી જ વેળાએ સહજીવનની જ યાદ આવે. આ હમણાં જ નાહીને લખવા બેઠો છું. સેન્ડલ સાબુની સુવાસ છે. શરીર લૂંછતાં વાંસો ધરીને ઊભો રહું ને ખબર પડે કે એ તો હવે મારે જ કરવાનું; શરીર ચોળતાં નહીં ફાવે. આ રીતે સ્વેચ્છાએ આણેલી પરાધીનતા (એ શબ્દ ખોટો, કારણ કે તું ‘પર’ નથી) જ ઇચ્છું છું. મુંબઈમાં… મળેલો તે અહીં સુધી વળગ્યો છે — thesisની ચર્ચા કરવા! આ જ્ઞાનદાનનું પુણ્ય ક્યાં જતું હશે? થોડો ખરચ એથી વધ્યો છે. અલબત્ત, એ પણ ખરચે છે. પણ દૂધ, કામવાળી બાઈ, ઘાસતેલ, ચાખાંડ, વળી કોઈ વાર બસભાડું — આ બધું તો મારું જ ને! ચિન્તા કરતી નહીં. તાપ છે, મચ્છર પણ છે, પંખો નથી. પ્રભાકર પાધ્યે ચારપાંચ વાગે આવે છે ને દોઢબે કલાક બેસે છે, ખપાવે છે — એ ને … બન્ને. છતાં લઈને મંડ્યો છું. ગઈ કાલે એક પ્રકરણ પૂરું કર્યું, આજે બીજું શરૂ કરું છું. દોસ્તોેએવસ્કીનું પણ કરવાનું છે. વખત તો ચાલ્યો જાય છે. ખાવાનું ફાવતું નથી. પ્રભાકર પાધ્યેએ તો હજી સુધી એમનું ઘર બતાવવાની સુધ્ધાં વાત કરી નથી! ખાવા સ્ટેશને જવું પડે. ત્રણ દિવસ ભાત બંધ. ગૂજરાતી લોજમાં એક વાર જમવાના રૂ. ૩.૫૦ — અહીં આવીને ભાત ખાધો નથી. પોષણ મળે એમ જાણીને મંગળવારે આમલેટ ખાધું — પણ પચ્યું નહીં. એક કરવા જતાં બીજું થયું, અપેક્ષા વાયુમોક્ષની ને ત્યાં પ્રવાહી આર્દ્રતાનો સ્પર્શ! આપણે કેટલું હસ્યાં હોત! બારીમાંથી શિરીષ ડોકિયાં કરે છે. આપણને બંનેને ખૂબ ગમતું શિરીષ છે એથી એક પ્રકારની આત્મીયતા લાગે છે. અહીં પણ આપણા ઓરડાની પાછળ છે એવી ખુલ્લી જગ્યા છે, ને રસ્તો છે. રાતે ઘડીભર વડોદરામાં છું એવી ભ્રાન્તિ થાય છે. પણ કામમાં રચ્યોપચ્યો રહું છું. સામી ભીંત પર રાતે વૃક્ષની ડાળીની ભાતનો પડછાયો પડે છે. ચન્દ્ર દેખાતો નથી. બપોરે લૂ વાય છે ને રાતે બધું સ્તબ્ધ. ફિલિપ્સને લીધે રાહત છે. દહીં છાશ નહીં એટલે હરસની પીડા પણ ખરી. અહીં બેટલેલાન લેવી પડે છે. એમ કેમ હશે? પાણીની બહુ છૂટ નથી. બાઈ દશ રૂપિયા લેશે, ગેસ ૨૮ રૂ. મળતો હતો. રાંધવું હોય તો કામનો, એટલે કેરોસીન ને સ્ટવનું રાજ છે. ચન્દ્રપ્રભા કાલથી શરૂ કરી છે. જીવનના સંઘર્ષનો હવે થાક લાગે છે. આ રીતે કામમાં મચ્યા નહીં રહીએ તો દોર હાથમાંથી સરી જશે, પછી હાર સ્વીકારવી પડશે — આવો મનમાં સતત ખ્યાલ રહે છે, એટલે જ મંડ્યો રહું છું. રસિક મહિને ચાર હજાર કમાતો હતો, આજે ગણિતના વર્ગો શરૂ કરશે! ફલેટ વેચવા દોડાદોડ કરે છે. ‘ક્ષિતિજ’ બંધ કરવું પડશે. એવા કામમાં એની મદદ હતી. હવે આપણે જ પહોંચી વળવાનું રહેશે. પ્રણવની પરીક્ષા ગઈ કાલે પૂરી થઈ હશે. એને થોડા દિવસ જ્યાં જવાનું મન થાય ત્યાં જવા દેજે. પ્રવીણ અને જયંત નાટક લખવાનું કહે છે, મારેય લાંબી વાર્તા લખવી હતી, ને વિવેચનસંગ્રહને માટેનાં બાકી રહેલા બે નિબન્ધો, The lie વિશે — કેમ પહોંચી વળીશ! વેકેશનનો એક મહિનો તો પૂરો થવાનો. મે આખો તો Story of Philosophy માટે રાખવો છે. પણ હજી કામ થઈ શકે છે, ત્યાં સુધી ચિંતા નથી. ચિ.કુકુ ક્લાસમાં જતો હશે. ચિ.તોત્સુની પરીક્ષા ચાલુ હશે. કાંદાકેરી, કઢી, કલિંગર, સકરટેટી — આ બધું યાદ આવે છે. ખૂબ ખાજો ને મને યાદ કરજો. તું બને તેટલું કામ કરતી રહેજે. મન પર ભાર રાખીશ નહીં. ધીરુ મહેતાએ પૈસા નહીં ભર્યા હોય તો પાછા મંગાવી લેજે. પૈસા ભરવાથી ઝાઝો ફાયદો નથી, ને એ પૈસા અત્યારે આપણને કામ આવશે. paid up કરાવવાનું તો કહ્યું જ છે. સંભાળીને રહેજો. ચટુલદાસનાં ચુંબનો.