ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ડ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| ડ | }} {{Poem2Open}} ડામર [ઈ.૧૫૩૬ સુધીમાં] : જ્ઞાતિએ બ્રાહ્મણ. ‘જૈન ગ...")
(No difference)

Revision as of 17:59, 5 October 2021


ડામર [ઈ.૧૫૩૬ સુધીમાં] : જ્ઞાતિએ બ્રાહ્મણ. ‘જૈન ગૂર્જર કવિઓ’ ‘બિલ્હણ ચરિત’ની આદિ ગાથાઓમાં ઉલ્લેખાયેલા ગૌડ બ્રાહ્મણ અને ગોપાચલના નિવાસી દામોદર અને પ્રસ્તુત ડામરને એક ગણે છે. પરંતુ મુદ્રિત કૃતિમાં હકીકત માટે કશો આધાર નથી. ભંવરલાલ નાહટા પણ કૃતિની ભાષાને આધારે આ સંભાવનાનો અસ્વીકાર કરે છે. ‘ઢાળ’ અને ‘વાણી’ની ૧૮૩ કડીના આ કવિના ‘વેણીવત્સરાજ-રાસ/વિવાહલુ’ (લે. ઈ.૧૫૩૬; મુ.)માં અમરાવતીના રાજા વત્સરાજના વાસુકિરાજાની પુત્રી સાથેના લગ્નનું વૃત્તાંત વર્ણવાયું છે. વત્સરાજ એ નાગરકન્યાની વેણી કાપે છે પરંતુ પછી વેણી તેજસ્વી હોવાનું ભાન થતાં તેની ખૂબ ભક્તિ કરે છે, વાસુકિરાજાનો કોપ તેના પર થવાનો હોય છે પરંતુ તક્ષક તેને બચાવે છે ને અંતે નાગકન્યાનો વિવાહ વત્સરાજની સાથે થાય છે. લોકવાર્તા પર આધારિત આ રાસમાં જાનનું વીગતે વર્ણન થયું છે. તે ઉપરાંત પણ કેટલાંક આલંકારિક વર્ણનો મળે છે. કૃતિ : સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૭૨ - ‘ડામર બ્રાહ્મણકૃત ‘વેણી વત્સરાજ રાસ’, ભંવરલાલ નાહટા (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]

ડુંગર : ડુંગરને નામે સં. ૧૬ની સદીમાં રચાયેલી જણાતી ૧૩ કડીની ‘ખંભાત-ચૈત્યપરિપાટી’ (મુ.) તથા ૭૫ કડીની ‘નેમિનાથ સ્તવન’ અને ડુંગરમુનિને નામે ૧૫ કડીની ‘વિમલજિન-સ્તવન’ એ કૃતિઓ મળે છે. એ કયા ડુંગર છે એ નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘ખંભાત-ચૈત્યપરિપાટી’ના કર્તાને શ્રાવક ગણવામાં આવ્યા છે પણ એ માટે કાવ્યમાં કશો આધાર નથી. કૃતિ : ૧. જૈનયુગ, વૈશાખ ૧૯૮૨ - ‘ખંભાયત ચૈત્યપરિપાટી’ ૨. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૫ - ‘ખંભાત ચૈત્યપરિપાટી’, સં. રમણિકવિજયજી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.] ડુંગર(સ્વામી)-૧ [ઈ.૧૪૭૯ સુધીમાં] : જૈન સાધુ. અલંકારાદિથી રસપ્રદ બનતા ઉપાલંભભર્યા વિરહ ભાવના ૨૬/૨૮ કડીના ‘નેમિનાથ ફાગ/ઓલંભડા-બારમાસ’ (લે. ઈ.૧૪૭૯; મુ.)ના કર્તા. કૃતિ : જૈનયુગ, અસાડ-શ્રાવણ ૧૯૮૬ - ‘સં. ૧૫૩૫માં લખાયેલાં પ્રાચીન કાવ્યો.’ સંદર્ભ : ૧. જૈગૂકવિઓ; ૩(૧); ૨. જૈમગૂકરચનાએં : ૧. [શ્ર.ત્રિ.]

ડુંગર-૨ [ઈ.૧૫૭૩માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં ક્ષમાસાધુના શિષ્ય. ૮૩ કડીની ‘હોલિકા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૩/સં. ૧૬૨૯, ચૈત્ર વદ ૨)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]

ડુંગર (મુનિ)-૩ [ઈ.૧૮૧૬માં હયાત] : જૈન સાધુ. નવતત્ત્વ-વિચાર-સ્તવન (ર.ઈ.૧૮૧૬)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

ડુંગર-૪ [ઈ.૧૮૨૫માં હયાત] : રામસનેહી સંપ્રદાયના રામભક્ત કવિ. ઉત્તર ગુજરાતના વિજાપુરના વતની. જ્ઞાતિએ બારોટ. પિતા નાથજી. માતા સૂરજબા(સુજાંબા). ઈ.૧૮૨૫માં તેમના ભાઈએ તેમને લખેલો પત્ર મળી આવ્યો છે. તેમણે જ્ઞાન, સત્સંગ, કાલ આદિ અંગોમાં તત્ત્વબોધની કવિતા આપી છે. ઉપરાંત ગુજરાતી તેમ જ હિંદીમાં તેમનાં પદો-ભજનો (કેટલાંક મુ.) મળે છે. મંગળ, ગરબી, લાવણી, વણઝારો વગેરે કાવ્યબંધોમાં વહેતી તેમની પદકવિતામાં ભક્તિવૈરાગ્યબોધનો વિષય મુખ્યપણે નિરૂપાયો છે, તેમ જ યોગમાર્ગીય પરિભાષામાં અધ્યાત્મનિરૂપણ પણ થયું છે. કવિનો ભક્તિભાવ ક્યારેક પ્રેમભક્તિનું તો ક્યારેક ભક્તિશૌર્યનું રૂપ લે છે. કૃતિ : કાદોહન : ૨; ૨. બૃકાદોહન : ૫;  ૩. બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ; માર્ચ તથા જુલાઈ ૧૯૩૦ - ‘પરમ ભક્ત કવિ શ્રી ડુંગર બારોટ’, મંગલદાસ ચ. કવિ (+સં.). સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]

ડુંગર (કવિ)-૫ [               ]: વડતપગચ્છના જૈન સાધુ. ઉદયસાગરસૂરિની પરંપરામાં શીલસાગરસૂરિના શિષ્ય. ૬૧ કડીના ‘માઈ-બાવની’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

ડુંગરપુરી [               ]: ભાવપુરીના શિષ્ય. રાજસ્થાનના જોધપુર પાસેના ચિહઠણ ગામમાં તેમનો મઠ છે જે તેમના અવસાન પછી તેમના શિષ્યવર્ગે સ્થાપ્યો છે. આ સંત પૂર્વાવસ્થામાં જેસલમેરના પુરોહિત બ્રાહ્મણ હોવાની વાત મળે છે. ડુંગરપુરી ઈ.૧૯૦૦ આસપાસ થયા હોવાનું તથા વિરમગામ તાલુકાના દેત્રોજ ગામના વણકર હોવાનું નોધાયું છે પરંતુ એ માહિતી અધિકૃત જણાતી નથી. આ કવિનાં પદો (કેટલાંક મુ.)માં સતગુરુના મહિમાનું અને આધ્યાત્મિક અનુભવનું યોગમાર્ગી પરિભાષામાં તથા રૂપકશૈલીએ નિરૂપણ થયેલું છે. કવિની વાણીમાં એક પ્રકારની સચોટતા છે. તેમનાં ઘણાં પદો હિન્દી-રાજસ્થાનીમાં અને કેટલાંક મિશ્ર ભાષામાં તો કેટલાંક ગુજરાતી ભાષામાં મળે છે. ગુજરાતી ભાષાનું તત્ત્વ પાછળથી દાખલ થયું હોય એવું પણ નજરે ચઢે છે. કૃતિ : ૧. અભમાલા; ૨. નકાદોહન; ૩. પરમાનંદ પ્રકાશ પદમાલા, પ્રા. રજનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.); ૪. પ્રાકાસુધા : ૧; ૫. યોગ વેદાન્ત ભજન ભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.) (+સં.); ૬. હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.) સંદર્ભ : પ્રીતના પાવા, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૮૩ - ‘રાજસ્થાની લોકસાહિત્ય’. (૧ પદ મુ.). [ચ.શે.]

ડુંગરસી [               ]: ૧. શૃંગારી ગીત (મુ.)ના કર્તા. “કસ્તૂરાદિ રાણી પર સેજિ સંભોગિક, ડૂંગરસી પઉદરા”એ પંક્તિમાં ડુંગરસી કર્તાનામ વાંચવું કે કેમ તે પ્રશ્ન રહે છે, તે ઉપરાંત કર્તાને જૈન ગણવામાં આવ્યા છે તેનો શો આધાર છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩ - ‘એક શૃંગારિક ગીત’, સં. મણિલાલ બ. વ્યાસ. [પા.માં.]

ડોસો [ઈ.૧૭૨૬માં હયાત] : જૈનેતર કવિ. પિતાનું નામ વેલો. કવિ પિતાના નામ પરથી ‘વેલાણી’ નામને અંતે લખે છે વતન જામનગર પાસે કાલાવાડ. એમના ૭૦ કડીના ‘કૃષ્ણચરિત્રનો સલોકો/બાળલીલાનો સલોકો/રાધાકૃષ્ણનો સલોકો’ (ર.ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, જેઠ સુદ ૩, સોમવાર)માં બાળલીલા ને રાધાના દાણાના રસિક પ્રસંગના આલેખન ઉપરાંત કંસવધ સુધીનું વૃત્તાંત આવે છે. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’માં આ કૃતિનો ઉલ્લેખ ભૂલથી ૨ અલગ કૃતિઓ તરીકે થયેલો છે. સંદર્ભ : ૧. કવિચરિત ૩; ૨. ગુજૂકહકીકત;  ૩. ગૂહાયાદી; ૪. ફોહનામાવલી. [કી.જો.]