ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ખ: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading| ખરીતો - ખ્રિસ્તીધર્મ | }} {{Poem2Open}} ખરીતો (Manifesto) સંકલ્પિત કાર્ય,...") |
(No difference)
|
Revision as of 11:22, 7 November 2021
ખરીતો (Manifesto) સંકલ્પિત કાર્ય, નીતિ, હેતુઓ તથા અભિપ્રાયો વગેરે અંગેનું સાર્વજનિક નિવેદન. વિકટર હ્યુગોના ‘ Cromwell’ની પ્રસ્તાવના ફ્રેન્ચ રંગદશિર્તાવાદના ખરીતારૂપ ગણાય છે. કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એન્ગલ્સ દ્વારા ૧૮૪૮માં પ્રકાશિત Communist Manifesto એમના સિદ્ધાન્તવિચારનું વિશ્વવિખ્યાત નિવેદન છે. સાહિત્યમાં ‘પરાવાસ્તવવાદ’ આદિ કલાઆંદોલનો અંગેના ખરીતાઓ જાણીતા છે. પ.ના. ખરેખર સમય (Actual Time) જુઓ, વાસ્તવિક સમય ખલનાયક (Antagonist/Villain) નાટક કે કથાસાહિત્યમાં કૃતિના નાયકનો વિરોધ કરનાર મુખ્ય પાત્ર. બોધલક્ષી સાહિત્યકૃતિઓમાં ખલનાયકનું પાત્રાલેખન સર્વસામાન્ય રીતે દુર્જન, ચારિત્ર્યહીન, અસામાજિક વ્યક્તિ તરીકેનું કરાતું. જેમકે રાવણ, દુર્યોધન, પુષ્કર (પ્રેમાનંદકૃત ‘નળાખ્યાન’) અર્વાચીન સાહિત્યકૃતિઓમાં ખલનાયકનું પાત્રાલેખન બોધલક્ષી કૃતિઓના ખલનાયકના વ્યક્તિત્વનાં કેટલાંક લક્ષણો જ ધરાવે અને નાયક સાથેના તેના વિરોધની સંકુલ ભૂમિકાનું પણ લેખક આલેખન કરે તેવું વલણ આગળ આવ્યું. જેમકે તૈલપ ‘(પૃથ્વીવલ્લભ’) વિશ્વસાહિત્યના સંદર્ભમાં ઇઆગો ‘(મૅકબેથ’) આ સંજ્ઞાને તેના મૂળ અર્થમાં ચરિતાર્થ કરે છે. પ.ના. ખંડકથા જુઓ, ગદ્યકાવ્યભેદ ખંડકાવ્ય જુઓ, ગુજરાતી ખંડકાવ્ય ખંડલહરી જુઓ, અખંડ લહરી ખંડિત કથન (Fractured Narrative) કથાની સંરચના અને એના વિકાસને સહેતુક ખંડિત કરતો આ કથનનો તરીકો છે. ખંડિત કથન મૂળભૂત રીતે બે પ્રકારનું હોઈ શકે; ઘટનાઓની સંરચનાઓ પર આધારિત અને સાહચર્યની તર્કસંરચના પર આધારિત. વળી, આ બંનેને અખત્યાર કરતો પ્રયોગ પણ જોવા મળે છે. ચં.ટો. ખંડિતા જુઓ, નાયિકા ખેવનાઃ ૧૯૮૭થી ૨૦૦૮ દરમ્યાન સુમન શાહના તંત્રીપદે પ્રકાશિત ત્રૈમાસિક. સર્વસ્વરૂપલક્ષી આ સામયિકનો પહેલો તબક્કો પાર્શ્વ પ્રકાશનના હાઉસ મેગેઝિન સ્વરૂપે હતો પરંતુ એનો બીજો તબક્કો વધુ ધ્યાનાર્હ બન્યો. આ વર્ષોમાં ટ્રસ્ટ ખેવનાના હાથ નીચે આ સામયિકનું પ્રકાશન થયું છે. તંત્રીનાં વિવિધ દિશાનાં સંપાદકીય લખાણો, કવિતા, વાર્તાઓ અને વિવેચનલેખો અહીં ધ્યાનપાત્ર બન્યાં હતાં. પારિભાષિક સંજ્ઞાઓની વિશદ્ ચર્ચા, દેરિદા વિશેની લેખમાળા, કોઈ એક વાર્તાને પસંદ કરીને જુદા જુદા વિવેચકો પાસે લખાવેલી સમીક્ષાઓ, દરેક અંકની સામગ્રી અંગે સંપાદકની નૂકતેચીની, સુરેશ જોષીની ‘થીગડું’ જેવી વાર્તાની એકથી વધુ સમીક્ષાઓ અને રાજેન્દ્ર શાહનાં કાવ્યોના આસ્વાદ જેવી સામગ્રી ખેવનાને અન્ય સામયિકોથી નોખું પાડે છે. આરંભના અંકોમાં સાહિત્ય અને સમૂહમાધ્યમોના દ્વૈમાસિક તરીકે એની ઓળખ રજૂ કરવામાં આવી હતી અને એ પ્રકારનાં લખાણો આરંભે મૂકવામાં આવતાં હતાં. ઉત્તરોત્તર ખેવના શુદ્ધ સાહિત્યિક સામયિક બનતું ગયું હતું. સાંપ્રત વાર્તાકારોની વાર્તાઓને પ્રકાશિત કરવાનું ને એની ચર્ચા ખેવનાનું મહત્ત્વનું પાસું છે. ખેવનાએ અછાંદસ કવિતા, નિબંધ ગ્રંથાવલોકન અને વાર્તાઓના વિશેષાંકો કર્યા છે. ખેવનાના સો અંકોમાં પ્રકાશિત સામગ્રી એને ગંભીરપણે કામ કરનારાં સાહિત્યસામયિકોની શ્રેણીમાં મૂકે છે. કિ. વ્યા. ખોજા સંપ્રદાય અને સાહિત્ય તળ ગુજરાતની પરંપરિત જ્ઞાતિઓનું મોટાપાયે ધર્માંતરણ થયાની ઐતિહાસિક દસ્તાવેજી વિગતો પણ સાંપડે છે. એ મુજબ લોહાણામાંથી ખોજા, કણબી પટેલમાંથી મુમના, ક્ષત્રિયમાંથી મોલેસલામ, બ્રાહ્મણમાંથી વોરા અને ભરવાડમાંથી મતવા જેવું નવું મુસ્લિમ જ્ઞાતિ-જૂથ અસ્તિત્વમાં આવેલું. આ પ્રજાનું ધર્માન્તરણ બહુધા ઉપદેશકો, પીર, સૈયદો સૂફી ઓલિયાઓ દ્વારા થયેલું. નૂરસતાગર એ ખોજાજ્ઞાતિના આરંભના પીર ગણાય છે. તેઓ પીર સતગુરુનૂર તરીકે પણ ઓળખાય છે. પોતે પૂતળાપ્રતિમાઓ નચાવેલી, આકાશમાંથી મોજડી ઉતરાવેલી વગેરે પરચાઓનું બયાન આપતું ગિનાન ‘પીરસતગુરુનુરના પૂતળા’ ખૂબ જ પ્રખ્યાત છે. નૂરસતાગર વિષયે અન્ય અનેક પીરે પણ રચનાઓ રચી છે. નૂરસતાગર પછી પીર શમ્સ કે જેઓ શમ્સુદીન પીર તરીકે ખૂબ જ જાણીતા છે. તેમણે ગરબીઓ સાંભળીને એ પ્રકારની હિન્દુ દશાવતારની કથામાં ઇસ્લામને ગૂંથી લઈને નકલંકી અવતાર સુધીની ૨૮ ગરબીઓ રચેલી. આમ તેઓ તળગુજરાતના આ સાહિત્યસ્વરૂપમાં ઇસ્લામ અને હિન્દુ માન્યતાઓનો સમન્વય વિષય-સામગ્રી તરીકે ગૂંથી લઈને રચેલી રચનાઓથી ખૂબ જ પ્રખ્યાત થયેલા. એમણે ‘બ્રહ્મપ્રકાશ’ નામનો આધ્યાત્મિક અનુભવોનો ગ્રન્થ પણ રચેલો. ગોપીચંદના કથાનકને આધારે રાજા ગોવરચંદ અને તેની બહેનની કથાને આલેખતો ૩૯૦ જેટલી કડીઓનો ગ્રન્થ પણ મહત્ત્વનો છે. હંસ-હંસલીની વાર્તાનો ગ્રન્થ પણ પ્રચલિત છે. તેમની ગિનાન રચનાઓમાં હિન્દુ કથાનકને ગૂંથી લઈને સત્યનું આચરણ, શીલનો મહિમા વગેરે તેઓ અભિવ્યક્ત કરે છે. પીર શમ્સે પૃથ્વીની ઉત્પત્તિની કથાને આલેખતી રચનાઓ પણ કરી છે. પીર શમ્સ પછી પીર સદરુદીન પણ મહત્ત્વના ઉપદેશક છે. એમણે પહેલવહેલું ખોજાનું જમાતખાનું સિંધના કોટડી ગામે આરંભેલું. હિન્દુઓના ધર્મગ્રન્થોનો વિગતે અભ્યાસ કરેલો. કુરાન અને તેનો મર્મ હિન્દુધર્મ સાથે સમાન રૂપે સાંકળીને તેમણે અનેક રચનાઓ કરી. એમાં ‘આરાધ’ ‘ગાવંગી’ ‘દશ અવતાર’ ‘અથરવેદ’ અને ‘ખટદરશન’ મુખ્ય છે. તેમનું અવસાન ૧૪૬૦માં થયાની માહિતી મળે છે. પીર સદરુદીનના પુત્ર પીર હસનકબીરુદીન પણ મહત્ત્વના ખોજા સંતકવિ છે. ખૂબ નાની વયે પિતાશ્રીની સાથે મુસાફરી કરેલી. ઘણાંબધાં કષ્ટો સહન કરીને હૃદયની ઊંડી ઝંખના એમણે પોતાની વાણી દ્વારા વહાવેલી. તેમણે પોતે આકડાના છોડમાંથી નીકળતા સફેદ તાતણામાંથી પાંચ સો વાર લાંબો અત્યંત મુલાયમ એવો એક તાકો ગૂંથેલો એમાં પાંચ સો પંક્તિનો ‘અનંતનો અખાડો’ નામની રચના કરીને લખી હતી. આ ઉપરાંત તેમની ‘બ્રહ્મ ગાવત્રી’ ‘હસનાપુરીની વેલ’ પણ મહત્ત્વની રચના છે. ‘સતગુરુનૂરના વિવાહ’ નામની ચરિત્રમૂલક રચના પણ તેમણે રચી છે. ‘પીર હસનકબીરદીન અને કાનીયા જોગીનો સંવાદ’ નામની રચના પણ મહત્ત્વની છે. એમનું અવસાન ૧૪૭૦માં થયાના ઐતિહાસિક પુરાવાઓ પ્રાપ્ત થાય છે. પીર સદરુદીનના બીજા પુત્ર તાજદીન પીર અને પીર હસનકબીરના પુત્ર ઇમામ શાહ પણ મહત્ત્વના ખોજાસંત છે. એમનું અવસાન ૧૫૩૩માં થયેલું. આ બંને ખોજા કવિઓએ પણ ગિનાન સ્વરૂપની જ રચનાઓ કરી છે. ઇમામ શાહ ગિનાનમાં જે કંઈ ગાય છે તે ભાવ તત્કાલીન ગુજરાતી રાજસ્થાની સંતસાહિત્યની સમીપ સ્થાન પામે એ પ્રકારનો છે. બહુધા દીર્ઘરૂપની ગદ્યપદ્ય રચનાઓ, ઉપરાંત ગિનાન સ્વરૂપની પદ-ભજન જેવી રચનાઓ, પ્રભાતિયાં અને ગરબીઓ જેવાં ગુજરાતીમાં પ્રચલિત સ્વરૂપોને જ ખોજા સંતોએ સ્વીકાર્યાં છે, તેમ નથી એમાંની વિષય સામગ્રીમાં પણ હિંદુતત્ત્વ–સત્ત્વ છે. એ અરબી લિપિમાં હોય છે. એના માટે ખોજકી ભાષા એવો શબ્દ પણ પ્રચલિત છે. મધ્યકાળના આ ખોજાકવિઓનું સાહિત્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું એક મહત્ત્વનું પ્રકરણ છે. બ.જા. ખ્રિસ્તીધર્મ ખ્રિસ્તીધર્મમાં પરમેશ્વરને પિતાના સ્વરૂપે જોવામાં આવે છે અને એ ઈશુના સંદેશનું હાર્દ છે. મનુષ્ય સાથેની આખી સૃષ્ટિ એનું સર્જન છે અને એનું સંચાલન છે માટે દુનિયા મંગળ છે અને એમાં જે જે થાય – પ્રિય કે અપ્રિય, શુભ કે અશુભ એની પાછળ એક પ્રેમાળ પિતાનો હાથ છે. એ જોવાની શ્રદ્ધા માણસમાં પ્રગટે એ ધાર્મિક જીવનનું પહેલું પગલું છે. ખ્રિસ્તીઓ પોતાને ‘શ્રદ્ધાળુ’ કહેવડાવે છે એ શબ્દની પાછળ આ મૂળ વલણ છે. ભગવાન પિતા છે એનું બીજું પરિણામ એ આવે છે કે બધા માનવીઓ એનાં સંતાન છે અને તેથી બધા સમાન છે. બાઇબલના શબ્દો છે ‘‘હવે કોઈ યહૂદી નથી કે ગ્રીક નથી, કોઈ ગુલામ નથી કે મુક્ત નથી, કોઈ પુરુષ નથી કે સ્ત્રી નથી, કારણ તમે બધાં ઈશુ ખ્રિસ્ત સાથે એક થઈ ગયાં છો.’’ ભગવાન સૌના પિતા છે એટલે આપણે બધાં સ્ત્રી-પુરુષો એકબીજાનાં ભાઈ-બહેનો છીએ એ ત્રીજું અને દૂરગામી પરિણામ છે. એમાં ચોથું અને વિશેષ પરિણામ અને ખ્રિસ્તીધર્મની લાક્ષણિકતા આવે છે તે સેવાધર્મ. જો આપણે એક પરમ પિતાનાં સંતાનો છીએ, જો એકબીજાનાં ભાઈ-બહેન થઈએ તો એકબીજાની સેવા કરવામાં જ આપણા જીવનની સાર્થકતા છે. જો દરેક માનવી ભગવાનનું સંતાન હોય તો એ માનવીને માટે આપણે જે જે કરીએ એ ભગવાનને માટે કર્યું એ અચલ સિદ્ધાન્ત બને અને એના ઉપર સેવાધર્મનું મહત્ત્વ રચાય. બધાં મનુષ્યો ઈશ્વરનાં સંતાનો છે, પણ ઈશુ વિશેષ અર્થમાં ઈશ્વરપુત્ર ગણાય છે, એટલેકે ખ્રિસ્તીઓના મતે ઈશુ એ ઈશ્વરનો પૂર્ણ અવતાર છે, પરમ પિતા સાથે એકરૂપ છે. માનવ રૂપે પૃથ્વી ઉપર આવેલો સાક્ષાત્ ભગવાન છે. ઈશુએ સ્પષ્ટ કહ્યું હતું ‘હું અને પિતા એક છીએ.’ અને બીજે પ્રસંગે ‘જે મને જુએ તે પિતાને જુએ.’ ઈશ્વરને પરમ પિતા કહીએ તો ઈશુને પરમ પુત્રનું બિરુદ શોભે. એવી જ રીતે ખ્રિસ્તીધર્મમાં ‘પવિત્ર આત્મા’નો વિશેષ ઉલ્લેખ છે. ઈશુ જ્યારે બોધ કરવા લાગ્યા અને એમની આસપાસ શિષ્યો ભેગા થયા ત્યારે એમને કહેવા લાગ્યા ‘‘હું જઈશ, પરંતુ હું જઈશ ત્યારે પિતાની પાસેથી તમારી પાસે પવિત્ર આત્માને મોકલીશ. એ તમને શક્તિ આપશે, મારી વાતો યાદ દેવરાવશે, એનું રહસ્ય સમજાવશે. તમારા અંતરમાં રહીને દોરવણી આપશે અને સત્યનો સાક્ષાત્કાર કરાવશે.’’ આમ જેમ ઈશુ પિતાનું દૃશ્યસ્વરૂપ છે તેમ પવિત્ર આત્મા એનું અદૃશ્ય સ્વરૂપ છે, એ પણ પિતાની સાથે એક છે અને આ ત્રિવિધ સ્વરૂપે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા-ભગવાનનું સંપૂર્ણ સ્વરૂપ પૂજાય છે. ખ્રિસ્તીજનો કોઈપણ શુભ પ્રસંગનો પ્રારંભ ‘‘પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે’’ એ સૂત્રથી કરે છે. ભગવાન પિતા છે અને જગત એનો આવાસ છે માટે આપણે વિશ્વાસથી અને આનંદથી એમાં જીવવાનું છે. ચિંતા એટલે ગુનો અને ભય એ પાપ. એ વલણ ઉપર ઈશુ વિશેષ ભાર મૂકતા. એવું નિશ્ચિંત જીવન તો શ્રદ્ધાનું ફળ છે, જેના હૃદયમાં ખરેખર એવી શ્રદ્ધા બેઠી હોય કે ભગવાન મારો પિતા છે અને તેથી મારું ભલું કરવા ઇચ્છે છે અને તે પ્રમાણે કરવા પણ શક્તિમાન છે, એના જીવનમાં સાચી શાંતિ સ્થપાશે. એ ઈશુનું લાક્ષણિક શિક્ષણ છે. ખ્રિસ્તીધર્મવિધિઓમાં સાત સંસ્કારો ગણાય છે, તે આ પ્રમાણે છે ૧, સ્નાનસંસ્કાર માથા ઉપર પાણી રેડીને ઉમેદવારના હૃદયમાં પવિત્રાત્માનો સંચાર કરીને એને જાહેર રીતે ઈશુનો શિષ્ય બનાવવાનો વિધિ. ૨, બળસંસ્કાર કિશોરાવસ્થામાં સંસારની લાલચો સામે લડવા પવિત્રાત્માનું વરદાન મેળવવું તે. ૩, પ્રાયશ્ચિત્તસંસ્કાર કરેલાં કુકર્મોની દીક્ષિત અધિકારીની આગળ ખાનગીમાં કબૂલાત કરીને એની ક્ષમા મેળવવાની આત્મશુદ્ધિ. ૪, ખ્રિસ્તપ્રસાદસંસ્કાર શિષ્યોની સાથે છેલ્લું ભોજન લેતી વખતે ઈશુએ રોટી અને દ્રાક્ષાસવ આપીને, ‘‘આ મારો દેહ ને મારું લોહી છે એ મારા સ્મરણાર્થે લેજો.’’ એમ કહ્યું હતું, એ પરંપરાએ આશીર્વાદ પામેલી રોટી પ્રસાદ રૂપે લેવાનો સમૂહવિધિ. ૫, લગ્નસંસ્કાર વરકન્યાને કાયમ માટે જોડનાર ગ્રંથિ. ૬, યાજ્ઞિકદીક્ષા બ્રહ્મચર્યનું આજીવન વ્રત લઈને લોકોની સેવામાં જીવન અર્પણ કરવાનો સંકલ્પ. ૭, અંતિમ અભિષેક-સંસ્કાર મોટી માંદગીમાં દેહને અને આત્માને બળ આપવા માટે પ્રાર્થનાવિધિ. ખ્રિસ્તી ધર્મસંસ્થાના ત્રણ મુખ્ય ફાંટા છે. ધર્માધિકારી પોપમહારાજની આજ્ઞા પાળે તે કેથલિકો. તેમની આજ્ઞા ન પાળે પણ બીજું બધું કેથલિકોની જેમ સ્વીકારે તે ઓર્થોડોક્સ; અને પોપની આજ્ઞા ન માને ને સાતમાંથી બધા ધર્મસંસ્કારો પણ ન માને એ પ્રોટેસ્ટંટ. શ્રદ્ધાધર્મ, સેવાધર્મ અને દયાધર્મમાં ખ્રિસ્તીધર્મનો સાચો આવિષ્કાર થાય છે. ફા.વા.