ઉમાશંકરનો વાગ્વૈભવ/આ મહાનિબંધના પ્રકાશન નિમિત્તે: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading| આ મહાનિબંધના પ્રકાશન નિમિત્તે... | }} {{Poem2Open}} ‘ઉમાશંકર જોશી :...") |
(No difference)
|
Revision as of 20:35, 21 October 2021
‘ઉમાશંકર જોશી : સાહિત્યસર્જક અને વિવેચક’ – એ મથાળા હેઠળ, ગૂજરાત વિદ્યાપીઠમાં ‘વિદ્યાવાચસ્પતિ’ (પી.એચ.ડી.)ની પદવી માટે લખાયેલા મહાનિબંધનો આ બીજો ખંડ છે. આ ખંડમાં ઉમાશંકરે ગદ્યમાં કરેલા એમના આજ દિન સુધીમાં પ્રકાશિત સર્વ સર્જનકાર્યને આવરી લેવાયું છે. એ રીતે આ ખંડમાં નાટક, ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ, ચરિત્ર અને પ્રવાસ જેવા સાહિત્યપ્રકારોમાં ઉમાશંકરની કલમે જે કંઈ સર્જનકર્મ કર્યું છે તેની આસ્વાદમૂલક અવબોધકથા રજૂ કરવાનો આ એક પ્રયાસ છે. બને ત્યાં સુધી ઉમાશંકરના પદેપદને – એમના ગતિસંચાર તેમ જ દિશાલક્ષ્યને સતત નજરમાં રાખતાં એમનાં શીલ-શૈલીની જે કંઈ ખૂબી-ખાસિયતો મને વરતાઈ તેનું વિવરણ અહીં આપ્યું છે. આ લખાણ ઉમાશંકરના શબ્દ સાથે વાચકોનો હૃદયસેતુ રચી આપવામાં કોઈક રીતે ઉપયોગી થશે તો એનો મને આનંદ હશે. પ્રસ્તુત ખંડનો ઉપયોગ કરનાર વાચકમિત્રો આ મહાનિબંધનો પહેલો તથા ત્રીજો ખંડ પણ જોશે તો તેથી લાભ થશે. ઉમાશંકરના દેશકાળની, એમના ઘડતરનાં પરિબળો તથા એમના સર્જકવ્યક્તિત્વની તાસીરની વીગતો આ મહાનિબંધના પહેલા ખંડના પ્રારંભિક ભાગમાંથી તો આ મહાનિબંધના ત્રીજા ખંડમાં છેલ્લે ઉમાશંકરના જીવન-કવનની તવારીખ, એમના ગ્રંથોની યાદી તથા એમના વિશે અન્ય દ્વારા થયેલા સ્વાધ્યાયોની સંદર્ભસામગ્રી મળી રહેશે. ગુજરાતી સાહિત્ય પરિષદના શ્રી ઉમાશંકર જોશી સ્વાધ્યાયપીઠે મારા આ કાર્યના પ્રકાશનની જવાબદારી ઉપાડી લીધી તે બદલ ગુજરાતી સાહિત્ય પરિષદનો, અને રઘુવીરભાઈએ આ ગ્રંથના આવરણ ઉપર જે સુંદર લખાણ કરી આપ્યું તે બદલ તેમનો હું આભારી છું. આ ગ્રંથના લેખન-પ્રકાશન સુધીના વિવિધ તબક્કાઓમાં જેમની જેમની મને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ મળી છે તે સૌ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી વિરમું છું. રથયાત્રા, તા. ૪-૭-૨૦૦૮ ૯-બી, પૂર્ણેશ્વર ફ્લૅટ્સ, ગુલબાઈ ટેકરા, અમદાવાદ – ૩૮૦૦૧૫ ચંદ્રકાન્ત શેઠ