ગુજરાતી કવિતાનો આસ્વાદ/સાગર અને શશી: Difference between revisions
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 75: | Line 75: | ||
પણ ‘કાન્ત’ને આપણે કવિ તરીકે સદા સ્મરીશું તે એમના ભાવની મૂર્તતા તથા એમની કવિતાના ઇન્દ્રિયસન્તર્પકતાના ગુણને કારણે. આ કાવ્યમાં પણ એમણે દૃષ્ટિ, શ્રવણ, સ્પર્શ – આ ઇન્દ્રિયોને કેવી તો તરપી છે! ઉલ્લાસના સાગરમાં સરલ સરી જતી સૃષ્ટિના જેવી અનાયાસ રચાઈ જતી યમક તથા પ્રાસયુક્ત ભાવાનુકૂળ પદાવલિના સ્રોતમાં ભાવકનું ચિત્ત પણ સરલ વહ્યું જાય છે – ગહનતાની દિશામાં. | પણ ‘કાન્ત’ને આપણે કવિ તરીકે સદા સ્મરીશું તે એમના ભાવની મૂર્તતા તથા એમની કવિતાના ઇન્દ્રિયસન્તર્પકતાના ગુણને કારણે. આ કાવ્યમાં પણ એમણે દૃષ્ટિ, શ્રવણ, સ્પર્શ – આ ઇન્દ્રિયોને કેવી તો તરપી છે! ઉલ્લાસના સાગરમાં સરલ સરી જતી સૃષ્ટિના જેવી અનાયાસ રચાઈ જતી યમક તથા પ્રાસયુક્ત ભાવાનુકૂળ પદાવલિના સ્રોતમાં ભાવકનું ચિત્ત પણ સરલ વહ્યું જાય છે – ગહનતાની દિશામાં. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[ગુજરાતી કવિતાનો આસ્વાદ/વીરની વિદાય|વીરની વિદાય]] | |||
|next = [[ગુજરાતી કવિતાનો આસ્વાદ/વધામણી|વધામણી]] | |||
}} |
Latest revision as of 07:11, 8 September 2021
સુરેશ જોષી
(શંકરાભરણ)
આજ મહારાજ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા! કાલના સર્વ સન્તાપ શામે!
નવલ રસ ધવલ તવ નેત્ર સામે!
પિતા! કાલના સર્વ સન્તાપ શામે!
જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહિ સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી.
પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!
તરલ તરણી સમી સરલ તરતી!
પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!
– ‘કાન્ત’ (પૂર્વાલાપ)
ચન્દ્ર આપણે બધાંએ જોયો છે; સમુદ્ર પણ આપણાંમાંના ઘણાંએ જોયો હશે. સમુદ્ર પર ઉદય પામતા ચન્દ્રને પણ ઘણાંએ જોયો હશે. તેમ છતાં આ કાવ્ય વાંચીએ છીએ ત્યારે એ સાગર અને શશીને જાણે નવે જ રૂપે, પહેલી જ વાર કોઈ બતાવતું હોય એવો સુખદ અનુભવ થાય છે. કવિઓ ચન્દ્રનું વર્ણન કરતાં ક્યારેય થાક્યા છે? વાલ્મીકિ જેવો કોઈ આરણ્યક કવિ શરદ્ના ચોખ્ખા આકાશમાં ચન્દ્રને જોઈને કહી ઊઠે છે: અરે, નીલ સરોવરમાં શ્વેત રાજહંસ તરી રહ્યો છે કે શું? કૃષ્ણ ભગવાનની બાળલીલા વર્ણવવામાં રમમાણ રહેતો કોઈ કવિ એ જ ચન્દ્રને જોઈને કૃતાર્થ ભાવે કહે છે: ઘનશ્યામ ભગવાનના દેહ ઉપર માખણનો પિણ્ડ કેવો ચોંટી ગયો છે! તો વળી બીજની તન્વી શશીલેખાને જોઈને કોઈ શૃંગારી કવિને પુરૂરવા સાથે પ્રણયકલહ કરી બેઠેલી ઉર્વશીના મરડેલા હોઠ યાદ આવે છે. એ જ ચન્દ્રને જોઈને પ્રથમ પ્રણયથી ચકિત બનેલી કોઈ મુગ્ધા એમ કહી ઊઠશે: હે પ્રિય, મારા હોઠ તારું જ રટણ કરતા હતા, ત્યાં સાક્ષાત્ તને જ મારી સામે ઊભેલો જોતાં હું એવી મુગ્ધ બની ગઈ કે એ રટણ કેવળ ઉચ્છ્વાસ રૂપે જ રહી ગયું. મારા મુગ્ધ હૃદયના એ ઘનીભૂત ઉચ્છ્વાસનો જે પિણ્ડ તે જ આ ચન્દ્ર! એ મૌનના અવકાશમાં કેવું તેજ પાથરી રહ્યો છે! આધુનિક કવિ આ બધી રંગદર્શી વાતોથી સો ડગલાં દૂર હઠી જઈને કહેશે: પરુ દૂઝતા ઉઘાડા વ્રણ ઉપર આ તારાની માખીઓ કેવી બણબણી રહી છે!
જોયું ને? ચન્દ્રનાં કેટલાં રૂપ! એમાં કયું રૂપ સાચું ને કયું ખોટું એવો પ્રશ્ન આપણે ઉઠાવતા જ નથી. દરેક કવિ પોતાના ભાવજગતમાંથી એક નવા સન્દર્ભને ઉપજાવે છે. આ નવા નવા સન્દર્ભો ઉપજાવવાની શક્યતા અનન્ત છે; ને તેથી જ ચન્દ્રનાં હજુ તો કેટલાંય રૂપો કવિઓ આપણને બતાવશે! આમ, કવિતામાં આપણે અનુભૂતિને આવા નવીન રૂપે, જાણે પહેલી જ વાર એનો સાક્ષાત્કાર કરતા હોઈએ તેવી રીતે પામીએ છીએ. આથી એમાં એક પ્રકારની તાજગી અને પ્રફુલ્લતા રહી હોય છે.
આ કાવ્યમાં પણ કવિ, પોતાની આગવી રીતે એક નવો સન્દર્ભ યોજીને સાગર અને શશીનું નવું જ રૂપ બતાવે છે. સાગર ઉપર ચન્દ્રનો ઉદય થયો, એના ઉદયથી જેમ સાગરમાં ભરતી આવી તેમ હૃદયમાં પણ ઉલ્લાસની ભરતી આવી. અહીં સુધી તો વાત સાવ સીધી છે. દરિયાકાંઠે ફરતા હોઈએ ને ભરતી ચઢવા માંડે ત્યારે એક મોજું લપાતું સંકોચાતું પગની પાનીને ભીંજવીને વળી નાસી જાય, એની પાછળનું મોજું વળી એથી જરા વધારે હિંમત કરે ને ઘૂંટીને પણ ભીંજવી નાંખે, પછી તો આપણે જ હિંમત કરીને કાંઠા તરફ ચાલ્યા જવું પડે. અહીં પણ કાવ્યની પંક્તિઓ એવી જ રીતે છલકાતી આવે છે. બીજી જ પંક્તિ ‘ચન્દ્રનો હૃદયમાં હર્ષ જામે’માં ‘જામે’ ક્રિયાપદ વાપરીને એ ઉલ્લાસની વધતી જ જતી માત્રાને કવિએ ખૂબીથી સૂચવી દીધી છે ને ત્રીજી પંક્તિમાં તો ‘સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન’ છોળ કેટલી છલકાય છે!
બરાબર યાદ છે: નિશાળમાં ભણતા ત્યારે આ પંક્તિઓ – ત્રીજી ને ચોથી – શિક્ષકને બહુ હેરાન કરતી. વિદ્વાનો પણ એના જુદા જુદા અર્થ કરે છે. પણ અહીં એવી કશી અર્થની ભુલભુલામણીમાં આપણે પડવું નથી. કવિના ભાવજગતની કેડીએ ચાલવાનું છે. ત્યાં રસ્તાના નામનાં પાટિયાં નથી માટે તો સાહસને અવકાશ છે. ભાવજગતની ભૂગોળ જ જુદી છે. વારુ, તો આપણે આપણી સૂઝ પ્રમાણે રસ્તો કરી લઈએ!
અહીં કવિતાની ને કવિપ્રતિભાની એક ખૂબીનો આપણને પરિચય થાય છે. એક વસ્તુ હૃદયને રુચી ગઈ, હૃદય તુષ્ટ થયું ને પોતાની બધી ભાવસમ્પદ્ – પુરાણી સ્મૃતિ, સંસ્કાર, અધ્યાસ વગેરે રૂપે સંચિત થયેલી – એણે એ વસ્તુ પર ઓવારી દીધી. પરિણામે બન્યું શું? એ વસ્તુનું આખું રૂપ જ બદલાઈ ગયું! આપણા નિત્યનૈમિત્તિક પરિચયની ચતુસ્સીમાને એ આનન્દના પૂરે તોડી નાંખી. આથી હવે તમે એમ કહેવા જાઓ કે આ મુખ મને એટલું બધું ગમે છે કે જાણે એને ચન્દ્ર જ કહી દઉં એવું થાય છે, ત્યાં વળી થાય કે ના, ચન્દ્ર જ શા માટે? એને કમળ પણ કહેવાનું મન થાય છે – પણ પછી અટકી શકાતું નથી, અટકવું એ આપણા હાથની વાત રહેતી નથી.
સાગર ઉપર ચન્દ્રનો ઉદય જોઈને આપણા કવિને પણ કંઈક એવું જ થયું. માટે જ એમનું હૃદય બોલી ઊઠ્યું.
સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે; ….
જાણે સ્નેહનાં વાદળ ઊમટ્યાં છે – ‘આ વાદળ તે વર્ષાના જળભારથી શ્યામ વાદળ નહીં, શરદ્નાં અહૈતુક યદૃચ્છાવિહારી વાદળ.’ ચારે બાજુ કુસુમોનું વન (જોયું ને, વનમાં કુસુમ નહીં, કુસુમોનું જ વન ) મહેકી ઊઠ્યું છે; કશી કળી ન શકાય તેવી ગહન સુવાસથી મન તરબતર થઈ ઊઠ્યું છે! સમૃદ્ધિના અભિષેકથી થયેલી કૃતાર્થતાના રોમાંચનો આમાં સ્પર્શ છે.
તો ચન્દ્ર ચન્દ્ર ન રહ્યો. છવાઈ જતાં, વિખેરાઈ જતાં ને વિખેરાઈ જવાની ક્રિયા વડે જ પળે પળે નવી શોભાનું નિર્માણ કરતાં વાદળો; એ વાદળોથી સૂચવાતો કુસુમોનો પુંજ ને એ તો આકાશને – આખાય આકાશને ભરી દે છે; શાખાપત્ર કશું દેખાતું નથી માટે કવિ તરત જ કહે છે: અરે, સ્નેહનાં ઘન કહેવાથી સન્તોષ થતો નથી, આ તો ચારે બાજુ કુસુમોનું વન લહેરાઈ રહ્યું છે; ને તરત જ કુસુમની સાથે સંકળાયેલી સુવાસની સ્મૃતિ જાગે છે, એનો અનુભવ કંઈક ગહન છે; એ અકળ રીતે અન્તરમાં વ્યાપી જાય છે. આમ આકારને પળે પળે ઓગાળી નાંખતાં વાદળોમાંથી જ સૂચવાતો કુસુમોનો આકાર અને તેમાંથી વળી નિરાકાર અને તે જ કારણે ગહન એવી વિમલ સુવાસ – આવી કવિના મનની ગતિ અહીં વરતાય છે. કાવ્યના આકાર સાથે આ ગતિને ઘનિષ્ઠ સમ્બન્ધ છે.
આ ઉલ્લાસના અનુભવથી ચિત્તમાં અકળ રીતે વ્યાપી જતો કશોક ભાવોચ્છ્વાસ કવિએ આ રીતે વર્ણવ્યો. જે દૃષ્ટિગોચર હતું તેનું પરિમાણ બદલી નાંખીને ઘ્રાણેન્દ્રિયના પરિમાણમાં મૂકી દીધું. અનુભૂતિની વ્યાપકતાની માત્રાને વિસ્તારવાને કવિ આ રીતે ઇન્દ્રિયોનાં પરિમાણને બદલી નાંખે છે, વિસ્તારે છે. વ્યવહારજગતમાં આપણે તે તે ઇન્દ્રિયોનાં દૃઢ પરિમાણોમાં રહીને યન્ત્રવત્ જીવીએ છીએ. કવિ એ પરિમાણની સીમાને ભૂંસી નાંખે છે. સાગર ઉપર ઊગેલો શશી દૃષ્ટિગોચર હતો તેને ઘ્રાણેન્દ્રિયગોચર બનાવી દીધો. આ રીતે ચન્દ્રના અનુભવમાં કશાક અનનુભૂત તત્ત્વનો પ્રવેશ થયો; એ અનુભવનું રહસ્ય વિસ્તર્યું. સાચો કવિ હંમેશાં આવો વિસ્તાર સાધી આપે છે. એ જે પ્રાકૃતિક દૃશ્ય જુએ છે અને એ દૃશ્ય જોવાથી એના ચિત્તમાં જે પ્રતિભાવ જાગે છે તે આ બે બિન્દુની વચ્ચે ભાવકને વિહરવાને માટે એક સારાસરખા વિસ્તારની સગવડ કરી આપે છે. એણે યોજેલાં પ્રતીકો, એણે યોજેલી શબ્દાવલી આ વિસ્તારને ઉપકારક નીવડે છે. પ્રાકૃતિક દૃશ્ય અને તેથી થતા પ્રતિભાવનો સમ્બન્ધ ઊંચી કોટિના કવિમાં કદીય બીજગણિતના સમીકરણ જેવો હોતો નથી. આથી જ તો પરિમલની વ્યાપનશીલ ગહનતાના વિસ્તારમાં કવિએ આપણને અહીં મુક્ત કરી દીધા. આપણા ચિત્તગગનમાં પણ બાહ્ય સૃષ્ટિના આકાશમાં રેલાતી ચાંદનીની જેમ આ ગહન પરિમલ રેલાઈ રહ્યો.
આટલે સુધી આવ્યા પછી કવિનું ચિત્ત કૃતજ્ઞ ભાવે પુલકિત થઈને બોલી ઊઠે છે:
પિતા! કાલના સર્વ સન્તાપ શામે!
આપણે મન કાળ એ સૌથી મોટી સીમા. કાળના પિંજરમાં રહેનારને આ અનુભવે એક વિશાળ અવકાશમાં મૂકી દીધો. આથી સીમાની સંકુચિતતાના જુલમમાંથી છૂટ્યા; સીમાને કારણે વ્યાપનશીલ ચિત્તને જે સન્તાપ થયા કરતો તે બધો જ શમી ગયો. બ્રહ્મ રૂપ જીવ દેશકાળની ઉપાધિમાંથી ઊગરી જઈને બ્રહ્મસંકોચના પાપમાંથી મોક્ષ પામ્યો! આ મુક્તિનો જે રસ તે કોઈ નવલ જ રસ છે, એ અવકાશને માણવાનો અનોખો રસ છે. એ રસનું ઉદ્ભવસ્થાન તે વાત્સલ્યમય પિતાના ધવલ નેત્રરૂપ ચન્દ્ર જ છે. એ ધવલ છે કારણ કે અવકાશમાં મુક્તિ પામવા સુધીની સ્થિતિએ પહોંચતાં વચ્ચે આવતાં સ્થિત્યન્તરોની કષાયતા એમાં રહી નથી, ધોવાઈ ગઈ છે. આ કૃતાર્થતાથી કવિ એવા તો પુલકિત થઈ ઊઠ્યા છે કે એ બદલ આભાર વ્યક્ત કરતી પંક્તિનું એમણે સહજ રીતે જ પુનરુચ્ચારણ કર્યું છે; એ કૃતાર્થતાને ઘૂંટીને આનન્દનો પુટ આપ્યો છે.
બીજા ખણ્ડમાં કવિના ચિત્તમાં થયેલી આ વ્યાપ્તિની અસરના સૃષ્ટિમાં થતા પ્રસારને કવિ વર્ણવે છે:
જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહિ સરતી;….
આ ઉલ્લાસ સૃષ્ટિમાં સર્વત્ર વ્યાપી ગયો છે. સમુદ્રની ઊછળતી ઊમિર્માળા પર ચાંદનીનું ચમકવું તે વીજળીના ચમકારા જેવું છે. સમુદ્રનો અફાટ પ્રસાર ઊમિર્માળાને કારણે ખણ્ડોમાં વિભાજિત થયેલો લાગે છે; એના દરેક ખણ્ડ પર ચાંદની રેલાય છે. એથી પ્રસારની જ લાગણી નવે રૂપે થાય છે. અન્તરાય વિનાની અવકાશમાંની મુક્ત ગતિ કવિએ તો પોતાના ચિત્તમાં અનુભવી જ છે. હવે કવિ સૃષ્ટિમાં એ ભાવસ્થિતિના પ્રસારને વર્ણવે છે. કવિ રાત્રિને માટે યામિની શબ્દ દામિની સાથેના પ્રાસને કારણે તો યોજે છે જ, પણ સાથે યામવાળી, પ્રહરવાળી એવો એનો અર્થ થતો હોવાથી સમય પોતે જાણે અન્તરાય ઊભો કર્યા વિના અવકાશમાં સરી જાય છે એમ પણ સૂચવતા લાગે છે. વળી વ્યોમને સરોવર કહ્યું છે તેથી કોઈ અલંકારશાસ્ત્રી અહીં હીનોપમાનો દોષ જુએ. પણ કવિને અહીં સરોવરનાં જલની નિશ્ચલતા સૂચવવી છે. અને એ અવકાશના સરોવરમાં સમય એવો તો સરે છે કે એથી બુદ્બુદ સરખા ઉદ્ભવતા નથી. પણ આ નિશ્ચલતા નીરવ નથી; એ નિશ્ચલતાના પાત્રમાં ઉલ્લાસની સભરતાના સાર્થક ઉચ્ચારણ રૂપ કામિની કોકિલાનું કૂજન છલકાઈ ઊઠે છે: ‘કામિની કોકિલા કેલિ કૂજન કરે’ ને એની સાથે જ કવિ સાગરની ભવ્ય ભરતીની વાત કરી દે છે: ‘સાગરે ભાસતી ભવ્ય ભરતી.’ આમ ભરતીનો આખો ઉછાળો પૂરો થાય છે ને આગલા ખણ્ડની જેમ કવિ આનન્દનો ઉદ્ગાર પ્રકટ કરે છે. આખી સૃષ્ટિ ઉલ્લાસભરી બની ગઈ છે: ‘સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!’ પણ આ ઉલ્લાસની સભરતા એને ભારે બનાવી દેતી નથી. આપણું મન ઉલ્લાસથી સભર હોય છે ત્યારેય હળવું જ રહે છે. એક આંસુનો ભાર અદકો હોય છે. આથી જ કવિ કહે છે: સામે છલકાતા ઉલ્લાસના સાગરમાં હળવી શી હોડીની જેમ સૃષ્ટિ તરી રહી છે: ‘તરલ તરણી સમી સરલ સરતી!’ એનું તરવું સરલ છે, અનાયાસ છે, ઉલ્લાસનો આવેગ જ એનામાં સહજ ગતિનો સંચાર કરે છે. ભરતીનાં મોજાં એકની પાછળ એક ઊંચાં ઊછળતાં આવ્યે જ જાય તેમ કવિનો આનન્દોદ્ગાર પણ પુનરુક્તિ પામીને જાણે આપણા ચિત્તમાં છલકાઈ છલકાઈને ઊછળ્યા જ કરે છે. એ છલકાતી ભરતીના સંગીત સાથે કાવ્ય પૂરું થાય છે – પૂરું થાય છે એમ કહેવાનું મન થતું નથી કારણ કે ચિત્તના કાંઠા સાથે અથડાઈને એની છેલ્લી પંક્તિની છોળ આપણને ભીંજવ્યા જ કરે છે.
હવે આટલા ભીંજાયા પછી આપણે ‘સાગર અને શશી’ એ શીર્ષકની સાર્થકતા સમજી શકીશું. ચન્દ્ર સ્થિર છે, એ જે આકાશમાં પ્રકાશે છે તે વ્યોમસર પણ નિશ્ચલ છે; પણ એ ચન્દ્રને જ કારણે સાગરમાં ‘ભવ્ય ભરતી ભાસે’ છે. આમ નિશ્ચલતા જ ગતિને પ્રેરે છે, ગતિનો આધાર બની રહે છે; સાગરકાંઠાની નિસ્તબ્ધતાના પાત્રમાં જ કોકિલાનું કૂજન છલકાઈ ઊઠે છે. નિશ્ચલતામાંથી નિરાકાર – આવી કશીક ભાત આમાંથી ઊપસી આવતી લાગે છે.
કાવ્યને સમજવાને કવિના જીવનની ઘટનાને જાણવી અનિવાર્ય નથી; કેટલીક વાર એ વિશેની માહિતી કાવ્યાસ્વાદની દૃષ્ટિએ ઉપકારક નીવડે પણ ખરી. નિયતિની નિષ્ઠુરતાનું ‘કાન્ત’ને ઉગ્ર ભાન હતું. ખ્રિસ્તી ધર્મને આવકારતાં આપ્તજનો અને મિત્રોથી વિચ્છેદ થાય ને આપ્તજનો અને મિત્રોને સ્વીકારે તો ખ્રિસ્તી ધર્મનો અંગીકાર ન કરી શકાય – આવી વિકટ પરિસ્થિતિ કવિના જીવનમાં શાપ રૂપ બની રહી. પોતાની આ શાપિત જિંદગીના અંગત દુ:ખને ‘કાન્તે’ ‘કલાપી’ની જેમ ઘવાયેલા હૃદયના નિ:શ્વાસ જેવી, રુરુદિષાથી ભરેલી કવિતામાં ન પ્રકટ કરતાં નાટ્યસિદ્ધ પાત્રોના માધ્યમ દ્વારા એમનાં પરલક્ષી પ્રસંગકાવ્યોમાં મૂર્ત કરી. આ ‘કાન્ત’નું વૈશિષ્ટ્ય એમની કવિતાનું પણ વૈશિષ્ટ્ય છે. મથામણ અને સંઘર્ષને અન્તે, દુ:ખના વિષનું પાન કરી ગયા પછી, ચિત્તમાં જે કૃતાર્થતા ને ઉલ્લાસ રહ્યાં તે જ આવા ઊમિર્કાવ્ય દ્વારા એમણે કૃતજ્ઞતાપૂર્વક પ્રકટ કર્યાં.
‘કાન્ત’ની કવિતાની બીજી વિશિષ્ટતા તે એના આકારની સુરેખતા. કથયિતવ્યના આકાર વિશેની આવી સૂક્ષ્મ સૂઝ ગુજરાતી કાવ્યસાહિત્યમાં એક વિરલ ઘટના છે. અહીંનું પરમ્પરિત ઝૂલણાનું રૂપ કવિના હૃદયની ભાવભરતીના લય સાથે લય મેળવીને સરજાયું છે. ધસી આવીને પાછાં વળતાં મોજાંની દ્રુત અને વિલમ્બિત ગતિ એમણે ઝૂલણામાંથી ઉપજાવી આપી છે.
પણ ‘કાન્ત’ને આપણે કવિ તરીકે સદા સ્મરીશું તે એમના ભાવની મૂર્તતા તથા એમની કવિતાના ઇન્દ્રિયસન્તર્પકતાના ગુણને કારણે. આ કાવ્યમાં પણ એમણે દૃષ્ટિ, શ્રવણ, સ્પર્શ – આ ઇન્દ્રિયોને કેવી તો તરપી છે! ઉલ્લાસના સાગરમાં સરલ સરી જતી સૃષ્ટિના જેવી અનાયાસ રચાઈ જતી યમક તથા પ્રાસયુક્ત ભાવાનુકૂળ પદાવલિના સ્રોતમાં ભાવકનું ચિત્ત પણ સરલ વહ્યું જાય છે – ગહનતાની દિશામાં.