ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મનોવિજ્ઞાન અને સાહિત્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મનોવિજ્ઞાન અને સાહિત્ય'''</span> : મનોવિજ્ઞાન માન...")
 
No edit summary
 
Line 11: Line 11:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = મનોનાટ્ય
|next = મનોવૈજ્ઞાનિક નવલકથા
}}

Latest revision as of 12:04, 1 December 2021


મનોવિજ્ઞાન અને સાહિત્ય : મનોવિજ્ઞાન માનવમનની સ્થિતિઓ અને એની આંતરિક પ્રક્રિયાઓનું અધ્યયન કરનારી જ્ઞાનશાખા છે. આથી પ્રાકૃતિક વિદ્યાઓથી ભિન્ન માનવવિદ્યાઓમાં મનોવિજ્ઞાનના નિષ્કર્ષો મહત્ત્વના બને છે. સાહિત્ય કેવળ નીપજ નથી પણ માનવીય નીપજ છે. સાહિત્યનો એક છેડો લેખકના માનસ સાથે અને બીજો છેડો વાચકના માનસ સાથે સંકળાયેલો છે. સાહિત્યની લેખકના ચિત્તમાં ચાલતી સર્જનપ્રક્રિયા અને સાહિત્યની વાચકના ચિત્તમાં ચાલતી વાચનપ્રક્રિયા – બંને પ્રક્રિયાઓને સમજવા માટે તો મનોવિજ્ઞાન ખપનું છે જ, પરંતુ સાહિત્ય અંતર્ગત આવતાં પ્રતીકો, કલ્પનો, સ્વપ્નપદ્ધતિઓ, લયાંદોલો, પાત્રો, પાત્રોનાં વર્તનો, વર્તનો પાછળની ઇચ્છાઓ અને વૃત્તિઓ – વગેરે સમજવા માટે પણ મનોવિજ્ઞાનની સહાય મહત્ત્વની બને છે. મનોવિજ્ઞાનીઓનાં વિવિધ સંશોધનો અને મનોવિજ્ઞાનની વિવિધ વિકસેલી શાખાઓએ પણ સાહિત્યસમજને દૃઢ કરવાની તેમજ સાહિત્યવિવેચનને પુષ્ટિ આપવાની કામગીરી કરેલી છે. ફ્રોઈડનો, અચેતન અને સ્વપ્ન અંગેનાં તારણો સહિતની યૌનગ્રંથિ પરનો ભાર, એડલરનો યૌનગ્રંથિને અતિક્રમી જતી સત્તાગ્રંથિ પરનો ભાર, યુંગનો વ્યક્તિગત અચેતનને અતિક્રમી સામૂહિક અચેતનનો ભાર, લકાંનો ભાષાગત સંરચનાને અનુલક્ષીને અચેતનની નવી વાચના પરનો ભાર વગેરે એક યા બીજી રીતે સાહિત્યસર્જનમાં અને સાહિત્યસમજમાં પરિવર્તન લાવનારાં પરિબળો સાબિત થયાં છે. ભાષાવિજ્ઞાની ચોમ્સ્કીના પ્રદાન પછી ભાષાકીય વર્તન અને એની પાછળ રહેલી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ વચ્ચેનો સહસંબંધ અભ્યાસના કેન્દ્રમાં આવ્યો છે અને એ મનોભાષિક ક્રાંતિનું કારણ બન્યો છે. માહિતીસિદ્ધાન્ત(Information Theory), અધિગમ સિદ્ધાન્ત(Learning theory), સંચારયાંત્રિકી (Communication Engineering), સંજ્ઞાત્મક મનોવિજ્ઞાન વગેરેએ એના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. મનોભાષાવિજ્ઞાને ઉત્તરસંરચનાવાદના વિકાસમાં પણ પ્રદાન કર્યું છે. મનોચિકિત્સાપરક કાવ્યવિજ્ઞાન (Psycho therapeutic poctics) પણ આજે તો સક્રિય છે. નારીવાદના ચુસ્ત પ્રણેતાઓએ ફ્રોઇડના પિતૃમૂલક અભિગમો અને ‘બીભત્સ ફ્રોઈડપરક પ્રતીકવાદ’ની સામે પ્રતિરોધ ઊભા કરી, ફ્રોઈડના યૌનસિદ્ધાન્તની નવેસરથી વિચારણા કરવી શરૂ કરી છે. ચોડોરોવ અને મેલિન ક્લાય્નનું આ બાબતમાં મહત્ત્વનું પ્રદાન છે. આમ, મનોવિજ્ઞાનના સિદ્ધાંતો સાહિત્યકૃતિના અધ્યયનમાં અર્થઘટન માટે કીમતી સહાય આપે છે, એમાં શંકા નથી.

ચં.ટો.