માડી મને સાંભરે રે/કૃતિ-પરિચય: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:29, 21 May 2026

ગ્રંથ પરિચય : ‘માડી મને સાંભરે રે’

ગુજરાતી દલિત સાહિત્યમાં માતૃત્વ, સ્મૃતિ અને જીવનસંઘર્ષને કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલું એક મહત્ત્વપૂર્ણ સંપાદન છે. ચંદુ મહેરિયા દ્વારા સંપાદિત આ પુસ્તક પ્રથમવાર ૧૯૯૪માં ઉત્તમ સાહિત્ય પ્રકાશન સહકારી મંડળી લિ., સુરેન્દ્રનગર દ્વારા પ્રકાશિત થયું હતું. આ સંકલનમાં કુલ ૨૧ લેખો સમાવાયા છે, જેમાં નીરવ પટેલ, જોસેફ મેકવાન, બી. એન. વણકર, બબલદાસ બી. ચાવડા, હરીશ મંગલમ, દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી જેવા વિવિધ દલિત લેખકોના લેખોનો સમાવેશ થાય છે.ચંદુ મહેરિયા સંપાદકીયમાં નોંધે છે કે ‘મહારાષ્ટ્રની તુલનાએ ગુજરાતી દલિત સાહિત્યમાં આત્મકથાત્મક અને સ્મૃતિલેખનનું પ્રમાણ પ્રમાણમાં ઓછું રહ્યું છે. એવા સંદર્ભમાં ‘માડી મને સાંભરે રે’ જેવા સંકલનો ગુજરાતી દલિત જીવનના અનુભવો, સ્મૃતિઓ અને સંઘર્ષોને સાહિત્યિક અભિવ્યક્તિ આપતું મહત્વપૂર્ણ ઉમેરણ બની રહે છે.’ આ લખાણોમાં ‘મા’નું ચિત્રણ માત્ર સ્મૃતિ કે લાગણી સુધી મર્યાદિત નથી રહેતું; પરંતુ સામાજિક અસમાનતા, ગરીબી અને જીવનસંઘર્ષ વચ્ચે ઊભી રહેલી સ્ત્રીની શક્તિ, કરુણા અને સહનશીલતાને પણ ઉજાગર કરે છે.સંપાદક ચંદુ મહેરિયાએ વિવિધ દલિત લેખકોના અવાજો અને અનુભવોને એકત્ર કરીને ‘મા’ના અનુભવોને વ્યક્તિગત સ્મૃતિમાંથી સામૂહિક સંવેદનામાં રૂપાંતરિત કર્યા છે. તેથી આ પુસ્તક માત્ર સ્મૃતિલેખોનો સંગ્રહ નથી રહેતું, પરંતુ ગુજરાતી દલિત જીવન, તેની લાગણીઓ અને સંઘર્ષોનો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની રહે છે. જાણીતા વિવેચક મંજુબહેન ઝવેરી પુસ્તકની પ્રસ્તાવનાના અંતમાં નોંધે છે : “બ્રાહ્મણોએ આપેલ માતુવંદના, માતૃસાહિત્ય કે માતુછાયા જેવા શીર્ષકોની પડછે ‘માડી મને સાંભરે રે’ એ શીર્ષક મીઠું અને વ્હાલસોયું લાગ્યું એ નોંધવું રહ્યું.” પુસ્તક વાંચતાં આ અવલોકન ખરેખર સાચું લાગે છે.

પંક્તિ દેસાઈ