ચિત્રકૂટના ઘાટ પર/ક્યાં એ ઘર ખેતર?: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ક્યાં એ ઘર ખેતર?}} {{Poem2Open}} ગામ અને નગર વચ્ચે વહેંચાયેલા મારા જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 51: | Line 51: | ||
હું વધારે વાત કરવા ન રોકાયો. અંધારું ઊતરતું હતું. મારે હજી બે કિલોમીટર જેટલું પાછા જવાનું હતું. એટલે થોડું આગળ જઈને હું પાછો વળ્યો. ફદાજી ત્યાં જ બેઠેલો હતો. ચુંગી પીવાનું ચાલુ હતું. હું વિસ્તરેલી સૂની સીમમાં એકલા બેઠેલા એવા એની તરફ જોઈ માથું હલાવી ઝડપથી ઘર ભણી ચાલતો રહ્યો. | હું વધારે વાત કરવા ન રોકાયો. અંધારું ઊતરતું હતું. મારે હજી બે કિલોમીટર જેટલું પાછા જવાનું હતું. એટલે થોડું આગળ જઈને હું પાછો વળ્યો. ફદાજી ત્યાં જ બેઠેલો હતો. ચુંગી પીવાનું ચાલુ હતું. હું વિસ્તરેલી સૂની સીમમાં એકલા બેઠેલા એવા એની તરફ જોઈ માથું હલાવી ઝડપથી ઘર ભણી ચાલતો રહ્યો. | ||
અંધારું ઝડપથી ઊતરતું હતું. ધીમે ધીમે ગામના દીવા દેખાયા. પણ ફદાજી હજીય ચુંગી પીતો હશે – ત્યાં એક સીમને વળાંકે. અમારા ગામના ખેડૂતો હવે સુખી થયા છે, પણ કદાચ ફદાજીને તો પોતાનું ઘર પણ નથી ને ખેતર પણ નથી! કદાચ હું ખોટો પણ હોઉં. | અંધારું ઝડપથી ઊતરતું હતું. ધીમે ધીમે ગામના દીવા દેખાયા. પણ ફદાજી હજીય ચુંગી પીતો હશે – ત્યાં એક સીમને વળાંકે. અમારા ગામના ખેડૂતો હવે સુખી થયા છે, પણ કદાચ ફદાજીને તો પોતાનું ઘર પણ નથી ને ખેતર પણ નથી! કદાચ હું ખોટો પણ હોઉં.{{Poem2Close}} | ||
{{Right|[૧૭-૧૧-‘૯૬]}} | |||
{{ | |||
{{HeaderNav | |||
|previous = [[ચિત્રકૂટના ઘાટ પર/એક અષાઢી સાંજ|એક અષાઢી સાંજ]] | |||
|next = [[ચિત્રકૂટના ઘાટ પર/આથમણી બારી|આથમણી બારી]] | |||
}} |
Latest revision as of 12:18, 7 September 2021
ગામ અને નગર વચ્ચે વહેંચાયેલા મારા જેવા અનેક જીવો છે, જેમનો જન્મ બચપણ ઉછેર નાના ગામડામાં થયો હોય અને તે પછી ઉચ્ચ શિક્ષણ અને નોકરી અર્થે તેઓ શહેરમાં સ્થિર થઈ ત્યાં વસી ગયા હોય. ગામમાં હતા તારે શહેરમાં જવાનું સતત આકર્ષણ હતું. હવે શહેરમાં છીએ ત્યારે, ગામ જાણે રહી રહીને બોલાવે છે.
પણ એ કયું ગામ? ગામ છોડીને આવનારના મનમાં તો પોતે જ્યારે ગામ છોડીને નીકળી ગયા, તે વખતના ગામનું એક સ્થિર ચિત્ર છે અને તેના પર વચ્ચેનાં નગરનિવાસનાં વર્ષો દરમ્યાન ઝંખનાના રંગો ચઢતા ગયા છે. પરિણામે ચેતનામાં એક એવું ગામ રચાયું છે, જે વાસ્તવમાં ક્યાંય નથી. અને છતાં છે…
ગામનાં ઘર, આંગણ, શેરી, ભાગોળ, તળાવો, સીમ – ભૂગોળ તો બધી એની એ છે. ક્યાંક જૂનાં ઘરને સ્થાને નવાં ઘર થયાં હોય, ક્યાંક ગામપાદરના ખેતરમાં એકદમ નવાં ઘરોની વસાહત થઈ ગઈ હોય. કાચા રસ્તાને સ્થાને પાકી સડક બંધાઈ ગઈ હોય. પ્રકટેલી નવી ધાર્મિકતાને કારણે કોઈ વિસ્મૃત પાળિયો ગામના રખેવાળ દેવતાની પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરતો હોય અને એની આજુબાજુ ઈંટોની દેરીમાંથી પાકું મંદિર બંધાઈ ગયું હોય.
આ વખતે આસો મહિનાના અજવાળિયા દિવસોમાં એકાદ અઠવાડિયું સળંગ રહેવાનો વિચાર કરી મારા ગામમાં ગયો. ત્યારે પહેલી અપરિચિતતા લાગી તે તો સ્વયં મારા નવા ઘરની. ભલે શહેરમાં રહેતા હોઈએ, પણ બાપદાદાના ગામમાં પણ ઘર તો જોઈએ, એવી માનસિકતા ધરાવનારાઓની સંખ્યા ઘણી છે. એટલે બાના અવસાન પછી જૂનું ઘર કાઢી નાખ્યું હતું. પણ પછી ગામની ભાગોળે નવું બંધાવ્યું. અમારા એ નવા ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં દૂર ગામની વચ્ચે કાળકાની શેરીમાંનું, હવે કોઈ અન્યનું બની ગયેલું અમારું ઘર, એકદમ આંખો સામે ઊભું.
પહેલાં તો જ્યારે એ જૂના ઘરના રસ્તે વળતાં તો કેટલી બધી સ્મૃતિઓ, કેટલી બધી ઘટનાઓ, કેટલી બધી વ્યક્તિઓ ફરી એકવાર જીવંત થઈ ઊઠતી. બાલ્ય, શૈશવ, કૈશોર્ય અવસ્થાનાં અવળસવળ સોપાનો કૂદતો ઘરમાં પ્રવેશ કરતો અને જનકજનનીવિહોણા ઘરમાં પણ એમની મૂંગી આશિષનો અરવ રવ અનુભવાતો. એ ઘર આખું હેતની હેલી વરસાવતું. આ નવા ઘરમાં તો એવો કોઈ સ્મૃતિનો તંતુ નહોતો. ગામ બહાર, જરા ટીંબે આવેલાં ઘરોમાંનું અમારું એ ઘર નવી શેરીના પ્રવેશપથ પર છે. સીધા ઘરમાં પ્રવેશીએ છીએ. ગામ-ઘર સાથેનો ગાઢ અનુરાગ તો દૂર, આ પ્રવેશ જ એક પ્રકારના ‘એલિયનેશન’ – પરાયાપણાનો બોધ ક્ષણેક તો કરાવી ગયો.
કહ્યું તેમ, ગામની ભૂગોળ તો બહુ બદલાઈ નથી, પણ ગામની આથમણે પાદરના જે કૂવે ક્યારેક નાહવા જતા, ગામ પાદરના જે તળાવ વિસ્તારમાં રમતો રમતા કે ઢોર ચરાવતા – ગામ પાદરની જે સ્મશાનભૂમિથી ભય પામતા – લગભગ એની નજીકના ટીંબેના ખેતરોમાં આ નવા ઘર, મોટાં ખુલ્લાં આંગણા અને આંગણામાં ઊગેલા લીમડાની છાયાવાળાં બની ગયાં છે. અહીંથી સીધી સીમ જ શરૂ થાય છે અને તળાવ તો જાણે ઘરની ઓસરીમાંથી દેખાય.
આસો મહિનાના ખેતરોની સાંજનું એક એવું ચિત્ર નગરની ભીડ વચ્ચે ઝંખ્યા કર્યું છે : જેમાં બાજરી વઢાઈ ગઈ હોય, બાજરિયા સાથેના લણ્યા વિનાના પૂળાની ઓઘલીઓ ખેતરે ખેતરે ઊભી હોય. ખેતરમાં હવે મગ, અડદ, તુવેર કે ગુવારના છૂટાછવાયા છોડ ઊભા હોય અને વેરાયેલા કણ ચૂગવા આવેલાં પંખીઓની ઊડાઊડ થતી હોય. ક્યાંક ખેતર સાફ કરી, ખેડ કરી ઓળવવાનું ચાલતું હોય તે ઢાળિયે જતા પાણીની કલકલ, અને પછી નીકથી ક્યારામાં ધીમે ધીમે પ્રવેશતા જળની સાથે ભીની થતી માટી અને એની સુગંધ લેતા હોય એમ ઊભેલા બગલાંની હાર, હજીય જાણે જોવી હતી.
એટલે નીકળી પડ્યો સીમને માર્ગે એ જ સાંજે, પણ પેલું નેળિયું ક્યાં? હમણાં થોડા મહિનાઓ પહેલાં જ મારા ગામ સોજાથી બાજુના ગામ પલિયડને જોડતી પાકી સડક થઈ ગઈ છે. વર્લ્ડ બૅન્કની સહાય યોજનાથી. પણ આ વખતે સીધેસીધી સડક બનાવવા ખેતરોની જમીનને કાપી નથી. જે જૂનું નેળિયું હતું, તેના વળાંકો સાથે સડકમાં તેનો આકાર જળવાયો છે. માત્ર માર્ગની પહોળાઈ વધારવા અને બાજુનાં ખેતરોની થોડી થોડી જમીન લેવામાં આવી છે.
આસો મહિનામાં નેળિયાને રસ્તે ખેતરે જતાં બન્ને બાજુ ઊંચા થોર, તે પર ચઢેલા વેલાવેલીઓ, અનેક મોસમી વગડાઉ ફૂલોની અને થોરના મૂળિયે ભીની ચીકણી માટીની મિશ્રિત ગરમ ગંધ વચ્ચેથી પસાર થવાનું હવે ક્યાં? આ તો બન્ને બાજુનાં ખેતરોથી જરા ઊંચી સડક. ખેતરો જાણે બન્ને બાજુ પાધરાં થઈ સંકોચ અનુભવતાં લાગ્યાં.
પહેલાં તો સામે મળ્યું આંબાતળાવ. આસોમાં તો છલોછલ હોય, પણ જાણે ખરાબાની સીમનું એ નાનકડું તળાવ લાગ્યું. સડકે એની એકબાજુની ઝાડીવાળી ટેકરીને ઘણી છોલી નાખી છે. એ તો આંખોને આ સ્થિતિમાં પણ સારું લાગ્યું કે, ઘેટાંબકરાંનું એક ધણ તળાવમાં પાણી પીવા એ વખતે ઊતરી આવ્યું હતું.
સાંજની વેળા એટલે માથે ચારનો ભારો અને આગળ ત્રણચાર ભેંસોને હંકારતી પટલાણીઓ, ગરાસણીઓ સામે મળતી હતી. આ દૃશ્ય જૂનું છે, બદલાયું નથી. હજી માથે ચારના ભારા ઉપાડીને ચાલવાનું રહ્યું છે, અને હવે શેરીએ શેરીએ ડેરી હોવાથી કદાચ વધ્યું છે. પશુપાલને અમારી બાજુના ગામડાની આર્થિક કાયાપલટ કરી છે. સામે શિંગડાં હલાવતી આવતી ભેંસનો ડર નાનપણથી આજ સુધી ગયો નથી. હું એ મહિષીઓને માર્ગ આપવા સડકની એક કોર થઈ જાઉં છું.
‘ચ્યાં જવછાં ભૈ,પલિયેડ?’કોઈ પરિચિત ચહેરો મને ઓળખીને પૂછે.
‘આ તો જરા ફરવા જાઉં છું.’ – એ મારી પોતાની ભાષા બોલતાં સંકોચ પામી શિષ્ટ ગુજરાતીમાં જવાબ આપું છું. મારી વાત ન સમજાતી હોય તેમ ક્ષણેક વિચારી પછી એ પૂછે :
‘પગ છૂટો કરવા!’
‘હા.’ – મને શબ્દો મળી ગયા હતાઃ પગ છૂટો કરવા.
ગામડામાં અમસ્તુ ચાલવાનું તો નવરાને જ પરવડે. એટલે આ પગ છૂટો કરવાનો મુહાવરો જે મારી સ્મૃતિમંજુષામાં ખૂણે પડી ખોવાયો હતો તે બહાર પ્રકટ થયો.
ગામડાની કન્યાઓ કેટલી બધી બદલાઈ ગઈ છે? ખાસ તો એમનો પહેરવેશ. આધેડવયની સ્ત્રીઓ તો એ રીતે જ કપડાં પહેરે છે, પણ હવે છાયલને બદલે પટલાણીઓ કે ગરાસણીઓ છપાયેલી સાડીઓ પહેરે છે. કન્યાઓનો પોશાક તો શહેરની કન્યાઓ જેવો જ, પછી ભલે હાથમાં ભેંસની સાંકળ ને માથે ચારનો ભારો હોય.
બાજરીનાં ખેતરો જોવાં હતાં મારે. પણ ક્યાંય કહેતાં ક્યાંય બાજરી નહિ. ખબર પડી : હવે ચોમાસામાં કોઈ બાજરી વાવતું નથી. ખાવા જેટલી ઉનાળામાં ખેડૂતો પકવી લે છે, ચોમાસામાં ખેતરમાં ડોળ પડવાથી બાજરી પાકતી નથી. પણ એથી કંઈ ખેતરો ખાલી નહોતાં. ક્યાંય એક ચાસ જેટલી જમીન પણ ખાલી નહોતી. ખેતરોમાં કપાસ અને એરંડાનાં મુખ્યત્વે વાવેતર. એનાથી લીલાંછમ ખેતરો. વચ્ચે જૂના પાણી વિનાના કૂવાના થાળાં, કુંડીઓ અને ઢાળિયા કોઈ જૂની કૃષિ સંસ્કૃતિના અવશેષ જેવાં લાગતાં હતાં. કોસથી પાણી ખેંચવાનાં મંડાણો તો ક્યાંથી હોય? હળ પણ દેખાયાં નહિ. બળદોની સંખ્યા જ ઓછી થઈ ગઈ છે. બેત્રણ ટ્રેઈલર સાથેનાં ટ્રેક્ટર સામે મળ્યાં. રસ્તે ટ્યુબવેલ આંતરે આંતરે આવ્યા. ધમધોકાર પાણી હોજમાં પડી, પાઈપો દ્વારા ખેતરે પહોંચતું હતું એનો કલકલ અવાજ કાનને ગમતો હતો. અમારી બાજુના ખેડૂતો હવે ઠીકઠીક સુખી થયા છે.
રમ્ય વળાંકો ધરાવતી આછી અવરજવરવાળી સડકેથી બન્ને બાજુનાં એ ખેતરો, ખેતરને શેઢે ઊભેલાં ઝાડ, ઊડતાં પંખીઓ – એ બધું પ્રસન્ન કરતું હતું. ત્યાં એક ખળામાં છાપરા નીચે કેટલાંક છોકરાં રમતાં હતાં – લગભગ નાગાં-પૂંગાં. છાપરા નીચે એમની માવડીઓ કંઈક રાંધી રહી હતી. એ હતાં પૂર્વ ગુજરાતનાં કે મધ્યપ્રદેશ તરફનાં આદિવાસીઓ. હવે તેમનાં કુટુંબનાં કુટુંબ ખેતમજૂરી માટે અહીં આવે છે અને આમ સાતઆઠ મહિના ખેતરમાં વસી મજૂરી કરે છે. અમારા ખેડૂતો એમની મજૂરીથી વધારે સુખી થતા જાય છે. આ પેલી બાઈને કે એના જુવાન પતિને એમના મહુડાની છાયા યાદ નહિ આવતી હોય? એવા કંઈક વિચાર કરતો હું જતો હતો. કોઈક પરિચિત ચહેરા સામે મળતા. જેમનું જુવાનરૂપ જોયું હોય તેમનું વૃદ્ધ રૂપ ઝટ ઓળખાતું નહોતું. વળી આજે કમોસમી માવઠા જેવું હતું. સાંજ વહેલી પડી હતી અને ઠંડી પણ વધવા લાગી. બેત્રણ દિવસથી વાતાવરણ એવું જ હતું. ગામમાં પર્વના દિવસો હતા અને આમેય સાંજનું અંધારું ઊતરવા લાગ્યું હતું. અવરજવર તદ્દન ઓછી થઈ ગઈ હતી. ત્યાં એક વળાંક ઉપર દાઢીમૂછ (કે ઘાસ?) વધી ગયેલા, જૂનો ફાટેલો કોટ પહેરીને ચુંગી પીતા ખખડી ગયેલ એક ડોસાને નીચા થોરની વાડ પાસે બેઠેલો જોયો. કસ ખેંચતો ત્યારે ચુંગીનો દેવતા ચમકતો. આખા વગડામાં તે જાણે એકલો બેઠો હતો અને એને જાણે ઘર જેવું કંઈ નહોતું, – જ્યાં આ પર્વ ટાણે એને જવાનું હોય. અંધારું ઊતરશે ત્યારેય આ વગડા વચ્ચે રસ્તાને વળાંકે એ આમ જ ચુંગી પીતો બેઠો હશે, મને એમ લાગ્યું.
એ મને જોતો જ રહ્યો. હું દેખાયો ત્યારથી એ જોતો હતો અને મારાં પગલાં સાથે એની નજર વળતી હતી. જેવો એની પાસેથી પસાર થયો કે એ જરા બોલ્યો : ‘ભોળો ભૈ કે?’ અવાજમાં કશોય આરોહ અવરોહ નહોતો. કદાચ જવાબની અપેક્ષાય નહોતી.
‘ઓવ’ એમ કહેવા જતાં જતાં હું બોલ્યો; ‘હા’. આ ‘હા’ શબ્દે મને એનાથી ઘણો દૂર કરી દીધો હતો. પણ હું ઊભો રહ્યો. જરા ધ્યાનથી જોયું. દાઢીમૂછ અને ફાટેલા ફાળિયામાંથી બહાર નીકળેલાં ઝીથરાં અને ઊંડી આંખોવાળા એ ચહેરાને હું ઓળખી ગયો.
‘ફદિયા…,ફદાજી તમે?’
ચૂંગી પીતો ફદો મને જોતો રહ્યો. હકારમાં માથું હલાવ્યું પણ પછી કંઈ બોલ્યો નહિ. એ ફદો પરમાર (ગરાસિયા) હતો ને મારી સાથે ભણતો હતો. એનું ઘર પણ અમારા જૂના ઘરથી બહુ દૂર નહોતું. એમનું ઘર પણ ખેતી કરતું. એના દૂરના કોઈ સગા લશ્કરમાં સિપાઈ, તે એને ત્યાં બીજા વિશ્વયુદ્ધ વખતની લડાઈનાં ઘણાં ચિત્રો આવતાં. તે અમે એને ઘેર જોવા જતા. તરવરિયો કિશોર. ઘરની સ્થિતિ તો સામાન્ય, પણ અમારા ભેરુઓમાં તે હોય.
હું વધારે વાત કરવા ન રોકાયો. અંધારું ઊતરતું હતું. મારે હજી બે કિલોમીટર જેટલું પાછા જવાનું હતું. એટલે થોડું આગળ જઈને હું પાછો વળ્યો. ફદાજી ત્યાં જ બેઠેલો હતો. ચુંગી પીવાનું ચાલુ હતું. હું વિસ્તરેલી સૂની સીમમાં એકલા બેઠેલા એવા એની તરફ જોઈ માથું હલાવી ઝડપથી ઘર ભણી ચાલતો રહ્યો.
અંધારું ઝડપથી ઊતરતું હતું. ધીમે ધીમે ગામના દીવા દેખાયા. પણ ફદાજી હજીય ચુંગી પીતો હશે – ત્યાં એક સીમને વળાંકે. અમારા ગામના ખેડૂતો હવે સુખી થયા છે, પણ કદાચ ફદાજીને તો પોતાનું ઘર પણ નથી ને ખેતર પણ નથી! કદાચ હું ખોટો પણ હોઉં.[૧૭-૧૧-‘૯૬]