અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/તડકો-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 117: Line 117:
{{Poem2Close}}
{{Poem2Close}}
</div></div>
</div></div>
{{HeaderNav2
|previous = સાંજના ઓળા લથડતા જાય
|next = સૂર્યને શિક્ષા કરો
}}

Latest revision as of 12:31, 22 October 2021


તડકો-૧

લાભશંકર ઠાકર

પરોઢના ઝાકળમાં તડકો
પીગળે.
પીગળે પીગળે પડછાયાના પ્હાડ.
ને આંસુમાં
ડૂબતી તરતી
તરતી ડૂબતી
અથડાતી ઘૂમરાતી આવે
થોર તણી કાંટાળી લીલી વાડ.
વાડ પરે એક બટેર બેઠું બટેર બેઠું બટેર બેઠું
ફફડે ફફડે ફફડે એની પાંખ.
દાદાની આંખોમાં વળતી ઝાંખ.
ઝાંખા ઝાંખા પરોઢમાંથી પરોઢમાંથી
આછા આછા
અહો મને સંભળાતા પાછા અહો મને સંભળાતા
આછા
ઠક્ ઠક્ ઠક્ ઠક્ અવાજમાં
હું ફૂલ બનીને ખૂલું
ખૂલું
ઝાડ બનીને ઝૂલું
ઝૂલું
દરિયો થૈને ડૂબું
ડૂબું
પ્હાડ બનીને કૂદું
કૂદું
આભ બનીને તૂટું
તૂટું તડકો થઈને
વેરણછેરણ તડકો થઈને
સવારના શબનમસાગરને તળિયે જઈને અડકું.
મારી કર કર કોરી ધાર પીગળતી જાય.
પીગળે પીગળે પડછાયાના પ્હાડ!



આસ્વાદ: ‘તડકો–૧’ વિશે – ચંદ્રકાન્ત શેઠ

આ કાવ્યનો આસ્વાદ લેતાં આપણને સૌને થાય છે કે ‘‘અમે તડકો તો જોયો છે, પણ અહીં કવિએ અમને તડકાને જે પ્રત્યક્ષ કરાવ્યો તે તો વિલક્ષણ જ. કેટલુંક ચિરપરિચિત પણ કાવ્યમાં એવો તો વેશ ધારણ કરીને આવે છે કે આપણને અપરિચિત લાગે. પરિચિતને અપરિચિતની જેમ આપણે પામીએ છીએ ત્યારે આનંદાશ્ચર્ય થયા વિના રહેતું નથી.’’ પરોઢના ઝાકળને આપણે જોયું છે; તડકાને પણ જોયો છે; પણ ઝાકળમાં તડકાને જોવો એ તો કવિહૃદયીને જ સૂઝે. અહીં પરોઢના ઝાકળમાંના તડકાનો પરિચય કવિ આપે છે. તડકાના પરિચયમાં ઝાકળનો પરિચય અવિનાભાવે થાય છે. ઝાકળની દીપ્તિ, કોમળતા, રંગીનતા, તરલતા — આ બધું તડકાને કોઈ અપૂર્વ રૂપ બક્ષે છે. આવો તડકો તો કવિના વિશ્વમાં જ પામી શકાય. આમ છતાં આ તડકો વાસ્તવિક વિશ્વનો મટી જતો નથી — મટી જઈ શકે પણ નહિ. આ પ્રકારની આંતર-પ્રતીતિમાં જ એક પ્રકારની ચમત્કૃતિ રહેલી છે. અહીં કવિકર્મના બળે તડકાનું રૂપાંતર થયેલું પામી શકાય છે. આ રૂપાંતરમાં તડકાનું પોતાનું રૂપ ખોવાઈ જતું નથી, બલકે તડકાના પોતાના રૂપનો જ વિકાસ-વિસ્તાર એમાં જોઈ શકાય છે.

‘પીગળે
પીગળે પડછાયાના પ્હાડ.’

અહીં ‘પીગળે’ ક્રિયાપદ જે રીતે પંક્તિવિન્યાસમાં સ્થાન પામે છે તે સૂચક છે. ‘પીગળે’ ક્રિયાપદનું પુનરાવર્તન એ ક્રિયા તરફના કવિના વિશિષ્ટ અવધાનનું દ્યોતક છે. પ્રથમ વાર થતો ‘પીગળે’ ક્રિયાપદનો વિનિયોગ આપણને ઉત્કંઠિત કરે છે, સાથે સાથે તે ક્રિયાપદનું પુનરાવર્તન ક્રિયાના બળને બળવત્તર કરે છે. પડછાયાને પહાડનું રૂપ આપી કવિએ ‘પીગળે’ ક્રિયાપદના વિનિયોગનું અને તેના પુનરાવર્તનનું ઔચિત્ય સિદ્ધ કર્યું છે. પડછાયા અને પહાડનાં વિભિન્ન રૂપોની કલ્પના દ્વારા સધાતી એકરૂપતા સ્વાભાવિક અને તેથી સદ્યસંવેદન બની રહે છે. ઝાકળમાંનો તડકો પડછાયાના પહાડને આવશ્યક એવો રૂપસંદર્ભ પૂરો પાડી પડછાયાની ઇન્દ્રિયગ્રાહ્યતાને તીવ્રતર કરે છે. તડકાથી પડછાયાના પહાડ પીગળે છે. એ રીતે તેમની વિલુપ્તિ પણ સમજાય છે; પણ આ ‘વિલુપ્તિ’ રૂપાંતરની પ્રક્રિયાનું જ અવાંતર નામ છે. પીગળવાની પ્રક્રિયાનો પડછાયાના પહાડના સંબંધમાં કરેલો વિનિયોગ કવિની રૂપનિષ્ઠાનું જ પરિણામ ગણાય. ‘પીગળે પીગળે પડછાયાના પ્હાડ’ આગળ કવિની પડછાયાની વાત પૂરી થતી નથી. પડછાયાના પહાડને ‘ને’ દ્વારા આંસુનો બીજો સંદર્ભ મળે છે. આ આંસુ અતીતની કોઈ પરોઢ વેળાની સ્મૃતિનાં તો નહિ હોય? પડછાયામાં જાણે અતીતનો સંસ્પર્શ થાય છે. વિષાદની કોઈ ઊંડી ધૂસરતા મનને આકંપિત કરી જાય છે. જીવનની ઉઘાડ-વેળાનું કોઈ રમણીય રૂપ અતીતનાં સ્મરણાશ્રુમાં સ્ફુરે છે. ઝાકળમાં જેમ તડકો, તેમ આંસુમાં રૂપની આછી તરલ ઝાંય જાણે ચમકી ઊઠે છે. એ ચમકને પ્રભાવે જ કવિને આંસુમાં દેખાય છે :

‘ને આંસુમાં
ડૂબતી તરતી
તરતી ડૂબતી
અથડાતી ઘૂમરાતી આવે
થોર તણી કાંટાળી લીલી વાડ.’

સ્થાવરને અહીં ગતિનો સ્વભાવ સાંપડે છે. બંધિયારપણાનું ઇંગિત આપનારી વાડ મનની મુક્ત સૌંદર્યરમણાની-તરલમધુર સ્મૃતિલીલાની અભિવ્યંજક બની રહે છે. કવિની દૃષ્ટિ સમુચિત રીતે ક્રિયા પરથી ક્રિયાના આશ્રય પર જઈ ઠરે છે. પદોનો અને વર્ણોનો ક્રમવિન્યાસ વાડના મનોગત રૂપની સ્મૃતિગોચર ગતિલીલાને તાદૃશ કરે છે. સ્મૃતિનો લય જાણે અહીં પકડી શકાય છે. કવિને આંસુમાં વાડનું દર્શન શાથી થયું? વાડ એના કાંટાના તીખા સ્પર્શ દ્વારા અને લીલા રંગના શીળા દર્શન દ્વારા મનમાં રોપાઈ ગઈ છે માટે? કદાચ એનો ઉત્તર પછીની પંક્તિઓ આપે છે :

‘વાડ પરે એક બટેર બેઠું બટેર બેઠું બટેર બેઠું
ફફડે ફફડે ફફડે એની પાંખ’

વાડ પરનું બટેર વાડને કવિના સ્મૃતિપ્રદેશમાં ખેંચી લાવે છે. ‘બટેર બેઠું’નાં ત્રણ આવર્તન દ્વારા કવિ વાડ પર બટેર બેઠાથી જે સૌંદર્યાનુભવ વાસ્તવ જગતમાં થયો હતો તેને મનોજગતમાં કલ્પના-સ્મૃતિ દ્વારા જાણે સ્થિર કરવા માગે છે. એ અનુભવને ફરીથી ઉત્કટપણે પામવાની કવિની મથામણ પણ અહીં વરતી શકાય છે. ‘બટેર’ અને ‘બેઠું’ ક્રમવાર પોતાના સાંનિધ્યથી પરસ્પરની વ્યક્તિમત્તાને જાણે ઉઠાવ આપે છે. બટેરને પામવાની કવિની મથામણનું બળ, એનો ઉલ્લાસ પંક્તિના સહજસ્ફૂર્ત લયની પ્રસન્નસરલ ગતિમાં અનુસ્યૂત છે. કવિ બટેરને પાંખોના ફફડાટમાં પામે છે. ‘ફફડે ફફડે ફફડે એની પાંખ.’ ‘ફફડે’નું પુનરાવર્તન મનમાં પાંખનો અને એ દ્વારા ‘બટેર’નો જાણે સાક્ષાત્કાર કરાવે છે. કવિની અનુભૂતિની તીવ્રતા અને અભિવ્યક્તિની સૂક્ષ્મતા અહીં સહેલાઈથી પામી શકાય છે. આંખ પાંખને જુએ એ પહેલાં તો કાનને પાંખના અસ્તિત્વની ખબર ‘ફફડે’નાં આવર્તનો દ્વારા પડી જાય છે. દૃશ્ય અને શ્રાવ્ય કલ્પનો પરસ્પરની સ્પર્ધા કરતાં પરસ્પરનો સૌંદર્યોત્કર્ષ સાધી એ દ્વારા કાવ્યત્વ સિદ્ધ કરે છે.

બટેર કદાચ કવિના મનનું જ પ્રતિરૂપ બની રહે છે. સૌંદર્યજગતમાં મુક્તપણે ઊડવાનો, જીવનના ઉષ:કાળને પુનરપિપુન: માણવાની ઝંખનાનો કવિની ભીતરમાં થતો ફફડાટ અને દાદાની આંખોમાં વળતી ઝાંખ જોઈને મનમાં જાગતું જીવનની નક્કર વાસ્તવિકતાનું વિષાદમૂલક ભાન — આ બે વચ્ચેનો અંતરાલ જીવનનો જ વાસ્તવલક્ષી સૂર જાણે ધ્વનિત કરે છે :

‘ઝાંખા ઝાંખા પરોઢમાંથી પરોઢમાંથી
આછા આછા
અહો મને સંભળાતા પાછા અહો મને સંભળાતા આછા
ઠક્ ઠક્ ઠક્ ઠક્ અવાજમાં…’

કવિએ શબ્દોની પુનરુક્તિ દ્વારા અનુભૂતિની ચવિર્તચર્વણક્ષમતાને સૂચિત કરી છે. વળી ‘આછા’, ‘પાછા’ અને ‘આછા’ એ પ્રાસભૂત શબ્દો દ્વારા સધાતા લયનાં ત્રણ સંવાદાત્મક આંદોલનો દ્વારા અવાજનાં સાતત્ય અને ગહરાઈને વ્યક્ત કર્યાં છે. ‘પાછા’ શબ્દનો અર્થ લયનાં આ ત્રણ આંદોલનો દ્વારા મૂર્ત બને છે. અર્થ — Meaning જાણે શબ્દ — soundમાં સંક્રાન્ત થાય છે. શબ્દ અને અર્થની ભેદમૂલક સભાનતા વિગલિત થઈ જાય છે. ભાષાની આ રીતે કાવ્યમાં થવી જોઈતી ઉત્ક્રાંતિ સિદ્ધ થાય છે.

‘ઠક્ ઠક્ ઠક્ ઠક્’ — અવાજ કવિને સૌંદર્યાનુભૂતિની પરાકોટિ તરફ ખેંચી જવામાં નિમિત્તભૂત બને છે. કવિને થાય છે :

‘હું ફૂલ બનીને ખૂલું
ખૂલું
ઝાડ બનીને ઝૂલું
ઝૂલું
દરિયો થૈને ડૂબું
ડૂબું
પ્હાડ બનીને કૂદું
કૂદું
આભ બનીને તૂટું
તૂટું તડકો થઈને
વેરણછેરણ તડકો થઈને
તડકો થઈને
સવારના શબનમસાગરને તળિયે જઈને અડકું
મારી કર કર કોરી ધાર પીગળતી જાય
પીગળે પીગળે પડછાયાના પ્હાડ’

કવિને ફૂલ, ઝાડ, દરિયો, પહાડ, આકાશ વગેરે થવાની જે આકાંક્ષાઓ જન્મે છે તેમાં પરોઢના સૌંદર્યનો પ્રભાવ કારણભૂત છે. કવિ પરોઢ દ્વારા પ્રગટ થતા સૌંદર્યને અનેક રૂપે, અનેક રીતે પામવા માગે છે. એમના ચૈતન્યનો ઉલ્લાસ — ચેતોવિસ્તાર વિભિન્ન આકાંક્ષાઓમાં અભિવ્યક્ત થાય છે. પરોઢના ઝાકળમાંનો તડકો કવિના મનમાં છેવટે તડકો થવાની આકાંક્ષા જન્માવે છે. સૌંદર્યાનુભૂતિનું ચરમબિન્દુ તડકો થઈને તૂટી પડી, વેરણછેરણ થઈને શબનમ-સાગરના તળિયે પહોંચવાની કવિની ખેવનામાં જોઈ શકાય છે. ‘શબનમ’ જેવા શબ્દનો ‘સાગર’થી સાધેલો સમાસ ધ્યાનપાત્ર છે. કવિ ઝાકળમાંના તડકાના માત્ર તટસ્થ દ્રષ્ટા જ નથી, તડકા રૂપે પોતે પોતાને અભિનવ રૂપે પામી, પોતાના જ અસ્તિત્વનાં વિવિધ રૂપોમાં વિલસતા એક અને અખંડ એવા આનંદમય અસ્તિત્વનો સાક્ષાત્કાર કરવા માગે છે. ‘દરિયો થૈને ડૂબું’ અથવા ‘પ્હાડ બનીને કૂદું’ એમાં જે અસંભવનિર્ભર વૈચિત્ર્ય દેખાય છે તેના મૂળમાં સૌંદર્યના માનસિક પ્રત્યક્ષનું સત્ય રહેલું છે. દેખીતી વિસંવાદિતા તળે સંવાદિતાનો અતૂટ તંતુ જોવા મળે છે. એથી જ અહીં ‘દરિયો થૈને ડૂબું’ કે ‘પ્હાડ બનીને કૂદું’ એ પંક્તિઓ દ્વારા પ્રત્યક્ષ થતી અનુભૂતિ સાચી લાગે છે. કવિની અભૂતપૂર્વ અનુભૂતિની અપેક્ષા એમાં વ્યંજિત થાય છે. વાણીને સ્વકીય વ્યવસ્થા દ્વારા નૂતન અવતાર આપીને લાઘવાદિની પ્રક્રિયાને વિશિષ્ટ રીતે પ્રયોજવાની કવિની શક્તિ અહીં જોઈ શકાય છે, ‘ફૂલ બનીને ખૂલું’ એમ કહી કવિ ફૂલના ખૂલવાની ક્રિયાને પોતાની કરવા માગે છે અથવા કરે પણ છે. અહીં સૌંદર્યાનુભૂતિની આકાંક્ષા અને ઉપલબ્ધિ વચ્ચેનું અંતર જાણે કવિએ વિલોપી નાખ્યું છે. ચેતોવિસ્તારની ક્રમિક ભૂમિકાઓમાં કવિ ફૂલના રૂપનું સ્થૂલત્વ પણ ત્યજી દઈ કેવળ ક્રિયામય થવા માગે છે — થાય છે. ક્રિયાનું સત્ય કવિને પોતાના અસ્તિત્વના પર્યાય રૂપ કદાચ લાગે છે. ‘ઝૂલું’નું પુનરાવર્તન લયના સાહચર્યથી ઝૂલવાની ક્રિયાને ચાક્ષુષ કરે છે. અરૂપને રૂપમાં સંક્રાન્ત કરી ઇન્દ્રિયગ્રાહ્ય બનાવે છે. શબ્દ પોતાની શક્ય તેટલી શક્તિથી વિસ્તરતો અરૂપનો રૂપબોધ કરાવવા મથે છે. ‘દરિયો થૈને ડૂબું’માં ડુબાડનાર દરિયો અને ડૂબનાર ઉભય રૂપે પોતાને પામી કવિ સ્થળ, કાળાદિની બધાઓથી વિમુક્ત; જાડ્ય, મૃત્યુ આદિથી અલિપ્ત એવા પોતાના અખંડ અને સમગ્રવ્યાપી અસ્તિત્વના સત્યનો જ નિવિર્ઘ્ને, લીલયા સાક્ષાત્કાર કરે છે. પ્રકૃતિનાં વિવિધ રૂપસત્ત્વોના નિબિડ અનુભવ દ્વારા સંપન્ન થવામાં જ કવિની સૌંદર્યાનુભૂતિ પ્રતીત થાય છે. અહીં ઝાકળના બિન્દુમાં ઊછળતા સૌંદર્યસિન્ધુ પર્યવસાન પામતાં, રૂપાંતર પામતાં કવિ આ પ્રકારની સૌંદર્યાનુભૂતિમાંથી પસાર થાય છે. બૃહદને માર્ગે જ કવિ તડકાને પોતાના અસ્તિત્વના પર્યાય રૂપે પામી શકે છે. કવિ ઝાકળમાંના તડકાનો અનુભવ પોતાનામાં રહેલી એ અનુભવમાં અવરોધક એવી વિસંવાદિતાઓને ગાળીને જ કરી શકે. કવિ એટલા માટે તો ‘મારી કર કર કોરી ધાર પીગળતી જાય’ એમ કહે છે. ધારની તીક્ષ્ણતા અને લીસાપણું કઠોર — મૃદુ વર્ણોથી જાણે મનોગમ્ય બને છે. સંવાદિતાની ઉપલબ્ધિ અને વિસંવાદિતાનું એ દ્વારા જ વિલોપન — એમાં જ સૌંદર્યાનુભૂતિનું સ્વારસ્ય તો નહિ હોય ને?

આખા કાવ્યમાં લયનું સાતત્ય ધ્યાન ખેંચે છે. લયમાં આવતા યતિ લયની ગતિને વળાંકો આપી એકધારાપણામાંથી — એકસુરીલાપણાથી કાવ્યને દૂર રાખે છે. શબ્દ અને અર્થની સંવાદિતાને વ્યંજિત કરતો, સમગ્ર કાવ્યની એકતા અને સજીવતાની ધારકશક્તિ બનતો, ભાવાભિવ્યક્તિને અનુકૂળ એવો લય અહીં સાદ્યંત વિકસતો ચૈતન્યના આરોહાવરોહાત્મક ગતિલય સાથે અનુસંધાન ધ્વનિત કરે છે. વિલક્ષણ પ્રાસ-લયથી સિદ્ધાંત થતાં વિવિધ કાલ-માનનાં આંદોલનો પરસ્પરને સંતુલિત કરતાં સમગ્ર કાવ્યની સૌંદર્યાનુભૂતિના પ્રાણરૂપ એવી સંવાદિતાને ઉઠાવ આપે છે. આમ આ કાવ્ય કવિના દર્શનોલ્લાસનો — સૌંદર્યાનુભૂતિનો પ્રબળ આવિષ્કાર બની રહે છે. (‘કવિતાની ત્રિજ્યા’માંથી) (પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ ૨૦૧૬)