ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/૪.હૃદયમાં પડેલી છબીઓ—ખંડ ૧ અને ૨: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading| ૪. હૃદયમાં પડેલી છબીઓ : ખંડ ૧ અને ૨ | }} {{Poem2Open}} ઉમાશંકર કવિ-સા...") |
(No difference)
|
Revision as of 15:38, 22 October 2021
ઉમાશંકર કવિ-સાહિત્યકારની સામાજિક જવાબદારીમાં દૃઢપણે માને છે, અલબત્ત, એની કલાસ્વાયત્તતાના ભોગે નહીં. એક રીતે તો કવિ-સાહિત્યકારે કવિ-સાહિત્યકાર રહેવું જ મોટી જવાબદારી છે. ઉમાશંકરને આવી જવાબદારીનું ભાન છે જ. એમણે ‘લેખકની જવાબદારી ઝડપથી પલટતી દુનિયામાં’ – એ લેખમાં પોતાની આ વિષય વિશેની વિચારણા રજૂ કરી છે. ઉમાશંકર આમ કવિ તરીકે આત્મનિષ્ઠા સાથે સમાજનિષ્ઠાનો મેળ પાડતા હોઈ વૈયક્તિક તેમજ સામાજિક અનેક ઘટનાઓ પ્રત્યેની પોતાની અભિમુખતાનો, ક્યારેક કવિસાહિત્યકાર તરીકે તો ઘણી વાર ‘સંસ્કૃતિ’ના તંત્રી તરીકે અણસાર – ખ્યાલ આપે જ છે. સામાજિક-સાંસ્કૃતિક દૃષ્ટિએ મૂલ્યવત્તા ધરાવતી વ્યક્તિ તેમ જ સમષ્ટિજીવનની ઘટનાઓ વિશે પોતાનો પ્રતિભાવ આપવામાં તેઓ દિલચોરી કરતા હોય એવું ‘સમયરંગ’ આદિની નોંધો જોતાં નહિ લાગે. ઉમાશંકરે અનેક સમાજસેવકો – સંસ્કારસેવકોની સેવાઓને – સિદ્ધિઓને અવસર આવ્યે બિરદાવી છે, મૂલવી છે. તેમની મુલાકાતો, તેમના વાર્તાલાપો ને વ્યાખ્યાનો, તેમની વિદાય – આ બધાંની ઘટિત નોંધ લેવાનો પ્રયત્ન પણ તેમણે કર્યો છે. એમના હૃદયમાં કેટકેટલી વ્યક્તિઓની કેવી કેવી છબીઓ ઝિલાઈ છે તેનો વાસ્તવિક ખ્યાલ તો ‘હૃદયમાં પડેલી છબીઓ’ના બે ખંડોનાં ૫૬૪ પૃષ્ઠો તથા ‘ઇસામુ શિદા અને અન્ય’નાં ૩૦૪ પૃષ્ઠો જોતાં આવે છે. આ બધી છબીઓને ઝીલતી ઉમાશંકરની માનસછબી પણ ભાવકચિત્તમાં મુકાઈને રહે છે. ઉમાશંકરે હૃદયમાં પડેલી છબીઓના પ્રથમ ખંડમાં ગુજરાતના, દેશના અને વિદેશના સાહિત્યકારો અને મનીષીઓની પોતાના હૃદયમાં પડેલી છબીઓ આપી છે; તો બીજા ખંડમાં ગુજરાતની, દેશની અને વિદેશની વિવિધ વ્યક્તિઓ અને વિભૂતિઓની છબીઓ આપી છે. બીજા ખંડમાં જેઓ સમાવેશ પામ્યા છે તેઓ સાહિત્યકારના દાવે પ્રથમ ખંડમાંય પ્રવેશાધિકાર ન મેળવી શકે એવું નથી. (દા. ત., સ્વામી આનંદ, સાને ગુરુજી વગેરે.) એ જ રીતે પ્રથમ ખંડમાં આવેલા અનેક મહાનુભાવો બીજા ખંડમાંય આવી શકે એમ છે. (દા.ત., ડૉ. હરિપ્રસાદ દેસાઈ, કનૈયાલાલ મુનશી, રોમેં રોલાં વગેરે.) આમ છતાં, ઉમાશંકર આ બાબતમાં જે ગૌણપ્રધાન વિવેક દાખવીને કનૈયાલાલને પ્રથમ ખંડમાં તો સ્વામી આનંદને દ્વિતીય ખંડમાં મૂકે છે એમાં કોઈનેય વાંધો લેવાપણું જણાશે નહીં. એકંદરે ઉમાશંકરમાં જીવનવિવેક – કલાવિવેકની શક્તિ સવિશેષ છે અને તેની પ્રતીતિ હૃદયમાં પડેલી છબીઓના બે ખંડમાંના વર્ગીકરણમાં પણ વરતાય છે. ઉમાશંકરે પ્રથમ ખંડમાં ૭૫ સાહિત્યકારો – મનીષીઓનાં તો બીજા ખંડમાં ૫૯ (એક લેખમાં બે વ્યક્તિચિત્રો છે.) વ્યક્તિ-વિભૂતિઓના ‘શબ્દાંકનો’ (‘પેનપિક્ચર્સ’) છે. આમ કુલ ૧૩૪ શબ્દાંકનોમાં ઉમાશંકર ૧૯૩૮થી ૧૯૭૬ સુધીના સમયગાળાને આવરી લે છે. ઉમાશંકરનું સમયદૃષ્ટિએ અહીં લીધેલું પહેલું શબ્દાંકન શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયનું (૧૯૩૮) છે, તો અહીં લીધેલું છેલ્લું શબ્દાંકન પ્રો. જી. ડી. પરીખ તેમ જ આન્દ્રે માલરોનું (બંનેનું ૨૪–૧૨–૧૯૭૬નું) છે. સમયદૃષ્ટિએ જોતાં અહીં લેવાયેલાં શબ્દાંકનોમાં ૧૯૪૭ પહેલાંનાં તો માત્ર પાંચ જ છે, ‘સંસ્કૃતિ’ શરૂ થયા પછીના ગાળામાં શબ્દાંકનો પ્રમાણમાં વધારે લખાયાં છે. ઉમાશંકરે પોતે પણ આ ગ્રંથોમાં નિવેદનમાં કહ્યું જ છે કે “આમાંના ઘણાં શબ્દાંકનો હું તંત્રી ન હોત તો કદાચ થયાં ન હોત.” આનંદશંકર જેને ‘હૃદયનો હક્ક’ કહે છે તે ‘સંસ્કૃતિ’માં ‘સમયરંગ’ વિભાગમાં ક્યારેક એકબે વાક્યો અથવા નામોલ્લેખ દ્વારા પ્રગટ થયો હોવાનું લેખક પોતે જ જણાવે છે અને તેના પ્રમાણરૂપે બર્નાર્ડ શૉ, લૅસ્કી, ડ્યુઈ, મઢેંકર, સુધીન્દ્રનાથ દત્ત આદિના ઉલ્લેખો તેઓ કરે છે. લેખક પોતે જ જણાવે છે તેમ, ‘સંસ્કૃતિ’માં સો કરતાં વધુ આ જાતના ઉલ્લેખો છે. આ શબ્દાંકનોમાંથી ‘બે શિક્ષકો’ જેવું શબ્દાંકન ‘ગોષ્ઠી’(બીજી આવૃત્તિ)માં મળે છે. ‘ગોષ્ઠી’માં ‘મેઘાણીભાઈ’, ‘ચેખૉવ’ વગેરેમાં પણ હૃદયની છબીઓ પ્રગટેલી જોવામાં મુશ્કેલી નથી. (હિન્દીમાં ભારતીય જ્ઞાનપીઠ તરફથી પ્રકાશિત થયેલ ‘गाँधी-कथा’ (અનુ. સરોજિની નાણાવટી, 1971)માં ગુજરાતીમાંની ‘ગાંધીકથા’માંથી 6ઠ્ઠો, 46મો તથા 123મો પ્રસંગ લીધેલ નથી. એ કેમ લીધા નથી એનો ખુલાસો કર્યો હોત તો ઇષ્ટ થાત. વળી ફ્લેપ પર एक सौ पांच પ્રસંગની વાત કરી છે તે બરોબર નથી. – ચં૰) આ શબ્દાંકનો લેખકના કેટલાક મહત્ત્વના કે આત્મીય સંબંધોને અનુલક્ષીને છે. વળી આ શબ્દાંકનોમાં જે વ્યક્તિઓ આવે છે તે બધાં સાથે ઉમાશંકરનો રૂઢ અર્થમાં આત્મીય સંબંધ પણ નથી. સ્તાલિન કે કાયદે આઝમ ઝીણા, માઓ ત્સે તુંગ કે ચાઉ એન. લાઇ, જૉન કૅનેડી – આ બધા સાથે તેમનો એ રીતે આત્મીય સંબંધ નથી; પણ વિશ્વના રાજકારણની, ભારતીય રાજકારણની દૃષ્ટિએ આ બધાનું કોક મૂલ્ય – મહત્ત્વ – પ્રભાવ છે અને તેથી તેઓ એમના અવસાન-નિમિત્તે માનવીય કે માનવ્યની ભૂમિકાએ ગાંઠે બાંધવા જેવી બે વાતો કહેવા પ્રેરાય છે. આ બધી છબીઓ ઉમાશંકરના ઊંડા ને વ્યાપક માનવરસની સ્પષ્ટ અભિવ્યક્તિરૂપ છે. કેવાં કેવાં દિમાગો સાથે એમના ચિત્તનું અનુસંધાન થાય છે ! પ્રેમ-સંબંધનો અનુભવ કરતાં સત્ય સાચવવું ને કહેવું – એ નીતિ આ બધાં શબ્દાંકનોમાં તેમણે પાળી જણાય છે. આ પરિચયો તેમણે વિશુદ્ધ માનવ્યનિષ્ઠ ભૂમિકા પર રહીને કરાવ્યા છે. એમાં કેવળ શોકાંજલિઓ જ નથી, એમાં શ્રદ્ધાંજલિઓ સાથે અભિનંદનો પણ છે, શુભેચ્છાઓ અને સ્વાગતવચનો પણ છે. એમાં સુંદર સ્મૃતિલેખો પણ આવ્યા છે. આમ આ હૃદયમાં પડેલી છબીઓ સ્પષ્ટ રીતે વિવિધ પ્રકારની શક્તિઓ – સિદ્ધિઓ સાથે સંકળાયેલી માનવસંપત્તિનું સમુજ્જ્વળ દર્શન કરાવી રહે છે. ઉમાશંકરને આ પ્રકારનું લખાણ કરવાનો અનુભવ શાળાજીવન દરમિયાનથી જ મળતો રહેલો. ઈડરની માધ્યમિક શાળામાં તેઓ પોતે ભણતા હતા તે દરમિયાન તેમના ‘સચ્ચરિત્ર’ હેડમાસ્તરનું અભિનંદન કરવા માટેનું માનપત્ર ઘડવાનું કામ તેમના ભાગે આવ્યું હતું અને ત્યારથી જ ગદ્ય કેવી આહ્વાનરૂપ વસ્તુ છે તે તેમને સમજાયું હતું. શબ્દોથી વ્યક્તિ-ચિત્રની રેખાઓ ઉપસાવવી તે કેટલું વસમું ને આહ્લાદજનક છે તેનો અનુભવ તેમણે તે કાળથી મેળવેલો અને એ અનુભવ ‘સંસ્કૃતિ’ શરૂ કર્યા પછી પણ તેઓ મેળવતા રહ્યા છે. ઉમાશંકર માનવ્યના કવિ તરીકે – કવિમાનવ તરીકે સંસ્કૃતિના એક જવાબદાર ઉદ્ગાતા – ‘સંસ્કૃતિ’ના એક તંત્રી તરીકે જે હૃદયહક વ્યક્તિ-સમાજના સંબંધો બાબત ભોગવે છે તેનું જ પરિણામ આ છબીઓ છે. આ છબીઓને માટે તેઓ ‘શબ્દાંકનો’ શબ્દ યોજીને એનું વિશિષ્ટ રૂપ પણ આપણને સૂચવતા લાગે છે. અનેક વ્યક્તિઓના આંતરવૈભવનો પરિચય એમણે પસંદ કરેલાં વિશેષણો – શબ્દગુચ્છો વગેરેથી થઈ રહે છે. ‘હૃદયમાં પડેલી છબીઓ’ના પ્રથમ ખંડમાં જ હિંમતલાલ ગણેશજી અંજારિયા માટે ‘માધુર્યમૂર્તિ’ વિશેષણ કેટલું અર્થપૂર્ણ છે તે ‘કાવ્યમાધુર્ય’ આદિના મૂલ્યનો વિચાર કરતાં તુરત જ પ્રતીત થશે. ‘સંજાના’ માટે ‘ગ્રંથપ્રિય મૂર્તિ’ (પૃ. ૩૯) પણ અર્થપૂર્ણ શબ્દપ્રયોગ છે. આ જ રીતે રામનારાયણ પાઠક માટે ‘ગાંધીયુગના સાહિત્યગુરુ’ (પૃ. ૪૯), ન્હાનાલાલ માટે ‘વસંતવૈતાલિક’ (પૃ. ૮૮), રત્નમણિરાવ ભીમરાવ જોટે માટે ‘હસમુખા સજ્જન’ (પૃ. ૯૮), અંબુભાઈ પુરાણી માટે ‘આત્મપથિક’ (પૃ. ૧૦૯), ડોલરરાય માંકડ માટે ‘તપસ્વી લોકસેવક વિદ્વાન’ (પૃ. ૧૫૪), ટૉયન્બી માટે ‘ઇતિહાસાચાર્ય’ (પૃ. ૨૯૭) વગેરે શબ્દગુચ્છો પણ કેટલાં સાર્થક છે તે સહેલાઈથી સમજી શકાશે. ‘હૃદયમાં પડેલી છબીઓ’ના બીજા ખંડમાં દુર્ગારામ મહેતાજીને ‘એક રીતના નવીન ગુજરાતના મંગળ પુરુષ’ (પૃ. ૩) તરીકે ઓળખાવવામાં આવ્યા છે. ઠક્કરબાપા તો ‘સેવામૂર્તિ’ (પૃ. ૨૮), ઇન્દુલાલ યાજ્ઞિક તો ‘શ્રીમંત નગરીના ફકીર નેતા’ (પૃ. ૮૨), શ્રી મોટા તો ‘અકિંચન દાનવીર’ (પૃ. ૧૦૦) જવાહરલાલ નેહરુ માટે તેઓ ‘યુગસંધિપુરુષ’ એવું સામાસિક વિશેષણ પ્રયોજે છે. (પૃ. ૧૫૮) લોહિયાને યોગ્ય રીતે ‘મહાપ્રાણ’ તરીકે વર્ણવે છે. (પૃ. ૨૧૩) ઉમાશંકર અનેક વાર સમુચિત્ત પદાવલિ દ્વારા લક્ષ્યીભૂત વ્યક્તિના ગુણવિશેષને ઉપસાવી આપે છે. ડૉ. હરિપ્રસાદ દેસાઈના ‘ખુશનુમા સ્વભાવ’ની તેઓ વાત કરે છે (પૃ. ૩૩). રમણલાલ દેસાઈના સર્જકહૃદયની ‘લોકસંગ્રહપ્રવણ’-તાનો તેમનો નિર્દેશ (પૃ. ૭૩) પણ ધ્યાનાર્હ છે. પંડિત ઓમ્કારનાથજીનો પરિચય કરાવતાં તેમના ‘વ્યક્તિત્વની સંગીતમયતા’ને (પૃ. ૧૪૮) તેઓ ઉપસાવીને રહે છે. દેશળજીની ‘મુલાયમ સંસ્કારિતા’ (પૃ. ૯૬), ‘સ્વપ્નસ્થ’ની ‘નાજુક સંવેદનશીલતા’ (પૃ. ૧૯૧), સમરસેટ મૉમની ‘સજીવ અસંપૂર્ણતા’ (પૃ. ૨૬૩), ગગનવિહારી મહેતાની ‘વિનોદ-પ્રવણ સંસ્કારિતા’ (ખંડ-૨, પૃ. ૯૩), ડૉ. રાધાકૃષ્ણન્ની ‘માનવપ્રેમી સૌમ્ય વ્યક્તિતા’ (ખંડ-૨, પૃ. ૧૫૫), રાવસાહેબ પટવર્ધનની ‘પ્રસન્ન વિનયશીલતા’ (ખંડ-૨, પૃ. ૨૧૧) – આમ તેઓ એકાદ લઘુ શબ્દગુચ્છમાં વ્યક્તિત્વના મૂળભૂત લક્ષણને પ્રગટ કરી આપે છે. તેઓ અવારનવાર ઉપમા-રૂપકોથી, સમીકરણ-પદ્ધતિએ પણ જે તે વ્યક્તિના મૂળભૂત રંગનો ખ્યાલ આપે છે. આવાં અનેક દૃષ્ટાંતો છે. કેટલાંક જોઈએ :
- ’લલિતજી એટલે મંજીરાનો મીઠો રણકો.’ (પૃ. ૨૫)
- ’(હરિપ્રસાદ) ડૉક્ટરની સોબત એટલે હૃદયનો ઉષ્માભર્યો પ્રકાશ.’ (પૃ. ૩૪)
- ’મુનશી એટલે પુરુષાર્થનો ધોધ.’ (પૃ. ૩૯)
- ’મુનશી એટલે ચિરંતન યૌવનનો ફુવારો.’ (પૃ. ૧૩)
- ’ન્હાનાલાલ એટલે ગિરા ગુર્જરીનું હૃદય...’ (પૃ. ૧)
- ’અંબુભાઈ એટલે ઉત્સાહની મૂર્તિ.’ (પૃ. ૧૦૫)
- ’અંબુભાઈ એટલે ઊછળતો પ્રાણશક્તિનો ઉદ્રેક.’ (પૃ. ૧૦૯)
- ’અંબુભાઈ એટલે વંટોળિયો’ (પૃ. ૧૦૯)
- ’મેઘાણી એટલે સાક્ષાત્ સૌરાષ્ટ્ર.’ (પૃ. ૧૪૪)
- ’શયદા એટલે ગઝલ.’ (પૃ. ૧૫૦)
- ’વાવુભાઈ (પ્રાણજીવન પાઠક) એટલે વિચારોની આલમના વતની.’ (પૃ. ૧૫૨)
- “જયન્તિભાઈ એટલે ‘સનશાઇન’, સૂર્યનો ખુશનુમા તડકો, હૃદયની ઉષ્મા.” (પૃ. ૧૬૭)
- ’મડિયા એટલે મહેફિલ.’ (પૃ. ૨૦૩)
- ’ગાંધીજી એટલે અહિંસા, સાક્ષાત્ આચારમાં મહેકતી પ્રેમશક્તિ.’ (ખંડ–૨, પૃ. ૧૬૦)
આવાં સમીકરણોમાં અતિશયોક્તિનું તત્ત્વ પણ આવી જાય એ દેખીતું છે, પરંતુ એ અતિશયોક્તિ કવિની કલાની અનિવાર્યતાએ આવેલી અતિશયોક્તિ હોઈ એકંદરે અર્થગ્રહણમાં વ્યવધાનરૂપ થતી નથી. “ ‘માધુર્ય’ મૂર્તિ” (હિંમતલાલ અંજારિયા માટે), ‘સરળ સુજનતાની મૂર્તિ’ (અંબાલાલ જાની માટે), ‘યૌવનમૂર્તિ’ (મુનશી તેમ જ ઇન્દુલાલ યાજ્ઞિક માટે) ‘ઉત્સાહની મૂર્તિ’, (અંબુભાઈ પુરાણી માટે), ‘સેવામૂર્તિ’ અને ‘કારુણ્યમૂર્તિ’ (ઠક્કરબાપા માટે), ‘માતૃત્વમૂર્તિ’ (શારદાબહેન માટે), ‘હિન્દુ અને મુસલમાન ધર્મના મહાસમન્વયની સાક્ષાત્ મૂર્તિ’ (ગુરુ નાનક માટે), ‘સમજભરી કરુણા બલકે કરુણાભરી સમજની મૂર્તિ’ (શ્રીમાતાજી માટે), ‘એકતામૂર્તિ’ (સરદાર માટે), ‘ભારતની અંતરતમ અભીપ્સાની મૂર્તિ’ (લાલબહાદુર શાસ્ત્રી માટે), ‘નર્યા પ્રેમની મૂર્તિ’ (ગુરુદયાલ મલ્લિક માટે) — આ રીતે જે તે વ્યક્તિઓના ભાવાત્મક પરિચયને શબ્દોમાં મૂર્ત કરવા ઉમાશંકર પ્રયત્ન કરે છે. જેમ સમીકરણ દ્વારા, તેમ આ ‘મૂર્તિ’-ગત રૂપક-પદ્ધતિ દ્વારા પણ જે તે વ્યક્તિનો આંતર-પરિચય કરાવવાની તેઓ મથામણ કરે છે. તેઓ અનેક સ્થળે આલંકારિક રીતે – ભાવોષ્મા સાથે પોતાના હૃદયમાં ઝિલાતી વ્યક્તિત્વમુદ્રાને શબ્દમાં ઉતારે છે. એના અનેક તરીકાઓ છે. ક્યારેક તેઓ પૌરાણિક પાત્રની મદદ લઈ અર્ઘ્યપાત્ર વ્યક્તિનો નિર્દેશ કરે છે :
- ’પણ ક્ષત્રપવંશ, સોપારાનો અશોક લેખ, ખારવેલ લેખ નક્કી કરનાર પંડિતજીનો પુરુષાર્થ પૌરાણિક ત્રિવિક્રમની જ યાદ આપે છે.’
- ’વૃદ્ધ માતાપિતા આગળ ખડેપગે રહેતા એમને (ર. વ. દેસાઈને) જેમણે જોયા હશે તેમને અનાયાસે શ્રવણની યાદ આવી હશે.’ (ખંડ–૧, પૃ. ૭૮)
ક્યારેક તેઓ ઉપમા-રૂપકો યોજીને વાત ચલાવે છે :
- ’પણ મડિયા તો મોટા જલનું માછલું.’ (૧–૨૦૧)
– રૂઢિનું બળ પણ ઉપલા પ્રયોગને લાભદાયી થયેલું જણાય છે.
- ’રોલાં માનવજાતિનો અંતરાત્મા હતા.’ (૧–૨૫૪)
– અહીં રોલાંની માનવ્યનિષ્ઠ વ્યક્તિતા ઉપસાવવાનું પ્રયોજન છે. ઉમાશંકર આ ઉપમા-રૂપક પ્રયોજવાની પોતાની શક્તિનો લાભ સ્વામી આનંદ, નેહરુ વગેરેનેય આપે છે ! સ્વામી આનંદને તેઓ ‘મરમી જીવનના ફુવારા સમા’ (૨–૭૦) અને નેહરુને ‘યૌવનના – જીવનસ્ફૂર્તિના મૂર્તિમંત અવતાર’ (૨–૧૫૮) તરીકે વર્ણવે છે. ઉમાશંકરની આલંકારિક રીતે વર્ણન કરવાની શક્તિ કેવી લેખે લાગે છે તે નીચેનાં કેટલાંક ઉદાહરણોમાંથી સ્પષ્ટ થશે; એ ઉદાહરણોમાં ભાષાપ્રયોગની એમની સર્જનાત્મક શક્તિ પણ દેખીતી રીતે જ અનુભવવાની મળે :
- “ગુજરાતની ‘મઢૂલી’માં ન પુરાતાં જીવનની સંધ્યાએ તેઓ ભારતીયતાનો મહેલ ચણવામાં પોતાનો હાથ દઈ રહ્યા છે.” (૧–૫૪)
– અહીં મુંજાલ–કીર્તિદેવના સંવાદમાંનો પાટણની મઢૂલીનો સંદર્ભ પણ ઉપાકરક થયો જણાય છે. મુનશીના અંતિમ ગાળાના જીવનકાર્યને અહીં સારી અભિવ્યક્તિ મળી છે.
- “પણ (મડિયા) હસે ત્યારે એનો માંહ્યલો આખું પોટલું વેરાઈ ગયું હોય એમ પ્રગટ થઈ જાય.” (૧–૧૯૫)
– અહીં મડિયાનું હાસ્ય ઉમાશંકરે પ્રયોજેલી ઉપમાથી સરસ રીતે પ્રત્યક્ષ થાય છે. બોરિસ પાસ્તરનાકના વ્યક્તિત્વનો પરિચય આપતાં ઉમાશંકર લખે છે :
- “પાસ્તરનાક એક ઉત્કૃષ્ટ કવિસાહિત્યકાર તો છે જ, પણ એમની નવલકથાએ જગાવેલ ચર્ચાવંટોળ વચ્ચે એમનું વ્યક્તિત્વ ઘીના દીવા જેવું શાન્ત ઉજમાળું ટમટમતું હતું એ માણસજાત માટે મોટી પ્રેરણારૂપ હતું.” (૧–૨૮૫)
ડૉ. વિક્રમ સારાભાઈની વિદાય પણ ઉમાશંકર આલંકારિક શૈલીએ વર્ણવે છે :
- “ભારતના બૌદ્ધિક જગતમાંથી એક જાજ્વલ્યમાન તારક અદૃશ્ય થયો છે.” (૨–૧૨૭)
– અહીં ‘ભારતનું બૌદ્ધિક જગત’ – એ પ્રયોગ સાહિત્યરસિકોના ધ્યાનમાં આવશે જ. ડૉ. રાધાકૃષ્ણન્ની વિશ્વસેવાનો નિર્દેશ ઉમાશંકર આ શબ્દોમાં – આ રીતે કરે છે :
- “જગતને ઓટલે જ્ઞાનપ્રપામાં એમણે ભારતનું ચિંતનજળ આધુનિક માનવ માટે સુલભ કર્યું.” (૨–૧૫૪)
ક્યારેક ઉમાશંકર સાદી વાત પણ જરા વક્રતાવ્યાપારે રજૂ કરે છે :
- “પણ બીજા પટવર્ધન તો લાંબા સમય સુધી કાવ્ય તેમ જ આંખને ટટળાવતા દૂર જ રહ્યા.” (૨–૨૦૭)
ઉમાશંકરના ભાથામાં ભાષાનાં અનેક શસ્ત્રાસ્ત્રો હતાં અને તેમનો તેઓ કાર્યસાધક રીતે ઉપયોગ કરી જાણતા હતા. એમની એવી જાણકારી આ શબ્દાંકનકળામાં – વ્યક્તિને શબ્દપ્રત્યક્ષ કરવામાં ખૂબ ઉપકારક થઈ છે. કેટલી લીલયા તેઓ “ચોટડૂક” (૨–૬૮) વાક્પ્રયોગો કરતા હોય છે ! ડૉ. હરિપ્રસાદ માટે તેઓ લખે છે :
- “એક જાતની તાજગી એમને વળગેલી રહેતી.” (૧–૩૪)
ન્હાનાલાલની ભવ્યતા બાબત –
- “ભવ્યતા ન્હાનાલાલની કલ્પનામાં હડફેટમાં આવ્યાં જ કરે છે.”(૧–૯૦)
મેઘાણી બાબત તેઓ લખે છે :
- “આ આખી પચીસી કલમની સાથે એ ધૂણે છે...” (૧–૧૧૩)
પન્નાલાલની ગાવાની બાબત વિશે તેઓ લખે છે :
- “પન્નાલાલને આજે પણ ગાતા સાંભળીએ તો એ નાનપણના પન્નાલાલ એમના કંઠમાંથી ટપકી પડે છે.” (૧–૧૮૪)
કેટલાંક વાક્યો તો સૂત્રાત્મક કાઠું બતાવે છે :
- “ગાંધીજી કાંઈ ગાંધીવાદી નહોતા.” (૧–૫૬)
- “ભારતમાતાની કૂખ સબળી છે.” (૨–૧૮૪)
- “પોતાની શરતે જીવવું એ ભારે કીમિયો છે.” (૨–૧૯૩)
ક્યારેક એકાદ વિશિષ્ટ શબ્દપ્રયોગ આખા વાક્યને અજવાળી દેતો – બળ આપતો જણાય :
- “જિનવિજય મુનિજી હાડે ક્રાન્તિવીર હતા.” (૧–૪૬)
- “મેઘાણીનું જન્મસ્થાન કંકુવરણી પાંચાલ ભોમનું કલેજું ચોટીલા.”(૧–૧૧૭)
- “એમના (અનસૂયાબહેન સારાભાઈના) આત્માએ શાંતિની કમાણી કરેલી જ છે.”(૨–૫૪)
- “નાનપણથી જ બબલભાઈમાં આ કાંટો જોઈ શકાય છે.” (૨–૧૨૧)
આ જ રીતે એક સુંદર તળપદો પ્રયોગ વાપરી ઉમાશંકર મડિયાની આંતરસમૃદ્ધિનો સરસ રીતે નિર્દેશ કરે છે, તેઓ લખે છે :
- “(મડિયા) અમદાવાદ આવ્યા હોય, સાંજ સુધીમાં એક લટાર મારી આવે ને મારા જેવાને ત્રણ મહિનાની ઘરઆંગણાની કેટલીક વાતો જાણવા ન મળી હોય તેનું ખળું કરે.” (૧–૨૦૧)
ઉમાશંકર ક્યારેક જે વ્યક્તિની વાત કરતા હોય તેના જ શબ્દપ્રયોગો ઉપાડી, અથવા બીજાના વિલક્ષણ શબ્દપ્રયોગો યોજીને પોતાની વાત કહેતા હોય છે; દા.ત., ‘કસુંબીનો રંગ’ કાવ્યમાંથી ‘દોરંગાં’ શબ્દ ઉપાડી તેઓ મેઘાણીના સંદર્ભમાં એક સારો વિચાર રજૂ કરે છે, લખે છે :
- “ખરે જ, જીવનતંત્રમાં મેળ નિપજાવવો એ દોરંગાંનું કામ નથી, એકરંગી આત્માઓનું કામ છે.” (૧–૧૪૧)
વિનોબાની વાત કરતાં મહાજનો વિશે નર્મદ, કલાપી આદિના ઉક્તિપ્રયોગો ખપમાં લે છે :
- “મહાજનો સ્વપ્નસેવી હોયછે. ‘ખ્યાલે મસ્ત’ હોય છે. એમના ‘રાહ ન્યારા’ હોય છે.” (૨–૧૮૭)
ઉમાશંકર ક્યારેક સાદી છતાં માર્મિક રીતે કથન કરી શકે છે :
- “પ્રિયકાન્તને મિત્રોનું સુખ હતું.” (૧–૨૧૦)
- “….પણ કદી કવિતાની પક્કડમાંથી એ છૂટ્યા નહીં.” (૧–૨૧૧)
- “ટૉયન્બી ઇતિહાસ લખતા, ધર્મ જીવતા.” (૧–૩૦૬)
- “મનુષ્યસમાજ એ સમાજ છે આવા (શારદાબહેન જેવાં) મહાનુભાવોને લીધે.” (૨–૫૩)
આવાં વાક્યો આમ થોડામાં ઘણું કહી દેવાની શક્તિ બતાવતાં અહીં લાગશે. ઉમાશંકરનું સર્જકત્વ આ ગદ્ય-લખાણમાં અનેક સ્થળે નાનામોટા ચમત્કાર સર્જતું જોવા મળે છે. ઇન્દુલાલ યાજ્ઞિકની વાત કરતાં તેઓ આવો ચમત્કાર લખાણમાં સર્જી શક્યા છે. પ્રશ્નોત્તરીની છટાએ તેઓ લખે છે :
- “ઇન્દુલાલનું ઘર, કુટુંબકબીલો જે ગણો તે જનતા. ઇન્દુલાલનું નિવાસસ્થાન ક્યાં ? દરેકના હૃદયમાં. ઇન્દુલાલનું સરનામું ? ગુજરાત.” (૨–૮૩)
તેઓ અક્ષરદેહ સાથે ક્ષરદેહનુંયે ક્યારેક સુરેખ શબ્દાંકન આપે છે. ક્યારેક તે માટે પ્રસંગ-વાતાવરણાદિનો આવશ્યક સંદર્ભ પણ ઉપ-યોજે છે. કેટલીક વાર તો આ ક્ષરદેહની તસવીર દ્વારા અક્ષરતત્ત્વની વ્યંજના થતી હોય છે. કેટલીક વાર પ્રસંગ-વાતાવરણનો વિનિયોગ કરી એમાંથી એ તત્ત્વને ઉપસાવે છે. ઉમાશંકરની તત્ત્વાભિનિવેશી દૃષ્ટિ નિરૂપ્યમાણ વ્યક્તિત્વના સ્થિર–શાશ્વત અંશોને શબ્દોમાં ઉપસાવવા મથતી હોય છે. આનાં પણ અનેક ઉદાહરણો ૧૩૩ તસવીરોની આ શબ્દવીથિકામાંથી પ્રાપ્ત થઈ શકે એમ છે. ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા એક સંશોધક મહાનરની કારકિર્દીકથા જ આલેખી ઉમાશંકર વિરમે તો એ માનવ્યનિષ્ઠ સર્જક ઉમાશંકર શેના ? તેઓ તો ડૉ. ભાઉ દાજી અને પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીના ‘એક અચ્છા પ્રેમકાવ્ય જેવા’ (૧–૧૫) સંબંધને ઉઠાવ આપે એવા પ્રસંગનું – ‘તૂરદાળ’વાળા પ્રસંગનું પણ આલેખન કરીને જ રહે છે. ઉમાશંકર કેટલીક વાર સમુચિત પ્રસંગોનો સંદર્ભ લઈ એમાંથી વ્યક્તિની અંદર રહેલા અમૃત-અંશો બહાર લાવવા પ્રયત્ન કરે છે. ગુલાબદાસનો પરિચય એમના પારિવારિક વાતાવરણની એક વિલક્ષણતા ઉપસાવીને પછીથી એમનાં મોટાં બહેનની પડછે આપે છે. એમ કરતાં પરાના મોટા વહેતા રસ્તા પર ઘરની ઓસરીને ખૂણે પીવાના પાણીની મટુકી હોય અને એની ઉપર રૂપાનો પ્યાલો હોય – તે ઘટના દ્વારા સૂચિત વિશ્વાસની ઘટના જીવનમાં વ્યાપ્ત હવાનોય ખ્યાલ આપી દે છે. (૧–૧૭૮) ચેખૉવનો કલાકાર આત્મા ‘વક્રનેત્ર- (‘સિનિકલ’) મોપાસાંની તુલનાથી થતો નથી એટલો પ્રત્યક્ષ થાય છે એની ધીરા સ્વરે થયેલી આ ઉક્તિથી :
- “આ સૂર્યકિરણોને ટોપી ઉપર પીંછાંની જેમ કેમ ગોઠવી શકાય એ હું જોતો હતો.” (૧–૨૫૦)
રાવસાહેબ પટવર્ધન વિશેના સ્મૃતિલેખમાં (૨–૨૦૬–૨૧૨) ‘અગાશી પરનાં ગુલાબો’નો રાવસાહેબના જીવનકાર્યના પ્રતીક તરીકે વિનિયોગ કરી લેવાનું તો ‘હાડે’ કવિ એવા આપણા ઉમાશંકરને જ સૂઝે ! ‘બે શિક્ષકો’ સ્વ. જીવણલાલ દીવાન અને બલ્લુભાઈનો જીવંતપણે પરિચય લેખક એમના એક ઉત્તમ સ્મૃતિલેખમાં કરાવી શક્યા છે. ‘સીધાસાદા ગદ્યના માણસ, શિક્ષણના માણસ’ (૨–૭૩), ‘કડક શિસ્તવાળા અને સીધી લીટીના માણસ’ દીવાનસાહેબનું વજ્રકઠોર છતાં છાત્રવત્સલ હૃદય અહીં સરસ રીતે પ્રકટ થઈ શક્યું છે. ઉમાશંકરનો અંતરનો આદરભાવ પણ એમાં ભળ્યો છે. ઉમાશંકરનો હૃદયભાવ કેટલાંક વ્યક્તિચિત્રોમાં નિર્બંધ વહ્યો છે. તેવાં ચિત્રોમાં પન્નાલાલ પટેલ, કવિ ‘સ્વપ્નસ્થ’, મડિયારાજા, જે. પી. ત્રિવેદી, સ્વામી આનંદ, બે શિક્ષકો (દીવાનસાહેબ અને બલ્લુભાઈ), ઇન્દુલાલ યાજ્ઞિક ગગનવિહારી મહેતા, ડૉ. રાધાકૃષ્ણન્, જવાહરલાલ નેહરુ, ગુરુદયાળ મલ્લિક જેવા મહાનુભાવોનાં ચિત્રોનો નિર્દેશ કરી શકાય. આનો અર્થ એવો નથી કે ઉમાશંકરે બીજાં ચિત્રો દિલ વગર કર્યાં છે. હકીકતમાં તો ઉમાશંકર ન તો કોઈની ઉપેક્ષા કરી શકે એવું હૃદય ધરાવે છે, ન તો કોઈની અપેક્ષા રાખ્યા કરે છે એવું વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ બધી વ્યક્તિઓ સાથે ભળે છે ને તેનું કારણ અંદરથી તેઓ કોઈ સાથે રાગાતિરેકથી જોડાયેલા નથી એ છે. તેઓ મડિયાની ‘એકલરામ’ (‘લોન વુલ્ફ’) તરીકે ઓળખાણ આપે છે ને તેમની એકલતાની કેળવણીનો મહિમા કરે છે (૧–૧૯૭) પરંતુ પોતે પણ આ કેળવણી પામેલા જ એકલવીર છે. એમના હૃદયમુકુરમાં અનેક વ્યક્તિઓનાં પ્રતિબિંબો પડેલાં આપણને અહીં જોવા મળે છે. એમના હૃદયમુકુરની ગણનાપાત્ર શુચિતાને લઈને એમાં ઝિલાયેલી છબીઓમાં પ્રમાણભૂતતા – સચ્ચાઈ ને સુરેખતા આવી શક્યાં છે. ઉમાશંકરની કવિ-દૃષ્ટિની સદ્યસંવેદનશીલતા ને તદાત્મતા સાથે તેની તટસ્થતાનો પણ છબીઓના આવા પ્રતિબિંબમાં ફાળો છે. ઉમાશંકરના સર્જક-હૃદયને કૅમેરાના કાચનીયે ઉપમા આપી શકાય, જે માનવચહેરાઓની યથાતથ ને છતાં રસપ્રદ પરિપ્રેક્ષ્યથી તસવીર ઝડપવામાં સારી પેઠે કામયાબ નીવડે છે. એમની શ્રદ્ધાંજલિઓમાં સ્નેહોદારતા સાથે નિર્મમતાનું તત્ત્વ વિલક્ષણ રીતે સંપૃક્ત જોવા મળે છે. એમની કવિદૃષ્ટિ ક્ષર સાથે અક્ષરતત્ત્વનો, રસિકતા સાથે આધ્યાત્મિકતાનો સહજ મેળ – રુચિકર મેળ સાધી શકે છે. તેથી એમનાં ચિત્રો ઘણી ઓછી રેખાઓએ અંકાયેલાં છતાં એમાં સચોટતા ને આત્મસભરતાનો, સદ્ભાવનાપ્રેરિત સમતુલા ને વિવેકનો અનુભવ સંતોષપ્રદ પ્રમાણમાં થઈ શકે છે. એમણે નિરૂપ્યમાણ વ્યક્તિઓને એમના સમગ્ર પરિવેશમાં, એમના સર્વ અંશો સાથે પામવાનો પ્રયત્ન કર્યો છે. એક કલાકાર તરીકે એમને વ્યક્તિના ચારિત્ર્યગુણોમાં તેમ એની સ્થૂલ-સૂક્ષ્મ વર્તનતરેહો, ચેષ્ટાઓ, ઉક્તિઓ — આ સર્વમાં રસ પડે છે. ચારિત્ર્યગુણોની કિંમત, એ જેટલે અંશે નિરૂપ્યમાણ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વના અંશરૂપે – મનુષ્યત્વના નિર્બંધ આવિષ્કારરૂપે પ્રત્યક્ષ થાય છે તેટલે અંશે જ હોઈ શકે. આ વિવિધ છબીઓરૂપે દલપાંદડીઓ દ્વારા છેવટે તો મનુષ્યત્વનો એક સુવિકસિત પુદ્ગલ માનસપ્રત્યક્ષ થાય છે અને તેમાં જ આ લખાણનો ખરેખરો રસ – એની ખરી સિદ્ધિ પમાય છે. ઉમાશંકરે ધૂમકેતુ (૧–૮૧), મેઘાણી (૧–૧૨૧), કવિ ‘સ્વપ્નસ્થ’ (૧–૧૯૦), મડિયારાજા (૧–૧૯૫), સરદાર (૨–૧૩૭), રાષ્ટ્રપ્રમુખ રાજાજી (૨–૧૪૦), ગુરુદયાળ મલ્લિક (૨–૧૯૮) વગેરે અનેક વ્યક્તિઓનાં શબ્દાંકનોમાં એમનાં દેખાવછટાનો પણ યથાતથ ચિતાર આપ્યો છે. ધૂમકેતુનો ‘સુઘડ અને કાંઈક સ્વતંત્ર વ્યક્તિત્વની છાપ’ પાડતો વેશ (૧–૮૧–૮૨) તેઓ બરોબર નોંધે છે. મેઘાણીને તો નખશિખ આપણી નજર સમક્ષ ખડા કરે છે :
- “લાંબો સફેદ કોટ, પાની સુધી પહોંચતું ધોતિયું, માથે બગસરાનો ચોકડીવાળો પાછળ છોગું રાખીને બાંધેલો ફેંટો અથવા ક્યારેક ઊંચી દીવાલની વાળ ગૂંથેલી બૅંગલોર ઘાટની ટોપી, પગમાં સ્લિપર. બેઠી દડીનું શરીર, ભીનો વાન, ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગૂંછળિયાળા વાળ, મર્દાનગીથી ચાલવાની છટા, – આકૃતિ પણ આકર્ષક હતી…” (૧–૧૨૧)
કવિ ‘સ્વપ્નસ્થ’નું શબ્દચિત્ર જુઓ :
- “સાગના સોટા જેવી પાતળી ઊંચી દેહયષ્ટિ. કંડારેલી હોય એવી મુખરેખાઓ. આછું જરીક પાછું વાળી લીધેલું સ્મિત, બોલું બોલું થતું લાગતું પણ સામાન્ય રીતે શરમાળ મૌન ધારણ કરતું મોં. આખો જીવ આંખોમાં.” (૧-૧૯૧)
ને આ છે મડિયા, મડિયાનું વ્યક્તિત્વ કેવી વાણીમાં ને કયા છેડેથી લેખકે પકડીને બતાવ્યું છે તે ધ્યાનથી જોવા જેવું છે :
- “મડિયા ભીને વાન, બેવડે કાઠે, ઊંચા કદના હતા. માથું, કપાળ મોટાં. ગાલ ભરાવદાર. આંખો મોટી. ચાલે ત્યારે એક ખભો સહેજ ઊંચો રહે અને તે તરફનો હાથ ચાલ સાથે લયમાં હાલ્યા કરે. વિદ્યાર્થીઅવસ્થામાં ઘણી વાર કાઠિયાવાડી ચોરણો અને પહેરણ પહેરતા અને ‘ન્યાંના’ તળપદા મોટિયાર જેવા લાગતા. પણ હસે ત્યારે એનો માંહ્યલો આખું પોટલું વેરાઈ ગયું હોય એમ પ્રગટ થઈ જાય. ગાલ સામસામી દિશા તરફ ખેંચાય. પ્રમાણમાં નાના, સફેદ, દાંતની હાર ચમકી રહે. દાંત વચ્ચે જરીક જરીક જગા હતી. મડિયા હસે ત્યારે એક પ્રકારની નિર્દોષતા પ્રગટ થઈ ઊઠતી. કડવાશ, તીખી ટીકાઓ એવું બધું પણ, બધાની જેમ જ, મડિયાનેય તે ભાગે આવ્યાં હતાં – કદાચ વધારે પ્રમાણમાં પણ હોય, તેમ છતાં એ બધાં વચ્ચે મડિયા હસે ત્યારે પેલી નિર્દોષતા `श्यम् अहम् भो:' – અરે આ રહી હું – કરતીકને ફરકી જાય. હસે ત્યારે એમની આંખો પણ જરીક ઝીણી થઈ જતી અને એક જાતના ઉલ્લાસભર્યા માર્દવથી ચમકી ઊઠતી. મડિયાના વ્યક્તિત્વનું ખરું સ્વ-રૂપ એમના હસવામાં છતું થઈ જતું.” (૧–૧૯૫–૧૯૬)
મડિયાનું આ ચિત્ર ઉપસાવવામાં લઘુવાક્યોનો, ક્રિયાપદો અધ્યાહૃત હોય એવાં વાક્યોનો જે વિનિયોગ કર્યો છે તે ધ્યાનપાત્ર છે. ‘શ્રી અંબુભાઈ પુરાણી સ્મૃતિગ્રંથ’ના ‘આમુખ’ રૂપે લખાયેલ લેખમાં ઉમાશંકર એક દીર્ઘવાક્યમાં અંબુભાઈની વિવિધ વ્યક્તિઓ દ્વારા અંકિત થયેલી છબીઓનું જાણે એક સળંગ પટ જ તૈયાર કરે છે. એમનું પરિચ્છેદવિસ્તારી વાક્ય અંબુભાઈની આખી એક જીવનચિત્રમાળા જાણે આપી દે છે. એ ગ્રંથના આરંભે જાણે એમનું ટૂંકું દસ્તાવેજી ચિત્રપટ (‘ટ્રેઇલર’) તેઓ આપી દેતા ન હોય ! આ ચિત્રપટમાં ઉમાશંકરની શક્તિ ચિત્રસંયોજનામાંયે પ્રગટ થાય છે. તેઓ લખે છે :
- “પચાસ વરસ પહેલાંના ગુજરાતના શિક્ષિત તરુણોના વડીલ ‘બંધુ’, ત્રેવીસ વરસ સુધી ગુરુચરણોમાં નિષ્પંદ ચિત્તે એકાગ્ર થનાર આંતરયાત્રી – આત્મ- ‘પથિક’, ઝોળીમાં ગુરુભક્તિ અને યોગવિષયક જ્ઞાનસાધના લઈને ગુજરાત, આફ્રિકા, યુરોપ, અમેરિકાનાં અનેક કેન્દ્રોમાં ફરી વળનાર નવતર ‘કર્મયોગી’, નવીન સાધકોના ‘શાશ્વત યૌવન’વંતા સુહૃદ, યુવાવસ્થાના જૂના મિત્રોના ‘ઉગ્ર’ છતાં માતાના જેવા ‘માયાળુ’, ‘નિખાલસ હૃદયના’ ચિરસ્નેહી, દીકરી અનુને તાલીમની પસંદગી વખતે પ્રેયશ્રેયવિવેક શીખવતા અને તેની પસંદગી પ્રમાણે એને પૂર્ણ સહકાર આપતા ‘અસાધારણ’ વત્સલ પિતા, ગુરુએ વિષ્ણુપુરાણનો એક ઉલ્લેખ માગતાં રાતે જાગીને સવારે એમને પ્રસ્તુત શ્લોક નિવેદિત કરી સદ્ગુરુની સાશ્ચર્યાનંદ આશિષ પામનાર એકાગ્ર સંકલ્પવાળા, નિષ્ઠાવાન અન્તેવાસી, આશ્રમના વિશિષ્ટ અતિથિઓને હૈયે વસી જતા ‘આનંદપુરુષ’, દૂર દૂરના વિદેશીઓના હૃદયમાં તેઓને ‘પુરાણી નિવાસ’ સ્થાપવાનું મન થાય એવું ઊંડું સ્થાન પ્રાપ્ત કરનાર યોગભાષ્યકાર, સુજ્ઞ વિદેશીઓને મન અગ્નિની આંચ લગાડનાર ‘તેજસના યોદ્ધા’ (‘વૉરિયર ઑફ લાઇટ’) — આવી આવી અંબુભાઈના વ્યક્તિત્વની કંઈક છાયાઓ શ્રદ્ધાંજલિઓમાં ઝડપાઈ છે.”(૧–પૃ.૧૯૦)
ઉમાશંકરની આ વાક્યરીતિ પંડિતયુગીન ગદ્યની વાક્યરીતિનું સ્મરણ કરાવે તો નવાઈ નથી. આવાં વાક્યોમાં પ્રવાહિતાનો અભાવ અથવા દુર્બોધતા – ક્લિષ્ટતા આદિ આવી જવાનો ભય હોય છે, પરંતુ આ વાક્ય એવા ભયોથી મુક્ત હોવાનું રસજ્ઞો બરોબર જોઈ શકે છે. અંબુભાઈના વ્યક્તિત્વની કેટલી મુદ્રાઓ, એમના વ્યક્તિત્વનાં કેટલાં રૂપ આમાં સંયોજિત થયાં છે તે ભાવક જોશે જ. સરદારને ઉમાશંકર બહુ ઓછી રેખાઓમાં ઝીલી બતાવે છે :
- “શાંત સ્વસ્થ આકૃતિ, આંખમાં સહેજ રતાશ, મૂછો અને આખા ચહેરામાં થોડીક કડકાઈ. આછકલાઈ, અધીરાઈ તો દસ ગાઉમાં જોયાં ન જડે. સહજ ખુમારી, પણ વિજયનું આત્મભાન નહીં. કૌટિલ્ય કહે છે તેવી ‘આત્મવત્તા’વાળો પુરુષ.” (૨–૧૩૭)
– આ પરિચ્છેદમાં ક્રિયાપદને અધ્યાહૃત રાખતી સંક્ષિપ્ત વાક્યાવલિયે વાંચનારને ધ્યાનમાં આવશે. ઓછા શબ્દોમાં આ રીતે વ્યક્તિત્વને પ્રગટ કરવાનું તો જ બની શકે જો લક્ષ્યભૂત આંતર કેન્દ્રની વર્ણનકારે એકાગ્રતાપૂર્વક માનસોપલબ્ધિ કરી હોય. રાજાજીનું આ ચિત્ર પણ ઉપરના મુદ્દાની સાખ પૂરશે :
- “એકવડિયું શરીર, નહીં વૃદ્ધ, નહીં યુવાન, એવી ઉંમર. એક ખભે ગડીબંધ ખેસ, સાદો સફેદ ખાદીનો પહેરવેશ. આછાં કાળાં ચશ્માં પાછળ પ્રજ્ઞા-તરવરાટ-વાળી આંખો. ચહેરા પર ફરકતું કોમળ અકળ સ્મિત, સ્પષ્ટ રણકતો અવાજ. વાણીમાં વ્યક્ત થતું સુરેખ વ્યક્તિત્વ.”(૨–૧૪૦)
– આ સંક્ષિપ્ત વાક્યાવલિમાં વાક્યલયની જે તરેહ છે તે પણ આસ્વાદ્ય છે. ગુરુદયાળ મલ્લિકની ‘નર્યા પ્રેમની મૂર્તિ’ તો ઉમાશંકરે હૃદયના ઊભરાતા ભાવે શબ્દોમાં અવતારી છે :
- “સદ્ગત ગુરુદયાળ મલ્લિકજી તે પ્રદેશનું (વાયવ્ય સરહદ પ્રાંતના પહાડી પ્રદેશનું) સંતાન હતા. એમની કાયા પડછંદ ન હતી એટલે તરત ખ્યાલ ન આવતો. પણ સિંહ જેવો ચહેરો તરત ધ્યાન ખેંચતો. શરીર તો જાણે ચહેરાને વળગેલું ન હોય ! મલ્લિકજી એટલે ચહેરો. બલકે ચહેરો નહીં પણ આંખો. ના, આંખો પણ નહીં. મલ્લિકજી એટલે આંખોમાં તરવરતો માર્દવભર્યો ઊંડો નિ:સ્પૃહ સ્નેહ.” (૨–૧૯૯)
– અહીં અપહ્નવરીતિએ ગુરુદયાળ મલ્લિકનો પ્રેમાત્મા શબ્દોમાં સાકાર થાય છે. કથનરીતિ સહજભાવે આલંકારિકતા – વક્રતા સાધી લે છે. ઉમાશંકર અન્યના કે અર્ઘ્યભાજન વ્યક્તિના કેટલાક વિલક્ષણ ઉક્તિ-સંદર્ભોનો ઉપયોગ પણ સર્જનાત્મક રીતે કરી શકે છે; દા.ત. મેઘાણીની ‘લિ. હું આવું છું.’ – એ ઉક્તિ કે ગાંધીજીની મેઘાણી સંદર્ભે પ્રગટ થયેલી ‘કૃષ્ણની બંસરીની સેવા’વાળી ઉક્તિ – એનો લાભ લેવાનું આ ‘વાઙ્મધુ ગટગટ પીવા’ (ગોષ્ઠી, પૃ. ૭૦)ની ટેવવાળા લેખક કેમ ચૂકે ? અંબુભાઈના સંદર્ભમાં ઉમાશંકરથી જ થઈ ગયેલ ઉદ્ગાર ‘ગુરુ ફળ્યા’નો એમની ચિરવિદાય વેળાએ થયેલો વિનિયોગ હૃદયસ્પર્શી છે. ચુનીલાલ મડિયાના અચિંત્યા અવસાને આઘાત પામેલ શ્રીમતી દક્ષાબહેનનું ‘આવું ન હોય !’ એ વચન કેટલું મર્મદારક રીતે સ્મૃતિલેખમાં ગોઠવાઈ ગયું છે તે રસજ્ઞો જોશે જ. ૧૯૬૯માં અબદુલ ગફારખાનની ભારતયાત્રાને ‘મુલાયમ સ્વાગતવૈભવ’ (૧-૧૦૧) અર્પતાં ઉમાશંકર એમના જ શબ્દ ‘મૈં આયા હૂં’નો આપણા સમગ્ર ચેતનાવિશ્વને ભરી દેતો જે બુલંદ પડઘો પાડે છે તે સતત ચિત્તમાં ઘૂમરાયા કરતો અનુભવાય છે. એક ધ્રુવપંક્તિની જેમ લખાણમાં ‘મૈં આયા હૂં’ રમણીય રીતે ગૂંથાઈને આવે છે. (૨-૧૭૧-૩) ઉમાશંકરે આ લખાણોમાં અનેક વિલક્ષણ શબ્દપ્રયોગો કર્યા છે. એમનું શબ્દપાટવ અનોખું છે. ‘ફેરિસ્ત’ (૧–૨૦૨), ‘આયતું’ (૧–૨૭૧), ‘બુતાનું’ (૧–૨૯૦) જેવા શબ્દપ્રયોગો, ‘ખળું કરવું’ (૧–૨૦૧), ‘ઓધે ઊતરવું’ (૧–૨૦૨) જેવા રૂઢિપ્રયોગો તેઓ વાપરે છે. તેઓ મરાઠી ‘ચિકાટી’ (૨–૫૮) કે ‘તળમળ’-(૨–૨૦૫)નેય ગુજરાતીમાં ચલણમાં મૂકી દે છે! કેટલાક નવા શબ્દો – સમાસોય યોજે છે : ‘રંગીની’ (૧–૧૮૫) ‘તારા-પ્રિય’ (૧–૧૬૯), ‘સંદર્ભશોધુ’ (૧–૨૯૯), ‘ભવિષ્ય-રસિયા’ (૧–૩૦૨), ‘ભયચીંધણું’ (૨–૧૯૦), ‘કારકિર્દીવીર’ (૨–૨૧૦) વગેરે. નાનાભાઈની દક્ષિણામૂર્તિની વાત કરતા હોય ને જેલની વાત આવે ત્યાં ‘જેલદક્ષિણામૂર્તિ’ (૨–૩૭) જેવો શબ્દ તુરત ઉમાશંકરને સૂઝી આવે છે. ‘મિત્રતાના કલાકાર’ (૧–૧૬૯), ‘પ્રજાકારણના માણસ’ (૧–૧૮૫) જેવા ઉક્તિપ્રયોગોય પણ ધ્યાનપાત્ર છે. આવા પ્રયોગોથી જ ભાષા ઘડાતી હોય છે, એની અભિવ્યક્તિશક્તિ વધુ ને વધુ પ્રકટ થતી હોય છે. ઠાકોરભાઈ દેસાઈ માટે યોજાયેલ ‘મોભી પુરુષ’ – એ ઉક્તિમાં ‘મોભી’ કેવો સમુચિત શબ્દ છે તે મર્મજ્ઞો સમજી શકશે. ‘તેજસના યોદ્ધા’ (‘વૉરિયર ઑફ લાઇટ’) કેવો સુભગ શબ્દપ્રયોગ છે ને કૌંસના અંગ્રેજીનો સુંદર અનુવાદ પણ છે તે જોઈ શકાશે. કેટલાક અંગ્રેજી શબ્દોના તેમના પર્યાયો પણ ઉલ્લેખનીય છે. ‘કૉલમ્નિસ્ટ’ માટેનો ‘સ્તંભલેખક’ પર્યાય વિચિત્ર છે. (૧–૧૧૬) ‘વર્કશૉપ’ માટેનો ‘કર્મશાળા’ પર્યાય પણ સર્વથા રુચિકર નથી. (૨–૨૫) તેમની પાસેથી ‘ગ્રહણયંત્ર’ (‘રિસીવિંગ સેટ’ : ૧–૧૯૬), ‘ઊર્મિકાવ્યાત્મકતા’ (‘લિરિસિઝમ’ : ૧–૨૨૩) ‘નગદપણું’ (‘જેન્યુઇનનેસ’ : ૧–૨૩૯), ‘વક્રનેત્ર’ (‘સિનિક્લ’ : ૧–૨૫૦), ‘બુદ્ધિનિષ્ઠ’ (‘રૅશનલ’ : ૨–૯૩), ‘પૂર્ણતાપ્રિય’ (‘પરફેક્શનિસ્ટ’ : ૨–૨૧૬), ‘રાજ્યતંત્રવાદ’ (‘સ્ટેટિઝમ’: ૨–૨૪૪) જેવા પર્યાયો અહીં મળે છે. ‘ઇન્ફિરિયૉરિટી કૉમ્પ્લૅક્સ’ માટેના પર્યાય ‘લઘિમાગ્રહ’નો (૧–૯) નિર્દેશ પણ અત્રે કરવો ઘટે. ઉમાશંકરની બહુશ્રુતતા, એમનું ‘બૃહત સંદર્ભમાળખું’ (૧–૧૯૮) એમના લખાણને કેટલુંક અનોખું વિત્ત બક્ષે છે. સાહિત્ય-સંસ્કાર-જગતની – સાંસ્કૃતિક જીવનની એમની વ્યાપક જાણકારી લખાણમાં અનેક રસપ્રદ વિગત-સંદર્ભો ઉમેરી તેની મૂલ્યવત્તા વધારે છે. તેમાં સ્વકીય જીવનના સંદર્ભોય વિવેકપુર:સર – ને અલબત્ત, અનિવાર્ય હોય ત્યારે જ – ઉમેરાય છે ને તેથી લખાણની રસવત્તાય વધે છે. ડૉ. ભગવાનલાલની વાત કરતાં મરાઠી વિદ્વાન કવિ માધવ જ્યુલિયનનો નિર્દેશ ટાંકી આપણા ‘ઘોર લઘિમાગ્રહ’ પ્રત્યે તેઓ યોગ્ય રીતે અંગુલિનિર્દેશ કરે છે. (૧–૯) ફાર્બસ વિશેના લખાણનો આરંભ દલપતરામની કાવ્યપંક્તિઓથી તો તેનો અંત ‘ડાંડિયો’ના એક સુંદર ગદ્ય-અવતરણથી કરવામાં ઉમાશંકરની કલા-ઔચિત્યબુદ્ધિ બરોબર પ્રગટ થઈ છે. એથી ફાર્બસ વિશેના અંજલિલેખને યોગ્ય આદિ-અંત પણ મળે છે. બલવંતરાય વિશેના લેખનેય બલવંતરાયની જ પંક્તિઓથી વ્યંજનામધુર આદિ-અંત સાંપડે છે. સાકરલાલ દવેના વિશે લખતાં ઉમાશંકરે સાચવેલી છાપભૂલોની કાપલીનો કેવો રચનાત્મક વિનિયોગ થયો છે ! (પૃ. ૪૩) દેશળજી પરમાર, ભાનુશંકર વ્યાસ વગેરેને અર્પેલ શોકાંજલિમાં એમના કાવ્યોનો ગૌરવ-પ્રસાદ પણ ધરવામાં આવ્યો છે. મેઘાણીના પરિચયમાં ઉમાશંકરે મેઘાણીની વાણીનોય ઠીક ઠીક લાભ લીધો છે. એ લેખ મેઘાણીનિષ્ઠા સાથે એમની અભ્યાસનિષ્ઠાનો પણ પરિચાયક છે. આવી જ અભ્યાસનિષ્ઠા ઇતિહાસાચાર્ય ટૉયન્બી, દુર્ગારામ મહેતાજી વગેરે વિશેના લેખોમાં જણાય છે. ફિરાક ગોરખપુરીને જ્ઞાનપીઠનું પાંચમું પારિતોષિક મળ્યું તે પ્રસંગનું ઔચિત્ય તેમણે એમના વિશેના અભિનંદનલેખમાં એમની કવિતાના પરિચયનો ઉપક્રમ રાખીને પ્રગટ કર્યું છે. (૧–૨૨૪–૨૨૭) સેઇન્ટ જૉન પર્સ, સેફરીસ, બોરિસ પાસ્તરનાક, કાર્લ શૅપીરો જેવાનાં શબ્દાંકનોમાં એમનાં કાવ્યાંકનોનો ખ્યાલ પણ આપવામાં આવ્યો છે. સેવામૂર્તિ ઠક્કરબાપાના શબ્દાંકનમાં એમના પત્રનેય તેઓ ઉપયોગમાં લે છે. (જે. પી.) ત્રિવેદી સાહેબ અને દશરથલાલ જોશી — આ બંને સંસ્કારરસિકોની પુસ્તકો બાબતની ઉદારતાનો ખ્યાલ `अर्थो हि ग्रन्थः परकीय एव।' – એ રમણીય રીતે બદલેલ સંસ્કૃત શ્લોકાંશના અવતરણ દ્વારા આપે છે ! (પૃ. ૪૭) ગુરુદયાલ મલ્લિકને અર્પેલ શ્રદ્ધાંજલિનો આરંભ ભારતકોકિલા સરોજિની નાયડુના સુંદર ગીતના એક અવતરણથી કરે છે. ઉમાશંકરે અંબુભાઈ પુરાણી, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, ચુનિલાલ મડિયા, નાનાભાઈ ભટ્ટ, જે. પી. ત્રિવેદી, સ્વામી આનંદ, દીવાનસાહેબ ને બલ્લુભાઈ, ઠાકોરભાઈ દેસાઈ, શ્રીકૃષ્ણપ્રેમ વગેરેની વાત કરતાં પોતાના તેમની સાથેના સંપર્ક-સંબંધના જે નિર્દેશો કર્યા છે તે અર્ઘ્યપાત્ર વ્યક્તિઓના વ્યક્તિત્વ-અંશને પ્રકટ કરવામાં ઉપયોગી ને તેથી રસપ્રદ છે. સ્વામી આનંદનું ‘હાં રે મેરે વલ્લા !’ સાથેનું નૃત્ય ને એથી વ્યક્ત થતી સ્વામી આનંદની (આનંદ-)આકૃતિ ઉમાશંકરના સ્વકીય પ્રસંગ-સંદર્ભ વિના અન્યથા મળવી જ મુશ્કેલ ગણાય. ‘આ વખતે મૅટ્રિકમાં ઊંચે નંબરે આવ્યો તે જોશી ?’ આ પ્રશ્ન-છટામાં જ ઠાકોરભાઈ દેસાઈ જાણે આખેઆખા ઊપસી આવે છે! ટૂંકમાં, ઉમાશંકરે આ શબ્દાંકનોમાં વિષયભૂત વ્યક્તિઓને પ્રત્યક્ષ કરવામાં એમના અને એમના વિશેના અન્યનાં વિચાર, વાણી ને વર્તનના સંદર્ભોને વિવેકપુર:સર યથાવકાશ ઉપયોગમાં લીધા છે. આ બધાં શબ્દાંકનોમાં જે વ્યક્તિઓ પ્રગટ થાય છે તે એમના દેશકાળના પરિવેશ સાથે, સંસ્કાર-સંસ્કૃતિના હવામાન સાથે પ્રગટ થાય છે. દુર્ગારામ મહેતાજીની સાથે એમનો જમાનો પણ અહીં બરોબર પ્રગટ થાય છે. ઉમાશંકર માનવ્યધર્મી કલાકાર હોઈ, સ્વાભાવિક રીતે જ ઉદારમતવાદી છે. તેઓ દેશકાળ, સંસ્કાર-સંસ્કૃતિની વિભિન્નતાઓ તળેની માનવીય એકતાને જ લક્ષ્ય કરતા હોઈ, એ લક્ષ્યાનુસંધાનના સંદર્ભમાં વિભિન્નતાઓનું દર્શન ક્લેશકર નહિ, બલકે રસપ્રદ-આનંદપ્રદ બની રહે છે. તેઓ મહાનુભાવોના આગમન, પ્રવૃત્તિ અને વિદાયને માનવજાતિના બૃહદ જીવનસંદર્ભમાં અવલોકે છે. વ્યક્તિને વ્યક્તિ લેખે જ ન જોતાં તેના સમષ્ટિ સાથે ગૂંથાયેલાં લટિયાં પણ તેઓ બરોબર જુએ છે ને તેથી જ આ શબ્દાંકનોમાં વ્યક્તિના આગમનવિદાય વગેરેના નિર્દેશો કેટલીક વાર વિલક્ષણ અભિવ્યક્તિચ્છટા ધારણ કરતા હોય છે; દા.ત.,
- “ગાંધીજી આવ્યા ને દેશમાં વસન્તઋતુ બેઠી હતી.” (૨–૩૫)
જયંતિ દલાલ હંમેશ માટે વિદાય થતાં તેઓ લખે છે :
- “ભાઈશ્રી જયન્તિ દલાલ ગુજરાતના સાહિત્યપરિવારને એકાએક છોડીને ચાલી નીકળ્યા. આપણું સાંસ્કૃતિક જીવન વધુ રંક બને છે.” (૧–૧૬૩)
“મેધાવી વિદ્વાન’ ડૉ. પ્રબોધ પંડિત જતાં તેઓ લખે છે :
- “એક જગતમાન્ય મેધાવી વિદ્વાન અને સંસ્કારી સજ્જનની અકાળ વિદાયથી આપણું જીવન અલૂણું બન્યું છે.” (૧–૨૦૯)
તેઓ અંબુભાઈ પુરાણી ‘ગુજરાતના સૂક્ષ્મ જીવનના ચિરંતન અંશ’ બની ચૂકેલા એમ જણાવે છે. (૧–૧૧૦) પ્રો. બલવંતરાય ઠાકોર જતાં તેઓ યુનિવર્સિટી– શિક્ષણના પ્રથમ સુભગ પરિણામરૂપ જે ‘પ્રચંડ-મનોઘટનાશાલી’ સાક્ષરોનું વૃંદ આપણે ત્યાં પ્રગટેલું તે નામશેષ થતું અનુભવે છે અને ‘નર્મદ-દલપતથી નિરંજન મડિયા સુધીની અનેક સાહિત્ય પેઢીઓને સાંકળતી કડી પણ લુપ્ત થયા’નું જણાવે છે. (૧–૨૨) તેઓ ડૉ. રાધાકૃષ્ણન્ને એક ઉત્તમ જગતનાગરિક તરીકે ઓળખાવી, તેમને પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના સૂક્ષ્મ સેતુરૂપ ગણે છે અને તેમના જવાથી ‘ભારતના જ નહીં સમકાલીન જગતના સાંસ્કૃતિક જીવનમાં ન પુરાય’ એવી ખોટ પડી છે એમ પણ લખે છે. (૨–૧૫૨–૧૫૩) ઉમાશંકર અનેક મહાનુભાવોનાં વ્યક્તિત્વને તેમના સમષ્ટિને અર્પાયેલા પ્રદાનને ધ્યાનમાં રાખીને મૂલવે છે. રામનારાયણનું મહાન શિક્ષક તરીકે ગૌરવ કરી, તેમની ‘સર્વ શક્તિઓમાં વિવેચક તરીકેની શક્તિ સહુથી આગળ તરી આવે છે’ (૧–૫૦) – એવું વિધાન પણ તેઓ કરે છે. મુનશીની ‘પ્રહસન રચવાની શક્તિ ગુજરાતમાં અજોડ અને યશસ્વી હોવાની’ તેઓ નોંધ કરે છે. (૧–૫૬) નરસિંહ પછી ગુજરાતમાં મહાન ઊર્મિકવિતા આપનાર તરીકે ન્હાનાલાલને તેઓ ઉલ્લેખે છે ! અને સમગ્ર ગુજરાતી સાહિત્યમાં ઊર્જિતતાનું મનભર દર્શન માત્ર આ બે કવિઓમાં જ મળે છે એમ જણાવે છે. (૧–૮૯, ૯૦) તેઓ ન્હાનાલાલની વિશ્વદૃષ્ટિ (‘કૉસ્મિક વિઝન’)નો નિર્દેશ કરી તેમને વિશિષ્ટ અર્થમાં ‘વિશ્વકવિ’ તરીકે ઓળખાવે છે. (૧–૯૦) નવી ટૂંકી વાર્તાને ગુજરાતીમાં પગભર કરવાનો યશ સુરેશ જોષી સાથે શ્રી જયંતિ દલાલને પણ તેઓ આપે છે. (૧–૧૬૫) ટી. એસ. એલિયટનું મહત્ત્વનું સ્થાન તેઓ અચૂક નિર્દેશે છે. નાનાભાઈની વાત કરતાં તેમની ગૃહપતિ તરીકેની મુખ્ય શક્તિનો તેઓ ખાસ ઉલ્લેખ કરે છે. (૨–૩૬) સરદારનો એક શાસનકર્તા તરીકેની હિન્દની આંતરિક શક્તિ અને સલામતીનું દૃઢતાથી સંરક્ષણ કરવાની તાકાતનો તો તેઓ ઉલ્લેખ કરે જ છે; તે સાથે તેમની ગુજરાતી ભાષાનું પાણી બતાવી આપવાની તાકાતનેય યાદ કરે છે. (૨–૧૩૬–૭) ઉમાશંકરે જે વ્યક્તિઓની છબીઓ ઝીલી છે એ બધીનો એમને પ્રત્યક્ષ (રૂબરૂ) પરિચય–સંપર્ક હતો એવું નથી. શ્રીઅરવિંદનું દર્શન એમણે કર્યું નહોતું, પણ શ્રી અરવિંદના અક્ષરકાર્યની પૂરતી પિછાણ એમને હતી. એમની મંત્રકવિતાનો મર્મ તેમણે પચાવ્યો હતો ને તેથી તેમનું હૃદય સર્વવંદ્ય વિશ્વવિભૂતિ એવા શ્રીઅરવિંદને શબ્દ-અર્ઘ્ય અર્પ્યા વિના રહી શકતું નથી. આ શબ્દ-અર્ઘ્યપ્રદાનમાં ઉમાશંકરનો કવિધર્મ – સમષ્ટિધર્મ સંસિદ્ધ થતો જણાય. તેઓ `बहुरत्ना वसुंधरा'ના તેજના વારસ એવા માનવો દ્વારા જ તેમની અંતરતમ માનવતાનો શ્રદ્ધેય પરિચય આપી શકે. આ છબીઓ વિકસિત માનવતાનો હૃદ્ય પરિચય આપે છે. આ છબીઓ ઉમાશંકરે જે દૃષ્ટિકોણથી લીધી છે તે પણ તપાસવા જેવો છે. કેટલીક છબીઓમાં ઉમાશંકરનો દૃષ્ટિકોણ અપૂર્વ છે. તેઓ રમણલાલ દેસાઈને ‘આધુનિક ગુજરાતના એક શિક્ષક’ તરીકે, ‘લોકસેવક’ તરીકે અવલોકે છે. (૧–૭૨) મેઘાણીને તેઓ સજીવ વિવેચનની નવી જ પ્રણાલિકાના પ્રારંભક તરીકે જુએ છે. (૧–૧૩૬) ‘પન્નાલાલની ખોજ મુખ્યત્વે માતૃ-પ્રતિમા (‘મધર ઇમેઇજ’)ની હોવી જોઈએ.” (૧-૧૮૭) – આ તો પન્નાલાલના અંતરંગને ઊંડાણથી જાણનાર એમના જેવો મિત્ર જ કહી શકે. રાજાજીને એક-વ્યક્તિ-પક્ષ તરીકે ઓળખાવે છે (૨-૧૪૪) અને ભવિષ્યના ઇતિહાસકારે જેમ નેહરુ-સરદાર તેમ નેહરુ-રાજાજીની અર્પણની સરખામણી કરવાની રહેશે એમ પણ ઉમાશંકર જણાવે છે. (૨-૧૪૩) નેહરુને તેઓ ‘એક સાચા જગતરાજપુરુષ’ (૨–૧૬૩) તરીકે વર્ણવે છે. ઉમાશંકરનું રસ-રુચિનું ક્ષેત્ર કેવું વિશાળ છે તે તો આ છબીઓના પહેલા ખંડને મુકાબલે બીજો ખંડ જોતાં સમજાય છે. ઝીણવટથી જોઈશું તો જણાશે કે આ ચિત્રવીથિકામાં અનેક પ્રકારના સાહિત્યકારો છે. એમાં કવિઓ (બલવંતરાય, લલિતજી, ખબરદાર, ન્હાનાલાલ, કૃષ્ણલાલ શ્રીધરાણી, ‘સ્વપ્નસ્થ’, પ્રિયકાન્ત વગેરે) – શાયરો (શયદા) છે; વાર્તાકારો (ધૂમકેતુ, રા. વિ. પાઠક, જયંતિ દલાલ, ગુલાબદાસ બ્રોકર આદિ) છે; નવલકથાકારો (કનૈયાલાલ મુનશી, ચૂ. વ. શાહ, ર. વ. દેસાઈ, પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા આદિ) છે; નાટ્યકારો (જયંતિ દલાલ, પ્રાણજીવન પાઠક, યશવંત પંડ્યા, બ્રોકર આદિ) પણ છે; એમાં સાહિત્યના સંપાદકો (હિંમતલાલ અંજારિયા જેવા) ને તંત્રીઓ (ચાંપશીભાઈ ઉદેશી જેવા) છે, લોકસાહિત્ય માટે કામ કરનારાઓ (ફાર્બસ, ઝવેરચંદ મેઘાણી, નિરંજન વર્મા વગેરે) પણ એમાં છે. આ વીથિકામાં ડૉ. ભગવતલાલ ઇન્દ્રજી, મુનિ જિનવિજયજી જેવા સંશોધકો; ફારસીના કૃ. મો. ઝવેરી, ડૉ. છોટુભાઈ નાયક જેવા અભ્યાસીઓ તેમ જ ઇતિહાસ-સંસ્કૃતિક્ષેત્રે કામ કરનાર દુર્ગાશંકર શાસ્ત્રી, રત્નમણિરાવ જોટે જેવા વિદ્વાનો પણ છે. સંજાના જેવા સાહિત્ય-વિવેચકો તો અંબુભાઈ જેવા કલાવિવેચક પણ છે. જયશંકર જેવા નટ-દિગ્દર્શક છે તો સાથે પંડિત ઓમ્કારનાથજી જેવા સંગીતવિદ પણ છે. આ વીથિકામાં પ્રબોધભાઈ જેવા ભાષાવિદ છે. ચિનુભાઈ પટવા જેવા હાસ્યલેખક પણ છે. વળી હિન્દી, બંગાળી, મરાઠી, સાહિત્યજગતના – કલાજગતના તેજસ્વી તારકો પણ અહીં પ્રકાશે છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ડૉ. આનંદ કુમારસ્વામી જેવા કલાવિવેચકો, રોમેં રોલાં, ચેખૉવ વગેરે પશ્ચિમના અનેક સાહિત્યકારો – કવિઓ, ઇતિહાસાચાર્ય ટૉયન્બી વગેરે પણ સમાવેશ પામે છે. ઉમાશંકરે આ ચિત્રવીથિકામાં સાહિત્યકારો – કલાકારો ઉપરાંત શિક્ષકો (બલ્લુભાઈ, દીવાનસાહેબ, નાનાભાઈ વગેરે); સુધારકો ને લોકસેવકો (દુર્ગારામ, ઠક્કરબાપા, બબલભાઈ વગેરે); ગાંધીચિંતકો (નરહરિભાઈ, કિશોરલાલ, મગનભાઈ); સાધુ-સંતો ને અધ્યાત્મવીરો (નાનક, સ્વામી આનંદ, શ્રીમોટા; શ્રીઅરવિંદ, શ્રીમાતાજી, વિનોબા, શ્રીકૃષ્ણપ્રેમ વગેરે); વિજ્ઞાનીઓ (ત્રિભુવનદાસ ક. ગજ્જર ને ડૉ. વિક્રમ સારાભાઈ); વિચારકો (માનવેન્દ્રનાથ, રાધાકૃષ્ણન્ આદિ); ક્રાંતિવીરો – દેશનેતાઓ ને રાજપુરુષો (વલ્લભભાઈ, નેહરુ, રાજેન્દ્રપ્રસાદ, લોહિયા, લિંકન, સ્તાલિન, ઝીણા, માઓ ત્સે તુંગ, કૅનેડી, માર્ટિન લ્યૂથર કિંગ વગેરે) વગેરેને સમાવ્યા છે. તેઓ સાહિત્યથી રાજકારણ સુધીનાં અનેક જીવનક્ષેત્રોમાં આ વ્યક્તિઓની સાથે સાથે ફરી વળે છે. ઉમાશંકરે ‘સંસ્કૃતિ’ના ‘સમયરંગ’માં અનેક અવસાનનોંધો લખી છે; અનેક વ્યક્તિઓની જન્મશતાબ્દી, મૃત્યુશતાબ્દી જેવાં વિવિધ નિમિત્તોએ તેમણે લખવાનું આવ્યું છે. તેમને ગાંધીજી ને ટાગોર જેવા વિશે તો અવારનવાર લખવાનું થયું છે; પણ એ ચિત્રો આ વીથિકામાં નથી ! એમના હૃદયમાં જે અનેક તસવીરો છે, જે કેટલીક શબ્દાંકિત પણ થઈ છે તે બધી જ અહીં હાજર નથી; પણ જે આવી શકી છે તે તસવીરો જોતાં પણ તેઓ ‘બૃહત્કુટુંબી’ – નહીં, ‘વિશ્વકુટુંબી’ કવિસર્જક તરીકેનું પોતાનું પોત તો બતાવે જ છે. આ બધાં લખાણો સ્વાગત, અભિનંદન, શુભેચ્છા, સ્મૃતિઅર્ઘ્ય, શ્રદ્ધાંજલિ જેવા વિવિધ ઉપક્રમોથી થયેલ છે એટલે એમાં વૈવિધ્ય પણ ઠીક છે – કેટલાંક લખાણ સામાન્ય કક્ષાનાં છે, છતાં આ લખાણોમાંનાં મોટા ભાગનાં લખાણોમાં ઔપચારિકતાનો ભાર નથી; અલબત્ત, કંઈક કવિ-તંત્રી તરીકેની કર્તવ્યબુદ્ધિના ખ્યાલની પકડ એમાં જરૂર છે. આ લખાણોમાં વર્ણનરીતિના કેટલાક રૂઢ અંશો – રૂઢવાક્યો, વાક્યાંશોય – આવી જાય છે ખરાં. કોઈ મહાનુભાવને પોતાને ગમી જાય એ ભાવની મૂર્તિ કહી દેવી; આ કે તે-ના ઉપાસક – પૂજારી (‘કલાસૌન્દર્યના પૂજારી’ ૧–૨૩, ‘સાક્ષરતાના ઉપાસક – ૧–૪૫, ‘શ્રવણવાહી કલ્પનાના ઉપાસક’ ૧–૨૭૭, ‘કુદરતી સૌન્દર્યના પૂજારી’ – ૧–૨૮૪ વગેરે) તરીકે વર્ણવવા, ‘શયદા એટલે ગઝલ’, ‘ગાંધીજી એટલે અહિંસા’, ‘નહેરુ એ મુખ્યત્વે એક ભાવના છે.’ – જેવાં કંઈક અતિશયોક્તિગંધિ સમીકરણાત્મક વિધાનો કરવાં – આવું આવું કેટલુંક અહીં જોવા મળે. ‘ગુજરાત શિક્ષકે સુખી’ છે (૧-૩૩, ૧-૫૬, ૧-૭૧) જેવાં વાક્યોનું પુનરાવર્તન, ‘વ્યાકરણ’, ‘ગંગોત્રી’ જેવાં પદોને અવારનવાર વાપરતી ને એ રીતે પ્રયોગદાસ્ય બતાવતી ઉક્તિઓ (દા.ત., ‘તેમના જીવનનું વ્યાકરણ’ ૧–૫૫, ‘માનવજાતિના ભાવિ કલ્યાણમાં એનો વિનિયોગ કરવાનું વ્યાકરણ’ ૧–૨૪૬, ‘સત્યાગ્રહના પ્રયોગો કર્યા અને એનું વ્યાકરણ’ ૨–૨૫૫ ને એ જ રીતે ‘તેમની શક્તિની ગંગોત્રી’ – ૧–૫૫, ‘એ ચૈતન્યની ગંગોત્રી’ – ૨-૧૫૮, ‘અહીં એની ગંગોત્રી’ – ૨–૧૮૫) પણ અહીં મળે છે. આમ છતાં એકંદરે તો આ છબીઓ એમની સમર્થ શબ્દાંકનકલાની દ્યોતક છે. લેખકનું વૈચારિક પોત માનવતાવાદી વલણોવાળું હોઈ તેઓ સ્તાલિન, માઓ વગેરેનાં વિચારકાર્યો સાથે પૂરા સંમત થતા નથી. તેઓ સવિવેક એમની કામગીરી નોંધે છે. ઉમાશંકર બહુધા સત્ય અને સમભાવની સીમામાં રહીને આ છબીઓ શબ્દાંકિત કરે છે અને તેથી દુર્ગારામ કે કનૈયાલાલ મુનશી જેવાની મર્યાદાઓ સલૂકાઈથી બતાવીને પણ તેમના વ્યક્તિત્વવિશેષને, તેમની કાર્યસિદ્ધિને વિધેયાત્મક અભિગમથી મૂલવે છે. મુનશીમાં કીર્તિદેવને એક વ્યક્તિત્વ-અંશરૂપે જોવો કે મુનશીએ ગુજરાતની ઊછરતી પેઢીને મંજરી જેવી સ્વપ્નકન્યા – ‘ડ્રીમગર્લ’ આપી હોવાનું નોંધવું એ મુનશીને ન્યાય કરવાની – વધુ સાચી રીતે કહીએ તો પોતાને ન્યાય કરવાની તીવ્ર અભીપ્સાને કારણે જ શક્ય બને છે.