ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. પ્રાચીના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧. પ્રાચીના| }} {{Poem2Open}} ૧. પ્રાચીના ૧. કર્ણ-કૃષ્ણ આ કાવ્યનું વસ્...")
(No difference)

Revision as of 16:17, 1 October 2021

૧. પ્રાચીના

૧. પ્રાચીના ૧. કર્ણ-કૃષ્ણ આ કાવ્યનું વસ્તુ મહાભારતના ઉદ્યોગપર્વમાંના કર્ણોપનિવાદપર્વમાંથી લેવામાં આવ્યું છે. આ વસ્તુ ઉદ્યોગપર્વના ૧૩૮થી ૧૪૦ સુધીના ત્રણ અધ્યાયોને આવરી લે છે. આમ તો ઉદ્યોગપર્વની અંતર્ગત ભગવદ્યાનપર્વમાં ૧૩૫મા અધ્યાયમાં જ પુરુષોત્તમ શ્રીકૃષ્ણે નગરમાંથી નીકળ્યા પછી કર્ણની સાથે લાંબા સમય સુધી મંત્રણા કરી એવો નિર્દેશ આવે છે. (શ્લોક ૨૭) એ અંગેની વીગતે વાત ૧૩૮થી ૧૪૦ અધ્યાય સુધીમાં આવે છે. ઉમાશંકરે ભટ્ટનારાયણનું ‘વેણીસંહાર’ પણ જોયું છે. એમાં કર્ણ અશ્વત્થામા સાથેની જીભાજોડીમાં ક્રોધપૂર્વક કહે છે  ``सूतो वा सूतपुत्रो वा यो वा को वा भवाम्यम् ।
दैवायत्तं कुले जन्म मदायत्तं तु पौरुषम् ।।૩૭।। (વેણીસંહાર, અંક ત્રીજો) ઉમાશંકરે આ શ્લોકસ્થ ભાવનો પણ લાભ લીધો છે. એમણે આ કાવ્યમાં દુર્યોધન સાથેની વિષ્ટિમાં શ્રીકૃષ્ણ નિષ્ફળ નીવડ્યા પછી પાછા ફરતાં કર્ણને પાંડવ-પક્ષે આવી જવાનું સમજાવવા પોતાના રથમાં બેસાડે છે – એ ક્ષણ લીધી છે. આ ક્ષણ સ્વાભાવિક રીતે સંવાદની ક્ષણ છે. કાવ્યના આરંભે જ રથમાં બિરાજમાન કર્ણ અને કૃષ્ણ જોવાના મળે છે, અને જ્યાં કર્ણ રથમાંથી ઊતરે છે ત્યાં કાવ્ય પણ પૂરું થાય છે. ભાસના ‘કર્ણભાર’ નાટકમાં પણ નાટકનો ઠીક ઠીક ભાગ રથમાં ભજવાતો જોવા મળે છે. આ દૃશ્ય-કાવ્યમાં તો રથ-દૃશ્ય જ સાદ્યંત છે. આખા કાવ્યમાં રથની ગતિને અનુકૂળ આવે એવો ટૂંકી પંક્તિઓએ ઝડપથી વહેતો લાગતો મિશ્રોપજાતિ છંદ પ્રયોજાયો છે. કાવ્યનો આરંભ કર્ણની ઉક્તિથી થાય છે. કર્ણ અનિચ્છાએ, કેવળ કૃષ્ણના આગ્રહને વશ થઈને રથમાં બેઠો જણાય છે. તેથી તે પ્રથમ ઉક્તિમાં જ સૂર્ય અને સોમ સાથે સાથે ન શોભે તેમ કૌરવ-પાંડવપક્ષના બે ‘પ્રવીરો’S કૃષ્ણ અને પોતે એક રથમાં ન શોભે એમ જણાવે છે. કવિએ કર્ણમુખે પદ્મ ને પોયણાંની અસરકારક ઉપમા પ્રયોજી છે. ‘ગાન્ધારીર આવેદન’માં રવીન્દ્રનાથે દુર્યોધનની ઉક્તિમાં યોજેલી ઉપમા, ‘કિન્તુ પ્રાતે એક પૂર્વ-ઉદયશિરે દુઇ ભ્રાતૃ–સૂર્યલોક કિછુતે ના ધરે.’ યાદ આવી જાય છે. કવિએ કાવ્યની શરૂઆત અસરકારક રીતે કરી હોવાનું કર્ણની ઉક્તિના સામર્થ્યથી પ્રતીત થાય છે. કર્ણ કૃષ્ણને રથ થોભાવવા વિનંતી કરે છે, પરંતુ કૃષ્ણ કર્ણને સમજાવવા – પાંડવપક્ષમાં ખેંચવા હજુયે પ્રયત્ન કરવા માગે છે. તેથી જ્યારે કર્ણ કૃષ્ણને કહે છે  “આજ્ઞા કરો, કૃષ્ણ ઉતારવા મને
ક્ષણેક થંભે રથ, દો અનુજ્ઞા,
જાઉં, પ્રતીક્ષા કરતા હશે ત્યાં
કૈં વર્ષોથી શૌર્યઉન્માદવ્યાકુળા
સંગ્રામાર્થે જે ભુજા ખંજવાળતા
આજે લાધ્યે યુદ્ધનું પર્વ ધન્ય,
પ્રસન્ન સૌ કૌરવ હસ્તિનાપુરે,
અને કુરુજાંગલ – રે સમગ્ર
આર્યાવર્તે આણ જેની યશસ્વી,
એવા મહારાજ –” ત્યારે કૃષ્ણ એની ઉક્તિની સાથે પોતાની ઉક્તિ જોડી સંવાદને પોતાને ઇષ્ટ એવી દિશામાં ખેંચી જાય છે. કર્ણ – એવા મહારાજ –’ કહી ‘દુર્યોધન’ બોલે તે પહેલાં જ કૃષ્ણ ચતુરાઈથી “–ની ધર્મરાજને
આજે ભલી રીતથી ભેટ છો થતી,
ધર્મધ્વજાળા શિબિરે પાંડવોના.” – એમ કહી કર્ણનું ‘મહારાજ’S તરીકે સૂચન કરી, યુધિષ્ઠિર સાથેના તેના નૈકટ્યને ઉપસાવી આપે છે. અહીં નાટ્યગત પતાકાયોજનાનો લાભ કવિએ લીધો જણાય છે. કૃષ્ણ કુશળતાથી – મનોવૈજ્ઞાનિક ઢબે કર્ણના ચિત્તમાં કૌરવોને બદલે પાંડવો પ્રત્યે પક્ષપાત જગાવવા મથે છે. કૃષ્ણ પાંડવોની ‘પ્રીતિપ્રતીક્ષા’નો નિર્દેશ કરે છે, કૌરવોના સહવાસને કારાગાર-નિવાસ જેવો વર્ણવે છે. વળી કર્ણની ‘શસ્ત્રે તેવો શાસ્ત્રમાંયે પ્રવીણ’ કહી પ્રશંસા કરે છે ને એમ કરતાં આસ્તેથી ‘કુન્તીજાયો પાટવીપુત્ર કર્ણ’ એમ કહી કર્ણના જન્મરહસ્યનો સ્ફોટ પણ કરી આપે છે. કર્ણના હૃદયમાં માતાએ પોતાનો ત્યાગ કર્યો એ ઘટનાથી ભારે વેદના છે. તેર વર્ષો હસ્તિનાપુરમાં રહેવા છતાં માતાને પોતાને મળવાની એક ઘડી – અર્ધઘડી પણ ન મળી તેનું કર્ણ સચોટ રીતે નિરૂપણ કરતાં કહે છે  “અજ્ઞાત અન્યોન્યથી હસ્તિનાપુરે
વસ્યાં અમે મા-શિશુ વર્ષ તેર 
વર્ષે વર્ષે માસ તો બાર બાર,
માસેમાસે ને દિનો ત્રીસત્રીસ,
ને ત્રીસમાંથી દિન એક એક,
મૂકે ઘડી ગણિતી તેની સાઠ.
મળી ઘડી અર્ધઘડી ન માતને
વાત્સલ્યથી વંચિત બાલ કારણે ” વળી કર્ણ પોતાની ઉક્તિમાં કટાક્ષSનો આશ્રય લઈ વક્તવ્યને વધુ તીક્ષ્ણ પણ બનાવે છે. એ કહે છે  “અપૂર્વ આશ્ચર્ય ન એ શું કૃષ્ણ 
એ ભારતે અદ્ભુત માપ ધર્મનું ” કર્ણ ધર્મગોપ્તા કૃષ્ણને આમ મર્મવચન ઠીક સંભળાવે છે. કૃષ્ણ પરોક્ષ રીતે કર્ણને કુંતીનો આ રહસ્યસ્ફોટ કરતાં જે ક્ષોભલજ્જા નડે તેનું સૂચન કરે છે. અને તેથી કર્ણ તુરત કહે છે  “ના કૃષ્ણ, મારે નથી ક્હેવરાવવી
કલંકગાથા જનનીમુખેથી,
કે શી રીતે ત્યાગ અબોલ બાલનો
કરી શિશુને વિધિઅંક સોંપ્યો.” અને તે સાથે કર્ણ કુંતી-નેત્રની મૂંગી મૂંગી તોય હેતે હૂંફાળી એવી આશિષ પામ્યાનો નિર્દેશ પણ કરે છે. કર્ણની માતૃપ્રેમ માટેની ઉત્કટ ઝંખનાનું ચિત્ર પણ એમાંથી પ્રગટી આવે છે. ‘પ્રવીર’ કર્ણ – કઠોર કર્ણ કેવો કુસુમકોમળ છે તે પણ અહીં પ્રકટ થાય છે. કર્ણ પોતાની અર્જુન સાથેની સ્પર્ધા વેળાએ, દુર્યોધને પોતાને અંગરાજનું પદ દઈ માનહાનિમાંથી ઉગારી લીધો ત્યારે ‘સાધ્વી’ કુંતીનાં બે નેત્રોમાંથી કેવી દિવ્ય વાત્સલ્યધારા વહેલી – તેનું પવિત્ર સ્મરણ કરે છે. એ સ્મૃતિને પોતાના આયુષ્યના રણમાં મીઠી વીરડી સમાન લેખે છે. આમ છતાં એવે પ્રસંગે સગી માએ પુત્રની અવમાનના થતી રોકવા સામે ચાલીને કશુંયે ન કર્યું તેની વેદનાયે અનુભવે છે. કૃષ્ણ કર્ણને કુંતાના તેના માટેના ઊંડા સ્નેહની પ્રતીતિ આપવા અર્જુન-કર્ણની સ્પર્ધા વખતે તે મૂર્છાવશ થઈ હતી એ વાતની યાદ આપે છે ને ત્યાં કર્ણનું હૃદય ફરીથી હાલી ઊઠે છે. કર્ણ કૃષ્ણને ભાવપૂર્ણ વાણી નહિ પ્રેરવા વીનવે છે. કુંતીએ કર્ણનો ત્યાગ કર્યો તે માત્ર પંડને જ કલંકથી બચાવવા માટે નહિ, પરંતુ કર્ણને પણ કલંકથી બચાવવા માટે – એ વાત કૃષ્ણ કર્ણને સમજાવે છે. કૃષ્ણ કર્ણને અબોલ શિશુનો ત્યાગ કરતી માતાના હૃદયની વેદનાની કલ્પના કરવા જણાવે છે. કૃષ્ણ કુંતીનું લોહી, કુંતીનો ચહેરોમહોરો એનામાં ઊતર્યાનું જણાવી, યુધિષ્ઠિરાદિ સાથેની તેની સાહજિક ઘનિષ્ઠતાને ઉપસાવવા મથે છે, ને એમ કરતાં કર્ણ ભરી સભામાં એકાકિની દ્રુપદાત્મજાને જે કુવાક્યો સુણાવતો હતો તે પ્રસંગની યાદ આપે છે. કર્ણ દ્રૌપદીની યાદે વધુ ઉશ્કેરાય છે – એના અપમાનના વ્રણ ફરીથી તાજા થાય છે ને તે કટાક્ષથી ‘સૌભાગ્ય એ પંચવિધ પ્રશસ્ય | છો ભોગવે તે અભિજાત કન્યા’ – એમ કહી પોતાની કટુ લાગણીને પ્રગટ કરે છે. કવિ કુશળતાથી ‘અભિજાત કન્યા’નો નિર્દેશ કરાવી – આ કાવ્યના કેન્દ્રમાં રહેલા આભિજાત્યના ખ્યાલ તરફ સંવાદને વાળે છે. કર્ણ ‘અભિજાત કન્યા’, ‘અભિજાત અર્જુન’ એમ કટુતાયે ઠાલવે છે. આ વખતે કૃષ્ણ તેને કહે છે  “એ ક્રોધ, એ ચિત્તનું કાલકૂટ,
સન્તોનું એ પેય પીયૂષ પુણ્ય,
પી જા, પી જા, કર્ણ, એ રોષ પી જા 
જણનારાંના, કર્ણ, બે દોષ પી જા ” S આ સ્થળે રમણ કોઠારીનું તારણ કે ‘યાજ્ઞસેનીએ દ્રુપદની ભરસભામાં કર્ણનું એના કહેવાતા હીન જન્મને કારણે અપમાન કરેલું તેની સામે કૃષ્ણને વાંધો હોય તેમ લાગતું નથી.’ (અવલોકન, પૃ. ૧૬૮) એ અનિવાર્યપણે સ્વીકારવું પડે એવી સ્થિતિ નથી. વળી આગળ જતાં તેઓ ટીકાત્મક રીતે પૂછે છે કે ‘મહાભારત યુદ્ધમાં કૃષ્ણે દેખાડવાના અને ચાવવાના દાંત જુદા રાખ્યા હતા એમ નથી લાગતું ’ આપણો ઉત્તર છે  ના, કૃષ્ણના પાત્રને આટલી સાદી રીતે જોવું – ઘટાવવું બરોબર નથી. કૃષ્ણની આ ઉક્તિમાં ભાષા અને છંદ ભાવની સાથે એકાકાર થતાં, રંગભૂમિના પદ્યની એમનાં આ કાવ્યોમાં ઓછી જોવા મળતી એવી એક છટા દર્શાવે છે. કૃષ્ણ દ્રૌપદી ને અર્જુન તરફનાં અસૂયા ને રોષને કુંતી તરફ – જેની તરફ કર્ણને ઊંડે ઊંડી પ્રીતિ છે. – વાળી લેવા મથે છે. ને એમ કરતાં દ્રૌપદી જે પહેલાં ન મળી તે હવે જ્યારે કર્ણ કૌન્તેયે કે પાંડવ તરીકે પ્રગટ થશે ત્યારે તો અધિકારપૂર્વક તે પણ દ્રૌપદીના પાંડવલગ્નનો ભાગીદાર બનશે ને એમ દ્રૌપદીને પણ પામશે એ બતાવે છે. આ સૂચનમાં કવિએ મૂળ મહાભારતની ઉક્તિનો પણ થોડોક આધાર લીધો છે. મૂળમાં કૃષ્ણ કહે છે  `षष्ठे च त्वां तथा काले द्रौपद्युपमिष्यति ।। ૫, ૧૩૮, ૧૫ ।। ઉમાશંકરે આ સંદર્ભને વધુ કલાત્મક રીતે અહીં ઉપયોગમાં લીધો છે. આમ છતાં રામપ્રસાદ બક્ષી કૃષ્ણની આ ઉક્તિમાં સૂક્ષ્મ રીતે ઔચિત્યનો ભંગ જુએ છે. તેઓ લખે છે. ‘...કૃષ્ણમુખે કરાવાયેલું આ સૂચન અસુભગ છે, અશોભાકર છે, એને અર્વાચીન દૃષ્ટિના સંસ્કારથી પ્રાચીન વસ્તુને ઓપાવનારા આ કવિએ કેમ રહેવા દીધું એ આશ્ચર્યકર છે.’ (‘ગુજરાતી’, ૨૪, ફેબ્રુઆરી, ૧૯૫૨, પૃ. ૧૪૯) એ વાત ખરી છે  કૃષ્ણ જેવા ધર્મગોપ્તા કર્ણને દ્રૌપદીની લાલચ આપે તે ઠીક નથી, પરંતુ એમ તો કર્ણ જેવા કૌરવો પ્રત્યે કૃતજ્ઞ એવા મહારથીને કૃષ્ણ સામ, દામ કે ભેદ – ગમે તે ઉપાયે પાંડવોના પક્ષે ખેંચવા માગે તેય અનુચિત લાગે છે. કૃષ્ણનો સફળ પ્રયત્ન એક દૃષ્ટિએ કૃષ્ણને એના સ્વધર્મમાંથી ચ્યુત કરાવનારોય લાગે. પરંતુ આવે વખતે ઔચિત્યના આગ્રહોમાંય વિવેક કરવાનો રહે. કૃષ્ણ છેવટે તો ધર્મપક્ષ હોવાથી જ પાંડવપક્ષને જિતાડવા મથે છે ને એમ કરતાં ક્યારેક ચાહીને વ્યાવહારિક ભૂમિકાએ કંઈક બાંધછોડ જેવું પણ કરી લેતા હોય છે. આ સંબંધમાં ‘મહાપ્રસ્થાન’માંની યુધિષ્ઠિરની ઉક્તિ અત્રે યાદ કરવા જેવી છે. યુધિષ્ઠિર કહે છે  ‘સુવર્ણ જે | શુદ્ધ, તેના અલંકાર ઘડી નથી શકાતા, જો | ભેળ જરી હોય તો તે શક્ય બને.’ ધર્મ-ચાલના અર્થેની કાર્યઝંઝા  તેની તો વાત જ જુદી. તેથી જ કૃષ્ણના કાર્યનું ઔચિત્ય તપાસતાં એક બાજુ આદર્શ ધર્મની વિભાવના, અને ધર્મને વ્યાવહારિક ભૂમિકાએ અવતારવામાં જરૂરી દક્ષતા – એ બેયનો યુગપત્ રીતે વિચાર કરવાનો રહે. કર્ણને દ્રૌપદીની લાલચ આપવી એ વિશુદ્ધ ધર્મની દૃષ્ટિએ દોષ જ કહેવાય; પરંતુ એ દોષ ધર્મના વ્યાવહારિક સંદર્ભમાં નિર્વાહ્ય પણ લાગે કદાચ. તત્કાલીન સામાજિક સંદર્ભે કૃષ્ણનું કર્ણને દ્રૌપદીના ઉપભોગ અર્થેનું સૂચન સૂક્ષ્મ ધર્મદૃષ્ટિએ અનુચિત છતાં અસાધારણ નહિ લેખાય. વળી કર્ણ પોતે કૃષ્ણને દ્રૌપદીના ઉપભોગ અંગેનું સૂચન કરવા બદલ ઉપાલંભ આપતાં કહે છે  ‘ને શક્ય એ હોય તથાપિ શોભે | ધર્મિષ્ઠને આપણને શું એવું !’ કર્ણ વિવેકી હોઈ ‘તમને’ ને બદલે ‘આપણને’ સર્વનામ યોજે છે. આ કર્ણની ઉક્તિમાંથી જ રામપ્રસાદને સંતોષ ન મળી શકે  આ કર્ણ દ્રૌપદીના ભર્તાસ્થાને એકસાથે પોતે અને કિરીટ ન શોભી શકે એમ જણાવે છે અને ‘વિધિના ધનુષ્યથી છૂટી ચૂકેલાં શર’ની સાથે પોતાને અને અર્જુનને સરખાવે છે. કર્ણ અર્જુન સાથે યુદ્ધ કરવા દૃઢસંકલ્પ છે અને તેથી કૃષ્ણ ‘અહો  જનોની ચિર યુદ્ધશ્રદ્ધા ’ – એવો ઉદ્ગાર કાઢે છે. કૃષ્ણ કર્ણને ‘મહારથી’ શબ્દથી સંબોધી, ભૂતકાળમાં દ્રૌણ, ભીષ્મ જેવાથી તેની જે અવમાનના થયેલી તેની યાદ આપે છે અને એ રીતે ભેદના ઉપાયથી ભીષ્મથી કર્ણને છૂટો પાડવા મથે છે. એ પ્રયત્ન પણ નિષ્ફળ જાય છે. એ પ્રયત્ન કર્ણને હીણા કુલ અંગેની પોતાની પરિસ્થિતિ પ્રત્યે સભાન કરે છે. કર્ણ કહે છે  “એ શૌર્યના ધોધ સમાન ભીષ્મને
વીરત્વ તો મારું ઘણું ગમે છે,
એ ક્ષાત્રના રક્ષકને પરંતુ
કુજન્મ મારો કપરો કઠે છે.” કર્ણ આ કુજન્મના કલંકને ભૂંસી નાખવા માગે છે. એ માટે એને ‘પાંડવ’ થવું મંજૂર નથી. એ કર્ણ રહીને ભીષ્મથીયે અદકું પરાક્રમ કરી પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા મથે છે. એ કહે છે  “હું કર્ણ, હું કર્ણ, ન પાંડુપુત્ર,
સ્વીકારવું પ્હેલું ઘટે જ એહ,
સ્થાપીશ વ્યક્તિત્વની વીરતા હું
સુજન્મના પૈતૃક લાભ માથે.”

  •   

“તો, કૃષ્ણ, હુંયે મુજ જન્મસિદ્ધ
મથી રહ્યો છું અધિકાર પામવા 
કે હીન જન્મે નવ હીન માનવ,
કે હીન કર્મે કરી હીન માનવ.
લડી રહ્યો હુંય સમષ્ટિ કાજ.” કૃષ્ણ કર્ણની સંકલ્પદૃઢતા જુએ છે, એની સ્વત્વ માટેની સજાગતા જુએ છે. એની વ્યક્તિત્વનિષ્ઠા સામે કૃષ્ણ સમષ્ટિનો પ્રશ્ન ખડો કરે છે. તેઓ કર્ણને કહે છે  ‘તું વ્યક્તિ આડે ન જુએ સમષ્ટિને.’ કર્ણ આ અભિપ્રાયનો સચોટ રીતે પ્રતિકાર કરતાં કહે છે કે ‘હું તો પાંડવોની જેમ મારો જન્મસિદ્ધ – મારો ન્યાયપુર:સરનો અધિકાર પામવા ઇચ્છું છું. જો પાંડવોનું પગલું ધર્મ્ય છે તો મારું પણ છે.’ વળી કર્ણ પોતાના સ્વત્વસ્થાપન માટેના સંકલ્પમાં સમષ્ટિહિત પણ જુએ છે. તે આગળ ઉચ્ચારે છે  “સમષ્ટિમાં જે સહુ જન્મ-હીણાં
જીવે, વળી ભાવિ વિશેય જીવશે,
એ સર્વના જન્મકલંક કેરો
અન્યાય ધોવા મથું છું સ્વરક્તથી.
મારેય હૈયે હિત છે સમષ્ટિનું.
સ્વયંવરે જીવનસુંદરીના
જોવાય ના જન્મ, પરંતુ પૌરુષ,
– એ સ્થાપવા જીવું છું ને મરીશ,
સમષ્ટિના સત્યનું હુંય રશ્મિ.
મનુષ્ય જે જન્મ થકી દુભાયાં
તેનું રચું ઉજ્જ્વલ ભાવિ આજ હું.” મૂળ મહાભારતમાં પણ કર્ણ કૃષ્ણની સમજાવટને અનુકૂળ ન થતાં પોતાની દુર્યોધન માટેની નિમકહલાલી, પોતાનાં કુટુંબીજનો પ્રત્યેની સ્નેહનિષ્ઠા, યુધિષ્ઠિરાદિ પ્રત્યેની સન્માનબુદ્ધિ વગેરેને સાહજિક રીતે પ્રગટ કરે છે. અહીં કર્ણનું પાત્ર-ગૌરવ સાદ્યંત જળવાયું છે, બલકે, મૂળના કરતાં એનું પાત્ર કંઈક વધુ સંવાદી (‘ઇન્ટીગ્રિટી’વાળું) ને તેથી પ્રભાવક પણ બન્યું છે. કૌરવપક્ષ છોડી પાંડવપક્ષમાં ભળવામાં કર્ણને માટે તો અસત્ય હતું. તેથી મૂળમાં તે કહે છે  ``वधात् बन्धात् भयात् वा अपि लोभात् वा अपि जनार्दन 
अनृतम् नोत्से कर्तुम् धार्तराष्ट्रस्य धीमतः ।। ૫, ૧૩૯, ૧૭ આ કાવ્યમાં પણ પાંડવપક્ષે ભળવામાં કર્ણને અસત્યાચરણ લાગે છે. આવા આચરણ માટે કૃષ્ણ એ કર્ણને સમજાવે એ કેવું  ને કર્ણ પણ કદાચ કૃષ્ણની ચતુરાઈ – મુત્સદ્દીગીરી ને તે સાથે સાથે ઉદાત્ત ધર્મનિષ્ઠા – ઉભય સમજતો જણાય છે. તેથી કૃષ્ણની સમજાવટ કર્ણના શીલની કસોટીરૂપ જણાય છે અને કૃષ્ણની સમગ્ર સંવાદમાં તેથી જ એકંદરે તો પીછેહઠ દેખાય છે. એ પીછેહઠ સત્યોપકારક – સત્યનિષ્ઠ હોઈને જ કૃષ્ણના પાત્રને વધુ લાભકારક બની રહે છે. આમ છતાં છેલ્લે છેલ્લે સ્વગતોક્તિની રીતેય કૃષ્ણે કર્ણના સુનિશ્ચયને બિરદાવતાં બે વાક્ય કહ્યાં હોત તો ઠીક થાત એમ લાગે છે. જોકે પ્રસંગોપાત્ત, કૃષ્ણ કર્ણને ‘ધર્મજ્ઞ’, ‘પ્રિય’ આદિ સંબોધનો તો કરે જ છે. આ કાવ્યમાં કર્ણના કૌરવપક્ષને વળગી રહેવાના નિશ્ચયમાં વ્યક્તિહિત સાથે સમષ્ટિહિત હોવાનું જે રીતે – જે શબ્દોમાં બતાવાયું છે તેમાં ઉમાશંકરની ખૂબી છે. એક બાજુ કર્ણની અપમાનો સહેતાં સહેતાં, અપમાનભરી સ્થિતિમાંથી બહાર આવવાની પૌરુષભરી મથામણ ને બીજી બાજુ કૃષ્ણનો સામ, દામ ભેદાદિ ઉપાયો દ્વારા કર્ણને પાંડવપક્ષમાં લાવવાનો પ્રયત્ન  આમાંથી કર્ણનો ચિત્તસંઘર્ષ સહેજેય સમજી શકાય છે. કૃષ્ણનો પ્રયત્ન પણ કદાચ કર્ણને અપમાનભરી સ્થિતિમાંથી આમ તો ઉગારનારો છે, પણ તે પુરુષાર્થબળે નહિ પણ જન્મના અકસ્માતબળે; ને તેથી જ પ્રવીર, ધર્મજ્ઞ, શસ્ત્રજ્ઞ અને શાસ્ત્રજ્ઞ એવા કર્ણને એવો કૃષ્ણપ્રયત્ન માન્ય ન હોય એ દેખીતું છે. કર્ણ હીન જન્મે હીન માનવ લેખવાના કલંકને ભૂંસી નાખવા જીવનભર ઝૂઝે છે અને એ કલંકને નિ:શેષ કરી દેવા માટે મરવું પડે તો મરવા પણ તૈયાર છે. તે કહે છે  “કલંક વેઠ્યું અપજન્મનું ભલે
કલંક ક્હેશે અપમૃત્યુનું ન કો.” કર્ણ શુચિ મૃત્યુસોયથી અંતર કોરનાર કુજન્મના કાંટાને કાઢી નાખવા મથે છે. કર્ણનું વીરત્વ, કર્ણની જીવનસાધના અહીં જુદા જ પરિપ્રેક્ષ્યમાં રજૂ થાય છે. એ પરિપ્રેક્ષ્યમાં ઉમાશંકરનું કર્ણના જીવનધર્મ વિશેનું એક અર્થઘટન પણ રહેલું છે. ‘કર્ણ-કૃષ્ણ’માં કેન્દ્રસ્થાને કર્ણનું પાત્ર છે. કૃષ્ણ જ કર્ણના પાત્રને ઊઘડવાની – વિકસવાની તક આપે છે. કૃષ્ણ વિશિષ્ટ અર્થમાં કર્ણ માટે ઉદ્દીપન વિભાવ જેવા બની રહે છે. કર્ણનો વ્યષ્ટિ-સમષ્ટિધર્મના એક અણનમ યોદ્ધા તરીકેનો સાક્ષાત્કાર કરાવવામાં જે રીતે કૃષ્ણ નિમિત્ત બને છે એ તો એમની વિશિષ્ટ કલા – કૃષ્ણલીલા છે  કર્ણ મૃત્યુને જાણે છે, કર્ણ પાંડવોના પક્ષે રહેલી ધર્મિષ્ઠતાનેય સમજે છે, કુંતી ને ધર્મરાજને આદર દે છે, અર્જુનના વીરત્વને પ્રમાણે છે તો બીજી બાજુ પોતાના હીનજન્મના અપવાદનું વિષ પી જઈને પણ તે પોતાના ઉદાત્ત શીલ-કર્મથી પોતાના માન-ગૌરવની યથોચિત પ્રતિષ્ઠા ઝંખે છે. કર્ણના જીવનની કરુણતા અહીં જરૂર સૂચવાઈ છે. અર્જુન કરતાં પોતે ઊતરતો નહિ ને છતાં જીવનભર તેને અઘટિત અપમાનો સહેવા પડ્યાં, ન્યાય ને ધર્મના પક્ષકારોએ એને ન્યાય દેવા કાળજી રાખી હોત તો એક સૂતપુત્ર તરીકે એક એકથી અદકાં અપમાન એને વેઠવાં ન પડત  ને છતાં કર્ણ દુ:શાસન ન થયો, કર્ણ કર્ણ જ રહ્યો અને એ જ એનું ખમીર – એની ખુમારી છે. આ કાવ્યમાં સૂર્યપુત્ર કર્ણ આરંભે જ ‘જુઓ હસે છે નભગોખ સૂર્ય’ કહી એક દૃશ્ય – એક વાતાવરણ, એક પરિસ્થિતિનું સૂચન કરે છે. કર્ણકૃષ્ણનું એક રથમાં હોવું કેવું વિચિત્ર છે – તે સૂચવવાને જ સૂર્ય હસતો ન હોય જાણે  અને એ કાવ્યના અંતમાં કૃષ્ણની વિદાય લઈ, એમનાથી વિખૂટો પડતો કર્ણ છેલ્લે ‘ને જગ જોઈને આ | હસી રહ્યો અંબરગોખ સૂર્ય’ એમ કહી વિરમે છે. અહીં સૂર્યનું – કર્ણપિતાનું હાસ્ય અર્થપૂર્ણ બની રહે છે. કદાચ સાચા અર્થમાં મહારથી એવા કર્ણના પિતા તરીકે સૂર્યને પણ ગૌરવ-હાસ્ય ધારણ કરવું ગમે. જગતની નિર્માલ્યતા – કર્ણ જેવા કર્ણનું અપમાન કરનાર દુનિયાની ક્ષુદ્રતા સામે કર્ણપિતા સૂર્યને હસવા સિવાય હવે શું રહે છે !S આખું કાવ્ય રથ-ગતિએ વિકસતું, સચોટ સંવાદોથી અશિથિલ – તંગ બંધવાળું એવું વરતાય છે. જેમ બે ચક્રે રથ ચાલે એમ સંવાદ પણ અહીં કૃષ્ણ-કર્ણે જ શક્ય બને છે. સંવાદનો શબ્દેશબ્દ સાભિપ્રાય ને તેથી કાવ્યના વિકાસમાં સક્રિય જણાય છે. આખું કાવ્ય લક્ષ્યવેધક ગતિ ધરાવતું, સુશ્લિષ્ટ ને સુઘડ છે. આ કાવ્યમાં કવિએ જે ક્ષણ લીધી છે એ સંવાદની ક્ષણ છે અને તેથી તેમાંથી રંગભૂમિયોગ્ય પૂર્ણ નાટ્યની અપેક્ષા રાખવી વધુ પડતી છે. અથવા કવિનો પદ્યનો વિનિયોગ કરતા નાટ્યસ્વરૂપ વિશેનો ખ્યાલ કદાચ વિશિષ્ટ છે. નાટ્ય માટે અનિવાર્ય ક્રિયાનું તત્ત્વ અથવા સંઘર્ષનું તત્ત્વ સૂક્ષ્મ રૂપમાં તો અહીં છે જ, કર્ણ સમજશે એવી સંભાવનાથી આરંભાયેલો સંવાદ કર્ણ હવે નહિ સમજે એ પરિણામ સુધી – એટલા વિકાસક્રમ સુધી પહોંચે છે.S કર્ણના સંકલ્પના કોટને તોડવાના – ડગાવવાના કૃષ્ણના એકાગ્ર પ્રયત્નો સમગ્ર કૃતિમાં રસપ્રદ રીતે નિરૂપાયેલા છે ને એ સામે કર્ણની અડગતા વધુ ને વધુ પ્રતીત થતી જાય છે. એટલે સૂક્ષ્મવેદી – કાવ્યકલ્પનાભ્યાસી પ્રેક્ષકો કદાચ ક્રિયાના આ સૂક્ષ્મ રૂપને દૃશ્ય–કાવ્યમાં માન્ય પણ કરે અને ભાષા પદ્યાત્મક હોવાથી એની આવા કાવ્યમાં, સામાન્ય રીતે ગદ્યની દૃશ્યકાવ્યમાં હોય તેથી વિશિષ્ટ કદાચ બીજાં તત્ત્વોથી કંઈક વધુ ધ્યાન ખેંચતી ભૂમિકાયે હોવાની. ને આ બધામાં એક વાત તો સ્પષ્ટ છે કે ‘કર્ણ-કૃષ્ણે’ પદ્યનાટક કે એકાંકી તરીકે સિદ્ધ થતાં પૂર્વે રંગભૂમિની કસોટીમાંથી પાર ઊતરવું જ પડે. ‘કર્ણ-કૃષ્ણ’ની આપણા અનેક આલોચકોએ ‘પ્રાચીના’નું અવલોકન કરતાં ચર્ચા કરી છે. રામપ્રસાદ શુક્લે ‘કર્ણનો નાશ એની વિકાસેચ્છાને જ આધીન છે’ એમ જણાવી પ્રાકૃત અંશોના વિનાશરૂપ સ્વાર્પણ વડે જ સ્વપરનો સમુલ્લાસ હોવાનું રહસ્ય આ કૃતિમાંથી તારવી બતાવ્યું છે. (રેખા, માર્ચ, ૧૯૪૫, પૃ. ૨૮) રામપ્રસાદ બક્ષીએ ‘કર્ણ-કૃષ્ણ’ વિશે લખતાં ‘સમષ્ટિના સત્યના રશ્મિ’ તરીકે પોતાનું અભિજ્ઞાન આપતો કર્ણ મહાભારતના ને વેણીસંહારના કર્ણથી આગળ છે એમ જે જણાવ્યું છે તે યોગ્ય છે. મહાભારતકારે કૃષ્ણ દ્વારા કર્ણને સમજાવવામાં સામ, દામ અને દંડનો વિનિયોગ કરેલો તો ઉમાશંકરે એમાં ચોથો ઉપાય ભેદ ઉમેર્યો છે તે રામપ્રસાદ બક્ષીએ જણાવ્યું છે. ભેદના ઉપાયરૂપે કૃષ્ણ કર્ણને ભીષ્મે તેનો તિરસ્કાર કર્યાની ઘટનાની યાદ આપે છે, પરંતુ આ ઘટના મહાભારતમાં તો આ પ્રસંગ બાદ બને છે, અને એ ઘટનામાં કર્ણનું અપમાન કરનાર અન્ય હતા એટલે મહાભારતનો ઘટનાક્રમ જાણનારને અહીં કાલવ્યુત્ક્રમનો દોષ દેખાય. કર્ણ કૃષ્ણને ‘પાર્થસારથિ’ કહીને સંબોધતો હોય એવી પંક્તિ (‘હા યુદ્ધભોમે ફરી, પાર્થસારથિ’) પહેલી આવૃત્તિમાં ‘કર્ણ-કૃષ્ણ’માં હતી, પરંતુ પાંચમી આવૃત્તિમાં એ પંક્તિમાં ‘પાર્થસારથિ’ને બદલે ‘પાર્થબંધુ હે’ મળે છે – જે યોગ્ય જ થયું છે. ડોલરરાયે ‘કર્ણ-કૃષ્ણ’ની સંવાદ-કળાની પ્રશંસા કરી છે, તે સાથે એ કાવ્યમાંના કેટલાક દોષ પણ બતાવ્યા છે. કર્ણે યુદ્ધકળાપરીક્ષાના પ્રસંગે કુંતીની આંખોમાં દિવ્ય વાત્સલ્યધારા નિહાળી હતી અને તેથી કર્ણને કુંતી પોતાની માતા હોય તેવી લાગણીયે થઈ હતી. તેથી કર્ણ કૃષ્ણને કહે છે કે ‘એ જાણું છું કૈંક રહસ્ય, જ્યારથી | પામ્યો છું હું આશિષ કુંતીનેત્રની | મૂંગી મૂંગી તોય હેતે હૂંફાળી...’ ડોલરરાય આ સંદર્ભે ટીકા કરતાં લખે છે  ‘સંભવની દૃષ્ટિએ, કર્ણ આવી રીતે અનુમાન કરીને પોતાના જન્મની બધી હકીકત સમજી શકે એ વાત મને જરા દુરાકૃષ્ટ લાગે છે.’૨૩૩ ઉમાશંકરે મૂળમાં કર્ણમુખે ‘કૈંક રહસ્ય’ એમ કહ્યું છે ત્યાં બધી હકીકત સમજવાનો પ્રશ્ન ઉપસ્થિત જ થતો નથી અને તેથી ડોલરરાયની આ વિધાનગત લાગણી બરોબર જણાતી નથી. વળી ડોલરરાય કર્ણમુખે ઉચ્ચારાતા ‘સમષ્ટિમાં જે સહુ જન્મહીણાં | જીવે, વળી ભાવિ વિશેય જીવશે, | એ સર્વના જન્મકલંક કેરો | અન્યાય ધોવા મથું છું સ્વરક્તથી’ – આવાં વચનોમાં ઔચિત્યભંગ જુએ છે. તેઓ લખે છે  “કવિએ પોતે, પોતાના શબ્દોમાં આવી દલીલ વાપરી હોત તો એ મહાભારતનાં આ પ્રસંગનું અર્થઘટન (‘ઇન્ટરપ્રીટેશન’) છે એ દૃષ્ટિએ આવકાર્ય બનત. પણ કવિએ આને સંવાદકાવ્ય બનાવ્યું છે તેથી પોતાનું અર્થઘટન પણ એ પાત્રના મુખેથી કરાવે છે, અને તેથી કવિનાં મંતવ્યો પાત્રનાં સંપ્રજ્ઞાત મન્તવ્યો બની જાય છે એટલા પૂરતું મને આ વિષયમાં અનૌચિત્ય જણાય છે.” અહીં ડોલરરાયને કર્ણના પાત્રવિકાસની નાટ્યદૃષ્ટિએ ઊણપ ચીંધવી હશે કદાચ. જોકે કર્ણ ‘હું કર્ણ, હું કર્ણ, ન પાંડુપુત્ર, | – સ્વીકારવું પ્હેલું ઘટે જ એહ.’ – આવાં વચનો ઉચ્ચારી શકતો હોય, ‘મારેય હૈયે હિત છે સમષ્ટિનું’ આવી વાત કહી શકતો હોય, ‘સમષ્ટિના સત્યનું હુંય રશ્મિ’ એ રીતે પોતાનું અભિજ્ઞાન આપતો હોય (ને આ બધા સામે જો ડોલરરાયને વાંધો ન હોય) તો પછી આવાં વચન કહેનાર કર્ણના મુખમાં ડોલરરાયનિર્દિષ્ટ વચનો હોય તો એમાં વાંધો લેવાપણું રહેતું નથી. વળી ડોલરરાય કાવ્યના અંત સંબંધે ટીકા કરે છે તે પણ જોવા જેવી છે. તેઓ ‘જાઉં હવે... કૃષ્ણ... અહીં કારમો ’ – એ પંક્તિઓમાં કર્ણ ભારતનો મહારથ ખોટકાઈ પડવાની વાત કરે છે. ડોલરરાય કહે છે કે ‘આ વચનોનું ઔચિત્ય કે ધ્વનિ મને સમજાતો નથી. પોતે લીધેલાં પગલાંથી ભારતનો રથ ખોટકાઈ જશે એટલે ભારતનો વિકાસ અટકી પડશે એમ કર્ણ જાણે છે છતાં, પોતે આવો નિશ્ચય કરે છે એમ નિરૂપવાથી કર્ણના પાત્રની મહત્તા વધે છે કે ઘટે છે  કે પછી કર્ણનાં આ વચનો મોંમાં મૂકવામાં કવિને કોઈ બીજો ભાવાર્થ ઉદિૃષ્ટ હશે ૨૩૪ એક વાત તો સ્પષ્ટ છે કે વેગથી જતાં રથ જે રીતે અટક્યો તેનું સૂચન કર્ણને કરવું છે. તેમ કરતાં કર્ણ અને કૃષ્ણ ભેગા ન થઈ શક્યાથી કેવી દારુણ પરિસ્થિતિ ભારત માટે થઈ તે સૂચવવાનો કવિનો લોભ પણ જોર કરી જાય છે અને તેથી વિધિવશાત્ એક જ રથનાં બે ચક્રો બે વિરોધી દિશામાં જતાં રથની જે દશા થાય તે બતાવી કર્ણ-કૃષ્ણના જ નહિ, તેમના સમયની ભારતનીયે કરુણતા બતાવાય છે. વળી આ ઉક્તિ દ્વારા કૃષ્ણ જેટલી કર્ણની મહત્તા – ને તેય પાછી કર્ણમુખે જ  – સૂચવાય છે ને તેમાં કંઈક અનૌચિત્ય લાગવાનો સંભવ જરૂર છે, જોકે કર્ણ પોતાની મહત્તા સૂચવવા કરતાં, નિયતિપ્રેરિત કરુણતા દર્શાવવા માગતો હોય એવું વધારે જણાય છે. S રામપ્રસાદ શુક્લે કૃષ્ણને મળેલા શાપ વડે જ એમની મહત્તા સત્સ્વરૂપે ઝળહળી રહી હોવાનું નિરીક્ષણ કર્યું જ છે. (રેખા, માર્ચ, ૧૯૪૫, પૃ. ૨૮) ભૃગુરાય અંજારિયાએ કર્ણના પાત્ર પરત્વે લખતાં જણાવ્યું છે કે ‘લેખક ખૂબ સિફતથી કર્ણના જીવનપ્રસંગોને લગતી વીગતો જોઈતી દલીલો રૂપે લાવી શક્યા છે, કૃષ્ણને મુખે પણ એ મુત્સદ્દીની અદાથી શોભે એવી દલીલો મૂકે છે, છતાં અહીં કર્ણના પાત્રની સમગ્રતાને પડતી મૂકવી પડી છે એ ચોક્કસ.’૨૩૫ મહાભારતમાં કર્ણના જે કંઈ સંદર્ભો આવે છે તે બધા ધ્યાનમાં લઈને વાત કરવાની હોય તો ભૃગુરાયને લાગ્યું છે એવું લાગે જરૂર. પણ આવો અભિગમ સ્વયંસંપૂર્ણ અથવા આત્મપર્યાપ્ત એવી કલાકૃતિનું રહસ્ય સમજવામાં અનિવાર્ય નથી. એમ તો દુર્યોધન સુયોધન રૂપે – ભદ્ર પાત્ર તરીકે ભાસના ‘ઊરુભંગ’માં આવે જ છે. એ દુર્યોધનના મહાભારતગત બધા સંદર્ભો લઈને ‘ઊરુભંગ’ના દુર્યોધનની વાત કરવાથી કલાનો અર્થ કેટલો સરે  ઉમાશંકરની કર્ણ વિશેની વિભાવનાના સંદર્ભમાં કાવ્યગત પાત્રોચિત્ય તપાસવું એ જ કલાકૃતિની સ્વાયત્તતાના ને કલાના હિતમાં લેખાય. આ ભૃગુરાયે ‘કર્ણ-કૃષ્ણ’ના સંવાદમાં ઊતરી આવેલા શાંત ગૌરવની સરસ નોંધ લીધી છે. તેઓ લખે છે  ‘જ્યાં લાગણીનાં બહુ મોટાં ચઢાણ કે ઉતરાણ ન બતાવવાં હોય ત્યાં જ ઉમાશંકર સર્વાંશે સફળ થયા છે. ‘કર્ણ-કૃષ્ણ’ના સંવાદમાં શાંત ગૌરવ આવી શક્યું છે. શાંત, સંયમિત સૂરે વહેતી વાતચીતના સ્વરોચ્ચાર છે, અને દરેક કથનને નિરૂપવા, રંગના લપેડા નહીં, વીગતોનાં ઝૂમખાંથી લચી જતાં વર્ણનો નહીં, પણ અજબ સ્વચ્છતાભર્યા, આછા માત્ર આવશ્યક ઉપસાટથી મોહક બનતાં ભાવભીનાં નખચિત્રો છે.’૨૩૬ S ‘મમત્વ’ ને ‘મહત્ત્વ’ – એ બે પદોનો વિનિયોગ નોંધવા જેવો છે. ઉમાશંકર આ રીતના પદપ્રયોગોથી પંક્તિને સૂત્રાત્મકતા અર્પી તેની અવતરણક્ષમતા સિદ્ધ કરે છે. આવાં અનેક દૃષ્ટાંતો ‘પ્રાચીના’માં મળે એમ છે. – ચં૰ ‘પ્રાચીના’ના આરંભનાં ત્રણ કાવ્યો ‘કર્ણ-કૃષ્ણ’, ‘૧૯મા દિવસનું પ્રભાત’ અને ‘ગાંધારી’ કોઈ ને કોઈ રીતે યુદ્ધના સંદર્ભ સાથે સંકળાયેલાં છે. ડૉ. ચંદ્રકાન્ત મહેતા આ ત્રણેય કાવ્યોને ઉચિત રીતે ‘યુદ્ધવિરોધી કાવ્યો’૨૩૭ તરીકે ઓળખાવે છે. આમ છતાં એટલું જ અભિજ્ઞાન આ કાવ્યો બાબતમાં પર્યાપ્ત નથી એ સ્પષ્ટ છે. ઉમાશંકરને જન્મ ને જીવનાં કૃત્યોમાં ઊંડો રસ છે, નિયતિ ને આકસ્મિકતાની સમસ્યાનું પણ કંઈક આકર્ષણ લાગે છે. ‘અહો  જનોની ચિર યુદ્ધ-શ્રદ્ધા ’ એમ કહેનાર કૃષ્ણની ધર્મ-શ્રદ્ધા દૃઢ છે. માણસમાંથી ધર્મ બાદ થાય તો શું બાકી રહે  અરે  કાવ્યમાંથી પણ ધર્મ નિ:શેષપણે બાદ થાય તો શું બચે  ઉમાશંકરનાં ‘પ્રાચીના’ ને ‘મહાપ્રસ્થાન’નાં કાવ્યોની માંડણી ધર્મના વજ્રપાયા પર થયેલી છે એ સ્પષ્ટ છે. ‘પ્રાચીના’થી ‘મહાપ્રસ્થાન’માં આ ધર્મ શબ્દ અત્રતત્ર ફંગોળાતો જ રહ્યો છે. ને એમને હાથે વ્યાસ-રવીન્દ્રનાથને અનુકૂળ એવી જીવનનિયામક ધર્મ શબ્દની ચિકિત્સા થતી આવી છે.’૨૩૮ – આ ઉશનસ્નું વિધાન સ્થાને છે. રવીન્દ્રનાથની જેમ માનવ્ય-ધર્મમાં ઉમાશંકરનો ઊંડો-વ્યાપક રસ છે, બંનેની દૃષ્ટિ ભારતીયતાને જે રીતે જુએ, મૂલવે છે એમાંય સામ્ય છે, આમ છતાં ઉમાશંકર રવીન્દ્રનાથના શિષ્ય હોવાનું વિધાન કરવાની જરૂર નથી. ઉમાશંકરની શક્તિ-મર્યાદા ઉમાશંકરની જ છે તે તો આ ‘કર્ણ-કૃષ્ણ’ ને રવીન્દ્રનાથનું ‘કર્ણ-કુંતી સંવાદ’ સરખાવી જોતાં તુરત પ્રતીત થાય છે. ઉમાશંકરે ‘કર્ણ-કૃષ્ણ’ કૃતિમાં મિશ્રોપજાતિને સુંદર રીતે પ્રયોજ્યો છે. રામનારાયણ પાઠકે ‘બૃહત પિંગલ’ (૧૯૫૫)માં ઉમાશંકરના મિશ્રોપજાતિનાં કેટલાંક રસપ્રદ નિરીક્ષણ કર્યાં છે. તેઓ ‘પ્રાચીના’ની છંદોરચનાના સંદર્ભમાં લખે છે કે, “ ‘પ્રાચીના’નાં લાંબાં કાવ્યો ઘણાંખરાં ત્રૈષ્ટુભ-જાગત ઉપજાતિમાં છે અને વસ્તુ મહાભારતનું હોવાથી તેમાં અનિયમિત આર્ષ છંદોનું અનુકરણ કરવામાં પણ ઔચિત્ય રહેલું છે.” (પૃ. ૨૭૧) ઉમાશંકરે ‘કર્ણ-કૃષ્ણ’ના ઉપાડમાં જ ઉપેન્દ્રવજ્રા, શાલિની, વંશસ્થ, ઇન્દ્રવંશા, ઇન્દ્રવજ્રા આદિ છંદોનાં વિલક્ષણ મિશ્રણો દ્વારા લયની એકવિધતા તેમ જ યતિની મર્યાદાઓને વટાવવાનો ને એ રીતે ભાવપ્રેરિત વાક્પ્રવાહને અનુકૂળ એવી ગતિચ્છટા સિદ્ધ કરવાનો સરસ પ્રયાસ કર્યો છે. એ પ્રયાસ કર્ણ-કૃષ્ણમાં કર્ણની પ્રથમ ઉક્તિમાં પણ જણાશે, જ્યારે કૃષ્ણ કર્ણને કહે છે  ‘એ ક્રોધ, એ ચિત્તનું કાલકૂટ,
સન્તોનું એ પેય પીયૂષ પુણ્ય
પી જા, પી જા, કર્ણ, એ રોષ પી જા 
જણનારાંના, કર્ણ, બે દોષ પી જા ’ ત્યારે એમાં ‘એ’ પદની ઉપસ્થિતિએ પંક્તિના અર્થાનુસારી ભાવાનુલક્ષી ખંડકો થતાં છંદોલયને નવું જ રૂપ મળે છે અને ‘પી જા, પીજા,’ પંક્તિના શાલિનીના લયે, શબ્દોના પુનરાવર્તન તેમ જ સચોટ પ્રાસમેળે, તથા ‘જણનારાંના’માં લીધેલ એક ગુરુને સ્થાને બે લઘુની એકતાનતાવિરોધી ઉપસ્થિતિથી ઉપરની ઉક્તિ સરસ-સચોટ અનુભૂતિ આપીને રહે છે. પદવિન્યાસનો છંદોલયની સિદ્ધિમાં શું ફાળો હોઈ શકે તે આ દૃષ્ટાંતમાં બરોબર પ્રતીત થાય છે. ઉમાશંકરના કાને ઉમાશંકરની પદ્યસિદ્ધિમાં મહત્ત્વની મદદ કરી હોવાનું ‘પ્રાચીના’ – ‘મહાપ્રસ્થાન’ની રચનાઓ જોતાં તુરત પ્રતીત થાય છે. દર્શક ‘કર્ણ-કૃષ્ણ’નો આસ્વાદ કરાવતાં ઊલટભેર લખે છે  “ઉમાશંકરે આ કાવ્ય સર્જ્યું હશે ત્યારે વાગ્દેવીએ તેમના પર વરદ હસ્ત મૂક્યો હશે.” (યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., પૃ. ૧૬૬) ‘કર્ણ-કૃષ્ણ’માં કવિ નાટ્યોચિત પદાવલિની વધુમાં વધુ સમીપ હોવાનું નિરીક્ષણ નિરંજન ભગત કરે છે.૨૩૯ દીપક મહેતા સભાનતાથી પદ્યપ્રયોગ ન થયો હોય એમાં ‘કુબ્જા’ સાથે ‘કર્ણ-કૃષ્ણ’ને પણ ગણાવે છે. તેઓ નોંધે છે  “ ‘કર્ણ-કૃષ્ણ’માં પદ્યના માધ્યમ પાસેથી કવિ સારું કામ કઢાવી શક્યા છે.”૨૪૦ આ બધાં કાવ્યો વિશેના જો બધા વિવેચકોના મત લઈએ તો લગભગ એક યા બીજા કારણે આમાંનાં બધાં જ કાવ્યોને અગત્ય મળ્યાનું સમજાય  એને વળી આપણા વિવેચનની જ એક ખૂબી ગણવી ને  ઉમાશંકરની નાટ્યપદ્યની ખોજની બાબત ધ્યાનમાં લેતાં ‘કર્ણ-કૃષ્ણ’માંના પદ્યપ્રયોગને ધ્યાનમાં લેવો જ પડે એવી ને એટલી એની સિદ્ધિ જરૂર છે. રામનારાયણે ‘બૃહત્ પિંગળ’માં (પૃ. ૬૯૦) મિશ્રોપજાતિ માટેના બૃહત ક્ષેત્રની સંભાવના દર્શાવી છે અને ‘પ્રાચીના’ગત મિશ્રોપજાતિવાળા પદ્યપ્રયોગો જોતાં એ અભિપ્રાય વજૂદવાળો પણ લાગે છે. ૨. ૧૯મા દિવસનું પ્રભાત આ કાવ્યનું વસ્તુ મહાભારતના સૌપ્તિક પર્વના ૮મા તથા સ્ત્રીપર્વ–ઐષિક પર્વના ૧૦ અને ૧૧મા અધ્યાયોમાંથી લેવામાં આવ્યું છે. આ કાવ્યમાં સ્ત્રીપર્વના ૧૧મા અધ્યાયની ભીમસેનની લોહમય પ્રતિમાના ભંગની તથા એ જ પર્વના ૧૪મા અધ્યાયમાંનાં ગાંધારીનાં વચનોની વાત પણ આવી જાય છે. ઉમાશંકર પોતાની દૃષ્ટિ સામે જે વસ્તુ હોય તેને પુષ્ટ કરતી સામગ્રી આજુબાજુના સંદર્ભોથી પણ મેળવે છે. વ્યાસના માનવજીવનના દર્શનને તેઓ પોતાની રીતે ન્યાય કરવા સતત સાવધાની રાખે છે ને તેથી મહાભારતમાં એમના મૌલિક દર્શને – અર્થઘટને આવતી વસ્તુવક્રતા એક અર્થમાં મહાભારતના પ્રાચીન સંદર્ભની વિરોધી નહિ, બલકે એ સંદર્ભની ઉદ્યોતક-પોષક-સંવર્ધક બની રહે છે. પ્રાચીન દર્શન સાથે કવિના અર્વાચીન દર્શનનું સંયોજન થતાં સનાતન દર્શનનો જ એક સંદર્ભ ઊપસી આવે છે. ૧૮ દિવસના મહાભારતના ભીષણ યુદ્ધ બાદ ૧૯મા દિવસે સવાર કેવું પડ્યું તેનું દર્શન આ કાવ્યમાં થાય છે. આગલી રાતે અશ્વત્થામાએ પાંડવોના શિબિરમાં ઘૂસી જઈને ભીષણ હત્યાકાંડ આચર્યો. ધૃષ્ટદ્યુમ્ન અશ્વત્થામાના મૂઢ મારથી હણાયો. તેનો સારથિ – સૂત જીવતો નાસી છૂટ્યો ને કૃષ્ણ નદીતીરે પાંડવોને મંગલાર્થે લઈ ગયેલા ત્યાં જઈ બધા સમાચાર આપ્યા. કાવ્યના આરંભમાં રથ લઈને સૂત પ્રવેશે છે. રથમાં યુધિષ્ઠિર બેઠેલા છે. સૂત ક્રમશ: જે કંઈ રાતે બન્યું તેની વાત યુધિષ્ઠિરને કરતો જાય છે ને સાથે સાથે પાંડવોના શિબિરમાં પ્રવેશતાં ક્રમશ: ધૃષ્ટદ્યુમ્નાદિનાં શબ બતાવતો જાય છે. શરૂઆતમાં જ સૂત સંહારઘોર કાલરાત્રિનું બયાન કરે છે. યુધિષ્ઠિર ચોતરફ વ્યાપેલા સૂનકારનો નિર્દેશ કરતાં કહે છે  ‘સ્મશાન-શો ચોગમ શાન્ત દેશ ’ યુધિષ્ઠિર યુદ્ધમાં ઘવાયેલાના નિ:શ્વાસ સાંભળે છે. તેમનું મન યુદ્ધનો ભોગ બનેલ પાંડુપાંચાલ-વીરોને જોવા અધીરું બને છે. સૂત રથને ઝડપથી પાંડવશિબિરે લઈ જાય છે. પાંડવશિબિરના પ્રવેશદ્વારે જ્યાં કૃતવર્મા અને કૃપાચાર્ય ઊભેલા તે સ્થાન બતાવે છે. અશ્વત્થામાએ ધૃષ્ટદ્યુમ્નને જગાડી તેની કેવી રીતે હત્યા કરી તે જણાવતાં ‘ન મૃત્યુ વીરોચિત શસ્ત્રઘાતે | દે દુર્મના’ એમ ટીકા પણ કરે છે. યુધિષ્ઠિર આ ધૃષ્ટદ્યુમ્નના મૃત્યુની ઘટના વિશે વિમર્શન કરતાં કહે છે  “જે સાત અક્ષૌહિણી સૈન્યનો ધણી,
તેને અંતે ખોટ તે શસ્ત્રઘાતની 
દીધો, વિધિ, તેં જય એક હસ્તથી
લીધો જયાનંદ જ ચોરી અન્યથી.” યુધિષ્ઠિર જેવા ધર્મપુરુષ ધૃષ્ટદ્યુમ્નના મૃત્યુથી વેદના પામીનેય છેવટે તો ધર્મચિંતન-તત્ત્વવિચારમાં જ ડૂબી જાય છે. તેઓ કહે છે  “સમાન પલ્લાં વિધિની તુલાનાં,
જયાજયો તે મનનાં જ બ્હાનાં.” S આ પંક્તિઓ અનાસક્તિયોગના સાચા સાધક શ્રીમદ્ રાજચંદ્રની આ ઉક્તિ પરથી સૂઝેલ છે  ‘જે ઉપાધિજોગ વર્તે છે તેને પણ સમાધિજોગ માનીએ છીએ.’ અનાસક્ત ચિત્ત જ દુ:ખદ ઘટનામાંથી આ રીતે આશ્વાસન શોધી શકે. યુધિષ્ઠિરનું યુધિ-સ્થિરપણું ઉમાશંકરની કવિતામાં આવી આવી ઘટના-પ્રતિક્રિયામાંથી અનુભવવા મળે છે. સૂતને શસ્ત્રો, શબદ વગેરેથી છવાઈ ગયેલા રસ્તામાં રથ હાંકવામાં મુશ્કેલી જણાય છે, આમ છતાં યુધિષ્ઠિરના આદેશથી આગળ વધે છે. આ દરમિયાન યુધિષ્ઠિર પોતા પૂરતું તો અશ્વત્થામા દ્વારા જે થયું તેને ન્યાય્ય શિક્ષા માની લે છે. સૂતની જીભ રથની સાથે જ ચાલે છે. સૂત, અશ્વત્થામા ચોરની જેમ શિબિરમાં ઘૂસી ઊંઘતા સુભટો પર જે રીતે તૂટી પડ્યો તેનું વર્ણન કરતાં કહે છે  “ઝૂમી
જેવો અરણ્યે કઠિયારો કરાળ
છેદે મહાવૃક્ષની ડાળ ડાળ,
એ રીતે પાંચાલલક્ષ્મી વિનાશી.” આવા અશ્વત્થામાના ક્રૂર કર્મમાં નિયતિનો હાથ જોવાનું, એમાં ન્યાયાન્યાય શોધવાનું તો યુધિષ્ઠિરને જ સૂઝે એવી ટીકા પણ સૂત કરી લે છે. યુધિષ્ઠિરનું ચિત્ત આ દારુણ ઘટનાનો તાગ મેળવવામાં વ્યસ્ત છે. તેઓ કહે છે  “શ્રી કૃષ્ણ-શા તે અમ કર્ણધાર,
નૌકા તોયે ઘોર ઝંઝા વટાવી,
ડૂબી અંતે છીછરે નીર આવી.
જીવ્યા જોવા દૈવની આંખ રૂઠી,
આયુષ્યમાં આખર ખાલી મૂઠી.
જીવ્યા  ના.” યુધિષ્ઠિરને માટે આ પ્રતીતિ જીરવવી ઘણી મુશ્કેલ છે અને છતાં તેઓ સહે છે. એ જ એમની મહત્તા છે. યુધિષ્ઠિર સુપ્ત ભીમાર્જુન – માદ્રિપુત્રને – દ્રૌપદેયોને જોવા સારથિએ આજ્ઞા કરે છે. સારથિ આ આજ્ઞા જાણીજોઈને સાંભળી – ન-સાંભળી કરે છે ને રથ આગળ ચલાવવા કરે છેS ને ત્યાં જ યુધિષ્ઠિરની નજર પોતાના ને દ્રૌપદીના પુત્ર લઘુ-યુધિષ્ઠિર તરફ જાય છે.+ યુધિષ્ઠિર કહે છે  “જો, જો, પણે સુપ્ત સ્વયં યુધિષ્ઠિર,
ચારે લઈને નિજ સાથ વીર.” દૃશ્ય અત્યંત હૃદયવેધક છે. યુધિષ્ઠિરને તુરત દ્રૌપદીનો વિચાર આવે છે. પોતાના પાંચ પુત્રોની હત્યા દ્રૌપદી કેવી રીતે સહી શકશે  યુધિષ્ઠિરથી દ્રૌપદીની તુલના વિવત્સા ગાય સાથે થઈ જાય છે. યુધિષ્ઠિર નકુલને દ્રૌપદી પાસે તેને ઉપપ્લવ્ય નગરીમાંથી બોલાવી લાવવા મોકલે છે. યુધિષ્ઠિર દ્રૌપદીના જીવનની કરુણતાનો માર્મિક રીતે નિર્દેશ કરે છે  “દુ:ખો મહીં તે રહી માનમંડના,
ને પુત્ર ખોયા સુખવેળ પંડના  ” યુધિષ્ઠિર જે તાટસ્થ્યથી પાંચ પાંડવપુત્રોને જુએ છે એ તાટસ્થ્ય સર્વથા ઇષ્ટ લાગતું નથી. યુધિષ્ઠિરે પેલા નિર્દોષ માટે થોડા વિષાદોદ્ગાર કાઢ્યા હોત તો તે અનુચિત ન લેખાત. યુધિષ્ઠિરને જાણે સંસારના પવન ખાસ વિશુબ્ધ કરતા ન હોય એમ જણાય છે. એ સાચું કે આવા તાટસ્થ્યે – સ્થૈર્યે ‘યુધિષ્ઠિરતા’નો વિશિષ્ટ અર્થ પણ પામી શકાય છે. સૂત જે ઘટનાઓ ગુજરી ચૂકી છે તેનું વર્ણન કરી તેમને દૃશ્યભૂમિકાએ લાવવાનો પ્રયત્ન કરે છે. જે રંગભૂમિ પર બતાવવું મુશ્કેલ છે તે આ રીતે સૂત દ્વારા પ્રગટ થાય છે. સૂત અતીતને વર્તમાનની ભૂમિકાએ લાવનાર આ કાવ્યમાં અનિવાર્ય એવો સંકલનાકાર છે, – કથનકાર – ‘નૅરેટર’ છે. ગ્રીક નાટકમાં જેમ કોરસ દ્વારા કેટલુંક કામ સાધી લેવાતું એમ અહીં આ સૂત દ્વારા અન્યથા રંગભૂમિ પર પ્રગટ કરવું મુશ્કેલ એવું કામ સાધી લેવાય છે. યુધિષ્ઠિર સૂત દ્વારા અશ્વત્થામાએ કઈ રીતે દ્રૌપદેયોને હણ્યા તેની વાત સાંભળે છે ને ત્યારે તેઓ અશ્વત્થામાને શંકાનો લાભ આપી, કૌન્તેય માનીને તેણે દ્રૌપદેયોને હણ્યા હોય એવી સંભાવના વ્યક્ત કરી તેના પ્રત્યે ઉદારતા બતાવે છે ને ત્યારે સૂતને પણ યુધિષ્ઠિરની ટીકા કરવી પડે છે. સૂત અશ્વસ્થામાના પાશવી કર્મનો આલંકારિક રીતે ચિતાર આપતાં કહે છે  “હૃદયે અમેય
વૈરાગ્નિથી જે, સમરે અજેય
સૂતા હણે દ્રૌપદ-દ્રૌપદેય;
સાંખી શકે જે દ્રુપદદ્રુમે ના
એકે કૂણો અંકુર, ગાન તેનાં
ભલે કરે પાંડવરાજ; જેના
રહ્યાસહ્યા હસ્તિતુરંગ, સેના
અશેષ, દ્રૌણિ હણતો નિશીથે
અંધારમાં (પાંડુસુતોની પીઠે)
ઘૂમી રહ્યો તે શિબિરે બહોળે,
મોટી છોળે મત્ત માતંગ ડ્હોળે
ઊંડો ધરો સ્વચ્છ યથા યથેચ્છ,
ગેંડો ઘૂમે ઘોર કાન્તાર સ્વચ્છ,
ઝંઝા ઝઝૂમે સઢઝુંડમાં યથા,
દ્રૌણાયનિ તે શિબિરાંગણે તથા.” અહીં મિશ્રોપજાતિ છંદનો પ્રવાહ વક્તવ્યને અનુકૂળ છટા ધારતો, અલંકારાદિની અનેક વીગતો ધારણ કરીને આસ્વાદ્ય ભારઝલાપણું પ્રગટ કરે છે. સૂતની વર્ણનોર્મિને અનુકૂળ વળાંકો લેતો છંદ અશ્વત્થામાની ધૃષ્ટ ગતિનો નિર્દેશક બની રહે છે. અહીં પ્રાસ અર્થાનુસારી હોત તો  પણ નથી, ને એવી મહંદશે અર્થાનુસારી નહિ એવી પ્રાસરચનાનું સંગીત વૈષમ્યભાવે ઉક્તિગત પ્રવાહને વૈવિધ્ય ને વૈશિષ્ટ્ય સમર્પે છે એમ લાગે છે. ‘હૃદયે અમેય’ શબ્દોથી આરંભીને ‘શિબિરાંગણે તથા –’ આગળ પૂરું થતું વાક્ય એ વાક્યને, એની પ્રલંબતાને મિશ્રોપજાતિનો પંક્તિગત ટૂંકો લય, ઉપવાક્યોના આધારે કેવો અનુકૂળ બન્યો છે તે જોવા જેવું છે. સૂત કાલરાત્રિનું પણ ઓજસપૂર્ણ ચિત્ર આપે છે. તેની સંસ્કૃતપદાવલિ – દીર્ઘસમાસ રચના ધ્યાનપાત્ર છે. સૂત કહે છે  “જોતી હતી જે વિયતેથી સસ્મિતા,
કાલી કરાલી શતપાશહસ્તા,
રક્તાંચલા ધૂસરવ્યસ્તહારા,
જે પાદરેણુદ્વિગુણાંધકારા,
વીરક્ષયે વિસ્ફુરતી વિભાવરી,
તે મૌનભારે ઊઠી કંપી બાવરી.” આ સૂતને યુધિષ્ઠિર દ્રૌપદી-સતી આવી રહી છે તેનું દર્શન કરાવે છે ને સૂત સમીરથી કંપતી કોમળ કદલી સમી દ્રૌપદીનું મંદાક્રાન્તામાં વર્ણન કરે છે. આ વર્ણનમાં કવિએ મૂળનો સંદર્ભ પણ ઠીક ઠીક સાચવ્યો છે. દ્રૌપદી આવીને પાંચ પુત્રોનેS જુએ છે ને તુરત પૂછે છે  ‘આ તે જેના તાત જીત્યા જ યુદ્ધ ’ દ્રૌપદીનું સ્વભાવતેજ આમ એના ધારદાર પ્રશ્નમાં પ્રગટ થાય છે. દ્રૌપદી પાંચ પુત્રો, બંધુ ઇત્યાદિને ગુમાવવાથી અત્યંત આઘાત પામી મૂર્છા પામે છે. યુધિષ્ઠિર ત્યારે જે તાટસ્થ્યથી જીવનની ફિલસૂફી ડહોળવા બેસે છે તે સુંદર છતાં તત્કાલ જરૂરી જણાતી નથી. યુધિષ્ઠિર દ્રૌપદીની સાથે આવેલ કૃષ્ણને સંબોધીને બોલે છે. એમ બોલતાં તેઓ યુદ્ધની વિરૂપતા બતાવે છે  “અહો મહાઉદ્યમ યુદ્ધનો આ,
અંત જેને જીવવું માત્ર રોવા 
જીત્યા જેઓ, તે જ અંતે જિતાયા,
જીત્યા તેઓ, યુદ્ધમાં જે જિતાયા;
જીવ્યા જેઓ, તે જ ક્લેશે મરાયા.
જીવ્યા તે, જે ધર્મયુદ્વે મરાયા.” યુધિષ્ઠિર ધર્મનો સહારો લઈ જાતે સ્વસ્થ રહે છે ને એના જ સહારે અન્યને સ્વસ્થ કરવા મથે છે. તેઓ દ્રૌપદીને સમાશ્વાસન આપતાં ‘જે જે રહ્યો તે ધર્મસહચાર પૂરો કરવા’ શીખ આપે છે. ને આ વખતે દ્રૌપદી યુધિષ્ઠિરને ‘નૃપ’ શબ્દથી સંબોધીને તીખાશથી કહે છે  “રે નૃપ, સાથ મારી
સિંહાસને બેસી, જશો વિસારી
સ્હેજે તમે તો મૃત પુત્ર પંચ,
ડૂબી જશો રાજ્ય તણે પ્રપંચ,
હું માત્ર નારી, વળી તેય માતા,
મારા રુઝાશે ક્યમ ઘાવ તાતા ” દ્રૌપદી અર્જુન અને કૃષ્ણને તીણાં વાગ્બાણ મારે છે. કૃષ્ણને સૌભદ્રેયને ગાદી સોંપવાનો રસ હશે એવું મહેણુંયે મારે છે ને છતાં કૃષ્ણ જરાય અ-સ્વસ્થ થતા નથી. દ્રૌપદી ભીમનું શરણું લે છે અને દ્રૌણાયનિનો મસ્તકમણિ લાવી, વેરનો બદલો લેવા ને નહીંતર પોતાની જાતને મિટાવી દેવાનું કહે છે. મૂળ મહાભારતમાં દ્રૌપદી અનશનની વાત કરે છે. અહીં તો વેરનિર્યાતન વિના, આ જ રીતે પાંચાલોની પુત્રી નહિ હોય – એટલું સૂચન માત્ર કરવામાં આવ્યું છે. ભીમ દ્રૌપદીનો બોલ ઉપાડી લે છે, ને કૃષ્ણ ભીમને વારવા મથે છે. સૂત નગરમાંથી શોકગ્રસ્ત એકવસ્ત્રા રમણીઓને આવતી જુએ છે ને તેનું વર્ણન કરે છે. એ રમણીઓમાં કુંતી, ગાંધારી વગેરે છે. સૂત તેમનું મંદાક્રાન્તા છંદમાં સુંદર વર્ણન કરે છે  “અગ્રે કુંતી; સ્પૃશતી કરથી સ્કંધ, ગાંધારી આવે;
તેને સ્કંધે નૃપતિ કર દૈ અંધ દોરાય ભાવે.
સંધ્યાસ્કંધે રજનિ કર દૈ જેમ પામે પ્રચાર,
ને સ્કંધે દૈ કર રજનિને આવતો અંધકાર.” અહીં કવિએ અલંકારપ્રયોગમાં જે ઔચિત્ય દાખવ્યું છે તે સ્પષ્ટ છે. આવા પ્રકારનાં અલંકારસ્થાનો ‘પ્રાચીના’માં અનેક છે. ધૃતરાષ્ટ્ર આવતાં જ કૃષ્ણ ભીમને સ્થાને તેની લોહપ્રતિમા આલિંગનાર્થે સેરવી દે છે ને એ રીતે ધૃતરાષ્ટ્રના દૃઢ આલિંગનમાંથી ભીમ બચી જાય છે. કુંતી ગાંધારી જેવી જ્યેષ્ઠ માતાને પૂજવાનો પુત્રોને આદેશ દે છે. ગાંધારી સંભવત: સ્વલ્પ કટુતાથી ધર્મરાજને ‘ક્યાં તે રાજા જેની છું પ્રેષ્ય હું બની ’ એમ કહે છે. યુધિષ્ઠિર ક્ષમાપ્રાર્થીની રીતે વિનમ્રતાથી ગાંધારીને વંદના કરે છે. આ દૃશ્યનું વર્ણન સૂત કરે છે. એ કહે છે  “ગાંધારીના ચરણનખને રાજનેત્રો ભીંજાવે;
જોઈ, ચારે સુભટ નિજને કૃષ્ણ પૂંઠે છુપાવે.” – આ પંક્તિઓ જો આ દૃશ્યકાવ્ય રંગભૂમિ પર ખરેખર રજૂ થતું હોય તો જરૂરી ખરી  કવિ દૃશ્યકાવ્યના ખ્યાલથી આ સંવાદો લખે છે; પરંતુ રંગભૂમિની ક્ષમતા – ભૂમિકા અવારનવાર આ કાવ્ય લખતાં વિસારે પડી ગયાનો વહેમ થાય છે. રંગભૂમિ પર જો આ સંવાદો રજૂ કરવાના હોય તો કેટલીક પંક્તિઓ, નિરર્થક, કેટલીક પંક્તિઓ પ્રથમ શ્રવણે વજનદાર – અપારદર્શક લાગવા સંભવ છે. જેવા છે તેવા સ્વરૂપમાં આ પંક્તિઓ રંગભૂમિ પર ઉચ્ચારાતાં શ્રોતાને કેટલી સુગ્રાહ્ય થાય છે એ પ્રશ્ન છે ખરો  ને તેથી રંગભૂમિ પર સંવાદની રીતે રજૂ કરવા માટે પણ આ કાવ્યોમાં કેટલાક ‘એડિટિંગ’ની જરૂર રહે – રંગાવૃત્તિ એની જરૂરી બની રહે. ગાંધારીને યુધિષ્ઠિર પાદવંદના કરે છે ત્યારે કુંતીની નજર દ્રૌપદીના કંકણ પર પડે છે અને ગાંધારીની નજર પણ ત્યાં જઈ ઠરે છે. ગાંધારીનો રોષ ઓગળી જાય છે ને એમની દૃષ્ટિ વાત્સલ્યરસ વરસાવી રહે છે. ગાંધારી ક્ષમાભાવે યુધિષ્ઠિરને ઉઠાડી રહ્યુંસહ્યું ધર્મ વડે ઉગારવા કહે છે. કુંતા ગાંધારીના રોષમાંથી પુત્રો ઊગરી ગયાથી આનંદ પામે છે. દ્રૌપદી કુંતીને ‘ભૂલી ગયાં તે નિજ પાંચ જોઈ ’ એવું મહેણું મારે છે ને સૂચવે છે કે તમારા તો પાંચેય પુત્રો હેમખેમ રહ્યા, પુત્ર ગુમાવનાર તો અમે છીએ  પરંતુ દ્રૌપદીને ખબર નથી કે કુંતા પણ એની જેમ જ પુત્ર – કર્ણ ગુમાવનાર છે. કુંતી દ્રૌપદીને કહે છે  “ભૂલી નથી પુત્રી  લગાર હુંય
જાણું જણ્યો-જાય-નું દુ:ખ શુંય.” ગાંધારી પોતાની અવસ્થિતિનો નિર્દેશ કરતાં કહે છે  ‘રાજત્વનું ઊતર્યું આજ પાણી.’ ને આ મર્મવચન સાંભળતાં દ્રૌપદી ગાંધારીને વારે છે. દ્રૌપદી ગાંધારીએ પોતાને દ્યુતવેળાએ દાસત્વમાંથી છોડાવેલી તે યાદ કરે છે. તે ગાંધારી પાસે આશિષ માગે છે, તે કહે છે  “દેવે કરી છે પરિપૂર્ણ શિક્ષા.” ને પછી તેની અને ગાંધારી વચ્ચે જે સંવાદ થાય છે તે રંગભૂમિદૃષ્ટિએ પણ ખૂબ આકર્ષક ને ધારદાર છે. કવિની સંવાદપ્રભુતા – ભાષા-લયપ્રભુતાનું એક સુંદર ઉદાહરણ આ છે  દ્રૌપદી ગાંધારીને કહે છે  હું ઝંખતી’તી દિનરાત યુદ્ધ. ગાંધારી જવાબમાં કહે છે  હું વારતી’તી પતિપુત્ર ક્રુદ્ધ.
દ્રૌપદી  હું અર્ધસિંહાસન વાંછનારી.
ગાંધારી  ને ત્યાગવા અર્ધ હું ઝૂઝનારી.
દ્રૌપદી  સિંહાસને સ્વામી ભલે વિરાજે,
 ન પુત્ર એકેય ભવિષ્ય કાજે.
ગાંધારી  સિંહાસને સ્વામી ભલે વિરાજ્યા,
 ત્યાં પુત્ર મારા વિધિને ન છાજ્યા.
દ્રૌપદી  હા, પાંચ પુત્રે મુજ ખાલી કૂખ 
ગાંધારી  આ દુ:ખથી તો ભલી ઠાલી કૂખ 
દ્રૌપદી  મારી કૂખે લુપ્ત સત્પિતૃવંશ.
ગાંધારી  આ કૂખ સૂતો કલિનો જ અંશ 
 રે કૂખ ફાટી નવ હોત જો આ,
 તારાં સમાંને દુ:ખ હોત તો આ 
 હુંથી મહા આ કુલનો વિનાશ 
દ્રૌપદી  મારે લીધે  મેં કરી યુદ્ધઆશ.
 લૂંટાઈ અંતે  સુત પાંચ ક્યાંથી  આમ સંવાદ પટાબાજીની રીતે ચાલે છેS ને આ સંવાદની ખરી ખૂબી તો ગાંધારી ને દ્રૌપદી જ્યારે પરસ્પરને પોતાની ભૂલ, પરિસ્થિતિ ઇત્યાદિની વાત કરે છે ને એ રીતે એકરાર દ્વારા થોડી શાંતિયે કદાચ મેળવે છે, સહાનુભૂતિ – સમભાવ પણ પામે છે ત્યારે કુંતીને તો કર્ણ જેવો પુત્ર ગયો હોવા છતાં કેવળ મૌન જ ધારણ કરવાનું રહે છે એ પરિસ્થિતિ ઉપસાવવામાં રહેલી છે. ગાંધારી – દ્રૌપદીના અવાજ આડે કુંતીનું મૌન સાંભળવુંયે મુશ્કેલ નથી. ગાંધારી દ્રૌપદીને સહાનુભૂતિથી આશ્વાસન આપે છે. ભાઈને હાથે ભાઈ મર્યાનો ગાંધારી નિર્દેશ કરે છે ને ત્યારે ગાંધારીના સૂરમાં સૂર પુરાવતાં કુંતીયે કહે છે  “રે હા  શાને ભાઈ હાથે જ ભાઈ !” અહીં કર્ણનો અર્જુન દ્વારા – સહોદર ભાઈ દ્વારા થયેલો ઘાત અભિપ્રેત છે. કૌરવો તો પિતરાઈ ભાઈ દ્વારા મર્યા ને આ કર્ણ તો સહોદર દ્વારા જ  ને છતાંય કુંતીને તો ‘આડું વદન કરીને અશ્રુ છુપાવવાનાં’ રહે છે. કાવ્યનો આરંભ જે કાલરાત્રિના ઉલ્લેખથી થયેલો એ કાલરાત્રિના ઓળામાં જ કાવ્ય પૂરું થાય છે  યુદ્ધદાહનું એક તીવ્ર સંવેદન અહીં રજૂ થાય છે. ઉમાશંકરને યુદ્ધ ને શાંતિ, વેદના ને સ્નેહ જેવા વિષયોમાં રસ પડે છે, એ ખાસ નોંધવા જેવું છે. કવિ કોઈક રીતે માનવજીવનના વૈશ્વિક અનુભવબિન્દુઓ પર જઈને ઠરે છે. એ વિના કવિને ચેન પડતું નથી. યુદ્ધની કમાણી તે ખાલી મૂઠી, ખાલી કૂખ  દ્રૌપદીએ વેર લેવા જતાં, પોતાનું સુખચેન પણ ગુમાવ્યું છે. યુદ્ધની અસ્વાભાવિકતા ને સ્નેહની સ્વાભાવિકતા અહીં પ્રગટી આવે છે. સ્નેહનો સ્વલ્પ અંશ પણ ભીષણ પરિણામોમાંથી અનુષ્યને ઉગારી શકે. સ્નેહના એ સામર્થ્યનો અનુભવ ગાંધારી દ્વારા, ધર્મરાજ ને કુંતી દ્વારા થઈને રહે છે. આ કાવ્યમાં સૂતનો ઉપયોગ કલાપ્રયોગદૃષ્ટિએ મહત્ત્વનો છે. સૂતનો ઉપયોગ કરવામાં કવિની શક્તિ તેમ મર્યાદા બંનેય પ્રગટ થાય છે.S વળી કવિએ નકુલ, કૃષ્ણાદિ ગૌણ પાત્રોની યોગ્ય માવજત કરી જણાતી નથી. કાવ્યને હજુ દૃશ્યાત્મકતા – અભિનેયતાની દૃષ્ટિએ વધુ પુષ્ટ, વધુ સંકુલ ને વધુ એકાગ્ર બનાવી શકાયું હોત એમ લાગે છે. ‘કર્ણ-કૃષ્ણ’માં કવિએ કર્ણના પાત્ર દ્વારા એક નૂતન અર્થ રજૂ કર્યો. ‘૧૯મા દિવસનું પ્રભાત’માં એવા કોઈ અર્થ માટે અવકાશ ઓછો હતો એમ રામપ્રસાદ બક્ષી જે માને છે તે યોગ્ય છે. રામપ્રસાદ બક્ષી મહાભારતના સૌપ્તિક પર્વમાં અને તદન્તર્ગત ઐષિક પર્વમાંની કથાનો પૂરો વિનિયોગ ઉમાશંકરે કર્યો નથી એ પણ નોંધે છે. ભીમ દ્રૌપદીની વાણીથી પ્રેરાઈને અશ્વત્થામાને હણવા નીકળી પડે છે અને કૃષ્ણ એને રોકવાની સૂચના આપે છે – ત્યાં સુધીનું વસ્તુ અહીં રજૂ થયું છે. આ કાવ્યનો મોટો ભાગ કાલરાત્રિના સૂતે કરેલા વર્ણનમાં તેમ જ યુધિષ્ઠિરે કરેલા દર્શનમાં તથા કાઢેલા ઉદ્ગારોમાં રોકાઈ જાય છે એ વાત સાચી છે. તે પછી ગાંધારી-દ્રૌપદી-કુંતીનો સંવાદ આવે છે. ગાંધારી-દ્રૌપદીના સંવાદમાં કલામય યુક્તિનો અતિયોગ થયાની રામપ્રસાદ બક્ષી ટીકા કરે છે, પરંતુ સંભવ છે કે રંગભૂમિ પર આ સંવાદ રજૂ થાય તો એવો અતિયોગ ન લાગે. એમનું આ કાવ્ય અંગેનું બીજું નિરીક્ષણ – કુંતી વિશેનું મહત્ત્વનું છે. તેઓ લખે છે  ‘રે હા  શાને ભાઈ હાથે જ ભાઈ !’ – એ ઉક્તિમાં ઉમાશંકરે કુંતીની હૃદયવ્યથા ઉતારી છે – ઉતારવા પ્રયાસ કર્યો છે, પણ કોણ જાણે કેમ કુંતીની એ મૂક કરુણતા વાચકના હૃદયને આર્દ્ર કરે તેવી રીતે રજૂ થતી નથી.’ તેઓ બીજું પણ નોંધે છે  ‘દ્રૌપદીનાં મહેણાંઓની અસંસ્કારિતાથી તથા એની અને ગાંધારીની શોકમય મનોદશાને પણ વિસરાવી દેતી સંવાદ-વાવદૂકતાથી વાચક તો કચવાય છે. કાવ્યના આરંભમાં અને અંતમાં પણ કાલરાત્રિનો ઉલ્લેખ સૂતમુખે કરાવતી કલાકણિકા પણ સમગ્ર કાવ્યની ઊણપને ઓછી કરી શકતી નથી.’ (ગુજરાતી, ૨૪, ફેબ્રુ, ૧૯૫૨, પૃ. ૧૫૦) ડોલરરાય માંકડે રામપ્રસાદ બક્ષીની પૂર્વે ‘સાત પદ્યરૂપકો’ વિશેના લેખમાં દ્રૌપદીનાં ‘રે નૃપ, સાથ મારી... ક્યમ ધાવ તાતા ’ (પંક્તિઓ ૧૮૯–૯૪) – એ વચનો ટાંકી એવાં વચનોથી દ્રૌપદીના ચારિત્ર્યમાં અનુદારતા ને સંકુચિતતા આવી ગયાનું જણાવ્યું જ છે.૨૪૧ જોકે એનાં વચનોના અનૌચિત્ય માટેના ખાસ કારણ તરીકે ‘એને મળતાં વચનો મૂળ મહાભારત ગ્રંથમાં જ નથી’ – એ બતાવવું કેટલે અંશ વાજબી છે એ સવાલ થાય ખરો. વળી ગાંધારી ‘ક્યાં તે રાજા જેની છું પ્રેષ્ય હું બની ’ – એવું વચન યુધિષ્ઠિરને કહે અને ‘દાસી સમી હું અહીં આજ રાણી  રાજત્વનું ઊતર્યું આજ પાણી.’ એવું વચન દ્રૌપદીને કહે તેમાં ગાંધારીના ચારિત્ર્ય સાથે એ વચનો અસંગત હોવાનું ડોલરરાય માંકડનું નિરીક્ષણ સ્વીકારવા જેવું છે. વળી ડોલરરાય ‘પૂર્વે જેને અનિલ અડતાં’ જેવી પાત્રના પ્રવેશ-નિષ્ક્રમણ સાથે સંકળાયેલી સૂતની શ્લોકોક્તિઓમાં ધ્રુવાઓનું સ્વરૂપ પણ જુએ છે. ભૃગુરાય આ કાવ્ય વિશે લખતાં કહે છે  ‘અનેક પાત્રોને અને બૃહવિધ કાર્યને વર્ણવતું ‘ઓગણીસમા દિવસનું પ્રભાત’ સહુથી વધારે નિષ્ફળ અને કથાસ્વરૂપને વધારે અનુકૂળ લાગે છે. એ કાવ્યમાં સૂતનું પાત્ર અર્ધે આવીને માત્ર કાર્યનું વર્ણન કરનાર સાધન બની જાય છે. એ નાટ્યસ્વરૂપનો પરાજય કહેવાય.’૨૪૨ ભૃગુરાયનો આ અભિપ્રાય વજૂદવાળો છે. આ કાવ્યમાં ‘ભીષણ-ભયાનક-બીભત્સને ઉપસાવતી શબ્દરચના કવિએ યોજી છે.’ – હસિત બૂચની વાત ખરી છે; પરંતુ એ સાથે એ પણ યાદ રાખવાનું છે કે મૂળ કાવ્યમાં ભીષણતા ઘણી વધારે છે. વળી તેઓ ‘કર્ણ-કૃષ્ણ’નો કરુણ ઓજસવંતો છે, જ્યારે અહીંનો કરુણ એકાગ્ર-સઘનરંગી છે. એમ પણ જણાવે છે. તેમને ‘એકાગ્ર-સઘનરંગી’ કરુણથી શું અભિપ્રેત છે તે સમજવું પડે. તેઓ આ ‘પદ્યસંવાદ’માં વર્ણનકલાનું આકર્ષણ જુએ છે, પણ એ તો શુદ્ધ કવિતાદૃષ્ટિએ વિચારનારને જ ખાસ તો ઉલ્લેખનીય લાગવાનું  આમ ‘૧૯મા દિવસનું પ્રભાત’માં ભીષણ યુદ્ધે કેવળ કૌરવોને જ નહિ પાંડવોને પણ ભારે હાણ કરી છે. નિર્દોષ દ્રૌપદેયોના અકાળ મોતને વિશે શું કહેવું  માતૃત્વની કોમળ લાગણીઓનું શું  ભાઈ સામે ભાઈ આવીને મુકાઈ જાય એ પરિસ્થિતિ પણ કેવી  ઉમાશંકરે આ કાવ્યક્ષણ પસંદ કરતાં ખાસ તો કુંતાની તીવ્ર મનોવેદના – જે સંવાદમાંયે પ્રગટ થઈ શકી નથી અને તેથી જ વધુ ઉત્કટતાથી અનુભવાય છે  – ને ગાંધારી-દ્રૌપીદના સંવાદે ધ્વનિત કરવા ચાહ્યું હોય એમ જણાય છે. આ કાવ્યમાં કવિએ જે કંઈ રસબિન્દુઓ છે તેનો સમુચિત વિકાસ કર્યો જણાતો નથી. કાવ્યમાં વર્ણનરસ – કથનરસ, સંવાદ-માધ્યમ છતાં, ઠીક ઠીક મહત્ત્વ પામ્યો જણાય છે. આ બધાંના ફલસ્વરૂપે આ કાવ્ય નથી સારો સંવાદ થતું કે નથી સુશ્લિષ્ટ-સુરેખ સુઘટિત કાવ્ય પણ થતું. આ કાવ્યમાં કવિએ મહંદશે ઉપજાતિનો જ વિનિયોગ કર્યો છે એમ છતાં સૂતની ઉક્તિઓમાં વર્ણનભાગ આવે છે ત્યાં વસંતતિલકા, મંદાક્રાન્તા વાપર્યો છે. આરંભે કાલરાત્રિનું સૂચન વસંતતિલકામાં આવે છે. છેલ્લી કાલરાત્રિનો નિર્દેશ મંદાક્રાન્તામાં છે. સૂતને કરુણતાભર્યા વાતાવરણમાં વર્ણન માટે મંદાક્રાન્તા વધુ ઇષ્ટ જણાયો લાગે છે. કાવ્યમાં અશ્વત્થામાની રુદ્રતા, કાલરાત્રિની ભીષણતા બતાવવા સમુચિત અલંકાર-પદાવલિનો વિનિયોગ થયો છે. તેમાંય જોકે મૂળની પ્રેરણા પણ કવિને યત્કિંચિત્ ઉપકારક થઈ હશે. એકંદરે સૂક્ષ્મદૃષ્ટિ સર્જક-વિવેચક ઉમાશંકર પોતે પણ કદાચ આ કાવ્યને શિથિલ ગણે એવું એ લાગે છે  ૩. ગાંધારી મહાભારતના વસ્તુ પર આધારિત ‘પ્રાચીના’માંનું આ ત્રીજું કાવ્ય છે. સમયાનુક્રમે તો ‘કર્ણ-કૃષ્ણ’, ‘બાલરાહુલ’, ‘૧૯મા દિવસનું પ્રભાત’ અને ત્યાર પછી ‘ગાંધારી’ લખાયું છે. ‘૧૯મા દિવસનું પ્રભાત’ તેમણે ૧૯૪૨માં ૯થી ૧૪ સપ્ટેમ્બર સુધીમાં લખીને પછી તુરત ૧૮ સપ્ટેમ્બરના અરસામાં ‘ગાંધારી’નું લેખન પણ હાથ પર લીધું જણાય છે. બંને કાવ્યો વસ્તુદૃષ્ટિએ ઘણું નૈકટ્ય ધરાવે છે. બંને કાવ્યોમાં ગાંધારીની ઉપસ્થિતિ મહત્ત્વની છે. ‘૧૯મા દિવસના પ્રભાત’માં કૃષ્ણ ભીમને ધૃતરાષ્ટ્રના બાહુમાં કચડાઈ જતો બચાવી લે છે. ‘ગાંધારી’માં તો કૃષ્ણ ગાંધારીનો શાપ પાંડવોને બદલે પોતાનો જ વિનાશ કરે એવી યુક્તિ રચે છે અને એ રીતે પાંડવોને બચાવી લે છે. બંને કાવ્યોમાં મહાભારતના યુદ્ધ પછીનો ઘટના-સમય પસંદ કરવામાં આવ્યો છે. બંનેમાં યુદ્ધનાં હૃદયભેદક પરિણામોનો કારુણ્યસભર ચિતાર જોવા મળે છે. ‘ગાંધારી’નું વસ્તુ મહાભારતના સ્ત્રીપર્વમાંના ૧૬થી ૨૫ અધ્યાય સુધીમાં આવતી ઘટનાઓ પર આધારિત છે. ગાંધારી અંધ રાજા ધૃતરાષ્ટ્રને પરણ્યા પછી આંખે પાટા રાખતાં હતાં. એ ગાંધારીને કૃષ્ણે દિવ્ય દૃષ્ટિ આપી. એ દિવ્ય દૃષ્ટિને બળે જ કાવ્યારંભે આંખે પાટા બાંધનાર ગાંધારી પ્રકાશથી પોતાની ઉક્તિ આરંભે છે  ગાંધારી પોતાને દિવ્ય દૃષ્ટિ મળ્યાની ધન્યતા વ્યક્ત કરે છે ત્યારે કૃષ્ણ સત્યયુગના અસ્તની એ અંતિમ પ્રભા હોવાનું કહે છે. કૃષ્ણનું આ વચન કલિના આરંભનો નિર્દેશ તો કરે છે – કદાચ પરોક્ષ રીતે પોતાની – સત્યયુગની લીલા-સમાપ્તિનું સૂચન કરી, કાવ્યના અંતે આવનાર શાપનો પણ ગૂઢ રીતે અણસાર આપે છે. ગાંધારી પોતાના અપૂર્વ દર્શનની વાત કરે છે અને કૃષ્ણ એવા અપૂર્વ દર્શન પાછળ સતીત્વનું પુણ્ય કામ કરી ગયું છે એમ કહી સત્યપૂત અને તેથી આકર્ષક વિનમ્રતા દાખવે છે. આમ ગાંધારી-કૃષ્ણ વચ્ચે દિવ્ય દૃષ્ટિ વિશે વાત ચાલે છે એ દરમિયાન જ નેપથ્યમાંથી જે સ્ત્રીઓ પોતપોતાના પતિઓના શબ આગળ ક્રંદન કરતી હોય છે તેમના અવાજો આવે છે. ગાંધારી એ ક્રંદનમગ્ન સ્ત્રીગણને જોવા આતુર છે, દિવ્ય ચક્ષુથી યુદ્ધાંગણપારની દ્યુતિ જ માત્ર નહિ, યુદ્ધાંગણ પરની દૃશ્યાવલિ પણ નીરખવી છે. દરમિયાન યુદ્ધની ભીષણતા – બીભત્સતા દાખવતી વિધવા નારીઓની વિલાપોક્તિઓ કાને પડતી રહે છે  ગાંધારી કૃષ્ણને કહે છે  ‘રે કૃષ્ણ, આ કેમ જ જોયું જાય ’ તે પછી કહે છે  ‘આ હું કયાં પાપની પામી શિક્ષા,
ને દૃષ્ટિની ઉપરથીય ભિક્ષા ’ કૃષ્ણ ગાંધારીની વાતનો મર્મ પામી કહે છે  ‘દેનાર તો દે નયનો જ માત્ર,
શું દેખવું તે કથવા ન પાત્ર.’ આ દરમિયાન મૂળ મહાભારતના ક્રમાનુસાર ગાંધારી પ્રથમ દુર્યોધનના શબ પાસે આવે છે. દુર્યોધનની પત્ની ભાનુમતીને વિલાપ કરતી જુએ છે. ગાંધારી આ દૃશ્ય જોઈ મૂર્છા પામે છે, ત્યારે કૃષ્ણ આખાબોલાપણું દાખવતાં કહે છે  ‘મૂર્છા ખાશો કેટલી વાર વ્યગ્ર 
છે વીર દુર્યોધનવત્ સમગ્ર.’ મૂર્છા પામતાં ગાંધારીને આશ્વાસવાની કૃષ્ણની આ રીત પણ કેવી  દરમિયાન ભાનુમતીનો કરુણોચિત રથોદ્ધતા વૃત્તમાં વિલાપ તો ચાલે જ છે. ‘કૌરવસભાના દ્યૂતમાં જો દ્રૌપદીને દાસ્ય મળ્યું હતું તો યુદ્ધદ્યૂતમાં આજે મને દાસ્ય મળ્યું છે’ એમ ભાનુમતી કહે છે. જોકે ભાનુમતીની આ ઉક્તિમાં તથ્યનો અભાવ તો છે જ. ભાનુમતીના વિલાપે વિચલિત ગાંધારી કૃષ્ણને નિવેદિત કરે છે કે ‘હાર્યા અમે કૃષ્ણ, અધર્મ પાસે.’ ત્યારે કદાચ ભીમે યુદ્ધનિષિદ્ધ ઊરુઘાતથી દુર્યોધનને હણ્યો તેનો નિર્દેશ છે, પરંતુ વિશાળ પરિપ્રેક્ષ્યમાં તો ધર્મની જ જીત થઈ છે. અને તેથી જ કૃષ્ણ ગાંધારીને ‘જ્યાં ધર્મ હો ત્યાં જય’ – એવા દુર્યોધનને દીધેલા આશીર્વચનની યાદ આપે છે. ગાંધારી ત્યારે પાંડવપક્ષે જે બર્બરતા ભીમના દુ:શાસનરુધિરપાનમાં દેખાઈ તેના જય વિશેની ન્યાયસંગતતા સમજવા માગે છે. કૃષ્ણ ગાંધારીને કૌરવસભામાં દ્રૌપદીની બાબતમાં થયેલ ઘોર અપમાનકર્મોની યાદ આપે છે. ગાંધારી ત્યારે એ ધર્મચ્યુતિ પાછળનાં કારણોનું ઇંગિત અંગરાજનો નિર્દેશ કરી આગળ કરે છે ને ત્યારે કૃષ્ણ કહે છે કે એવાં કારણ હોય તોય વીર તો એવી કારણજાળ કાપીને રહે છે. વીરત્વ અધર્મ સાથે અધર્મ કરવામાં નહિ, પણ ધર્મ કરવામાં છે એ પણ અહીં સૂચિત છે.S આ વખતે ગાંધારી કુંતીને સંબોધી આગળ જવા કહે છે. ત્યાં રાધાને કર્ણ માટે વિલાપ કરતી જુએ છે. રાધા કર્ણના જીવનની કરુણતા ઉપસાવતાં વિલાપવચનોમાં જણાવે છે  “અલ્પ હું, જનનીકોડ કો પૂરે 
નીક પૌરુષની વ્હૈ જ ઊષરે.
તું વર્યો જ કૃતવિદ્ય શાપને,
કર્ણ, દીધ જગતે કશું તને ” રાધા જ્યારે પુત્ર પાછળ અત્યંત આક્રંદ કરે છે ત્યારે ગાંધારી કુંતીને કહે છે  “શી સૂત તે પુત્ર પછાડી રુએ 
ક્ષત્રાણી કો, કુંતી, તું આવી જુએ ” અહીં એક પ્રકારની નાટ્યવક્રોક્તિ સિદ્ધ થતી જોઈ શકાય છે. કુંતી કર્ણની સાચી મા છતાં મોકળે મને રડી શકતી નથી, જ્યારે રાધા સાચી મા નહિ હોવા છતાં પણ કર્ણ પાછળ મોકળે મને રડે છે. કદાચ આ જ કારણે કુંતીને ઠેસ વાગવા જેવું થાય છે અને આ ક્ષણ વિચક્ષણ કૃષ્ણના ધ્યાન બહાર જતી નથી. કૃષ્ણ તુરત જ કુંતીને ટકોર કરે છે  “કુંતી જશો જો લથડી જ ઠેશે,
તો રાણી આલંબન કોનું લેશે ” અને કૃષ્ણ આમ કહે છે તે દરમિયાન જ ગાંધારી શોકાઘાતે ફરીથી મૂર્છા પામે છે, ને કૃષ્ણ તેનો નિર્દેશ કરે છે. આ ક્ષણ વિશે જયંતિ દલાલે કરેલી ટકોર ખૂબ જ મહત્ત્વની છે. તેઓ લખે છે  “કુન્તીના વિલાપને સાવ અવ્યક્ત રહેવા દીધું એ કલાનું શિખર હોઈ શકે, પણ કૃષ્ણ કે ગાંધારી, કૃષ્ણ સંપ્રજ્ઞાતપણે અને ગાંધારી અસંપ્રજ્ઞાતપણે કુંતીની હૈયાઝાળને આટલી જ પ્રગટ કરે તે પૂરતું નથી લાગતું – કૃતિના નાટકત્વના હેતુ પૂરતું, કાવ્યની મર્યાદા બાંધતાં નાટકને એનાથી અળગું પાડવામાં આવ્યું છે એટલું જ અહીં કહેવાનું છે. કાવ્યની વ્યંજના અને નાટકની વ્યંજનામાં જે ભેદ છે એ અહીં પ્રગટ થાય છે.” (કવિનો શબ્દ, પૃ. ૧૪૯) જયંતિ દલાલની વાત સાચી છે. કવિને ગાંધારી, દ્રૌપદી આદિ પાત્રો કરતાંયે કુંતીના જીવનની જે કરુણિકા (ટ્રૅજેડી) છે તેમાં ઊંડો રસ જણાય છે, એ પાત્રની સહેવાય નહિ છતાં કહેવાયે નહિ એવી વેદનાનું સમુચિત ગૌરવ કરવાનું કવિને સતત ગમતું લાગે છે ને છતાં એમ કહી શકાય કે કુંતીની વેદનાની અભિવ્યક્તિ નાટ્યદૃષ્ટિએ થવી જોઈએ એટલી સઘનતાથી થઈ શકી નથી. જયંતિ દલાલ કહે છે તેમ, ગાંધારીએ અન્યમનસ્ક કુંતીના વાંકે જે અડબડિયું ખાધું તેનો પણ સારો એવો નાટ્યોચિત ઉપયોગ થઈ શક્યો હોત.૨૪૩ રાધા વિલાપ કરતાં યુદ્ધમાં ધર્મના પક્ષે પણ વિજય માટે અધર્મનો જે આશ્રય લીધો તેનું સૂચન કરે છે અને ગાંધારી પણ કૃષ્ણને આ હકીકત કટાક્ષપૂર્વક કહે છે  ‘યુદ્ધો લડે ક્ષત્રિય ભારતે હવે નવીન ’ કૃષ્ણ તો આ સમગ્ર ઘટનાના મૂળનો નિર્દેશ કરી ધર્મઅધર્મવાદની અસ્થાનતા સૂચવે છે. ગાંધારીનું આ પછી કોમળ બાલિકાવધૂ ઉત્તરા તરફ ધ્યાન જાય છે. ઉત્તરા અભિમન્યુના શબ આગળ વિલાપ કરતી હોય છે. તે કારુણ્યસભર શ્લોકો ઉચ્ચારતી, શ્લોકે શ્લોકે ‘ઉત્તરા પ્રતિ ન દૈશ ઉત્તર ’ એમ પૂછે છે. મૂળમાં તો `किं मां न प्रतिभाषसे?' એટલું જ છે, પણ ઉમાશંકરે એ ઉક્તિને અહીં ઘનીભૂત કરી વધુ સચોટ બનાવી છે. ગાંધારી ઉત્તરાના આક્રંદથી હચમચી જાય છે ને કૃષ્ણને “ના’વી તમોને શિશુઓનીયે દયા ” – એમ ઉપાલંભ દે છે. કૃષ્ણ તો એમની સ્વસ્થતા જારી રાખે છે. આ પછી સોમદતપુત્ર ભૂરિશ્રવાની પત્નીનું આક્રંદ ગાંધારી સાંભળે છે. ભૂરિશ્રવાની પત્ની કહે છે  “સૂક્ષ્મ ગૂઢ સહુ મર્મ સ્પર્શતો,
અંગઅંગ રસઓઘ વર્ષતો,
ઘેનની ઘૂમરીઓ સ્ફુરાવતો,
આ જ હસ્ત પિયુનો હતો – હતો ” ઉમાશંકરે મૂળમાં સંભોગશૃંગારની છાંટવાળો જે અર્થસંદર્ભે હતો તે અહીં બદલી કાઢ્યો છે. મૂળમાં આ સંદર્ભ આવો છે  अयं स रशनोत्कर्षी पीनस्तनविमर्दनः ।
नाभ्यरूजघनस्पर्श नीवीविस्रंसनः करः ।। ૧૭ ।। ઉમાશંકરે આ રીતે મૂળમાં જે સ્થૂલતા છે તે ઉચિત રીતે ગાળી નાખી, આ શ્લોકમાં વધુ ચારુતા આણી છે, પરંતુ આવું કરી શકતા ઉમાશંકરે મહાભારત યુદ્ધના અગ્રણી પ્રવીરો – શલ્યાદિ-નાં શબ કાગ-ગીધાદિથી પીંખાય તેવા સંદર્ભોને કેમ અહીં રહેવા દીધા એ પ્રશ્ન છે. યુદ્ધની બીભત્સતા જરૂર ઊપસી આવે છે, પરંતુ આવા ગણનાપાત્ર મહારથીઓનાં શબની પણ કાળજી ન લેવાય એ વાત સ્વીકારવી મુશ્કેલ તો જરૂર લાગે છે. જીવતા હતા ત્યારે જે મહારથીઓનો સૂર્ય જેવો પ્રભાવ હતો તેમની હવે યુદ્ધાંતે કેવી નિર્માલ્ય સ્થિતિ છે  ગાંધારી માટે દ્રોણ, ગાંગેયાદિનો આવો દશા-વિપર્યય જીરવવો સહેલો નથી. ‘ગાંગેય તો રાખ વળ્યા સ્ફુલ્લિંગ જેવા હવે ટક્યા છે ’ કૃષ્ણ આ મૃતવીરસંઘની વિદાય પછી એમની ઘણી આશિષો લેવાની પણ અપેક્ષા રાખે છે. ગાંધારી શકુનિ-શલ્યાદિનાં શબોની દુર્દશા નિહાળે છે. ગાંધારીને તો ‘જાણે ધરિત્રી હીબકાં ભરતી’ હોય એવું લાગે છે. રાજ્યાર્થી બનેલા ધર્મરુચિ યુધિષ્ઠિરનેય આ માતાવધૂપુત્રીગણોની સંભવિત દુર્દશાનો આગમચ વિચાર ન આવ્યો  તે કૃષ્ણનેય પૂછે છે કે ભૂતાનુકંપા-ઝરણું જેના હૃદયમાં હંમેશાં ઝમે છે તેવા તમે પણ આ કેમ થવા દીધું  ગાંધારી દિવ્યચક્ષુ છતાં કૃષ્ણલીલાનો પૂરો તાગ લઈ શકતાં નથી. કૃષ્ણ તો કહે છે કે આ ભીષણ યુદ્ધ ન થાય એ માટે મેં ઘણા પ્રયત્નો કર્યા પણ હું સફળ ન થયો. ત્યારે ગાંધારી કૃષ્ણના સામર્થ્યને કંઈક જાણતી હોઈ કહે છે કે તમે ધાર્યું હોત તો આ યુદ્ધની ઘોર પલ પણ નિવારી શક્યા હોત ને એ જ વાત કૃષ્ણ ગાંધારીને પણ કરે છે. વિષ્ટિને દિવસે કર્ણસહિત પોતાના પુત્રોને જો બાંધી લીધા હોત તો યુદ્ધ નિવારી શકાત એવી દલીલ ગાંધારી કૃષ્ણ આગળ કરે છે ત્યારે કૃષ્ણ ત્યાં વિષ્ટિપરંપરાનો પ્રશ્ન રજૂ કરે છે. તે પછી સુ-ધર્મને નામે આ દારુણ પ્રણાશ કેવી રીતે જોઈ શક્યા એવો પ્રશ્ન ગાંધારી કરે છે. તેના જવાબમાં કૃષ્ણ કહે છે  “સૌ કોઈ વાતો કરતું જ ધર્મની,
વિશુદ્ધિ દેખે નિજ માત્ર કર્મની.
હું માનતો છે જન એક ભારતે,
જે કૃષ્ણને કૈં સમજી શકેય તે.” પરંતુ એવી આશા જે એક જન – ગાંધારી બાબત હતી તેય જાણે આજ નિરાશ્રય બની રહી  કૃષ્ણ ગાંધારીને કહે છે  “તમે હતાં ધન્ય, ન જોવું કોઈ,
પતિવ્રતાપુણ્ય વધ્યે જ જાય,
જોવાનું મારે હતું છાતી સામે,
ને હાથનું ચક્ર ન લેવું કામે ” ગાંધારીને મળેલી દિવ્ય નજર યુદ્ધનાં દારુણ પરિણામોને જ માત્ર જોઈ શકે છે, પણ તે કૃષ્ણના અંતરમાં રહેલા ધર્મરહસ્યને જોવામાં જાણે નિષ્ફળ ગઈ છે  આ દિવ્યદૃષ્ટિયે કેવી  ગાંધારી જેવી સતી-સાધ્વી નારીનીયે ધર્મપૂત સ્વસ્થતા ક્ષણાર્ધ ચળી જાય છે ને આવેશમાં – વિલાપ-ક્રંદનના દારુણ વાતાવરણમાં તેમનાથી કહેવાઈ જાય છે  “તમે પરંતુ સહુ સ્પષ્ટ દેખતા,
છતાં રહ્યા ક્રંદન આ ઉવેખતા,
થવા દીધો ઉપર ર્હૈ જ ધ્વંસ,
તો નાશ પામે ત્યમ વૃષ્ણિવંશ,
જગે રહો યાદવનો ન અંશ 
અને તમેયે અણજાણ માનવી
હાથે અજાણ્યા સમ આ જગાટવી
મહીં મહાનિર્જનમાં શમી રહો
એકાકી દૂર ” કૃષ્ણ અવિચલ ધૈર્ય ને સ્વસ્થતાથી, સમુદારતાથી આ શાપવાણીનો સ્વીકાર કરતાં કહે છે  “બસ એ જ ને  અહો 
દયા સતીની  મુજ દોષ તો મહા,
શિક્ષા મળી અલ્પ થકીય અલ્પ હા ” ગાંધારીને આ પછી એકદમ પોતાનાથી અઘટિત થયાની લાગણી થાય છે ને તેથી વેદના પણ થાય છે. મૂળમાં ગાંધારીના આવા પ્રતિભાવનું આલેખન નથી. કવિએ અહીં ગાંધારીએ કૃષ્ણને ચાહીને શાપ દીધો એમ નથી, અનિચ્છાએ શાપ દેવાઈ ગયો એવું આલેખન કરીને ગાંધારીના પાત્રને ઉદાત્ત બનાવ્યું છે. વળી કૃષ્ણ પર ગાંધારીનો શાપ ઊતરવાથી કાવ્યન્યાય (‘પોએટિક જસ્ટીસ’) પણ સિદ્ધ થતો બતાવ્યો છે. મહાભારતના એક ટીકાકાર નીલકંઠે આ શાપપ્રસંગ સંદર્ભે એક સુંદર શ્લોક ઉતાર્યો છે  अनिरस्त परध्वंसो याति शक्तमुपेक्षकम् ।
कुलध्वंसप्रसूतार्तिर्गांधार्या इव केशवम् ।। મતલબ કે પુરુષ પોતે શક્તિમાન હોવા છતાં બીજાઓના નાશને અટકાવતો નથી પણ ઊલટો તેની ઉપેક્ષા કરે છે, તે પુરુષના પર બીજાઓના નાશના જેવું જ મહાન દુ:ખ આવી પડે છે. અર્થાત્, પોતે જેવા નાશની ઉપેક્ષા કરી હોય તેવો જ પોતાનો તથા પોતાના કુટુંબ આદિનો નાશ તેને ઉપસ્થિત થાય છે. દાખલા તરીકે, કૌરવ-પાંડવોના નાશની ઉપેક્ષા કરનાર શ્રીકૃષ્ણ ગાંધારીના સ્વકુલનાશે ઉત્પન્ન થયેલા દુ:ખના કારણ હતા. કૃષ્ણની સૂક્ષ્મ ધર્મબુદ્ધિ પોતાના પર શાપ ઉતારવામાં પ્રગટ થાય છે. કૃષ્ણ તો ગાંધારીના શાપને મોંઘું વરદાન માને છે. ગાંધારીયે બીજા અર્થમાં કૃષ્ણની વાતમાં સૂર પુરાવતાં કહે છે કે જે થયું તે સારું થયું, નહીંતર મારા શાપથી પાંચ કુમળા કુલાંકુરો (પાંડવો) ભસ્મસાત્ થાત. ગાંધારી આ રીતે શાપવાણીને પોતાના તરફ પ્રેરવામાં પણ કૃષ્ણની જ લીલા સમજે છે. કૃષ્ણે ક્રમશ: ગાંધારીનો શોક સંકોરીને છેવટે તેના શાપોદ્ગારની વીજળી પોતાના પર પડે એવું કરીને વિરમ્યા. ગાંધારી તેથી જ કહે છે કે શાપની વીજ સુભાગ્યે દુમોને બદલે પર્વતશૃંગ પર જ પડી. કૃષ્ણની જ તાકાત હતી ગાંધારી જેવી તપસ્વિનીના શાપને ઝીલવાની. આરંભથી જે મેઘ ઘેરાયો હતો તે શાપની વીજળી પછી વીખરાયો. ગાંધારીની દૃષ્ટિ હવે જ ખરું દિવ્ય દર્શન કરી શકે છે. સંહાર અને સર્જનનીયે પાર રહેલી તટસ્થ પ્રકાશધારાને હવે તે પામી શકે છે. સંહારના ભીષણ – બીભત્સ દર્શન પછી, ક્લિષ્ટ શાપવચનના વમન પછી જ ગાંધારીમાં નવી દૃષ્ટિનો – સાચી દૃષ્ટિ – દિવ્ય દૃષ્ટિનો ઉદય થાય છે. કૃષ્ણે જે દિવ્ય ચક્ષુ આપ્યાં તે આ વિશિષ્ટ અર્થમાં જ સમજવાં જોઈએ. કૃષ્ણનું દિવ્ય દૃષ્ટિદાન તો ગાંધારી જ્યારે કહે છે કે ‘હવે જ ખૂલ્યાં ગણું દિવ્ય લોચન.’ ત્યારે જ પૂર્ણ થાય છે ને કૃષ્ણ પણ ગાંધારીની આવી દિવ્ય દર્શનની ઉપલબ્ધિમાં – એના દિવ્ય તેજના સાક્ષાત્કારમાં પોતાના શાપનું વિમોચન નિહાળે છે. ગાંધારી કૃષ્ણની મદદથી કાવ્યને અંતે આ સમગ્ર સંહારલીલાને અવલોકવાનો એક નૂતન પરિપ્રેક્ષ્ય મેળવીને રહે છે. આ સમગ્ર કાવ્યમાં કૃષ્ણ એક ચતુર આલાપક તરીકે પ્રગટ થાય છે. દેખીતી અધર્મની છાયાઓ વચ્ચે નિગૂઢ રહેલા ધર્મ-સત્યનું દર્શન એ જ કવિનો તો ખરો ઉપક્રમ છે. તે ક્રમશ: તેઓ સિદ્ધ કરે છે. ભાનુમતી, રાધા, ઉત્તરા આદિના વિલાપોથી તેઓ વાતાવરણને ગાંધારીના શાપોદ્ગારનું ઉદ્દીપક બનાવે છે. કૃષ્ણ સમસ્ત પ્રણાશને તાટસ્થ્યથી અવલોકે છે, ગાંધારી એવું તાટસ્થ જાળવી શકતી નથી. ગાંધારી ક્રમશ: વધુ ને વધુ લાગણીમાં લપેટાતી છેવટે શાપ આપવાની ભૂમિકાએ પહોંચે છે ને આ પણ જાણે કૃષ્ણની જ પ્રેરણાથી થઈ રહ્યું હોય એવી સતત લાગણીયે કવિ કરાવતા રહે છે. છેવટે શાપવાણીની આગળ કાવ્યની ચરમસીમા આવે છે ને તે બિન્દુએ પહોંચ્યા પછી સમગ્ર કાવ્યનો ધર્મપ્રેરિત ઉદાત્ત અર્થ સમજવાની ગાંધારીએ મેળવેલી અવલોકનભૂમિ પ્રાપ્ત થાય છે. આ ‘ગાંધારી’ કાવ્ય વિશે ગુજરાતી વિવેચનામાં સામસામા છેડાના અભિપ્રાયો ઉચ્ચારાયા છે. નિરંજન ભગત ‘મારો પ્રિય વિદ્યમાન લેખક’ નામના લેખમાં ‘ગાંધારી’ને ‘સંગ્રહની શ્રેષ્ઠ કૃતિ’ લેખે છે. તેમણે ગાંધારીના પાત્રમાં નાટ્યોચિતતા (‘ડ્રામેટિકલી મોટિવેટેડ’), નાટ્યાત્મક પરિવર્તન (‘ડ્રામેટિક કન્વર્ઝન’) દેખાય છે. તેઓ ગાંધારીની બાબતમાં નોંધે છે કે, ‘આરંભ અને અંતની ગાંધારી એકની એક હોવા છતાં જાણે ભિન્ન વ્યક્તિઓ હોય એવો ભેદ સ્પષ્ટ છે.’૨૪૪ સામી બાજુએ ભૃગુરાય અંજારિયાને ‘ગાંધારી’ નિર્બળ કૃતિ લાગી હોય એમ જણાય છે. તેઓ લખે છે  “સંગ્રહનાં બીજાં કાવ્યો જોઈએ તો ‘ગાંધારી’માં પણ પાત્રો બે જ છે. પણ એના મોટા ભાગમાં સંવાદની ચોટ આવી નથી. એના અંતભાગમાં ગાંધારી કૃષ્ણને શાપ આપે છે એ ગંભીર પ્રસંગનું ગંભીરભાવે નિરૂપણ કરવામાં કવિને સફળતા મળી નથી. ગાંધારીના શબ્દોમાં શાપનો અભિનય કે બળ નથી. કૃષ્ણનો પ્રત્યાઘાત પણ ઉપરછલ્લો લાગે છે. અને તે પછી તરત જ કૃષ્ણની યુક્તિનો મર્મ ગાંધારીના મુખમાં નિર્બળતાથી મુકાયો છે.” (શ્રી ફા. ગુ. સ. ત્રૈ., ઑક્ટો.–ડિસે., ૧૯૬૬, પૃ. ૧૮૩) આવા બે છેડાના અભિપ્રાયોનો અર્થ જ કે આ કૃતિની પાસે મનમાં કોઈ ને કોઈ આગ્રહ-અભિગ્રહ કે અપેક્ષા લઈને વિવેચક ઉપસ્થિત થાય છે ને સ્વકીય રુચિના સંદર્ભે જે તે લાગે તે રજૂ કરવા પ્રેરાય છે. વિવેચનમાં આવું તો બને, પણ એમાં સરેરાશ જે વસ્તુલક્ષી ધોરણ ટકવું જોઈએ એ કેટલું ટકે છે એ પ્રશ્ન રહે છે. ઉમાશંકરે એટલે જ કદાચ ‘કવિનો શબ્દ’ માટેની એમની મુલાકાત–પ્રશ્નોત્તરીમાં જે દર્શાવ્યું છે કે ‘દરેક કૃતિ આગળ પદ્યનાટકની પોતાની કલ્પના લઈ આવીને તે પ્રમાણે એ કૃતિમાં પદ્યનાટક સિદ્ધ થયું છે કે નહિ તે તપાસવા જવું એ કંઈક બીજે રસ્તે ચઢી જવા જેવું ગણાય’ – તે સાચું લાગે છે. ડોલરરાયે શકુનિના શબની આંખોને શકરો ટોચે ઇત્યાદિ જે વીગતો છે તેની અસંગતિ બતાવી લખ્યું છે  ‘મને તો લાગે છે કોઈ અત્યુત્સાહી લેખકે મહાભારતમાં આ વીગતો ઉમેરી દીધી છે અને એનું અ-વિવેકી અનુકરણ આપણા કવિથી અહીં થઈ ગયું છે.’૨૪૫ ડોલરરાયનો આ અભિપ્રાય સ્વીકાર્યે જ છૂટકો છે. આ કાવ્યમાં ઉમાશંકરે કાવ્યન્યાયનું રહસ્ય જે જોયું છે તેને ડોલરરાય ‘યોગ્ય’ સમજે છે. વળી ડોલરરાયને આખુંયે કાવ્ય સંવાદવૈચિત્ર્ય અને સંવાદવૈવિધ્યને લીધે તેમ જ ઊર્મિ, કલ્પના અને વિચારના સુભગ મિશ્રણને લીધે ખૂબ આસ્વાદ્ય બન્યું છે એમ જણાયું છે. આમાં રૂપકનું તત્ત્વ વધુ ભળ્યું હોવાનું તેઓ નોંધે છે.૨૪૬ રામપ્રસાદ બક્ષીએ મહાભારતમાં ગાંધારીને દિવ્યદર્શિત્વ આપનારા વ્યાસ હતા, કૃષ્ણ નહીં એ વીગત તરફ ધ્યાન દોર્યું છે. અહીં કવિએ વ્યાસને બદલે કૃષ્ણને એ દિવ્યદર્શિત્વના પ્રદાતા તરીકે નિર્દેશી કાવ્યમાં ઘટાવવા ધારેલ, કાવ્યપ્રસ્તાવનામાં ઉલ્લેખેલ ‘ભાવનાવર્તુલ’ને મદદ કરી છે. જોકે શ્રી બક્ષી તો એમ ટીકા કરે છે કે પ્રવેશકમાં ઉલ્લેખેલું એ ભાવના-વર્તુલ સ્પષ્ટ અને પૂર્ણ રૂપે તદ્રૂપ બનતું નથી. એમાં એક કારણ વિલાપોની યુક્તિની એકતાનતાય છે. જોકે કવિએ વિલાપોમાંય આમ તો દુર્યોધનપત્ની ભાનુમતી, કર્ણની પાલક માતા રાધા તથા અભિમન્યુની પત્ની ઉત્તરાને જ કંઈક વધુ મહત્ત્વ આપ્યું છે. આમ છતાં કાવ્યના આરંભે જે દિવ્યદર્શિત્વ છે તેથી વિશિષ્ટ – વધુ પારગામી દિવ્યદર્શિત્વ કાવ્યના અંતે ગાંધારી પામે છે. એ અનુભવફેરને ઉપસાવવામાં નાટ્ય-દૃષ્ટિએ વધુ અને વિલાપ સિવાયના પણ સઘન ક્રિયાકલાપો ઉમાશંકર યોજી શક્યા હોત તો રૂડું જ થાત. ગાંધારીના પાત્રે એવો કોઈ મોટો ફેરફાર હાંસલ નથી કર્યો કે જેથી નિરંજન ભગતની જેમ ‘સંગ્રહની શ્રેષ્ઠ કૃતિ’નું બિરુદ તેને આપવું પડે. દીપક મહેતા આ કાવ્યમાં વસ્તુનું પાંખાપણું જુએ છે અને તે છાવરવાના અને કાવ્યમાં નાટ્યાત્મકતા લાવવાના પ્રયાસ તરીકે વિલાપના નિરૂપણને જુએ છે.૨૪૭ પ્રેમશંકર ભટ્ટ ‘ગાંધારી’માં દૃશ્ય ને શ્રાવ્ય – આ બે કલામાંથી શ્રાવ્યકલા પ્રધાન સ્થાને રહી હોવાથી તે કૃતિને ‘શ્રુતિકા’ ગણવાનો અભિપ્રાય આપે છે. આ કૃતિ રેડિયો પર વધુ અનુકૂળતાથી રજૂ થઈ શકે એમ તેમનું માનવું છે.૨૪૮ પ્રેમશંકર ભટ્ટ અવાજમાત્રથી રજૂ થતા વિલાપદૃશ્યોને કારણે આ મત બાંધવા પ્રેરાયા લાગે છે. તેમણે આવો અભિપ્રાય આપતાં પૂર્વે રંગભૂમિદૃષ્ટિએ દૃશ્યાત્મકતા કઈ રીતે ઓછી છે તે પણ બતાવ્યું હોત તો ઇષ્ટ થાત. હસિત બૂચે ‘ગાંધારીને વધુ સ્પર્શતો ઉત્તરાનો વિલાપ કવિએ મૂળના સ્થૂલ અંશને સૂક્ષ્મ રૂપે રજૂ કરી ઔચિત્યપૂર્ણ કર્યો છે.’ – એમ વિધાન કર્યું છે.૨૪૯ મૂળમાં ઉત્તરાના વિલાપમાં સ્થૂલ અંશ લગભગ નથી. સ્થૂલ અંશ તો ભૂરિશ્રવાની પત્નીના વિલાપમાં છે અને તે, ઉમાશંકરે પાછળ ટિપ્પણમાં બતાવ્યું છે તેમ, લગભગ ગાળી નાખી સૂક્ષ્મ કલાવિવેક દાખવ્યો છે. વળી ઉમાશંકર કહે છે તેમ, વધુ નજીકનાં ભાનુમતી જેવાં સ્વજનો કરતાંયે ઉત્તરા જેવીના વિલાપથી ગાંધારી હચમચી જઈને શાપ આપવા ઉદ્યુક્ત થાય એમાં વધુ રસ-રહસ્ય રહેલાં છે. આમ છતાં ઉમાશંકર લગભગ મૂળના જ ક્રમે વિલાપશ્રેણી રજૂ કરે છે અને ભૂરિશ્રવાંગનાના વિલાપ પછી જ ગાંધારી શાપ માટેની ભૂમિકામાં પ્રવેશ કરે છે. ‘ગાંધારી’ કાવ્યમાં વચ્ચે આવતા વિલાપો સંવાદમાં વૈવિધ્ય આણે છે એવી હસિત બૂચની વાત મર્યાદિત અર્થમાં સાચી છે. ‘કરુણની ભરતીની ટોચે શાંતનું સ્થાપન કૌશલ્યપૂર્વક કરાવ્યા’ની પ્રતીતિ એમને કાવ્યમાં અંતે થાય છે. આમ છતાં કાવ્યના વચલા ભાગમાં શૈથિલ્ય હોવાનો નિર્દેશ પણ કરે છે. આમ ‘ગાંધારી’ વિશેનાં વિવેચનો ગુજરાતી વિવેચનની સબળતા-નિર્બળતાનું સચોટ ઉદાહરણ છે. છેવટે તો ‘ગાંધારી’નું કલામૂલ્ય તેના કલાસ્વાદે જ નિયત કરવાનું રહે છે. આ કાવ્યમાં કવિએ ગાંધારી દ્વારા કશુંક કરાવવાનું કામ કૃષ્ણને સોંપીને એક નાટ્યક્ષમ બિન્દુ જરૂર પસંદ કર્યું છે, પરંતુ એ બિન્દુના પોષણ-સંવર્ધનમાં વિલાપ-વર્ણનોની યુક્તિ નવી, છતાં બહુ પોષક-ઉપકારક થઈ લાગતી નથી. ગાંધારીને શાપ લેવાની અવસ્થા સુધી પહોંચાડવા વધુ કલાત્મક કીમિયાઓ થઈ શક્યા હોત. આ કાવ્યમાં કવિએ પાત્રોની કરકસર કરીને જે સિદ્ધ કર્યું છે તે ખાસ નોંધપાત્ર છે. પાંડવોને તેમ વિલાપ કરતી સ્ત્રીઓ, દ્રૌપદી, કુંતી ઇત્યાદિને આ દૃશ્યમાં પ્રત્યક્ષ નહિ કરાવી, કૃષ્ણને માથે જ પાંડવોના – ધર્મસત્યના કાર્યની જવાબદારી લાદી, કૃષ્ણને જ ગાંધારીના શાપ-કોપનો ભોગ થતા બતાવી કલાની સારી સૂઝ પ્રગટ કરી છે એમ કહેવું જોઈએ.S આમ છતાં કવિની નજર વસ્તુના રહસ્યની અપેક્ષાએ વસ્તુના ક્લેવરમાં રસ લેતી – એકાગ્ર થતી હોઈ કેટલીક અનિવાર્ય તકલીફો ઊભી થઈ જાય છે. ‘ગાંધારી’ પણ તેથી નાટ્યબિંદુ ધરાવતું હોવા છતાં નાટ્ય તો થતું નથી જ. એક વિશિષ્ટ સંવાદ-કાવ્ય જ બની રહે છે. આ કાવ્યની ભાષા વિશે કેટલાંક મહત્ત્વનાં નિરીક્ષણો થયાં છે. એમાંય તે કવિ સુન્દરમે કરેલું નિરીક્ષણ તુરત યાદ આવે છે. સુન્દરમે ગાંધારીની આ ઉક્તિ આપી છે  તે દૃષ્ટિ આ, કૃષ્ણ શું દેખવા જ
મળી ક્ષતે ક્ષાર સમાણી આજ  ને જણાવ્યું છે કે ‘ઘા ઉપર મીઠું’નો આ સંસ્કૃત અવતાર થવા છતાં, એ મીઠું લાવણ્ય ધારણ કરતું નથી.’૨૫૦ આ વાત ખૂબ મહત્ત્વની છે. ઉમાશંકરે ‘પ્રાચીના’માં પદ્યનાટક માટેની ભાષા સિદ્ધ કરવામાં પણ હજુ કેટલુંક કરવાનું તો રહે છે એ અભિપ્રાય આમાં સૂચિત છે ને તે વજૂદવાળો છે. દીપક મહેતાએ ‘પ્રાસાદ-ઉદ્યાનપથે સુખોચિતા જેની ગતિ પુષ્પકળીથી કુંચિતા’ જેવી પંક્તિઓવાળી કંડિકામાં ભારવિની શૈલી જેવી છટા જોઈ છે, પણ આ રીતે છટાઓ જોવામાં જોખમ છે અને તેથી આ પદ્ધતિથી ચાલતાં સુધી બચતા રહેવાય એમાં જ સલામતી છે. ઉમાશંકરે ગાંધારીમાં મુખ્ય છંદ તો મિશ્રોપજાતિ – વધુ યોગ્ય રીતે કહીએ તો ત્રિષ્ટુભજગતીનો વિનિયોગ કર્યો છે આમ છતાં એમાં વિલાપની અભિવ્યક્તિ માટે રથોદ્ધતાને પ્રયોજી કરુણતાને અપેક્ષિત જુદી લયચ્છટાઓ સિદ્ધ કરી છે. ભાનુમતી-વિલાપમાં આ રથોદ્ધતાના ર ન ર લ ગા – માપમાં છેલ્લે એક વધુ ગુરુ ઉમેરી ર ન ર ય ગણરચના સાધી ‘શોકવાહી લયવાળો છંદ’ નિપજાવ્યો છે. ઉમાશંકરની નજર આ સંગ્રહની કાવ્યરચનાઓ છંદ-ભાષાદિ બહિરંગ તત્ત્વોની ઉપાસનામાં કેટલી એકાગ્ર છે તેનું આવા પ્રયોગો પ્રમાણ બની રહે છે. આ કાવ્યો ઉમાશંકરના કાવ્યકલા-વિધાન માટેના ઊંચી પ્રતિના પુરુષાર્થના પ્રેરણાદાયી નમૂનાઓ તો બને જ છે. ૪. બાલ રાહુલ ‘બાલ રાહુલ’ કાવ્યના આરંભે મૂકેલી નોંધમાં ઉમાશંકર જણાવે છે  સિદ્ધાર્થ બુદ્ધ બન્યા તે પછી પુત્ર રાહુલની અને એમની મુલાકાત થાય છે. મુલાકાત પછી રાહુલ વિશે બુદ્ધના મુખ્ય શિષ્ય આનંદ અને બુદ્ધ વચ્ચે વીગતે વાત થાય છે. તેમાં પૂર્વાશ્રમની, તપસ્યાની, મારનાં પ્રલોભનોની અને બુદ્ધતાપ્રાપ્તિની — એ બધી પાછલી કથા ઉખેળાય છે. એમાંથી એક વસ્તુ બહાર આવે છે તે એ કે સિદ્ધાર્થમાંથી બુદ્ધ થયા એ ઘટના પાછળ નાનકડા બાલ રાહુલનો ફાળો પણ મહત્ત્વનો હતો. S શ્રીમદ્ભાગવત–૨, આવૃત્તિ ૧૧મી, સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય દ્વારા પ્રકાશિત. ઉમાશંકરે બુદ્ધ-વિષયક અનુશ્રુતિમાં બુદ્ધના મહાભિનિષ્ક્રમણમાં બાલક રાહુલનો ફાળો હતો, સિદ્ધાર્થ – બુદ્ધને વિશ્વવાત્સલ્યની દીક્ષા આપવામાં વત્સ રાહુલ એક નિમિત્ત હતો – એવો અર્થ ઘટાવીને આ કાવ્ય રચ્યું છે. કાવ્ય સ્પષ્ટ રીતે આનંદ અને બુદ્ધના સંવાદ દ્વારા જે કંઈ ક્રિયા સિદ્ધ કરવાની છે તે કરે છે, અર્થાત્, સંવાદનું ચાલવું એ જ ક્રિયા છે આ કાવ્યમાં. આનંદ અહીં પૃચ્છક છે, બુદ્ધ ઉત્તરદાતા. આનંદ કાવ્યારંભે જ બુદ્ધના રાહુલ પ્રત્યેના વધુ પડતા પૂજ્યભાવનો ખુલાસો વાંછે છે. તે બુદ્ધની વિલક્ષણ ચિત્તગતિનો પૂરો અંદાજ જાણે પામી શક્યો નથી ને તેથી જ પૂછે છે કે પૂર્વાશ્રમનું મમત્વ શું હજુયે આપ પ્રભુના હૃદયમાં વસ્યું છે  જોકે એવું માની શકાય એમ નથી એ તો પોતેય સ્વીકારે છે. બુદ્ધ કહે છે  ‘મમત્વS પૂર્વાશ્રમનું ન છો રહ્યું,
મહત્ત્વ પૂર્વાશ્રમનું નથી ગયું. ને એમ કરતાં અત્યંત સુંદર દૃષ્ટાંતો પણ આપે છે. ફૂલની બધી લીલા ફલમાં જ લીન હોય છે. પૂર્વાશ્રમની છાયા નથી વ્યર્થ કે નહિ છેક ભૂંસાઈ જવા સમર્થ. એ છાયાએ તો ગુરુની ગરજ સારી છે. આનંદ બુદ્ધના પૂર્વાશ્રમ પ્રતિના, સંસાર પ્રતિના આ વિશિષ્ટ અભિગમની નોંધ લે છે. તે કહે છે  ‘સંસારના જે શમને રમો છો,
સંસારમાં તે જ ભલા શમો છો ’ અને પછી સારા શિષ્યના શિષ્યત્વને શોભીતી એવી વિનયવાણીમાં ‘જગત્પિતા’નાય પિતા – ગુરુજન એવી પૂર્વાશ્રમની ધન્ય વ્યક્તિનું નામ જાણવા ઇચ્છા કરે છે. બુદ્ધ ‘ધ ચાઇલ્ડ ઇઝ ધ ફાધર ઑફ મૅન’ – એવા વિધાનને જ જાણે પોતાની વાણીમાં રજૂ કરે છે. તેઓ કહે છે  “પિતા પિતાનો સુત જે સ્વકીય
છે શિષ્ય જેવો ગુરુનો ગુરુ પ્રિય 
સિદ્ધાર્થ તે રાહુલનો હતો પિતા,
ને એ જ તે રાહુલ બુદ્ધનો પિતા.” બુદ્ધે તો જાણે ‘વસમી સમસ્યા’ ખડી કરી દીધી  જિજ્ઞાસુ આનંદને ઊલટો આવા કથનથી વધુ બેચેન કરી દીધો. હવે તો બુદ્ધ પાસેથી સારીયે વાતનો તાગ મેળવ્યે જ છૂટકો. આનંદ બુદ્ધની પ્રસિદ્ધ વાતો તો જાણતો જ હતો. રાહુલના પિતા સિદ્ધાર્થ – તે એણે અજાણ્યું નહોતું. “ ‘બુદ્ધ’ના પિતા રાહુલ” એ સમજવાનું તેણે બાકી હતું અને આ કાવ્યમાં આનંદને બુદ્ધ દ્વારા એ સમજણ પ્રાપ્ત કરાવી આપવાનો ઉપક્રમ છે. આત્મયાત્રી બુદ્ધ ‘તારુણ્યભારે સ્ફુટ શોભમાના’ એવી યશોધરાની કાખમાં જ લપાઈને પોઢેલા બાળક રાહુલને છોડીને પંથક પલાણી કઈ રીતે વનમાં વિચર્યા તેની વાત કહી બતાવે છે અને એ રીતે બુદ્ધ દ્વારા ક્રમશ: ઉદ્ઘાટિત થનાર વસ્તુ માટેની ઘટિત સંદર્ભપીઠિકા પણ રચી આપે છે. આનંદ કહે છે કે આ લોકમાં આપનો કોઈ ગુરુ હોવાનું તો સાંભળ્યું નથી. ત્યારે બુદ્ધ પોતાના પુત્રના ગુરુત્વનો સંદર્ભ આનંદને સમજાવવા પોતાના અતીતજીવનની વાત મૂળમાંથી ફરી આનંદ દ્વારા ઉકેલાવે છે. સિદ્ધાર્થને બુદ્ધત્વ પ્રાપ્ત થવામાં અવરોધરૂપ એવી અનેક ગ્રંથિઓ હતી. આનંદ આ સંદર્ભે મારસેનાના આક્રમણનો નિર્દેશ કરે છે. માર મહાજન, પૃચ્છક વિપ્રાદિ અનેક રૂપોએ પ્રબુદ્ધ થવા મથતા સિદ્ધાર્થ સમક્ષ ઉપસ્થિત થયો. છેવટે મારે યશોધરાનું રૂપ પણ ધારણ કર્યું. બુદ્ધે આનંદને તુરત જ કહ્યું  “ગા મારની હાર ન વ્હેલી વ્હેલી.
આયુષ્ય છે ત્યાં સુધી છે જ યુદ્ધ,
કો મૃત્યુ પૂર્વે ન સુપૂર્ણ બુદ્ધ.” અને તેમણે આનંદને સહેતુક પ્રશ્ન કર્યો  “યશોધરાવેશ ધર્યો જ મારે,
ધરેલ શું રાહુલનોય ત્યારે ” ને આનંદે તો સહેલાઈથી એમ સમજી લીધું કે માર રાહુલ-વેશે ન આવ્યો તો જ સિદ્ધાર્થનું ચિત્-સરોજ ખીલી શક્યું, કેમ કે જો માર રાહુલ-વેશે પ્રત્યક્ષ થાત તો સિદ્ધાર્થનું બધું તપધ્યાન ધૂળમાં મળી જાત. આનંદ રાહુલ-વેશે માર ન આવ્યો એ ઘટનાથી એક રીતે રાહત અનુભવે છે  આ કંઈક વિચિત્ર પરિસ્થિતિ છે. બુદ્ધની તપ:શક્તિમાં આનંદને તો ઊંડો વિશ્વાસ હોવો ઘટે ને રાહુલ-વેશે માર આવત તોય બુદ્ધ તેને જરાય મચક ન આપત એવો ખ્યાલ જ તેના ચિત્તમાં સ્ફુરવો જોઈતો હતો. કોઈક રીતે પણ આ સંવાદક્ષણ રસદૃષ્ટિએ સર્વથા સંતોષ આપનારી લાગતી નથી. આ કાવ્યમાં તો મારવેશે રાહુલ ન આવ્યો એમાં વસ્તુત: જુદાં જ પરિબળ કામ કરતાં હતાં. બુદ્ધને સત્પથ બોધનાર, માથા-યુવા-ઉંબર-રાજ્ય બહાર હાથ ઝાલીને હડસેલનાર તો રાહુલ જ હતો. જ્યારે બુદ્ધમુખે આવી વાત આનંદ સાંભળે છે ત્યારે આશ્ચર્યને અવધિ રહેતી નથી. આનંદનું આશ્ચર્ય સરસ દૃષ્ટાંતો દ્વારા આલંકારિક વાણીમાં અભિવ્યક્તિ પામે છે  “અહો  કરો એ સુકુમાર, નાથ,
જેણે મહાકાર્ય-શું ભીડી બાથ 
જાણે કરી ગોફણ ઊર્ણનાભિના
તંતુ તણી, પૃથ્વી ઉછાળી હોય ના 
કે કો પડ્યા પિંજર કેસરીને
પતંગ દે મુક્તિ સ્મિતે સરીને.” બુદ્ધ આ પ્રસંગે પોતાના પૂર્વજન્મની એક કથા જાતકકથા (જે કવિએ પોતે કલ્પિત રીતે મૂકી છે.) અહીં પિંજરના કેસરીને અનુલક્ષતી જ મૂકી આનંદને જે અશક્યવત્ જણાતું હતું તે જ કઈ રીતે શક્ય બન્યું તે બતાવી આપે છે. પિંજરામાંનો સિંહ પિંજર તોડીને બહાર જવા ઘણું મથે છે પણ મજબૂત સળિયાઓને કારણે એની એ મથામણ નિષ્ફળ જાય છે, થાકે છે ને ત્યાં જ પતંગ રૂપે બોધિસત્ત્વ પધારી પિંજર બહાર રહીને કેસરીને લોભાવે છે. કેસરી પતંગથી લુબ્ધ થઈ, તેને પામવા ઉત્કટ પ્રયત્નો ફરીથી આદરે છે ને છેવટે પિંજરાને તોડવામાં એ સફળ થાય છે. પતંગ મુક્તિ-વાંછુને માટે સબળ સહાય કરનાર મૃદુ પ્રતીક બની રહે છે. બુદ્ધ આ ઘટના દ્વારા પોતાને નિર્વાણ-અવસ્થા પ્રતિ લઈ જવામાં બાલ રાહુલે કેવી મદદ કરી તેનો સચોટ રીતે નિર્દેશ કરે છે. માર્દવનું – સુકુમાર સ્નેહનું અપૂર્વ અભિજ્ઞાન પ્રાપ્ત થવામાં બાલ રાહુલની સક્રિય ને શાંત મદદ મળ્યાનો ઋણ-સ્વીકાર તો અહીં છે જ. આનંદને પણ બાલ રાહુલે બુદ્ધને જીવનમાં બંધન નહિ પણ મુક્તિની દિશામાં મદદ કરી છે એ જાણી આશ્ચર્ય થાય છે. જે રાહુલને બુદ્ધ એના જન્મ વખતે બાધા સમજતા હતા (રાહુલબાધા) તે તો બુદ્ધને તારનાર નૌકા સમો સહાયક નીકળ્યો  આવા રાહુલને ઘણાં વર્ષે જોતાં બુદ્ધના ચિત્તમાં પ્રસન્નતા ઊપજે તો તેમાં નવાઈ ન જ હોય. બુદ્ધ આનંદને માર્મિક રીતે કહે છે  “તો સાંભળી લે થઈને સમાહિત
આયુષ્યયાત્રાનું રહસ્ય સંચિત 
જે જે થયો પ્રાપ્ત ઉપાધિયોગ,
બની રહ્યો તે જ સમાધિયોગ.”S S પ્રણયાનુભૂતિમાં – પ્રણય-વિકાસમાં લજ્જાના તત્ત્વનું વિશિષ્ટ માહાત્મ્ય કવિના મનમાં વસેલું હોય એમ જણાય છે. બુદ્ધની બુદ્ધતા ઉપાધિયોગમાંથી સમાધિયોગ પામવામાં છે. આનંદ આ ઉપાધિયોગે જરા, વ્યાધિ ને મૃત્યુનો સંદર્ભ સમજે છે. બુદ્ધ આ જરા, વ્યાધિ ને મૃત્યુને વંધ્ય ધાત્રીઓ – અંધાન્ધકારે ભમતા યાત્રીઓ જેવા સમજે છે. જે પોતે ભય-સ્વરૂપ છે તે નિર્વાણની સીધી રીતે પ્રેરણા કેમ થઈ શકે  સામાન્ય રીતે દેહની નાશવંતતા, ભોગશક્તિની મર્યાદા વગેરેએ બુદ્ધને સંસારથી પરાઙ્મુખ કર્યાની વાત છે. ઉમાશંકર બુદ્ધના સંસારત્યાગમાં સ્નેહસંબંધનું એક અત્યંત મહત્ત્વનું સોપાન મુખ્ય કારણરૂપે બતાવે છે. દલીલ ખાતર માની લઈએ કે બુદ્ધ જરા, વ્યાધિ, મૃત્યુના ભયે સંસાર તજી ગયા, પરંતુ એવા સંસાર માટે થઈને કામ કરવાની પ્રેરણા એમને શાથી થઈ  જે જરા, વ્યાધિ અને મૃત્યુનું દુ:ખ જોયું એ દુ:ખ મને પણ થશે એવા ભયથી ત્રાસીને પોતાને જ માટે થઈને નિર્વાણસુધા શોધવા સિદ્ધાર્થ નીકળી પડ્યા હોત તો એમાં વિશ્વકલ્યાણ કે વિશ્વમાંગલ્યની સાધના જે રીતે – જે રૂપે સિદ્ધ થઈ એ રીતે – એ રૂપે સિદ્ધ ન થાત. તેમણે જરા, વ્યાધિ ને મૃત્યુ જેવાં અનિચ્છનીય છતાં અનિવાર્ય રૂપો જોયાં. એમાં એ રૂપો સાથે સંલગ્ન ભય–ક્લેશાદિનો યત્કિંચિત્ ભાવ પણ અનુભવ્યો. એ અનુભવે આ સંવેદનશીલ જીવને વત્સ રાહુલનો વિચાર કરવા પ્રેર્યા. કેવો હતો એ નવજાત રાહુલ  “જેની વ્યથાને નહિ જીભ. તીણી
મેં એ સુણી ભીષણ ક્લેશગીતા,
પ્રસુપ્ત એ બાલમુખે સુઅંકિતા.
પ્રસુપ્ત પાસે જ યશોધરા તે,
ભૂલી હું એને, કંઈ વાર, રાતે
તાકી રહેતો શિશુનું મુખામ્બુજ,
ધીરો મૃદુ શ્વાસ, સુકોમળા ભુજ
લીલાપ્રસારેલ, શુચિ પ્રસન્ન
સ્વપ્નસ્મિતો, ને કદી કાન્તિ ખિન્ન;
આછો ઊંકારો અધઊંઘમાં થતો;
જરી જરીમાં પડખું ફરી જતો.
ન માતૃહૈયે મુખ ના પહુંચે,
શો અંગૂઠો ઝાલી કરે ધરે મુખે 
જોઈ રહું શાંતમના  અરે કે
આવાં ફૂલોને જગઝાળ શેકે 
....................................
શો વારસો દારુણ બાલને મળે ” અને આ સંવેદનશીલ બુદ્ધાત્માને માટે રાહુલ સંસાર સમસ્તનું કેન્દ્ર બની જતો લાગે છે. તે વત્સ માત્ર ન રહેતાં વિશ્વરૂપ બની જાય છે. રાહુલમાં જ ‘સંસાર આવ્યો બની બાલ આંગણે’ – એવી પ્રતીતિ બુદ્ધને થાય છે. આ બાલક — આ સંસાર શા માટે બહુ ક્લેશ પામે છે  શા માટે આ સહુ લોક ક્લેશ પામે છે  એ પ્રશ્નો એમના ચિત્તમાં ઘૂમરાવા લાગ્યા. જે સંસારમાં જરા, વ્યાધિ, મૃત્યુ જેવાં ભયરૂપોથી પોતે ત્રસ્ત હતા એમનો જ ભોગ બનાવવા માટે વળી પોતે જ રાહુલને સર્જ્યો  બુદ્ધનું ચિત્ત એ રીતે ‘સેન્સ ઑફ ગિલ્ટ’ પણ અનુભવતું જણાય છે અને તેથી વહેલામાં વહેલી તકે આ જરાદિરૂપોની સત્યચિકિત્સા કરી, આવા નિર્દોષ રાહુલોને અમૃતત્વ બક્ષવાની ઉત્કટ મનીષા એમનામાં ઊઠે છે. તેઓ કહે છે  ‘સંસારભીરુ હું હતો અપુત્ર,
સંસારભેરુ હું બન્યો સપુત્ર.’ ખરેખર તો બુદ્ધ રાહુલ પ્રત્યે સહાનુકંપા ધરાવતાં સંસારાનુકંપા ધરાવતા જગત્પિતા જેવા વત્સલ થતા જણાય છે. કેવળ વૈરાગ્ય નહિ, વૈરાગ્યથી આગળ વધીને વિશ્વકારુણ્ય–વિશ્વપ્રેમ – વિશ્વમાંગલ્ય સુધી એમની કર્તવ્યકેડી લંબાય છે. આત્મનિર્વાણ પણ એમના જીવનધ્યેય માટેની બહુ બહુ તો માત્ર એક ભૂમિકા માત્ર બની રહે છે. તેઓ (અવલોકિતેશ્વર) કહે છે  ‘નિર્વાણ મારેય હવે નિષિદ્ધ,
એકેય હો જ્યાં સુધી જીવ બદ્ધ.’ બુદ્ધે દેખીતી રીતે યશોધરા – રાહુલનો ત્યાગ કર્યો હતો, પરંતુ યશોધરા–રાહુલે સિદ્ધાર્થને ગુમાવીને બુદ્ધને પ્રાપ્ત કર્યા. સિદ્ધાર્થે પણ ‘બુદ્ધત્વ પામી શિશુને મળીશ,  – હશે ઘડી જો સરજાઈ’ એમ કહેલું જ. યશોધરા–રાહુલના પ્રેયસ્કર સિદ્ધાર્થે એમનો ત્યાગ કરી, શ્રેયસ્કર બુદ્ધ તરીકે તો એમનો સતત સાથ નિભાવ્યો જ હતો. આનંદ જ્યારે બુદ્ધના રાહુલપ્રેરિત મહાભિનિષ્ક્રમણનું રહસ્ય જાણે છે ત્યારે સંસારના જગત્પિતા બુદ્ધના વાત્સલ્યની જે રીતે રાહુલ દ્વારા દીક્ષા મળી તેની નોંધ લીધા વિના રહી શકતો નથી. એણે તો એ મહાભિનિષ્ક્રમણ વેળાની પળમાં વિશ્વવાત્સલ્યની દીક્ષાની ધન્ય ઘડીનું દર્શન થાય છે. ‘બાલ રાહુલ’ કાવ્યનું વસ્તુ મૂળ બુદ્ધચરિતને અનુસરનારું નથી. રામપ્રસાદ બક્ષી લખે છે કે ‘બાલ રાહુલ’માં બુદ્ધના ‘પૂર્વાશ્રમની, તપસ્યાની, મારનાં પ્રલોભનોની અને બુદ્ધત્વ પ્રાપ્તિની એ બધી પાછલી કથા ઉખેળાય છે.’ એવી પ્રસંગયોજના ઉમાશંકરની પોતાની છે, અપૂર્વ છે. આ કાવ્યકથામાં સિદ્ધાર્થ બુદ્ધ થયા તેમાં બાલ રાહુલનો ફાળો મહત્ત્વનો હોવાનું બતાવ્યું છે. આથી આ કાવ્યને રામપ્રસાદ બક્ષીના શબ્દોમાં ‘અનન્યસાધારણ વિશિષ્ટતા’ મળી છે. આ બાબતને કાવ્યની પ્રાસ્તાવિક ભૂમિકામાં વિશદ કરતાં ઉમાશંકર લખે છે  ‘મહાભિનિષ્ક્રમણના પ્રસંગને આ કૃતિમાં વિશિષ્ટ રીતે ઘટાવ્યો છે. સામાન્ય રીતે, વ્યાધિ-જરા-મૃત્યુથી ત્રાસીને સિદ્ધાર્થે ઘર છોડ્યું એવી કથા પ્રચલિત છે. વ્યાધિ, જરા અને મૃત્યુ પોતાને અવશ્ય રિબાવશે – એવા ભયરૂપે એ ભાસે ત્યારે એ માત્ર નાસ્તિવાચક (‘નૅગેટિવ’) મૂલ્યો છે, પણ સંસારના એવા અનિવાર્ય ક્લેશાનુભવમાંથી જીવમાત્રને છોડાવવાની વૃત્તિ એ એક અસ્તિવાચક (‘પૉઝિટિવ’) મૂલ્ય છે, અને એવી વૃત્તિ પ્રેરવામાં અને દૃઢાવવામાં બાલ રાહુલ કારણરૂપ બને છે. પોતાના ચિત્તના ક્લેશોનું શમન કરીને પોતે આ ભવમાં નિર્વાણ (–હોલવાઈ જવું–) પામી શકશે એમ સિદ્ધાર્થને થયું. પણ ત્યાં પોતામાંથી જ પ્રગટેલો કુલદીપક રાહુલ નજરે પડ્યો. એના ચિત્ત-ક્લેશો માટે — તેમ જ એના નિર્વાણ માટે જવાબદારી કોની  સહાનુકંપાની લાગણી એ પગથિયે જ ન અટકતાં આગળ વધી. આ સૌ સંસારી જીવોના નિર્વાણનું શું  પરિણામે એકેય જીવ ક્લેશયુક્ત હોય ત્યાં સુધી પોતાને પણ નિર્વાણ ન ખપે એવા ભાવ ઉપર આવીને એ લાગણી ઠરી... આ રીતે પોતાના ઘરમાં, સંસારથી દૂર બેઠાં બેઠાં, સિદ્ધાર્થને વિશ્વવાત્સલ્યની દીક્ષા આપવામાં વત્સ રાહુલ એક નિમિત્ત બન્યો.’ (પ્રાચીના, પૃ. ૪૫) ઉમાશંકરના આ સ્પષ્ટીકરણની આપણે ત્યાં સારી પેઠે ચર્ચા થઈ છે. જોકે રામપ્રસાદ બક્ષીએ તો આ વિધાન સંદર્ભે ટીકા કરતાં એટલું જ કહ્યું છે કે ‘સિદ્ધાર્થના મહાભિનિષ્ક્રમણમાં કોઈ અસ્તિવાચક મૂલ્ય પ્રેરક બન્યું હશે એવી શ્રી ઉમાશંકરની શ્રદ્ધા ખરી છે. એમ જ બન્યું હતું – પણ જે રીતે ઉમાશંકરે ઘટાવ્યું છે તે રીતે નહિ.’૨૫૧ તેઓ મૂળના મહાભિનિષ્ક્રમણના પ્રસંગમાં પણ અસ્તિવાચક મૂલ્ય હોવાનો અભિપ્રાય આપે છે. તેથી રામપ્રસાદના મતે સિદ્ધાર્થના ગૃહત્યાગના ઉદ્દેશદર્શનમાં કવિદૃષ્ટિની નવીનતા નથી, એ ઉદ્દેશસાધનાની ભાવનાના ઉદ્ભવનું જે હેતુદર્શન ઉમાશંકરે કર્યું છે એ નવીન છે, અપૂર્વ છે અને સિદ્ધાર્થના ગૃહત્યાગ સમયના મનોભાવને ઔચિત્યથી તેમ જ યથાર્થ મૂલ્યાંકનથી રજૂ કરનારું છે. શ્રી બક્ષીએ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ વિશેના ઉમાશંકરના દૃષ્ટિબિન્દુને સમજવામાં સૂક્ષ્મ ઔચિત્યબુદ્ધિ અને ઊંડી સહૃદયતાની પ્રતીતિ આપી છે. S કૃષ્ણનો જતાં પહેલાં એ સખીઓ સાથે કંઈક સંવાદ થયો હોત તો  – પ્રશ્ન થાય છે. બીજી બાજુ ડોલરરાય માંકડે ને તે પછી ભૃગુરાય અંજારિયા વગેરેએ આ પ્રસંગ વિશેના ઉમાશંકરના કલ્પનાદર્શનમાં કંઈક વિસંગતિ જોઈ છે. ડોલરરાય માંકડ લખે છે  ‘પહેલી દૃષ્ટિએ ભભકભરી લાગે છે તે કવિની આ કલ્પના, પૃથક્કૃત બનતાં, અયોગ્ય અને બિનજરૂરી ઠરે છે.’૨૫૨ જરા, વ્યાધિ, મૃત્યુ જેવાં ‘નાસ્તિવાચક મૂલ્યો’ બેશક, ગૃહત્યાગમાં કારણભૂત છે, પરંતુ તે કઈ રીતે કારણભૂત છે તેની ઊંડી તપાસ કરવી જોઈએ. જરા, વ્યાધિ કે મૃત્યુ ત્રણેયમાં જીવનનો હ્રાસ છે. એનાથી કોઈ છૂટવાનું નથી એ પણ સ્પષ્ટ છે. તો જરા વ્યાધિ તથા મૃત્યુને કારણે થતી પીડા – વેદના તો જીવનમાં રહેવાની જ. પ્રશ્ન આ ત્રણેય અનિષ્ટો – ભયો છતાં કેમ ચિત્તક્લેશમુક્તિ – પ્રસન્નતા સિદ્ધ થાય એ છે. જરા, વ્યાધિ ને મૃત્યુનું સ્વરૂપ સમજવું – એ રીતે સત્યશોધન કરવું એ કોઈ રીતે નાસ્તિવાચક મૂલ્ય નથી. ઉમાશંકરને પણ ડોલરાય માંકડ આરોપે છે એવા અર્થમાં નાસ્તિવાચક મૂલ્યનો અર્થ અભિપ્રેત હોય એમ લાગતું નથી. જરા, વ્યાધિ, મૃત્યુને કારણે સંસાર છોડવા જેવો લાગ્યો ને તેથી સિદ્ધાર્થે સંસાર છોડી દીધો હોત તો તેથી શું હાંસલ થાત  ઊલટું, પેલા ત્રણ ભયોને કારણે તો તેમને સંસારની વધુ સંભાળ લેવા જેવી લાગે છે  સંસારની વેદનાઓનું જ્ઞાનપૂર્વક નિરાકરણ કરવાની આવશ્યકતા સમજાય છે ને આવું થાય છે તેનું કારણ સિદ્ધાર્થનો સંસાર માટેનો સમભાવ છે. આ સમભાવ, વિના કોઈ સેતુએ, જાગીને સંસાર સુધી પહોંચ્યો હોય એવું બનવાનો સંભવ નથી ને તેથી કવિએ સંસાર અને સિદ્ધાર્થ વચ્ચેની સેતુરચના રાહુલાદિથી શક્ય બનેલી બતાવી બુદ્ધના ગૃહત્યાગને માનવીય રીતે વધુ પ્રતીતિકર બનાવ્યો છે. ભૃગુરાય અંજારિયાને ઉમાશંકરના આ ‘બુદ્ધ’ પ્રાચીન કથાના ‘બુદ્ધ’ કરતાં ઓછા ઉદાત્ત લાગે છે. બુદ્ધે પોતા માટે પ્રયોજેલ ‘ભીતિશૂરો’ જેવા કે જરાવ્યાધિમૃત્યુરૂપ દુ:ખો માટેના ‘વંધ્ય ધાત્રીઓ’, ‘ભીતિની ડાકિણીઓ’ જેવા શબ્દપ્રયોગો ભૃગુરાયને અનુચિત લાગે છે. કદાચ આવી લાગણીના મૂળમાં જગતના ઉદ્ધારક તરીકે બુદ્ધનો અમુક લક્ષણોએ તોલ કરવાનો એમનો પ્રયત્ન છે. બાકી ઉમાશંકરે જે રીતે – જે રૂપે બુદ્ધનું પાત્ર આ કાવ્યમાં આલેખ્યું છે તે જોતાં એમનો કલ્પનાતર્ક બુદ્ધની ઉદાત્તતામાં વિક્ષેપકર નહિ, પરંતુ સહાયક – ઉદ્દીપક જણાય છે  જરા, વ્યાધિ, મૃત્યુ જેવાં ‘નાસ્તિવાચક મૂલ્યો’ (શ્રી અંજારિયાનો ‘મૂલ્ય’ શબ્દ સામેનો વાંધો સમજી શકાય એમ છે, જોકે ઉમાશંકરે અસ્તિવાચક મૂલ્યનો અર્થ તો સૂચિત કર્યો જ છે.) બુદ્ધના ગૃહત્યાગમાં છે ને એ વિશે ઉમાશંકર સ્પષ્ટ છે. પ્રશ્ન એમના ગૃહત્યાગમાં ‘સંસારના એવા અનિવાર્ય ક્લેશાનુભવમાંથી જીવમાત્રને છોડાવવાની વૃત્તિ’ એ અસ્તિવાચક મૂલ્ય પણ છે એ છે. નાસ્તિવાચક મૂલ્યો ઉપરાંત અસ્તિવાચક મૂલ્યોને એ ગૃહત્યાગમાં – મહાભિનિષ્ક્રમણ’ તરીકે વર્ણવાતા ગૃહત્યાગમાં અનિવાર્ય લેખે છે. એમની અસ્તિવાચક મૂલ્યો માટેની જિકર તો બુદ્ધના ગૃહત્યાગને વધુ ગૌરવાન્વિત રૂપે બતાવવામાં ઊલટી સહાયભૂત થાય છે. ગૃહત્યાગનાં કારણોમાં ઉમાશંકર જરા, વ્યાધિ, મૃત્યુ સાથે સંસાર સમસ્ત માટેની સહાનુકંપાને ખાસ ગણાવે છે અને એમની મૌલિકતા આ સહાનુકંપાનો બુદ્ધમાં ઉદ્ભવવિકાસ કેવી માનવીય રીતે – માનવસહજ રીતે – વાસ્તવિક, સ્વાભાવિક રીતે થયો એ દર્શાવવાની પ્રક્રિયામાં – એ ઉપક્રમમાં દેખાય છે. જે મુશ્કેલી ઉમાશંકરના કલ્પનાદર્શનમાં ડોલરરાય, ભૃગુરાય વગેરેને જણાઈ તે રામપ્રસાદ બક્ષીને જણાઈ નથી. બક્ષી ઉમાશંકરના કલ્પનામર્મને સાચી રીતે પામી શક્યા છે. આમ છતાં ભૃગુરાય ‘બાલ રાહુલ’ ને ‘સફળ, સુંદર’ કાવ્ય તો કહે જ છે. ને એ માટેનું એમણે જે કારણ આપ્યું છે તે વિચારવા જેવું છે. આ કાવ્યની સફળતા–સુંદરતા એમાં દૃષ્ટિ અને દૃષ્ટિનું કાવ્યમય નિરૂપણ — એ બંનેના મેળને આભારી છે એમ તેમનું માનવું છે.૨૫૩ ‘બાલ રાહુલ’માં મહાભિનિષ્ક્રમણનું નિમિત્ત આ કે તે — એ ચર્ચાસ્પદ વિષયબિન્દુ ઉપર બુદ્ધ અને તેમના શિષ્ય આનંદની દલીલના રૂપે જ કાવ્ય ઘડાયું છે ને તેથી સંવાદનું રૂપ આપોઆપ સાર્થક થઈ જાય છે એમ ભૃગુરાય માને છે. એમનું આ મંતવ્ય ખરેખર મહત્ત્વનું છે. આ પૂર્વે ડોલરરાયે પણ ‘રૂપકતાની દૃષ્ટિએ આમાં ખાસ ગુણ નથી’ એમ કહીને સંવાદકાવ્ય તરીકેની તેની આસ્વાદ્યતા પ્રમાણી જ છે. વળી ડોલરરાયે આ કાવ્યમાં સ્પષ્ટ રીતે તરી આવતા વિચાર-પ્રાધાન્ય અને પ્રશાન્ત વાતાવરણની નોંધ લીધી છે; ઉપરાંત તેના સંવાદવૈચિત્ર્યમાં પં. ૪૯-૫૦ તથા પં. ૧૦૩માં આવતાં પતાકાસ્થાનોનો ફાળો પણ નિર્દેશ્યો છે.૨૫૪ દીપક મહેતાએ ‘બાલ રાહુલ’ કાવ્યને રહસ્યની દૃષ્ટિએ પાંગળી કૃતિ કહી છે; પણ એ માટેનાં પોતાનાં કારણો આપ્યાં નથી. તેઓ ગતાનુગતિક રીતે ડોલરરાયને સ્વીકારીને ચાલે છે. તેઓ આ કૃતિની નિર્બળતાનું બીજું કારણ એમાં નાટ્યક્રિયાનો લગભગ અભાવ છે તેને ગણાવે છે. આ કૃતિમાં પશ્ચાદ્દર્શન (‘રિટ્રોસ્પેક્ટન’ની ટૅક્નિક સારા પ્રમાણમાં કામે લાગી છે ને એક રીતે તો એ આ કાવ્યસંવાદની વિશેષતા પણ છે  તેઓ આ કૃતિને સ્વરૂપદૃષ્ટિએ ‘કદાચ સૌથી નબળી’ કૃતિ ગણે છે ૨૫૫ અને આમ ગણવાનું થયું તેનું કારણ આ કૃતિ પાસેથી તેમણે રાખેલી નાટ્યાપેક્ષા છે. ‘બાલ રાહુલ’ બુદ્ધજીવન પર આધારિત એમનું પ્રથમ સંવાદકાવ્ય ને ‘કર્ણ–કૃષ્ણ’ પછી લખાયેલું બીજું કાવ્ય છે. આ કાવ્યમાં કવિએ આરંભે મોઢિયામાં તો અંતે પણ અનુષ્ટુપ વાપરી કાવ્યના આદિ-અંત લયદૃષ્ટિએ ઉપસાવી આપવા પ્રયત્ન કર્યો છે. આખું કાવ્ય મિશ્રોપજાતિમાં વહે છે. કવિ ક્યારેક સુંદર ચિત્રો પણ ઉપસાવે છે; દા. ત., બાલ રાહુલનું. જે બાલ રાહુલે સિદ્ધાર્થનું ગુરુપદ અજાણતાં લીધું – એમાંય આમ તો મહત્તા સિદ્ધાર્થની જ ગણાય, તે પણ આ કાવ્યરહસ્યચિંતકોએ યાદ રાખવું ઘટે – તેના નિર્દોષ સૌન્દર્યનું બયાન આ કાવ્યના રહસ્યવેદનમાં વિશિષ્ટ ભાવે ઉપકારક બન્યું છે. કવિએ ‘આત્મવાદ’, ‘વિચિકિત્સા’ આદિ બૌદ્ધ ધર્મના પારિભાષિક શબ્દો યોજી કાવ્યોચિત હવામાન પેદા કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. આપણે ત્યાં આ પૂર્વે બુદ્ધજીવનનાં અનેક નાનાંમોટાં કાવ્યો મળે છે. સંસ્કૃતમાંનું અશ્વઘોષનું ‘બુદ્ધચરિતમ્’ અથવા એડવિન આર્નોલ્ડ કૃત ‘ધ લાઇટ ઑફ એશિયા’ને આધારે નરસિંહરાવે રચેલ ‘બુદ્ધરચિત’માંનાં બુદ્ધકાવ્યોનું – ખાસ કરીને ‘તદ્ગુણ’ કાવ્યનું પણ સ્મરણ થાય. એ કાવ્યનો આરંભ પરિવ્રાજિકા યશોધરાની ઉક્તિથી આવી રીતે થાય છે  ‘અરહંત તણા ઊંડા હૃદયે કો સમે પડે,
પૂર્વાવસ્થા તણી છાયા  ભગવન્  પૂછું આદરે.’ (બુદ્ધચરિત, ૧૯૪૭, પૃ. ૮૧) આવી જ વિનયવાણી અહીં બુદ્ધના મહાન શિષ્ય આનંદની આપણને લાગે છે. કવિએ બુદ્ધજીવનના આ કાવ્ય દ્વારા પણ છેવટે તો સ્નેહ-સત્ય-ધર્મનાં સંસાર વ્યાપી પરિબળોને – સંસારના અમૃત અંશોને જ નિરૂપવાનો પુરુષાર્થ કર્યો છે. બુદ્ધ જેવા અવતારી પુરુષ દ્વારા પણ પ્રતિષ્ઠા તો થાય છે માનવ્યની, મહત્તા, સ્વીકારાય છે સંસારની; ધર્મની સાર્થકતા જોવાય છે માનવચિત્તની ક્લેશમુક્તિમાં તથા માનવહૃદયના આનંદમાં. આમ આ કાવ્ય બુદ્ધ-જીવન-વિષયક ગુજરાતી કાવ્યોમાં કદાચ સર્વશ્રેષ્ઠ છે. નરસિંહરાવનું ‘તદ્ગુણ’ તેમ ઠાકોરનું ‘બુદ્ધ’ વગેરે કાવ્યોને મુકાબલે આ કાવ્યની આસ્વાદ્યતા વધારે છે. ૫. રતિ–મદન આ કાવ્યનું વસ્તુ શિવમહાપુરાણમાં આવતા રુદ્રસંહિતા-પાર્વતી ખંડમાંના અધ્યાય ૧૭થી ૧૯ પર આધારિત છે. આમ છતાં આ કથાવસ્તુના વિકાસ-નિરૂપણમાં મત્સ્યપુરાણ, કાલિદાસ-કૃત ‘કુમારસંભવ’ ઇત્યાદિ ઉપયોગી થયાં જણાય છે. ઉમાશંકરે સ્ત્રી-પુરુષ સંબંધની – દાંપત્યસંબંધની ઊંડી આલોચના ‘અભિજ્ઞાન-શાકુંતલમ્’ તથા ‘ઉત્તરામચરિતમ્’ના અનુવાદો વખતે તે તે અનુવાદગ્રંથની ભૂમિકા-માં કરી જ છે. તેમણે મનુષ્યમાં ને તેથી કરીને માનવીય સંબંધોમાં — ને તેમાંય દાંપત્યસંબંધના સંકુલ રહસ્યમાં ઊંડો રસ લીધો છે. સંવાદિતાના ઉપાસક આ કવિ જો સ્નેહસંબંધની રહસ્યકથામાં ઊંડા ન ઊતરે તો જ નવાઈ લાગે. ‘રતિ-મદન’ કાવ્યમાંના દાંપત્યસંબંધના રહસ્યને સ્ફુટ કરતાં ઉમાશંકર જણાવે છે  “ ‘રતિ–મદન’ શીર્ષક આપ્યું છે, પણ આ કાવ્ય પર્યાયથી શિવ-ગૌરીનું પણ છે. શિવગૌરી, પછી અર્ધનારીશ્વરરૂપે વિકસ્યાં છે. સ્ત્રી-પુરુષસંબંધ અંગેની એ એક ઉદાત્ત અને એટલી જ સુંદર કલ્પના છે. તેના પાયામાં રતિ–મદનની અનહદ વિકાસેચ્છા અને વેદના છે. રતિ–મદન શિવ–ગૌરી... અર્ધનારીશ્વર... એ ત્રણમાંથી એકાદ અંશ નહિ પણ આખો પટ પ્રેમની લીલાભૂમિ છે અને ‘અર્ધનારીશ્વર’ એનું પરમોચ્ચ મંગલ શિખર છે. રતિ–મદનમાં અર્ધ-નારીશ્વરનો વિકાસોન્મુખ અંકુર છે.” (પ્રાચીના, પ્રાસ્તાવિક ભૂમિકા) આ કવિ કેટલાં બધાં લેખાં લઈને કાવ્યમાં ચાલે છે તે તેમની આવી ટીકા-ટિપ્પણીઓ બતાવે છે. આ કાવ્યમાં કવિ પહેલી વાર વ્યવસ્થિત રીતે સ્થળ-સમયનો કાવ્યના આરંભે જ અલગ રીતે નાટ્યનિર્દેશ કરે છે. કાવ્યની શરૂઆત વસંતશ્રીથી થાય છે. વસંતશ્રી ‘ધ્યાને વિષાદવદના’ એવી રતિને સંબોધે છે. રતિ એના સંબોધનના ઉત્તરમાં પોતે ‘વિ-રતિ’ હોવાનો પડઘો પાડે છે. રતિના પ્રતિભાવમાં વિ-રતિ  વસંતશ્રી સ્વર્ગિણી સખી રતિને હૈયાનાં સ્પંદનો શમાવવા વિનંતી કરે છે. વળી દેવો જેને ન પામી શકે એવા મહાવીરને નમાવનાર કામદેવને રતિ પામી છે ને છતાંય તે કેમ ઉદાસ છે તે સમજવા પણ વસંતશ્રી ઇચ્છે છે. ને એના ઉત્તરમાં રતિ પતિવિરહિત દશાનું સૂચન કરતી જણાય છે. રતિનું વિમંડનત્વ તે તેના હૃદયભૂષણ કામદેવના વિનાનું વિમંડનત્વ છે. રતિ વસંતશ્રીને કહે છે  “હું તો જોતી’તી પૃથ્વીને ડોલાવે છે તું યૌવને
રસપ્રસર સર્વત્ર પ્રેરી કેવો જને વને 
ક્યાં છે તવ સખા  શોભે, સખી, તું ન મધુ વિના.” વસંતશ્રી એના જવાબમાં કહે છે  ‘તું સુહે ના વિના કામ.’ – આમ કહેતાં વસંતશ્રી પોતાના ભાગ્યમાં બે માસનું મધુ-સંયોગ-સુખ છે તેનો નિર્દેશ કરી, એક આછી-સૂક્ષ્મ કરુણતાની રેખા ઉપસાવી રહે છે. રતિની ચકોર નજર એની તુરત નોંધ લે છે. વસંતશ્રી ‘રતિ ’ સંબોધન સિવાય કશું બોલી શકતી નથી. રતિ વસંતશ્રીને મર્મવાત કહ્યા વિના રહી શકતી નથી. તે કહે છે  “વસંતશ્રી  જોઉં તને, તવ રસોર્મિને,
અને હૈયે થતી – જાણે  – પ્રતીતિ શી દિને દિને 
બેલડીએ વીંટાયાં તે અંતે વિધુર-ચિત્ત હા 
સૌ સંયોગો તણા હૈયે જામ્યો દૃઢ વિયોગ હા ” વસંતશ્રી ‘સર્વસંજીવની’ એવી સખી રતિને આવું કહેવા માટે ટપારે છે ને કહે છે કે ‘તું છે, મદન છે, તો છે વિશ્વભાગ્યે સુધા લખી.’ રતિ ક્યારે વસંતશ્રીને કહે છે કે ‘હું ને પુષ્પધન્વા છતાં ધરાપૃષ્ઠે વિરસ એવાં યુગ્મો સંચરે છે.’ રતિ અહીં વસંતશ્રીનું પૃથ્વી પરનાં વનસ્પતિપશુપંખી આદિ સૃષ્ટિનાં વિસંવાદપૂર્ણ દાંપત્ય-જીવનનાં ચિત્રો તરફ ધ્યાન દોરે છે. મત્સ્યપુરાણમાં પતિવ્રતામાહાત્મ્યમાં આવતા સાવિત્ર્યુપાખ્યાનમાં સત્યવાન વનમાં વસંતપ્રભાવે યુગલક્રીડાનું જે કામોદ્દીપક વાતાવરણ છે તેનું સુંદર વર્ણન સાવિત્રી આગળ કરે છે  ``वनेऽस्मिन् शाद्वलाकीर्णे सकारं मनोरम् ।
नेत्रध्राणसुखम् पश्य वसंतं रतिवर्धनम् ।। ૧ ।। એમ શરૂ કરીને ૩૧ શ્લોકો સુધી મનોહર શૃંગારમધુર પ્રકૃતિચિત્ર આપે છે. એ ચિત્ર સંવાદપૂર્ણ છે, અહીંનું ચિત્ર વિસંવાદ-યુક્ત છે. કવિએ કોકિલ, કપિ આદિનાં મૂળનાં સંવાદપૂર્ણ ચિત્રસંદર્ભોને ચતુરાઈથી અહીં ઉલટાવીને વિસંવાદયુક્ત રીતે રજૂ કર્યાં છે. મત્સ્યપુરાણમાંથી તો ચિત્રસૂચન જ ખાસ તો મેળવ્યું છે, પરંતુ ચિત્રમાં કવિએ પોતાની કળા સારી રીતે પ્રગટ કરી છે. આ ચિત્રાવલિનો થોડો પટ જોઈએ. રતિ કહે છે  “ખોળામાં મૂકી માથું જે જંતુ વિણાવતો કપિ
સૂતો’તો, જાગીને જો તે કૂદી કુંજે ગયો લપી.
મૃગલી શીંગડી નાની નમાવી ખંજવાળવા
ગઈ મૃગપગે, ગૈ તે પદપ્રહાર પામવા.
જળમાં બોળીને પાંખો, ઊડેલો કાક પલ્વલે,
બેઠો મહિષી-કાંધે, ના ઉડાડે મહિષે જલે.
પ્રિયની વાટ જોતી જો યૌવને ઢળકી જતી
સ્ત્રીને આલિંગવા માત્ર વાયુ દક્ષિણ છે અતિ.
જો, જો, સંધ્યાની અરુણા દ્યુતિમાં હિમવાન-શો
લપેટાઈ ઊભો દીસે રક્ત, તોયે વિરક્ત શો 
મેઘનાં ઉત્તરીયે તે શોભે છે સ્પૃહણીય હા 
વનોની નીલિમા ધારી અધોભાગે સુહે મહા.
કલા ચંદ્રની મુકુટે, જાહ્નવીઝરતી જટા
ગાત્રે છે હિમલેપો તે ધારે છે ભસ્મની છટા. કવિએ આ ચિત્રાલેખનમાં ‘કુમારસંભવ’ આદિમાંનાં ચિત્રોમાંથીયે પ્રેરણા દીધી જણાય છે; દા. ત., `कुमारसंभव'ના ત્રીજા સર્ગમાં ૩૬મા શ્લોકમાં `शृंङ्गेण स्पर्शनिमीलिताक्षीं मृगीमकण्डूयत कृष्णसारः।।' – એમ કાલિદાસ કહે છે. અહીં નિરૂપિત મૃગલીની ગતિમાં આ કલ્પનાનો પ્રભાવ સહેજેય જોઈ શકાય છે. કવિએ રતિના યુગલના વિસંવાદી ચિત્રના વર્ણન-નિમિત્તે ચતુરાઈથી મહાયોગીન્દ્રના અને તદનુષંગે મળેલ દેવસમિતિના સંદર્ભને પ્રસ્તુત બનાવ્યો છે. શિવનો હિમાલયસુતા સાથે કેમ કરીને સંયોગ થાય તેનો વિચાર કરવા દેવસમિતિ મળી હોવાના સમાચાર વસંતશ્રી રતિને આપે છે. ને રતિને પૃથ્વી પરે સર્વ શિથિલપ્રેમ ભાસે છે તેનું કારણ સમજાય છે. કામની હાજરી યુગલસંધિ માટે અનિવાર્ય છે અને રતિ તો કહી દે છે  “શિવ છે, ગિરિકન્યા છે, પછી સમિતિઓ કશી 
ક્યાં છે કામ  અમે સંધિ રચીશું બેયમાં વસી.” ને વસંતશ્રીને તુરત કહે છે કે એ જ મતલબનું વચન કામદેવે ઇન્દ્રને આપ્યું છે. મુનીન્દ્ર શિવના મનને ભેદવામાં મન્મથ કામદેવ સિવાય કોઈ સમર્થ નથી. રતિ આ સાંભળતાં – શંભુની કામવ્યવહાર માટેની પ્રતિકૂળતા હોવાનું સમજી જતાં કામદેવના શિવને ચલિત કરવાના સંકલ્પસાહસ બદલ ભય અનુભવે છે. એ કહે છે કે આ દુ:સાહસ કરતાં પૂર્વે કામે મને પૂછ્યું હોત તો ઠીક થાત. રતિ જે વિસંવાદિતા સૃષ્ટિમાં સંચરતાં યુગલોમાં જુએ છે એ જ વિસંવાદિતાનો પોતાનામાં અનુભવ કરે છે  એય ફરિયાદ કરે છે   ‘પુરુષો બાહુમાં બંદી ત્યાં સુધી માત્ર આપણા ’ ને વસંતશ્રી ઉચિત રીતે એના આવા પ્રતિભાવની ટીકા કરતાં કહે છે  “નિજને તુંયે ગણતી પતિથી જો વિમાનિતા,
તો તો નિ:શેષ જામી હા, વિશ્વહૈયે વિરાગિતા ” રતિના મનમાં દેવતાઓ કામદેવને આવા જોખમી સાહસમાં યોજી શું ને કેમ લાભશે તે વિશે પ્રશ્ન છે. દરમિયાન વસંતશ્રી તારકાસુરના પરાભવ માટે શિવસંતાનની જરૂર હોવાની વાત ઇન્દ્રાદિ દેવોએ પ્રજાપતિ પાસેથી કેમ જાણી અને કામદેવને ઇન્દ્રે બોલાવી અર્ધાસને બેસાડી કેવું માન આપ્યું ને શિવને વિચલિત કરવાના જીવલેણ કાર્યમાં તેને મદદ આપવા કઈ રીતે બાંધી લીધો તેની વાત ટૂંકાણમાં જણાવે છે ને પોતે એ વાત કઈ રીતે જાણી તેય બતાવે છે. રતિ કામદેવની સાહસસિદ્ધિ વિશે વસંતશ્રીને પૂછે છે. વસંતશ્રી ઉત્તરમાં કહે છે     “સુકર હો દૈત્યમૃત્યુ શિરીષને શર,
પણ પંચશરે શંભુચિત્ત-ભેદ સુદુષ્કર.” વસંતશ્રી શિવનું સુંદર મહિમાચિત્ર (કહો કે, લઘુ ‘મહિમ્ન:સ્તોત્ર’) પોતાની રીતે રચી દે છે. મધુ આવે ત્યારે પ્રભાતે પાર્વતીને અર્પવા માટેનો પૂજાપો રાતે જ તૈયાર કરવાનો હોવાની વાત જણાવે છે. દરમિયાન કામદેવ–મદન આવે છે. મદન ‘હજો જય જગદ્વંદ્ય ગૌરીપદ-સરોજનો ’ – એમ કહે છે તો વસંતશ્રી ‘જય ત્રૈલોક્યશિવનો’ ઉચ્ચારે છે. મદન વસંતશ્રીને મધુનો સહકાર લઈ બીજા દિવસે વસંતપંચમી બેસતાં પૂર્વે કામોદ્દીપક વાતાવરણ માટેની બધી સાજસજાવટ પૂરી કરવાની સૂચના આપે છે. આમાંય `कुमारसंभव'નું ત્રીજા સર્ગનું વસંતવર્ણન પરોક્ષ રીતેય ઉપકારક થયું લાગે છે. “શુકો કિંશુકશાખાએ, કપોતો આમ્રકુંજમાં,
બલાકા ગાય ગગને, હંસો અંભોજપુંજમાં.” – એમ સાર્વત્રિક રીતે રમણીયતા – મધુરતા ફેલાવી દેવાનું વસંતશ્રીને કહેવામાં આવે છે. વસંતશ્રી મદનની વિદાય લઈ જાય છે. મદન ત્યારબાદ રતિને પણ સુસજ્જ થવાનો આદેશ આપે છે. કહે છે  “અંગોઅંગે દીપો દીપ્તિ મારા હૃદનુરાગની,
વામાંક ભરી તારે છે બેસવાનું સુહાગિણી ” ને રતિ તેને સ્નેહાવેગે ટપારતાં કહે છે  “એ તો બેસીશ હું ખાસ્સી, હમણાં તો તું એકલો
અર્ધાસને રતિ વિના બેઠો સમિતિમાં ભલો ” મદન તરુત જ રતિનો મહિમા સૂચવતાં કહે છે  “જે થયું ના ઇન્દ્રથી તે થશે તારા પ્રભાવથી.
આસનાર્થે રહ્યો છે એ, છે તારું અધિકારથી.” રતિ દેવોની સ્વાર્થી ચાલથી મદનને ચેતવે છે. મદનના શિવ-સંકલ્પની દુષ્કરતા તે બતાવે છે. તે પૂછે છે  “સ્વર્ગંગા–શીકરે ઇન્દ્રચાપ દીઠું જગે કહે,
કે શુચિ શિવહૈયે તું રમણા રાગની ચહે ” મદન રતિને સાહસભીરુ ન થવા કહે છે. રતિ મદનનો ગાઢ આશ્લેષ વાંછે છે. એ કહે છે  ‘પામવો સુંદરીસ્નેહ એય ઓછું ન સાહસ.’ ને પછી પૂછે છે  ‘તને ના સમજાતી તે વેદના યુગલો તણી ’ ને ત્યારબાદ કહે છે  “વિસંવાદ, સખા, આ તો ટાળવો એ જ ધર્મ છે,
તારું તો કામ  સંભોગ તે જ વૈરાગકર્મ છે.
યુગલે યુગલે આવ તું-હું હું-તું ફરી વળી,
પ્રીતિપાશે પરોવાયાં રમીએ રસમાં ગળી.
ન હું બોલાવું તે મારા સ્વાર્થે, સૌ કોઈ જંતુનાં
હૈયે હું વાંછું છું મેળ  સંધાન ઉરતંતુનાં.” મદન રતિના ‘તું-હું’ ‘હું-તું’ એવાં દ્વૈતભાવનિર્દેશક પદોથી વેદના અનુભવે છે. તે કહે છે  ‘આજે હું કહું છું વ્હાલી  વૈરાગ તે જ ભોગ છે,
ન તેમાં આપણો માત્ર વિશ્વનો શુભ યોગ છે.’ મદન દ્વંદ્વાતીત – અદ્વૈત સ્થિતિની અપેક્ષા રાખે છે. રતિ ‘બે છીએ, તો છે રમણમાધુરી’ એમ કહે છે ખરી, પરંતુ મદન તુરત વિખૂટાં પડતાં એ રમણા પૂરી થતી હોવાની હકીકત જણાવે છે. મદન આ દ્વંદ્વાત્મક સ્થિતિમાંથી ઊર્ધ્વીકરણ – મુક્તિ ઝંખે છે, ને ત્યાં જ શિવ–પાર્વતીનો યોગ સિદ્ધ કરવાના નિમિત્તે મદનને રતિ સાથે એકાકાર થવાની – એમ થતાં સંભવિત શિવ–પાર્વતી યોગે સૂક્ષ્મ અદ્વૈત સાધવાની દિશામાં આગળ વધવાની તક મળી રહે છે. મદન કઈ પરિસ્થિતિમાં કયા ખ્યાલથી ઇન્દ્રે સોંપેલ શિવ–પાર્વતીનો સમાગમ કરાવવાનું કાર્ય પોતે, સ્વીકાર્યું તેનો ખ્યાલ આપે છે. કવિ અહીં મૌલિક રીતે એક સુંદર પ્રસંગ મૂકે છે અને એમ કરતાં કાવ્યાભિવ્યક્તિમાં પણ આસ્વાદ્ય ઉન્નયન ભાવ-લયનું સિદ્ધ કરે છે. કામદેવ પાર્વતી–ત્રૈલોક્યસુંદરી–ની શિવપૂજા નિહાળે છે. શિવનું લોકોત્તર દર્શન તે કરે છે  “સુધા, હા શી સુધા સોહે વક્ષે, ભાલે બધે ડિલે;
મીંચેલાં લોચનોનાં તે પોપચેયે સુધા ખીલે.
સુધા તે અન્ય ના કોઈ, ધન્ય તે ભસ્મ કેવલ,
વિશ્વની વાસનાઓને મથી ઉદ્ભવી નિર્મલ.
એ સુધાની છાંયડીમાં સર્પો શા પુષ્પમાલ-શા 
કંઠે ગરલની ઘૂંટ ગ્રહે સંજીવની-દશા 
દૃઢતા આસને ગાઢ પ્રસાદવદને સ્ફુરે,
ઊઘડ્યાં જગસૌભાગ્યો ભાલે કલેન્દુ-અંકુરે.” મદનનો આ શિવ-સાક્ષાત્કાર જ વસ્તુત: તો છે. ‘આપણી આશનો તંતુ એક એ ભવ્ય સત્ શિવ’ – એમ મદન કહે છે પણ ખરો. મદન મહાદેવ દ્વારા કોઈ પ્રીતિરસાયને દેહમનની દ્વૈતતાને ગાળી નાખવાની તીવ્ર ઝંખના કરે છે. પ્રિયપ્રિયસીને નિરતીન્દ્રિય ઐક્યે સાંધે – બે દેહમનઆત્માને એકમાં વણી લે એવી દાંપત્યાવસ્થાની સ્પૃહા મદનને થાય છે. એ અવસ્થા શિવ–પાર્વતી-યોગે સિદ્ધ થાય એમાં પોતાના સ્વાર્પણ સુધીની તૈયારી – હોંશ મદનની થાય છે ને તેથી રતિનીયે સંમતિ લીધા વિના, અથવા રતિની તો આવી બાબતે સંમતિ હોય જ એમ માની લઈને ઇન્દ્રના કાર્યપ્રસ્તાવને, દાંપત્યસ્નેહની ઉત્કૃષ્ટ યોગસાધનાના લક્ષ્ય માટે થઈને જ સ્વીકારે છે. તારકાસુરની હત્યા માટેના કુમારસંભવની બાબત અહીં એટલી અગત્યની નથી જેટલી અગત્યની બાબત છે શિવ–પાર્વતીનો દાંપત્યયોગ – એમનો અર્ધનારીશ્વરરૂપ અદ્વૈતયોગ. મદનની મનીષા શિવ-રૂપ થવાની છે, તો રતિની મનીષા શિવ પર ગિરિજા દ્વારા વિજય પ્રાપ્ત કરી વિજયારૂપ થવાની છે. છેવટે તો બેયનું લક્ષ્ય દાંપત્યજીવનનું અદ્વૈત સાધવાનું છે અને એ સાધનાયજ્ઞે જે કંઈ આહુતિ આપવી પડે તે આપવાની બંનેની તૈયારી છે. મદન છેલ્લે રતિને નવ્યજીવને શિવ-રૂપે તો રતિ મદનને વિજયા-રૂપે મળવાની શ્રદ્ધા વ્યક્ત કરીને વિરમે છે. આવું દાંપત્યનું અદ્વૈત આસુરી તત્ત્વના વિનાશ માટેનું દૈવી બળ – વિશ્વમાંગલ્યનું ફળ સિદ્ધ કરીને જ રહેવાનું એવી શ્રદ્ધાયે અહીં વ્યક્ત થઈને રહે છે. આ કાવ્યમાં રતિ, રામપ્રસાદ બક્ષી સૂચવે છે તેમ, ‘નારી-ચૈતન્યમાં સ્ફુરતી’ પ્રિયાભાવનાનું પ્રતીક છે; જ્યારે મદન નરના ચૈતન્યમાં રહેલી ‘કામુક’ ભાવનાનું પ્રતીક છે.૨૫૬ આ રતિ–મદનનું યુગલ – એમની બેલડી એ આદર્શ નથી. આદર્શ તો છે રતિ–મદનની એકરૂપતા. બંને મળીને એક થાય છે. રતિ-મદન અન્યોન્યનાં પૂરક છે. આ રતિ–મદનની એકરૂપતા જગતના પિતર્ – માંગલ્યના અધિષ્ઠાતા શિવ–ગૌરીના સાયુજ્યે સંસિદ્ધ થતી ‘અર્ધનારીશ્વર’માં રૂપાંતરિત થાય એ જ આદર્શ છે. આ કાવ્યમાં કામદેવની ભસ્માવશેષની વાત આમ આવતી નથી, પરંતુ પેલી અદ્વૈતસાધનામાં પ્રણયનાં સ્થૂલ તત્ત્વોના નાશનું સૂચન તો મળી જ રહે છે. રતિ-મદનની ભૂમિકા શિવ–પાર્વતીયોગ કે અર્ધનારીશ્વર-અવસ્થાની સિદ્ધિમાં નિરર્થક નથી, બલકે અનિવાર્ય છે એ સૂચન પણ અહીં મળી રહે છે. રામપ્રસાદ શુક્લે આ સંદર્ભે સરસ લખ્યું છે. તેઓ જણાવે છે  ‘રતિ-મદનની વેદના વિના શિવગૌરીનું અર્ધનારીશ્વરત્વ ન જ પ્રગટત. એક રીતે કહીએ તો મદનના વિનાશના શિરોબિંદુરૂપે જ અર્ધનારીશ્વરત્વ છે.’ રામપ્રસાદે ઉમાશંકરની વાતને બીજી રીતે, પણ ધ્યાનપાત્ર રીતે રજૂ કરી છે.૨૫૭ આ કાવ્યમાં રૂપકનું તત્ત્વ વધુ ભળ્યું હોવાનું ડોલરરાય માને છે. તેઓ લખે છે  ‘વચમાં પ્રવેશ અને નિષ્ક્રમ થાય છે તેથી પણ આ તત્ત્વ ખીલે છે. રતિ અને વસંતશ્રી વચ્ચેનો સંવાદ અભિનયક્ષમ વધુ છે. તેમણે કાવ્યગત સુંદર વર્ણનખંડો – કલ્પનામંડિત પદ્યખંડોનો પણ નિર્દેશ કર્યો છે અને પરિસંખ્યા જેવા અલંકારના સૌન્દર્યનું પણ સૂચન કર્યું છે. રતિ–મદનને ‘ખમાતું હે નથી નાથ  ભીડી લે ઝટ બાથમાં – નહીં  લે, હું જ...’ એમ કહે છે – તેમાં પ્રગટતી રતિની ઊર્મિ-ઉત્કટતા તેમને અસ્થાને જણાય છે. તેમનો આ મુદ્દો ચિંત્ય છે. ભૃગુરાય અંજારિયા આ કાવ્ય વિશે લખે છે  “ ‘રતિ–મદન’માં કવિને જે ભાવના અભિપ્રેત છે તે આ સંવાદ-કાવ્યમાં પૂરેપૂરી મૂકી શકાઈ નથી. અને મૂકી છે તેટલી કાવ્યના મર્મ તરીકે નહીં પણ પાત્રો વચ્ચેની ચર્ચા રૂપે જ. ‘રતિ–મદન’ અને ‘કુબ્જા’માં સંવાદનો નહીં પણ કથાનો રસ વહે છે.”૨૫૮ ભૃગુરાયની વાત બીજી રીતે આપણે મૂકી શકીએ. ઉમાશંકરે ‘રતિ–મદન’ દ્વારા સ્ત્રી-પુરુષના અદ્વૈત-સંબંધને અનુલક્ષતી જે ભાવના પ્રગટ કરી છે તે કદાચ વધુ ધારદાર રીતે, વધુ ભાવનાગત અનુભવસંદર્ભોનો વિનિયોગ કરીને પ્રગટ કરી શક્યા હોત. એમ છતાં ઉમાશંકરના ‘રતિ-મદન’ના પ્રયાસમાં એમની નજર તો પોતાને અભિપ્રેત ભાવના પર સાદ્યંત કરી હોવાનું સહેજેય ભાવક જોઈ શકે એમ છે. વળી ‘રતિ–મદન’માં કાવ્યના રસ સાથે સંવાદનો રસ પણ છે જ, અલબત્ત, સંવાદની જે ઉત્કૃષ્ટતા ‘કર્ણ–કૃષ્ણ’ કે ‘બાલ રાહુલ’માં છે તે અત્રે નથી ને તેનું એક કારણ સંવાદેતર અન્ય નાટ્યલક્ષી – રૂપકલક્ષી તત્ત્વો તરફનું કવિનું ધ્યાન રહ્યું છે તે પણ છે. દીપક મહેતાનો ‘રતિ–મદન’ વિશેનો અભિપ્રાય પણ મહદંશે ભૃગુરાયના અભિપ્રાયને મળતો આવે છે. તેમને આ કાવ્યમાં ઉમાશંકરની ભાવના વિશદ રીતે રજૂ ન થઈ હોવાનું લાગે છે. એમના ચિત્ત પર આ કૃતિની ધૂંધળી છાપ ઊઠે છે. છાપ ધૂંધળી ઊઠવી એ એક વાત છે ને છાપ ‘સ્પષ્ટ-સુરેખ’ ન ઊઠવી એ બીજી વાત છે. એમણે કંઈક બે વાત ભેગી કરી લીધી લાગે છે. તેમણે ‘રતિ–મદન’ના સંવાદમાં ‘સ્પ્લીટવર્સ’નો જે પ્રયોગ થયો છે તેની નોંધ જરૂર લીધી છે. પ્રેમશંકર ભટ્ટે ‘રતિ–મદન’માં મદન દ્વારા વર્ણિત પ્રસંગને ‘પેરેલલ પ્લૉટ’ તરીકે રૂપકના ઉપવસ્તુ કે સમાંતરવસ્તુ તરીકે ઓળખાવવા પ્રયત્ન કર્યો છે, પણ તે બિનજરૂરી છે. ચંદ્રકાન્ત મહેતા ‘રતિ–મદન’માં વ્યક્તિવાદ અને સમષ્ટિવાદ વચ્ચેના સંઘર્ષનું તત્ત્વ જુએ છે અને આગ્રહી મદનની આગળ રતિનું ઝૂકી જવું – તેમાં સમષ્ટિવાદનો વિજય જુએ છે. આવા પ્રકારનાં કાવ્યોમાં ડૉ. મહેતાએ કર્યાં એવાં અર્થઘટનોને અવકાશ જરૂર હોય છે, પણ તેથી કાવ્યની એકંદરે જે સિદ્ધિ છે તે બાબતમાં કશો ઉલ્લેખનીય પ્રકાશ મળતો નથી. કવિની ખરી ખૂબી તો કામદહન પૂર્વેની ક્ષણની આ કાવ્ય પૂરતું પસંદગી કરવામાં દેખાય છે. પોતાના સાહસનાં બધાં જોખમો જાણવા છતાં મદને શિવના ધ્યાનભંગ માટે જે વીરોચિત સજ્જતા દાખવી, એ સજ્જતાના મૂળમાં કવિદૃષ્ટિને જે રહસ્યદર્શન–ભાવનાદર્શન થયું છે તેનું અહીં નિરૂપણ છે. મદન અહીં કેવળ ‘મદન’રૂપે દેખાતો નથી. શિવને ચલિત કરાવવા પૂરતો જ એનો રસ નથી. શિવનો ઉમા સાથે સુયોગ રચાય એમાં એનો રસ છે. કામદેવની કામગીરી એ રીતે અહીં વિધેયાત્મક ને સ્વયં શિવને ઉપકારક – શિવપૂજાના એક ભાગરૂપ જ બની રહે છે. કામદેવ – મદન પોતે જ શિવસ્વરૂપ થવાની અભિલાષા સેવે છે અને એ રીતે કવિએ કાવ્યને અપૂર્વ વળાંક – મરોડ આપ્યો છે. કાવ્યમાં રતિ–મદન–વસંતશ્રીની ઉપસ્થિતિએ શૃંગારરસ તો હોય જ, પણ અહીં શૃંગારમાંથી ક્રમશ: શાંતમાં રસાવસ્થાનું સૂક્ષ્મ આરોહણ – ઊર્ધ્વીકરણ થતું પામી શકાય છે. કાવ્યને કવિએ દૃશ્યાત્મક ગુણો સમર્પવામાં ઠીક અવધાન રાખ્યું છે. કાવ્યના ઘટનાગુંફનમાં પણ કંઈક સંકુલતા દાખવી છે. કાવ્યના આરંભનું અટારીએ ઝૂલતી અંગનાનું ચિત્ર પણ રસિક છે. વચ્ચે વચ્ચે આવતાં સ્નેહ ને વસંતસૌન્દર્યનાં ચિત્રોયે કવિની દૃશ્યસંવેદનાનાં આકર્ષક રૂપ પ્રગટ કરે છે. S માર્ક સ્કોરરે (Mark Schorer) ‘technique as discovery’-ની વાત નવલકથાના સંદર્ભમાં કરી છે. આ કૃતિઓના સંદર્ભમાં પણ ટૅક્નિકની ખોજનો પ્રશ્ન વિચારવો રસપ્રદ થઈ શકે. એ લેખ માટે જુઓ, Critical Approaches to Fiction, P.૨૬૭–૨૮૩. કવિએ આ કાવ્યમાં વાપરેલા અનુષ્ટુપની પણ વિલક્ષણ છટા છે. સંવાદ-કાવ્યમાં પહેલી વાર અહીં અનુષ્ટુપનો સાદ્યંત વિનિયોગ થાય છે. કવિએ અનુષ્ટુપની છટાઓનો ખાસ્સો લાભ લીધો છે. છંદ મોળો પડતો નથી, પણ એની રસાત્મકતા – એની લયચ્છટા અહીં વધી છે. ૬. આશંકા ‘પ્રાચીના’માં ‘બાલ રાહુલ’ જો બુદ્ધની જીવનકથા પર આધારિત સંવાદ-કાવ્ય છે તો આ બીજું કાવ્ય ‘આશંકા’ ‘આશંકા જાતક’ નામની એક બૌદ્ધ જાતકકથાની સાથે સંકળાયેલું છે. જોકે કાવ્યના આરંભે પ્રાસ્તાવિક નોંધમાં તેમણે જણાવ્યું છે તે પ્રમાણે આ કાવ્ય સૂઝ્યું લંકાના એક પ્રાચીન ભિત્તિચિત્રની ઈરાની કલાકાર કચાદોરિયાંએ કરેલી ચિત્ર-નકલ ડિસેમ્બર, ૧૯૪૦ના ‘કુમાર’માં જોતાં. આ ચિત્ર સાથે ‘કુમારે’ જે નોંધ આપેલી તેમાં જણાવ્યા અનુસાર બોધિસત્ત્વ એક વાર ઋષિ-અવતારમાં હિમાલયમાં એકાંતમાં તપ કરતા હતા. શાપ પામતાં કમળના પુષ્પમાં જન્મેલી સ્વર્ગની એક સદ્ગુણવતી અપ્સરા તેમના હાથે ચડી. ઋષિએ તેનું નામ આશંકા પાડ્યું, કેમ કે તેના જન્મનું રહસ્ય તેઓ જાણતા નહોતા. ઋષિએ આશંકાને ઉછેરી મોટી કરી. આ આશંકાના રૂપસૌન્દર્યની વાતો સાંભળી બનાદરાનો રાજા બ્રહ્મદત્ત ઋષિના આશ્રમે આવ્યો, તેણે ઋષિ આગળ આશંકાને પરણવાની ઇચ્છા વ્યક્ત કરી. ઋષિએ એ ઇચ્છા પૂરી કરવાની એક શરતે હા પાડી કે રાજા તેનું નામ કહી આપે. રાજા બ્રહ્મદત્તે ત્રણ વર્ષ સુધી આશંકાનું નામ જાણવા મથામણ કરી, પણ ન ફાવ્યો. અંતે થાકીને પાછો ફરવાની તૈયારી કરે છે ને વિદાયવેળાએ છેલ્લી ઘડીએ ‘આશંકા’ નામ જીભે આવી જાય છે ને પરિણામે તેનું આશંકા સાથે લગ્ન શક્ય બને છે. કવિએ અહીં બ્રહ્મદત્તની આશ્રમને છોડી જવાની – વિદાયની ક્ષણ કાવ્યના આરંભ-બિન્દુ તરીકે પસંદ કરી છે. કવિની આ એક વિશિષ્ટ કલારીતિ છે. તેમણે રવીન્દ્રનાથ ઠાકુર કૃત ‘સતી’ના નગીનદાસ પારેખે કરેલા ગદ્યાનુવાદમાં આરંભે ‘હૃદયનું ધર્મદર્શન’ લેખમાં રવીન્દ્રનાથનાં પાંચ સંવાદકાવ્યોની બાબતમાં લખતાં જે જણાવેલું તે એમનાં ‘આશંકા’ જેવાં કાવ્યોને પણ લાગુ પડે છે. તેમણે ત્યાં લખ્યું છે  ‘આવી રચનાઓમાં સામાન્ય પદ્ધતિ એ હોય છે કે પાત્રોના જીવનની સો સુધીની વાત કહેવી હોય તો સત્તાણું કે અઠ્ઠાણુંથી તે શરૂ કરવામાં આવે છે અને ત્યાંથી સો સુધી પહોંચતાં પહોંચતાં પાછલી એકથી સત્તાણું કે અઠ્ઠાણું સુધીની વાત સ્પષ્ટ ઇતિહાસકથન, પ્રાસંગિક સૂચન અને અનેક ઇંગિત, ધ્વનિ આદિ દ્વારા કહેવાય છે. જ્યાંથી વાત શરૂ થાય છે તે ક્ષણ પાત્રોના જીવનમાં એવી કટોકટીની હોય છે કે એમનો આખોયે ભૂતકાળ એ વર્તમાન ક્ષણ બે ક્ષણ રૂપે આવીને સાક્ષાત્ થાય છે. એ ક્ષણે પાત્રોનાં હૃદય એવાં હલમલી ઊઠ્યાં હોય છે કે પાછલી વાત ઠંડે કલેજે કહેવાતી નથી. એ ક્ષણના એમના સ્વરના કંપનમાં એમની બધી પાછલી આપવીતી ગુંજી ઊઠતી હોય છે. અને જે બે’ક ડગલાં તેઓ સાથે ચાલે છે તેમાં સારાયે જીવનની ખેંચાતી આવતી પાછલી બાકીનો હિસાબ ચૂકતે થઈ જાય છે.’ (સતી, ૧૯૪૮, પૃ. ૬) આ ટૅક્નિકનો ઉમાશંકરે મોટા ભાગનાં સંવાદ-કાવ્યોમાં વિનિયોગ કર્યો છે. કઈ ક્ષણથી ઘટનાવિષયનો આરંભ કરવો ને ક્યાં સમાપન કરવું – એ કલાકાર પાસે ઊંચા કલાવિવેકની આશા રાખે છે ને સદ્ભાગ્યે, એ કલાવિવેક ‘પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’ના આપણા કવિ સારી રીતે દાખવે છે. કાવ્યનો આરંભ બ્રહ્મદત્તની ઉક્તિથી થાય છે  ‘પ્રિયે ઘટે દેવી મને અનુજ્ઞા.’ રાજા આમ વિદાય માગે છે તેનું કારણ ‘રાજ્યે ચડ્યા શત્રુ’ તે છે. આ કારણ કવિએ પોતે ઉમેર્યું છે. રાજા પોતાનું નામ કહેવા જાય છે ને ત્યાં જ આશંકા એના નામનો ઉત્તરાર્ધ ‘દત્ત’ પોતે બોલતાં કહે છે કે પોતાનું નામ રટ્યાં કરો છો, માત્ર હું અભાગણીનું નામ જ દેવું નથી  રાજા પોતાની નિરુપાય સ્થિતિ બતાવતાં કહે છે  ‘હૈયે પડ્યું છે સ્ફુરતું ન હોઠે 
છુપાયું ક્યાં તે તુજ રૂપ ઓઠે ’ આ પંક્તિઓમાંનું સંવેદન વિશિષ્ટ ને તેથી આકર્ષક છે. રાજા ત્રણ વરસથી સતત મહેનત કરે છે, પણ ‘આશંકા’ નામ તેના હોઠે આવતું નથી. આશંકા પિતાની આજ્ઞા–અનુ-જ્ઞાનો નિર્દેશ કરે છે. પિતાએ કહેલું  ‘દો નામ ને આ લઈ જાઓ કન્યા.’ રાજા બ્રહ્મદત્તને એમ લાગે છે કે આ કન્યા (આશંકા) પોતાને માટે નિર્માઈ જ નથી. આશંકા બ્રહ્મદત્તને પૂછે છે કે ‘શું તમે એકલા જવું વિચાર્યું છે ’ રાજા કહે છે કે ‘જઈશ, કિન્તુ તુજ પ્રીતિ સાથ.’ વળી રાજા આશંકાના સાંત્વનાર્થે કહે છે કે ‘યુદ્ધકાર્ય પતાવી જયસ્વી થઈને ફરીથી તારી કને આવીશ, પ્રીતિનું તપ તપવા તપસ્વી થઈશ ને એક દિવસ જરૂર જિહ્વાગ્રથી તારું સુંદર નામ જપી તને પામીને રહીશ.’ રાજાની આશંકાની પ્રાપ્તિ માટેની શ્રદ્ધા અવિચલ છે. આશંકા બ્રહ્મદત્તને પોતાની વેદનાની વાત કરે છે. રાજા આશંકાને ‘આયુષ્યની શીળી સુધા’-રૂપે વર્ણવે છે. પ્રથમ મિલનના રમણીય પ્રસંગને પણ સ્મરે છે. વળી અનેક નામો આજ લગીમાં પોતે સ્મરતો રહ્યો હોવાનું પણ જણાવે છે ને એમ કરતાં રાજા આ પદ્મસમુદ્ભવા કન્યાનાં ‘પદ્મિની’થી આરંભીને અનેક નામો બોલવા માંડે છે. ૧૮ લઘુપંક્તિઓમાં તો રાજા ૬૫ જેટલાં નામ બોલી જાય છે  છેલ્લું નામ ‘સુસંગતા’ બોલે છે, ને આશંકા ટકોર કરે છે  ‘ન સંગતા જે શકતી થઈ કશે ’ રાજા ફરીથી કેટલાંક બીજાં નામ દે છે. એ નામ દેતાં ‘એવી તને જોઈ કહી જ આ... આ...’ આશંકા પોતાનું નામ બોલાશે એવા ઉત્સાહથી પૂછે છે  ‘શું, દેવ ’ ને બ્રહ્મદત કહે છે  ‘આશા’. આશંકા તુરત કહે છે  ‘નહિ ભાગ્યમાં આ ’ પોતાના ભાગ્યમાં જાણે રાજા સાથે રહેવાની હવે ‘આશા’ નથી. રાજા અનેક નામો બોલે છે, પણ એકેય ઉપયોગી થતું નહિ હોવાથી આશંકાનું મુખ બગડે છે. રાજા તેને ‘હાસ્યલ્હેરખી’ ધારવાનું કહે છે. આશંકા પૂછે છે  ‘જેવું દીસે આ અહીં કૌશજ્ઞાન,
શું રાજ્યકોશે પણ એવું ભાન ’ ને બ્રહ્મદત્ત ‘શોભે ન તેવાંય કહ્યાં જ નામ’ કહીને વળી એક પ્રયત્ન – ત્રીજો નામ દેવાનો કરે છે. બ્રહ્મદત્ત વક્રોક્તિચ્છટાનો લાભ લઈને કહે છે  “કાલી કહી, છે હૃદયાભિરામ
છે ગૌરકાન્તિ, કહી તોય કૃષ્ણા,
સિદ્ધ સ્વયં, તોય કહી જ તૃષ્ણા,
વિયોગભીતા અભયા કહી છતાં,
ચિંતારતા તોય કહી પ્રમોદિતા.
ગુરુ પ્રિયે તું, લઘિમા છતાં કહી.
વૃથા પ્રયત્નેય ઉરે તું થૈ રહી...” ને આમ બ્રહ્મદત્ત કહે છે ત્યાં આશંકાને કંઈક શ્રદ્ધા બંધાય છે ને રાજાને પૂછે છે  ‘શું શું જ ’ બ્રહ્મદત્ત જવાબ દે છે  ‘શ્રદ્ધા.’ ને આશંકા તુરત ટીકા કરતાં કહે છે  ‘બસ બેઠી તે હા – શ્રદ્ધા તમારી મુજ જીવ લેવા.’ બ્રહ્મદત્ત પ્રીતિપ્રસાદ પામ્યો હોઈ તેના બળે આ વિદાયટાણે પણ શ્રદ્ધાવાન રહે તે સમજી શકાય એમ છે. બ્રહ્મદત્તને વિદાયટાણે પૂર્વના રમણીય પ્રીતિપ્રસંગો યાદ આવે છે. પ્રિયતમાની હૈયાથડકે જન્માન્તર કેરી પ્રીતિ હોવાની જ ઊંડી સંપ્રતીતિ પોતે પામ્યા તેની વાત કરે છે. આશંકા તે સાથે જે વિધિવિધાન છે તેનો કંઈક વિધિ પ્રત્યેની કટુતાથી નિર્દેશ કરે છે  “પ્રતીતિ પામ્યા, મુજને ગુમાવી.
પિતાની આજ્ઞા નહિ યાદ આવી 
વિવાહપૂર્વે કરવો ન સ્પર્શ,
પામ્યા સરસ્તીર, શમે ન તર્ષ.
પામ્યા મહાપ્રીતિ, મળી ન પ્રેયસી.
એ જોઈ હોશે વિધિયે રહ્યો હસી.” બ્રહ્મદત્ત આ વિધિવિધાનનું સમર્થન કરતાં વળી કેટલીક કાવ્યભાવદૃષ્ટિએ રસિક વીગતો ઉમેરે છે. પોતે વિલાસિનીઓની પ્રસાધનક્રિયાઓમાં નિષ્ણાત હતો, પણ એ કલા અજમાવવાની તક વિધિસંજોગે પોતાની પ્રિયા આશંકાની બાબતમાં જ ન મળી શકી  ને આમ છતાં વિધિ આશંકા સાથેના સંબંધમાં આડખીલીરૂપ છતાં બ્રહ્મદત્તની ‘તને હું પામીશ જ કોક તો પળે.’ – એ શ્રદ્ધા અડીખમ રહીને રણકે છે. આ સમગ્ર કાવ્યમાં આશંકાના મળવા વિશે જ જ્યારે આશંકા છે ત્યારે પ્રીતિમાંથી સમુદ્ભવેલ શ્રદ્ધાનો વિજય-ટંકાર તો કોઈ ને કોઈ રીતે કૃતિમાંથી સતત સંભળાતો રહે છે. આશંકા દ્વારા એવું તો પાથેય બ્રહ્મદત્તને મળ્યું છે કે હવે પછીના જીવનમાં એ સતત અંતરતૃપ્તિ દેનારું નીવડશે એવી એને અખૂટ આશા છે. આશંકા બ્રહ્મદત્તના જવાથી પોતાનું સર્વસ્વ છીનવાઈ જશે એમ કહે છે. બ્રહ્મદત્ત આશંકાના પ્રીતિસભર દૃષ્ટિપાતનું સ્મરણ કરે છે. આશંકા એ દૃષ્ટિપાતે આજની વિદાયની આ કારમી ક્ષણ જ નહિ દેખાયાનો નિર્દેશ કરે છે. આશંકાની આંખ ભીની થાય છે. ધીરોદાત્ત નાયક એવો રાજા તેને ધીરજ ધરવા કહે છે, પણ પછી જે વાત કરે છે તેમાં રાજાની પણ પ્રણયવેદનાનું મર્મદારક નિરૂપણ મળે છે. રાજા પોતે પણ મધરાતો ઉજાગરે વિતાવતો ને ક્યારેક ગુફા છોડી ચાલી જવા કરતો. આવી વાતમાં આશંકા તરફથી રાણીનો પ્રશ્ન આવી લાગે છે. રાજા રાણીને ભૂલે એવા કૃતઘ્ન નથી અને એની નિખાલસ કબૂલાત આશંકા સમક્ષ કરે છે. એમ કરતાં શશાંકલેખા ને શુક્રતારાથી શોભતા આકાશનું ઉદાહરણ પણ આપે છે. બ્રહ્મદત્ત ને આશંકા વચ્ચેનો સંવાદ પ્રણયોપાલંભે કંઈક તીક્ષ્ણ પણ બને છે. બ્રહ્મદત્તને પ્રશ્ન થાય છે  ‘પ્રેમે ઠર્યો, પામી શક્યો તને ન કાં ’ આશંકાની પાસે આનો જવાબ તો બીજો શું હોઈ શકે આ પ્રશ્ન વિના  – ‘આવી પ્રિયાને શું ઘટે જ નામ ’ પણ બ્રહ્મદત્ત તો જવાના ખ્યાલમાં જ અટવાયેલો છે. આશંકા બ્રહ્મદત્તને પૂછે છે કે આ વખતનું જવું પેલાં રાત્રિપ્રયાણો જેવું તો નથી ને  બ્રહ્મદત્ત આ વખતે રાજ્યની પરિસ્થિતિનું જે બયાન આપે છે તેની ગંભીરતા જોતાં હવે તે રોકાઈ શકે એમ નથી એવું આશંકાને પણ કદાચ લાગે છે ને તેથી જ ‘જાઓ  રહ્યા જોઈ જ શું ’ એમ કહે છે, ને સદ્ભાગ્યે, ત્યાં જ બ્રહ્મદત્તને ઋષિ ઉષ:સ્નાન કરીને આવતા મળે છે. ઋષિ પૂછે છે  ‘વત્સ, પ્રસ્થાન કે પાછું  જવું છે એકલા જ શું ’ ઋષિએ ‘આશંકા’ શબ્દને આવવા – ગોઠવવાનો અવકાશ મળે એવો અનુષ્ટુપ યોજ્યો  જાણે ઋષિએ જ બ્રહ્મદત્ત–આશંકાના લગ્ન માટેની ભૂમિકા – અનુકૂળતા રચી દીધી ને જે આશંકા–બ્રહ્મદત્ત વચ્ચેના લાંબા સંવાદમાં સિદ્ધ ન થયું તે ઋષિના આગમને – ઋષિના શ્લોકચરણે સરલતાથી સિદ્ધ થયું  બ્રહ્મદત્તે કહ્યું  ‘શ્રદ્ધા સર્વે રહી મારી, આશંકા સાથ જૈશ હું.’ (ને બ્રહ્મદત્તની આ ઉક્તિમાં નજીકમાં જ ઘટનાર ઘટનાનોયે સંકેત એના અજાણતાં જ સ્પષ્ટપણે આપણે પામી શકીએ છીએ.) જ્યાં બ્રહ્મદત્ત શ્રદ્ધા છોડવાની વાત કરે છે ત્યાં જ શ્રદ્ધાનો દિગ્વિજય થઈને રહે છે  બ્રહ્મદત્તને માટે આશંકા હવે આશંકાનો ન નહિ, શ્રદ્ધાનો વિષય બની રહી છે. પ્રીતિબળે જ આશંકાનું સ્થાન શ્રદ્ધાએ લીધું. ઋષિએ આ નવદંપતીનું મંગલ વાંછ્યું. બંનેયે મધુર વિદાય લીધી ને શીલભદ્ર ઋષિના આશીર્વાદ–આનંદ આગળ કાવ્ય પણ વિરમે છે. ‘આશંકા’માં કવિનો કલાપ્રપંચ–વાક્પ્રપંચ ઊંચી પ્રતિનો છે. ડોલરરાય આ કાવ્યના વસ્તુને ઉત્પાદ્ય જ લેખે છે. એનું વસ્તુ પાતળું છતાં એમાં કલ્પનોડ્ડયનની વ્યાપકતા હોવાનું બતાવે છે. તેઓ આ કાવ્ય સંદર્ભે લખે છે  ‘આશંકા’માં વસ્તુ તો નહીં જેવું જ છે, છતાં કાવ્યનાં જુદાં જુદાં અંગો ઉપર કવિએ વાપરેલી કારીગીરીની સફલતા ઘણા ઊંચા પ્રકારની છે. છન્દની પસંદગીની પછવાડે રહેલી એક ઔચિત્યદૃષ્ટિ કવિએ પોતે જ સમજાવી છે. આશંકા અને બ્રહ્મદત્ત વચ્ચેનો સંવાદ, બે જ પાત્રો વચ્ચે થતો ૨૮૦ પંક્તિઓ સુધી લંબાતો સંવાદ છે, છતાં વૈવિધ્યપૂર્ણ અને આસ્વાદ્ય છે. નક્કર વસ્તુ નથી, છતાં કવિએ ગોઠવેલી નામાવલિ, બ્રહ્મદત્ત અને આશંકાના ત્રણ વર્ષના સંયમિત સહચારની સ્મૃતિઓ, આશંકાની અધીરાઈ અને બ્રહ્મદત્તની ઉદાત્ત ધૈર્યથી નિયંત્રિત બનતી અંતર્ગૂઢ ઉત્કટ ઊર્મિ વગેરે તત્ત્વોને કવિ ઔચિત્યભરી ભાષાવ્યક્તિથી બહુ જ આસ્વાદ્ય બનાવી શક્યા છે. રોજબરોજની વાતચીતની ભાષાછટા, આ કાવ્યના સંવાદમાં કવિ અનેક વાર લાવી શક્યા છે. જુઓ પંક્તિ ૯ – ૧૨; ૫૮ – ૫૯ વગેરે. પંક્તિ ૭૩ – ૧૧૫માં નામાવલિ ગોઠવી છે તેમાં પણ કવિત્વભર્યા કર્ણમધુર નામોના અંતર્ગત અનુપ્રાસથી, વચ્ચે અન્વયાર્થ નામો આપવાથી અને અન્તે વિરોધમૂલક નામો ગણાવવાથી એકવિધતા ટાળી શકાઈ છે. કવિની કારીગરીનો આ, ખરેખર, સુંદર નમૂનો છે.’ (કાવ્યવિવેચન, પૃ. ૨૦૪–૫) ડોલરરાયે આ કાવ્ય વિશે જે કહ્યું છે તે પછી ભાગ્યે જ કશું મહત્ત્વનું ઉમેરવાનું રહે. ધીરોદાત્ત નાયક અને અધીરી નાયિકા વચ્ચે સંવાદ ચલાવીને કવિએ કલાનું તત્ત્વ ઠીક ઠીક પ્રગટ કર્યું છે. ડોલરરાય લખે છે  ‘આખાય કાવ્યમાં નાયિકાને જરા અધીરી ચીતરી છે, પણ નાયકને તો ધીરોદાત્ત જ ચીતર્યો છે અને ધીરોદાત્તને અનુરૂપ ગૂઢ ઉત્કટ ઊર્મિ, આવશ્યક એવાં કલ્પનોડ્ડયનો છતાં સળંગ વહેતો સંયમ નિરૂપવામાં કવિને ખૂબ સફળતા મળી છે.’૨૫૯ ડોલરરાયે કાવ્યમાં છંદના સુભગ પ્રયોગની, અનુપ્રાસ યમક તેમ જ ઉપમારૂપકાદિ અલંકારોના સમુચિત વિનિયોગની, સૌકુમાર્ય, માધુર્ય ને પ્રસાદ ગુણની સતત ગૂંથણી તેમ જ વિચાર–ઊર્મિ–કલ્પનાના અનુરૂપ મિશ્રણની વાત કરી કાવ્યની ‘શ્લેષધ્વનિકાવ્ય’ તરીકે સારી એવી પ્રશંસા કરી છે. આ ‘શ્લેષધ્વનિકાવ્ય’ની સંજ્ઞાના ઔચિત્ય સંબંધે પ્રા. દીપક મહેતાએ ચર્ચા કરી છે. પ્રા. દીપક મહેતાએ ડોલરરાયે પ્રયોજેલા ‘શ્લેષધ્વનિકાવ્ય’નો ‘શ્લેષમૂલક ધ્વનિકાવ્ય’ એવો અર્થ ઘટાવી, પછી એવા અર્થઘટનનું ખંડન કર્યું છે  સાદી વાત ગૂંચવીને ઉકેલવાનો આ પાંડિત્યદર્શી પ્રયાસ છે. વસ્તુત: તો નાયક બ્રહ્મદત્ત ‘આશંકા સાથ જૈશ હું’ કહે છે ત્યારે એનો એ પ્રયોગ અભિધાની રીતે જ થયેલો પ્રયોગ છે. પરંતુ એ ‘આશંકા’ શબ્દ નાયિકાનું નામ છે ને ઋષિ તે જાણે છે, આપણે શ્રોતાઓ (કે પ્રેક્ષકો ) પણ તે જાણીએ છીએ એટલે નાયિકા, ઋષિ તેમ જ આપણા ચિત્તમાં ‘આશંકા’નો બીજો અર્થ ‘આશંકા નામની કન્યા’ એ સૂચિત થાય છે. એટલે ‘આશંકા’ શબ્દનો પ્રયોગ કરનારે શ્લેષ વાપર્યો નથી, શ્લેષ તો સૂચિત થાય છે સાંભળનારના ચિત્તમાં. આ સંદર્ભમાં ડોલરરાયની ‘શ્લેકધ્વનિ’ની સંજ્ઞા ‘શ્લેષરૂપ ધ્વનિ’ના અર્થમાં ગ્રહણ કરવી જોઈએ એમ લાગે છે. વળી “કાવ્યના અંતને ‘શ્લેષધ્વનિ’ નામ આપવા કરતાં તેને વક્તા કે શ્રોતા કે ઉભયમૂલક આર્થી વ્યંજનાનું ઉદાહરણ ગણવું જ વધારે ઉચિત જણાય છે.” – આ શ્રી દીપક મહેતાની વાત વધુ સ્પષ્ટતા વિના ચર્ચવી મુશ્કેલ છે. ‘આશંકા’ને રામપ્રસાદ બક્ષીએ ‘એક જાતકકથાના પ્રણયપ્રસંગને વાણીના વૈભવથી અને વૈદગ્ધ્યથી રમ્યતર બનાવતું કાવ્ય’ લેખ્યું છે.૨૬૦ ભૃગુરાયે ‘આશંકા’નો ‘સહુથી વધારે સુરેખ અને સચોટ થતાં’ કાવ્યોમાં સમાવેશ કર્યો છે. આ ‘સુંદર કાવ્ય’ વિશે વાત કરતાં સમગ્ર ‘પ્રાચીના’ વિશે જે વિધાન કરે છે તે બહુ મહત્ત્વનું છે. તેઓ ‘આશંકા’ની વાત પછી લખે છે  ‘આ ઉપરથી મને એમ લાગે છે કે કવિએ સ્વીકારેલાં કાવ્યસ્વરૂપમાં એવું કોઈ નડતર કે મર્યાદા છે કે જેથી એમાં અતિ ગંભીર ભાવો, મંથનો ઇત્યાદિનું સચોટ ગંભીર ભાવે આલેખન, સંપૂર્ણ વ્યક્તિત્વ હોય એવાં અનેક પાત્રોનો સંઘર્ષ અને બહુ પ્રસંગો દ્વારા નિષ્પન્ન થતું કાર્ય નિરૂપી શકાતાં નથી. આ મર્યાદાને લઈને આ કાવ્યોને નાટકો એટલે કાવ્યનાટકો કહી શકાય નહીં. વ્યક્તિત્વની ઘેરી છાંટ વિનાનાં, મર્યાદિત પ્રકારના સંવાદનો જ આનંદ આપી શકે એવાં આ સંવાદકાવ્યો છે. સંવાદમાં જોઈએ તેટલાં જ – એટલે કે બે કે ત્રણ પાત્રો, એક જ પ્રસંગ અને બહુ કાર્ય કે કાર્યનું વર્ણન ન માગી લે તેવા વિષયની પસંદગી – એ કારણોને લઈને મને ઉપરનાં કાવ્યો સહુથી વધારે સુરેખ અને સચોટ થતાં લાગ્યાં છે.’ (શ્રી ફા. ગુ. સ. ત્રૈ., ઑક્ટો. – ડિસે., ૧૯૬૬, પૃ. ૧૮૩) ભૃગુરાયનું આ વિધાન ‘કાવ્યનાટક’ (કાવ્યો નાટકરૂપ એ અર્થમાં) પાસેથી કેવી કેવી અપેક્ષાઓ હોય છે અને ‘પ્રાચીના’ની કૃતિઓ કઈ રીતે એ બધી અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડી છે તે મુદ્દા પર પ્રકાશ ફેંકે છે. ‘પ્રાચીના’નાં કાવ્યો નાટકો ન બનતાં હોવાની વાત સ્વીકારાય પરંતુ ‘પ્રાચીના’ની બધી કૃતિઓ કેવળ સંવાદ આગળ જ અટકી જાય એમ માની લેવાય નહિ; કેમ કે, કુબ્જા જેવાં સંવાદ-કાવ્યો દ્વારા કવિએ નાટ્યાર્થને લક્ષિત તો કર્યો જ છે. નિષ્ફળ નાટક એટલે સંવાદ એમ તો ન જ હોય. આ પ્રાચીનાની કૃતિઓ સાધારણ અર્થમાં સંવાદકાવ્યો જ છે, પરંતુ કર્તાએ આ સંવાદો દૃશ્યાત્મકતાના લક્ષ્યથી લખ્યા હોઈ કેવળ સંવાદો ને આ સંવાદોમાં ફેર પડે છે. ભૃગુરાયે આ વસ્તુની નોંધ પણ લેવી જોઈતી હતી. હસિત બૂચ ‘આશંકા’માં અગાઉના પદ્યસંવાદો જેવું ચિંતનગાંભીર્ય નહિ હોવાનું નોંધે છે ને તે ખરું છે. કવિએ પણ કોઈ મોટો રહસ્યાનુભવ અહીં રજૂ કરવાનું લક્ષ્ય સેવ્યું નથી. તેમણે તો આટલું ખાસ બતાવવું છે  “...માણસને જ્યારે લાગે છે કે પોતે સંશયસાગરને તળિયે પહોંચ્યો ત્યાં જ એનો હાથ શ્રદ્ધા ઉપર જતો પડે છે. અહીં એ વાત પ્રેમના અનુભવક્ષેત્રમાં નિરૂપાઈ છે.” કવિએ એમનું લક્ષ્ય લીલયા સિદ્ધ કર્યું છે એ તુરત જ જણાશે. આ કાવ્યનું ‘હળવું વાતાવરણ’ વૈવિધ્ય સર્જે છે એવી હસિત બૂચની લાગણી એકંદરે સાચી છે. ડૉ. ચંદ્રકાન્ત મહેતા ‘આશંકા’ને ‘નબળું કાવ્ય’ કહે છે. એમણે એનાં કારણો ચર્ચ્યાં હોત તો ઇષ્ટ લેખાત. તેમણે ‘આશંકા’ને ‘હળવું’ કાવ્ય લેખ્યું છે અને એ અંગે ટીકા કરતાં લખ્યું છે કે ‘એમાં નામોની જે યાદી આવે છે તેથી કાવ્ય શબ્દરમત જેવું બની ગયું છે. જોકે આ સંગ્રહમાંના અન્ય ગંભીર પ્રસંગોની સરખામણી(માં) આ કાવ્યનો હળવો પ્રસંગ અને રજૂઆત જુદું જ વાતાવરણ જમાવે છે.’૨૬૧ રમણ કોઠારી આશંકામુખે થતા રાણીના નિર્દેશમાં અનૌચિત્ય જુએ છે.૨૬૨ એમનો એ અભિપ્રાય જરૂર વિચારવા જેવો છે જ. આશંકા જે રીતે રાણીની વાત કરી, નગરની સ્ત્રીઓથી પોતાને અલગ ગણવાની વાત કરે છે તેમાં આશંકાનું કંઈક અનુદાત્ત ચિત્ર ઊપસતું લાગે. જોકે એની આવી પરિસ્થિતિ પ્રણયગત અધીરતાને પણ આભારી હોઈ ન શકે  આમ બૌદ્ધ જાતકતથા પર આધારિત ‘આશંકા’ કાવ્યમાં બૌદ્ધધર્મ-વિષયક કશી વાત નથી. કાવ્ય પ્રેમશ્રદ્ધાના જ રહસ્યને લક્ષ્ય કરે છે. એમાં વિધિનો અવાજ પણ છે. આ કાવ્ય કવિની સંવાદની કેટલીક હળવી-મધુર લઢણોનું પણ દ્યોતક છે. કવિની કલ્પનાશક્તિનો તેમ જ વાક્શક્તિનો પ્રભાવ આ કાવ્યમાં સ્પષ્ટ છે. તુચ્છ લાગે એવી ઘટનાનેય કવિ કઈ રીતે રહસ્ય-ઘન બનાવે છે તેનું આ એક ધ્યાનાર્હ દૃષ્ટાંત છે. ૭. કુબ્જા ‘કુબ્જા’નું વસ્તુ શ્રીમદ્ભાગવતSના દશમસ્કંધ (પૂર્વાર્ધ) –ના અધ્યાય ૪૧થી ૪૮ પર આધારિત છે. ખાસ કરીને અધ્યાય ૪૨ ને ૪૮ કુબ્જાની કથા પૂરતું અગત્યના છે. કવિએ ભાગવતના કૃષ્ણ-કુબ્જાના પ્રસંગનું, રામપ્રસાદ બક્ષી કહે છે તેમ, આ કાવ્યમાં ‘બહુલીકરણ અને અનુપૂરણ’ કર્યું છે. કંસે પોતાને કૃષ્ણ-બલરામ વિશે ગંધ આવતાં, તેમનો ઘાટ ઘડવા બંનેને અક્રૂર દ્વારા મથુરા બોલાવ્યા. મથુરામાં રસ્તે ચાલતાં ધોબી મળ્યો. તેની પાસે ધોયેલાં વસ્ત્ર માગ્યાં. તે ન આપ્યાં એટલે તેનો શિરચ્છેદ કરી નાખ્યો. પછી દરજી પાસે સુંદર પહેરવેશ તૈયાર કરાવ્યો ને બધાએ પહેર્યો. એ પછી આગળ જતાં માળી મળ્યો, તેની પાસેથી પુષ્પમાળાઓ ગ્રહણ કરી. ત્યાંથી રસ્તે આગળ જતાં એક સુંદર મુખવાળી પણ ખૂંધી (કુબ્જા) યુવતી મળી. તેના હાથમાં સુગંધી લેપસામગ્રી હતી. કૃષ્ણે તેની પાસે લેપનની અપેક્ષા કરી. કુબ્જાએ કંસની પરવા કર્યા વિના કંસ માટેની લેપનસામગ્રીનો વિનિયોગ કૃષ્ણ માટે કર્યો. કુબ્જાના લેપનથી પ્રસન્ન થયેલા કૃષ્ણે એના પગના ફણાને પગથી દબાવી હડપચી નીચે બે આંગળી રાખી એને ઊંચકી. કુબ્જાનું કુબ્જત્વ ટળી ગયું. તે કૃષ્ણ માટે કામવિહ્વલ થઈ અને તેણે કૃષ્ણને પોતાની સાથે ક્રીડા કરવા પ્રાર્થના કરી. કૃષ્ણે પોતાનું મથુરા-આગમનનું કાર્ય પતી જાય પછી આવવાની બાંહેધરી આપી. તે પછી કૃષ્ણે અનેક પરાક્રમો કર્યાં, કંસને હણ્યો, વિદ્યાભ્યાસ પણ કરી લીધો, ત્યારબાદ મથુરા આવી કુબ્જાને ત્યાં જઈ તેને કામવર આપી કૃષ્ણ સ્વસ્થાને ગયા. કવિએ ઉપર્યુક્ત વસ્તુને આ કાવ્યમાં વિષય બનાવતાં, મૂળના સ્થૂલ અંશોની પારનાં સૂક્ષ્મ પરિમાણોને પણ નજરમાં રાખ્યાં છે. કુબ્જા એટલે કુંઠિતચિત્ત (infantile) જીવ, ‘શૃંખલિત આત્મા’. એનો વિકાસ ઈશ્વરાનુગ્રહે શૌર્ય-પ્રેમનો અનુભવ થતાં થાય છે; શૌર્ય-પ્રેમે એ આત્માનું કુબ્જત્વ વિગલિત થઈ સ્વત્વના પરિપૂર્ણ વિકાસનો લાભ મળે છે. આ કાવ્યમાં નિરૂપણવેળાએ આ ભૂમિકા પણ કવિએ ખ્યાલમાં રાખી છે. કવિએ આ કાવ્યમાં ‘તરલા’, ‘સરલા’ જેવાં કલ્પિત પાત્રો પણ ઉમેર્યાં છે. કાવ્યનો આરંભ તરલાની ઉક્તિથી થાય છે. તરલા કુબ્જાની વિરહદશાનો નિર્દેશ કરે છે. સરલા એના સૂરમાં સૂર પુરાવતાં વાસંતી પૂર્ણિમાનો નિર્દેશ કરે છે, જે અહીં સ્પષ્ટ રીતે કુબ્જાનો વિરહાવસ્થામાં પ્રબળતમ ઉદ્દીપન વિભાવ બની રહે છે. કુબ્જા કૃષ્ણમય છે. પ્રેમની જે દૃગ્રુચિ, સ્મૃતિ, અભિલાષ, ઉદ્વેગાદિ અવસ્થાઓ છે તેમાંની કેટલીક અવસ્થાઓ ક્રમશ: સ્પષ્ટ રીતે તેનાં વાણી-વર્તનથી પ્રતીત થાય છે. કૃષ્ણને જોયા, દૃગ્રુચિ થઈ. તેમણે ફરીથી આવવાનું સ્નેહવચન પણ દીધું. તેની તીવ્ર સ્મૃતિ કુબ્જાને છે. કુબ્જાના ચિત્તમાં કૃષ્ણમિલન માટેનો અભિલાષ તીવ્રતર થતો જાય છે. એનું ચિત્ત ઉદ્વેગ અનુભવે છે. તેને ભ્રાંતિ પણ થયાં કરે છે. પવનથી બારણું ખખડે છે ને કૃષ્ણ આવ્યાની લાગણી થાય છે. તેની અધીરાઈ વધે છે. ચંદ્રશાલા – અગાશી પર જઈને કૃષ્ણ આવતા હોય તો જોવા ચાહે છે. કુબ્જા પોતાની કીકીઓ સરખી સરલા–તરલાને જો કૃષ્ણ આવે તો કહેવા આવવાનું કામ સોંપી તેમને જ જોવા અગાશીએ જાય છે. બંને સખીઓ એની પરિસ્થિતિ વિશે ચિંતા-ચર્ચા કરે છે. સરલા સરલ છે, તરલા કંઈક તરલ – કંઈક વધુ ચબકારક છે. બંનેનો સંવાદ તેથી જામે છે. આ બંનેને જોતાં ‘અભિજ્ઞાનશાકુંતલ’માંનાં અનુક્રમે અનસૂયા ને પ્રિયંવદાનાં પાત્રો યાદ આવી જાય. તરલા સખી કુબ્જાની વિરહવિહ્વળ સ્થિતિથી ઉદ્વિગ્ન છે, પણ તે છતાં કુબ્જાની ટીકા કરવાનું છોડતી નથી. કહે છે  ‘કરીએ, કરવી પ્રીતિ તો પ્હેલેથી જ ઓળખી.’ અને વળી પાછી આગળ સરલાને કહે છે  ‘કહું છું, જેટલા આવે ગોવાળો ગામસીમના
 તે બધાની પૂંઠે ઘેલા થવાતુંયે કદી હશે ’ સરલા ત્યારે વૃષ્ણિવીરોના – ખાસ તો કૃષ્ણના કુબ્જા પરના ઉપકારનો નિર્દેશ કરે છે. તે કહે છે  ‘કેમ તો કોઈયે ન્હોતું જોતું કુબ્જાની સામુંયે 
 અને કુબ્જાપણું ટાળ્યું કોણે તે ભૂલી ગૈ તુંયે ’ તરલા જાણે કૃષ્ણને તેનો યશ આપવા ન માગતી હોય તેમ કહે છે  ‘અકસ્માતે ’ દરમિયાન કુબ્જા કંઈક ઉન્મત્તાવસ્થામાં પ્રલાપ કરતી આવી લાગે છે. સરલા તેને ‘બાવરી’ કહીને વર્ણવે છે. કુબ્જા પોતાની પ્રીતિવિહ્વળ દશાનો નિર્દેશ કરે છે. એણે કૃષ્ણના દર્શન વિના આંખો અળખામણી લાગે છે. તે વિજયાદશમીની પ્રીતિ-આરંભની કારમી પલનું સ્મરણ કરે છે. તેણે ક્ષણેક્ષણ જુગ જેવી થતી જણાય છે. તે કહે છે  ‘છોડવ્યાં સહુને કારાગારની માત્ર એકલા
 આ શૃંખલિત આત્માને ભૂલી મ્હાલે જ મોકળા.’ પોતાની આસક્તિગત કામજ્વરપીડિત અવસ્થાનો નિર્દેશ કરે છે. ઉત્કટ ભાવાવેગે તે કહે છે  ‘ડંખે સૌંદર્ય અંગોનું, ડંખતી ન્હોતી વક્રતા.’ આજે તે પોતાને ‘નષ્ટપ્રણયિની’ સમજે છે, સમાજમાં પોતાને મોં બતાવવા જેવું નહિ રહ્યાનું સમજે છે. પ્રથમ પ્રણયની ક્ષણ હકીકતમાં અકસ્માત – અલબત્ત, સુભગ – ની ક્ષણ જ હતી. કુબ્જાના મુખે ‘અકસ્માત’નો નિર્દેશ સાંભળી સરલા ઉપાલંભપૂર્વક કુબ્જાને કહે છે કે ‘તુંયે તરલા કને શું અશ્રદ્ધા–પાઠ શીખી છે ’ તે સમજપૂર્વક કહે છે  ‘કૃષ્ણ  આવો  ન સ્હેવાતી કથા આ ઉપહાસની ’ ને કૃષ્ણલીન કુબ્જા તો કોઈ પણ રીતે – નિંદાની રીતે પણ – કૃષ્ણનું જ ભાવસ્મરણ વાંછે છે. તે સખીઓ વચ્ચે થયેલા પૂર્વવિવાદની માહિતી મેળવવા ઇચ્છે છે ને બંને સખીઓ, અલબત્ત, પ્રેમપૂર્વક જરાતરા મધુર રીતે ચડભડે છે. સરલા કૃષ્ણ–કુબ્જા રસ્તામાં કઈ રીતે મળ્યાં તેની સાંભળેલી કથા રજૂ કરતાં કહે છે  ‘કુમાર કૃષ્ણ, બંને તે સામસામે થઈ રહ્યાં...’ તરલા તુરત એની ઉક્તિની પૂર્તિમાં કહે છે  ‘એ લજ્જાભારથીS વક્ર ગાત્ર સીધાં થઈ ગયાં ’ કુબ્જા સખી-મુખે સાંભળવા મળતા કૃષ્ણસંકીર્તનનો સ્વાદ માણતી અજાણી થઈને સરલા-મુખે વધુ વાત જાણવા ચાહે છે. કુબ્જાએ જ અનુભવેલી વાત સરલા કુબ્જાને તાદૃશ રીતે વર્ણવી બતાવે છે. આવા ઉપક્રમમાં કવિની કુશળતા અછતી રહેતી નથી. સરલા નાટ્યાત્મક રીતે પૂર્વ વૃત્તાંતનો ચિતાર આપે છે. કૃષ્ણે કુબ્જા પાસે લેપન વાંછ્યું. કુબ્જાએ વાંછનામાં પોતાનું સદ્ભાગ્ય વાંચ્યું. કુબ્જા કૃષ્ણને લેપ કરવા મથે છે. ગ્રીષ્મે પલાશદ્રુમ જેવા કૃષ્ણ-બલરામ કેસર-મિશ્રચંદને ચારુચર્ચિત સોહે છે. કૃષ્ણ ભાવનીરવ કુબ્જા સન્મુખે ઊભે છે. પછી – “પગથી દાબી અગૂંઠો તુજ, અંગુલિ
ચિબુકે રાખી ઊંચકી, ત્યાં ગાત્રગ્રંથિઓ ખૂલી.
વપુ:શ્રી શી ખીલી ઊઠી ” કુબ્જાને રૂપસંપત્તિ કેમ મળી તેની સરલા વાત ચલાવે છે. ત્યારે તરલા જ વધુ માર્મિક રીતે કુબ્જાની ગાત્રગ્રંથિઓ કેમ છૂટી થઈ તેની વાત કરે છે અને સ્નેહના દિવ્ય પ્રભાવનું રસિક રીતે સૂચન આપે છે. તે કહે છે  “અલૌકિક
પ્રણયાનુભવે ત્રુટ્યું વક્ર અંગ તણું ત્રિક.
સ્પર્શતી અંગુલિ ભાલે આર્દ્ર ચંદન-આડશે,
ચંદન પ્રેરતું કાંઈ અંગુલિથી નસે નસે.
ને ન તું ફૂલતાં થાકી, એમાં સૌ ગ્રંથિઓ હલી.
ત્યાં એણે ચિબુકે સ્પર્શી પ્રગટાવી જ વીજળી.
નમ્યો ઊંચકવા તે, ત્યાં પાંપણે પાંપણો મળી
અધરે અધર સ્પર્શ્યો, ભાલે ભાલ, ગઈ ગળી,
સર્વે વિકૃતિ ને સોહી રૂપલક્ષ્મી રહી મહા.” ને જ્યારે આટલી સચોટતાથી કુબ્જાપરિવર્તનનો ખુલાસો તરલા આપે છે ત્યારે સરલા નિખાલસતાથી ટકોર કરે છે  ‘લે, તું તો બધુંયે જાણે, વખાણે માત્ર કૃષ્ણ ના.’ ને હજુ તો આ તરલાની એ વાત અધૂરી છે  તે કહે છે  ‘કહું વળી બીજું, શેણે ગયા દોષ સખી તણા 
પ્રિયદર્શે...’ ને પછી આગળ જતાં કહે છે  “દૃષ્ટિમાં ઢળતાં દૃષ્ટિ, મૂર્તિ ત્રિભંગ ઊતરી
ત્રિવક્ર અંગમાં, સામે પછી ટટાર તે જરી
ઊભો, ત્યાં તે ત્રિવક્રાનાં અંગે ત્રિભંગમૂર્તિ એ
ટટાર થઈ, ને કુબ્જા સરલા થઈ સ્ફૂર્તિએ ” S હીરાબહેને આ પરિમાણ વિશે સ્પષ્ટતા કરતાં લખ્યું છે  “ચિત્રકલા વ્યક્ત માનવઆકૃતિનાં બે પરિમાણ આપે છે  નાટ્યકલા દૃશ્યાત્મક હોઈ ત્રણ, અત્રે છે ચતુર્થ પરિમાણ. રૂપકનો આશ્રય લઈ કહીએ તો તે છે તે તે પાત્રને મળેલો પરિવેશ, જે તેના તેમ જ કૃતિના ભવ્યાંશ-રૂપે છે. ઊંચાઈ, પહોળાઈ ને ઊંડાણથી આગળ જઈ આ પરિવેશ પાત્રની આંતરિક તેમ જ વૈશ્વિક દશાને એટલે કે દિવ્યતાને પ્રકાશિત કરે છે.” (કાવ્યભાવન, પૃ. ૨૧૦) અહીં કલ્પનાચાતુરી છે પણ તેમાં પ્રીતિરહસ્ય – પ્રીતિપ્રેરિત સંવાદિતા – પ્રીતિસર્જિત સંપૂર્ણતાનું – કુબ્જત્વમુક્તિનું રહસ્ય પણ અનુસ્યૂત છે. સરલા તરલાની અપેક્ષાએ ભોળી છે, ને તરલા માટેના ઊંડા સ્નેહ છતાં, તરલાને અવારનવાર શબ્દોથી જ પકડીને તેની સાથે વિવાદમાં ઊતરે છે. કુબ્જા તરલાને એક વિચારપૂર્ણ વાત કરે છે  કૃષ્ણને ખરેખર ઓળખનાર જ કૃષ્ણની તો નિંદા કરી શકે; પણ તરલા તો પોતાની પ્રિય સખીની ઘોર ઉપેક્ષા કરનાર કૃષ્ણની નિંદા કરવાયે તૈયાર નથી. સરલા કુબ્જા-મુખે જ કૃષ્ણે એને આપેલા વચનનું પુનરુચ્ચારણ કરાવે છે. આ યુક્તિ પણ ભાવદૃષ્ટિએ સુયોગ્ય છે. ‘કાર્ય સિદ્ધ થયે તારે ત્યાં આવીશ અવશ્ય હું ’ કહેતા કૃષ્ણ હજુયે આવ્યા નહીં ને તરલા કટાક્ષપૂર્વક કહે છે  “કાર્યસિદ્ધિ હજી શેષ  કંસ-ચાણૂર તો ગયા,
હજી કોણ સુભાગીના વાંકા છે જ ગ્રહો રહ્યા ” સરલા પોતાની સખીને ‘વાંકાબોલી’ કહી ટપારે છે. પણ એ ‘વાંકાબોલી’ સખી જ કૃષ્ણની લીલા વધુમાં વધુ અસરકારક રીતે વર્ણવી શકે છે! કૃષ્ણની સાથે કદાચ એના ચિત્તનું અનુસંધાન પણ વધુ ગાઢ જણાય છે. તરલા કૃષ્ણે કુવલયાપીડ આદિને જે રીતે ખતમ કર્યા તેની કેટલી તો તાદૃશતાથી ચિત્રણા કરે છે  — તરલા  હાય રે છેય કેવું તો જોર  હાથ-ઝપાટથી
 ધોબીનું શિર છેદ્યું ને ભાંગ્યું ધનુષ્ય હાથથી,
 જાણે શું શેરડીસાંઠો, ઘેરીને દ્વારતોરણે
 ગાંડો કુવલયાપીડ હસ્તી દોડ્યો પૂંઠે અને
 લાગ્યો ઘુમાવવા ચારોમેર સૂંઢ, થતું ત્યહાં
 જાણે અજગરે વીંટી લીધો – લીધો કુમાર હા 
 ઝાલવા જાય ત્યાં તો તે સરે ચપળતા ભર્યો,
 ઓ ઝાલ્યો – થતું ત્યાં હાથીપગ વચ્ચે થઈ સર્યો. 
 વાંકવોળામણા માર્ગે ઘૂમી ખૂબ ઘુમાવિયો
 હાથીને; થકવી પોતે પડ્યો થાકી. ઉગામિયો
 ડોક ડાબે નમાવી ત્યાં ગજે ગર્જત ભીષણ
 અદ્રિશૃંગે બીજલેખા-શો દંતૂશળ દક્ષિણ.
 પરોવી હમણાં લેશે ક્ષણમાં, વીંધતો ધરા
 પાતાળ ફાડતો જો, જો, ઝૂક્યોયે, અહ ત્યાં જરા
 ખસી જઈ, હસે ઊભો કુમાર; ગજ ત્યાં પડ્યો
 રોપાઈ પૃથ્વીમાં; ખેંચ્યો ત્યાં દંતૂશળ ઊખડ્યો.
 ઢળ્યો નિશ્ચેષ્ટ હસ્તી ને તે દંતૂશળથી જ હા
 મહાવત અને હાથી ટીપી, સ્કંધે મૂકી મહા
 આશ્ચર્યકર તે શસ્ત્ર પેટો એ રંગમંદિરે. આ વર્ણનખંડમાં કવિએ અનુષ્ટુપને કુવલયાપીડ સાથે ઘૂમીને કેવો ઘુમાવ્યો છે તે જોવા જેવું છે. છેવટે તો છંદની શક્તિનો આધાર પણ કવિપ્રતિભા જ છે. અહીંનું કુવલયાપીડ હાથી સંબંધનું કૃષ્ણનું પરાક્રમ સુંદર શૈલીમાં – સમુચિત શબ્દોમાં, અલંકારોની અને છંદોલયની મદદથી પ્રગટ થઈ શક્યું છે. આપણી નજર સામે જ આ પરાક્રમલીલા ચાલતી હોય એવી પ્રત્યક્ષતા અહીં તરલાના વાગ્બળે – આમ તો કવિપ્રતિભાબળે સિદ્ધ થઈ શકી છે. સરલા સાચી રીતે તરલાને આ પછી વધાવી લેતાં કહે છે  ‘તુંથી તરલા  છે ન કોઈ રે | કૃષ્ણાનુરાગિણી મોટી.’ આ પછી તરલા ચાણૂરયુદ્ધની વાત પણ કરે છે. ચાણૂર જ્યારે કૃષ્ણ પર પ્રહારો કરતો હતો ત્યારે એનો માર પોતા પર પડતો કુબ્જા જાણે અનુભવતી હતી અને હજુયે એ મારનાં લાંછનો પોતાને અંગ હોવાનું કુબ્જા જણાવે છે. (આ વાત કુબ્જાને બદલે તેની સખીએ જણાવી હોત તો ) તે પછી તરલા જ કૃષ્ણ દ્વારા થયેલા કંસવધની વાત કરે છે ને પાછી વક્રતાથી પ્રશ્ન ઉઠાવે છે  ‘તે – હા  – તે વીરને શેની ભીતિ, સંદેહ, વાર વા 
આવતાં અહીંયાં દીધું પ્રીતિવચન પાળવા ’ S એમની નજર સામે રામાયણ મહાભારતાદિ મહાકાવ્યોના સફળ છાંદસ પ્રયોગો તો હોય જ ને  S ઉશનસ્ ‘મહાપ્રસ્થાન’ સંગ્રહમાં કુલ ચાર જેટલી કૃતિઓમાં વનવેલી પ્રયોજ્યાનું જણાવે છે. (‘ઉપસર્ગ’, પૃ. ૨૦૧) એમ કેમ હશે  શું ‘અર્જુન-ઉર્વશી’ના છંદને એમણે આ ‘વનવેલી’માં નહિ ગણ્યો હોય  ‘કવિત’ના વર્ગમાં આ વનવેલી-પ્રયોગોને તો મૂકી શકાય એમ છે. સરલા કૃષ્ણની ટીકા કરતી તરલાને તુરત ‘કૃષ્ણ-વિદ્વેષિણી’ કહી ટકોરે છે. સરલા કૃષ્ણ કુબ્જા પાસે નહિ આવ્યા તે માટે તેનો બચાવ કરવા જેવું કરે છે. તે પૂછે છે  ‘દેખ તો અહીંયાં એને આવવા અધિકાર શો ’ કુબ્જા તુરત ઉત્તર દે છે  ‘પ્રીતિ.’ ને તરલા તુરત કહે છે  ‘વચન.’ આમ ‘પ્રીતિવચન’નું એક મધુર પતાકાસ્થાન અહીં યોજાઈ રહે છે. કેમ જાણે કુબ્જાને ઘેર આવતાં પહેલાં ગમારપણું યા ગ્રામ્યતા ટાળવા માટે અર્થાત્ ‘સુસંસ્કૃત’ થવા માટે કૃષ્ણ ઉજ્જયિની સાંદીપનિ મુનિને ત્યાં ગયા હોય એવો અર્થ પણ સરલા તો તારવી દે છે  તરલા તો ‘આવ્યોયે’ કહીને સરલાની વાત છોડી દેવા જેવું કરે છે. એ કહે છે  ‘અરે નગરમાં આખા ઓ ઘૂમે રાત ને દિન.’ આવું કહેતી તરલા જ કૃષ્ણની સરલા કરતાંયે વધારે ખબર – વધારે નોંધ રાખતી નથી લાગતી  કૃષ્ણની નગરમાં હોવાની વાતે જ કુબ્જાને જાણે કૃષ્ણની વાંસળીનો અવાજ સંભળાતો હોવાનો ભ્રમ થાય છે. ફરીથી તે પ્રણયોન્મત્ત બની જાય છે. વ્યસનની – મૂર્છનાની અવસ્થા તે અનુભવે છે. કુબ્જા જાણે કૃષ્ણનો અનાહત સ્વર સાંભળે છે. સરલા કુબ્જાની આવી દશા માટે તરલાને ઠપકો દે છે; પણ ત્યાં જ મૂર્છા વળે છે. કુબ્જા વેણુનાદની રમણીય અનુભૂતિનું ગોપાંગનાઓને વિષય કરીને વર્ણન કરે છે. વાંસળીના સ્વરની ગતિનું સંગીતાત્મક સ્વરવ્યંજનસંકલનામાં મૂર્તીકરણ સિદ્ધ થાય છે. કુબ્જા કહે છે  “વાગી વાંસળી.
જમુનાતીર ઉભયે છલકાવી રહ્યા છલી
સૂરો, તરુ પરે, શાખા-પ્રશાખા પર, નર્તતા
પત્રે પત્રે અદ્રિશૃંગે લાસ્યમાં સહુ વર્તતા.
ચંદ્રના ચારુચપલ કિરણે કિરણે હસે
વેણુનાદો, ઊભરાઈ સર્વત્ર, ઉર આ ડસે.
ધન્ય ગોપાંગનાઓ તે, જે આ નાદ સહી શકે
અને વિયોગમાંયે જે અહૈયાહીન ર્હૈ ટકે.” અને પછી કુબ્જા તેનું અત્યંત સુંદર પ્રીતિનિષ્ઠ ભાવચિત્ર આલેખે છે  “યમુનાજલકલ્લોલે, અણુએ અણુ પૃથ્વીને,
વાયુની લહરે લહરે, કિરણે શીતરશ્મિને,
ને શરીરે રૂંવે રૂંવે પ્રતીતિ પ્રિયની થતાં,
પ્રેમમૂર્તિ પરે નેત્રો નિમીલિત વિરામતાં;
સ્નિગ્ધ ઊછળતા હૈયે હાથ એક રહી ગયો
અને હેરી રહી ઊંડું કે કેવું ચાખી તે રહ્યો
હૈયાની ગોરસીમાંથી ” સરલા તુરત જ કૃષ્ણની કૃષ્ણતા તો, માનવીઉરના રાધારસે એમનું ચિત્ત સદા લસે – એમાં જ પ્રતીત કરે છે. કુબ્જા કૃષ્ણની વેણુનો સ્વર ફરીથી સાંભળે છે અને મૂર્છાવશ થાય છે. આ વખતે તરલા પોતાની સખીના જ કારણે કદાચ પોતાને પણ અંદરખાને તો અત્યંત પ્રિય એવો કૃષ્ણવેશ ધારણ કરી જલ-ઝારી સાથે પ્રવેશે છે. સરલા તો તરલાના આવા વેશથી આશ્ચર્યચકિત જ થાય છે. તરલા સરલાને રાધા થઈ કૃષ્ણ-રાધાવેશે સખી કુબ્જાને હૈયાધારણ આપવા મથે છે. જ્યાં તરલા–સરલા કૃષ્ણ–રાધાનું અભિનયન કરે છે ત્યાં જ સાક્ષાત્ કૃષ્ણ ‘અ-તિથિ’ તરીકે પ્રવેશે છે. અહીં એક સરસ નાટ્યાત્મક પરિસ્થિતિ સર્જાય છે. કુબ્જા તરલા–કૃષ્ણ, સરલા–રાધાને વંદવા જાય છે, ત્યાં તરલા–સરલા ખસી જઈ કુબ્જાને ખરા કૃષ્ણની અભિમુખ કરી દે છે. ખરા કૃષ્ણ ને કુબ્જા જાય છે.S દરમિયાન સરલા–તરલા વચ્ચે સંભાષણ ચાલે છે. સરલા તરલાને કૃષ્ણ-વેશ નહિ છોડવા કહે છે, ત્યારે તરલા કહે છે કે ‘સ્ત્રી રહેવામાં જ ઓળખી | રતિ મેં આજ, ને રાધા થવાની બલિહારી છે.’ ત્યાં ખભા પર શુક સાથે ઉદ્ધવ પ્રવેશે છે. ઉદ્ધવ પેલા શુક પંખીને તરલાએ ચીંધેલ વાસયષ્ટિ પર વિરાજવા કહે છે. ઉદ્ધવ-શુકાદિ સાથે આ સખીઓ વાતચીતમાં જોડાય છે. શુક સ્નેહસ્પંદને વિશ્વને અણુએ અણુ વ્યાપેલી રાધા-કૃષ્ણ-મૂર્તિને નિર્દેશે છે. કૃષ્ણની રાધામયતાનો નિર્દેશ કરતાં શુક કહે છે  ‘કૃષ્ણ તો મળે સર્વત્ર માત્ર રાધાને.’ ઉદ્ધવ શુકનો સરસ રીતે પરિચય આપે છે. એ પરિચયમાં છંદની છટા, પદવિન્યાસાદિ પણ કઈ રીતે કવિએ સિદ્ધ કર્યાં છે તે પણ જોવા જેવું છે. ઉદ્ધવ કહે છે  “ભક્તિ એમ નહીં ચળે
શુકની, કૃષ્ણલીલાના સાક્ષી છે, રસરાસનાં
દર્શને મત્ત છે. વાક્યો તમારાં ઉપહાસનાં
વ્યર્થ છે એમની પાસે વૃંદાવન-નિકુંજમાં
જે વેણુનાદ ઢોળાયો, સીંચાયો સુમપુંજમાં,
ઘોળાયો ગોપીને હૈયે હૈયે તે શુકનીય તે 
લાગ્યો છે ચંચુમાં.” સરલા તરલાને કૃષ્ણની યમુનાતટલીલાનું આ અતિથિઓ પાસેથી શ્રવણ કરી ચિરજિજ્ઞાસા સમાવવા સૂચન કરે છે, ને કૃષ્ણ-કીર્તનરસિક શુક તો તુરત જ કૃષ્ણની રાસલીલાનું કોમળમધુર ઉલ્લાસચિત્ર સંગીતાત્મક શબ્દ-લયમાં રજૂ કરે છે. શુકે ગાયેલ પંચશ્લોકીમાં કવિએ શાર્દૂલવિક્રીડિતની પસંદગી વિવેકપુર:સર કરી છે. એક જ શ્લોક અહીં ઉદાહરણ માટે પૂરતો થશે. શુક રાસલીલાના વર્ણનની શરૂઆત કરતાં ગાય છે  “બાલા મુગ્ધ, રસે ભર્યા હૃદયમાં લીલા સરી નેનની,
મોંઘાં ગોરસ શાં ઠર્યાં મધુર  ને તે લેઈ જ્યારે ચલી,
ઊભી રાખી જ માર્ગ માંહી, યમુનાકલ્લોલીલાનિલે.
મન્દાન્દોલિત મંડપે નટવરે આસ્વાદ્યું નેત્રોત્પલે.” કવિએ આ રાસલીલાવર્ણનમાં કૃષ્ણની ગોપીવસ્ત્રાહરણલીલાનું પણ કલ્પનાની ચમત્કૃતિવાળું ચિત્ર આલેખ્યું છે. કૃષ્ણ-રાધાનો રાસોત્સવ પાંચમા શ્લોકના અંતમાં તો સૂર્યશશી લઈને જેમાં ઘૂમવાનું થતું હોય એવો ‘વિશ્વરાસોત્સવ’ બની રહે છે  આ લીલાગાન પૂરું થતાંમાં કૃષ્ણ–કુબ્જા ફરીથી તખ્તા પર ઉપસ્થિત થાય છે. કુબ્જાને કૃષ્ણ વરદાન માગવા કહે છે ને કુબ્જા કેવળ ‘પ્રેમસિંધુ, દિનો કૈંક વસો આ પલ્વલે સ્થિર.’ એટલું જ માગીને વિરમે છે. જેવો જેનો પ્રેમમાં અધિકાર  તરલા કુબ્જાની વરદાનની માગણી જોઈને તુરત ટીકા કરતાં કહે છે  “સખી, તું અંતે રહી કુબ્જા જ  ભીતર
હૈયાની, પ્રિય ન વાંછ્યો; માગ્યો તેં ભૂંડી  ઉપર.” કુબ્જા તરલાની ટીકાનો જવાબ દેતાં કહે છે  ‘નથી રાધા હું, છું કુબ્જા.’ પરંતુ પછી કુબ્જા જ રહેવાની પ્રતિજ્ઞા કરવાની એને શી જરૂર  છતાં કુબ્જતા જ જાળવી રાખવા માગે છે  કુબ્જત્વ એટલે જ અપૂર્ણતા. કુબ્જા કદાચ ‘અપૂર્ણતાનો આનંદ’ માગે છે. મથામણોની પોતાને મણા ન હોય એમ ઇચ્છે છે. તે છેલ્લે કહે છે  “નથી રાધા હું. મારે તો ઉઘાડી આંખ જાગવું
અહીં અકેલ પુરાઈ  રાધા તો, ચારુહાસિની 
સંવિદ્-રસૈક્યમાં રાચે રસે વિશ્વવિલાસિની.” આ રાધાપણું તો આદર્શ છે, કુબ્જત્વ એ વાસ્તવિકતા છે. કુબ્જા રાધાની અસૂયા કરતી નથી. તે તો ‘પહેલું વંદવું જોઈએ | રસસ્વરૂપ આ રાધાપદે ’ – એમ માનનારી – કહેનારી છે. એને મન કૃષ્ણના પૂર્ણ સ્વરૂપમાં ‘રસેશ્વરી’ રાધા સમાવિષ્ટ જ છે. કુબ્જાએ તરલાને આ જ વાત કહી હતી  ‘રાધા-કૃષ્ણ ટકે બંને આધારે એકમેકના.’ ને તેથી જ ‘કેવું જો આ હુંથી રાધા થવાય રે ’ એમ કુબ્જાએ કહ્યું હતું. કુબ્જા વ્રજસુંદરીની કૃષ્ણવિરહવ્યથાનું ચિત્રણ કરતાં પોતે જાણે રાધામય બને છે ને ત્યારે જ એ કૃષ્ણમિલન માટેનો પૂર્ણ અધિકાર મેળવી રહે છે. સમગ્ર કાવ્ય આમ સ્નેહની નિગૂઢ ભાવનાનું કાવ્ય બની રહે છે. આ કાવ્યના રહસ્યસંબંધે રામપ્રસાદ બક્ષી એક મહત્ત્વની વાત કરે છે. તેઓ લખે છે  “ત્રિવક્રા કુબ્જાની ગાત્રયષ્ટિને સીદી સુરૂપ બનાવવાના ભૂતપૂર્વ પ્રસંગને કુબ્જાની સખીઓ યાદ કરે છે એવી યુક્તિ યોજીને શ્રી ઉમાશંકરે એ પ્રસંગમાં રહેલા ચમત્કારનું વૈજ્ઞાનિક બુદ્ધિગમ્ય રૂપાંતર સૂચવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એ રૂપાંતર સંપૂર્ણ રીતે પ્રતીતિકર, વિજ્ઞાનદૃષ્ટિએ, નથી થઈ શક્યું.” આ અંગે વિશદ ચર્ચા કરી વળી આગળ તેઓ કહે છે  ‘ગોવાળોની માફક આપણે પણ ચમત્કારને ચમત્કારરૂપે જ સ્વીકારીને આંખો મસળીને જોવાનું રહે છે.’ (ગુજરાતી, ૧૬મી માર્ચ, ૧૯૫૨, પૃ.૨૧૧) વળી તેમણે ઉમાશંકરે કુબ્જાની કૃષ્ણપ્રતીક્ષાના પ્રસંગને રસિક રીતે બહલાવ્યો તો કૃષ્ણ-કુબ્જા-મિલનના મહત્ત્વના પ્રસંગને કંગાળ રહેવા દીધો તેની ટીકા કરી છે. (‘કુબ્જાના અને કૃષ્ણના મિલનના પ્રસંગને કંકાલ – કંગાલ – જ રહેવા દીધો છે.’) તેઓ કૃષ્ણ–કુબ્જા ઉદ્ધવ–શુકને સહારે સરલા–તરલાને છોડીને અંદરના ખંડમાં જાય છે તેની ઉચિત રીતે ટીકા કરે છે. લખે છે  “કૃષ્ણ–કુબ્જાના દૈહિક મિલનની આ અધીરાઈ આ નાટિકાને કુબ્જા બનાવે છે. એવી અધીરાઈ ન થવા દઈને હૃદયના આત્માના મિલનની ઔચિત્યભરી રસિકતા રજૂ કરી હોત – અને દૈહિક મિલનને ‘બંને અંદરના ખંડમાં જાય છે’ જેવી પ્રાકૃત. અશ્રીકર સૂચનાથી સૂચવવાને બદલે એના ઉપર નાટિકાસમાપ્તિનો મર્યાદાસૂચક પડદો જ પાડ્યો હોત તો આ કુબ્જા નાટિકાની વપુ:શ્રી પણ ખીલી ઊઠત.” રામપ્રસાદ બક્ષીએ આ જે ત્રુટિ તરફ ધ્યાન દોર્યું, તેનો આધાર લઈ ભૃગુરાય અંજારિયા ઉમાશંકરની આ સંગ્રહગત સમગ્ર કાવ્યકલા વિશે લખે છે  “કૃષ્ણ જ્યારે આવી ચડે છે, અને વાચકના મનમાં બે અસાધારણ પ્રેમીના ધન્યતાભર્યા મિલનના દૃશ્યની અપેક્ષા જન્માવે છે, ત્યારે કવિ તેને તરત જ અંત:પુરમાં ધકેલી દે છે, અને તે દૃશ્યને બદલે શુકદેવજી વિશ્વરાસોત્સવનું રહસ્ય ગાય છે. આ નિરૂપણ મને સમસ્ત કાવ્યસંગ્રહના એક વલણના પ્રતીક જેવું લાગ્યું છે.” (શ્રી ફા. ગુ. સ. ત્રૈ. ઑક્ટો.–ડિસે., ૧૯૬૬, પૃ.૧૮૩) ભૃગુરાય ‘પ્રાચીના’નાં કાવ્યો કેમ કાવ્ય-નાટકો થતાં નથી તે માટેનું એક સબળ ઉદાહરણ અહીં આપે છે. આમ છતાં તેઓ જ્યારે સરલા અને તરલાને માત્ર પશ્ચાદ્દર્શન (‘રિટ્રોસ્પેક્ટ’)નાં સાધન બનેલાં માને છે ત્યારે તે અભિપ્રાય સાથે પૂર્ણતયા સંમત થવું મુશ્કેલ બની જાય છે. સરલા–તરલા દ્વારા કૃષ્ણ–રાધાગત સ્નેહરહસ્યનું પણ કેટલુંક ઉદ્ઘાટન પ્રસંગોપાત્ત, થતું આપણે જોઈએ છીએ; એટલું જ નહીં, કુબ્જાની કાવ્યગત ગતિનાં પ્રેરક-ધારક-નિયામક પરિબળરૂપે એ પાત્રોની કામગીરી મહત્ત્વની રહે જ છે. ડોલરરાય માંકડ ‘કુબ્જા’માં રૂપકનાં તત્ત્વો સૌથી વધુ પ્રમાણમાં જુએ છે. તેઓ લખે છે  “ ‘કુબ્જા’માં રૂપકત્વનાં તત્ત્વો સહુથી વધુ ખીલ્યાં છે. એમાં કુલ છ પાત્રો છે, પ્રવેશનિષ્ક્રમો છે, ઇષત્વસ્તુવિકાસ તેમ જ વસ્તુસંકુલતા પણ છે, અભિનેયતા છે અને કંઈક પ્રમાણમાં કાર્યવેગ (‘ઍક્શન’) પણ છે. આથી રૂપકની દૃષ્ટિએ, આ સંગ્રહમાં, આ કૃતિ સહુથી વધુ સફળ નીવડવાનો સંભવ છે.” રામપ્રસાદ બક્ષી તથા તે પછી બીજા અનેક વિવેચકો આ વાત સ્વીકારે છે એમ છતાં રામપ્રસાદ–ભૃગુરાય-નિર્દિષ્ટ કુબ્જા–કૃષ્ણ મિલનવાળી નબળી કડીની વાત તો ટકે જ છે. વળી ડોલરરાય એક બીજું નિરીક્ષણ પણ સાદર કરે છે  ‘એમાં ઊર્મિનું પ્રાધાન્ય છે અને કલ્પના તથા વિચાર ગૌણ છે. જોકે અંતે તો વિચારનો જ ધ્વનિ કવિ પ્રધાન રાખે છે.’ એક રીતે જોઈએ તો અંતે વિચારના ધ્વનિની પ્રધાનતાની વાત ‘પ્રાચીના’ની અન્ય કૃતિઓને પણ લાગુ પાડી શકાય એમ છે ને તેનું રહસ્ય ડોલરરાયે બતાવેલી ‘પ્રાચીના’ની આ મર્યાદામાં રહેલું છે. તેમણે લખ્યું છે  ‘‘ગેય રૂપકો રચવાના થોડાક પ્રયોગો આપણે ત્યાં થયા છે, પદ્યરૂપકો રચવાનો આ પ્રયોગ નવીન છે અને આરંભના પ્રયોગ તરીકે આવકાર્ય છે. પણ, કવિએ આ રૂપક-કાવ્યો મોકળે મને લખ્યાં નથી. જાણ્યે-અજાણ્યે એમણે અમુક નિયંત્રણો સ્વીકારી લીધાં લાગે છે. વસ્તુદૃષ્ટિએ દરેક પ્રસંગનાં પોતે ઘટાવેલાં અમુક રહસ્યથી કવિ પહેલેથી જ આકર્ષાયા લાગે છે, અને પછી એ રહસ્યપ્રતિપાદનને માટે જ, કેમ જાણે કૃતિઓ રચી હોય એવી છાપ મન ઉપર રહી જાય છે.” (કાવ્યવિવેચન, પૃ.૨૦૯) દીપક મહેતાએ ‘કુબ્જા’ની વાત કરતાં કુબ્જા અને રાધાના વિરોધની વાત કરી છે.૨૬૩ ઉમાશંકરે ‘પ્રાચીના’ની પહેલી આવૃત્તિમાં કુબ્જા-રાધા સંદર્ભે આમ લખેલું  “ભાગવતમાં રાધા નથી. આ કૃતિમાં રાધાને કુબ્જા જેટલું જ મહત્ત્વ છે અને તે કુબ્જા અને રાધાનો વિરોધ (‘કૉન્ટ્રાસ્ટ’) બતાવવાના આશય વગર જ. કુબ્જાવૃત્તિ અને રાધાવૃત્તિ એ બંને સ્ત્રીહૃદયની – કહો કે મનુષ્યમાત્રના હૃદયની સ્વાભાવિક વૃત્તિઓ છે. એકને પ્રિય વસ્તુનો કબજો જોઈએ છે, પ્રિયતમને તે મંદિરમાં પૂરવા માગે છે. બીજી પ્રિયમય થઈ જાય છે, વિશ્વ જેવડું હૃદય કરી તેમાં જ પ્રિયતમનો વિલાસ નિરંતર અનુભવે છે.” ઉમાશંકરે આ પંક્તિઓ પછીની આવૃત્તિમાંથી કાઢી નાખી છે. એનું કારણ એવું તો નથી જ કે રાધા અને કુબ્જા વચ્ચેનો વિરોધ નહિ બતાવવાનો કર્તાનો આશય છતાં એવો વિરોધ કૃતિમાંથી ઊઠે છે. ખરી વાત તો એ છે કે કુબ્જાવૃત્તિ અને રાધાવૃત્તિ એ બે વચ્ચે વિકાસદૃષ્ટિએ ભેદ છે, કૃતિમાંથી એ બે વૃત્તિનો વિરોધ નહીં પણ ભેદ પ્રતીત થાય છે. રાધા–કુબ્જા વચ્ચેનું જુદાપણું પ્રણયવિકાસની ભૂમિકાએ જ પ્રતીત થાય છે. ‘કુબ્જા’ કાવ્યમાં કવિએ અનુષ્ટુપના પ્રયોગમાં ખંડિત પંક્તિ(‘સ્પ્લીટ-વર્સ’)નો ઠીક પ્રયોગ કર્યો છે. કવિએ આ કાવ્યમાં કૃષ્ણનું બીજું જ સ્વરૂપ પ્રગટ કર્યું છે. એક સ્વરૂપ છે ‘કર્ણ–કૃષ્ણ’, ‘૧૯મા દિવસનું પ્રભાત’ અને ‘ગાંધારી’ કાવ્યમાં; બીજું સ્વરૂપ છે ‘કુબ્જા’માં. એક ધર્મપ્રાણ છે, બીજા રસપ્રાણ છે ને છતાં બંનેય તત્ત્વોના અવિયોજ્ય સંબંધે જ યોગેશ્વર રસેશ્વર કૃષ્ણ – પૂર્ણપુરુષોત્તમ કૃષ્ણ પ્રત્યક્ષ થાય છે. સૂક્ષ્મ અર્થમાં તો ગાંધારીના ‘કૃષ્ણ’ના પૂરક જ ‘કુબ્જા’ના કૃષ્ણ છે. ‘પ્રાચીના’માં કવિએ આરંભનાં ત્રણ કાવ્યોમાં ધર્મ-યુદ્ધની મીમાંસા ચલાવી છે તો ‘બાલ રાહુલ’માં ભૂતાનુકંપા ને ત્યાગધર્મની – વિશ્વવાત્સલ્યધર્મની મીમાંસા કરી છે. ત્યાર પછીનાં કાવ્યોમાં સ્નેહતત્ત્વની મીમાંસા ચાલે છે, તેમાંય ‘રતિ-મદન’ અને ‘કુબ્જા’માં એ તત્ત્વની ગવેષણા ઊંડાણથી ને વ્યાપકતાથી ચાલે છે. આમ ‘પ્રાચીના’ની આધારશિલા સત્યધર્મ, શીલધર્મ, સ્નેહધર્મ જેવાં માનવજીવનનાં ધરખમ તત્ત્વો પર આધારિત છે. આ ‘પ્રાચીના’નું પ્રકાશન થતાં જ એનો સાહિત્યિક વર્ગમાં ઉમળકાથી પુરસ્કાર થયો. રામપ્રસાદ શુક્લે ‘રેખા’(માર્ચ, ૧૯૪૫)માં ‘પ્રાચીના’માં કથાવસ્તુ પ્રાચીન હોવાથી કવિને કયા લાભ મળ્યા છે તેની ઠીક છણાવટ કરી છે. તેઓ સાહિત્યસામાન્યમાં મોટા કવિઓનું જે એક વ્યાપક વલણ છે તે તારવી બતાવતાં કહે છે  “સ્વાનુભવના નિષ્કર્ષરૂપ જીવનદૃષ્ટિ વડે સારવેલાં સત્યોને કહેવાને મોટા કવિઓ અવનવીન સાહિત્યપ્રકારો યોજે છે એમાં પ્રાચીન વસ્તુ દ્વારા પોતાનું વિશેષ વક્તવ્ય પ્રકટ કરવાનો પ્રકાર સૌથી મોખરે છે.” ત્યારબાદ તેઓ ઉમેરે છે  “ખ્યાત વસ્તુ અને પરિચિત પાત્રોના આલંબન દ્વારા વક્તવ્ય કદાચ ઘણી સહેલાઈથી ચરમસીમાએ પહોંચી શકે છે. ભવ્યસંમતમાં ભવ્યતા આણવાનો માર્ગ સુસરળ છે. વળી ઘણી વખત તો આ ભવ્યતા અદ્ભુત રસના આવિર્ભાવ વડે વિવક્ષિત થાય છે, અને અદ્ભુત રસ ખ્યાતવસ્તુગત પાત્રો વડે પ્રકટ થાય એ વધુ સ્વાભાવિક છે. આપણા આજુબાજુના પ્રસંગો અને પાત્રોમાં અદ્ભુત રસનું આરોપણ સર્વસંમત ન થાય. એથી જ કદાચ ઉમાશંકરને સ્વકીય વક્તવ્યને ઓપાવે એવાં પાત્રો પ્રાચીન સાહિત્યમાંથી જ મળી આવ્યાં લાગે છે.”૨૬૪ આ પછી તેમણે પાત્રોનું પૃથક્કરણ કરીને સાતમાંથી છ કાવ્યોના (તેઓ ‘ખંડ’ શબ્દ વાપરે છે.) નાયક પાત્રો દૈવી-મનુષ્યભાવયુક્ત હોવા છતાં દૈવી હોવાનું બતાવે છે ને તેમાં શ્રીકૃષ્ણ, બુદ્ધ, શિવ જેવાને ગણાવે છે. શાપ, દિવ્ય-દૃષ્ટિ આદિ ચમત્કારી ઘટનાઓ પણ અદ્ભુત વાતાવરણને પોષક હોવાનું તેઓ જણાવે છે. લૌકિકમાં અલૌકિકને સ્ફુરાવતા અદ્ભુતરસનો કર્તાએ ઠેર ઠેર ઉપયોગ કર્યો હોવાનું તેમનું નિરીક્ષણ છે. વળી બીભત્સાદિ સર્વ રસો ઉપરાંત શાંત રસ હોવાની તેમની વાત મહત્ત્વની છે. તેઓ આ શાંત રસના કારણ રૂપે અહીં વ્યક્ત થયેલી જીવનદૃષ્ટિના પ્રધાન લક્ષણભૂત શમયુક્ત તત્ત્વજ્ઞાનને લેખે છે. રામપ્રસાદે રસમીમાંસા કરતાં આ કૃતિમાં હાસ્યના લગભગ અભાવની વાત ન કરી એ આશ્ચર્ય છે. ક્યાંક આછી હળવાશ છે, ક્યાંક સખીઓ વગેરેના ટોળામાં હાસનો ભાવ છે; પણ તે હાસ્યરસ સુધી પૂરો વિકસતો નથી. એકંદરે આ બધી કૃતિઓનું વાતાવરણ ઉદાત્ત ગાંભીર્ય(‘હાઈ સીરિયસનેસ’)નું છે. આખી કૃતિમાં, રામપ્રસાદ કહે છે તેમ, મણિગણોમાં સૂત્રની પેઠે ‘વિશ્વમાંગલ્ય’ની વિશિષ્ટ જીવનદૃષ્ટિ સ્ફુરી રહે છે. ‘વિશ્વશાંતિ’ના આ ગાયકને વૈશ્વિક પ્રશ્નોમાં સતત રસ પડે છે અને તેનાં અત્યુત્તમ ઉદાહરણ ‘પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’ છે. આ ‘પ્રાચીના’ પ્રગટ થતાં જ રામનારાયણ પાઠકે એના ઉપરણા પર લખ્યું ; “વસ્તુ પુરાણોમાંથી લીધું છે માટે આ કાવ્યોમૌક્તિકોની સેરનું નામ ‘પ્રાચીના’ રાખેલું છે.. તેમણે વસ્તુમાં જે સહેજ ઉમેરણ કરેલું છે, તે પણ મૂળ પ્રાચીન વસ્તુ સાથે સાંધો કે અંતર ન દેખાય એમ મળી જાય એવી રીતે કરેલું છે. પાત્રોનાં મુખમાં જે વાણી મૂકી છે તે, તે તે પાત્રના સમક્ષ ઉપસ્થિત થયેલ તે તે પુરાણપ્રસંગને અભિલક્ષીને જ ઉદ્ભવેલી – ઉદ્ગારાયેલી છે; અને છતાં આ કાવ્યની કવિતા નવીના છે – ઉમાશંકરની પોતાની છે. તેની છંદોભંગીઓ આર્ષ છંદોરચનાને, મળતી છે, છતાં ગુજરાતી છંદોવિકાસમાં નવીન છે – તેમની પોતાની છે. તેનો વાગ્વિભવ તેમનો પોતાનો છે. પાત્રોની ઉક્તિ પછવાડે રહેલી વૃત્તિઓ પણ તેમણે પોતે કલ્પેલી છે. સમગ્ર કાવ્યમાંથી વ્યક્ત થતી જીવનદૃષ્ટિ તેમની પોતાની છે. અને એ દૃષ્ટિ જ તેમની ખરેખરી કાવ્યપ્રેરણા છે. પુરાણપ્રિય અને પ્રગતિપ્રિય બંને કાવ્યરસજ્ઞોના કૌતુકને સંતોષી આ કાવ્યો નવીન રસાસ્વાદ કરાવશે.” રામનારાયણનો આ પ્રતિભાવ ‘પ્રાચીના’નાં કાવ્યો જોતાં કેટલો સમુચિત છે તેની પ્રતીતિ થાય છે. પ્રાચીન અને અર્વાચીન, પુરાણ અને નવીનનો અહીં સંગમ છે અને એ દ્વારા સનાતનને પ્રગટ કરવાનો કવિનો ઉપક્રમ છે. જે ઉપક્રમ મોટા કવિઓનો હોય તે ઉપક્રમ આ કાવ્યમાં હોવાનું તેમણે સૂચિત કર્યું છે અને એ રીતે ‘પ્રાચીના’ કવિપુરુષાર્થની ગરિમા પણ બતાવી રહે છે. રામપ્રસાદ બક્ષીએ ‘પ્રાચીન વસ્તુની અર્વાચીન સજાવટ કરવામાં ઉમાશંકરે આધુનિકતાનું તત્ત્વ માત્ર વિચારસરણિ પૂરતું જ આણ્યું છે’ તેની સ્પષ્ટતા કરી જ છે. પદ્યનાટકનો પ્રશ્ન જરા બાજુએ રાખી, ‘પ્રાચીના’ની કવિતાનું દર્શન કરીએ તો રામપ્રસાદ બક્ષીની વાત અતિશયતાવાળી નહીં જણાય. તેમણે ‘ગુજરાતી’માં ૧૭–૨–૧૯૫૨ના રોજ લખતાં પ્રથમ ઉદ્ગાર આવા આપ્યા છે  “નિસર્ગદત્ત કવિપ્રતિભા અને મનનશીલ અભ્યાસ એ બેના સહયોગમાંથી ‘પ્રાચીના’નો જન્મ થયો છે. કવિમાનસની સંવેદનશીલતા અને જીવનના આંતર પ્રવાહો જોનારી દૃષ્ટિ જેમ કવિના જીવનઅનુભવમાંથી તેમ અભ્યાસવિષય બનેલા પ્રાચીન પ્રસંગોમાંથી પણ સનાતન સત્યોને તારવે, માનવના ઊંડા અને સૂક્ષ્મ મનોવ્યાપારને પારખે, જીવનનાં પરંપરાગત મૂલ્યાંકનોથી મહાર્ઘતર મૂલ્યો આંકે, પરિચિત અને પ્રસિદ્ધ પ્રસંગોમાં રહેલી કલા-શક્યતાને વિકસાવે અને ભૂતકાળના ભૂગર્ભમાં સંગ્રહાયેલા વિચારસુવર્ણમાં ચિંતનની અને ભાવનાની વિકસ્વર રત્નકણિકાઓનું જડતર કરે, તો પ્રાચીન વસ્તુઓ પણ કેવો અભિનવ, અધિકતર સામર્થ્યવાળો, સવિશેષ અંગ-સૌષ્ઠવથી યુક્ત અને અપૂર્વ કલા-કાન્તિથી ઓપતો, કાયાકલ્પ થઈ શકે એ શ્રી ઉમાશંકરની ‘પ્રાચીના’માં જોઈ શકાય છે.” (પૃ.૧૨૮) ઉમાશંકરની ‘પ્રાચીના’ના કવિત્વનો પુરસ્કાર વ્યાપકપણે થયો છે, કેવળ પદ્યનાટક તરીકેની એની ક્ષમતા ભારે વિવાદનો વિષય બની છે, અને એકંદરે અભિપ્રાય આ પદ્યસંવાદો નાટક સુધી નહીં પહોંચતા હોવાનો છે, ને તેમાંય જે મર્યાદા છે તેમાં છંદ કરતાંયે કવિની ભાષાની તેમ જ કવિની નિરૂપ્યમાન ક્ષણની નાટ્યદૃષ્ટિએ મર્યાદા વધુ કારણભૂત હોવાનું જણાવવામાં આવ્યું છે. કવિને આપણા કાવ્યવારસાનો લાભ તો મળ્યો જ હોય. ઉપરાંત પશ્ચિમમાં એલિયટ આદિ દ્વારા ખેડાતાં પદ્યનાટકોનો પણ તેમને પરિચય હોવાનું જણાય છે. આ વાત ‘પ્રાચીના’ કરતાં ‘મહાપ્રસ્થાન’ જોતાં જલદી યાદ આવે છે. ‘મહાપ્રસ્થાન’માં ‘પ્રાચીના’ કરતાં પદ્ય વધુ પારદર્શક બન્યું છે. સુન્દરમે ‘પ્રસ્થાનનાં પગલાં’માં અનુક્રમે ‘મહાપ્રસ્થાન’માંની ‘મંથરા’ તેમ જ ‘પ્રાચીના’માંની ‘૧૯મા દિવસનું પ્રભાત’ કૃતિમાંનાં ઉદાહરણોથી આ સ્ફુટ કર્યું છે તે સાથે નાટક માટેના પદ્યની બાબતમાં હજુયે જે મર્યાદા નડે છે તેનો નિર્દેશ પણ કર્યો છે. ડોલરરાયે ‘પ્રાચીના’ સંદર્ભે લખતાં બીજી એક મહત્ત્વની વાત કરી છે, જે પણ આ કૃતિઓને પદ્યનાટક તરીકે પ્રગટવામાં બાધારૂપ થાય છે. તેઓ જણાવે છે  “પહેલા કાવ્ય સિવાય, બાકીનાં છમાં કવિએ પોતાની કૃતિઓનો કાવ્યકલાનાં અમુક અંગોથી શણગારવાનો સંપ્રજ્ઞાત પ્રયત્ન કર્યો હોય એમ લાગે છે. ખાસ કરીને શબ્દાલંકારો અને અર્થાલંકારોનો આવો પ્રયત્નપ્રેરિત પ્રયોગ અનેક સ્થળે થયેલો દેખાય છે. અંત્યાનુપ્રાસ, જે પહેલાં છયે કાવ્યોમાં વ્યાપક છે, તેમાં તો સંપ્રજ્ઞાત પ્રયત્ન કરવો પડે જ. પણ ઘણાંક સ્થાનોએ અંત્યાનુપ્રાસ લાવવાના મોહથી વ્યક્તિને, વિચારને કે અલંકારને હાનિ થઈ શકે એમ પણ દેખાય છે. બીજી દૃષ્ટિએ પણ, આવાં સંવાદાત્મક રૂપકકાવ્યમાં જ્યાં અંત્યાનુપ્રાસ-સંકલિત પંક્તિઓ કે પંક્તિખંડો જુદાં જુદાં (ક્યાંક તો બેથી વધુ) પાત્રો ઉચ્ચારતાં હોય ત્યાં, અંત્યાનુપ્રાસની અસર રહી શકે કે નહિ એ વિચારવા જેવું છે, ન રહી શકે તો એવા અંત્યાનુપ્રાસના સાર્વત્રિક પ્રયોગથી અપુષ્ટાર્થ નામે દોષ આવી જાય તે પણ દેખીતું છે.” (કાવ્યવિવેચન, પૃ.૨૦૯) S મહાભારતની ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની શાસ્ત્રીય રીતે સંપાદિત વાચનામાં આ અધ્યાયોનું વસ્તુ એપેન્ડિક્સ–૧માં ૬ઠ્ઠા ખંડમાં આપવામાં આવ્યું છે. [જુઓ ‘ધી આરણ્યકપર્વ’ (પાર્ટ–૨), ૧૯૪૨, પૃ. ૧૦૪૭-૧૦૫૩).] ડોલરરાયે એમના અભિપ્રાયનાં ઉદાહરણો આપ્યાં નથી, પરંતુ અહીં પરિચ્છેદમાં નિર્દિષ્ટ મર્યાદાઓ પછીથી બીજા વિવેચકોએ પણ એક યા બીજી રીતે દર્શાવી છે; દા. ત., ભૃગુરાય અંજારિયા ‘પ્રાસને ખાતર ક્રમ અને અર્થદિશા બદલતાં કેટલાંય વાક્યો અવળચવડાં અને દુર્બોધ બની ગયાં છે.’ – એવી નોંધ કરે છે.૨૬૫ ભૃગુરાય પ્રાસ ઉપરાંત છંદની મર્યાદા ને તેથીય વધુ ગંભીર એવી સંવાદવાણીમાં પાત્રોચિતતાના અભાવની ને અતિસંસ્કૃતમયતાની મર્યાદા પણ ચીંધે છે. એમને ન્યાય ખાતર કહેવું જોઈએ કે એ કહે છે તેવા દોષો પણ જડી શકે તેમ છતાં છંદ કે પ્રાસ એમની કૃતિઓને પદ્યનાટક થવામાં શી બાધા કરી છે એ તેમણે તપાસ્યું તો સામે છેડેથી એવા છંદ-પ્રાસથી શું એમને પદ્યનાટકની દિશામાં સિદ્ધ કર્યું એ પણ તપાસ્યું હોત તો વધુ ઇષ્ટ થાત. ‘કર્ણ–કૃષ્ણ’માં અનેક પરિચ્છેદો છે જેમાં ઉચ્ચારણની વાણીનો સ્વાભાવિક પ્રવાહ વહ્યો જાય છે. (ઉદાહરણમાં જુઓ પૃ. ૮, ૯, ૨૦, ૨૭, ૨૮, ૪૨, ૫૧, ૫૫, ૬૬–૬૭, ૭૮–૮૦, ૯૧, ૯૪–૯૫, ૯૭, ૧૦૨, ૧૦૪–૧૦૫) ‘પ્રાચીના’નાં પાનાં પર એવા પદ્યખંડકો છે, જેમાં વાક્પ્રવાહ ને રસપ્રવાહનું એકાકારપણું સારા પ્રમાણમાં પ્રતીત થાય છે. ‘પી જા, પી જા. કર્ણ એ રોષ પી જા  જણનારાંના કર્ણ, બે દોષ પી જા ’ જેવા ઉદ્ગારોમાં છંદ-પ્રાસની શક્તિએ સંવાદને નાટ્યાર્થ અર્પવામાં જે સહાય કરી છે તે એકાધિક વાર આપણે જોયું છે. કૃષ્ણનો હૃદ્ગત મર્મ એમાં બરોબર સક્રિયતા દાખવે છે. પ્રાસની શક્તિ ‘૧૯મા દિવસનું પ્રભાત’ કૃતિમાં દ્રૌપદી-ગાંધારી વચ્ચેની સંવાદબાજીમાં પણ બરોબર અસરકારક બને છે. (પૃ.૨૭–૨૮) દલપતરામ અને કાન્ત પછી પ્રાસની પ્રભાવકતાનો ખ્યાલ માતબર રીતે ઉમાશંકર કરાવે છે અને ઉમાશંકરના પ્રાસ કેવળ બાહ્યાંગ તરીકે જ મહત્ત્વના નથી. કવિ છંદ દ્વારા બંધન-મુક્તિની એક વિશિષ્ટ રમણા ભાષામાં ચલાવતો હોય છે. એ રમણામાં પ્રાસની ઉપસ્થતિ વળી એક નવો જ પડકાર ઉમેરે છે. અશ્વ જેમ માર્ગના અવરોધો (‘હર્ડલ્સ’) કૂદતો કોઈ લાક્ષણિક ગતિના સ્વરૂપલક્ષ્યને સિદ્ધ કરે તેમ છંદ પણ ક્યારેક પ્રાસાવરોધે નવી ગતિચ્છટા મેળવે છે. પ્રાસ છંદની વિલક્ષણ છટાના સાધક – જાણે લયગતિના બાધક નહિ પણ વિશિષ્ટ રૂપે સાધક અંશો (ગત્યંશો) બની રહે છે. સંવાદની ભાષામાં પ્રાસ દ્વારા સંઘર્ષ-સંવાદ-અવરોધ-ગતિની એક સંકુલ પ્રક્રિયા વેગ પકડે છે ને તે સંવાદ-પ્રવાહમાં ઉક્તિચ્છટાનાં નવાં પરિમાણો હાંસલ કરીને રહે છે. પ્રાસની મહત્તા પ્રાસના અભાવે જ ક્યારેક સમજાય. મદન રતિને જ્યારે ‘બોળી લે તે કરતલો નવદંપતીરાગમાં; ચરણે લાલી હો લાગી પ્રિયાના પદઘાતમાં.’ ઇત્યાદિ પંક્તિઓ (પૃ.૬૬–૭)માંથી પ્રાસ બાદ કરતાં શું સ્થિતિ થાય તે અંદાજવા જેવું છે. પ્રાસ એમના પદ્યમાધ્યમમાં બાધારૂપ પ્રમાણમાં ઓછા જ થયા છે એ વક્તવ્ય છે. આમ છતાં ઉમાશંકર પ્રાચીનાના પદ્યમાં જેટલી સ્ફૂર્તિ, જેટલી પારદર્શકતા, જેટલી ક્રિયાપરકતા સિદ્ધ કરવી જોઈએ તે કરી શક્યા નથી એ હકીકત છે. ભૃગુરાય આ માટેનાં કારણોમાં એક સંસ્કૃતમયતાને પણ ગણાવે છે. ‘સંસ્કૃતમયતા’ એક રીતે તો અહીંના વાતાવરણમાં – અહીંની પાત્ર-પરિસ્થિતિમાં સ્વાભાવિક લાગે છે, એમ છતાં એમાં માત્રાધિક્યે દોષ પેદા થાય એવી સ્થિતિ ઊભી થાય છે; દા. ત., ‘૧૯મા દિવસના પ્રભાત’માં કાળરાત્રિના વર્ણનમાં યોજાયેલ ‘પાદરેણુદ્વિગુણાંધકારા’ જેવા દીર્ઘસમાસો; ‘વૈરનિર્યાતન’ (પૃ.૨૫), ‘સ્નુષાઓ’ (પૃ.૩૩), ‘સુયોધનોચ્છેદ’ (પૃ.૩૪), ‘નૃગરયોગ્ય સંસ્તવ’ (પૃ.૩૭), ‘સુશોકશીલા’ (પૃ.૪૩) ઇત્યાદિ શબ્દપ્રયોગો; ‘ક્ષતે ક્ષાર સમાણી’ જેવા ઉક્તિપ્રયોગો પદ્યની પારદર્શકતામાં વિક્ષેપકર થાય છે. વળી ‘સ્નેહપીઠી’ જેવા, ‘ગહનોર્મિચંચલ’ જેવા શબ્દસમાસોમાં એમનું પ્રયોગદાસ્ય પણ દેખાય છે. આમ છતાં એકંદરે ‘પ્રાચીના’નું પદ્ય ઉમાશંકરની શબ્દસાધના – પદ્યસાધનાની એકાગ્રતા ને ઉત્કટતાનું નિર્દેશક બની રહે છે. ઉમાશંકર ‘પ્રાચીના’ના પદ્યમાં ‘ગંગોત્રી’ કે ‘નિશીથ’ના પદ્યની અપેક્ષાએ વધુ લવચીકતા ને વધુ વિવિધતા સિદ્ધ કરી શક્યા છે, ને તેથી ભૃગુરાયનો અભિપ્રાય કે ‘જે તેજ અને તાજગીનું એમના આ પહેલાંના સંગ્રહોમાં દર્શન થયેલું તે અહીં સહેજ ઝંખવાતાં જણાય છે.’ – તે બરોબર લાગતો નથી. ‘પ્રાચીના’માં ઉમાશંકરના પદ્યે નાટકની દિશામાં મહત્ત્વાકાંક્ષાભર્યું પગલું મૂકવા પ્રયાસ કર્યો જ છે અને મહાપ્રયાસોની નિષ્ફળતાઓ કવિપ્રતિભાની નિર્બળતાની તેમ એની સક્રિયતાની તથા મુશ્કેલીઓની પણ સૂચક હોઈ શકે છે. અહીંની નિષ્ફળતાઓમાં કવિપ્રતિભાની સક્રિયતા સાથે, તેને પડતી મુશ્કેલીઓનું જ ખાસ તો દર્શન થાય છે અને એ દૂર કરવા માટેની ‘નિષ્ઠા’ – ‘ધીરજ’ પણ એમનામાં પૂરતાં છે જ. S આ પુરુરવા સાથેનો સંબંધ જ આગળ પર મુશ્કેલી સર્જવાનો છે.