અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/મરણોન્મુખ સૈનિકની ગઝલ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મરણોન્મુખ સૈનિકની ગઝલ|મનોહર ત્રિવેદી}} <poem> ડાળખી તૂટી રહ્ય...") |
(No difference)
|
Revision as of 19:46, 20 September 2021
મરણોન્મુખ સૈનિકની ગઝલ
મનોહર ત્રિવેદી
ડાળખી તૂટી રહ્યાનું ક્યાંક સંભળાયા કરે
છાતીની બખ્ખોલમાં આ પંખી અકળાયા કરે
એક આંસુમાં પછી છલકી ગયું આખ્ખું તળાવ
પાંપણોની પાળ પર ભીનાશ અથડાયા કરે
ખૂલતી જાતી હથેળીમાં છવાતાં ખેતરો
શ્વાસમાં તરડાય છે તે ભોંય ખેડાયા કરે
હોઠ સુકાઈ ગયા દુષ્કાળના દિવસો સમા
આજ મારી સીમની મોલાત મુરઝાયા કરે
બાવળે બેઠેલ દૈયડ ગીત છેલ્લું દૈ ગયું
શૂળ જેવું કોણ મારે કણ્ઠ ભોંકાયા કરે?
ઓલવાતાં જોઉં છું હું ગામ, શેરી-ચોક ને
ડૂસકાં, ડાઘુ, મસાણે ચેહ તણખાયા કરે