ઉમાશંકરનો વાગ્વૈભવ/પ્રાસ્તાવિક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| પ્રાસ્તાવિક |}} {{Poem2Open}} ગુજરાતી સાહિત્યમાં ઉમાશંકર જોશીનું...")
(No difference)

Revision as of 20:09, 26 August 2021

પ્રાસ્તાવિક

ગુજરાતી સાહિત્યમાં ઉમાશંકર જોશીનું સાહિત્યસર્જન અને વિવેચનનું કાર્ય અનેક કારણોએ મૂલ્યવાન છે. તેઓ આપણા પ્રથમ પંક્તિના સાહિત્યકારોમાં પોતાના સત્ત્વબળે સહેલાઈથી સ્થાન પામે છે. તેમની કાવ્યસાધના છ દાયકાઓની. એમના જેવા પ્રશિષ્ટ સાહિત્યકારનું અધ્યયન થાય તો તે, અન્યને તો થાય ત્યારે, પણ એના અધ્યયનકારને તો અવશ્ય લાભદાયી થાય. આ મહાનિબંધમાં જેટલો ભાર એમનાં સાહિત્યિક વલણોના આસ્વાદમૂલક નિરીક્ષણ પર મૂક્યો છે એટલો વિધાનો પર મૂક્યો નથી અને આમ છતાં સુજ્ઞ સાહિત્યરસિકોને અહીં આપેલાં નિરીક્ષણોમાંથી ઉમાશંકરની સાહિત્યિક ઉપલબ્ધિઓની ઇયત્તા સમજાય એ આશય તો રાખ્યો છે. આ કાર્ય ૧૯૬૫થી મારા ગુરુવર્ય પ્રો. મોહનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઉપાડેલું. વચ્ચે અંતરાયો – વિક્ષેપોય આવતા રહ્યા, કેટલોક આમ તો સાહિત્યિક છતાં અન્યાશ્રય પણ થયાં કર્યો, આમ છતાં આ કાર્ય તો યથાવકાશ ચાલતું જ રહ્યું. ઉમાશંકર તરફથીયે નવા નવા ગ્રંથો આવતા ગયા ને એ રીતે જ કાર્યનો ભાર – વિસ્તાર પણ વધતો ગયો; આમ છતાં આ એક રમણીય કાર્ય હતું. મારા માર્ગદર્શકનુંયે સદ્ભાવપૂર્ણ પ્રોત્સાહન હતું અને તેથી જ હું કાર્યને વળગી રહ્યો એ કરતાં કાર્ય મને વળગીને રહ્યા જેવું થયું. મહાનિબંધનું કાર્ય અનેક રીતે કરવા જેવું કાર્ય છે. જે અભ્યાસ-શિસ્તની જે તાલીમ તે આપે છે એનો તો મહિમા જ અનેરો છે. ઉમાશંકરના સાહિત્યિક સર્જન-વિવેચન વિશે એક વિવેચન-ગ્રંથ લખવો એ એક બાબત છે અને એમના વિશે આમ એક મહાનિબંધ તૈયાર કરવો એ બીજી વાત છે એમ અનુભવે મને સમજાયું. આવા ‘મહાનિબંધ’માં ઉમાશંકરના શબ્દવ્યાપારનું આકલન, એનું વિવેચન તો આવે જ; પરંતુ એ ઉપરાંત પણ બીજું કેટલુંક એમાં આવે છે – એવું કેટલુંક જે મહાનિબંધની શિસ્તમાં જ ઇષ્ટ જણાય. અહીં એવાં કેટલાંક કોષ્ટકો – માહિતી – સામગ્રી ને તારણો પણ આપવાનો પ્રયાસ છે જે કદાચને ઉમાશંકર વિશે અભ્યાસ કરનારને ઉપયોગી થાય. આ મહાનિબંધમાં કુલ નવ પ્રકરણોની આયોજના છે. પ્રથમ એકમમાં અર્વાચીન ઉમાશંકર પૂર્વેની ગુજરાતની સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરાની આવશ્યક ભૂમિકા અપાઈ છે. ઉમાશંકરના વ્યક્તિત્વના – ઉમાશંકરના યુગના વ્યક્તિત્વના નિર્માણમાં જે દેશકાળે, જે સાંસ્કૃતિક સાહિત્યિક પરિબળોએ ભાગ ભજવ્યો તેનો શક્ય તેટલો પ્રમાણપુષ્ટ ચિતાર આપવાનો પ્રયત્ન કર્યો છે. બીજા એકમમાં ઉમાશંકરના જીવનઘડતરનાં પરિબળોનો ખ્યાલ આપતાં, એમના સર્જક વ્યક્તિત્વની મુખ્ય મુખ્ય રેખાઓ ઉપસાવવાનો પ્રયત્ન છે. આ પ્રયત્નમાં એમની સાથે નિકટનો અથવા લાંબા ગાળાનો સંબંધ ધરાવનાર જે કેટલાક સહૃદય સાહિત્યસેવી સજ્જનો – તેમના જ પ્રગટ અભિપ્રાયોના હવાલા આપવાનોયે ઉપક્રમ પસંદ કર્યો છે. ઉમાશંકરના વ્યક્તિત્વની વિલક્ષણતાઓ શક્ય તેટલા વસ્તુલક્ષી ધોરણે ઉપસાવી બતાવવાનો પ્રયાસ કર્યો છે. ત્રીજા એકમમાં બે વિભાગ છે. એક વિભાગમાં એમનો ‘વિશ્વશાંતિ’થી ‘સપ્તપદી’ સુધીનો એમનો કાવ્યપ્રવાસ આવરી લેવાયો છે બીજા વિભાગમાં એમની નાટ્યલક્ષી પદ્યરચનાઓનો ‘પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’ની કૃતિઓનો પરિચય અપાયો છે. આ પરિચયમાં ઉમાશંકરનાં કાવ્યગત દર્શન અને વર્ણન – બંનેય પાસાં નજર સમક્ષ રાખ્યાં છે અને દીર્ઘસૂત્રી થવાનાં જોખમો છતાં આસ્વાદલક્ષી અભિગમે, બને તેટલા કૃતિગત વીગતોના ઝીણવટભર્યા નિરીક્ષણમાં ઊતરવાનું યોગ્ય માન્યું છે. વળી માર્ગદર્શકની અનુમતિથી, પ્રત્યેક એકમની મહાનિબંધના અંશરૂપે તો ખરી જ, પણ સ્વતંત્ર રૂપેય માવજત કરી છે અને તેથી જ્યાં અનિવાર્ય લાગ્યું ત્યાં પુનરાવર્તન કે પ્રસ્તારના ભય છતાં જે તે સંદર્ભને સ્પષ્ટ કરવાનું ઘટિત માન્યું છે. ઉમાશંકરની સાહિત્યિક પ્રવૃત્તિ-સંદર્ભે મારાં પોતાનાં નિરીક્ષણો આપવાનો તો પ્રયાસ છે જ, તે સાથે અનેક સાહિત્યરસિકો – વિદ્વાનોએ પણ એમની સાહિત્યિક પ્રવૃત્તિ-સંદર્ભે જે નિરીક્ષણો આપ્યાં તેનીયે, મારા ગજા ને પહોંચ પ્રમાણે, ચર્ચા-વિચારણા કરવાનો ઉપક્રમ પણ આમાં સ્વીકાર્યો છે. એમ કરતાં કેટલાક મહત્ત્વના અભિપ્રાયો જે તે વિદ્વાનોએ જે શબ્દોમાં આપ્યા હોય એ શબ્દોમાં જ અહીં રજૂ કરવાનો આગ્રહ રખાયો છે; કેમ કે, તાત્ત્વિક રીતે તો જે તે અભિપ્રાય શબ્દાંતરે – પર્યાયથી કથવા જતાંયે એક પ્રકારની શિથિલતા તો આવી જ જાય છે. સમ્યક સમજના પ્રવર્તન માટે અવતરણિયા ગણાવવાનું જોખમ ઇષ્ટ છે, ગેરસમજ ઇષ્ટ નથી. કવિતા તથા નાટ્યલક્ષી પદ્યપ્રયોગોને અનુલક્ષતું પ્રકરણ ત્રણ, એકાંકી–ત્રિઅંકી વિષયક પ્રકરણ ચાર, વાર્તા અને નવલકથા-વિષયક પ્રકરણ પાંચ, નિબંધસાહિત્યવિષયક પ્રકરણ છ, ચરિત્રાત્મક સાહિત્ય-વિષયક પ્રકરણ સાત, પ્રવાસસાહિત્યવિષયક પ્રકરણ આઠ — આ સર્વમાં ઉપર્યુક્ત અભિગમે કાર્ય થયું છે. નવમું પ્રકરણ એમની વિવેચન-પ્રવૃત્તિને ફાળવ્યું છે. ઉમાશંકરના કાવ્યવિચારને એમના જ શબ્દોમાં મૂકવાનો અભિગમ અહીં અપનાવ્યો છે. ડગલે ને પગલે એ અંગેના આધારો ટાંકવા જતાં પાદટીપ-સંખ્યાય વધી છે; જે આમ તો નિવારી શકાય પરંતુ અહીં એ રાખવી યોગ્ય માની છે, કેમ કે આ કાર્ય એક વિદ્યાર્થીની હેસિયતથી થયેલું હોઈ, જે તે વિધાનો – અભિપ્રાયો શક્ય તેટલાં પ્રમાણપુષ્ટ હોય એ જરૂરી છે. (અન્યથાયે જરૂરી ખરું જ !) છેલ્લે મહાનિબંધનો ઉપસંહાર આપ્યો છે. એમાં ઉમાશંકરની સાહિત્યસર્જક અને વિવેચક તરીકેની વિલક્ષણતા-ઓનો, એમના ગુજરાતી સાહિત્યને થયેલા અર્પણનો ખ્યાલ અપાયો છે. આ મહાનિબંધમાં મહદંશે ઉમાશંકરના ગ્રંથસ્થ સાહિત્યને નજર સામે રાખ્યું છે. તેમનાં કેટલાંક અગ્રંથસ્થ લખાણોનો પણ અહીં યથાવશ્યક વિનિયોગ પણ થયો છે. એમનાં અંગ્રેજી લખાણો પણ છે. એમનો પણ લાભ લેવાનું બન્યું છે. સામાન્ય વલણ તો એમની સર્જન અને વિવેચનની ગ્રંથસ્થ કામગીરીને તપાસવાનું રાખ્યું છે. આથી એમના અનુવાદ કે સંપાદનકાર્યની, સંશોધન કે તંત્રીકાર્યની, એમની સમયરંગમાં વ્યક્ત થતી પત્રકારપ્રતિભાની – આ બધાંની આલોચના અહીં મહદંશે નિવારી છે. છેવટે ઉમાશંકરના ગ્રંથોની તેમ જ તેમના વિશે થયેલાં લખાણોની સૂચિ આપી છે તે અભ્યાસીઓને ઉપયોગી થશે એવી આશા છે. છેલ્લે આપેલી સંદર્ભસૂચિને ‘અપડેટ’ કરવામાં મેં ડૉ. શ્રદ્ધાબહેન ત્રિવેદીની પણ મદદ લીધી છે. તેમનો અહીં કૃતજ્ઞતાપૂર્વક ઉલ્લેખ કરું છું. મારા આ સમગ્ર નિબંધમાં મારો અભિગમ ઇતિમૂલક યથાર્થદર્શનનો જ રખાયો છે. ઉમાશંકરના સાહિત્ય-સર્જન તેમ જ વિવેચન વિશે જે અધ્ધરતાલ અભિપ્રાયોની – ઉછીના કે ઉભડક ખ્યાલોની ફેંકાફેંક કે ઝીંકાઝીંક થાય છે તેને આ મહાનિબંધ કંઈક સંયત કરવામાં ઉપયોગી થઈ શકશે તો મને આનંદ થશે. જે આસ્વાદાનંદ ઉમાશંકરના શબ્દની ગતિવિધિ સમજવાના આ પ્રયત્નમાં મેં અનુભવ્યો છે તેનો થોડોકે અંશ આ મહાનિબંધ દ્વારા અન્ય સાહિત્યરસિકો સુધી પહોંચી શકશે તો જે કંઈ પરિશ્રમ ઉમાશંકરના અને ઉમાશંકર-વિષયક કામને તપાસવામાં મેં લીધો તે કંઈક સાર્થક થયાનો ભાવ મને થશે. આ મહાનિબંધના કાર્યમાં પ્રથમ તો મારા માર્ગદર્શક આચાર્યશ્રી મોહનભાઈ પટેલનો તથા આ મહાનિબંધના પરીક્ષકો સર્વશ્રી અનંતરાય રાવળ, મનસુખલાલ ઝવેરી તથા ઉપેન્દ્રભાઈ પંડ્યાનો વંદનપૂર્વક આભાર માનું છું. મારા આ સ્વાધ્યાયના લેખનથી પ્રકાશન સુધીના વિવિધ તબક્કાઓમાં મને અનેક વડીલો-મિત્રોનો પ્રત્યક્ષ યા પરોક્ષ સાથ-સહકાર સાંપડ્યો છે. એમાંના કેટલાકનો નામનિર્દેશ અહીં અસ્થાને નહીં લેખાય. સર્વશ્રી ભગતસાહેબ (નિરંજન ભગત), ઠાકરસાહેબ (ડૉ. ધીરુભાઈ ઠાકર), મધુભાઈ (ડૉ. મધુસૂદન પારેખ), ડૉ. ચિમનલાલ ત્રિવેદી, ડૉ. ભોળાભાઈ પટેલ, ડૉ. કુમારપાળ દેસાઈ, ડૉ. રતિલાલ બોરીસાગર, યોગેશ જોષી, ડૉ. રમેશ ર. દવે, પરેશ નાયક, રાજેન્દ્ર પટેલ, પ્રફુલ્લ રાવલ, મનસુખ સલ્લા, ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથપાલશ્રીઓ પ્રા. કનુભાઈ શાહ, પ્રા. કિરીટભાઈ ભાવસાર, પ્રા. નવલસિંહ વાઘેલા અને અન્ય તથા મનુભાઈ શાહ ને ભાઈ રોહિત વગેરેની પ્રસ્તુત કાર્યમાં મને ભરપૂર મદદ ને સદ્ભાવના મળી છે તે જણાવતાં આનંદ થાય છે. સદ્ગત સર્વશ્રી નગીનદાસ પારેખ, યશવંત શુક્લ, ડૉ. હરિવલ્લભ ભાયાણી, ભૃગુરાય અંજારિયા તેમ જ જયંતભાઈ કોઠારીએ પણ મને આ કામમાં જે પીઠબળ પૂરું પાડેલું તે યાદ આવતાં કૃતજ્ઞતાભાવ ઊભરાય છે. ડૉ. રઘુવીરભાઈને તો મેં મારી પાછળ ખડે પગે ઊભેલા હોય એવી એમની હૂંફ અનુભવી છે. તેમનો આ ગ્રંથના આવરણલેખન માટે આભારી છું. S ૧૯૭૮માં લખાયેલો મારો મહાનિબંધ ગુજરાતી સાહિત્ય પરિષદના ઉમાશંકર જોશી સ્વાધ્યાયપીઠના ઉપક્રમે પ્રકાશિત થાય છે એનો મને આનંદ છે. આ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના તંત્રવાહકોનો તથા પરિષદના તેમના સાથીમિત્રોનો હું આભારી છું. એમણે મારો ગુનાહિત વિલંબ ખમીનેય આ મહાનિબંધ વર્તમાન સ્વરૂપમાં પ્રકાશિત કરવામાં જે રસ લીધો એ મારે માટે તો વિવેક-ઔદાર્યવાળી અવિસ્મરણીય ઘટના છે. વળી, આના સુંદર-સુઘડ મુદ્રણમાં ભાઈ રોહિતે, મારા પુત્ર અભિજાતની જેમ જ અપાર નિષ્ઠાથી જહેમત ઉઠાવી મને આ ગ્રંથનિર્માણ બાબતે નિશ્ચિંત કરી મૂક્યો તે બદલ તેમનો અને તેમના સર્વ સાથી કાર્યકરમિત્રોનો વિશેષભાવે આભારી છું. મારા આ મસમોટા કામમાં મારા પરિવારે – મુદ્રિકા, વંદના-નાનક, અભિજાત-છાયાએ મને સતત જે અનુકૂળતાઓ કરી આપી તે બદલ તેમનુંયે સ્મરણ કરવું ઘટે. સદ્ગત ઉમાશંકરભાઈનો, તેમના પરિવારનો – સદ્ગત નંદિનીબહેનનો તથા સ્વાતિબહેનનો અને તેમના વિશે અભ્યાસ-ચિંતન કરનાર સૌનો તો હું હંમેશાંનો ઋણી રહેવાનો. વીસમી સદીના ગુજરાતી સાહિત્યનું પ્રતિનિધાાન કરતી આ સાહિત્યિક વિભૂતિના સમ્યક દર્શન-આકલનમાં આ ગ્રંથ સૌ ઉમાશંકરપ્રેમીઓને કોઈ ને કોઈ રીતે ઉપયોગી થશે એવી આશા છે. રથયાત્રા, તા. ૪-૭-૨૦૦૮ ચંદ્રકાન્ત શેઠ ૯-બી, પૂર્ણેશ્વર ફ્લૅટ્સ, ગુલબાઈ ટેકરા, અમદાવાદ – ૩૮૦૦૧૫