સુદામાચરિત્ર/કડવું ૧૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૨|}} <poem> {{Color|Blue|[સુદામાને ભરપૂર સંપત્તિ આપ્યા છતાં કૃષ્...")
(No difference)

Revision as of 09:11, 9 November 2021


કડવું ૧૨

[સુદામાને ભરપૂર સંપત્તિ આપ્યા છતાં કૃષ્ણને સંતોષ થતો નથી. તેથી રુક્મિણી સહિત પોતાની તમામ રાણીઓ સુદામાની સેવા કરે એવું કૃષ્ણ ઈચ્છે છે, જેને રુક્મિણી માર્મિક રીતે વારે છે. વિદાય લેતા સુદામાને દેખીતી રીતે કૃષ્ણ કાંઈ આપતા નથી. આથી સુદામાને ક્ષણિક દુઃખની લાગણી અનુભવાય છે. પણ પછી પોતાના વિવેક જ્ઞાને થઈએ એ દુઃખમાંથી બહાર નીકળે છે.]


રાગ-મેવાડો
શુક્જી કહે સાંભળ રાજન, પરમ કથા પ્રૌઢિ પાવન;
વળી વિચારે કમળાપતિ, ‘મેં સુદામા સરખું આપ્યું નથી. ૧

એકેકો કણ જે તાંદુલ તણો,
ઇન્દ્રાસનપેં મોંઘો ઘણો;
દુર્બળ દાસના ભાવની ભેટ,
પરમ વિધિએ ભરાયું પેટ. ૨

હું એ સરખો થઈ વનમાં તાપું
વૈકુંઠની રિદ્ધિ એને આપું;
સોળ સહસ્ર સાથે રુક્મિણી,
સેવા કરે સુદામા તણી.’ ૩

દ્વારિકા આપવા ઇચ્છા કરી,
વળી મૂઠી શ્રીનાથે ભરી;
ત્યારે રુક્મિણીએ સહાયો હાથ,
‘અમે અપરાધ શો કીધો નાથ?’ ૪

સામું જોઈ હસ્યાં દંપતી,
સોળ સહસ્રમાં કો પ્રીછતી નથી;
સકળ નારીને કરુણા કરી,
તાંદુલ વહેંચી આપ્યા હરિ. ૫

તેમાં મૂક્યો સ્વાદ અપાર
સ્ત્રી આગળ રાખ્યો મિત્રનો ભાર;
હાસ્યવિનોદ કરતાં વહી શર્વરી,
થયો પ્રાતઃ સુદામે જાચ્યા હરિ. ૬

‘મને વિદાય કરો જગજીવન.’
હરિ કહે ‘પધારીએ સ્વામિન,
વળી કૃપા કરજો કોઈ સમે.’
ઠાલે હાથે નરહરિ નમે. ૭

પ્રભુ પોળ લગી વોળાવા જાય,
કોડી એક ન મૂકી કર માંય;
સત્યભામા કહે, ‘સુણો જાંબુવતી,
કૃપણ થયા કેમ કમળાપતિ! ૮

બ્રાહ્મણ, વળી મિત્ર પોતા તણો,
દરિદ્ર દુઃખે પીડેલો ઘણો;
તેને વાળ્યો નિર્મુખ ફરી.’
રુક્મિણી કહે, ‘શું સમજો સુંદરી!’ ૯

બેલડિયે વળગ્યા વિશ્વાધાર,
સુદામે જાતાં કર્યો વિચાર;
‘એના વૈભવ આગળ વાળિયો છેક,
પણ મને ન આપી કોડી એક. ૧૦


સ્ત્રીની ચોરી મનમાં ધરી;
પણ કાંઈક ગુપ્ત મને આપશે હરિ.’
પગે લાગી નારી સૌ ગઈ,
તોયે પણ કાંઈ આપ્યું નહીં. ૧૧

માધવ માર્ગે વોળાવા ગયા,
પછી સુદામોજી ઊભા રહ્યા;
‘વિઠ્ઠલજી હવે પાછા વળો.’
તવ ભેટીને રોયા શામળો. ૧૨

વળ્યા કૃષ્ણ ‘ફરી મળજો’ કહી,
પણ કરમાં કાંઈ મૂક્યું નહીં;
ઋષિ સુદામે મૂક્યો નિઃશ્વાસ,
ચાલ્યો બા્રહ્મણ થઈને નિરાશ. ૧૩

ઋષિ પામ્યો મનમાં સંતાપ,
નિંદા કરવા લાગ્યો આપ;
‘હું માગવા આવ્યો મિત્ર કને,
તેપેં મૃત્યુ શેં નાવ્યું મને? ૧૪

સ્ત્રીજિત નર તે શબ સમાન,
રંડાએ ઉપજાવ્યું અપમાન;
એકાંતર જો મળે જે અન્ન,
કંદમૂળ કીજે પ્રાશન. ૧૫


ભૂખે મરે બાળક નાનકડાં,
ખવરાવીએ સૂકાં પાંદડાં;
પવન પ્રાશીને ભરીએ પેટ,
નીચ પુરુષની કરીએ વેઠ. ૧૬

કાષ્ઠ કે તૃણનો વિક્રય કરી,
અથવા પર ઘેર પાણી ભરી;
હળાહળ વિષ પીને પોઢીએ,
પણ મિત્ર કને કર નવ ઓડિયે. ૧૭

અજાચક વ્રત મૂક્યું આજ,
ખોઈ લાખ ટકાની લાજ;
દામોદરે મને કીધી દયા,
મૂળગા મારા તાંદુલ ગયા. ૧૮

કૃપણને ધન હોયે ઘણું;
માટે નગર છે સોના તણું;
બાંધી મૂઠી ને મિત્રાચાર,
મોટો નિર્દય નંદકુમાર.૧૯

એને આપતાં શું ઓછું થાત?
હું દુર્બળની ભાવઠ જાત;
સામા મળી મને ભેટ્યા હરિ,
પાગ પખાળીને પૂજા કરી. ૨૦


આસન વ્યંજન ભોજન ભલું,
મુજ રાંકને કોણ કરે એટલું?
એ સર્વ ધૂર્ત કપટીની સેવા,
લટપટ કરી મારા તાંદુલ લેવા. ૨૧

જેનું લે તેનો નવ રાખે ભાર,
હરિને નિંદું તો મને ધિક્કાર;
જો ગોપીનાં મહી લીધાં હરી,
તો કમળાનું સુખ પામ્યાં સુંદરી. ૨૨

ઋષિપત્નીનાં ખાધાં અન્ન,
તો સાયુજ્ય મુક્તિ પામ્યાં સ્ત્રીજન;
ચંદન કુબ્જાજીનું લીધ,
સ્વરૂપ લક્ષ્મી સમાણું કીધ. ૨૩

જો ભાજીપત્રનો કીધો આહાર,
તો વિદુર તાર્યો સંસાર;
કૃપા કરી મને જગદાધાર,
પણ મારું કર્મ કઠોર અપાર.’ ૨૪

વિવેકજ્ઞાન સુદામે ગ્રહ્યું,
‘ધન ના’પ્યું તો સારું થયું;
ધને કરી મદ મુજને થાત,
ભક્તિ પ્રભુની ભૂલી જાત. ૨૫


કૃષ્ણ મુજને કરુણા કરી,
દારિદ્ર દુઃખ ન લીધું હરી,
સુખમાં વ્યાપે ક્રોધ ને કામ,
દુઃખમાં સાંભરે કેશવરામ.’ ૨૬

વલણ
રામ સાંભરે વૈરાગ્યથી, ઋષિ જ્ઞાનઘોડે ચડ્યા;
વિચાર કરતાં ગામ આવ્યું, ધામ દેખી ભૂલા પડ્યા. ૨૭