અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ જોષી/એક હતી સર્વકાલીન વારતા: Difference between revisions
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 72: | Line 72: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
</div></div> | </div></div> | ||
{{HeaderNav2 | |||
|previous =અરે, કોઈ તો… | |||
|next = છેલકડી | |||
}} |
Latest revision as of 10:31, 22 October 2021
જગદીશ જોષી
ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરી ફરી કેમ કરી વાંચશું?
માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઊઠ્યા ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?
આકાશે આમ ક્યાંક ઝૂકી લીધું ને ફૂલોને `કેમ છો?' પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?
માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?
ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?
(ધારો કે એક સાંજ આપણે મળ્યાં…, પૃ. ૧૧૯)
‘આકાશ’ પછીનો અને ‘મોન્ટા-કૉલાજ’ પહેલાંનો જગદીશનો સંગ્રહ તે ‘વમળનાં વન’. જગદીશ જોષીના સંગ્રહમાં એ જે અવતરણો મૂકે છે, એ પણ એની કવિતાને પામવા માટે મહત્ત્વનું કામ કરી શકે એવાં છે. ‘મોન્ટા-કૉલાજ’માં એણે હરમાન હેસનું એક આખું કાવ્ય મૂક્યું છે. એ કાવ્ય પણ પૂરતું મહત્ત્વનું છે. પણ એમાંની બે પંક્તિઓ તો જગદીશની કવિતાના મિજાજને બરાબર પકડી રાખે એવી છે: And the entire history of my love/is you and this evening. તો ‘વમણનાં વન’માં એણે ખલિલ જિબ્રાનની બે પંક્તિ મૂકી છે: My love for you is painful to me/And useless to you. પ્રેમ એ ઇતિહાસ થઈ ગયો. આજની સાંજ એ ભૂતકાળ થઈ ગયેલા કાળમાંથી પ્રગટેલી વર્તમાનની આ ક્ષણ. તું નથી ને આ સાંજ છે. એટલે આનંદ નથી અને વેદના છે. કમળનાં વન નથી અને વમળનાં વન છે, કમળનાં વન ડૂબી ગયાં છે અને વમળનાં વન ઊગ્યાં છે અને કરુણતા એ છે કે કમળનાં વન કાંઠે ડૂબ્યાં છે અને અને વમળનાં વન કંઠે ઊગ્યાં છે.
જગદીશની કવિતામાં સાંજના સંદર્ભો અનેક વાર આવે છે. સાંજ એટલે સંધિકાળ; પણ અહીં કાળ છે, પણ સંધિ વિનાની સાંજ છે: ‘પીળીચટ્ટી સાંજનું બેડું તૂટ્યું ને/એમાં સૂરજનો નંદવાયો રંગ’ … ‘સાંજની ઉદાસી મને ઘેરે છે…’ ‘સાંજ સાંજને ભરીભરીને સૂરજ આવ્યો/તારે મન તે કાંઈ નહીં પણ આટાલૂણ…’ ‘એક સાંજ આ મળી ને એમાં/સાત જનમની વાત… કેમ કરી કાંઠાને ક્હેવો દરિયાનો કચવાટ?’ … ‘કેટલીયે રાત પછી ખીલી છે સાંજ’… ‘તમે સાંજે મળો તો મને એકલા મળો!’ … ‘મારી ઉદાસીએ સાંજ સાથે નાતો બાંધ્યો/અને સાંજે મારાં ગીતો સાથે’ … ‘અણગમતું આયખું લઈ લો ને, ના! / મને મનગમતી સાંજ એક આપો’ … ‘સાંજ ખાલી ને છલકે છે પ્યાલી’ … ‘આ ઢળતી સાંજની ગમગીનીના પડછાયાનાં વૃક્ષો/મારા રસ્તા પર ઝૂક્યાં છે!’ … ‘અને સાંજ જીવવાની ઇચ્છા ગુમાવી દેશે’. (જગદીશનું મૃત્યુ ૨૧ની સપ્ટેમ્બરની સાંજે જ થયું) … ‘આજ લગી/હથેળીમાં જાળવી રાખેલી મારી વાતને/સાંજના અંધકારના બગીચાના વૃક્ષની છાયામાં/તારાં સીનોને સોંપી દેવી છે’ … ‘ઈ. સ. ૧૯૯૯ની એક આથમતી સાંજે/પ્રયોગશાળાએ સાબિત કરી આપ્યું/કે પૃથ્વી પર દરિયો હતો જ નહીં… Q.E.D.’ … ‘એક નહીં વરસેલા વરસાદની ધૂંધળી સાંજે’ … ‘આ ભીની સાંજના સોગંદ ખાઈને/તને કહું છું, શિલ્પા! કે/મારી સાંજને વ્યાકુળ કરવાનો/તને કોઈ અધિકાર નથી.’ … ‘તું તારાં એ ગીતો કાયમને માટે/ખુશીથી પાછાં લઈ લે/અને/મને મારી કુંવારી સાંજ પાછી આપ…’
કાવ્યના શીર્ષકમાં વિરોધ પણ છે અને વિરોધાભાસ પણ છે. ‘હતી’ પણ છે અને ‘સર્વકાલીન’ છે. સ્વરૂપ ગીતનું છે અને શીર્ષકમાં ‘વાર્તા’ છે. મળવું છે અને નથી મળી શકતાં એની વેદના છે. કહેવું છે અને કહી શકાતું નથી એનો વિષાદ છે. આંખ ખુલ્લી છે અને કિતાબ કોરી છે, ઓરતા છે, પણ એ ઝૂરતા છે. કાવ્યનો ઉપાડ અત્યંત માર્મિક છે. મળવા માટે ધારવું પડે અને પછી માની લો કે આપણે મળ્યાં છીએ એમ કહીને મનને મનાવવું પડે. એમાં જે કરુણતા છે એ કરુણતા beyond wordsની છે. માની લો કે એક સાંજે આપણે મળી શકીએ, એકમેક સાથે હળી શકીએ, પણ આખા આ આયખાનું શું? મનુષ્ય એનું તમામ આયુષ્ય શું આ એક કલ્પિત મિલનની સાંજને ટેકે ગાળી શકે ખરો? એક અનુત્તર પ્રશ્ન કવિએ મૂકી દીધો છે. શું જિંદગી આખી ખુલ્લી આંખે કોરી કિતાબને ઉકેલવામાં જ વિતાવવાની?
બધી મનને મનાવવાની વાતો છે. અને મન કોઈનુંયે – પોતાનુંયે મનાવ્યું ક્યાં માને છે? કદાચ એટલે જ એ મન હશે. પ્રિય વ્યક્તિના સ્મિતને એ ઝૂરીઝૂરીને ઝંખે છે અને માની લે છે કે એ સ્મિત પ્રગટ્યું – પણ એ પ્રગટ્યું નથી એ જ વાત મનને ડંખે છે. પણ સ્મિત હોય તો એનો ચમત્કાર કેવો હોય, એની એક કાલ્પનિક રોમૅન્ટિક ઇમેજ છે. એક સ્મિતને આધારે તો છાતીમાં મેઘધનુષ ફોરે છે. એક જાપાનીસ નવલકથામાં આવી ઇમેજ વાંચી હતી: હું તને જોઉં છું અને છાતીમાં મેઘધનુષ રચાય છે. આ નવલકથા તો મેં વાંચી હતી એટલે મને યાદ આવે છે. નવલકથાની ઇમેજ ગીતમાં પ્રવેશી છે એનાથી જગદીશ તો અજાણ હતો; પણ શીર્ષકમાં ‘વાર્તા’ છે એટલે નવલકથાની ઇમેજને અહીં આવવાનો હકદાવો છે. છાતીમાં મેઘધનુષ ફોરે એ કલ્પના છે અને બળબળતી રેખાઓ એ વાસ્તવિકતા છે. આકાશ ઝૂકે અને ફૂલોને ‘કેમ છો?’ પૂછે એ કલ્પના છે અને મૂંગી વેદના એ વાસ્તવિકતા છે. આકાશ ઝૂકે એ મનગમતી કલ્પના છે, પણ એ કેવળ કલ્પના છે એ વાત જગદીશે અત્યંત સાંકેતિક રીતે મૂકી છે: ‘આકાશે આમ ક્યાંક ઝૂકી લીધું’ – આ રીતે ‘આમ’ શબ્દ દ્વારા પણ એણે કેટલું બધું કામ કઢાવી લીધું છે! વાર્તા છે એટલે છેવટે ખાધું પીધું ને મજા-ની વાત હોય. પણ એ બધું તો વાર્તામાં બને. જીવનમાં તો ક્યાંથી બને? એટલે જ પ્રશ્ન છે કે ‘પણ ઝૂરતા આ ઓરતાનું શું?’ કોઈક એક સાંજે માની લો કે આ રાજા-રાણી મળ્યાં, ધારી લો કે રાણી જીતી પણ ગયાં, પણ આ તો વીતી ગયેલી વાત છ. અને છેલ્લે એક વિકરાળ પ્રશ્ન: ‘પણ આ માંડેલી વારતાનું શું?’
જગદીશના ‘મોન્ટા-કૉલાજ’ ના એક દીર્ઘ ગદ્યકાવ્યની થોડીક પંક્તિઓ આ પ્રમાણે છે:
કહો — કહો — કહો
શું, આ માંડેલી વારતાનું શું?
શું? કંઈ નહીં?
ત્વચાના પ્રેમનું પણ એક મંગલાષ્ટક હોઈ શકે…
પણ પ્રેમ એટલે શું?
વાત્સ્યાયન-મીમાંસા?
હૅન્રી મિલર કે એલિઝાબેથ ટેઇલર?
જાત અને જગત પર વેર લેવા નીકળેલી મેરલીન મોનરો?
‘संभोगसे समाधि?’
ખજુરાહોના કાળમીંઢ પથ્થરમાં ઊપસેલ છે તે પ્રેમ?
ગુપ્તતા કે ગદ્દારી તે પ્રેમ?
કહો, કહો ક્યાં છે એ પ્રેમ?
કહો, કહો,
શરીરની વાણીથી મનઃપૂત માનવજીવનનું
વાસંતી ફૂલ ક્યાં છે? ક્યાં છે?
જગદીશનું આ ગીત, માત્ર જગદીશની જ કવિતાનું નહીં, પણ ગુજરાતી કવિતાનું એક ઉત્તમ કાવ્ય છે. (‘એકાંતની સભા'માંથી)