અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણભાઈ નીલકંઠ /તેજ અને તિમિરથી અતીત: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading|તેજ અને તિમિરથી અતીત| રમણભાઈ નીલકંઠ}} <poem> {{center | '''મન્દાક્રાન્...") |
(No difference)
|
Revision as of 19:28, 3 September 2021
રમણભાઈ નીલકંઠ
મન્દાક્રાન્તા
સૂર્યાસ્તે આ તિમિરપટ તું ધારતી હે ધરિત્રી!
ધારે પોતે, તુજ પર રહ્યાં સર્વને તે ધરાવે;
મેદાનો ને વન ગહન ને પર્વતો ને સમુદ્ર,
પક્ષી, પ્રાણી, નગર, સર ને વૃક્ષ, કૂપો, નદીઓ. ૧
એ સર્વે ને વળિ સકલ નો સ્વામિ છે જે મનુષ્ય,
દેખાયે છે ઉપર સહુની વેષ્ટન શ્યામ વીંટ્યું.
વાણી માંહે અમ મનુજની ‘રાત્રિ’ એને કહે છે,
શબ્દેચ્છા એ શમન થતીને મર્મ તારો ખુલે ના. ૨
તો ક્હે શો છે તુજ ઉદરમાં હેતુ આચ્છાદને આ?
એ ના હોયે રવિ વિરહના શોકનાં વસ્ત્ર શ્યામ;
તું છે મ્હોટી ધિરજ તુજમાં, સ્વાસ્થ્ય ગાંભીર્ય તુંમાં,
ઉત્પાતો તેં કંઈક નિરખ્યા શાન્તિ ના તૂટી તારી. ૩
એ ના હોયે નિર્ભૃત વસનો ગુપ્ત સંચાર અર્થે.
બાંધ્યો તારો ભ્રમણપથ છે, ક્યાં બિજે તું જનારી?
એ ના હોયે અસિત પડદો તેં ધર્યો આત્મ-અંગે,
દૃષ્ટિપાતો વિફલ કરવા કૌતુકેથી ભરેલા. ૪
આકાશેથી રવિ ખસિ જતાં ની કળે જે અસંખ્ય;—
જે સૌન્દર્યે રહિ વિમલતા ગુપ્તિ શોધે નહીં તે.
તો એ શું છે પ્રકૃતિમહિનો વર્ણ આનંત્ય કેરો.
ને એ તુંને ફરિજ વળતો સૂર્યનો રંગ જાતાં? ૫
તો શું ત્યારે પ્રિય મનુજને રંગ છે શ્વેત જે આ.
જેને માને વિરલ નમૂનો શુદ્ધિ ને કીર્તિ કેરો,
તે શું છે હા! ધવલ કરતો સૂર્યનો રંગ માત્ર?
શું ના આખી પ્રકૃતિ ધર તી વર્ણ એ મૂલ રૂપે? ૬
દિગ્ભાવો જે ગહ ન પસર્યાં શૂન્ય આઘે અનંત,
ત્યાં શું નિત્યે ફરિ વળી રહી ગાઢ આવી તમિસ્રા?
શું આ શ્વેત દ્યુતિની ગણના સૂર્યના મંડલે જ?
શું અન્યત્ર રથલ મહિં બધે શ્યામ છે અંધકાર? ૭
ને જે આઘે દશદિશ છકી પાર છે વાસ દિવ્ય,
સર્વોત્કૃષ્ટ પ્રકૃતિ પર છે ધામ જ્યાં અદ્વિતીય,
ત્યાં શું આવું તિમિર નથી ને ત્યાં નથી તેજ આવું?
ત્યાં શું આવો નથી રવિ સમો શ્વેતવર્ણ પ્રકાશ? ૮
ત્યાં શું આવી પ્રકૃતિ સરખી છે ન કાળી તમિસ્રા?
ત્યાં શું બીજું કંઈ અવનવું દિવ્ય ઔજ્જવલ્ય વ્યાપે,
જેને વાણી મહિંથી ન ઘટે વર્ણના શબ્દ કોઈ?
ત્યાં શ ુ ં બીજી કંઈ અવન વ ી વ્યાપતી શીત શાન્તિ, ૯
જેનું સૌમ્ય પ્રથિત ન કરે ધ્વાન્તના શબ્દ કોઈ?
શું એ આભા કદિ ન પ્રકટે સૂર્યના રશ્મિવૃન્દે?
ઝાંખી તેની રવિ શમિ જતાં તેજસંસ્કારમાં જ?
શું એ શાન્તિ કદિ ન દિસતી ગાઢ કો અન્ધકારે?— ૧૦
તેનો ઝીણો અનુભવ થતો ચક્ષુ મિંચ્યાથી ધ્વાન્તે?
પ્રશ્નો કોને સકલ પુછું છું? કોઈ શું આ સુણે છે?—
સૂણે છે તું? મુજ વચન શું તુચ્છ તુંને ન લાગે?—
લાંબો તારો અનુભવ ખરે, બોલ તું હે ધરિત્રી! ૧૧
(સને ૧૮૯૬)