ભારતીયકથાવિશ્વ−૪/સ્કંદપુરાણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| સ્કંદપુરાણ | }} {{Poem2Open}} === અર્જુને કરેલો અપ્સરાઓનો ઉદ્ધાર === એ...")
(No difference)

Revision as of 15:08, 6 December 2021


સ્કંદપુરાણ

અર્જુને કરેલો અપ્સરાઓનો ઉદ્ધાર

એક સમયે અર્જુન મણિપુર થઈને દક્ષિણ સમુદ્ર પરનાં પાંચ તીર્થોમાં સ્નાન કરવા આવ્યા હતા. અહીંથી તપસ્વીઓ ભયને કારણે જતા રહ્યા હતા અને ત્યાં જનારાઓને પણ રોકતા હતા. અર્જુને કોઈ ઋષિમુનિઓને પૂછ્યું, ‘આ તીર્થ તો બહુ સુંદર અને પ્રભાવશાળી છે, તો પછી ઋષિમુનિઓ શા માટે એમને ત્યજીને જતા રહ્યા?’ તપસ્વીઓએ કહ્યું, ‘આ તીર્થોમાં પાંચ મગર છે, તે તપસ્વી મુનિઓને પાણીમાં ખેંચી જાય છે.’ આ સાંભળીને મહા બળવાન અર્જુને ત્યાં જવાનો નિર્ણય કર્યો ત્યારે તે મુનિઓએ તેમને અટકાવ્યા, ‘અર્જુન, તમારે ત્યાં જવું ન જોઈએ. મગરોએ ઘણા બધા રાજાઓને અને મુનિઓને મારી નાખ્યા છે. તમે તો બાર વરસ તીર્થોમાં સ્નાન કરી ચૂક્યા છો, પછી આ પાંચ તીર્થોમાં સ્નાન નહીં કરો તો ચાલશે. દીવામાં ઝંપલાવતાં પતંગિયાં પેઠે જવાની જરૂર નથી.’ આ સાંભળી અર્જુને કહ્યું, ‘તમારો દયાળુ સ્વભાવ છે એટલે તમે જે કહ્યું તે બરાબર. જે માનવી ધર્માચરણ કરવા નીકળ્યો હોય તેને જવાની ના પાડવી તે યોગ્ય નથી. જીવન તો વીજળીની જેમ ક્ષણભંગુર છે, જો ધર્મપાલન કરતાં કરતાં મૃત્યુ આવે તો પણ શું? જેમનાં જીવન, ધન, સ્ત્રી, પુત્ર, ખેતર અને ઘર ધર્મના કામે નાશ પામે તે જ મનુષ્યો કહેવાય.’ પછી મુનિઓએ તેમને આશીર્વાદ આપ્યા. તેમને પ્રણામ કરીને અર્જુન સૌભદ્ર મહર્ષિના તીર્થમાં સ્નાન કરવા ગયા. ત્યાં પાણીની અંદર રહેનારા એક ભયંકર મગરે અર્જુનને પકડી લીધા. અર્જુન તો મહાબળવાન, તે મગરને પકડીને કિનારે લાવ્યા, તરત જ તે મગર એક અલંકારમંડિત નારીના રૂપમાં ફેરવાઈ ગયો. તે મનમોહિની હતી. અર્જુને તેને પૂછ્યું, ‘કોણ છો તમે? પાણીમાં રહેનારી મગરીનું રૂપ કેવી રીતે મળ્યું? આવું ઘોર પાપ તમે કેમ કરો છો?’ તે નારી બોલી, ‘હે પાર્થ, હું દેવોના નંદનવનમાં રહેતી વર્ચા નામની અપ્સરા છું. આ મારી ચાર સખીઓ છે. અમે બધા ઇચ્છાનુસાર ગમન કરી શકીએ છીએ. એક દિવસે હું આ ચારે સખીઓને લઈને એક વનમાં પહોંચી. જોયું તો કોઈ બ્રાહ્મણદેવ એકાંતમાં બેસીને સ્વાધ્યાય કરી રહ્યા હતા. તે બહુ સુંદર હતા. તેમના તપના તેજથી આખું વન પ્રકાશિત થતું હતું. સૂર્યની જેમ આખા પ્રદેશને આલોકિત કરી રહ્યા હતા. તેમના તપમાં વિઘ્ન નાખવા હું ત્યાં ઊતરી, હું સૌરમેયી, સામેયી, બુદ્બુદા અને લતા એક સાથે તે બ્રાહ્મણ પાસે જઈ પહોંચી. તેમની સામે ગાવા લાગી, રમત રમવા લાગી. તેમને લોભાવવાના પ્રયત્ન કર્યા પણ તેઓ નર્યા અનાસક્ત રહ્યા. અમારા અયોગ્ય વર્તાવ જોઈને તેમણે અમને શાપ આપ્યો, ‘તમે વર્ષો સુધી પાણીમાં મગર રૂપે રહો.’ આ શાપ સાંભળી અમે દુઃખી થઈ ગયાં. તેમના શરણમાં જઈ બોલી, ‘વિપ્રવર્ય, અમે બહુ ખરાબ કર્યું છે, તો પણ તમે અમારો અપરાધ ક્ષમા કરી દો. તમે તો ધર્મજ્ઞ છો, બ્રાહ્મણો તો બધા માટે મિત્ર છે. સાધુઓ શરણાગતની રક્ષા કરે છે. અમે તમારા શરણે છીએ.’ અમારી પ્રાર્થના સાંભળી તેમણે કહ્યું, ‘તમે પાણીમાં મગરી બનીને રહેશો અને સ્નાન કરવા આવેલા લોકોને પકડશો. કેટલાંક વર્ષો આમ થશે. ને પછી એક દિવસ કોઈ પુરુષ આવીને તમને પાણીની બહાર લઈ જશે ત્યારે તમે તમારું મૂળ સ્વરૂપ પામશો.’ પછી તે બ્રાહ્મણદેવને પ્રણામ કરીને ત્યાંથી દૂર જઈ અમે વિચાર કર્યો. એટલામાં જ અમે ત્યાં આવી ચઢેલા નારદ ઋષિને જોયા. અમે તો ઉદાસ થઈને તેમની સામે ઊભી રહી ગઈ. તેમણે અમારા શોકનું કારણ પૂછ્યું. એ સાંભળીને તેઓ બોલ્યા, ‘દક્ષિણ સમુદ્રમાં પવિત્ર અને સુંદર પાંચ તીર્થ છે, તમે ત્યાં જાઓ. ત્યાં તમને પાંડુનંદન અર્જુન આમાંથી મુક્તિ અપાવશે.’ તેમની વાત સાંભળીને અમે અહીં આવી ગઈ. હવે તમારે અમારું કલ્યાણ કરવાનું.’ પછી અર્જુને વારાફરતી બધાં જ તીર્થોમાં સ્નાન કર્યું અને મગરી બનેલી બધી અપ્સરાઓનો ઉદ્ધાર કર્યો. એટલે તે અપ્સરાઓ અર્જુનને પ્રણામ કરીને આકાશમાં ઊડી ગઈ. (કુુમારિકાખંડ)

શતશૃંગ રાજાની કન્યાની કથા

ઋષભ મુનિના પુત્ર ભરત અને ભરતના પુત્ર શતશૃંગ. તેમને આઠ પુત્ર અને એક કન્યા. તેનું મોઢું બકરી જેવું હતું. મહીસાગરના કિનારે એક સ્તંભતીર્થ છે. એ પ્રદેશના એક નિર્જન સ્થળે કોઈ બકરી પોતાના ઝુંડમાંથી છૂટી પડીને જતી રહી. ત્યાં લતાઓ ગૂંચવાઈને એક જાળા જેવું બની ગયું હતું. બકરી તરસી હતી. તે ત્યાંથી જેવી નીકળી તેવી તે મરણ પામી. થોડા સમયે તેના શરીરના માથાની નીચેનો ભાગ ખરી પડ્યો અને મહીસાગરસંગમમાં પડ્યો. તે દિવસે શનિવારી અમાસ હતી. માથું તો લતાજાળમાં ફસાઈને જેવું ને તેવું ત્યાં પડી રહ્યું. આ તીર્થના પ્રભાવથી તે બકરી સિંહલ પ્રદેશમાં રાજા શતશૃંગની પુત્રી તરીકે અવતરી. પણ તેનું મોં બકરીનું રહી ગયું. રાજા તો પહેલાં નિ:સંતાન હતા. તેમને આ પુત્રી બધા પુત્રો જેટલી જ વહાલી હતી પણ કન્યાનું મોં બકરી જેવું જોઈને બધા દુઃખી થયા. ધીમે ધીમે તે યુવાન થઈ. એક દિવસ તેણે પોતાનું મોં આયનામાં જોયું. એ જોતાં જ તેને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું. માતાપિતાને એ વાત કરી અને તે સ્થળે જવાની સંમતિ માગી. નૌકામાં બેસી તે સ્તંભતીર્થ જઈ પહોંચી અને ત્યાં સારી એવી દક્ષિણા આપી. પછી તેણે લતાજાળમાં ફસાયેલું પોતાનું મસ્તક શોધી કાઢ્યું અને સંગમ પાસે તેનો અગ્નિસંસ્કાર કરી મહીસાગરમાં અસ્થિવિસર્જન કર્યું. તીર્થના પ્રભાવે તેનુંં મોં ચંદ્ર જેવું થઈ ગયું. દેવદાનવ, મનુષ્ય તેના રૂપથી મોહિત થઈ રાજા પાસે તેની યાચના કરતા હતા. પણ રાજકુમારી કોઈને પતિ બનાવવા માગતી ન હતી. તેણે કઠોર તપ કરવા માંડ્યું. એક વરસે ભગવાન શંકર પ્રસન્ન થયા અને વરદાન માગવા તેમણે કહ્યું. તે બોલી, ‘જો તમે પ્રસન્ન થયા હો અને મને વરદાન આપવા માગતા હો તો આ તીર્થમાં સર્વદા નિવાસ કરો.’ ભગવાને તેની વાત સ્વીકારી. જ્યાં તેણે બકરીના મસ્તકનો અગ્નિસંસ્કાર કર્યો હતો ત્યાં તેણે વર્કરેશ નામના શિવની સ્થાપના કરી. આ અચરજભર્યા સમાચાર સાંભળી સ્વસ્તિક નામના નાગરાજ તલાતલ લોકમાંથી આવ્યા અને તે જ્યાંથી બહાર નીકળ્યા ત્યાં સ્વસ્તિક નામનો કૂવો થઈ ગયો. ગંગાએ પોતાનાં પાણીથી તેને છલકાવી દીધો. તે કન્યા પછી સિંહલ દેશમાં પાછી આવી. રાજાએ ભારતવર્ષના નવ વિભાગ કર્યા અને એમાંથી આઠ પુત્રોને આપ્યા અને નવમો ભાગ કુમારીને આપ્યો. કુમારીએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો એટલે શંકર પ્રસન્ન થયા ને તેને દર્શન આપીને બોલ્યા, ‘હવે તારો અંતકાળ આવી ગયો છે. ન પરણેલી સ્ત્રીને સ્વર્ગ અને મોક્ષ ન મળે. એટલે તું મહાકાલને પતિ તરીકે સ્વીકારી લે.’ ભગવાનની વાત માનીને તેણે મહાકાલને પતિ તરીકે સ્વીકાર્યા અને તે રુદ્રલોકમાં જતી રહી. ત્યાં પાર્વતીએ તેને ભેટીને કહ્યું, ‘તેં પૃથ્વીને ચિત્રલિખિત જેવી કરી દીધી એટલે તું ચિત્રલેખા નામથી પ્રસિદ્ધ થઈશ.’ ત્યારથી તે ચિત્રલેખા બનીને પાર્વતીની સાથે રહેવા લાગી. તેણે જ ઉષાને ચિત્ર વડે અનિરુદ્ધનો પરિચય આપ્યો હતો. (માહેશ્વર ખંડ, કુમારિકા ખંડ)

ઘટોત્કચના વિવાહની કથા

એક વેળા પાંડવો પોતાની સભામાં બેસી વાતો કરતા હતા ત્યારે ભીમપુત્ર ઘટોત્કચ ત્યાં આવ્યો, બધાએ તેને ભાવપૂર્વક આવકાર્યો. તેણે બધાને પ્રણામ કર્યા. યુધિષ્ઠિરે તેને ખોળામાં બેસાડી ખબરઅંતર પૂછ્યા. એટલે તેણે કહ્યું, ‘મામાના મૃત્યુ પછી મને સંહાિસન પર બેસાડ્યો છે. મારી માતા અત્યારે તપોરત છે. તેના સૂચનથી હું અહીં આવ્યો છું.’ થોડી વાતો કરીને ધર્મરાજે શ્રીકૃષ્ણને કહ્યું, ‘તમે તો જાણો છો કે આ પુત્ર જન્મીને તરત યુવાન થઈ ગયો હતો. હવે તેને કોઈ સારી પત્ની મળવી જોઈએ.’ શ્રીકૃષ્ણે આ સાંભળી કહ્યું, ‘તેને યોગ્ય એક કન્યા પ્રાગ્જ્યોતિષપુરમાં રહે છે. મુર નામના દૈત્યની પુત્રી છે. તે મારા હાથે મૃત્યુ પામ્યો હતો. તે મૃત્યુ પામ્યો એટલે તેની પુત્રી મારી સાથે યુદ્ધ કરવા આવી. મેં જેટલાં બાણ માર્યા તે બધાં મુરપુત્રીએ નિષ્ફળ બનાવ્યાં છેવટે મેં સુદર્શન ચક્ર ઉગામ્યું. તે જોઈને કામાખ્યા દેવીએ આવીને મને રોક્યો, ‘તમારે આનો વધ કરવો નહીં. મેં તેને આપેલાં શસ્ત્ર અજેય છે.’ મેં તેમને કહ્યું, ‘હું યુદ્ધ પડતું મૂકું છું. તમે આ કન્યાને સમજાવો.’ એટલે તેમણે તે કન્યાને મારો મહિમા સમજાવ્યો. ‘તું આ ભગવાનને યુદ્ધમાં જીતી નહીં શકે. તું તેમના ભાઈ ભીમસેનની પુત્રવધૂ થઈશ. તારા પિતાને માટે હવે તારે શોક નહીં કરવાનો, તે તો મૃત્યુ પછી વિષ્ણુધામમાં જતા રહ્યા છે.’ એટલે તે કન્યા શાંત થઈ અને તેણે મને પ્રણામ કર્યાં. હવે ત્યાંથી હું અહીં આવ્યો છું. આ કન્યા ઘટોત્કચ માટે યોગ્ય છે. હું તો તેનો સસરો થઉં એટલે તેના રૂપનું વર્ણન ન કરી શકું. વળી તેણે પ્રતિજ્ઞા કરી છે કે જે કોઈ મને એક પ્રશ્ન પૂછીને નિરુત્તર કરે અને મારા જેવો જ બળવાન હોય તે જ મારો પતિ થશે. જો ઘટોત્કચમાં આવી મૌર્વીને જીતવાનો ઉત્સાહ હોય તો તે તેની પત્ની થશે.’ તેની આવી પ્રતિજ્ઞા સાંભળીને ઘણા બધા દૈત્ય અને રાક્ષસ તેને જીતવા ગયા પણ મૌર્વીએ તે બધાને હરાવીને મારી નાખ્યા. આ સાંભળી યુધિષ્ઠિરે કહ્યું, ‘ભગવાન, તેના બધા ગુણોને શું કરવાના? તેનામાં એક અવગુણ છે. જેમાં ઝેર ભળ્યું હોય તે દૂધને શું કરવાનું? જીવથીય વહાલા ભીમસેનકુમારને માત્ર સાહસ કરવા ખાતર આવા સંકટમાં કેવી રીતે મૂકી દેવાય? આ બિચારો તો એક પણ શુદ્ધ વાક્ય બોલી શકતો નથી. દેશમાં બીજી ઘણી સ્ત્રીઓ છે, એમાંથી કોઈ એકને પસંદ કરો ને!‘‘ આ સાંભળી ભીમસેન બોલ્યો, ‘ભગવાન શ્રીકૃષ્ણે જે કહ્યું છે તેનાથી ઘણાં પ્રયોજન પાર પડશે.મને ખાત્રી છે કે ઘટોત્કચ બહુ જલદી મૌર્વીને મેળવશે.’ અર્જુને કહ્યું, ‘કામાખ્યા દેવીએ મૌર્વીને કહ્યું છે કે ભીમસેનનો પુત્ર તારું પાણિગ્રહણ કરશે. એટલે મને લાગે છે કે ઘટોત્કચે ત્યાં વેળાસર જવું જોઈએ.’ ભગવાને કહ્યું, ‘અર્જુન, મને તારી અને ભીમની વાત પસંદ પડે છે. હિડિમ્બકુમાર, કહે જોઈએ, તું શું માને છે?’

ઘટોત્કચે કહ્યું, ‘વડીલોની આગળ પોતાના ગુણકીર્તન ગાવા નહીં. સૂર્યનાં કિરણ અને ઉત્તમ ગુણ વ્યવહારમાં આવીને જ પ્રકાશિત થાય છે. મારા નિર્મલ પિતા પાંડવોને મારે કારણે શરમાવું ન પડે તેવો પ્રયત્ન હું કરીશ.’

આમ કહી તેણે બધાને પ્રણામ કર્યાં. પિતૃઓ પાસેથી વિજયનો આશીર્વાદ પામીને ઉત્સાહિત થઈને ત્યાંથી નીકળવાનો વિચાર કર્યો. તે વેળા ભગવાને તેની પ્રશંસા કરી કહ્યું, ‘વાત કરતી વખતે વિજય અપાવનાર શ્રીકૃષ્ણનું એટલે કે મારું સ્મરણ કરી લેજે. એટલે હું તારી બુદ્ધિને સતેજ કરી દઈશ.’ એમ કહી શ્રીકૃષ્ણે તેને ગળે લગાડ્યો અને આશીર્વાદ આપીને તેને વિદાય કર્યો. પછી ઘટોત્કચ ત્રણ સેવકોની સાથે આકાશમાર્ગે નીકળી પડ્યો અને દિવસ આથમતાં પ્રાગ્જ્યોતિષપુરમાં આવ્યો. ત્યાં જઈને તેણે એક વિશાળ વાટિકામાં સોનાનું એક ભવન જોયું. તે એક હજાર માળનું હતું. મેરુશિખરની જેમ શોભતા તે ભવનની પાસે જઈને જોયું તો કર્ણપ્રાવરણા નામની એક કન્યા ઊભી હતી. વીર ઘટોત્કચે તેને સુંદર વાણીમાં પૂછ્યું, ‘કલ્યાણી, મુરની પુત્રી ક્યાં છે? હું દૂર દેશથી તેને વરવા આવેલો અતિથિ છું. મારે તેમને મળવું છે.’ એ સાંભળી તે કન્યા હાંફળીફાંફળી મહેલની અગાસીએ બેઠેલી મૌર્વી પાસે જઈને બોલી, ‘દેવી, કોઈ સુંદર કુમાર કામનાની ઇચ્છા કરતો બારણે ઊભો છે. એના જેવો સુંદર પુરુષ ત્રિલોકમાં પણ કોઈ નહીં મળે. હવે મારે શું કરવું તેની મને આજ્ઞા આપો.’ મૌર્વીએ કહ્યું, ‘જા, જા, એને લઈ આવ, કદાચ દૈવની સહાયથી તેના વડે જ મારી પ્રતિજ્ઞા પૂરી પડે.’ એટલે તે કન્યા ઘટોત્કચની પાસે જઈને બોલી, ‘તે મૃત્યુરૂપા સ્ત્રી પાસે જલદી જાઓ.’ તેણે કહ્યું એટલે ઘટોત્કચ ધનુષબાણ ત્યાં જ મૂકીને હસતાં હસતાં ગયો. વીજળીની જેમ ચમકતી તે દૈત્યકન્યાને જોઈ વિચારવા લાગ્યો, ‘અરે, મારા પિતા જેવા શ્રીકૃષ્ણે મને યોગ્ય સ્ત્રી બતાવી છે.’ પછી તેણે મૌર્વીને કહ્યું, ‘અરે, વજ્ર જેવા હૃદયવાળી નિષ્ઠુર સ્ત્રી, હું અતિથિ થઈને તારે ત્યાં આવ્યો છું. હવે જે રીતે સ્વાગત કરવું હોય તે કર.’ ઘટોત્કચની આ વાત સાંભળીને કામકટંકટા તેના રૂપથી પ્રસન્ન થઈને અને પોતાની નિંદા કરતી બોલી, ‘તમે અહીં ખોટા આવી ચઢ્યા છો. અત્યારે જીવવું હોય તો સુખેથી ઘેર જતા રહો. જો મને ઇચ્છતા હો તો તરત જ કોઈ કથા કહેવા માંડો. કથા કહીને મને ભ્રમમાં નાખી શકો તો હું તમારા અંકુશમાં, પછી હું તમારી સેવા કરીશ.’ તેણે આમ કહ્યું એટલે ઘટોત્કચે આ સંપૂર્ણ જગત જેમની કથા છે તે શ્રીકૃષ્ણનું સ્મરણ કરીને કથા કહેવા માંડી. કોઈ પત્નીના ગર્ભથી એક બાળકનો જન્મ થયો, તે યુવાન થયો એટલે ખૂબ જ અજિતેન્દ્રિય થયો. તે યુવકને એક પુત્રી થઈ અને તેની પત્ની મરી ગઈ. ત્યારે પિતાએ જ તે નાની પુત્રીની રક્ષા કરી અને તેને ઉછેરી. તે કન્યા જ્યારે યુવાન થઈ અને તેનાં બધાં અંગ જ્યારે વિકસિત થયાં ત્યારે તેના પિતાનું મન તેના પ્રત્યે કામલોલુપ થયું. તે પાપીએ પોતાની પુત્રીને કહ્યું, ‘પ્રિયે, તું મારા પડોશીની પુત્રી હતી. હું તને મારી પત્ની બનાવવા અહીં લાવ્યો અને તારું લાંબા સમય સુધી લાલનપાલન કર્યું. હવે તું મારી ઇચ્છા પાર પાડ.’ તેની આ વાત તે કન્યાએ માની લીધી. તેનો સ્વીકાર પતિ રૂપે કર્યો. પછી તેને એક પુત્રી જન્મી. હવે કહે તે કન્યા તે પુરુષની શું થાય? પુત્રી કે દૌહિત્રી? તારામાં આવડત હોય તો આ પ્રશ્નનો ઉત્તર આપ.’ આ પ્રશ્ન સાંભળીને તેણે અનેક રીતે વિચાર કર્યો પણ કશો નિર્ણય તે કરી ન શકી. આ પ્રશ્નથી તે હારી ગઈ એટલે મૌર્વીએ પોતાની શક્તિનો વિનિયોગ કર્યો. જ્યાં તે હાથમાં તલવાર લેવા ગઈ ત્યાં ઘટોત્કચે ઝડપથી તેના વાળ પકડીને ધરતી પર પાડી નાખી. પછી તેના ગળા પર ડાબો પગ મૂકીને જમણા હાથમાં છરી લીધી અને તેનું નાક કાપી નાખવાનો વિચાર કર્યો. મૌર્વીએ બહુ ઝાંવાં માર્યાં પણ છેવટે હારી જઈને બોલી, ‘હું તમારા પ્રશ્નથી, શક્તિ અને બળથી પરાજિત થઈ ગઈ છું. હવે તમારી દાસી. જેમ કહેશો તેમ કરીશ.’ ઘટોત્કચે કહ્યું, ‘ભલે, જો એમ છે તો હું તને જવા દઉં છું.’ આ સાંભળીને કામકટંકટાએ ફરી તેને પ્રણામ કરી કહ્યું, ‘મહાબાહુ, તમે મોટા વીર છો એ જાણી લીધું. ત્રિલોકમાં તમારા જેવો કોઈ વીર નથી. આ પૃથ્વી પર સાઠ કરોડ રાક્ષસોના સ્વામી છો. આ વાતો મને કામાખ્યા દેવીએ કહી હતી. તે હવે મને યાદ આવે છે. હું સેવકો અને આ ઘર સમેત તમારા શરણે. આજ્ઞા કરો, મારે શું કરવાનું છે?’ ઘટોત્કચે કહ્યું, ‘જેના પિતા, ભાઈબંધુ હોય તેમનો વિવાહ છાનોમાનો ન થાય. એટલે હવે તું મને ઇન્દ્રપ્રસ્થ લઈ જા. અમારા કુટુંબની આ પરંપરા છે. ત્યાં વડીલોની સંમતિ લઈને હું તારી સાથે વિવાહ કરીશ.’ પછી મૌર્વી અનેક પ્રકારની સાધનસામગ્રી લઈને ઘટોત્કચને પીઠ પર બેસાડી ઇન્દ્રપ્રસ્થ આવી. ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોએ ઘટોત્કચને આવકાર્યો અને ભીમકુમારે મૌર્વી સાથે લગ્ન કર્યું. કુન્તી અને દ્રૌપદી પુત્રવધૂને જોઈ પ્રસન્ન થયાં. પછી યુધિષ્ઠિરે ઘટોત્કચને પત્ની સાથે પોતાના રાજ્યમાં જવા કહ્યું. ઘટોત્કચ મૌર્વીને લઈને હિડિંબવનમાં ગયો. ત્યાં પત્ની સાથે ઘણો વિહાર કર્યો અને કાળક્રમે તેને ત્યાં એક બાળકનો જન્મ થયો. જન્મતાંની સાથે જ તે યુવાન થઈ ગયો અને માતાપિતાને પ્રણામ કરી કહેવા લાગ્યો, ‘બાળકના પહેલા ગુરુ તો માતાપિતા એટલે તમે મારું નામ પાડો.’ ઘટોત્કચને ગળે લગાવી કહ્યું, ‘તારા વાળ વાંકડિયા છે એટલે તારું નામ બર્બરીક. તું કુળની કીર્તિ વધારીશ.’ પછી ઘટોત્કચ પત્ની અને પુત્રને લઈ દ્વારકા ગયો. શ્રીકૃષ્ણે બર્બરીકને મહીસાગર સંગમતીર્થમાં આવેલા ગુપ્તક્ષેત્રમાં જઈ ત્યાં વસતી નવ દુર્ગાની આરાધના કરવા કહ્યું. તેમની વાત માનીને તેણે દુર્ગાઓની આરાધના કરવા માંડી એટલે તે દેવીઓએ પ્રસન્ન થઈને તેને ત્રણે લોકમાં કોઈની પાસે ન હોય એવું અતુલ્ય બળ આપ્યું, ત્યાં થોડો સમય રહેવા કહ્યું. થોડા સમયે ત્યાં મગધ દેશમાંથી બ્રાહ્મણ વિજય ત્યાં આવ્યા અને તેમણે પણ દેવીઓની આરાધના કરી. દેવીઓએ તેને સ્વપ્નમાં કહ્યું, ‘તું સિદ્ધમાતા સમક્ષ સંપૂર્ણ વિદ્યાઓની આરાધના કર, આ કામમાં ભક્ત સુહૃદય તારી સહાય કરશે.’ આ વાત સાંભળી વિજયે દેવીઓને પ્રણામ કરી સુહૃદયને કહ્યું, ‘તું નિદ્રારહિત થઈને દેવીના સ્તોત્રનો પાઠ કર ત્યાં સુધી હું વિદ્યાસાધના કરું, કોઈ વિઘ્ન ન આવે તે જોજે.’ વિજયની વાત સાંભળીને મહાબળવાન બર્બરીક ત્યાં ઊભો રહીને વિઘ્ન ન નડે તે જોવા લાગ્યો. વિજય ગુરુજન, ગણપતિ, વાસુદેવ, વિષ્ણુ અને બીજાઓની સ્તુતિ કરવા લાગ્યો. તે દરમિયાન રાત્રિના પહેલા પ્રહરમાં આવી ચઢેલી એક રાક્ષસીને બર્બરીકે ભગાડી મૂકી. પછી બીજું વિઘ્ન ઊભું થયું તેનું નિવારણ પણ તેણે કર્યું. પછી એક રેપલેન્દ્ર નામનો દાનવ વિજય સામે દોડ્યો. તેનું શરીર એક યોજન લાંબું હતું. તેને સો સો પેટ અને મસ્તક હતાં. તેના મોઢામાંથી અગ્નિજ્વાળાઓ નીકળતી હતી. તેને જોઈને બર્બરીક સામે થયા. બંનેનું યુદ્ધ ચાલ્યું. પછી બર્બરીકે તેને ભૂમિ પર પાડીને બહુ રગદોળ્યો અને છેવટે તે મૃત્યુ પામ્યો. આમ કરીને તે પાછો વિજયનું રક્ષણ કરવા ઊભો રહી ગયો. ત્રીજા પ્રહરે પશ્ચિમ દિશાએથી પર્વતાકાર એક રાક્ષસી આવી. તે મોટે મોટેથી ગર્જના કરતી અને પગ વડે ધરતીને ધમધમાવતી આવી ચઢી. તેનું નામ દ્રુહદ્રુહા. તેને આવતી જોઈ સૂર્ય અને અગ્નિ સમાન તેજસ્વી બર્બરીક સામે પહોંચી ગયો. તેણે હસતાં હસતાં રસ્તો રોકી લીધો અને રાક્ષસીને મુક્કા મારીને ધરતી પર પાડી નાખી. પછી ગળું દબાવીને મારી નાખી. ફરી પાછો તે રક્ષણ કરવા ઊભો રહી ગયો. ચોથા પ્રહરમાં મુંડન કરાવેલો એક નકલી સંન્યાસી દિગંબર અવસ્થામાં આવી ચઢ્યો. તેણે તો બહુ મોટા વ્રતધારીનો વેશ ધારણ કર્યો હતો. આવતાંવેંત તે બોલ્યો, ‘અરે ભાઈ, આ તો ભારે કષ્ટની વાત. અહિંસા જ પરમ ધર્મ. આ આગ કેમ પ્રગટાવી છે? આગમાં હવન કરતી વેળા સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે.’ તેની વાત સાંભળીને બર્બરીકે કહ્યું, ‘અગ્નિમાં આહુતિ આપવાથી દેવો તૃપ્ત થાય છે. દુર્બુદ્ધિ પાપી, તું જૂઠું બોલે છે. એટલે શિક્ષાને પાત્ર છે.’ એમ કહી બર્બરીક તેની સામે ઊભો રહી ગયો અને મુક્કા મારીને તેના બધા દાંત પાડી નાખ્યા. વાસ્તવમાં તે એક દૈત્ય હતો. થોડી વારે સ્વસ્થ થઈને ડરી જઈને તે ભાગ્યો અને એક ગુફામાં ભરાઈ ગયો. બર્બરીકે તેનો પીછો કર્યો, પણ તે દૈત્ય વાયુવેગી બનીને પાતાળમાં પેસી ગયો. સાઠ યોજન વિસ્તારવાળી બહુપ્રભા નામની નગરીમાં તે રહેતો હતો. બર્બરીક તેનો પીછો કરતો ત્યાં પણ જઈ ચઢ્યો.તેને જોઈને પલાશી નામના દૈત્યો દોડો, મારો, કાપોની બૂમો પાડવા લાગ્યા. આ સાંભળીને નવ કરોડ ભયાનક દૈત્ય વીર બર્બરીક પર તૂટી પડ્યા. આ જોઈ ઘટોત્કચપુત્ર ક્રોધે ભરાયો અને કેટલાકને પગ વડે, કેટલાકને હાથ વડે, કેટલાકને છાતીના ધક્કાથી મારવા માંડ્યો અને છેવટે તેમને યમલોકમાં મોકલી દીધા. દૈત્યો મૃત્યુ પામ્યા એટલે વાસુકિ અને બીજા નાગ ત્યાં આવ્યા, ‘ભીમપૌત્ર, તમે નાગલોકો ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. આ પલાશી દૈત્યનો અને તેના સાથીઓનો તમે વિનાશ કર્યો છે. આ દુરાત્માએ પોતાના સેવકોની સહાયથી જાતજાતના ઉપાયો વડે અમને ભારી યાતના પહોંચાડી હતી. અમને છેક નીચે મોકલી દીધા હતા. હવે તમે કોઈ વરદાન માગો.’ બર્બરીકે કહ્યું, ‘નાગલોકો, જો તમે વરદાન આપવા માગતા જ હો તો વિજય બધા જ પ્રકારનાં વિઘ્નોથી મુક્ત થઈ સિદ્ધિ પ્રાપ્ત કરે.’ નાગલોકોએ પ્રસન્ન થઈને તેને તે વરદાન આપ્યું. પછી તે નાગલોકોને દૈત્યપુરી આપીને પાછો ફર્યો. તેણે દરમાંથી નીકળતી વેળાએ જોયું કે કલ્પવૃક્ષ નીચે એક સર્વરત્નમય લંગિ હતું. તેમાંથી ચારે બાજુએ પ્રકાશ ફેલાઈ રહ્યો હતો અને ઘણી બધી નાગકન્યાઓ તેની પૂજા કરી રહી હતી. આ જોઈને તેને અચરજ થયું. તેણે નાગકન્યાઓને પૂછ્યું, ‘સૂર્ય અને અગ્નિ સમાન આ શિવલંગિની સ્થાપના કોણે કરી છે? આ શિવલંગિથી ચારે દિશાઓમાં જતા માર્ગોનો પરિચય આપો.’ બર્બરીકની વાત સાંભળીને નાગકન્યાઓએ સંકોચવશ કહ્યું, ‘નાગરાજ શેષે તપ કરીને અહીં આ મહાલંગિની સ્થાપના કરી છે. આનાં દર્શન, પૂજન, સ્પર્શ અને ધ્યાનથી બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, અહીંથી પૂર્વ દિશાએ જતો માર્ગ ભૂલોકમાં શ્રી પર્વત સુધી જાય છે. નાગલોકો સુવિધાપૂર્વક આવજા કરી શકે શકે એટલે એલાપત્ર નાગે આ માર્ગનું નિર્માણ કર્યું હતું. દક્ષિણ દિશામાં જતો માર્ગ પૃથ્વી પરના શૂર્પારક ક્ષેત્ર સુધી જાય છે. આ માર્ગ કર્કોટક નાગે બનાવડાવ્યો હતો. પશ્ચિમે જતો આ માર્ગ પ્રભાસ સુધી જાય છે, તે માર્ગ નાગોની યાત્રા માટે ઐરાવતે બનાવડાવ્યો છે. આમ જ ઉત્તરમાંથી નીકળતો માર્ગ પૃથ્વી પર કુરુક્ષેત્ર સુધી જાય છે. જ્યાં તમે ઊભા છો તે માર્ગ લંગિની ઉપરથી જાય છે તે ગુપ્ત ક્ષેત્રમાં સિદ્ધલંગિ સુધી જાય છે. આ માર્ગ સ્વામી સ્કંદે પોતાની શક્તિનો પ્રહાર કરી બનાવ્યો છે. આ બધી વાતો તમને અમે જણાવી. હવે તમે કોણ છો તે કહો. હમણાં તો તમે દૈત્યનો પીછો કરતા હતા અને અત્યારે તમે એકલા આવ્યા છો. શું થયું? અમે બધી તમને પરણવા માગીએ છીએ. તમારી દાસીઓ. તમે અમારી સાથે અહીંનાં વિવિધ સ્થળે વિહાર કરો.’ બર્બરીકે કહ્યું, ‘દેવીઓ, સાંભળો. હું કુરુવંશી, અને પાંડુનંદન ભીમસેનનો પૌત્ર બર્બરીક. હું એ દૈત્યને મારવા આવ્યો હતો. તે પાપી દૈત્ય મૃત્યુ પામ્યો, હવે હું પૃથ્વી પર પાછો જઉં છું. તમારી સાથે મારો કોઈ મેળ નહીં ખાય કારણ કે સદા બ્રહ્મચારી રહેવાનું મારું વ્રત છે.’ આમ કહી બર્બરીકે તે શિવલંગિનું પૂજન કરી સાષ્ટાંગ પ્રણામ કર્યા. પછી તે કન્યાઓના દેખતાં દેખતાં પૃથ્વીના માર્ગે ચાલી નીકળ્યો. તેમાંથી બહાર આવીને પૂર્વ દિશાનું મુખ પ્રકાશિત જોયું, પછી વિજયને મળ્યો. ત્યાં સુધીમાં વિજય પોતાનું કામ પૂરું કરીને બેઠો હતો. તેણે બર્બરીકને કહ્યું, ‘તારા સહકારથી મેં અનુપમ સિદ્ધિ મેળવી છે. તું ચિરંજીવી થા, આનંદ કર અને દાન આપ. મારા હોમકુંડમાં સંદુિર જેવી લાલ રંગની સાત્ત્વિક ભસ્મ છે. તે લે. યુદ્ધભૂમિમાં આનો છંટકાવ કરવાથી શત્રુના સ્થાને મૃત્યુ આવે તો પણ તેને ભસ્મ કરી નાખશે. તું આ રીતે શત્રુઓ પર વિજય મેળવી શકીશ.’ બર્બરીકે કહ્યું, ‘જે કશી અપેક્ષા વિના કોઈનો ઉપકાર કરે તો તે સાધુ કહેવાય. કોઈ વાતની ઇચ્છા રાખીને ઉપકાર કરે તો એની સાધુતાનો કયો અર્થ? એટલે આ ભસ્મ કોઈ બીજાને આપી દેજો. મારે એનું કામ નથી. હું તો તમને માત્ર પ્રસન્ન મુખ જોવા માગું છું.’ પછી દેવીઓ સમેત દેવતાઓએ વિજયને સિદ્ધૈશ્વર્ય આપ્યું અને તેનું નામ સિદ્ધસેન પાડ્યું. ત્યાર પછી પાંડવો દ્યૂતમાં હારી ગયા. અને વિવિધ તીર્થોમાં ફરતા ફરતા તે શુભ તીર્થમાં સ્નાન કરવા આવી પહોંચ્યા. ત્યાં ચંડિકાદેવીનું દર્શન કરીને માર્ગનો થાક ઉતારવા ત્યાં જ બેઠા. તેમની સાથે દ્રૌપદી પણ હતી. તે સમયે ચંડિકાગણ પણ હતો. બર્બરીકે તે પાંડવોને જોયા ખરા પણ બંને એકબીજાને ઓળખતા ન હતા. પાંડવોએ તરસને લીધે, પાણી સામે જોયું. ભીમસેન પાણી પીવા કુંડમાં ઊતર્યો. ત્યારે યુધિષ્ઠિરે તેને કહ્યું, ‘તું કુંડમાંથી પાણી લઈ બહાર જ હાથપગ ધોઈ લેજે. નહીંતર તને પાપ લાગશે.’ ભીમસેન તરસે આકળવિકળ થઈ ગયો હતો. તેણે યુધિષ્ઠિરની વાત સાંભળી જ નહીં, અને કુંડમાં પેઠો. શુદ્ધિ કરવા મોં, હાથપગ ધોયા. તે જ્યારે આમ પગ ધોઈ રહ્યો હતો ત્યારે બર્બરીકે કહ્યું, ‘અરે દુર્મતિ, આ શું કરો છો? તમે તો પાપી છો. તમે દેવીના કુંડમાં હાથપગ, મોં ધોઈ રહ્યા છો. હું દેવીને સદા આ જ પાણીથી સ્નાન કરાવું છું. મળથી દૂષિત જળને તો માણસો સુધ્ધાં અડકતા નથી પછી દેવતા તો એનો સ્પર્શ કરશે કેવી રીતે? તમે જો આટલા બધા મૂઢ હો તો તીર્થયાત્રા શા માટે કરો છો?’ ભીમસેન બોલ્યા, ‘અરે રાક્ષસાધમ, તું આટલી કઠોર વાણી કેમ ઉચ્ચારે છે? પાણીનો બીજો કયો ઉપયોગ છે? પાણી તો પ્રાણીઓના લાભાર્થે તો છે. મોટા મોટા મુનિઓ પણ તીર્થસ્નાન કરવા કહે છે. અંગ શુદ્ધ કરીએ તે જ સ્નાન. તું મારી નિંદા કેમ કરે છે? જો સ્નાન ન કરીએ તો ધર્મનું અનુષ્ઠાન કેવી રીતે કરો? લોકો શા માટે કૂવા, વાવ, તળાવ બંધાવે છે?’ બર્બરીક આ સાંભળી બોલ્યો, ‘તમારી વાત સાચી કે મુખ્ય તીર્થોમાં સ્નાન કરવું જોઈએ. પરંતુ નદી જેવાનું પાણી વહેતું હોય છે, એમાં પ્રવેશીને સ્નાન કરવું જોઈએ. કુંડ જેવામાં પહેલાં બહાર જ હાથપગ ધોઈને પછી જ કુંડમાં સ્નાન કરવું જોઈએ. બ્રહ્માએ કહેલી વાત શું ભૂલી ગયા છો? જે પાણીમાં મળમૂત્ર, વિષ્ટા, થૂંક, કોગળા કરે છે તે બ્રહ્મહત્યારો છે. એટલે દુરાચારી, બહાર નીકળો. જો તમારી ઇન્દ્રિયો તમારા વશમાં નથી તો તીર્થોમાં શા માટે ભમો છો? જેના હાથપગ, અને મન સંયમમાં હોય અને જેની ક્રિયાઓ નિવિર્કાર ભાવથી થતી હોય તે જ તીર્થનું ફળ પામે છે. મનુષ્ય પુણ્ય કરીને બે ઘડી પણ જીવતો રહે તો તે ઉત્તમ. પરંતુ પાપકર્મ કરતાં એક કલ્પ જીવે તો એનો કશો અર્થ નથી.’ આ સાંભળી ભીમસેને કહ્યું, ‘કાગડાની જેમ બોલી બોલીને તેં મારા કાન પકવી દીધા. હવે તું કકળાટ કર્યા કર કે ચંતાિ કરીને સુકાઈ જા, હું તો પાણી પીને જ રહીશ.’ બર્બરીક બોલ્યો, ‘હું ધર્મરક્ષા કરનારા ક્ષત્રિય કુળમાં જન્મ્યો છું એટલે તમને કોઈ રીતે પાપ કરવા નહીં દઉં. અમારા આ કુંડમાંથી બહાર નીકળો, નહીં તો પથરા મારી મારીને તમારું માથું ફોડી નાખીશ.’ આમ કહીને બર્બરીકે ભીમના માથા પર પથરા ફેંકવા માંડ્યા. ભીમસેન પથરાના ઘા ચુકાવીને સરોવરમાંથી બહાર આવ્યા અને બંને એકબીજા સાથે બાથ ભીડીને બેઠા. બંને યુદ્ધવિદ્યાના નિષ્ણાત હતા. બંને હાથ વડે લડવા લાગ્યા. બે જ ઘડીમાં ભીમ તે રાક્ષસ આગળ ઝાંખા પડ્યા. છેવટે બર્બરીકે ભીમસેનને ઉઠાવ્યા અને પાણીમાં ફેંકવા તૈયાર થયા. સમુદ્રકિનારે પહોંચ્યા ત્યારે ભગવાન શંકરે આકાશમાં ઊભા રહીને કહ્યું, ‘રાક્ષસશ્રેષ્ઠ બર્બરીક, આ ભરતકુળના રત્ન અને તારા પિતામહ ભીમસેન છે. તીર્થયાત્રા કરવા ભાઈઓ અને દ્રૌપદી સાથે નીકળ્યા છે. તારે એમનું સમ્માન કરવું જોઈએ.’ ભગવાનની વાત સાંભળીને બર્બરીક ભીમસેનને નીચે મૂકી દઈને તેમને પગે પડ્યો, ‘અરે મને ધિક્કાર છે, ધિક્કાર છે. પિતામહ, મને ક્ષમા કરી દો.’ વારે વારે નમન કરતા બર્બરીકને ભીમસેને ગળે લગાવ્યો અને કહ્યું, ‘જન્મ્યા પછી ન તું અમને ઓળખે, ન અમે તને ઓળખીએ. માત્ર ઘટોત્કચ અને શ્રીકૃષ્ણ પાસેથી સાંભળ્યું હતું કે તું આ તીર્થમાં રહે છે. પરંતુ આ બધું પણ અમે ભૂલી ગયા હતા. જે લોકો અનેક પ્રકારનાં દુઃખ વેઠે છે તેમની બધી સ્મરણશક્તિ નાશ પામે છે. અમારા પર જે દુઃખ આવ્યું તે કાળની પ્રેરણાથી. તું એનો શોક ન કર. તારો એમાં જરાય દોષ નથી. કુમાર્ગે જનારને દંડ આપવો જ જોઈએ. જો પોતે કુમાર્ગે જતો હોય તો તેણે પોતાને પણ દંડ આપવો જોઈએ. પછી સ્વજનોની બાબતમાં કહેવાનું શું? આજે મને બહુ આનંદ થાય છે, હું અને અમારા પૂર્વજો ધન્ય થઈ ગયા. અમારો પુત્ર આવો ધર્મજ્ઞ છે. તને અમારે કોઈ વર આપવો જોઈએ. તું મારા અને બીજાઓને માટે પ્રશંસનીય છે. હવે તું સ્વસ્થ થઈ જા.’ બર્બરીકે કહ્યું, ‘હું પાપી છું. બ્રહ્મહત્યા કરતાંય મોટું પાપ મેં કર્યું છે. તમે મારી સામે ન જોતા અને મારો સ્પર્શ ન કરતા. જે માતાપિતાનો ભક્ત નથી તેનો કશો ઉદ્ધાર ન થાય. જે શરીર વડે મેં પિતામહને દુઃખ પહોંચાડ્યું છે તે શરીરને આજે મહીસાગરસંગમમાં ફેંકી દઈશ. નહીંતર બીજા જન્મોમાં પણ હું પાપ કરીશ.’ આમ કરીને તે તો સમુદ્રમાં જઈને કૂદ્યો. હું આની હત્યા કેવી રીતે કરું એમ વિચારી સમુદ્ર કાંપી ઊઠ્યો. પછી સિદ્ધાંબિકા અને ચારેય દિશાઓની દેવીઓ રુદ્ર સાથે આવી અને તેને આલંગીિને કહેવા લાગી, ‘અજાણતાં થયેલું પાપ દોષિત નથી બનાવતું. તારે હવે કોઈ ગેરવર્તાવ કરવો ન જોઈએ. જો તારી પાછળ પુત્ર પુત્ર બોલતા ભીમસેન આવી રહ્યા છે. તારું મૃત્યુ થાય તો તેઓ પણ આત્મહત્યા કરી દેશે. જો તું આપઘાત કરીશ તો તેઓ પણ આપઘાત કરશે. પછી તો તને વધારે પાપ લાગશે. તું શરીર ટકાવી રાખ. થોડા જ સમય પછી દેવકીપુત્ર શ્રીકૃષ્ણ તારો વધ કરશે. તે સાક્ષાત્ વિષ્ણુ છે અને તેમના હાથે મૃત્યુ પામવું એ તો મુક્તિદાયક છે. એટલે તું એ સમયની રાહ જો અને અમારી વાત માન.’ દેવીઓએ આમ કહ્યું એટલે બર્બરીક ઉદાસ ચિત્તે પાછો આવ્યો. ‘બર્બરીક ચંડિકાની કાર્યસિદ્ધિ માટે ભારે યુદ્ધ કરશે એટલે સંસારમાં તે ચંડિલ નામથી જાણીતો થશે.’ એમ કહી તે દેવીઓ અંતર્ધાન થઈ ગઈ. ભીમસેન બર્બરીકને લઈને આવ્યા. અને બધા પાંડવોને સમાચાર આપ્યા. બધાને સાંભળીને નવાઈ લાગી. બધાએ તેની અવારનવાર પ્રશંસા કરી અને પછી વિધિ પ્રમાણે સ્નાન કર્યું. પાંડવોના વનવાસને તેર વર્ષ પૂરાં થયાં એટલે બધા રાજા ઉપલવ્ય નામના સ્થળે યુદ્ધ કરવા ભેગા થયા. પાંડવો પણ કુરુક્ષેત્રમાં આવ્યા. દુર્યોધન વગેરે તો પહેલેથી જ ત્યાં હતા. તે સમયે ભીષ્મપિતામહે રથી અને અતિરથીની ગણના કરી. તેમના બધા સમાચાર ગુપ્તચરો દ્વારા જાણીને યુધિષ્ઠિરે પોતાના પક્ષે લડતા રાજાઓની વચ્ચે શ્રીકૃષ્ણને કહ્યું, ‘વાસુદેવ, પિતામહ ભીષ્મે રથી અને અતિરથીની સંખ્યા ગણી છે. તે સાંભળીને દુર્યોધને પોતાના પક્ષના મહારથીઓને પૂછ્યું કે કયો વીર કેટલા સમયમાં સેના સમેત પાંડવોનો વધ કરી શકશે ત્યારે પિતામહ ભીષ્મે અને કૃપાચાર્યે એક મહિનામાં અમને બધાને મારી નાખવાની પ્રતિજ્ઞા કરી છે. દ્રોણાચાર્યે પંદર દિવસમાં, અશ્વત્થામાએ દસ દિવસમાં અને મને હંમેશાં ભયભીત કરનારા કર્ણે છ દિવસમાં સેના સહિત પાંડવોને મારવાની ઘોષણા કરી છે. હવે આ જ પ્રશ્ન હું આપણા પક્ષના મહારથીઓને કરું છું: કોણ કેટલા સમયમાં કૌરવોને તેમની સેના સમેત પરાજિત કરશે?’ આ સાંભળી અર્જુને કહ્યું, ‘ભીષ્મ વગેરેએ જે વાત કરી છે તે સાવ અસંગત છે. યુદ્ધમાં પહેલેથી આમ માનવું એ ખોટું પડી શકે. આપણા પક્ષમાં પણ રાજાઓ કમર કસીને યુદ્ધ કરવા ઊભા છે. દ્રુપદ, વિરાટ, કૈકેય, સહદેવ, સાત્યકિ, ચેકિતાન, ધૃષ્ટદ્યુમ્ન, ઘટોત્કચ, ભીમસેન અને કોઈનાથી પરાજિત ન થનારા શ્રીકૃષ્ણ. મારી દૃષ્ટિએ તો આમાંનો એક એક વીર સમગ્ર કૌરવસેનાને પરાજિત કરી શકે. એમને જોઈને જેવી રીતે સિંહને જોઈ હરણ ભાગી જાય તેવી રીતે કૌરવો ભાગી જશે. વૃદ્ધ ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય કે અશ્વત્થામાનો ડર શા માટે? તમારા ચિત્તની શાંતિ માટે હું કહું કે હું એકલો જ યુદ્ધમાં કૌરવોની સમગ્ર સેનાને એક જ દિવસમાં હરાવી શકું.’ ઘટોત્કચપુત્ર બર્બરીકે આ સાંભળી કહ્યુું, ‘મહાત્મા અર્જુને જે વાત કરી તે મારાથી ન વેઠાઈ. આ તો બીજા વીરોનું અપમાન કહેવાય. અર્જુન અને શ્રીકૃષ્ણ બધા એક બાજુએ ઊભા રહો, હું એક જ મુહૂર્તમાં ભીષ્મ વગેરેને યમલોકમાં મોકલી શકું. મારા ભયાનક ધનુષને, આ અક્ષય ભાથાને, ભગવતી સિદ્ધાંબિકાએ આપેલી આ તલવારને તમે જુઓ. આવી દિવ્ય વસ્તુઓ મારી પાસે છે. હું આમ બધાને જીતી શકું.’ બર્બરીકની વાત સાંભળીને બધા ક્ષત્રિયોને નવાઈ લાગી. અર્જુને પણ સંકોચ પામીને શ્રીકૃષ્ણ સામે જોયું. શ્રીકૃષ્ણે કહ્યું, ‘પાર્થ, બર્બરીકે પોતાની શક્તિ પ્રમાણે આ વાત કહી છે. એના વિશે ઘણી અચરજભરી વાતો સાંભળી છે. પાતાલમાં જઈને પલાશી નામના દૈત્યને કરોડો દૈત્યો સમેત મારી નાખ્યો હતો.’ પછી શ્રીકૃષ્ણે બર્બરીકને પૂછ્યું, ‘આટલા બધા મહારથીઓવાળી કૌરવસેના પર વિજય મેળવવો મહાદેવ માટે પણ અઘરું છે, તો તું કેવી રીતે મારી શકે? તારી પાસે એવું તે શું છે?’ સમગ્ર જીવજગતના અધીશ્વર શ્રીકૃષ્ણે આમ પૂછ્યું એટલે સિંહ સમાન વક્ષસ્થળ, પર્વતાકાર શરીર અને અતુલ્ય બળ ધરાવતા અને અનેક આભૂષણો પહેરેલા બર્બરીકે તરત જ ધનુષ ચઢાવ્યું અને બાણ તાક્યું. પછી તેણે તે બાણને લાલ રંગની ભસ્મ વડે રંગી દીધું અને પણછ કાન સુધી ખેંચીને છોડ્યું. તે બાણમાંથી જે ભસ્મ ઊડી તે બંને સેનાઓના મર્મસ્થાન પર પડી માત્ર પાંચ પાંડવ, કૃપાચાર્ય અને અશ્વત્થામાના શરીરને તેનો સ્પર્શ ન થયો. આ કરીને બર્બરીકે બધાને કહ્યું, ‘તમે જોયું ને કે આમ કરીને મેં બધાનાં મર્મસ્થાનોનું નિરીક્ષણ કરી લીધું છે. હવે તે મર્મસ્થાનોમાં દેવીએ આપેલા તીક્ષ્ણ અને અમોઘ બાણ હું મારીશ, એટલે બધા યોદ્ધા ક્ષણવારમાં મૃત્યુ પામશે. તમને બધાને તમારા ધર્મના સોગંદ, તમે શસ્ત્ર સજ્જ ન કરતા. હું બધા શત્રુઓને તીક્ષ્ણ બાણો વડે મારી નાખીશ.’ આ સાંભળી યુધિષ્ઠિર વગેરેના મનમાં બહુ અચરજ થયું. બધા બર્બરીકને ધન્યવાદ આપવા લાગ્યા. બહુ ઘોંઘાટ થવા લાગ્યો. બર્બરીકે આ વાત કહી એટલે શ્રીકૃષ્ણે ક્રોધે ભરાઈ પોતાના સુદર્શન ચક્ર વડે બર્બરીકનું મસ્તક છેદી નાખ્યું. બધા આ જોઈને સ્તબ્ધ થઈ ગયા. એક બીજાને કહેવા લાગ્યા, ‘આ શું થઈ ગયું? ઘટોત્કચપુત્ર કેવી રીતે મરી ગયો?’ પાંડવ પણ બીજા રાજાઓ સહિત અશ્રુપાત કરવા લાગ્યા. ઘટોત્કચ તો અરે પુત્ર, અરે પુત્ર એમ કહી વિલાપ કરવા લાગ્યો. તે સમયે સિદ્ધામ્બિકા સાથે ચૌદ દેવીઓ ત્યાં આવી અને તેમણે ઘટોત્કચને ધીરજ બંધાવી. ‘બધા રાજાઓ સાંભળો. ભગવાન શ્રીકૃષ્ણે મહાબળવાન બર્બરીકનો વધ શા માટે કર્યો તે હું તમને જણાવું છું. ભૂતકાળની કથા છે: મેરુપર્વતના શિખર પર બધા દેવતા એકઠા થયા હતા. ત્યાં ભારથી અકળાતી પૃથ્વીએ ત્યાં જઈ દેવતાઓને પોતાનો ભાર ઉતારવા કહ્યું, એટલે બ્રહ્માએ ભગવાન વિષ્ણુને કહ્યું, ‘ભગવન્, મારી પ્રાર્થના સાંભળો. તમે જ પૃથ્વીનો ભાર ઉતારો, આમાં દેવતાઓ તમારી સાથે જ છે.’ ભગવાને એમાં સંમતિ આપી. તે વેળા સૂર્યવર્ચા નામના યક્ષરાજે પોતાનો હાથ ઉપર ઉઠાવીને કહ્યું, ‘હું છું પછી તમે મનુષ્યલોકમાં શા માટે જન્મ લો છો? હું એકલો જ અવતાર લઈને પૃથ્વીના બધા જ દૈત્યોનો સંહાર કરીશ.’ સૂર્યવર્ચાએ આવું કહ્યું એટલે બ્રહ્મા ક્રોધે ભરાયા અને બોલ્યા, ‘દુમતિ, આ પૃથ્વીનો ભાર દેવતાઓ માટે પણ અસહ્ય છે. તો તું છકી જઈને એકલો આ કામ પાર પાડવા માગે છે? પૃથ્વીનો ભાર ઉતારવા જતાં યુદ્ધનો આરંભ થશે અને તે વેળા શ્રીકૃષ્ણ તારો નાશ કરશે. એમાં જરાય શંકા નથી.’ બ્રહ્માની વાત સાંભળીને સૂર્યવર્ચાએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, ‘ભગવાન, જો મારા શરીરનો નાશ થવાનો જ છે તો એક પ્રાર્થના. બધા જ અર્થ સિદ્ધ થાય એવી બુદ્ધિ મને જન્મથી જ સાંપડે. ‘ભગવાન વિષ્ણુએ દેવસભામાં આ વરદાન આપ્યું, ‘દેવીઓ તારા મસ્તકની પૂજા કરશે. તું પૂજ્ય થઈશ.’ ભગવાને આવું કહ્યું એટલે આ સૂર્યવર્ચા અને બધા દેવતાઓ પૃથ્વી પર અવતર્યા. સૂર્યવર્ચા ઘટોત્કચનો પુત્ર હતો. એટલે શ્રીકૃષ્ણનો વાંક કાઢવો નહીં.’ પછી ભગવાને કહ્યું, ‘દેવીએ જે કહ્યું તે સાચું જ છે. મેં દેવસભામાં સૂર્યવર્ચાને જે વરદાન આપ્યું હતું તે યાદ કરીને ગુપ્તક્ષેત્રમાં દેવીની આરાધના કરવા મેં એને કામ સોંપ્યું હતું.’ પછી ચંડિકાને ભગવાને કહ્યું, ‘આ ભક્તનું મસ્તક છે. તેને અમૃતથી સીંચો અને રાહુના મસ્તકની જેમ તેને અજરઅમર બનાવી દો.’ દેવીએ એ પ્રમાણે કર્યું. જીવિત થઈને તે મસ્તકે ભગવાનને પ્રણામ કર્યાં અને કહ્યું, ‘હું યુદ્ધ જોવા માગું છું. મને સંમતિ આપો.’ ભગવાને મેઘ જેવા ગંભીર સાદે કહ્યું, ‘આ પૃથ્વી, નક્ષત્ર, ચન્દ્ર અને સૂર્ય રહેશે ત્યાં સુધી બધા લોકો તારી પૂજા કરશે. હવે તું આ પર્વતશિખર પર ચઢી જા અને ત્યાંથી થનારા યુદ્ધને જોજે.’ ભગવાને આ વાત કરી પછી બધી દેવીઓ અંતર્ધાન થઈ ગઈ. બર્બરીકનું મસ્તક પર્વતશિખરે સ્થિર થયું. ધરતી પર રહેલા એના શરીરના અંતિમ સંસ્કાર કર્યા. પછી કૌરવ અને પાંડવ વચ્ચે અઢાર દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. યુદ્ધમાં દ્રોણ, કર્ણની સાથે નિર્દય દુર્યોધન પણ માર્યો ગયો. બાંધવજનોની વચ્ચે બેસીને યુધિષ્ઠિરે કહ્યું, ‘હે ભગવાન શ્રીકૃષ્ણ, આ મહાયુદ્ધમાંથી તમે જ અમને પાર ઉતાર્યા છે, હે પુરુષોત્તમ, તમને નમસ્કાર.’ ભીમસેન બહુ ભોળા હતા, તેમને ભાઈની વાત ન ગમી એટલે જરા અસહિષ્ણુ થઈને કહ્યું, ‘રાજન્, ધૃતરાષ્ટ્રના પુત્રોને તો મેં માર્યા, તમે મને બાજુએ મૂકીને પુરુષોત્તમ, પુરુષોત્તમ કર્યા કરો છો. શ્રીકૃષ્ણની આટલી બધી પ્રશંસા કેમ કરો છો? સાત્યકિ, અર્જુન, ધૃષ્ટદ્યુમ્ન: આ બધાએ યુદ્ધમાં પરાક્રમ કરી વિજય અપાવ્યો છે. એ બધાને બાજુએ મૂકીને તમે આમ કહો છો.’ ભીમસેનની આ અનુચિત વાત સાંભળી અર્જુનથી રહેવાયું નહીં, એટલે તેમણે ભીમસેનને કહ્યું, ‘ભાઈ, આમ ન બોલો. તમે શ્રીકૃષ્ણને સાચી રીતે જાણતા નથી. મારા, તમારા કે કોઈનાથીય શત્રુનો વધ થયો નથી. યુદ્ધ દરમિયાન હું સતત જોતો હતો કે મારી આગળ આગળ શત્રુઓનો વધ કરતો કોઈ પુરુષ જઈ રહ્યો છે. મને ખબર નથી કે તે કોણ હતો.’ ભીમસેને અર્જુનની વાત સાંભળી કહ્યું, ‘અર્જુન, તું ચોક્કસ કોઈ ભ્રમમાં પડી ગયો છે. યુદ્ધમાં બીજું કોણ શત્રુઓને મારી શકે? અને જો તને વિશ્વાસ ન હોય તો ચાલ, પર્વતશિખર પર બર્બરીકના મસ્તકને પૂછીએ. તેણે તો આખું યુદ્ધ જોયું છે ને!’ એમ કહી ભીમે બર્બરીકને પૂછ્યું, ‘દીકરા, કહે તો આ યુદ્ધમાં કૌરવોનો વધ કોણે કર્યો?’ બર્બરીકે કહ્યું, ‘મેં તો શત્રુઓની સાથે એક જ પુરુષને યુદ્ધ કરતો જોયો છે. તેને ડાબી બાજુએ પાંચ મોં હતાં અને દસ હાથ હતા. તે હાથમાં શૂલ જેવાં શસ્ત્રો હતાં, તેની જમણી બાજુ એક મોં અને ચાર હાથ હતા. તે હાથમાં ચક્ર જેવાં શસ્ત્ર હતાં. જમણી બાજુ મસ્તક પર મુકુટ હતો, ડાબી બાજુ ભસ્મ હતી ચંદન પણ હતું. ડાબી બાજુ ચંદ્રકલા હતી. જમણી બાજુ કૌસ્તુભમણિ હતો. આ સિવાય કૌરવોનો વિનાશ કરવાવાળા કોઈને મેં જોયો નથી.’ બર્બરીકની વાત સાંભળી આખું આકાશ પ્રકાશિત થઈ ઊઠ્યું. પુષ્પવર્ષા થઈ. દેવતાઓએ દુંદુભિગાન કર્યું. સાધુ સાધુના ધ્વનિથી આકાશ ગુંજી ઊઠ્યું. ભીમસેન સંકોચ પામતો દીર્ઘ નિ:શ્વાસ નાખવા લાગ્યો. પછી ભીમસેન તન, મન, વચનથી ભગવાન શ્રીકૃષ્ણને પ્રણામ કરી કહેવા લાગ્યો, ‘ભગવન્, જન્મથી માંડીને અત્યાર સુધી જે અપરાધ કર્યા હોય તે બધા ક્ષમા કરજો. હું તો મૂરખ છું, મારા પર પ્રસન્ન થાઓ.’ પછી ભગવાન ભીમસેનને લઈ બર્બરીક પાસે ગયા અને બોલ્યા, ‘તારે આ ક્ષેત્રનો ત્યાગ નથી કરવાનો.’ બર્બરીક ભગવાનને પ્રણામ કરી પોતાના સ્થાને ચાલ્યો ગયો. (કુમારિકા ખંડ)

વજ્રાંગદ રાજાની કથા

પાંડ્ય દેશમાં વજ્રાંગદ નામના એક ધર્માત્મા, જિતેન્દ્રિય, ક્ષમાશીલ, એકપત્નીવ્રતા રાજા થઈ ગયા. શીલવાનોમાં શ્રેષ્ઠ તે રાજા શત્રુઓને જીતીને સમગ્ર પૃથ્વી પર રાજ કરતા હતા. એક દિવસ ઘોડા પર બેસીને તે શિકાર કરવા નીકળ્યા. ત્યાં તેમણે એક કસ્તુરી મૃગ જોયો. તેના સમગ્ર શરીરમાંથી સુગન્ધ પ્રસરી રહી હતી. તેની પાછળ પાછળ ઘોડો દોડાવ્યો. મૃગ વાયુવેગી અને મનોવેગી થઈને અરુણાચલ પર્વતની ચારે બાજુ આંટા મારવા લાગ્યો. વધારે શ્રમને કારણે રાજા થાકીને ઘોડા પરથી પડી ગયા. મધ્યાહ્નના તાપને કારણે તે બહુ પીડાયા અને ઘડીભર માટે તે પોતાની સુધબુધ ખોઈ બેઠા. પછી વિચાર્યું, ‘મારાં શક્તિ અને ધૈર્ય ક્યાં ગયાં? તે મૃગ મને અહીં પર્વત પર મૂકીને ક્યાં જતો રહ્યો?’ આમ જ્યારે તેઓ ચંતાિમાં ડૂબેલા હતા ત્યારે આકાશમાં ઝળહળાટ થઈ ગયો. તેમના દેખતાં જ મૃગ અને અશ્વ પશુ મટીને વિદ્યાધરમાં ફેરવાઈ ગયા. મુગટ, કુંડળ, બાજુબંધ જેવાં આભૂષણો તેમણે પહેરેલાં હતાં. આ જોઈને રાજા અચરજ પામ્યો અને પછી પેલા બે વિદ્યાધર બોલ્યા, ‘રાજન્, ચંતાિ ન કરો. અમે બંને ભગવાન અરુણાચલની કૃપાથી આ ઉત્તમ દશાને પામ્યા છીએ.’ રાજાએ જરા આશ્વસ્ત થઈને પૂછ્યું, ‘તમે કોણ છો? મારી આવી હાલત કેવી રીતે થઈ? તમે બંને કલ્યાણકારી છો તો મને કહો. સંકટમાં પડેલાની રક્ષા કરવાનો રિવાજ છે.’ રાજાની વાતનો ઉત્તર આપતા તે બોલ્યા, ‘રાજન્, અમે પહેલાં વિદ્યાધરોના રાજા હતા. વસંત અને કામદેવ વચ્ચે જેવી મૈત્રી તેવી મૈત્રી અમારી વચ્ચે હતી. એક દિવસ મેરુગિરિના પાછલા ભાગમાં દુર્વાસા મુનિના દુર્ગમ તપોવનમાં અમે જઈ પહોંચ્યા. ત્યાં મુનિની એક સુંદર પુષ્પવાટિકા હતી. શિવપૂજા માટે તેનો ઉપયોગ થતો હતો. ખીલેલાં પુષ્પોને કારણે તે અદ્ભુત લાગતી હતી. અમે પુષ્પ ચૂંટવાની ઇચ્છાથી ત્યાં પ્રવેશ્યા. આ સુંદર સ્થાનથી મોહિત થઈને આ અમારા મિત્રે ફૂલ તોડવા માંડ્યાં અને ભૂમિ પર પગ કચડતો આમતેમ ભટકવા લાગ્યો. હું તો પુષ્પોની અતિ તીવ્ર સુગન્ધના કેફમાં તેમના પર હાથ મૂકતો હતો. આ અપરાધથી બીલીના વૃક્ષ નીચે વ્યાઘ્રચર્મ પર બેઠેલા દુર્વાસા રાતામાતા થઈ ગયા અને જાણે આંખોથી અમને ભસ્મ કરી નાખવા માગતા હોય તેમ અમારી સામે જોવા લાગ્યા. પછી અમને ફિટકારતા બોલ્યા, ‘અરે પાપી લોકો, તમે સદાચારનો ભંગ કર્યો છે, અહંકારી થઈને આ પવિત્ર તપોવનમાં વિહાર કરતા હતા. મારું આ તપોવન બધાં જ પ્રાણીઓનું પોષણ કરવાવાળું છે. આને પોતાના પગથી પ્રહાર કરવાવાળો અશ્વ થઈ જા, બીજાઓને પોતાના પર બેસાડનાર તું યાતના ભોગવતો રહેજે. અને આ બીજો ફૂલો પ્રત્યે લોભ સેવતો અહીં કસ્તુરીમૃગ બનીને પર્વતની કંદરામાં ભટકતો ફરજે.’ આમ વજ્ર જેવો શાપ સાંભળીને અમારો ગર્વ ઓગળી ગયો અને અમે મુનિને વીનવ્યા, ‘ભગવન્, તમારો શાપ અમોઘ છે, એમાંથી અમને મુક્તિ ક્યારે મળશે તે કહો.’ અમને બહુ દુઃખી જોઈને મુનિને દયા આવી, તેઓ બોલ્યા, ‘હવે કદી દુર્બુદ્ધિથી આવો વર્તાવ ન કરતા. અરુણાચલની પરિક્રમા કરશો ત્યારે તમે શાપમુક્ત થશો. અરુણાચલ તો સાક્ષાત્ શિવ છે. ભૂતકાળમાં દિક્પાલોએ આની ઉપાસના વર્ષો સુધી કરી હતી. નંદનવનના દેવતા ઇન્દ્રે મહાદેવને લાલ રંગનું એક અદ્ભુત ફળ આપ્યું. મનને લલચાવનાર તે ફળ જોઈ ગણેશ અને કાર્તિકેય બંને તેના તરફ આકર્ષાયા અને પિતા પાસે તે માગવા લાગ્યા. ભગવાને પોતાના હાથમાં તે સંતાડીને બંને પુત્રોને કહ્યું, ‘જે અનેક પર્વતોથી ઘેરાયેલી આ સમગ્ર પૃથ્વીની પરિક્રમા કરી આવશે તેને આ ફળ આપીશ.’ આ સાંભળીને કાર્તિકેયે તો પૃથ્વીની પરિક્રમા કરવાનો આરંભ કર્યો, પણ ગણેશ અરુણાચલ રૂપી પિતાની પ્રદક્ષિણા કરીને તરત જ તેમની સામે ઊભા રહી ગયા. તેમની આ ચતુરાઈ જોઈ શંકર ભગવાન પ્રસન્ન થઈ ગયા અને તે ફળ તેમને આપી દીધું અને વરદાન આપ્યું, ‘હવે પછી તું બધાં ફળોનો અધિપતિ થઈશ.’ પછી ત્યાં આવેલા બધા અસુરો અને દેવોને કહ્યું, ‘આ અરુણાચલની જે પ્રદક્ષિણા કરશે તેને સમસ્ત ઐશ્વર્યો પ્રાપ્ત થશે. જે પુરુષ આ પર્વતને જમણી બાજુ રાખીને ચારે બાજુ ફરશે તે ચક્રવર્તી બનીને સનાતન પદ પ્રાપ્ત કરશે. એટલે તમે બંને જ્યારે અરુણાચલની પ્રદક્ષિણા કરશો ત્યારે તમે શાપમુક્ત થશો. પશુ હોવા છતાં પાંડ્યરાજા વજ્રાંગદ સાથેના સંબંધને કારણે તમારી પરિક્રમા પૂરી થશે.’ પછી મારો મિત્ર કાંબોજદેશમાં અશ્વ થયો અને તે તમારી સવારીના કામમાં આવ્યો. હું કસ્તુરીમૃગ બનીને મારી કાયામાંથી જ પ્રગટતી સુગંધથી ઉન્મત્ત થઈને ભટકતો રહ્યો. તમે મૃગયાને બહાને અમને બંનેને અરુણાચલની પ્રદક્ષિણા કરાવી. તમે અશ્વ પર બેસીને પ્રદક્ષિણા કરી એટલે તમારી આવી હાલત થઈ છે. અમે બંનેએ પગપાળા પ્રદક્ષિણા કરી એટલે અમે આ પશુઅવતારમાંથી મુક્ત થયા. તમારું કલ્યાણ થાઓ.’ અને પછી રાજાએ પોતાની મુશ્કેલી કહી ત્યારે તેમણે રાજાને પગપાળા અરુણાચલની પ્રદક્ષિણા કરવા કહ્યું. ‘ભગવાનની પૂજા કસ્તુરી, ચંદન અને કાંચનારનાં ફૂલોથી કરો. તમારી બધી સંપત્તિ ભગવાન અરુણાચલના મંદિર, ગોપુર, ચોક વગેરે બનાવવા ખર્ચો. તમને અઢળક સિદ્ધિ મળશે. મનુ, માંધાતા, નાભાગ અને ભગીરથ કરતાંય ચઢિયાતાં પદ મળશે.’ પછી તો વજ્રાંગદ રાજા પાટનગર પાછા ફરવાને બદલે અરુણાચલ પર જ રહી ગયા. રાજાની સેના ત્યાં આવી ચઢી. રાજાએ સેનાને અરુણાચલની બહાર જ રાખી. પછી પોતાની સઘળી સંપત્તિ અરુણાચલને સમર્પી દીધી. ગૌતમ મુનિના આશ્રમ પાસે જ પોતાના માટે એક તપોવન ઊભું કર્યું. રાજગાદી કુમાર રુક્માંગદને આપી. પોતે શિવપૂજામાં તલ્લીન થઈ ગયા. અરુણાચલના તેજથી મરુભૂમિ બની ગયેલા એ દેશમાં રાજાએ સેંકડો વાવ ખોદાવી. લોપામુદ્રા સાથે આવેલા અગસ્ત્ય મુનિએ રાજાને આશીર્વાદ આપ્યા. નિયમિત રીતે તેઓ બધા દેવદેવીઓની પૂજા કરતા હતા… અને આમ ભગવાન શંકર તેમના પર પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, ‘આકાશ, જળ, પૃથ્વી, સૂર્ય, ચન્દ્ર અને પુરુષ આ મારી આઠ મૂતિર્ઓથી વ્યાપ્ત થઈને સંપૂર્ણ જગત પ્રકાશિત થાય છે. હું બધાથી પર છું.મારાથી ભિન્ન કશું જ નથી… હું સમસ્ત સંસારનો સ્વામી છું. આ ગૌરી મારી મહાશક્તિ માયા છે. એમના દ્વારા જ સૃષ્ટિરક્ષા અને સંહારલીલા થયા કરે છે…’ આમ કહીને ભગવાન અંતર્ધાન થઈ ગયા, અને રાજાએ અરુણાચલની આરાધના ચાલુ રાખી. (માહેશ્વર ખંડ)

વિષ્ણુ અને પદ્માવતીનું લગ્ન

એક સમયે મિત્રવર્માની પત્ની મનોરમાએ પુત્ર આકાશને જન્મ આપ્યો, તે કુળનું આભૂષણ હતો. ધરણી નામની કન્યા સાથે આકાશનું લગ્ન થયું. મિત્રવર્મા આકાશને રાજ્યનો બધો ભાર સોંપી તપોવનમાં જતો રહ્યો. ચક્રવર્તી રાજકુમાર આકાશ એક પત્નીવ્રત હતો, તે પોતાની પત્ની ધરણીને બહુ ચાહતો હતો. એક દિવસ યજ્ઞ માટે તેણે આરણી નદીને કિનારે ધરતી ખોદાવી. સોનાના હળ સાથે ધરતી ખેડાવા માંડી અને બીની વાવણી કરતા રાજાએ જોયું તો પૃથ્વીમાંથી એક કન્યા પ્રગટી, તે કમલદલ પર સૂતેલી હતી. તે ખૂબ જ સુંદર હતી અને સુવર્ણપ્રતિમા જેવી દેખાતી હતી. રાજાનાં નેત્ર તેને જોઈને ખીલી ઊઠ્યાં. તેણે કન્યાને ઊંચકીને કહ્યું, ‘આ મારી જ પુત્રી.’ તે સમયે આકાશવાણી થઈ, ‘રાજન્, વાસ્તવમાં આ તમારી જ પુત્રી છે અને તેનું તમે લાલનપાલન કરો.’ રાજા આ સાંભળી પ્રસન્ન થયો અને નગરપ્રવેશ કરી રાણી ધરણીને કહ્યું, ‘ભગવાને આપેલી આ કન્યા પૃથ્વીમાંથી પ્રગટી છે, આપણે તો નિ:સંતાન છીએ. એટલે આ આપણી પુત્રી.’ રાજાએ કન્યા ધરણીને સોંપી. તે કન્યાનો પ્રવેશ ઘરમાં થયો અને પછી ધરણી સગર્ભા થઈ અને પુત્રને જન્મ આપ્યો. તે સમયે પાંચ ગ્રહ ઉચ્ચ સ્થાને હતા અને સૂર્ય મેષ રાશિ પર હતા. તે સમયે દેવતાઓની દુંદુભિઓ વાગી, પુષ્પવર્ષા થઈ. મહારાજને જે લોકોએ આ સમાચાર આપ્યા તેમને રાજાએ પોતાની પાસે જે હતું તે બધું આપી દીધું, માત્ર છત્ર અને ચામર રાખી મૂક્યા. એક કરોડ કપિલા ગાય અને એક કરોડ બળદનું દાન કર્યું. આકાશપુત્ર વસુદાન બહુ સુંદર હતો. તેણે શાસ્ત્ર, શસ્ત્રમાં નિપુણતા મેળવી, ચારેય વેદનું અધ્યયન કર્યું. ધરતીમાંથી જન્મેલી તે કન્યાનું નામ પદ્માવતી રાખ્યું. ધીરે ધીરે યુવાન થયેલી પદ્માવતી એક વેળા પક્ષીઓના કલકૂજનથી ભરચક ઉપવનમાં સખીઓ સાથે વિહાર કરી રહી હતી ત્યારે નારદમુનિ ત્યાં જઈ પહોંચ્યા. લક્ષ્મી જેવી કન્યાને જોઈ વિસ્મય પામેલા મુનિએ પૂછ્યું, ‘તું કોણ છે, કોની કન્યા છે, તારો હાથ મને બતાવ જોઈએ.’ ‘હું આકાશરાજની કન્યા. મારાં લક્ષણ બતાવો ત્યારે.’ ‘સાંભળ. તારું મસ્તક ગોળ અને સપ્રમાણ છે. તેના પર લાંબા વાળ શોભે છે. તું મંદસ્મિતવતી છે. તારા હોઠ પક્વ બંબિ જેવા છે. આ તારું મુખ વિષ્ણુ ભગવાન માટે જ છે, તું ક્ષીરસાગરમાંથી પ્રગટેલી લક્ષ્મી જેવી છે.’ પદ્માવતી અને સખીઓ વડે પુજાયેલા નારદ મુનિ તરત જ અંતર્ધાન થઈ ગયા. પછી સખીઓએ પદ્માવતીને કહ્યું, ‘ચાલ, વનમાં ફૂલ લાવવા જઈએ.’ અને બધી સખીઓ તથા પદ્માવતી વનમાં જઈ ફૂલ ચૂંટતી આમતેમ ફરવા લાગી. પછી બધાં એક વૃક્ષ નીચે બેઠાં. તે જ વેળા ચંદ્ર જેવા શ્વેત વર્ણવાળો ઊંચો ઘોડો જોયો. તેના પર શ્યામ વર્ણનો કોઈ પુરુષ બેઠો હતો. તે કામદેવ કરતાં પણ સુંદર દેખાતો હતો. તેનાં વિશાળ નેત્ર પદ્મપત્રાકાર કાન સુધી ફેલાયેલા હતા. તેના એક હાથમાં શાર્ઙ્ગ ધનુષ અને બીજા હાથમાં સુવર્ણમય બાણ હતાં. તેના કટિપ્રદેશ પર પીળું રેશમી વસ્ત્ર હતું, શરીરનો મધ્યભાગ બહુ સુંદર હતો. રત્નમય કંકણ, બાજુબંધ અને કંદોરો શરીરે હતા. તેનું વક્ષ:સ્થળ વિશાળ હતું. તેના ડાબા ખભે સ્વર્ણમય યજ્ઞોપવિત હતું. આમ તે તરુણનું રૂપ મનમોહક હતું. તેને જોઈને બધી સખીઓ ચોંકી ઊઠી. તે એક વરુની પાછળ હતો. તે આ ફૂલ ચૂંટતી કન્યાઓ પાસે જઈને બોલ્યો, ‘અહીં કોઈ વરુ આવ્યું છે?’ તે કન્યાઓએ કહ્યું, ‘તમે હાથમાં ધનુષ લઈને અહીં કેમ આવ્યા છો?’ તેમની આ વાત સાંભળી તેણે ઘોડા પરથી નીચે ઊતરીને પૂછ્યું, ‘તમે કોણ છો? આ કમલવર્ણી કન્યા કોણ છે?’ એક સખી બોલી, ‘આ અમારી સ્વામિની છે. તેનું નામ પદ્માવતી. તે આકાશરાજની પુત્રી. તેનો જન્મ પૃથ્વીમાંથી થયો છે. હવે તમારો પરિચય આપો. તમારું નામ શું અને ક્યાં રહો છો? અહીં શા માટે આવ્યા છો?’ તેણે મંદ સ્મિત સાથે કહ્યું, ‘મારું નામ અનંત. તપસ્વીઓ રંગ, રૂપ અને નામથી બધી રીતે મને કૃષ્ણ કહે છે. મારા જેવો ધનુર્ધારી ત્રિલોકમાં કોઈ નથી. લોકો મને વેંકટાચલવાસી વીરપતિ પણ કહે છે. શિકાર માટે વનમાં આવ્યો છું. આ વનની શોભા જોતાં મારી આંખ આ સુંદરી પર પડી.’ શ્રીકૃષ્ણની આવી વાત સાંભળી બધી સખીઓ ગુસ્સે થઈ ગઈ. પછી કૃષ્ણ ઘોડા પર બેસીને તરત જ વેંકટાચલ પર ગયા અને પોતાના દિવ્ય નિવાસસ્થાન પર જઈને ઘોડા પરથી નીચે ઊતર્યા. કૃષ્ણના વેશે તે સાક્ષાત્ શ્રીહરિ જ હતા. પછી તે રત્નમય મંડપમાં પ્રવેશી રત્નજડિત સંહાિસન પર બેઠા. ત્યાં બેસીને વિશાળ નેત્રવાળી અને મંદસ્મિતવતી પદ્માવતીને યાદ કરવા લાગ્યા. પછી બપોરે ભગવાનના ભોગ માટે દિવ્ય અને સુવાસિત અન્ન તૈયાર કરીને બકુલમાલિકા નામની સખી ભગવાનને જોવા ઝટ ઝટ પહોંચી અને પ્રણામ કરીને ત્યાં બેસી ગઈ. તેણે જોયું કે ભગવાન આંખો મીંચીને કોઈને યાદ કરી રહ્યા છે. પછી તેણે કહ્યું, ‘ભગવાન, ઊઠો. તમારા માટે ઉત્તમ ભોજન તૈયાર છે. હવે પધારો.’ પછી ભગવાને કહ્યું, ‘પૂર્વકાળે મેં ત્રેતાયુગમાં રાવણનો વધ કર્યો હતો. તે વેળા વેદવતી નામની કન્યાએ લક્ષ્મીની સહાય કરી હતી. લક્ષ્મી જનક રાજાને ત્યાં પૃથ્વીમાંથી જન્મેલી સીતાના રૂપે હતી. પછી મારી સાથે વિવાહ કરીને તે વનમાં આવી, ત્યાં પંચવટીમાં મારીચ નામના રાક્ષસનો વધ કરવા હું આશ્રમની બહાર ગયો. મારો નાનો ભાઈ લક્ષ્મણ સીતાના કહેવાથી મારી પાછળ આવ્યો. રાવણ સીતાનું હરણ કરવા આશ્રમ પાસે આવ્યો. પછી મારા આશ્રમના અગ્નિહોત્રગૃહમાં રહેતા અગ્નિદેવ રાવણની ઇચ્છા જાણીને સીતાને પાતાળમાં લઈ ગયા. અને પોતાની પત્ની સ્વાહાને સીતા સોંપી પાછા આવ્યા. ભૂતકાળમાં વેદવતીનો સ્પર્શ એ જ રાક્ષસે કર્યો હતો એટલે તેણે દુઃખી થઈને અગ્નિસ્નાન કરી લીધું. તે વેળા એ જ વેદવતીને રાવણનો સંહાર કરવા સીતા જેવી જ બનાવી દીધી અને પર્ણશાળામાં સીતાના સ્થાને લાવીને મૂકી દીધી. રાવણ તેનું જ અપહરણ કરીને તેને લંકા લઈ ગયો. રાવણના મૃત્યુ પછી અગ્નિપરીક્ષા વખતે તે વેદવતીએ અગ્નિમાં પ્રવેશ કર્યો અને સ્વાહા પાસે સુરક્ષિત રહેલી જનકનંદિની સીતારૂપી લક્ષ્મી ફરી મને સોંપી. અને તેમણે કહ્યું, ‘દેવ, આ વેદવતી સીતાનું પ્રિય કરનારી, તેને હવે કોઈ વરદાન આપો.’ આ સાંભળી સીતાએ મને કહ્યું, ‘આ વેદવતી સદા મારું કલ્યાણ કરનારી છે. તો તમે પોતે એનો સ્વીકાર કરો.’ ત્યારે મેં કહ્યું, ‘હું કળિયુગમાં તું કહે છે તે પ્રમાણે કરીશ. ત્યાં સુધી તે દેવતાઓ વડે પૂજિત થઈ બ્રહ્મલોકમાં રહે. પછી તે પૃથ્વીમાંથી જન્મીને આકાશરાજની પુત્રી થશે. સખી, આમ મેં અને લક્ષ્મીએ જેને વરદાન આપ્યું હતું તે નારાયણપુરમાં પૃથ્વીમાંથી પ્રગટી છે. તે અતિ સુંદર છે. આજે હું શિકાર માટે ગયો હતો ત્યારે મેં તેને જોઈ. તે સખીઓ સાથે વનમાં ફૂલ ચૂંટી રહી હતી.તું ત્યાં જઈને તે કન્યા જો અને કહે કે તે અનુપમ રૂપ અને લાવણ્ય ધરાવે છે કે નહીં?’ પછી ભગવાનને પ્રણામ કરી બકુલમાલિકા ચણોઠી જેવા રંગવાળા અશ્વ પર બેસીને ભગવાને બતાવેલા માર્ગે નીકળી. રસ્તે અનેક પ્રકારનાં પ્રાણી, પક્ષી, વૃક્ષને જોતી જોતી અને પ્રસન્ન થતી તે આરણી નદીના પશ્ચિમ કાંઠે ગઈ. ત્યાં અનેક વૃક્ષ હતાં. ત્યાં અશ્વ પરથી ઊતરીને સ્નાન કરી, જલપાન કરી નદીકિનારે વિશ્રામ કરવા લાગી. એટલામાં જ રાજભવનની ઘણી સ્ત્રીઓ ત્યાં આવી. તે બધી પદ્માવતીની સખીઓ હતી. તેમને જોઈ બકુલમાલિકા પાસે જઈને પૂછવા લાગી, ‘સુંદરીઓ, તમે કોણ છો? તમારાં આભૂષણ અને હાર તો બહુ વિચિત્ર છે. તમે ક્યાંથી આવી છો અને અહીં તમે શું કરવાની?’ તેની વાત સાંભળીને સખીઓએ સ્મિતપૂર્વક કહ્યું, ‘અમે આકાશરાજના અંત:પુરમાં રહેતી અને રાજકન્યા પદ્માવતીની સખીઓ છીએ. એક દિવસ અમે રાજકુમારીની સાથે વનમાં ફૂલ ચૂંટવા ગઈ હતી અને એક વૃક્ષ નીચે બેઠી હતી. ત્યાં અમે એક સુંદર પુરુષ જોયો. તેનાં અંગોની કાંતિ ઇન્દ્રનીલમણિના જેવી શ્યામ હતી. તેનું વક્ષ:સ્થળ લક્ષ્મીનું નિવાસસ્થાન હતું. શુદ્ધ પીતાંબર પહેર્યું હતું. તેમના એક હાથમાં સુવર્ણજડિત ધનુષ અને બીજા હાથમાં બાણ હતાં. માથે સુવર્ણમુગટ હતો. હાર અને બાજુબંધ પણ હતાં. તેમને જોતાંવેંત અમારી કમલનયની સખી પદ્માવતી બોલી ઊઠી, ‘જુઓ, જુઓ.’ અમે તેમની સામે જોવા લાગી, એટલામાં તો તે ચાલ્યા ગયા. તે ગયા એટલે સખી પદ્માવતી મૂર્ચ્છા પામી. તેને એવી જ અવસ્થામાં અમે રાજભવન લઈ ગયા. પુત્રીની આવી દશા જોઈ મહારાજે જ્યોતિષીને પૂછ્યું, ‘વિપ્રવર, મારી પુત્રીની ગ્રહદશા કહો.’ બૃહસ્પતિ જેવા તે વિદ્વાન બ્રાહ્મણે મનોમન વિચાર કરીને કહ્યું, ‘રાજન્, કોઈ ઉત્તમ પુરુષ તમારી કન્યા પાસે આવ્યો હતો, તેને જોઈને જ આ મૂચ્છિર્ત થઈ ગઈ છે. તેની સાથે પદ્માવતીનું લગ્ન થશે.’ રાજાને આમ કહી જ્યોતિષી પોતાને ઘેર ગયા. પછી આકાશરાજે બ્રાહ્મણોને બોલાવી શંકર ભગવાનનો મહાઅભિષેક કરવા કહ્યું અને અમને અભિષેકની સામગ્રી તૈયાર કરવા કહ્યું એટલે અમે દેવમંદિરમાં આવ્યાં છીએ. હવે તમે તમારો પરિચય આપો. અહીં શા માટે આગમન થયું, અહીંથી ક્યાં જવું છે? એમ લાગે છે કે દિવ્ય અશ્વ પર બેસીને તમે દેવલોકથી આવ્યા છો.’ સખીઓની વાત સાંભળીને બકુલમાલિકાને આનંદ થયો. ‘હા, હું વેંકટાચલથી આવી છું. મહારાણી ધરણીદેવીને મારે મળવું છે. શું રાજભવનમાં ધરણીદેવી મળશે?’ તેની વાત સાંભળીને સખીઓએ કહ્યું, ‘તમે અમારી સાથે આવીને ધરણીદેવીનાં દર્શન કરી શકશો.’ પછી બકુલમાલિકા તે કન્યાઓની સાથે રાજભવનમાં આવી. ધરણીદેવી પુત્રીને કહેતાં હતાં, ‘બોલ, તારું ગમતું કયું કાર્ય કરું? તને શું પ્રિય છે?’ ત્યારે પદ્માવતીએ ધીમે રહીને કહ્યું, ‘સંસારમાં જે બધાથી વધુ સુંદર છે, સાધુસંતોને પણ જે વધુ ગમે છે, બ્રહ્મા વગેરે દેવ પણ જેમનું દર્શન કરવા માગે છે, જે સૌથી મહાન છે, સૌથી વધુ તેજસ્વી છે, દેવતાઓના પણ જે દેવતા છે, જે શ્રેષ્ઠ ભક્તોને માટે જ સુલભ છે, અભક્તોને જે કદી પ્રાપ્ત થઈ નથી શકતા તેમનામાં મારું મન પરોવાયું છે. તું મારા માટે તેમને શોધ.’ પછી પદ્માવતી તેમનું વણન કરીને ચૂપ થઈ ગઈ. પુત્રીની વાત સાંભળી ધરણીદેવી વિચારમાં પડી ગયાં, ‘ભગવાન વિષ્ણુ કેવી રીતે પ્રસન્ન થાય?’ તે વેળા બકુલમાલિકા સાથે તે કન્યાઓ આવી ચઢી. ધરણીદેવીએ ઘેર પધારેલા બ્રાહ્મણોને ઉત્તમ ભોજન, પૂરતી દક્ષિણા આપીને આશીર્વાદ માગીને વિદાય કર્યા. પછી તેમણે ત્યાં આવેલી કન્યાઓને પૂછ્યું, ‘આ કન્યા કોણ છે, તમને તે ક્યાં મળી? રાજભવનમાં તે શા માટે આવી છે? મને તો તે કોઈ પૂજ્ય દેવી લાગે છે.’ કન્યાઓએ કહ્યું, ‘મહારાણી, આ દેવી વાસ્તવમાંકોઈ દિવ્યાંગના છે, કોઈ પ્રયોજન લઈને તે તમારી પાસે આવી છે. અમે પૂછ્યું ત્યારે તેણે એમ જ કહ્યું કે હું મહારાણી ધરણીદેવીને મળવા માગું છું. અમે તેમને અહીં તમારી પાસે લઈ આવ્યા. હવે તમે જ તેને આગમનનું કારણ પૂછો.’ એટલે ધરણીદેવીએ તેને તેના આગમનનું કારણ પૂછ્યું. બકુલમાલિકાએ કહ્યં, ‘હું વેંકટાચલથી આવી છું. મારું નામ બકુલમાલિકા. અમારા સ્વામી ભગવાન નારાયણ શ્રીવેંકટાચલમાં રહે છે. એક દિવસ તે હંસ જેવા શ્વેત અને મનોવેગી અશ્વ પર સવાર થઈને વનમાં શિકાર કરવા આરણી નદીના કિનારે આવી પહોંચ્યા. ત્યાં અશ્વ પરથી ઊતરીને નદીકિનારે ફરવા લાગ્યા. તે વેળા તેમણે ફૂલ ચૂંટતી કેટલીક કન્યાઓને જોઈ. તેમાં લક્ષ્મીના જેવી કાંચનવર્ણી એક કન્યા જોઈ. તેમનું મન તેના પ્રત્યે આકર્ષાઈ ગયું. તેને પ્રાપ્ત કરવા તેમણે તે કન્યાઓને તે વિશે પૂછ્યું ત્યારે બધી માહિતી મેળવી. પછી તે અશ્વ પર બેસીને પોતાના નિવાસસ્થાને આવી ગયા અને મને બોલાવી કહ્યું, ‘તું આકાશરાજના અંત:પુરમાં પ્રવેશી ધરણીદેવીને મળી મારા માટે તે કન્યાનું માગું કર. તેમની ઇચ્છા જાણીને પાછી આવ. આ કારણે હું અહીં આવી છું. હવે મહારાજને મળીને જે યોગ્ય હોય તે કરો.’ બકુલમાલિકાની વાત સાંભળીને ધરણીદેવી પ્રસન્ન થઈ ગયાં. તેમણે આકાશરાજને બોલાવ્યા અને પદ્માવતીની પાસે જઈને મંત્રીઓની વચ્ચે બધી વાત કરી. આ સાંભળીને રાજા પણ પ્રસન્ન થયા, તેમણે મંત્રીઓને અને પુરોહિતોને કહ્યું, ‘મારી પુત્રી પદ્માવતી અયોનિજા છે. તેના માટે દેવાધિદેવ ભગવાન નારાયણનું માગું છે. આજે મારો મનોરથ પૂર્ણ થયો. કહો તમારી શું ઇચ્છા છે?’ મહારાજની એ વાત સાંભળી બધા મંત્રી પ્રસન્ન થયા, ‘આમ હોય તો આપણે કૃતાર્થ થયા. આ અનુપમ કન્યા સાક્ષાત્ ભગવતી લક્ષ્મી સાથે આનંદપૂર્વક રહેશે. તમે આ પદ્માવતીને દેવ નારાયણને આપો. આ વસંત ઋતુ છે. આ દિવસોમાં શુભ કાર્યનું અનુષ્ઠાન કરીએ. બૃહસ્પતિને બોલાવી લગ્ન પાકું કરીએ.’ પછી આકાશરાજે દેવલોકમાંથી બૃહસ્પતિને બોલાવ્યા અને વરકન્યાના વિવાહનો સમય પૂછ્યો, ‘કન્યાનું જન્મનક્ષત્ર મૃગશીર્ષ છે અને વરનું નક્ષત્ર શ્રવણ છે. હવે આ બંનેના લગ્નનો વિચાર કરો.’ બૃહસ્પતિએ કહ્યું, ‘વરકન્યાના સુખની દૃષ્ટિએ જ્યોતિષ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને શ્રેષ્ઠ માને છે એટલે વૈશાખ માસના ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં બંનેનો વિવાહ વિધિપૂર્વક થાય.’ આ સાંભળીને રાજાએ બૃહસ્પતિની પૂજા કરીને તેમને વિદાય કર્યા અને ભગવાનની દૂતીને કહ્યું, ‘હવે તું ભગવાનના નિવાસસ્થાને જઈ વૈશાખ માસમાં લગ્ન થશે એ સમાચાર આપ. એટલે જે કંઈ વિધિ કરવાનો હોય તે કરીને અહીં આવો.’ પછી આકાશરાજે શુક રૂપી દૂતને બકુલમાલિકા સાથે મોકલ્યો અને પોતાના પુત્રને વાયુ, ઇન્દ્ર વગેરે દેવતાઓને આમંત્રણ માટે રવાના કર્યો. વિશ્વકર્માને બોલાવી નગરસુશોભન કરવા કહ્યું. બકુલમાલિકા અશ્વ પર સવાર થઈને શુકની સાથે વેંકટાચલ પહોંચીને તે અશ્વ પરથી નીચે ઊતરી અને લક્ષ્મીની સાથે બેઠેલા નારાયણ ભગવાનને પ્રણામ કરી બોલી, ‘ભગવાન, ત્યાંનું કામ તો મેં પૂરું કરી દીધું. હવે બીજી માંગલિક વાત કરવા ત્યાંથી શુક આવ્યા છે.’ ભગવાનને પ્રણામ કરીને શુકે કહ્યું, ‘માધવ, ભૂમિકન્યા પદ્માવતીએ પોતાના સ્વીકાર માટે કહેવડાવ્યું છે. ‘હું રાતદિવસ તમારું જ નામ લઉં છું, તમારા સ્વરૂપનું સ્મરણ કરુું છું. તમારી પ્રસન્નતા માટે જ બધાં કાર્ય કરું છું. મારા માતાપિતાની પણ આમાં સંમતિ છે. તો તમે કૃપા કરીને મારો સ્વીકાર કરજો.’ આ સાંભળી ભગવાને શુકને કહ્યું, ‘જઈને પદ્માવતીને મારો સંદેશ આપજો. હું દેવતાઓને લઈને શુભ લગ્ન કરવા આવીશ જ.’ ભગવાનની વાત સાંભળીને અને તેમણે આપેલી વનમાળા લઈને તરત જ આકાશરાજની કન્યા પાસે પહોંચ્યો. રાજકુમારીને કસ્તુરીની સુવાસવાળી તુલસીમાળા આપીને ભગવાનનો સંદેશ સંભળાવ્યો. પદ્માવતીએ તુલસીમાળા હાથમાં લઈ માથે મૂકી અને ભગવાનના આગમનની પ્રતીક્ષા કરતી આભૂષણ પહેર્યાં. આકાશરાજે આનંદિત થઈ ચન્દ્રમાને બોલાવ્યા અને ભગવાનના ભોગને લાયક વાનગીઓ તૈયાર કરવા કહ્યું. પછી બધી વ્યવસ્થા ગોઠવીને ભગવાનના આગમનની રાહ જોતા રાજસભામાં બેઠા. પછી ભગવાને લક્ષ્મીને બોલાવી કહ્યું, ‘કલ્યાણી, તારી સખીઓને બોલાવી વૈવાહિક વિધિ પૂરો કરો.’ લક્ષ્મીએ સખીઓને બોલાવી જે જે કરવું જોઈએ તે કરવા કહ્યું. પ્રીતિદેવીએ સુગંધિત તેલ લીધું, શ્રુતિદેવીએ રેશમી વસ્ત્ર, સ્મૃતિએ અનેક પ્રકારનાં આભૂષણો, ધૃતિદેવીએ દર્પણ લીધાં, શાન્તિ કસ્તુરી, લજ્જાદેવી યક્ષકર્દમ(કપૂર, અગર, કસ્તુરી અને કંકોલમાંથી બનેલી અંગરાગ સામગ્રી) લઈ ભગવાન પાસે ગયાં. કીર્તિએ સુવર્ણપટ અને રત્નજડિત મુગટ લીધા. શચીએ હાથમાં છત્ર લીધું, સરસ્વતીએ અને ગૌરીદેવીએ ચામર લીધાં. વિજયા અને જયા વીંઝણો ઢોળવા લાગી. બધી દેવીઓને ત્યાં જોઈને લક્ષ્મીદેવીએ સુવાસિત તેલ લઈ ભગવાનના આખા શરીરે લગાવ્યું. પછી ભગવાનનાં બધાં અંગોએ આ અંગરાગ લગાવી આકાશગંગા જેવા સ્થળેથી સો સુવર્ણકળશ ભરી મંગાવ્યા અને તેના વડે ભગવાન પર જળનો અભિષેક કર્યો. પછી સોનેરી રંગના સુવાસિત ચંદન વડે ભગવાનના શરીરે લેપ કર્યો. કમરે રેશમી પીતાંબર પહેરાવી કંદોરો પહેરાવી દીધો. માથે મુકુટ, અને બીજાં આભૂષણો વિવિધ અંગે પહેરાવ્યાં. તેમની બધી આંગળીએ લક્ષ્મીદેવીએ વીંટીઓ પહેરાવી. ધૃતિદેવીએ પાસે આવીને ભગવાનને દર્પણ દેખાડ્યું. દર્પણ જોઈને વિષ્ણુ ભગવાને તિલક કર્યું, પછી લક્ષ્મીદેવીની સાથે ગરુડ પર બેઠા. ત્યાં બ્રહ્મા, મહાદેવ, ઇન્દ્ર, વરુણ, યમ, કુબેર જેવા દેવ તેમની સેવામાં ઊભા રહ્યા. આ બધા દેવ, વસિષ્ઠ વગેરે મુનિ, સનક વગેરે યોગીઓ, તથા અન્ય ભગવદ્ભક્તોની સાથે વિષ્ણુ નારાયણપુર ગયા, તેમની આગળ દેવતાઓનાં નગારાં વાગી રહ્યાં હતાં, મુનિઓ તેમની પાછળ પાછળ ચાલી રહ્યા હતા. ભગવાનની સાથે બધા દેવ અને પાર્ષદો ચાલી રહ્યા હતા. બકુલમાલિકા અને બીજી સખીઓ રથમાં બેસીને ગઈ. આમ ભગવાન જાન લઈને આકાશરાજના નગરમાં પ્રવેશ્યા. ભગવાનને આવેલા આકાશરાજે જોયા અને પુત્રી પદ્માવતી પણ નગરની પરિક્રમા કરીને દરવાજે આવી ગઈ. ભગવાને પોતાના ગળામાં પહેરેલી માળા પદ્માવતીના ગળામાં પરોવી અને પદ્માવતીએ ફૂલોનો ગજરો ભગવાનના ગળામાં પહેરાવ્યો. પછી બંને નીચે ઊતર્યાં અને ઉમરા પર થોડી વાર ઊભાં રહ્યાં, પછી સુંદર ઘરમાં પ્રવેશ્યાં. તેની સાથે બ્રહ્મા અને બીજા દેવ પણ હતા. બ્રહ્માએ કંકણબંધન અને લાજાહોમ સુધીનો વિધિ સંપન્ન કર્યો, પછી વ્રતપાલનની આજ્ઞા લઈ પદ્માવતીએ અને વિષ્ણુએ અલગ અલગ શયન કર્યું. ચોથા દિવસે બ્રહ્માએ બીજા વિધિ કરીને આકાશરાજની સંમતિ લઈ બંને દેવીઓની સાથે ભગવાનને ગરુડ પર બેસાડ્યા અને જવાની તૈયારી કરી. આકાશરાજે પુત્રી અને જમાઈને સુવર્ણપાત્રોમાં ચોખા, મગ તથા ઘીના ઘડા પહેરામણીમાં આપ્યા. વળી દૂધ-દહીંથી ભરેલા ઘડા, કેરી, આમળાં, નાળિયેર, બીજોરાં, લીંબુ, સાકર આપ્યાં. સોનું, મણિ, મોતી, રેશમી વસ્ત્ર, હજારો દાસદાસી, કરોડો ગાય, દસ હજાર શ્વેત અશ્વ, મદોન્મત્ત હાથી: આ બધું આપીને આકાશરાજ ભગવાન પાસે ઊભા રહ્યા. પદ્માવતી, લક્ષ્મી અને વિષ્ણુ પહેરામણી જોઈને પ્રસન્ન થયા. વિષ્ણુ ભગવાને કહ્યું, ‘રાજન્, અત્યારે તમે મારા ગુરુ છો, મનપસંદ વરદાન માગી લો.’ આ સાંભળી આકાશરાજે કહ્યું, ‘દેવ, તમારી અનન્ય સેવા હું કરતો રહું, મારું મન તમારા ચરણારવંદોિમાં રમતું રહે.’ ભગવાને એમાં સંમતિ આપી અને બધા દેવોએ ભગવાનનું સ્તવન કર્યું. પછી બધા દેવને વિદાય કર્યા અને ભગવાન લક્ષ્મી અને પદ્માવતીની સાથે પોતાના ધામમાં રહેવા લાગ્યા. (ભૂમિવારાહ ખંડ)

ધર્મગુપ્ત, સિંહ અને રીંછની કથા

ચંદ્રવંશમાં નંદ નામનો એક રાજા થઈ ગયો. તેનો પુત્ર ધર્મગુપ્ત. નંદે રાજ્યની રક્ષાનો ભાર પુત્રને સોંપી દીધો અને પોતે તપ કરવા વનમાં ગયો. પછી ધર્મગુપ્તે પૃથ્વીનું પાલન કરવા માંડ્યું. યજ્ઞો કર્યા, બ્રાહ્મણોને દક્ષિણા આપી. પ્રજા પણ ધર્મપાલન કરતી હતી. એક દિવસ ધર્મગુપ્ત શિકાર કરવા વનમાં ગયો. ત્યાં જ રાત પડી ગઈ. સંધ્યા ઉપાસના કરી ગાયત્રી જાપ કર્યો. પછી જંગલી પ્રાણીઓથી બચવા તે એક વૃક્ષ પર ચઢીને બેઠો. થોડી વારે ત્યાં એક રીંછ આવ્યું. તેને સિંહનો ડર હતો. વનમાં ફરતો સિંહ તે રીંછનો પીછો કરી રહ્યો હતો. રીંછ વૃક્ષ પર ચઢી ગયું. ત્યાં તેણે ધર્મગુપ્ત રાજાને બેઠેલો જોયો. એટલે તેણે કહ્યું, ‘મહારાજ, ડરતા નહીં, આપણે બંને રાતે અહીં રહીશું. નીચે એક ભયંકર સિંહ છે. તમે અડધી રાત નિરાંતે સૂઈ જાઓ, હું જાગીને તમારી રક્ષા કરીશ. પછી જ્યારે હું સૂઈ જઉં ત્યારે બાકીની રાત તમે મારી રક્ષા કરજો.’ રીંછની વાત સાંભળીને ધર્મગુપ્ત ઊંઘી ગયો. પછી સંહેિ કહ્યું, ‘આ રાજા તો ઊંઘી ગયો છે. તેને તું નીચે ગબડાવી દે.’ રીંછ હતું ધર્મજ્ઞ. તેણે કહ્યું, ‘વનરાજ, તમે ધર્મ નથી જાણતા. વિશ્વાસઘાત કરનારાં પ્રાણીઓએ ભારે દુઃખ ભોગવવાં પડે છે. મિત્રદ્રોહીઓનું પાપ દસ હજાર યજ્ઞ કરવાથી પણ નાશ પામતું નથી. બ્રહ્મહત્યાના પાપનું તો નિવારણ થઈ શકે પણ વિશ્વાસઘાતીના પાપનું નિવારણ થતું નથી. હું મેરુ પર્વતને પૃથ્વીનો મોટો ભાર નથી માનતો, સંસારમાં જે વિશ્વાસઘાતી છે તે જ ભૂમિનો સૌથી વધારે ભાર છે.’ રીંછની વાત સાંભળીને સિંહ તો ચૂપ થઈ ગયો. પછી ધર્મગુપ્ત જાગ્યો અને રીંછ સૂઈ ગયું. સંહેિ રાજાને કહ્યું, ‘આ રીંછને નીચે ગબડાવી દે.’ રાજાએ પોતાના ખોળામાં સૂતેલા રીંછને નીચે પાડી નાખ્યો. પણ તે રીંછના હાથમાં વૃક્ષની એક ડાળી આવી ગઈ એટલે તે લટકી રહ્યું. તે સદ્ભાગ્યે નીચે ન પડ્યું. તે રાજાને ક્રોધે ભરાઈને કહેવા લાગ્યું, ‘હું ઇચ્છાનુસાર રૂપ ધારણ કરનાર ધ્યાનકાષ્ઠ નામનો મુનિ છું. મેં સ્વેચ્છાએ રીંછનું રૂપ ધારણ કર્યું હતું. મેં તારો કોઈ અપરાધ કર્યો ન હતો તો પછી મને નીચે કેમ પાડી નાખ્યો? જા, તું પાગલ થઈને પૃથ્વી પર ભટકતો રહેજે.’ અને પછી સિંહને પણ શાપ આપ્યો. તું સિંહ નહીં, મહાયક્ષ થજે. તું પહેલાં કુબેરનો મંત્રી હતો. તું એક દિવસ તારી પત્નીને લઈને હિમાલયના એક શિખર પર ગૌતમ મુનિની પાસે વિહાર કરવા લાગ્યો. દૈવની પ્રેરણાથી મહર્ષિ ગૌતમ સમિધ લાવવા કુટીરની બહાર નીકળ્યા અને તને નગ્ન જોઈ બોલ્યા, ‘અરે તું મારા આશ્રમ પાસે નગ્ન થઈને ફરે છે. એટલે તું સિંહ થજે.’ મુનિએ આમ કહ્યું, એટલે તે સિંહનું રૂપ ત્યજીને દિવ્ય યક્ષમાં ફેરવાઈ ગયો. હાથ જોડીને તે મુનિને કહેવા લાગ્યો. ‘હવે મને પૂર્વવૃત્તાંતનો ખ્યાલ આવી ગયો. ગૌતમ મુનિએ શાપ આપતી વખતે કહ્યું હતું, ‘જ્યારે રીંછરૂપધારી ધ્યાનકાષ્ઠ મુનિ સાથે તારી વાતચીત થશે ત્યારે તું સિંહરૂપ ત્યજીને યક્ષ થઈ જઈશ.’ આમ કહી યક્ષ મુનિને પ્રણામ કરી સુંદર વિમાનમાં બેસી અલકાપુરી જતો રહ્યો. ધર્મગુપ્તને પાગલ રૂપે જોઈ મંત્રીઓ તેને પિતા નંદ પાસે લઈ ગયા અને બધી વાત જાણી નંદ પુત્રને જૈમિની મુનિ પાસે લઈ ગયા અને એ પાગલપનનો ઉપાય પૂછ્યો. મુનિએ ખાસ્સા સમય સુધી ધ્યાન ધરીને કહ્યું, ‘રાજન્, તમારો પુત્ર ધ્યાનકાષ્ઠ મુનિના શાપથી આવો થઈ ગયો છે. સુવર્ણમુખી નદી પાસે વેંકટ નામનો પર્વત છે. ત્યાં સ્વામિપુષ્કરિણી નામનું એક તીર્થ છે. ત્યાં જઈને પુત્રને તેમાં સ્નાન કરાવો એટલે તેનો ઉન્માદ શમી જશે.’ રાજાએ મુનિના કહેવા પ્રમાણે તે તીર્થમાં પુત્રને સ્નાન કરાવ્યું એટલે તેનું પાગલપણું જતું રહ્યું. રાજાએ પણ ત્યાં સ્નાન કર્યું. એક દિવસ રહી નંદ રાજા પાછા વનમાં જતા રહ્યા. (ભૂમિવારાહ ખંડ)

અગસ્ત્યે ધરતી પર આણેલી સુવર્ણમુખરી નદીની કથા

એક વેળા મુનિ અગસ્ત્ય પ્રાત:સંધ્યા કરીને શિવપૂજા કરવા મંદિરમાં જઈ રહ્યા હતા ત્યારે આકાશવાણી થઈ, ‘હે મુનિવર, આ વિસ્તારમાં કોઈ નદી નથી. જેમ જ્ઞાનવિજ્ઞાન વિના બ્રાહ્મણ, દક્ષિણાહીન દીક્ષા અને કૌમુદી વિના રાત્રિ ન શોભે તેમ આ પ્રદેશ શોભતો નથી. લોકહિત માટે આ પ્રદેશમાં કોઈ નદી લઈ આવો. એ સદૈવ જલપૂર્ણ રહે. દેવોની આ પ્રાર્થના છે.’ આ આકાશવાણી સાંભળીને અગસ્ત્ય વિચાર કરવા લાગ્યા. પછી દેવપૂજા કરીને બહાર વેદી પર બેઠા. ત્યાં આશ્રમમાં જેટલા મુનિ હતા તે બધાને બોલાવી આકાશવાણીની વાત કરી. મુનિઓએ તેમને કહ્યું, ‘મહર્ષિ, તમારા એક માત્ર હુંકારથી રાજા નહુષ દેવલોકમાંથી ધરતી પર પડી ગયા. સમગ્ર ભૂમંડલને ઘેરીને બેઠેલો અને તરંગો વડે જે આકાશને પણ હંફાવે છે તે મહાસાગરને તમે પી ગયા. વિન્ધ્ય પર્વત સૂર્યનો માર્ગ અટકાવવા ગયો હતો ત્યારે તમે તેને પણ શાંત કરી દીધો હતો. તમે આ આશ્રમમાં રહો છો એટલે ત્રણે લોકમાં અમે તો કૃતાર્થ થઈ ગયા. આ પ્રદેશ દક્ષિણમાં બહુ સરસ છે, બધી વસ્તુઓ અહીં મળે છે પણ દૂર દૂર સુધી એકે નદી નથી. અમે અહીં એક મહાનદીમાં સ્નાન કરી કૃતાર્થ થઈશું. એટલે અમારી પણ તમને પ્રાર્થના છે કે તમે કોઈ સર્વશ્રેષ્ઠ નદી અહીં લઈ આવો.’ બધા મુનિઓના કહેવાથી, દેવતાઓની અને શંકરની પૂજા કરીને અગસ્ત્ય મુનિએ આ મહાન કષ્ટ માથે લીધું અને તપ કરવા માંડ્યું. ઉનાળામાં પંચાગ્નિ તપ કર્યું, વર્ષામાં ઝંઝાવાત-વીજળી-વરસાદ વેઠ્યાં અને શિયાળામાં ગળા સુધી પાણીમાં ઊભા રહ્યા. પછી મન પર સંયમ રાખી, નિરાહાર રહી પથ્થરની જેમ સ્થિર રહ્યા. તેમને બહારના જગતનો કોઈ ખ્યાલ રહેતો ન હતો. આમ ને આમ તપ કરી રહેલા મુનિ ઉપર બ્રહ્મા પ્રસન્ન થયા. મુનિએ ભગવાનની સ્તુતિ કરી અને પછી તે દેવે વરદાન માગવા કહ્યું. અગસ્ત્યે કહ્યું, ‘તમારી કૃપાથી મને તો બધું મળ્યું છે. પણ આ પ્રદેશને નદી વિનાનો જોઈ બહુ દુઃખ થાય છે. આ ભૂમિને પવિત્ર અને સુરક્ષિત કરવા કોઈ મોટી નદી આપો. બસ આ જ વરદાન.’ અગસ્ત્યની વાત માનીને બ્રહ્માએ ‘તથાસ્તુ’ કહ્યું અને મનોમન આકાશગંગાનું સ્મરણ કર્યું. તે જ્યારે તેમની આગળ ઊભી રહી ત્યારે ભગવાન બોલ્યા, ‘ગંગા, તારે સંસાર પર એક ઉપકાર કરવાનો છે. આ નદી વગરના પ્રદેશમાં કોઈ નદી નથી. અહીં એ માટે અગસ્ત્ય મુનિ તપ કરી રહ્યા છે. એટલે તારો એક અંશ પૃથ્વી ઉપર ઉતાર અને અગસ્ત્ય જે માર્ગ બતાવે તે માર્ગે જા, ત્યાંના માણસોને પવિત્ર કર. બધી નદીઓમાં તારું સ્થાન શ્રેષ્ઠ થશે અને તારે શરણે આવેલાઓનું તું રક્ષણ કર.’ આમ બ્રહ્મા તો ઋષિનાં પ્રણામ, પૂજા અને સ્તુતિથી પ્રસન્ન થઈ અંતર્ધાન થઈ ગયા. પછી અગસ્ત્ય સમક્ષ પોતાના જ એક અંશ રૂપ દિવ્ય તેજોમૂર્તિ બતાવી આકાશગંગાએ કહ્યું, ‘મુનીશ્વર, આ મારો જ અંશ છે, પૃથ્વી પર પહોંચીને તે નદીમાં ફેરવાઈ જશે અને તમારી ઇચ્છા પાર પડશે.’ આમ કહી આકાશગંગા તો અંતર્ધાન થઈ ગઈ. પછી તેના અંશમાંથી પ્રગટેલી દિવ્ય મૂતિર્એ કહ્યું, ‘મુનિ, મારે કયા માર્ગે જવાનું છે?’ મુનિએ કહ્યું, ‘તું મારી પાછળ પાછળ આવ, તને રસ્તો દેખાડું છું.’ એમ કહી અગસ્ત્ય મુનિ રસ્તો દેખાડતાં દેખાડતાં આગળ ચાલવા માંડ્યા. નદી જોઈ ત્યાંના લોકો ખૂબ જ આનંદ પામ્યા. ‘અરે આપણા સૌભાગ્યથી અમૃત જેવું મીઠું અને શુદ્ધ જળ આપણને મળ્યું.’ પછી બ્રહ્માની આજ્ઞાથી બધા દેવતાઓના સાંભળતાં વાયુદેવ બોલ્યા, ‘આ નદી લોકોના સૌભાગ્યથી સુવર્ણની જેમ સાંપડી છે, મહર્ષિ અગસ્ત્ય તે આ નદીને પૃથ્વી પર લાવ્યા છે, પોતાના કલ કલ ધ્વનિથી બધી દિશાઓને મુખરિત કરી રહી છે એટલે તે સુવર્ણમુખરી નામે પ્રખ્યાત થશે, મોક્ષસંપત્તિ અર્પનાર તેજ વડે તેને લોકો પ્રશંસશે. આમ આ દિવ્ય નદી સ્નાન-પાન વગેરે દ્વારા બધા મનુષ્યોને સુખ પહોંચાડતી આ પૃથ્વી પર પ્રતિષ્ઠિત થઈ. (ભૂમિવારાહ ખંડ)

મનોજવ રાજાની કથા

ભૂતકાળમાં મનોજવ નામના એક ચંદ્રવંશી રાજા થઈ ગયા. તે દર વરસે યજ્ઞ વડે દેવતાઓને, અન્ન વડે બ્રાહ્મણોને અને શ્રાદ્ધ વડે પિતૃઓને તૃપ્ત કરતા હતા. ધર્મ પ્રમાણે પૃથ્વીનું પાલન કરતા હતા. રાજ્યમાં કોઈ શત્રુ ન રહ્યા એટલે રાજાના મનમાં અહંકાર પ્રગટ્યો. જ્યાં અહંકાર પ્રગટે ત્યાં કામ, ક્રોધ, લોભ, મદ, હિંસા અને અસૂયા પ્રગટ થાય. તે રાજાએ બ્રાહ્મણોના ગામમાં કર નાખ્યો. શિવ, વિષ્ણુ વગેરે દેવતાઓ માટેનું ધન પણ લઈ લીધું. અહંકારે તેની બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખી હતી. તેણે બ્રાહ્મણોનાં ખેતર છિનવી લીધાં. પછી એક બળવાન શત્રુ રાજા ગોલુભે નગરને ઘેરી લીધું. એ રાજાએ ચતુરંગિણી સેના વડે આક્રમણ કર્યું. છ મહિના સુધી યુદ્ધ ચાલ્યું. છેવટે મનોજવનો પરાજય થયો. રાજાએ પત્ની અને પુત્ર સાથે વનનો આશ્રય લીધો. બાળકને એક દિવસ બહુ ભૂખ લાગી એટલે માતાપિતા પાસે ખાવાનું માગવા લાગ્યો. તેની આવી હાલત જોઈ માતાપિતા શોકથી મૂચ્છિર્ત થઈ ગયાં. જરા સ્વસ્થ થઈ રાજા બોલ્યા, ‘સુમિત્રા, હું શું કરું? ક્યાં જઉં? મારું શું થશે? આ પુત્ર ભૂખને કારણે થોડી વારે મૃત્યુ પામવાનો. મેં બ્રાહ્મણોનાં ખેતર છિનવી લીધાં, દેવતાઓ માટેનું ધન પડાવી લીધું. આ દુષ્કર્મને લીધે જ યુદ્ધમાં મારો પરાજય થયો. હું નિર્ધન, દુઃખી, ભૂખ્યોતરસ્યો છું. આ બાળકને ભોજન ક્યાંથી આપું?’ આમ વિલાપ કરતા રાજા સુધબુધ ગુમાવી ધરતી પર ઢળી પડ્યા. સુમિત્રા તેને ગળે વળગીને રડવા લાગી. તે વેળા મુનિ પરાશર ત્યાં આવી પહોંચ્યા. સુમિત્રાએ તેમને પ્રણામ કર્યાં. પરાશરે તેને ધીરજ બંધાવતાં પૂછ્યું, ‘તું કોણ છે? આ કોણ પડ્યું છે, આ બાળક કોણ છે?’ સુમિત્રાએ પોતાનો પરિચય આપી બધી વાત કરી. ‘આ બાળકે અમારી પાસે ભોજન માગ્યું. એટલે મારા પતિ મૂર્ચ્છા ખાઈને પડી ગયા.’ મુનિએ આ સાંભળી કહ્યું, ‘તારે ડરવાની જરૂર નથી. હવે તમારા દુર્ભાગ્યનો અંત આવ્યો છે.’ આમ કહી પરાશર મુુનિએ ભગવાન શંકરનું ધ્યાન ધરીને રાજાને સ્પર્શ કર્યો, તરત જ રાજા બેઠા થઈ ગયા. રાજાએ મુનિને પ્રણામ કર્યાં. ‘મને મારા શત્રુઓએ નગરમાંથી કાઢી મૂક્યો છે, તમે મારી રક્ષા કરો.’ પરાશર મુનિએ કહ્યું, ‘હું તમને એક ઉપાય બતાવું છું. ગંધમાદન પર્વત પર બધાં ઐશ્વર્ય આપનાર મંગલતીર્થ છે. તે સરોવર પર રામ સીતા સાથે રહ્યા હતા. તમે પત્ની અને પુત્ર સાથે ભક્તિભાવથી સ્નાન કરો. એ તીર્થના પ્રભાવથી બધા પ્રકારનું મંગલ થશે. યુદ્ધમાં શત્રુઓને જીતીને ફરી રાજ મળશે.’ પછી રાજા, રાણી, બાળકને લઈને પરાશર મુનિ ત્યાં ગયા. મુનિએ પોતે સ્નાન કર્યું અને બધાને વિધિપૂર્વક સ્નાન કરાવ્યું. પછી મુનિએ રામચંદ્રનો એકાક્ષર મંત્ર આપ્યો. રાજાએ ચાળીસ દિવસ સુધી એ મંત્રનો પાઠ કર્યો અને રાજાને એક સુદૃઢ ધનુષ, બે અક્ષય ભાથા, સોનાની મૂઠવાળી બે તલવાર, એક ઢાલ, એક ગદા, એક ઉત્તમ મુસળ, એક મોટો ધ્વનિ કરતો શંખ, અશ્વસમેત રથ, સારથિ, પતાકા, અગ્નિસમાન સુવર્ણ કવચ, હાર, કેયૂર, મુકુટ, વલય અને બીજાં આભૂષણ, સહ વસ્ત્ર, દિવ્ય માળા: આપી રાજાનો અભિષેક મુનિએ તીર્થજળથી કર્યો. રાજા કમર કસીને યુદ્ધ માટે તૈયાર થયા અને સજ્જ થઈને રથમાં બેઠા. મુનિએ રાજાને વિધિપૂર્વક બ્રહ્માસ્ત્રનો ઉપદેશ પણ આપ્યો. રાજાએ રથમાંથી ઊતરીને મુનિને પ્રણામ કર્યાં અને વિજય પામવા રથમાં બેઠા. નગરમાં પહોંચીને શંખનાદ કર્યો. એટલે ગોલભ તરત જ બહાર આવ્યો અને ત્રણ દિવસ બંને વચ્ચે યુદ્ધ ચાલ્યું, ચોથે દિવસે મનોજવે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરીને શત્રુને હરાવ્યો. પછી ક્યારેય અહંકાર કર્યો નહીં અને રાજ કર્યું. (બ્રાહ્મ ખંડ — સેતુ — માહાત્મ્ય)

પિશાચ બનેલા દુષ્પણ્યની કથા

પાટલિપુત્રમાં પશુમાન નામનો એક ધર્મજ્ઞ અને બ્રાહ્મણભક્ત વૈશ્ય રહેતો હતો. ખેતી અને પશુપાલન કરતો તે વૈશ્ય સુવર્ણ વેચતો હતો. તેની ત્રણ પતિવ્રતા સ્ત્રીઓ હતી. એ સ્ત્રીઓએ આઠ પુત્રોને જન્મ આપ્યો. પાંચ વરસના થયા એટલે તેમને શિક્ષા આપવામાં આવી. ધીરે ધીરે તે પુત્રો ખેતી, ગોપાલન અને વેપારધંધાનું કામ શીખ્યા. સુપણ્ય અને બીજા પુત્રો તો પિતાની આજ્ઞાનું પાલન તરત જ કરતા હતા પણ આઠમો પુત્ર દુષ્પણ્ય અવળા માર્ગે ચાલવા લાગ્યો. નાનપણથી તે બીજાં બાળકોને સતાવ્યા કરતો હતો. શરૂઆતમાં તો તેનાં દુષ્કર્મ જોવાજાણવા છતાં આ તો નાદાન છે એમ કહી તેની ઉપેક્ષા કરી. તે પુત્ર બાળકોને પકડીને નદી, તળાવ, કૂવામાં ફેંકી દેતો હતો. તેની આ હરકતો કોઈ જાણતું ન હતું. પાણીમાં શબ જોઈ લોકો પછી અગ્નિસંસ્કાર કરતા હતા. પછી નગરજનોએ રાજાને ફરિયાદ કરી. રાજાએ ગ્રામરક્ષકોને સૂચના આપી અને બાળકોનાં મૃત્યુ કેવી રીતે થાય છે તે શોધી કાઢવા કહ્યું. તે લોકોએ બહુ પ્રયત્ન કર્યા પણ શોધી ન શક્યા. ભયભીત થઈને તેમણે રાજાને કહ્યું, ‘મહારાજ, બહુ શોધખોળ કરવા છતાં અમે આનું કારણ શોધી શક્યા નથી.’ પછી એક વેળા તે વૈશ્ય બાળક બીજાં પાંચ બાળકો સાથે સરોવરમાંથી કમળ લાવવાને બહાને ગયો અને તેણે બળજબરી કરીને તે પાંચેય બાળકને પાણીમાં ડુબાડી દીધાં, બાળકો ચીસો પાડતાં જ રહ્યાં પણ તે ક્રૂર બાળકે તેમને ડુબાડી જ દીધાં અને તે બધાં મૃત્યુ પામ્યાં એ જાણીને પોતાને ઘેર ચાલ્યો ગયો. તે પાંચ બાળકોના પિતા નગરમાં શોધવા લાગ્યા. તે પાંચે બાળક બહુ નાના ન હતાં. પાણીમાં નાખ્યાં છતાં તે મરી ન ગયાં અને ધીરે ધીરે કિનારે આવી ગયાં અને વહેવા લાગ્યાં. એટલામાં જ તેમણે પોતાના નામની બૂમો સાંભળીને તેમણેય ઉત્તર આપ્યો. બાળકોનો અવાજ સાંભળી તેમના પિતા સરોવરતટ પર ગયા અને બાળકોને જીવતાં જોઈ તેમને બહુ આનંદ થયો. પછી પિતાએ પૂછ્યું ત્યારે બાળકોએ દુષ્પણ્યનાં કરતૂત કહ્યાં. પછી નગરજનોએ રાજાને સંદેશો કહ્યો. રાજાએ પશુમાનને બોલાવી કહ્યું, ‘આ નગર બાળકોથી ભર્યું ભર્યું હતું પણ તમારા પુત્રે તેને સૂનું કરી નાખ્યું છે. હમણાં જ તેણે આ બાળકોને ડૂબાડી દીધાં હતાં, સદ્ભાગ્યે તેઓ બચી ગયાં. હવે બોલો, તમે તો ધર્મજ્ઞ છો, એટલે પૂછું છું શું કરવું છે?’ ધર્મજ્ઞ પશુમાને કહ્યું, ‘જેણે નગરને સૂનું કરી મૂક્યું હોય તેનો તો વધ કરવો જોઈએ. આમાં પૂછવાનું જ ન હોય. આ પાપાત્મા મારો પુત્ર નહીં, શત્રુ છે. જેણે આ નગરને શિશુશૂન્ય બનાવી દીધું તેના ઉદ્ધારનો મને કોઈ રસ્તો દેખાતો નથી. હું ખરેખર કહું છું એને પ્રાણદંડ જ આપવો જોઈએ.’ આ વાત સાંભળીને નગરજનોએ પશુમાનની પ્રશંસા કરી અને રાજાને કહ્યું, ‘આ દુષ્ટનો વધ ન કરો પણ તેને દેશવટો આપો.’ રાજાએ દુષ્પણ્યને બોલાવી કહ્યું, ‘અરે દુષ્ટ, તું હમણાં જ આ નગરમાંથી ચાલ્યો જા. જો અહીં રહ્યો તો તારો વધ કરાવી નાખીશ.’ આમ ધમકાવીને રાજાએ દૂતો દ્વારા તેને નગરમાંથી કાઢી મૂક્યો. પછી દુષ્પણ્ય ભયભીત થઈને મુનિઓવાળા વનમાં જતો રહ્યો. ત્યાં જઈને એક મુનિના બાળકને પાણીમાં ડુબાડી દીધો. કેટલાક બાળકો રમવા ગયેલા તેમણે એ બાળકને મરેલો જોયો અને દુઃખી થઈને બાળકના પિતાને સમાચાર આપ્યા. પછી મુનિ ઉગ્રશ્રવાએ બાળકો પાસેથી પોતાના પુત્રના મૃત્યુના સમાચાર સાંભળ્યા અને તપના પ્રભાવથી દુષ્પણ્યની ક્રૂરતા જાણી લીધી. તેમણે શાપ આપ્યો, ‘તેં મારા પુત્રને પાણીમાં ફેંકીને મારી નાખ્યો. તારું મૃત્યુ પણ પાણીમાં જ થશે અને લાંબા સમય સુધી તું પિશાચ બનીને રહીશ.’ આ શાપ સાંભળીને દુઃખી થયેલો દુષ્પણ્ય તે વન છોડીને જંગલી પ્રાણીઓથી ભરેલા વનમાં ગયો. ત્યાં ભારે વરસાદ થયો અને ઝંઝાવાત ફુંકાયો. તે આ સહન ન કરી શક્યો, તેણે જોયું કે કોઈ હાથીનું સુકાઈ ગયેલું શબ પડ્યું હતું. દુષ્પણ્ય હાથીના પેટમાં પેસી ગયો. ફરી ભારે વરસાદ પડ્યો. હાથીના પેટમાં પણ પાણી પેસી ગયું. હાથીનું શબ પાણીના પ્રવાહમાં વહેતું વહેતું સમુદ્રમાં ગયું. દુષ્પણ્ય તે પાણીમાં ડૂબીને મરી ગયો. મરી ગયા પછી તે પિશાચ થયો. ભૂખેતરસે પિડાતો તે અનેક દુઃખ વેઠતો દંડકારણ્યમાં આવ્યો. ત્યાં મોટેથી પોકારવા લાગ્યો, ‘અરે તપસ્વીઓ, તમે તો બહુ કૃપાળુ છો, બધાનું હિત જુઓ છો. હું બહુ દુઃખી છું. મારા પર દયા કરો. પૂર્વજન્મમાં હું પશુમાનનો પુત્ર દુષ્પણ્ય હતો. મેં ઘણાં બાળકોની હત્યા કરી હતી. અત્યારે હું પિશાચ છું. ભૂખતરસ વેઠવાની શક્તિ મારામાં નથી. મારા પર કૃપા કરો. હું પિશાચ મટી જઉં એવો કોઈ ઉપાય કરો.’ બધા મુનિઓએ અગસ્ત્ય મુનિને એના મોક્ષનો માર્ગ પૂછ્યો. પછી તેમણે પોતાના સુતીક્ષ્ણ શિષ્યને બોલાવી કહ્યું, ‘તું હમણાં જ ગંધમાદન પર્વત પર જા. ત્યાં બધાં પાપનો નાશ કરનાર અગ્નિતીર્થ છે. આ પિશાચના ઉદ્ધાર માટે તું ત્યાં જઈને સ્નાન કર.’ અગસ્ત્યના કહેવાથી તે શિષ્યે ગંધમાદન પર્વત પર જઈને અગ્નિતીર્થમાં પિશાચના નિમિત્તે ત્રણ દિવસ સ્નાન કર્યું, બીજાં તીર્થોની યાત્રા કરીને તે પોતાના આશ્રમે પાછો આવ્યો. તે તીર્થમાં સ્નાન કરવાથી પિશાચને મુક્તિ મળી. (બ્રાહ્મ ખંડ — સેતુ — માહાત્મ્ય)

રાજા દાશાર્હ અને તેની રાણી કલાવતીની કથા

મથુરા નગરીમાં દાશાર્હ નામના વિખ્યાત રાજા, શૂરવીર, કાંતિમાન અને મહાબળવાન હતા. અનેક શાસ્ત્રો તેમણે આત્મસાત્ કર્યાં હતાં. તે ઉદાર, રૂપવાન હતા. કાશીરાજની પુત્રી કલાવતી સાથે તેમનું લગ્ન થયું હતું. લગ્ન કર્યા પછી તેમણે પલંગ પર બેઠેલી પત્નીને પોતાની પાસે બોલાવી પણ કલાવતી તેમની પાસે ન ગઈ. એટલે રાજા બળજબરીથી તેને પોતાની શય્યા પર લાવવા ઊભા થયા. આ જોઈને રાણીએ કહ્યું, ‘મહારાજ, હું કારણનું જ્ઞાન ધરાવું છું, હું વ્રતનિષ્ઠ છું. મારો સ્પર્શ ન કરતા. તમે તો ધર્મ-અધર્મ જાણો છો. મારા પર બળાત્કાર ન કરો. પતિપત્નીમાં સ્નેહપૂર્વક જે મિલન થાય તે એકબીજાની પ્રસન્નતા વધારે. બળાત્કાર કરવાથી પુરુષોને કયો આનંદ મળે છે, કયું સુખ મળે છે? જે સ્ત્રી પ્રેમ કરતી ન હોય, રોગિણી હોય, સગર્ભા હોય, વ્રતનિષ્ઠ હોય, રજસ્વલા હોય કે રતિની કોઈ આતુરતા ન હોય તેવી સ્ત્રી સાથે પુરુષે બળાત્કારે સંબંધ બાંધવો ન જોઈએ.’ રાણીની આવી વાત સાંભળીને પણ રાજા ન માન્યો. રાણીનું શરીર તપાવેલા લોખંડ જેવું લાગ્યું. તેનો સ્પર્શ કરતાંવેંત રાજાનું શરીર બહુ દાઝવા લાગ્યું. રાજાએ ભયભીત થઈને રાણીનું શરીર મૂકી દીધું. રાજા બોલ્યો, ‘પ્રિય, આ તો અચરજની વાત. કૂંપળ જેવું શરીર અગ્નિમય કેવી રીતે થઈ ગયું?’ રાણીએ કહ્યું, ‘બાળપણમાં દુર્વાસા મુનિએ મારા પર દયા કરીને શિવનો પંચાક્ષર મંત્ર આપ્યો હતો. તેના પ્રભાવથી મારું શરીર નિષ્પાપ થઈ ગયું. પાપી મારા શરીરનો સ્પર્શ કરી ન શકે. તમે તો વેશ્યાગામી છો, મદિરાસેવી છો. તમે પવિત્ર મંત્રનો જપ નથી કર્યો, ભગવાન શંકરની પૂજા પણ નથી કરતા. પછી મારો સ્પર્શ કરી જ ન શકો.’ રાજાએ આ સાંભળી ભગવાન શંકરનો પવિત્ર મંત્ર માગ્યો. રાણીએ આ સાંભળી કહ્યું, ‘તમે તો મારા ગુરુ ગણાઓ, હું તમને ઉપદેશ આપી ન શકું. તમે શ્રેષ્ઠ મંત્રવેત્તા ગુરુ ગર્ગાચાર્ય પાસે જાઓ.’ પછી બંને પતિપત્ની ગુરુ ગર્ગાચાર્ય પાસે ગયાં અને તેમને પ્રણામ કર્યાં. રાજાએ નમ્ર બનીને એકાંતમાં ગુરુને કહ્યું, ‘તમે દયાના ભંડાર છો. તમે મને ભગવાન શંકરનો પંચાક્ષરી મંત્ર આપો.’ રાજાની પ્રાર્થના સાંભળીને ગર્ગાચાર્ય તે બંનેને યમુનાના પવિત્ર કાંઠે લઈ ગયા. તેઓ એક પવિત્ર વૃક્ષ નીચે બેઠા.રાજાએ ઉપવાસ કરીને તે નદીના પવિત્ર જળમાં સ્નાન કર્યું. રાજાને પૂર્વ દિશા સામે બેસાડી ભગવાન શિવના ચરણકમળમાં પ્રણામ કર્યાં અને રાજાના મસ્તક પર હાથ મૂક્યો અને પંચાક્ષર મંત્ર શીખવ્યો. તે મંત્ર શીખતાવેંત રાજાનાં બધાં પાપ કાગડા રૂપે બહાર નીકળી ગયાં. ગુરુએ કહ્યું, ‘અનેક પૂર્વજન્મોમાં સંચિત કરેલાં બધાં પાપ ભસ્મ થઈ ગયાં. હવે તમે પવિત્ર ચિત્ત થઈ રાણી સાથે વિહાર કરો.’ પછી ગુરુની આજ્ઞા લઈ પતિપત્ની મહેલમાં ગયાં. (બ્રાહ્મ ખંડ — બ્રહ્મોત્તર ખંડ)

મિત્રસહ રાજાની કથા

ઇક્ષ્વાકુ વંશમાં મિત્રસહ નામનો એક ધર્માત્મા રાજા થઈ ગયો. તે ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ, અસ્ત્ર-શસ્ત્રનો જાણકાર, શૂરવીર, વેદજ્ઞ. નિત્ય ઉદ્યોગી અને દયાનિધાન હતો. તેને શિકારનો પણ શોખ હતો. તે એક દિવસ વિશાળ સેના સાથે ગાઢ વનમાં ગયો. ત્યાં ઘણા વાઘસિંહ, જંગલી વરાહને બાણો વડે મારી નાખ્યા. તે કવચ પહેરી વનમાં ભમી રહ્યા હતા. તે વેળા અગ્નિ સમાન તેજસ્વી નિશાચરને તેમણે માર્યો. તેનો નાનો ભાઈ દૂરથી આ જોઈ ક્યાંક સંતાઈ ગયો અને વિચારવા લાગ્યો. ‘આ રાજા બહુ શૂરવીર છે, તેને છેતરીને જ જીતી શકાય.’ એટલે તે માનવીનું રૂપ લઈને રાજા પાસે આવ્યો, સેવા કરવા આવેલા એ કપટીને પોતાની પાકશાળાનો ઉપરી બનાવી દીધો. પછી રાજા નગરમાં પ્રવેશ્યા. તેમની પત્ની મદયન્તી દમયન્તી જેવી પવિત્ર હતી. એક દિવસ રાજાએ પોતાના ગુરુ વસિષ્ઠને પોતાને ત્યાં આમંત્ર્યા. પેલા રાક્ષસે રસોઈમાં મનુષ્યમાંસ મેળવી દીધું. તે જોઈને વસિષ્ઠે કહ્યું, ‘રાજન્, તને ધિક્કાર છે. તું આટલો બધો દુષ્ટ. તેં મને મનુષ્યમાંસ પીરસ્યું? જા, તું રાક્ષસ થઈ જા.’ જ્યારે મુનિને ખ્યાલ આવ્યો કે એ બધી દુષ્ટતા રાક્ષસની છે. ત્યારે તેમણે શાપનો સમય બાર વર્ષનો કરી નાખ્યો. રાજા પણ ક્રોધે ભરાઈને બોલ્યો, ‘આ કામ મારું ન હતું, હું આમાં કશું જાણતો ન હતો. તો પણ તમે મને અકારણ શાપ આપ્યો. તમે મારા ગુરુ છો તો પણ તમને શાપું છું.’ આમ કહી અંજલિમાં પાણી લઈ ગુરુને શાપ આપવા તત્પર થયા. આ જોઈ રાણી મદયન્તીએ પગે પડીને રાજાને રોક્યા. રાણીના વચનનું માન રાખવા રાજાએ શાપ ન આપ્યો અને તે પાણી પોતાના બંને પગ પર ઢોળી દીધું. એટલે રાજાના બંને પગ કલ્મષ અર્થાત્ મલિન થઈ ગયા. ત્યારે રાજા કલ્માષપાદ તરીકે ઓળખાયો. ગુરુના શાપથી રાજા વનચર રાક્ષસ થયો. એક દિવસ વનમાં નવવિવાહિત મુનિ દંપતી કામક્રીડા કરી રહ્યા હતા ત્યારે તે નરભક્ષી રાક્ષસે તરુણ મુનિકુમારને જેવી રીતે કોઈ હરણબાળને વાઘ પકડી લે તેવી રીતે પકડી લીધો. રાક્ષસને તે સ્ત્રીએ કેટલા બધા કાલાવાલા કર્યા, ‘હે મહારાજ, તમે આવું પાપ ન કરો. તમે રાક્ષસ નથી, રાણી મદયન્તીના પતિ છો. આ મારા સ્વામી મને જીવથીય વહાલા છે. તમે તો દુઃખી, દીન શરણાર્થીને સહાય કરનારા છો. આ મારા પતિ વિનાના મારા શરીરને હું શું કરીશ? આ મલિન પાપમય પંચભૂત શરીરથી શું સુખ મળશે? આ મુનિકુમાર દેખાય છે તો બહુ નાના પરંતુ તે વેદજ્ઞ, શાન્ત, તપસ્વી છે. તેમને પ્રાણદાન કરવાથી તમને બહુ પુણ્ય મળશે. હું બ્રાહ્મણ બાલિકા છું, મારા પર કૃપા કરો. તમારા જેવા સાધુપુરુષ અનાથ, દીનદુઃખી પર કૃપા કરનારા છો.’ આમ પ્રાર્થના કરવા છતાં તે નિર્દય નરભક્ષી રાક્ષસે જરાય વિચાર ન કર્યો અને તે બ્રાહ્મણકુમારની ગરદન પકડીને ખાઈ ગયો. પછી તે બ્રાહ્મણી શોકથી વિલાપ કરવા લાગી. તેણે પતિનાં હાડકાં એકઠાં કરી ચિતા પ્રગટાવી અને પતિનું અનુસરણ કરતી ચિતામાં પ્રવેશતાં પ્રવેશતાં બોલી, ‘અરે પાપી, તેં મારા પતિને મારી નાખ્યો, હવે તું જ્યારે સ્ત્રી સાથે સમાગમ કરવા જઈશ ત્યારે તું મૃત્યુ પામીશ.’ આમ કહી તે પતિવ્રતા સ્ત્રીએ ચિતામાં પ્રવેશ કર્યો.

ગુરુનો શાપ પૂરો થયો એટલે રાજા રાક્ષસ મટી ગયો, પ્રસન્ન થઈ તે ઘેર ગયો. રાણી મદયન્તી તે બ્રાહ્મણીના શાપને જાણતી હતી. એટલે વૈધવ્યના ડરથી તેણે રતિલાલસાથી પાસે આવતા રાજાને અટકાવી દીધો. રાજા મિત્રસહ હવે રાજ્યના સુખભોગથી વિરક્ત થયો અને બધો ત્યાગ કરી વનમાં ચાલ્યો ગયો. પણ તેઓ જ્યાં જાય ત્યાં પોતાની પાછળ આવતી એક રૂપવાન પિશાચી જોઈ. તે બ્રહ્મહત્યા હતી. શ્રેષ્ઠ મુનિઓના ઉપદેશથી રાજાએ તેને ઓળખી. તેમાંથી મુક્ત થવા રાજાએ બહુ તીર્થોમાં ભ્રમણ કર્યું પણ પેલી બ્રહ્મહત્યા પાછળ જ આવતી હતી. પછી જ્યારે તે મિથિલા આવ્યા ત્યારે નિર્મળ અંત:કરણવાળા ગૌતમ ઋષિને જોયા, તેણે ઋષિને વારે વારે પ્રણામ કર્યાં. મુનિએ તેને આશીર્વાદ આપતાં પૂછ્યું, ‘રાજન્, બધે કુશળ છે ને? તમારા રાજ્યમાં કોઈ વિઘ્ન તો નથી ને?’

રાજાએ કહ્યું, ‘તમારી કૃપાથી બધા કુશળ છે. પણ આ ભયંકર પિશાચી બહુ દમે છે. શાપગ્રસ્ત થઈ બહુ મોટું પાપ થયું છે, તેની શાંતિ કોઈ રીતે થતી નથી. આજે હું તમારા શરણે છું, મારી રક્ષા કરો.’ ‘રાજન્, હવે ભયમુક્ત થાઓ. ભગવાન શંકરના શરણે જાઓ, ગોકર્ણ નામના તીર્થમાં જાઓ અને ત્યાં ભગવાનનું સ્મરણ કરજો, ત્યાં ભગવાન મહાદેવ છે. રાવણ નામના રાક્ષસે ભયાનક તપ કરીને જે શિવલંગિને મેળવ્યું હતું તે ગણેશે ગોકર્ણમાં સ્થાપ્યું છે. ત્યાં ઘણા બધા મુનિઓ તપ કરે છે. અસંખ્ય તીર્થ છે. સત્યયુગમાં ભગવાનનો વર્ણ શ્વેત હતો, ત્રેતામાં રાતો થયો, દ્વાપરમાં પીળો થયો અને કળિયુગમાં શ્યામ થઈ જશે.’ એમ કહી ચંદ્રસેન રાજાની કથા કહી. (બ્રાહ્મ ખંડ — બ્રહ્મોત્તર ખંડ)

ચંદ્રસેન રાજાની કથા

ઉજ્જયિનીમાં ચંદ્રસેન નામના રાજા હતા. તેઓ એ જ નગરમાં મહાકાલની પૂજા કરતા હતા. શિવપાર્ષદોમાં અગ્રણી એવા મણિભદ્ર રાજાના મિત્ર થઈ ગયા. તેમણે એક વેળા પ્રસન્ન થઈ દિવ્ય ચંતાિમણિ આપ્યો. તેના વડે મનુષ્યોને મનોવાંછિત વસ્તુ મળી શકતી હતી. રાજા જ્યારે ગળામાં એ મણિ ધારણ કરીને બેસતા ત્યારે તે સૂર્યભગવાન જેવા દેખાતા હતા. તે રાજા વિશે આવી વાત જાણીને બધા રાજાઓના મનમાં તે મણિ માટે લોભ જાગ્યો. એક વેળા વિશાળ સેના લઈને તેમણે આક્રમણ કર્યું અને નગરીને ચારે બાજુથી ઘેરી લીધી. આ જોઈ રાજા મહાકાલના શરણે ગયા અને ખાધાપીધા વિના તેમણે રાતદિવસ ગૌરીપતિની આરાધના કરવા લાગ્યા. તે નગરીમાં કોઈ વિધવા ગોવાળણ રહેતી હતી. તે પાંચ વરસના પુત્રને લઈ મંદિરમાં ગઈ અને રાજાએ કરેલી પૂજા જોઈ. ભગવાનને પ્રણામ કરી તે ઘેર ગઈ. તેના બાળકે આ પૂજા જોઈ હતી અજીેટલે તેણે પૂજા કરવા માંડી. એક સુંદર પથ્થર લાવીને એક ખૂણામાં તે ગોઠવી દીધો, તેને જ શિવલંગિ માની લીધો. પછી જે કંઈ ફૂલ દેખાયાં તે બધાં ભેગાં કર્યાં અને પાણીથી શિવલંગિનો અભિષેક કર્યો. મનકલ્પિત વસ્તુઓથી ભગવાનને નૈવેદ્ય ધર્યું. તે અનન્ય ચિત્તે ભગવાનની સેવા કરતો હતો તેવામાં તેની માએ ભોજન માટે લાડથી બોલાવ્યો પણ તેનું મન તો પૂજામાં હતું એટલે માના સાદ પ્રત્યે તેનું ધ્યાન ન ગયું. પછી મા પોતે ગઈ અને શિવ આગળ આંખો મીંચીને બેઠેલો જોઈ તેનો હાથ પકડીને ખેંચવા લાગી, તો પણ તે ન માન્યો. ત્યારે તેણે દીકરાને બહુ માર્યો, તો પણ તે ન આવ્યો એટલે તેની માએ શિવલંગિ ઉઠાવીને ફેંકી દીધું. પૂજાની બધી સામગ્રી પણ ફેંકી દીધી. આ જોઈ બાળક તો રડવા લાગ્યો. રોષે ભરાયેલી તે પુત્રને ઠપકો આપીને ઘરમાં જતી રહી. પૂજા નષ્ટ થયેલી જોઈ તે બાળક ખૂબ રડ્યો અને મૂચ્છિર્ત થઈને પડી ગયો. થોડી વારે તેણે ભાનમાં આવીને જોયું તો તેનું નિવાસસ્થાન સુંદર શિવાલય બની ગયું હતું. મણિસ્તંભો તેની શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા. ત્યાંની ફરસ કિમતી નીલમણિ અને હીરાની વેદિકાથી જડેલી હતી. આ જોઈને તે તો પરમ આનંદમાં ડૂબી ગયો અને આ બધું ભગવાન શિવની પૂજાનું જ માહાત્મ્ય છે એમ માની લીધું. તેણે માના અપરાધ બદલ ક્ષમા માગી. વારંવાર શિવને પ્રસન્ન કરી સૂર્યાસ્ત વેળાએ તે ઘરમાં પ્રવેશ્યો. તેણે જોયું તો તેની મા કિમતી પલંગ પર નિર્ભય થઈને સૂઈ રહી હતી. તેણે માને જગાડી. અને તે તો આ બધું જોઈને આનંદવિહ્વળ થઈ ગઈ. પુત્રના મોઢે આ ચમત્કાર સાંભળી તેણે રાજાને સંદેશો મોકલ્યો, એટલે રાત્રે રાજા જાતે આવ્યા અને બાળકનો પ્રભાવ જોયો. બધા આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા, પછી રાજાએ બાળકને છાતીસરસો ચાંપ્યો. ભગવાન શંકરની આ કૃપાના સમાચાર નગરમાં પ્રસરી ગયા અને આખી રાત આ ચર્ચામાં જ વીતી ગઈ. યુદ્ધ માટે આવેલા રાજાઓએ પણ આ સમાચાર દૂતોના મોઢે સાંભળ્યા. તરત જ એમના મનમાંથી વેરભાવ નીકળી ગયો. તેમણે શસ્ત્રો ત્યજી દીધાં, રાજાની આજ્ઞાથી તેમણે નગરમાં પ્રવેશ કર્યો, મહાકાલનાં દર્શન કરીને તેઓ ગોવાળણના ઘેર આવ્યા. ત્યાં રાજા ચંદ્રસેને તેમને આવકાર્યા. તે બધા કિમતી આસનો પર બેઠા અને વિસ્મયયુક્ત આનંદ તેમને થયો. ત્યાં અચાનક હનુમાને પ્રગટ થઈ બધાને શિવભક્તિનો મહિમા સમજાવ્યો અને અંતર્ધાન થઈ ગયા. (બ્રાહ્મ ખંડ — બ્રહ્મોત્તર ખંડ)

વિદર્ભરાજ અને તેમના પુત્રની કથા

વિદર્ભ દેશમાં સત્યરથ નામના એક ધર્મજ્ઞ, ધીર, સત્યપ્રતિજ્ઞ રાજા થઈ ગયા. ઘણો બધો સમય સારી રીતે પસાર થયા પછી શાલ્વ રાજાઓએ તેમના નગર પર આક્રમણ કર્યું. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. શાલ્વ રાજાઓના ઘણા સૈનિકો માર્યા ગયા પણ અંતે વિદર્ભરાજ માર્યા ગયા. તેમના સૈનિકો ભાગી ગયા. રાજાની પતિવ્રતા અને સગર્ભા પત્ની નગરમાંથી નીકળી પશ્ચિમ દિશામાં નીકળી. બહુ ચાલ્યા પછી તેણે એક તળાવ જોયું. તેના કાંઠે એક ઘટાદાર વૃક્ષ નીચે બેઠી અને એક પુત્રને ત્યાં જન્મ આપ્યો. પછી તે તરસ લાગવાથી તળાવમાં ઊતરી અને ત્યાં એક મગર તેનો કોળિયો કરી ગયો. તે બાળક જન્મતાંવેંત માતાપિતા વિનાનો થઈ ગયો અને તે પણ ભૂખેતરસે રડવા લાગ્યો. તે જ વેળા એક બ્રાહ્મણી ત્યાં આવી ચઢી. ‘અરે આ શું? હજુ તો આ બાળકની નાળ પણ કપાઈ નથી. તેની મા ક્યાં ગઈ? આ અનાથ બાળક ભૂમિ પર પડી રડે છે. આ કોનો પુત્ર હશે? ચાંડાલનો કે શૂદ્રનો, વૈશ્યનો કે બ્રાહ્મણનો કે પછી ક્ષત્રિયનો? આ પુત્રનું પાલન કરી શકું છું પણ એ કયા કુળનો છે તે જાણ્યા કર્યા વિના હું એને અડકું કેવી રીતે?’ તે આમ વિચારતી હતી તેવામાં એક સંન્યાસી આવી ચઢ્યા. તેમણે તેને કહ્યું, ‘દુઃખી ન થઈશ. શંકા કર્યા વિના તું એનું પાલન કર. તને પરમ કલ્યાણપદ મળશે.’ એમ કહીને તે તો ચાલ્યા ગયા. બ્રાહ્મણી બાળકને લઈ પોતાને ઘેર આવી. તે રાજકુમારને પોતાના પુત્રની જેમ જ ઉછેરવા લાગી. તે એકચક્રા નામની નગરીમાં રહેતી હતી. ભિક્ષાન્ન વડે બંને પુત્રોને ઉછેરવા લાગી. બ્રાહ્મણોએ બંનેના સંસ્કાર કર્યા. બંને બાળકો માની સાથે ભિક્ષા માગવા જતા હતા. એક દિવસે દૈવયોગે તે બ્રાહ્મણી ભિક્ષા માગતા માગતા મંદિરમાં ગઈ. ત્યાં મોટા મોટા ઋષિઓ હતા. તે બંને બાળકોને જોઈ એક શાંડિલ્ય નામના તેજસ્વી ઋષિએ કહ્યું, ‘દૈવ પણ કેવું છે? કર્મોનું ઉલ્લંઘન કરવું બહુ કઠિન છે. આ બાળક બીજાની માતાના આશ્રયે જીવે છે. બ્રાહ્મણ બાળકની સાથે આ બાળક પણ બ્રાહ્મણ થઈ ગયો છે.’ તેમની વાત સાંભળીને બ્રાહ્મણીને નવાઈ લાગી, તેણે બધાની વચ્ચે તે મુનિને પૂછ્યું, ‘બ્રહ્મન્, હું એક સંન્યાસીના કહેવાથી આ બાળકને મારે ઘેર લઈ આવી છું. મને એના કુળના કોઈ સમાચાર નથી. હું પુત્રની જેમ તેને ઉછેરું છું. તમે મને કહો કે આ બાળકનું કુળ કયું છે? તેના માતાપિતા કોણ છે?’ એટલે મુનિએ કહ્યું, ‘આ વિદર્ભરાજનો પુત્ર છે.’ પછી તેમણે બધી વાત માંડીને કહી. આ સાંભળીને બ્રાહ્મણીને પણ નવાઈ લાગી અને તેણે ફરી પૂછ્યું, ‘આ રાજા યુદ્ધમાં મૃત્યુ કેમ પામ્યા? આ બાળકને દરિદ્રતા કેમ મળી? તેને પોતાનું રાજ્ય ફરી મળશે કે નહીં? મારો આ પુત્ર પણ ભિક્ષાન્નથી જીવે છે, તેની દરિદ્રતા પણ દૂર થશે કે નહીં?’ શાંડિલ્ય મુનિ બોલ્યા, ‘આ રાજકુમારના પિતા પૂર્વજન્મમાં પાંડ્ય દેશના એક ઉત્તમ રાજા હતા. તે ધર્મજ્ઞ હતા અને પૃથ્વીનું પાલન ધર્માનુસાર કરતા હતા. એક દિવસ સાંજે તેઓ શંકર ભગવાનની પૂજા કરી રહ્યા હતા. તે જ વેળા નગરમાં ભારે કોલાહલ મચ્યો. એ સાંભળીને રાજાએ પૂજા અધવચ્ચે છોડી દીધી અને રાજભવનની બહાર નીકળ્યા. રાજાનો મંત્રી શત્રુને પકડીને તેમની પાસે લાવ્યો. તે શત્રુ પાંડ્યરાજાનો જ સામંત હતો. તેને જોઈ રાજાએ તેનું મસ્તક કપાવી નંખાવ્યું. શિવપૂજા અરધેથી મૂકીને રાજાએ આવું કર્યું અને પછી ભોજન પણ કરી લીધું અને સૂઈ ગયો. આ જ રાજા બીજે જન્મે વિદર્ભરાજ થયો. એટલે શત્રુઓએ તેને યુદ્ધમાં મારી નાખ્યો. પૂર્વ જન્મનો પુત્ર આ જન્મે પણ પુત્ર થયો છે. તેની માએ પૂર્વજન્મમાં દગાફટકાથી પોતાની શોક્યને મારી નાખી હતી. એ પાપને કારણે મગરનો કોળિયો તે બની ગઈ… આ તારો પુત્ર પણ ઉત્તમ બ્રાહ્મણ હતો. તેણે પોતાની આખી જંદિગી દાન લેવામાં વીતાવી, યજ્ઞ વગેરે કર્યા ન હતા. એટલે જ તે દરિદ્ર બન્યો છે. આ દોષનિવારણ માટે તે પણ ભગવાન શંકરના શરણે જાય.’ પછી તે બ્રાહ્મણીએ શિવપૂજનનો વિધિ પૂછ્યો. એટલે મુનિએ બધો વિધિ વિગતે કહ્યો. બ્રાહ્મણીએ બંને બાળકો સાથે મુનિને પ્રણામ કર્યાં. ‘મુનિશ્રી, આજે હું તમારા દર્શન માત્રથી ધન્ય થઈ ગઈ છું. આ બંને બાળક તમારે શરણે. મારા પુત્રનું નામ શુચિવ્રત અને આ રાજકુમારનું નામ ધર્મગુપ્ત. અમે ત્રણે તમારા શરણે. આ ઘોર દરિદ્રતામાંથી અમને ઉગારો.’ પછી તેમણે તેને ધીરજ બંધાવી, બંને બાળકોને ભગવાન શંકરની આરાધનાનો મંત્ર આપ્યો. તે સ્ત્રી બંને પુત્રોને લઈને ઘેર ગઈ. બંને બાળકો ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. આમ બંનેના ચાર મહિના સુખેથી વીત્યા. એક દિવસ શુચિવ્રત રાજકુમારને લીધા વિના નદીકિનારે સ્નાન કરવા ગયો અને આમતેમ ફરવા લાગ્યો. પાણીના મારથી ત્યાં ખાડો પડી ગયો હતો. તેમાં દાટેલો એક ખજાનાથી ભરેલો એક કળશ તેણે જોયો. તે જોઈને તેને આનંદ થયો અને કળશ લઈને ઘેર ગયો. માને તે બતાવી કહ્યું, ‘મા, જો તો ખરી, ભગવાન શંકરની મોટી કૃપા. તેમણે દયા કરીને કળશ રૂપે આ પ્રસાદ આપ્યો.’ બ્રાહ્મણીએ રાજકુમારને બોલાવી કહ્યું, ‘પુત્રો, આ સંપત્તિને તમે બરાબર વહેંચી લો.’ માની વાત સાંભળીને તેને પ્રસન્નતા થઈ, પણ રાજકુમારે કહ્યું, ‘મા, આ તારા પુત્રના પુણ્યબળે પ્રાપ્ત થયેલી સંપત્તિ છે. હું એમાં ભાગ પડાવવા માગતો નથી. તે પોતે એનો ઉપભોગ કરે. ભગવાન મારા ઉપર પણ કૃપા કરશે.’ આમ ને આમ ભગવાનની પૂજા કરતાં કરતાં એક વરસ વીતી ગયું. એક દિવસ રાજકુમાર બ્રાહ્મણપુત્રને લઈ વનવિહાર કરવા ગયો.પછી તેમણે અસંખ્ય ગંધર્વકન્યાઓને ક્રીડા કરતી જોઈ. તેને જોઈ બ્રાહ્મણપુત્રે કહ્યું, ‘અહીંથી આગળ જવું નહીં. ત્યાં સ્ત્રીઓ વિહાર કરે છે. નીતિમાન પુરુષો તેમનો સહવાસ કરતા નથી. તેઓ છલ કરનારી છે, વાણી દ્વારા ભૂરકી નાખે છે. એટલે ધર્મજ્ઞ બ્રહ્મચારી ક્યારેય તેમની સમીપ જતા નથી.’ એમ કહીને તે પાછો વળ્યો અને થોડે દૂર જઈને ઊભો રહી ગયો. પરંતુ રાજકુમાર એકલો જ નિર્ભય થઈને ક્રીડા કરતી સ્ત્રીઓ પાસે ગયો. એક કન્યાએ તેને આવતો જોઈ મનમાં કશો વિચાર કર્યો અને તેની સખીઓને કહ્યું, ‘સખીઓ, અહીંથી થોડે દૂર એક સુંદર વન છે. ત્યાં ચંપો, બકુલ, અશોક ખીલેલાં છે, ત્યાં જઈને તમે ફૂલ તોડો. હું થોડી વાર અહીં બેઠી છું, પછી તમે અહીં આવજો.’ તેની સખીઓ તો વનમાં ગઈ અને તે ગંધર્વકન્યા રાજકુમારની પ્રતીક્ષા કરતી બેઠી. તેને જોઈને રાજકુમાર કામાતુર થઈ ગયો. તે કન્યાએ તેને કોમળ પાંદડાંનું આસન આપ્યું અને પૂછ્યું, ‘તમે કોણ છો? ક્યાંથી આવો છો? અને કોના પુત્ર છો?’ એટલે રાજકુમારે પોતાનો પૂરો પરિચય આપ્યો. પછી તેણે કન્યાનો પરિચય પૂછ્યો એટલે તેણે કહ્યું, ‘દ્રવિક નામના ગંધર્વ બધામાં અગ્રણી છે અને હું તેમની પુત્રી છું, મારું નામ અંશુમતી. બધી સખીઓ આગળ વનમાં છે અને અહીં હું એકલી છું. હું તમારા મનની વાત જાણું છું. એ જ રીતે દૈવે મારા મનમાં પણ તમારા માટે ઉત્કંઠા જન્માવી છે. હવે આપણા બેનો અનુરાગ ઘટવો ન જોઈએ.’ એમ કહી તે કન્યાએ પોતાના ગળામાંથી મોતીનો હાર કાઢી રાજકુમારને આપ્યો. એટલે તે બોલ્યો, ‘ભીરુ, મારી વાત સાંભળ. હું રાજ્યહીન અને નિર્ધન છું. તું મારી પ્રિયા શા માટે બનવા માગે છે? મૂર્ખ સ્ત્રીની જેમ પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને સ્વતંત્ર રીતે વર્તવા કેમ માગે છે?’ એટલે તેણે કહ્યું, ‘ભલે. હું પિતાની આજ્ઞાની વિરુદ્ધ કશું નહીં કરું. તમે અત્યારે ઘેર જાઓ. પરમ દિવસે ફરી અહીં આવજો. કામ છે.’ એમ કહી તે કન્યા આવેલી સખીઓ સાથે જતી રહી અને રાજકુમાર બ્રાહ્મણકુમાર પાસે આનંદ પામતો આવી ચઢ્યો. તેણે બધી વાત કહી. અને બંને ઘેર ગયા. પછી ઘેર માતાને પણ બધી વાત બતાવી અને તે રાજી થઈ. પછી ઠરાવેલા સમયે તે મિત્રને લઈને વનમાં ગયો. ત્યાં જઈને જોયું તો ગંધર્વરાજ અને તેમની કન્યા રાહ જોતાં હતાં. ગંધર્વરાજે રાજકુમારને અભિનંદન આપ્યાં અને સુંદર આસન પર બેસાડી કહ્યું, ‘હું કાલે કૈલાસ પર ગયો હતો. ત્યાં પાર્વતીમાતાની સાથે મેં ભગવાનનાં દર્શન કર્યાં. તેઓ તો કરુણાસાગર છે. તેમણે મને બોલાવી બધા દેવતાઓની સામે કહ્યું, ‘પૃથ્વી પર ધર્મગુપ્ત નામનો એક રાજકુમાર છે. અત્યારે તે નિર્ધન છે. તેનું રાજ્ય ઝૂંટવાઈ ગયું છે. શત્રુઓએ તેના પર અંકુશ જમાવ્યો છે. અત્યારે તે નિત્ય મારી પૂજા કરે છે. તેના પ્રભાવે તેના બધા પિતૃઓ મારા સ્વરૂપને પામ્યા છે. ગંધર્વરાજ, તેની સહાય કરો. હવે તે શત્રુઓને જીતીને રાજગાદી પર બેસી શકશે. મહાદેવ ભગવાનની આવી આજ્ઞા સાંભળી હું ઘેર આવ્યો. અહીં મારી કન્યાએ પણ તમારી બહુ પ્રાર્થના કરી. આ બધું ભગવાનની પ્રેરણાથી થઈ રહ્યું છે. એટલે અત્યારે હું મારી પુત્રીને લઈને આવ્યો છું. તમને મારી આ અંશુમતી પત્ની તરીકે આપું છું. હું તમારા શત્રુઓને મારીને તમને રાજગાદી પર બેસાડીશ. તમે પત્ની સાથે હજારો વર્ષ મનોવાંછિત સુખ ભોગવીને કૈલાસે જશો. ત્યાં પણ મારી કન્યા તમારી સેવા કરશે.’ આમ કહી ગંધર્વરાજે તે જ વનમાં રાજકુમાર સાથે પોતાની પુત્રીનો વિવાહ કરી દીધો અને પહેરામણીમાં ઘણું બધું આપ્યું. ચંદ્રમા સમાન તેજસ્વી ચૂડામણિ અને મોતીઓના હાર આપ્યા. વળી દિવ્ય આભૂષણ, સુવર્ણની બનેલી વસ્તુઓ, દસ હજાર હાથી, એક લાખ ઘોડા, હજારો સુવર્ણરથ આપ્યાં. પછી ઇન્દ્રના ધનુષ જેવું વિશાળ ધનુષ, સહ અસ્ત્રશસ્ત્ર, અક્ષય બાણથી ભરેલાં ભાથાં, અભેદ્ય સુવર્ણ કવચ, શત્રુનો સંહાર કરનારી શક્તિ આપ્યાં. પોતાની પુત્રીની સેવા માટે પ્રસન્ન ચિત્તે પાંચ હજાર દાસીઓ આપી. રાજકુમારની સહાય માટે ગંધર્વોની ચતુરંગિણી સેના આપી. આ બધું પામીને રાજકુમાર ખૂબ પ્રસન્ન થયો. પુત્રીનો વિવાહ કરાવી ગંધર્વરાજ પોતાના લોકમાં ગયા. ધર્મગુપ્ત વિવાહ પછી ગંધર્વોની સેના લઈને પોતાના નગરમાં ગયો અને શત્રુસેનાનો સંહાર કરી પાટનગરમાં પ્રવેશ્યો. શ્રેષ્ઠ બ્રાહ્મણોએ અને મંત્રીઓએ રાજકુમારનો અભિષેક કર્યો અને તે રત્નજડિત સંહાિસન પર બેસીને રાજ્ય ભોગવવા લાગ્યો. જે બ્રાહ્મણસ્ત્રીએ તેનું પાલન કર્યું હતું તે તેમની માતા થઈ અને બ્રાહ્મણકુમાર ભાઈ થયો અને અંશુમતી મહારાણીના પદ પર બેઠી. ભગવાન શંકરની આરાધના કરીને ધર્મગુપ્ત વિદર્ભરાજ થયો. (બ્રાહ્મ ખંડ — બ્રહ્મોત્તર ખંડ)

સીમન્તિનીની કથા

આર્યાવર્તમાં ચિત્રવર્મા નામે રાજા ધર્મમર્યાદારક્ષક, દુષ્ટોને દંડ આપનાર થઈ ગયા. તેઓ શિવભક્ત અને વિષ્ણુભક્ત હતા. અનેક પુત્રો પછી એક કન્યાનો જન્મ થયો. એક વેળા જાતક જાણનારા શ્રેષ્ઠ બ્રાહ્મણોને બોલાવી પોતાની પુત્રીનું ભવિષ્ય પૂછ્યું. એક મહાવિદ્વાન બ્રાહ્મણે કહ્યું, ‘મહારાજ, આ કન્યા સીમન્તિની નામે પ્રસિદ્ધ થશે. ભગવતી ઉમાની જેમ માંગલ્યમયી, દમયન્તીની જેમ અતિ સુંદરી, સરસ્વતીની જેમ બધી કળાઓમાં નિપુણ, લક્ષ્મીની જેમ સદ્ગુણી થશે. દસ હજાર વર્ષ સુધી પતિ સાથે સુખ ભોગવશે. આઠ પુત્રોને જન્મ આપશે.’ પછી એક બીજા બ્રાહ્મણે કહ્યું, ‘આ કન્યા ચૌદમા વર્ષે વિધવા થશે.’ આવા વજ્રાઘાત સમાચાર સાંભળીને રાજા ચંતાિતુર થઈ ગયા. પછી બધાને વિદાય કરી ‘બધું ભાગ્ય પ્રમાણે જ થાય છે’ એમ માની ચંતાિ છોડી દીધી. સીમન્તિની ધીરે ધીરે મોટી થઈ. પોતાની સખીના મોઢે વૈધવ્યની વાત સાંભળીને તે દુઃખી થઈ અને યાજ્ઞવલ્ક્યની પત્ની મૈત્રેયીને પૂછ્યું, ‘માતા, હું તમારે શરણે આવી છું. સૌભાગ્યવર્ધક સત્કર્મનો ઉપદેશ આપો.’ મૈત્રેયીએ તે રાજકન્યાને કહ્યું, ‘તું શિવપાર્વતીની શરણે જા, સોમવારે એકાગ્ર ચિત્તે થઈ, સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી શિવપાર્વતીની પૂજા નિયમિત રીતે કર. કોઈ પણ ભારે આપત્તિમાંથી આ વ્રત તને બચાવી લેશે. ભયંકર ક્લેશમાં પણ આ શિવપૂજા બંધ ન રાખતી. તું ભયંકર ભય પણ પાર કરી જઈશ.’ આમ સીમન્તિનીને ધીરજ બંધાવી પતિવ્રતા મૈત્રેયી પોતાના આશ્રમે ગયાં. રાજકુમારીએ તેમના કહેવાથી ભગવાન શિવની પૂજા શરૂ કરી. નિષધ દેશમાં નળની પત્ની દમયન્તીએ ઇન્દ્રસેનને જન્મ આપ્યો. ઇન્દ્રસેનનો પુત્ર ચંદ્રાંગદ. ચિત્રવર્માએ રાજકુમાર ચંદ્રાંગદને બોલાવી ગુરુજનોની આજ્ઞાથી પુત્રી સીમન્તિનીનો વિવાહ તેની સાથે કરી દીધો. બહુ મોટો ઉત્સવ થયો. વિવાહ પછી થોડો સમય રાજકુમાર સાસરે રહ્યો. એક દિવસ રાજકુમાર યમુના પાર જવા મિત્રો સાથે નૌકામાં બેઠો અને દૈવયોગે તે નૌકા ડૂબી ગઈ. યમુનાના બંને કિનારે હાહાકાર થઈ ગયો. આ દુર્ઘટના જોનારા સૈનિકોના વિલાપથી આખું આકાશ ગુંજી ઊઠ્યું. કેટલાક તો મૃત્યુ પામ્યા, કેટલાક મગરના પેટમાં ચાલ્યા ગયા. રાજકુમાર જેવા કેટલાક પાણીમાં અદૃશ્ય થઈ ગયા. આ સમાચાર સાંભળી રાજા ચિત્રવર્મા દુઃખી દુઃખી થઈ ગયા. યમુનાકિનારે મૂછિર્ત થઈને પડ્યા. સીમન્તિનીએ પણ આ સમાચાર સાંભળ્યા ત્યારે તે પણ અચેત થઈને ધરતી પર પડી ગઈ. રાજા ઇન્દ્રસેન પણ પુત્રના આ સમાચાર સાંભળી રાણીઓ સાથે બહુ દુઃખી થયા અને તે પણ બેસુધ થઈ ગયા. પછી બધાની સમજાવટને લીધે રાજા ચિત્રવર્મા નગરમાં આવ્યા અને તેમણે પુત્રીને ધીરજ બંધાવી. રાજાએ જમાઈની ઉત્તરક્રિયા ત્યાં આવેલા સ્વજનો પાસે કરાવી. પતિવ્રતા સીમન્તિનીએ ચિતામાં પ્રવેશી પતિ સાથે સહગમન કરવાનો વિચાર કર્યો પણ પિતાએ તેને સ્નેહવશ રોકી પાડી. તે વિધવાજીવન વીતાવવા લાગી. મૈત્રેયીએ આપેલો શિવપૂજાનો નિયમ વિધવા થયા પછી પણ ચાલુ રાખ્યો. આમ ચૌદ વર્ષની વયે જ આવું દારુણ દુઃખ ભોગવતી તે ભગવાન શંકરનું સ્મરણ કરતી રહી. આમ ત્રણ વરસ વીતી ગયાં. પુત્રશોકમાં ઉન્મત્ત બનેલા ઇન્દ્રસેનને તેમના ભાઈઓએ પત્ની સાથે કારાવાસમાં નાખ્યા. ઇન્દ્રસેનના પુત્ર ચંદ્રાંગદ પાણીમાં ડૂબ્યા પછી ધીમે ધીમે નીચે ઊતરવા લાગ્યા. બહુ નીચે ગયા એટલે નાગપત્નીઓને જલક્રીડા કરતી જોઈ. રાજકુમારને જોઈ નવાઈ પામેલી નાગસ્ત્રીઓ તેને પાતાળલોકમાં લઈ ગઈ. ત્યાં રાજકુમાર તક્ષક નાગના અદ્ભુત નગરમાં પ્રવેશ્યો. સૂર્ય ભગવાન જેવા તેજસ્વી તક્ષક નાગને સભાભવનમાં બિરાજેલા જોઈ તેમને પ્રણામ કર્યાં. તક્ષકના તેજથી તેમની આંખો અંજાઈ ગઈ. નાગરાજે તેને જોઈ નાગસ્ત્રીઓને પૂછ્યું, ‘આ કોણ છે અને ક્યાંથી આવ્યો છે?’ તેમણે કહ્યું, ‘અમે તેને યમુનાજળમાં જોયો. એના વિશે કશી માહિતી ન હોવાને કારણે અમે તેને તમારી પાસે લાવ્યાં.’ પછી તક્ષકે તેને પૂછ્યું એટલે રાજકુમારે બધી વાત કરી. ‘પૃથ્વી પર નિષધ નામનો દેશ અને ત્યાં નળ રાજા થઈ ગયા, હું તેમનો પૌત્ર ચંદ્રાંગદ. હમણાં જ મારું લગ્ન થયું અને હું સાસરે હતો ત્યારે યમુનામાં વિહાર કરતાં કરતાં ડૂબી ગયો અને આ નાગસ્ત્રીઓ મને અહીં લઈ આવી. પૂર્વજન્મના પુણ્યના પ્રતાપે મને તમારાં દર્શન થયાં. આજે હું ધન્ય, મારાં માતાપિતા પણ ધન્ય. તમે મારા પર કરુણા કરીને મારી સાથે વાતચીત કરી.’ આ મધુર વાણી સાંભળીને તક્ષકે કહ્યું, ‘રાજકુમાર, તમે ભય ન પામતા. તમે મને કહો કે તમે કયા દેવની પૂજા કરો છો?’ એટલે રાજકુમારે મહાદેવનું નામ દઈ તે ભગવાનનો મહિમા ગાયો. રાજકુમારની વાત સાંભળી તક્ષક પ્રસન્ન થઈ ગયા. તેમણે કહ્યું, ‘રાજકુમાર, તમે બાળક હોવા છતાં શંકર ભગવાનને ઓળખો છો. જુઓ આ રત્નમય લોક છે, આ મનોહર યુવતીઓ છે, અહીં નથી જરા કે નથી રોગ. ઇચ્છાનુસાર વિહાર કરો, જે જોઈએ તે સુખ ભોગવો.’ આ સાંભળી રાજકુમારે બે હાથ જોડીને કહ્યું, ‘નાગરાજ, મારો વિવાહ થઈ ગયો છે. મારા માતાપિતાનો એકનો એક પુત્ર છું. બધા લોક મને મરી ગયેલો માની બહુ દુઃખી હશે. અહીં બહુ સમય રોકાઈ નહીં શકું. મને કૃપા કરીને મનુષ્યલોકમાં પહોંચાડી દો.’ તક્ષકે કહ્યું, ‘રાજકુમાર, જ્યારે જ્યારે તું મને યાદ કરીશ ત્યારે ત્યારે હું આવી જઈશ.’ અને રાજકુમારને તેમણે એક સુુંદર અશ્વ આપ્યો. તે ઇચ્છાનુસાર ગતિ કરનારો હતો. તે ગમે ત્યાં જઈ શકતો હતો. ઉપરાંત તેમણે રાજકુમારને રત્નજડિત આભૂષણો, દિવ્ય વસ્ત્ર અને દિવ્ય અલંકાર આપ્યાં. બધી વ્યવસ્થા કરીને તેમણે રાજકુમારને વિદાય કર્યો. ચંદ્રાંગદ અશ્વ પર સવાર થઈને યમુનાજલમાંથી બહાર નીકળ્યા અને નદીના સુંદર તટ પર ફરવા લાગ્યા. તે જ વેળા સીમન્તિની સખીઓ સાથે સ્નાન કરવા આવી. તેણે મનુષ્યરૂપ ધારી નાગકુમારની સાથે ફરતા ચંદ્રાંગદને પણ જોયો. દિવ્ય અશ્વ પર સવાર થયેલા અપૂર્વ આકૃતિવાળા રાજકુમારને જોતી જ રહી. તેને જોઈ રાજકુમારને પણ લાગ્યું કે મેં આને જોઈ છે. અશ્વ પરથી નીચે ઊતરી તે સુંદરી પાસે જઈને તેણે પૂછ્યું, ‘સુંદરી, તું કોણ છે, કોની પત્ની અને કોની પુત્રી?’ સીમન્તિની સંકોચવશ કશું બોલી ન શકી, એટલે તેની સખીએ બધો પરિચય આપ્યો. ‘દુર્ભાગ્યે તેના પતિ યમુનાજળમાં ડૂબી ગયા અને વૈધવ્યના દુઃખને કારણે તે સાવ કંતાઈ ગઈ છે. વૈધવ્યના દુઃખમાં તેણે ત્રણ વરસ વીતાવ્યાં. તેના સસરાનું રાજ પણ શત્રુઓએ છિનવી લીધું અને રાજારાણીને કારાવાસમાં નાખી દીધાં. આમ છતાં તે દર સોમવારે ભગવાન શંકરની પૂજા કરે છે.’ સીમન્તિનીએ સખી પાસે આ બધું કહેવડાવી પછી રાજકુમારને પૂછ્યું, ‘તમે કોણ છો? તમારી પાછળ ઊભેલા આ બે કોણ છે? મને એમ લાગે છે કે મેં તમને પહેલાં જોયા છે. તમે સ્વજન જેવા લાગો છો.’ આમ કહી સીમન્તિની બહુ વાર સુધી ધ્રૂસકે ધ્રૂસકે રડતી રહી. પોતાની પ્રિયાના શોકના સમાચાર સાંભળી રાજકુમાર થોડો સમય ચૂપ બેસી રહ્યા. પછી સીમન્તિની ઊભી થઈને રાજકુમારની સામે વારે વારે જોવા લાગી. પહેલાં જોયેલાં શરીરચિહ્નો, સ્વર, અવસ્થાનું પ્રમાણ, રૂપરંગ વગેરેની પરીક્ષા કરીને તેણે માની જ લીધું કે આ મારા પતિ જ છે. મારું હૃદય પણ તેમનામાં પરોવાઈ રહ્યું છે. પરંતુ મને દુર્ભાગીને મરેલા પતિનું દર્શન થાય ખરું? આ સ્વપ્ન છે કે ભ્રમ? મુનિપત્ની મૈત્રેયીએ મને કહ્યું હતું કે ગમે તેવી મુશ્કેલી આવે તો પણ આ વ્રતનું પાલન કરતી રહેજે. એક બ્રાહ્મણે મને દસ હજાર વર્ષનું સૌભાગ્ય સાંપડશે એમ કહ્યું હતું. તે બ્રાહ્મણદેવતાનું વચન ચોક્કસ સત્ય થશે. આ ઈશ્વર વિના બીજું તો કોણ જાણી શકે? મને પ્રતિ દિન મંગલસૂચક શુકન દેખાય છે. પાર્વતીપતિ શંકર જો પ્રસન્ન હોય તો માનવીને માટે શું દુર્લભ હોઈ શકે? આમ જાતજાતના વિચાર કરીને તેની શંકાઓ નિર્મૂળ થઈ ગઈ. તેણે પોતાનું મુખ નીચે કરી દીધું. રાજકુમારે કહ્યું, ‘હું તારા પતિના શોકસંતપ્ત માતાપિતાને આ સમાચાર કહેવા જઉં છું, તારા પતિ તને બહુ જલદી મળશે.’ આમ કહી રાજકુમાર અશ્વ પર સવાર થઈ પોતાના બે સાથીને લઈ પોતાના રાજ્યમાં પહોંચ્યો. નગરઉદ્યાન પાસે ઊભા રહીને નાગરાજપુત્રોને સંહાિસન પર અધિકાર જમાવી બેઠેલા બંધુઓની પાસે મોકલ્યા. નાગકુમારે તેમને કહ્યું, ‘તમે મહારાજ ઇન્દ્રસેનને હમણાં જ કારાવાસમાંથી મુક્ત કરો અને સંહાિસન ખાલી કરો. મહારાજના પુત્ર પાતાળમાંથી પાછા આવ્યા છે. તમે અવઢવમાં ન રહેતા, નહીંતર ચંદ્રાંગદનાં બાણ તમારા પ્રાણ લઈ લેશે. તે યમુનામાં ડૂબીને નાગરાજ તક્ષકને ત્યાં પહોંચ્યા હતા, તેમની સહાય મેળવીને અહીં પાછા આવ્યા છે.’ નાગકુમારની વાત સાંભળીને શત્રુઓએ તે સ્વીકારી લીધી. મહારાજ ઇન્દ્રસેનને તેમના ખોવાયેલા પુત્રના સમાચાર આપી સંહાિસન પાછું સોંપી દીધું. મહારાજને પ્રસન્ન કરવા છતાં તેઓ ભયભીત રહ્યા. મારો પુત્ર આવી રહ્યો છે તે જાણીને રાજા ગદ્ગદ્ થઈ ગયા, રાણી પણ. પછી બધા પ્રજાજનો, મંત્રીઓ, પુરોહિત રાજકુમારને મળ્યા અને રાજકુમાર માતાપિતાનાં ચરણોમાં પડ્યો, રાજારાણીએ પુત્રને ગળે લગાવ્યો. પછી રાજકુમાર નગરજનોને મળ્યા અને પોતાની વાત વિગતે જણાવી. રાજાએ માની લીધું કે મારી પુત્રવધૂએ ભગવાન મહેશ્વરની પૂજા કરીને આ સૌભાગ્ય મેળવ્યું છે. નિષધરાજે આ આખી ઘટના મહારાજ ચિત્રવર્માને જણાવી. એ સાંભળીને રાજા આનંદવિહ્વળ થઈ ગયા, સમાચાર લાવનારાઓને બહુ ધન આપ્યું. પોતાની પુત્રીને બોલાવી તેનાં વૈધવ્યસૂચક ચિહ્નો દૂર કરાવ્યાં અને તેને અલંકારમંડિત કરી. સમગ્ર દેશમાં ઉત્સવ થઈ ગયો. બધાંએ સીમન્તિનીના સદાચારની પ્રશંસા કરી. રાજાએ જમાઈને બોલાવી પુત્રીને વળાવી. રાજકુમાર પત્નીને લઈને પોતાના નગરમાં આવ્યો અને બંને વિહાર કરતા રહ્યાં. તેમને ત્યાં આઠ પુત્ર અને એક કન્યા જન્મ્યા. સીમન્તિની નિત્ય ભગવાનની પૂજા કરતી રહી. (બ્રાહ્મ ખંડ — બ્રહ્મોત્તર ખંડ)

ત્યક્તા રાણી અને તેના પુત્ર ભદ્રાયુની કથા

દશાર્ણ દેશના રાજા વજ્રબાહુની પત્ની સુમતિ પોતાના નવજાત બાળકની સાથે કોઈ અસાધ્ય રોગનો ભોગ બની ગઈ, પરિણામે તે દુષ્ટ રાજાએ તેને વનમાં ત્યજી દીધી. ત્યાં અનેક પ્રકારનાં કષ્ટ ભોગવતી તે મહામહેનતે આગળ વધવા લાગી. બહુ દૂર ગયા પછી તેણે વૈશ્યોનું એક નગર જોયું. ત્યાં ઘણાં સ્ત્રીપુરુષો રહેતાં હતાં. તે નગરનો રક્ષક એક મહાજન વૈશ્ય નામે પદ્માકર હતો. તે બીજા કુબેરના જેવો ધનવાન હતો. તેના ઘરમાં કામ કરતી એક દાસીએ દૂરથી તે રાજપત્નીને જોઈ, રાણીને જોતાંવેત તેની હાલત સમજાઈ ગઈ. તે પોતાના સ્વામી પાસે તેને લઈ ગઈ. વૈશ્યરાજે માંદલાં માદીકરાને જોયાં, પછી એકાંતમાં બધા સમાચાર જાણ્યા. એટલે તેણે રાણીને પોતાના ઘરની પાસે એક મકાનમાં ઉતારો આપ્યો અને તેમને જોઈતી બધી વસ્તુઓની વ્યવસ્થા કરી આપી. તે ઘરમાં સુરક્ષિત હોવા છતાં તેના રોગમાં કશો સુધારો થયો નહીં અને થોડા જ દિવસોમાં તેના પુત્રનો રોગ સાવ અસાધ્ય થઈ ગયો અને તે મરણ પામ્યો. તેના શોકમાં સુમતિ બેસુધ થઈ ગઈ અને ભૂમિ પર પડી ગઈ. પછી વૈશ્યોની સ્ત્રીઓએ તેને બહુ સમજાવી તો પણ તે વિલાપ કરતી રહી, ‘અરે પુત્ર, આમેય બધાં સ્વજનોએ મને ત્યજી દીધી હતી અને હવે તું પણ આ અનાથ માતાને છોડીને ક્યાં ચાલ્યો ગયો?’ તે જ વેળા ઋષભ નામના કોઈ શિવયોગી ત્યાં આવ્યા અને સુમતિને ધીરજ બંધાવાનો પ્રયત્ન કર્યો. જન્મમરણની માયા બહુ વિગતે સમજાવી. ત્યારે સુમતિએ તેમને ગુરુ માનીને પ્રણામ કર્યાં અને કહ્યું, ‘મારો એકનો એક પુત્ર મૃત્યુ પામ્યો, સ્વજનોએ મને ત્યજી દીધી અને આ અસાધ્ય રોગનો ભોગ બની. હવે મારા માટે મૃત્યુ સિવાય બીજી કઈ ગતિ? મૃત્યુ ટાણે તમારાં દર્શન થયાં એટલે હું ધન્ય થઈ ગઈ.’ રાણીની વાત સાંભળી શિવયોગી મૃત બાળક પાસે ગયા અને શિવમંત્રથી મંત્રેલી ભસ્મ લઈ બાળકના મોંમાં તે નાખી એટલે તરત જ તે જીવતો થયો. બાળકે આંખો ખોલી. તેને દૂધ પીવું હતું એટલે તે રડવા લાગ્યો. માની આંખોમાં આનંદનાં આંસુ આવ્યાં અને બાળકને ખોળામાં લઈ લીધું. પછી તે શિવયોગીએ મા અને બાળકના ઝેરી ઘાવાળા શરીરને ભસ્મનો સ્પર્શ કરાવ્યો એટલે બંનેનાં શરીર દિવ્ય થઈ ગયાં. બંને દેવ સમાન થઈ ગયાં. પછી તેમણે રાણીને કહ્યું, ‘પુત્રી, તું દીર્ઘકાળ સુધી જીવતી રહેજે. તને વૃદ્ધાવસ્થાનો સ્પર્શ પણ નહીં થાય. તારો આ પુત્ર ભદ્રાયુ નામથી પ્રસિદ્ધ થશે. તે રાજ્ય મેળવશે. જ્યાં સુધી તારો આ પુત્ર પૂર્ણ વિદ્વાન ન થાય ત્યાં સુધી તું આ વૈશ્યરાજના ઘરમાં જ રહેજે.’ આમ કહી શિવ યોગી પોતાને જ્યાં જવું હતું ત્યાં ચાલ્યા ગયા. ભદ્રાયુ ત્યાં મોટો થવા લાગ્યો. વૈશ્યને પણ સુનય નામનો એક પુત્ર હતો, તે ભદ્રાયુનો મિત્ર બન્યો. બંને એકબીજાને ચાહતા હતા. વૈશ્યરાજે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પુત્રના અને ભદ્રાયુના સંસ્કારવિધિ કરાવ્યા. પછી જનોઈ દેવામાં આવી. અને બંને બાળકોએ ગુરુસેવા કરતા કરતા સંપૂર્ણ વિદ્યાઓ શીખી લીધી. રાજકુમાર સોળ વરસના થયા ત્યારે શિવ યોગી ફરી વૈશ્યરાજને ત્યાં આવ્યા. રાણીએ અને રાજકુમારે વારે વારે પ્રણામ કર્યાં અને પૂજા કરી. શિવયોગીએ પૂછ્યું, ‘પુત્ર, કુશળ તો છે ને! તારી માતાને કોઈ કષ્ટ તો નથી ને? બધી વિદ્યા શીખી લીધી? ગુરુજનોની સેવા કરે છે ને? મારું સ્મરણ કરે છે ખરો?’ આ સાંભળી સુમતિએ પોતાનો પુત્ર તેમના પગમાં મૂકી દીધો. ‘ગુરુદેવ, આ તમારો જ પુત્ર છે. તમે એના પર દયા કરીને તેને સ્વીકારો. શુભ કર્મનો ઉપદેશ આપો.’ આમ રાણીએ કહ્યું એટલે ગુરુએ તેને સનાતન ધર્મનો વિગતે ઉપદેશ આપ્યો… પછી ગુરુએ મોટો ધ્વનિ કરનારો એક શંખ આપ્યો, વળી શત્રુઓનો નાશ કરનાર એક તલવાર આપી, પછી મંત્રેલી ભસ્મ રાજકુમારના આખા શરીરે લગાવી, તેનામાં બાર હજાર હાથીઓનું બળ સીંચ્યું. પછી યોગીએ કહ્યું, ‘આ તલવારની ધાર બહુ તેજ છે. જે તે જોશે તે તરત જ મૃત્યુ પામશે, અને જે શત્રુ આ શંખનો ધ્વનિ સાંભળશે તે બેસુધ થઈ ધરતી પર ઢળી જશે. આ બંને દિવ્ય છે. આના પ્રભાવથી અને ભગવાન શિવના કવચથી, ભસ્મને કારણે તું શત્રુઓ પર વિજય પામીશ. પિતાનું સંહાિસન તને મળશે. તું પૃથ્વીનું રક્ષણ કરજે.’ આમ ભદ્રાયુને બોધ આપીને માતા અને પુત્રની પૂજા સ્વીકારીને શિવયોગી જતા રહ્યા. આ તરફ મગધ દેશના રાજાએ વજ્રબાહુને યુદ્ધમાં હરાવી તેમના પાટનગરને નષ્ટ કરી નાખ્યું. તેમની સ્ત્રીઓનું અને ગાયોનું હરણ કર્યું, વજ્રબાહુને પણ દોરડે બાંધીને પોતાના નગરમાં લઈ ગયા. રાષ્ટ્રના વિનાશના સમાચાર ભદ્રાયુને પણ મળ્યા. પિતાને કેદ કર્યાની અને માતાઓના હરણની ખબર પણ તેને મળી. આ સાંભળી ભદ્રાયુ સિંહગર્જના કરવા લાગ્યો. શંખ, તલવાર લીધાં, કવચ પહેર્યું અને અશ્વ પર સવાર થઈ શત્રુઓને જીતવા તે તેમની સેનામાં પ્રવેશી ગયો અને ધનુષને કાન સુધી ખેંચીને બાણ મારવા લાગ્યો. રાજકુમારનાં બાણ ઝીલતાં ઝીલતાં શત્રુઓ પણ તેના પર ટૂટી પડ્યા. અનેક ઘા થયા છતાં તે જરા પણ વિચલિત ન થયો. તે શિવકવચથી સુરક્ષિત હતો. તેણે ઘણા બધા રથ, હાથી, પદાતિ સૈનિકોને માર્યા. રણભૂમિ પર જ એક રથીને સારથિ સમેત મારીને તેના રથ પર અંકુશ જમાવી દીધો. પોતાના મિત્ર વૈશ્યકુમારને સારથિ બનાવ્યો અને આગળ ગતિ કરી જાણે કે મૃગોના ઝુંડમાં કોઈ સિંહ પેઠો. શત્રુસેનાના બધા બળવાન સેનાપતિ તલવાર ઉગામી માત્ર તેના તરફ જ ધસ્યા. આ જોઈ ભદ્રાયુ તેમની સામે તલવાર ધરીને ઊભો રહી ગયો. ચમકતી આ તલવાર જોઈ બધા સેનાપતિ મૃત્યુ પામ્યા. પછી શત્રુસેનાનો વિધ્વંસ કરવા માટે ભદ્રાયુએ મહાશંખ વગાડ્યો અને એનો ધ્વનિ સાંભળતાંવેંત બધા શત્રુ બેહોશ થઈને ઢળી પડ્યા. તે બધાને મરેલા જેવા માનીને તેમનો વધ તેણે ન કર્યો. પછી તેણે પિતાને અને માતાઓને બંધનમુક્ત કર્યા. આમ જ મુખ્ય મંત્રીઓ, પુરજનોની સ્ત્રીઓ, બાળકો, કન્યાઓ તથા ગોધન — બધાંને છોડાવ્યાં. પછી નગરના રાજા, મંત્રીઓ, મુખ્ય અધિકારીઓ અને સેનાપતિઓને કેદ કરીને નગરમાં આણ્યા. પહેલાં જે લોકો ભાગી ગયા હતા તે બધા પાછા આવ્યા. રાજકુમારનું પરાક્રમ જોઈને બધા નવાઈ પામ્યા, તેઓ વિચારવા લાગ્યા, ‘આ કોઈ સિદ્ધ, તપસ્વી કે દેવતા હોવો જોઈએ. તેણે જે પરાક્રમ કર્યું તે કોઈ માનવી કરી જ ન શકે. આ વીરે નવ અક્ષૌહિણી સેનાને પરાજિત કરી છે.’ ભદ્રાયુના પિતા વજ્રબાહુ આનંદ અને અચરજ પામ્યા, આંખોમાંથી આંસુ વહેવડાવતાં તેઓ સામે આવ્યા અને રાજકુમારે તેમને પ્રણામ કર્યાં. ‘તું કોણ છે, દેવતા, મનુષ્ય કે ગંધર્વ? તારાં માતાપિતા કોણ, તારું વતન કયું, તેં અમને બધાંને શા માટે છોડાવ્યાં? તારા આ ઉપકારનો બદલો તો હજાર જન્મે પણ ચૂકવી નહીં શકું. આ પુત્રો, આ પત્નીઓ, આ રાજ્ય અને આ નગર કરતાંય હું તને વધારે ચાહું છું.’ ભદ્રાયુએ કહ્યું, ‘આ મારો મિત્ર સુનય, હું તેના જ ઘરમાં મારી માતા સાથે રહું છું. મારું નામ ભદ્રાયુ, હું મારી વાત પછીથી કહીશ. અત્યારે તમે મિત્રો અને સ્ત્રીઓની સાથે નગરપ્રવેશ કરો, મનમાંથી ભય કાઢી નાખો. હું પાછો ન આવું ત્યાં સુધી આ શત્રુઓને છોડતા નહીં.’ આમ કહી ભદ્રાયુ પોતાને ઘેર આવ્યો અને માને બધા સમાચાર કહ્યા. રાણી પ્રસન્ન થઈને તે ભેટી પડી, વૈશ્યરાજે પણ બહુ ઉમળકો બતાવ્યો. રાજા વજ્રબાહુ, સ્ત્રીઓ, પુત્રો, મંત્રીઓ સાથે રાજમહેલમાં પ્રવેશ્યા. સવારે શિવ યોગીએ મહારાણી સીમંતિનીના પતિ ચંદ્રાંગદ પાસે જઈને ભદ્રાયુના અલૌકિક પરાક્રમની વાત કરી કહ્યું, ‘રાજન્, તમે તમારી પુત્રી કીર્તિમાલિનીનો વિવાહ રાજકુમાર ભદ્રાયુ સાથે કરો.’ આમ કહી યોગી ચાલ્યા ગયા. પછી રાજા ચંદ્રાંગદે વિવાહ માટે રાજકુમાર ભદ્રાયુને બોલાવ્યો અને પોતાની પુત્રી કીર્તિમાલિની તેની સાથે પરણાવી. ભદ્રાયુના પિતા વજ્રબાહુને પણ બોલાવ્યા અને તેનું સ્વાગત કર્યું. વજ્રબાહુએ જોયું કે શત્રુજિત ભદ્રાયુ વિવાહ કરીને મને પગે લાગી રહ્યો છે, ત્યારે તેને ગળે લગાડી નિષધરાજને કહ્યું, ‘તમારો આ જમાઈ બહુ બળવાન છે. હું એના કુળની વાત સાંભળવા માગું છું.’ આ સાંભળી નિષધરાજે સ્મિતપૂર્વક કહ્યું, ‘રાજન્, આ તમારો જ પુત્ર છે. બાળપણમાં તે રોગી હતો, એટલે તમે મા અને બાળકને વનમાં મોકલી દીધાં. એ અસહાય નારીને એક વૈશ્યના ઘરમાં આશ્રય મળ્યો. થોડા સમયે બાળકનું મૃત્યુ થયું પણ કોઈ યોગીરાજે તેને સજીવન કર્યો, તેમના જ પ્રભાવથી બંનેને દિવ્ય રૂપ સાંપડ્યાં. યોગીએ આપેલા શંખ અને તલવાર વડે, શિવકવચ પહેરી ભદ્રાયુએ યુદ્ધમાં શત્રુઓ પર વિજય મેળવ્યો. તે એકલા જ બાર હજાર હાથીઓનું બળ ધરાવે છે. બધી વિદ્યાઓમાં પારંગત એવા તે હવે મારા જમાઈ પણ છે, તમે મા અને પુત્રને લઈ તમારા નગરમાં જાઓ. તમને ઉત્તમ કલ્યાણ સાંપડશે.’ આમ કહી રાજા પોતાના અંત:પુરમાં રહેલી રાજાની પટરાણીને લઈ આવ્યા. તે વસ્ત્રાલંકારથી સુશોભિત હતાં. વજ્રબાહુને તેમની પત્નીનો મેળાપ કરાવ્યો. આ બધી વાત સાંભળી વજ્રબાહુ બહુ સંકોચ પામ્યા અને આત્મનિંદા કરી. પત્ની અને પુત્રને મળીને તેમને રોમાંચ થયો, બંનેને ભેટ્યા અને બધાને લઈ પોતાના પાટનગરમાં પ્રવેશ્યા. નગરજનો ભદ્રાયુને જોઈને આનંદ પામ્યા. સમય જતાં વજ્રબાહુનું મૃત્યુ થયું અને ભદ્રાયુએ પૃથ્વી પર શાસન કરવા માંડ્યું. ગૃધરાજ હેમરથ સાથે મૈત્રી કરી. થોડા સમયે ભદ્રાયુએ પોતાની પત્ની સાથે વનમાં પ્રવેશ કર્યો. જોયું તો એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી દોડતાં હતાં. બંને ચીસો પાડતાં હતાં, ‘અમને બચાવો, અમને બચાવો.’ આ સાંભળી રાજાએ ધનુષ હાથમાં લીધું, એટલામાં જ એક વાઘે આવીને બ્રાહ્મણીને પકડી લીધી. ‘અરે નાથ, અરે શંભુ, અરે જગદીશ્વર’ અને તે વિલાપ કરવા લાગી. વાઘ બહુ ભયાનક હતો. વાઘે તે બ્રાહ્મણીને જેવી પકડી કે ભદ્રાયુએ તીર માર્યું પણ વાઘ પર તેની કોઈ અસર ન થઈ અને તે બ્રાહ્મણીને પકડીને દૂર લઈ ગયો. પોતાની પત્નીને વાઘ લઈ ગયો એટલે તે બહુ દુઃખી થઈને વિલાપ કરવા લાગ્યો. ‘અરે પ્રિયે, અરે પતિવ્રતા, મને અહીં એકલો મૂકીને તું ક્યાં ચાલી ગઈ? હવે હું જીવીશ કેવી રીતે? રાજન્, તમારાં શસ્ત્રોની તો બહુ પ્રશંસા સાંભળી હતી. ક્યાં છે તે? તમારા મહાન ધનુષનું શું થયું? તમારામાં બાર હજાર હાથીનું બળ હતું તેનું શું થયું? તમારા શંખ, તલવાર અને મંત્રોનું શું થયું? બીજાઓનાં દુઃખ દૂર કરવાં ક્ષત્રિયનો ધર્મ છે. રાજા તો ધન અને પ્રાણ આપીને પણ શરણાગતોની રક્ષા કરે છે. જે દુઃખીઓની પ્રાણરક્ષા કરી નથી શકતા તેમનું જીવવું વ્યર્થ છે.’ આમ બ્રાહ્મણનો વિલાપ સાંભળીને અને તેના મોઢે પોતાની નિંદા સાંભળીને મનોમન તે વિચારવા લાગ્યો, ‘આજે ભાગ્ય બદલાઈ ગયું, મારું પરાક્રમ નષ્ટ થઈ ગયું. મારો ધર્મ નાશ પામ્યો. હવે મારી સંપદા, રાજ્ય અને આયુ પણ નાશ પામશે.’ પછી તેણે બ્રાહ્મણના પગે પડીને તેને ધીરજ બંધાવી, ‘મારું પરાક્રમ નાશ પામ્યું છે. મારા પર કૃપા કરો. શોક જતો કરો. તમને જે જોઈએ તે આપીશ. આ રાજ્ય, આ રાણી, આ મારું શરીર — બોલો તમારે શું જોઈએ છે?’ બ્રાહ્મણે કહ્યું, ‘રાજન્, આંધળાને દર્પણથી શું? જે ભિક્ષા માગીને જીવે તેને ઘર શું કામ લાગે? જે મૂર્ખ છે તે પુસ્તકને લઈને શું કરશે? જેની પાસે સ્ત્રી નથી તે ધનને શું કરશે? મારી પત્ની તો નથી, હવે તમે કામભોગ માટે તમારી રાણી મને આપો.’ રાજા બોલ્યા, ‘બ્રાહ્મણ, શું તમારો આવો ધર્મ છે? ગુરુએ શું તમને આવો ઉપદેશ આપ્યો છે? પારકી સ્ત્રીનો સ્પર્શ સ્વર્ગ અને સુયશનો નાશ કરે છે તે શું તમે નથી જાણતા? પરસ્ત્રીના ઉપભોગથી જે પાપ સાંપડે તે સેંકડો પ્રાયશ્ચિત્તથી પણ દૂર થઈ શકતું નથી.’ બ્રાહ્મણે કહ્યું, ‘રાજન્, હું તપ કરીને બ્રહ્મહત્યા કે મદિરાપાન જેવાં પાપ પણ દૂર કરીશ. પછી પરસ્ત્રીગમન શી વિસાતમાં? તમે તમારી પત્ની મને આપો, નહીંતર નરકે જશો.’ ભદ્રાયુએ મનોમન વિચાર્યું, ‘બ્રાહ્મણની પ્રાણરક્ષા ન થઈ તો મહાપાપ લાગશે. એમાંથી બચવા માટે પત્ની આપી દેવી પડશે. તેને પત્ની આપીને હું ચિતાપ્રવેશ કરીશ.’ એમ વિચારીને રાજાએ ચિતા પ્રગટાવીને બ્રાહ્મણને બોલાવ્યો અને તેને પત્ની સોંપી. પછી દેવતાઓને પ્રણામ કરીને અગ્નિની પરિક્રમા કરી, ભગવાન શિવનું ધ્યાન ધર્યું અને ત્યાં ભગવાન શિવ પ્રગટ થયા. તેમના પાંચ મુખ હતાં, મસ્તક પર ચંદ્રકલા હતી. હાથમાં ત્રિશૂળ જેવાં શસ્ત્ર, અને નંદી પર તે સવાર હતા. રાજાએ તેમની સ્તુતિ કરી. પછી ભગવાને કહ્યું, ‘રાજા, તારી પરીક્ષા કરવા હું બ્રાહ્મણ થયો હતો, પેલો વાઘ તો માયાવી હતો, પેલી બ્રાહ્મણી ગિરિરાજનંદિની ઉમા. તારું ધૈર્ય જોવા માટે જ મેં તારી પત્ની માગી હતી. હવે તું કોઈ દુર્લભ વર માગ.’ ‘તમારું દર્શન એ જ મારે મન વરદાન. મારાં માતાપિતા પાસે તમે રહો.’ આમ વરદાન આપીને ભગવાન ઉમા સાથે અંતર્ધાન થયા. ભદ્રાયુએ કીર્તિમાલિની સાથે હજારો વર્ષ વિહાર કર્યો. (બ્રાહ્મ ખંડ — બ્રહ્મોત્તર ખંડ)

એક નિષાદની કથા

ભૂતકાળમાં પાંચાલ દેશના રાજાને સિંહકેતુ નામનો એક ક્ષત્રિયધર્મી પુત્ર હતો. તે એક વેળા સેવકોને લઈને શિકાર કરવા વનમાં ગયો. રાજકુમારનો એક સેવક ભીલ કુળમાં જન્મ્યો હતો. તે શિકારની શોધમાં આમતેમ ભમતો હતો, ત્યાં તેણે એક જૂનું શિવાલય જોયું. ત્યાં ચબૂતરા ઉપર એક શિવલંગિ પડેલું હતું. પૂર્વજન્મના સંસ્કારને કારણે તેણે એ શિવલંગિ જોયું અને રાજકુમારને બતાવ્યું. ‘જુઓ, આ કેવું સુંદર શિવલંગિ છે. હું હવે આદરપૂર્વક તેની પૂજા કરીશ. મને તમે પૂજાવિધિ બતાવો, જેથી મારા પર શિવ પ્રસન્ન થાય.’ રાજકુમારે હસીને તેને બધો વિધિ બતાવ્યો એટલે ચંડક નામના નિષાદે ઘેર આવીને પૂજન આરંભ્યું. પૂજા કર્યા પછી જ તે પ્રસાદ લેતો. આમ તે પત્ની સાથે પૂજા કરતો રહ્યો અને એમ કરતાં વર્ષો વીતી ગયાં. એક દિવસ જ્યારે તે પૂજા કરવા બેઠો ત્યારે ચિતાની ભસ્મ હતી જ નહીં. તે ભસ્મ શોધવા બધે ભમી વળ્યો છતાં તે મળી નહીં. છેવટે તે થાકીને ઘેર આવ્યો અને પત્નીને કહેવા લાગ્યો, ‘ચિતાભસ્મ તો મળતી નથી, હવે શું કરું? આજે પૂજામાં વિઘ્ન આવ્યું, હું પૂજા વિના તો જીવિત નહીં રહી શકું.’ પતિને આવો વ્યાકુળ જોઈ તે બોલી, ‘તમે ચંતાિ ન કરો, આ આપણું ઘર બહુ જૂનું થઈ ગયું છે. હું એ સળગાવીને તે અગ્નિમાં પ્રવેશી જઈશ. આમ બહુ બધી ચિતાભસ્મ મળશે.’ પતિએ કહ્યું, ‘આ માનવશરીર ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું ઉત્તમ સાધન છે. આ નવયૌવનસંપન્ન શરીર શું કામ તું ત્યજી રહી છે?’ નિષાદપત્ની બોલી, ‘જીવનની સફળતા પરહિત માટે પોતાના પ્રાણ આપી દેવા એમાં છે. વળી જે શંકર ભગવાન માટે પ્રાણત્યાગ કરે તેની તો વાત જ શી? ભગવાન શંકરને માટે પ્રજ્વલિત અગ્નિમાં શરીરનો ત્યાગ કરું એવી મેં ઘોર તપસ્યા ક્યાં કરી છે?’ પોતાની પત્નીની આવી વાત સાંભળીને તેના પતિએ હા પાડી. પછી તેણે સ્નાન કર્યું, અલંકાર ધારણ કર્યા અને અગ્નિની ભક્તિપૂર્વક પ્રદક્ષિણા કરીને મનમાં ભગવાન શંકરનું સ્મરણ કરીને અગ્નિમાં પ્રવેશવા તૈયાર થઈ. ભગવાનની સ્તુતિ કરીને તે અગ્નિમાં પ્રવેશી. તે તરત જ ભસ્મ થઈ ગઈ અને તે ભસ્મ વડે નિષાદે શિવપૂજા કરી. પૂજન કરીને નિયમિત રીતે પ્રસાદ લેવા આવતી પત્નીને યાદ કરી. યાદ કરતાંવેંત તે હાથ જોડીને ઊભી રહી ગઈ. તેનો પતિ તો ભારે નવાઈ પામ્યો, ‘અરે અગ્નિ તો ગમે તેવી વસ્તુને ભસ્મ કરી નાખે. સૂર્ય માત્ર કિરણો વડે દઝાડે, રાજા દંડ દઈને અપરાધીને દઝાડે, બ્રાહ્મણ મનથી દઝાડે પણ મારી પત્ની તો સાચેસાચ અગ્નિમાં ભસ્મ થઈ ગઈ હતી. તે જીવતી કેવી રીતે થઈ? આ સ્વપ્ન છે કે ભ્રમમાં નાખનારી માયા?’ આમ વિચારતાં તેણે પત્નીને પૂછ્યું, ‘તું તો અગ્નિમાં ભસ્મ થઈ ગઈ હતી, અહીં પાછી કેવી રીતે આવી? અને આ શરીર પહેલાંના જેવું કેવી રીતે થઈ ગયું?’ તેની પત્નીએ કહ્યું, ‘જ્યારે હું ઘરમાં આગ લગાડીને તેમાં પ્રવેશી ત્યારે મને કશી સુધબુધ ન રહી. ન મેં આગ જોઈ, ન મેં તાપ અનુભવ્યો. મને એમ જ લાગ્યું કે હું પાણીમાં પ્રવેશી છું. હું અર્ધી ક્ષણમાં સૂતી અને અર્ધી ક્ષણમાં જાગી. તરત જ મેં જોયું કે ઘર સળગી ગયું ન હતું, પહેલાંના જેવું જ છે, અત્યારે હું ભગવાનનો પ્રસાદ લેવા આવી છું.’ આમ બંને વાતો કરી રહ્યા હતા ત્યારે તેમની આગળ એક અદ્ભુત વિમાન આવ્યું, તેના ઉપર ભગવાન શંકરના ચાર ગણ બેઠા હતા, તેમણે દંપતીના હાથ પકડીને વિમાનમાં બેસાડી દીધા. તેમણે શરીરનો ત્યાગ પણ કરવો ન પડ્યો. (બ્રાહ્મ ખંડ — બ્રહ્મોત્તર ખંડ)

શારદાની કથા

આનર્ત દેશમાં ઉત્તમ કુળમાં જન્મેલા વેદરથ નામના એક બ્રાહ્મણ હતા, તેમને ત્યાં જન્મેલી કન્યાનું નામ શારદા પાડ્યૂં. તે જ્યારે બાર વરસની થઈ ત્યારે પદ્મનાભ નામના એક પ્રૌઢ બ્રાહ્મણે તેનું માગું કર્યું, તે બહુ ધનવાન, શાંત અને રાજાના મિત્ર હતા. વેદરથે ભયથી હા પાડી અને એક બપોરે લગ્ન થયું. પદ્મનાભ જ્યારે સંધ્યા કરવા એક સરોવરકાંઠે ગયા ત્યારે અંધારામાં એક સાપે તેમને ડંખ માર્યો અને તે મૃત્યુ પામ્યા. વિવાહ કર્યા પછી તરત જ તેમનું મૃત્યુ થયું એટલે સ્વજનો વિલાપ કરવા લાગ્યા. મરનારના અગ્નિસંસ્કાર કરીને બધા પોતપોતાને ઘેર ગયા. શારદા પિતાને ઘેર જ રહી ગઈ. એક દિવસ નૈધ્રુવ નામના અંધ મુનિ શિષ્યનો હાથ પકડી શારદાને ઘેર આવ્યા. ઘરમાં બીજું કોઈ ન હતું, એટલે શારદાએ પાસે જઈને કહ્યું, ‘અહીં બેસો, તમારું સ્વાગત છે. તમને મારા નમસ્કાર. તમારી શી સેવા કરું?’ એમ કહી તે મુનિના પગ ધોવડાવ્યા અને પંખો નાખવા લાગી. થાકેલાપાકેલા મુનિને સ્નાન કરાવ્યું અને ભોજન કરાવ્યું. પછી તૃપ્ત થઈને તે કન્યાને આશીર્વાદ આપ્યા, ‘પતિ સાથે વિહાર કરીને ઉત્તમ પુત્ર મેળવજે. સંસારમાં બહુ કીર્તિ પામી દેવકૃપા મેળવજે.’ આ સાંભળી શારદાને નવાઈ લાગી, ‘મુનિવર, તમારું વચન સત્ય જ હોય, કદી અસત્ય ન હોય, પણ મારા જેવી દુર્ભાગી માટે તે વચન સાચું કેવી રીતે થશે? હું તો વિધવા છું. તમારા આશીર્વાદ મને કેવી રીતે ફળશે?’ મુનિએ કહ્યું, ‘હું અંધ હોવાને કારણે તને જોઈ ન શક્યો, પણ તારા માટે જે કહ્યું તે નિશ્ચિત સિદ્ધ કરીશ. તું ઉમામહેશ્વર વ્રત કરજે.’ શારદા બોલી, ‘તમે બતાવેલું વ્રત કાળજી રાખીને પાળીશ. મને એ વ્રત વિસ્તારીને કહો.’ મુનિએ તેને વ્રતનો વિધિ વિસ્તારથી સમજાવ્યો. શારદાએ વ્રત કરવા માંડ્યું અને એમ કરતાં એક વરસ વીતી ગયું. પિતાના ઘરમાં જ વ્રત ઉજવ્યું. બ્રાહ્મણોને દક્ષિણા આપી. તે દિવસે પણ શારદાએ ઉપવાસ કરીને શંકરનું પૂજન કર્યું અને આખી રાત તે જાગતી રહી. શારદા અને મુનિની તપસ્યાથી સંતુષ્ટ થઈ જગન્માતા પાર્વતી તેમની આગળ પ્રગટ થયાં, અને તે જ વેળા અંધ મુનિને નેત્રજ્યોતિ સાંપડી. બંને પાર્વતીમાતાને પગે લાગ્યા. માતાએ મુનિને વરદાન માગવા કહ્યું. મુનિએ કહ્યું, ‘આ શારદા વિધવા છે. હું અંધ હોવાને કારણે તેને જોઈ શક્યો ન હતો એટલે મેં તો આશીર્વાદ આપ્યા કે તું પતિ સાથે લાંબો સમય વિહાર કરીને એક પુત્રને જન્મ આપજે. હવે હે માતા, તમે મારા આ વચનને સાર્થક કરી આપો.’ પાર્વતીએ કહ્યું, ‘આ શારદા પૂર્વજન્મમાં એક દ્રવિડ બ્રાહ્મણની બીજી પત્ની હતી. તેનું નામ ભામિની હતું. તે પતિને બહુ વહાલી હતી. પોતાના રૂપથી અને વશીકરણ જેવા ઉપાયોથી તેણે પતિને વશ કરી લીધા હતા. તેનો પતિ આગલી પત્ની પાસે જતો જ ન હતો. પતિસમાગમથી વંચિત હોવાને કારણે તે પુત્ર વગરની રહી. મનમાં ને મનમાં તે બળ્યા કરતી હતી, એવા જ સમયે તેનું મૃત્યુ થયું. ભામિનીના ઘરની પાસે એક યુવાન બ્રાહ્મણ રહેતો હતો. તે ભામિનીને જોઈ તેના પર મોહી પડ્યો હતો. એક દિવસ તેણે ભામિનીનો હાથ પકડી લીધો. આ સ્ત્રીએ ક્રોધે ભરાઈને તેને દૂર ધકેલી દીધો. તે રાતદિવસ ભામિનીનો વિચાર કરતાં કરતાં મૃત્યુ પામ્યો. તેણે પોતાના પતિને વશ કરી લીધો હતો અને જેઠાણીને પતિથી દૂર કરી દીધી હતી તેને કારણે આ જન્મમાં તે વિધવા થઈ. જે સ્ત્રીઓ પતિપત્નીમાં વિયોગ કરાવે છે તે એકવીસ જન્મ સુધી વિધવા રહે છે, પેલો કામમોહિત યુવાન પારકી સ્ત્રીના વિરહથી દુઃખી થઈને મૃત્યુ પામ્યો હતો તે આ જનમમાં માત્ર પાણિગ્રહણ કરીને મૃત્યુ પામ્યો. પૂર્વજન્મમાં જે આનો પતિ હતો તે પાંડ્ય દેશમાં એક બ્રાહ્મણ તરીકે જન્મ્યો છે. તેની પાસે સંપત્તિ છે, સ્ત્રી છે. આ શારદા તે પતિ સાથે સ્વપ્નમાં પ્રત્યેક રાતે સમાગમ કરીને એક વેદજ્ઞ પુત્ર પામશે. તે બ્રાહ્મણ પણ પોતાના પુત્રને જોશે. પૂર્વજન્મમાં તેણે મારી આરાધના કરી છે એટલે જ તેને વરદાન આપવા અહીં પ્રગટ થઈ છું.’ પછી માતાએ શારદાને કહ્કહ્યું, ‘પુત્રી, ક્યારેય પણ કોઈ દેશમાં સ્વપ્નમાં જોયેલા પૂર્વપતિને જુએ તો સમજી લેજે કે તે તારો પતિ છે. તે પણ તને જોઈને ઓળખી લેશે. તમારી વચ્ચે વાતચીત થશે. તે વખતે તું તારો પુત્ર તેને સોંપી દેજે. સ્વપ્નમિલન સિવાય ક્યારેય શારીરિક સંબંધ ન રાખીશ. તે જ્યારે મૃત્યુ પામે ત્યારે તેની સાથે જ તું પણ ચિતામાં પ્રવેશજે. પછી તું મારા ધામમાં આવીશ.’ આમ કહી પાર્વતીમાતા અંતર્ધાન થઈ ગયાં. શારદા આવું વરદાન પામીને બહુ આનંદ પામી. પછી સવારે તે મુનિએ માતાપિતાને બધી વાત કહી. આમ શારદાએ થોડા દિવસ સ્વપ્નમાં પતિ સાથે સમાગમ કર્યો અને તેને કારણે તેને દિવસો રહ્યા. વિધવા સગર્ભા થઈ તે જાણીને લોકો તેને ધિક્કારવા લાગ્યાં. મૃત પતિના સ્વજનોએ જ્યારે આ કડવી વાત સાંભળી ત્યારે બધા શારદાના પિતાને ત્યાં આવ્યા. બધાએ વડીલો સાથે ચર્ચા કરી. સંકોચથી શરમાતી સગર્ભા શારદાને બોલાવી બધાએ તેને ઠપકો આપ્યો. કેટલાક નિર્દય વૃદ્ધોએ ચુકાદો આપ્યો, ‘આ પાપી બંને કુળનો નાશ કરનારી છે તેનું માથું મુંડાવી દો, નાકકાન કાપીને ગામની બહાર કાઢી મૂકો.’ આ સાંભળી કેટલાક તૈયાર થઈ ગયા. તે વેળા આકાશવાણી થઈ, ‘આ કન્યાએ ન કોઈ પાપ કર્યું છે, ન કુળને કલંકિત કર્યું છે, નથી તેના પાતિવ્રત્યનો ભંગ થયો. આ સ્ત્રી સદાચારી છે. હવે પછી જે તેને કુલટા કે વ્યભિચારિણી કહેશે તેની જીભ કપાઈ જશે.’ આ આકાશવાણી સાંભળીને તેના માતાપિતાને તથા બીજાઓને બહુ આનંદ થયો. કેટલાક શંકાશીલ બોલ્યા કે આ આકાશવાણી ખોટું બોલે છે. આમ કહેતાંવેંત તેમની જીભ કપાઈ ગઈ. પછી તો બધાં જ સ્વજનોએ શારદાની પ્રશંસા કરી. બધી સ્ત્રીઓ પ્રસન્ન થઈ ગઈ. કેટલાક બોલ્યા, ‘દેવતાની વાત કદી અસત્ય ન હોય. પણ એક વાત સમજાતી નથી કે તેણે ગર્ભ કેવી રીતે ધારણ કર્યો?’ કોઈ વૃદ્ધે દાખલા દલીલો કરીને તે ઘટનાને ભગવાનની લીલા તરીકે ઓળખાવી. પછી કેટલીક સ્ત્રીઓએ તેને એકાંતમાં આ બાબતે પૂછ્યું, શારદાએ તેમને બધી વાત સમજાવી. પછી સમય જતાં બાલસૂર્ય જેવા પુત્રને શારદાએ જન્મ આપ્યો. દસ વરસ સુધીમાં તો તેણે વેદ ભણી લીધા. પછી શિવપર્વ આવ્યું એટલે બધાની સાથે શારદા પુત્રને લઈ ગોકર્ણ તીર્થમાં ગઈ. ત્યાં તેણે પૂર્વજન્મના પતિને જોયો. તેમને જોઈને તે ભાવવિભોર બની ગઈ. બ્રાહ્મણ પણ રૂપ અને લક્ષણોથી શારદાને ઓળખી ગયો, સ્વપ્નમાં ભોગવેલી પત્નીને તથા પુત્રને જોઈ તે અચરજ પામ્યો. તેની પાસે જઈને પૂછ્યું, ‘તું કોણ છે, કોની સ્ત્રી છે, કોની પુત્રી છે, વતન કયું?’ શારદાએ પોતાની કથા કહી. પુત્ર વિશે પૂછ્યું ત્યારે તે બોલી, ‘આ મારો જ પુત્ર છે. મારા નામથી તેને બધા શારદેય કહે છે.’ આ સાંભળી તેના પતિએ પૂછ્યું, ‘તારો પતિ તો લગ્ન કરીને તરત મરી ગયો હતો, તો પછી આ પુત્રનો જન્મ કેવી રીતે થયો?’ હવે શારદાએ દેવી સાથે થયેલી વાત કહી અને પોતાનો પુત્ર સોંપી દીધો. બ્રાહ્મણ પ્રસન્ન થયો અને શારદાના માતાપિતાની આજ્ઞા લઈ તે શારદાને તથા તેના પુત્રને પોતાને ઘેર લઈ ગયો. ઘણો સમય વીત્યો એટલે તે બ્રાહ્મણનું મૃત્યુ થયું અને શારદાએ તેની ચિતામાં પ્રવેશી પતિનું અનુસરણ કર્યું. બંને દિવ્ય વિમાનમાં બેસી કૈલાસમાં ગયાં. (બ્રાહ્મ ખંડ — બ્રહ્મોત્તર ખંડ)

વાલ્મીકિ કથા

પ્રાચીન કાળમાં સુમતિ નામના એક ભૃગુવંશી બ્રાહ્મણ હતા. તેમની પત્ની કૌશિકવંશની કન્યા હતી. સુમતિને એક પુત્ર જન્મ્યો, તેનું નામ અગ્નિશર્મા. પિતાની ઇચ્છા હોવા છતાં તે વેદાભ્યાસ કરતો ન હતો. એક વાર તેમના પ્રદેશમાં લાંબો સમય વરસાદ ન પડ્યો. ઘણા બધા લોકો દક્ષિણ દિશામાં જવા માંડ્યા. સુમતિ પણ પત્ની અને પુત્રને લઈને વિદિશાના વનમાં ગયા અને ત્યાં આશ્રમ ઊભો કરીને રહેવા લાગ્યા. અગ્નિશર્મા લૂંટારુઓ સાથે ભળી ગયો. જે કોઈ રસ્તે મળે તેને મારીને લૂંટી લેતો હતો. તેને પોતાના બ્રાહ્મણત્વની સ્મૃતિ ન રહી. વેદ ભુલાયા, ધ્યાન કરવાનું ન રહ્યું. એક વેળા તીર્થયાત્રા કરવા નીકળેલા સપ્તષિ તે રસ્તે થઈને નીકળ્યા. અગ્નિશર્માએ તેમને મારવાની ધમકી આપી કહ્યું, ‘આ બધાં વસ્ત્ર, છત્ર, પગરખાં ઉતારી દો.’ તેની વાત સાંભળીને અત્રિએ કહ્યું, ‘તારા મનમાં અમને દુઃખ પહોંચાડવાનો વિચાર આવ્યો કેવી રીતે? અમે તો તપસ્વી છીએ અને તીર્થયાત્રા કરવા નીકળ્યા છીએ.’ અગ્નિશર્મા બોલ્યો, ‘મારા માતાપિતા, પત્ની અને પુત્ર છે. તેમનું પાલનપોષણ હું કરું છું. એટલે આ કામ કરવું પડે છે.’ અત્રિએ કહ્યું, ‘તું તારા પિતા પાસે જઈને પૂછ કે હું તમારા બધા માટે પાપ કરું છું તે પાપ કોને અડશે? જો તે પાપ કરવાની આજ્ઞા ન આપે તો તારે પ્રાણીઓનો વધ ન કરવો.’ અગ્નિશર્મા બોલ્યો, ‘હજુ સુધી તો મેં ક્યારેય આવી વાત પૂછી નથી, આજે તમારી સાથે વાત કરતાં આ સમજાયું છે. હવે હું તેમને પૂછીને આવું છું, હું પાછો ન આવું ત્યાં સુધી તમે અહીં રહેજો.’ આમ કહીને અગ્નિશર્મા તરત જ પોતાના પિતા પાસે જઈને બોલ્યો, ‘પિતાજી, ધર્મનાશથી અને બીજાઓને યાતના આપવાથી મોટું પાપ થાય છે. મારે ગુજરાન માટે આ પાપ કરવું પડે છે, તો કહો, આ પાપ કોને લાગે?’ માતાપિતાએ ઉત્તર આપ્યો, ‘તારા પાપ સાથે અમારે કોઈ લેવાદેવા નથી. તું જે કરે તે તું જાણે. તેં જે કર્યું તે તારે ભોગવવાનું.’ પછી અગ્નિશર્માએ પોતાની પત્નીને પણ પૂછ્યું, તેણે પણ એવો જ ઉત્તર આપ્યો, ‘આ પાપ સાથે મારે કોઈ સંબંધ નથી, બધું પાપ તમને જ લાગશે.’ તેણે પોતાના પુત્રને પૂછ્યું. તેણે ઉત્તર આપ્યો, ‘હું તો હજુ બાળક છું.’ તેમની વાતચીત અને વ્યવહાર સમજીને અગ્નિશર્મા મનોમન બોલ્યો, ‘અરે, મારું તો આવી જ બન્યું. હવે મારે એ તપસ્વીઓનું શરણ સ્વીકારવું પડશે.’ પછી તેણે જેનાથી તે પ્રાણીઓનો વધ કરતો હતો તે ડંડો ફેંકી દીધો અને તે મુનિઓ આગળ ઊભો રહી ગયો. ત્યાં તે તેમના પગે પડ્યો અને બોલ્યો, ‘તપસ્વીઓ, મારા માતાપિતા, પત્નીપુત્ર કોઈ નથી, બધાએ મારો ત્યાગ કર્યો છે. હવે મને રસ્તો સૂઝાડી નરકમાંથી બચાવો.’ તેની આ વાત સાંભળીને ઋષિઓએ અત્રિ મુનિને કહ્યું, ‘તમારી વાતથી જ તેને બોધ પ્રાપ્ત થયો છે, તો તમે જ એના પર કૃપા કરો. તે તમારો જ શિષ્ય બને.’ અત્રિએ તેમની વાત સ્વીકારીને અગ્નિશર્માને કહ્યું, ‘તું આ વૃક્ષ નીચે બેસીને રામનામનો મંત્ર જપ, તેનાથી તને સિદ્ધિ પ્રાપ્ત થશે.’ એમ કહી બધા ઋષિઓ ત્યાંથી જતા રહ્યા. અગ્નિશર્મા તેર વર્ષો સુધી મુનિએ બતાવેલા ધ્યાનયોગમાં પ્રવૃત્ત રહ્યો. તે સ્થિર થઈ ત્યાં બેસી રહ્યો. તેના ઉપર ઊધઈ જામી ગઈ. તેર વર્ષો પછી તે સપ્તષિર્ઓ ત્યાંથી પસાર થયા ત્યારે રાફડામાંથી આવતો રામનામનો ધ્વનિ તેમણે સાંભળ્યો. બધાને બહુ નવાઈ લાગી. તેમણે રાફડો લાકડા વડે દૂર કર્યો એટલે અગ્નિશર્મા દેખાયો. તેણે ઊભા થઈને તપના તેજે ઝળહળતા બધા ઋષિઓને પ્રણામ કર્યાં અને તે બોલ્યો, ‘મુનિવરો, તમારી જ કૃપાથી આજે મને શુભ જ્ઞાન મળ્યું છે, અત્યાર સુધી તો હું પાપના કળણમાં ડૂબેલો હતો. તમે મારો ઉદ્ધાર કર્યો.’ તેની વાત સાંભળીને સપ્તષિર્ઓ બોલ્યા, ‘તું એક ચિત્તે વલ્મીકમાં બેઠો રહ્યો એટલે તું આ પૃથ્વી ઉપર વાલ્મીકિ નામથી પ્રસિદ્ધ થઈશ.’ એમ કહીને મુનિઓ ચાલ્યા ગયા અને વાલ્મીકિએ રામાયણની રચના કરી. (આવન્ત્ય ખંડ)

સત્યનારાયણ વ્રતની કથા

પ્રાચીન કાળમાં ઉલ્કામુખ નામના સત્યવાદી, જિતેન્દ્રિય, પરાક્રમી રાજા થઈ ગયા. તે રાજા દરરોજ મંદિરમાં જઈ બ્રાહ્મણોને ધન આપી સંતુષ્ટ કરતા. તેમની પત્ની ભદ્રશીલા પતિપરાયણા, કમલવદના હતી. રાજા રાણીની સાથે સમુદ્રકાંઠે જઈ સત્યનારાયણનું વ્રત નિયમિત રીતે કરતા હતા. એક દિવસ જ્યારે રાજા વ્રત કરી રહ્યા હતા ત્યારે સાધુ નામનો વાણિયો ત્યાં આવ્યો. તે વેપાર કરવા વિવિધ પ્રકારનાં રત્ન અને બીજું બધું નૌકામાં ભરી લાવ્યો હતો. સમુદ્રકાંઠે નૌકા નાંગરીને તેણે વ્રત કરતા રાજાને જોઈને પૂછ્યું, ‘રાજન્, ભક્તિભાવથી તમે આ કોનું વ્રત કરી રહ્યા છો? મારે આ જાણવું છે. તો તમે મને કહો.’ રાજાએ કહ્યું, ‘હું સ્વજનો સાથે અદ્વિતીય વિષ્ણુ ભગવાનની પૂજા કરી રહ્યો છું. મારું આ વ્રત પુત્રપ્રાપ્તિ માટે છે.’ એટલે સાધુએ પણ તે વ્રતનો વિધિ પૂછ્યો. તે પણ નિ:સંતાન હતો, ‘હું પણ આ વ્રત સંતાનપ્રાપ્તિ માટે કરવા માગું છું.’ આમ કહી સાધુ વાણિયાએ રાજા પાસેથી વ્રતનો બધો વિધિ જાણી લીધો અને વેપારધંધાનું કામ પૂરું કરીને તે ઘરે આવ્યો. થોડા જ દિવસોમાં તેની પત્ની સગર્ભા થઈ અને યોગ્ય સમયે તેણે એક સુંદર કન્યાને જન્મ આપ્યો. તે તો શુક્લ પક્ષના ચંદ્રની જેમ રાતે ન વધે એટલી દિવસે અને દિવસે ન વધે એટલી રાતે વધવા લાગી. વાણિયાએ તેના સંસ્કાર કરાવીને તેનું નામ પાડ્યું કલાવતી. પછી એક દિવસે સાધુ વાણિયાને તેની પત્ની લીલાવતીએ કહ્યું, ‘સ્વામી, તમે બહુ પહેલાં સત્યનારાયણના વ્રતની પ્રતિજ્ઞા લીધી હતી, તે વ્રત તમે કરતા કેમ નથી?’ સાધુ વાણિયાએ ઉત્તર આપ્યો કે ‘હું કલાવતીના વિવાહ વખતે આ વ્રત કરીશ.’ આમ કહી પત્નીને ધીરજ બંધાવી તે સમુદ્રકાંઠે જતો રહ્યો. પછી પુત્રીના લગ્ન માટે યોગ્ય પાત્ર શોધવા તેણે માણસ મોકલ્યા. તે માણસ કલાવતીને માટે એક ઉત્તમ વરની શોધ કરીને તે વણિકને લઈને ઘેર આવ્યો. સાધુ વાણિયો તે સુંદર અને ગુણવાન વણિકપુત્રને જોઈ રાજી થયો અને તેણે પુત્રીનો વિવાહ કરી દીધો. દુર્ભાગ્યે તે વ્રતની વાત વાણિયો પાછો ભૂલી ગયો. એટલે ભગવાન તેના પર ક્રોધે ભરાયા. થોડા દિવસે સાધુ વાણિયો જમાઈને લઈને વેપાર માટે પરદેશ ગયો. રાજા ચંદ્રકેતુના રાજ્યમાં સમુદ્રકાંઠે રત્નસાર નગરમાં પહોંચ્યો. તે વેળા સત્યનારાયણ ભગવાને સાધુને જૂઠો જાણીને શાપ આપ્યો, ‘થોડા જ દિવસોમાં તારા પર દુઃખના પહાડ તૂટી પડશે.’ એક દિવસ કોઈ ચોરે રાજમહેલમાં ચોરી કરી અને ધન લઈને સાધુના નિવાસસ્થાન પાસેથી જઈ રહ્યો હતો ત્યારે તેણે જોયું કે રાજાના સૈનિકો આવી રહ્યા છે. તેણે ગભરાઈને બધું ધન ત્યાં મૂકી દીધું અને તે ભાગી ગયો. સૈનિકોએ જોયું તો સાધુના ઘર પાસે બધું ધન પડ્યું હતું, તેઓ સસરા અને જમાઈને પકડીને બંનેને રાજા પાસે લઈ ગયા. રાજાના કહેવાથી બંનેને કારાવાસમાં પૂરી દીધા. કોઈએ કશો વિચાર ન કર્યો, બંનેએ પોતાના બચાવમાં બહુ કહ્યું, પણ ભગવાનની માયાને કારણે કોઈએ કશું સાંભળ્યું નહીં. રાજાએ તેમની બધી માલમિલકત છિનવી લીધી. આ બાજુ લીલાવતી અને કલાવતી પર પણ આપત્તિ આવી પડી. ઘરમાં જે કંઈ ધન હતું તે બધું ચોરો લઈ ગયા. લીલાવતી માનસિક અને શારીરિક મુશ્કેલીમાં મુકાઈ ગઈ અને ખાવાપીવાના પણ સાંસાં પડવા લાગ્યાં. કલાવતી પણ અન્ન માટે ભટકવા લાગી. એક દિવસ ભૂખે પીડાતી તે કોઈ બ્રાહ્મણને ઘેર પહોંચી. ત્યાં જોયું તો સત્યનારાયણનું વ્રત ચાલતું હતું. તે ત્યાં જ બેસી ગઈ અને કથા સાંભળી. ભગવાન પાસે પોતાના મનોરથ પૂર્તિ માટે પ્રાર્થના કરી. પછી પ્રસાદ લઈને તે ઘેર પહોંચી. લીલાવતીએ પુત્રીને બહુ ઠપકો આપ્યો, ‘તું આટલી રાત સુધી ક્યાં ગઈ હતી, તારા મનમાં શું છે?’ કલાવતીએ કહ્યું, ‘મા, એક બ્રાહ્મણને ઘેર સત્યનારાયણનું વ્રત ચાલતું હતું. હું ત્યાં હતી. આ વ્રત આપણા મનોરથ પાર પાડે છે.’ કન્યાની વાત સાંભળીને લીલાવતી એ વ્રત કરવા તૈયાર થઈ અને સ્વજનો સાથે એ વ્રત કર્યું. ‘મારા પતિ અને જમાઈ જલદી ઘેર પાછા આવે. મારા પતિના અને જમાઈના અપરાધ માફ કરજો.’ વણિકપત્નીના વ્રતથી ભગવાન પ્રસન્ન થયા અને ચંદ્રકેતુને સ્વપ્નમાં દર્શન આપી કહ્યું, ‘સવારે તે બંનેને છોડી મૂકજે, તેમનું જે ધન લઈ લીધું છે તેનાથી બમણું ધન પાછું આપજે. નહીંતર હું તારા રાજ્યને પુત્ર સમેત નષ્ટભ્રષ્ટ કરીશ.’ રાજાની આજ્ઞાથી તે બંનેને છોડી મૂક્યા. તે બંનેને જૂની વાતો યાદ આવી અને ભગવાન સત્યનારાયણનો મહિમાનું સ્મરણ કરી નવાઈ પામ્યા. રાજાને તેમણે પ્રણામ કર્યાં, રાજાએ પણ તેમને કહ્યું, ‘દૈવવશાત્ તમને બહુ દુઃખ પડ્યું, હવે તમે મુક્ત અને નિર્ભય છો.’ પછી રાજાએ તે બંનેને સુવર્ણ અને રત્નજડિત અલંકારો આપ્યા અને પડાવી લીધેલા ધન કરતાં બમણું ધન આપી તેમને ઘેર જવા કહ્યું. સાધુ રાજાને પ્રણામ કરી બોલ્યો, ‘તમારી કૃપાથી હું હવે ઘેર જઈ શકીશ.’ પછી તે સાધુએ બ્રાહ્મણોને દાન આપીને ઘેર જવાની તૈયારી કરી. થોડે દૂર એક સાધુના વેશે આવેલા ભગવાન સત્યનારાયણે તેને પૂછ્યું, ‘આ તારી નૌકામાં શું ભરેલું છે?’ ત્યારે છકી જઈને સાધુએ કહ્યું, ‘તમારે કેમ પૂછવું પડે છે? રૂપિયા જોઈએ છે? મારી નૌકામાં તો વેલપાંદડાં છે.’ આ સાંભળી ભગવાને કહ્યું, ‘તમારી વાણી સત્ય થાઓ.’ થોડે દૂર ગયા પછી સાધુએ નૌકા પર જઈને જોયું તો નૌકામાં વેલપાંદડાં ભરેલાં હતાં. તે તો આ જોઈને બેસુધ થઈ ગયો. થોડી વારે તે સ્વસ્થ થયો ત્યારે તેના જમાઈએ કહ્યું, ‘તમે શોક કેમ કરો છો? પેલા સાધુના શાપને કારણે આમ થયું છે. આપણે તેમને પ્રાર્થના કરીએ, તે સર્વશક્તિમાન છે.’ જમાઈની વાત સાંભળી સાધુ દોડીને તેમની પાસે ગયો અને બોલ્યો, ‘હું તો દુરાત્મા છું. તમારી માયાથી મુગ્ધ બનીને ગમેતેમ બોલ્યો. મને ક્ષમા કરો. સાધુઓ તો ક્ષમા કરતા જ હોય છે.’ અને આમ કહી તે વારે વારે પ્રણામ કરવા લાગ્યો. તે જોઈને ભગવાન બોલ્યા, ‘વિલાપ ન કર.મારું અપમાન કરીને તું મારાથી વિમુખ થઈ ગયો હતો. એટલે જ વારે વારે તને દુઃખ ભોગવવાં પડે છે.’ પછી સાધુ વાણિયાએ ભગવાનની સ્તુતિ વારે વારે કરી એટલે ભગવાને પ્રસન્ન થઈ તેને વરદાન આપ્યું. પછી સાધુ વાણિયાએ જોયું તો નૌકા ધનરત્નોથી ભરેલી છે. ‘સત્યનારાયણની કૃપાથી બધું હેમખેમ પાર ઊતર્યું છે.’ એમ કહી મિત્રો સાથે ભગવાનની કથા કરી અને યાત્રા આગળ ધપાવી, નૌકા સડસડાટ ચાલવા લાગી. બંને તેમના વતનમાં આવી ગયા. સાધુએ જમાઈને કહ્યું, ‘જુઓ, આ આપણી નગરી.’ સાધુએ એક દૂત મોકલ્યો અને તેણે ઘેર જઈને લીલાવતીને સમાચાર આપ્યા, ‘તમારા પતિ ઘણી સંપત્તિ લઈને જમાઈ સાથે આવી પહોંચ્યા છે.’ આ સમાચાર સાંભળી તે બહુ રાજી થઈ અને સત્યનારાયણની પૂજા કરીને કહ્યું, ‘હું આગળ જઉં છું, તું પણ ચાલ.’ પણ કલાવતી પ્રસાદ લીધા વિના જ નીકળી પડી. એટલે ભગવાન કોપ્યા અને જમાઈ સમેત આખી નૌકા અદૃશ્ય થઈ ગઈ. કલાવતીએ પતિને ન જોયા એટલે બેસુધ થઈ ગઈ. પુત્રીની આ દશા જોઈને સાધુ દુઃખી થયો, તેને નવાઈ લાગી, બીજા માણસો પણ અચરજ પામ્યા. આ જોઈને લીલાવતીએ કહ્યું, ‘મેં હમણાં તો જમાઈને જોયા હતા, કયા દેવે તેનું હરણ કર્યું? બધાં સ્વજનો પણ વિલાપ કરવા લાગ્યા. કલાવતીએ પતિને ડૂબેલો જાણી તેની પાદુકા લઈને સતી થવાનો વિચાર કર્યો. ધર્મજ્ઞ સાધુએ પોતાની પુત્રીની આ દશા જોઈ વિચાર્યું કે સત્યનારાયણ ભગવાનની માયાથી જ આ બધું થયું છે. હવે હું ધામધૂમથી વ્રત કરીશ.’ સાધુ વાણિયાએ લોકોને બોલાવી વ્રત કરવાનો નિશ્ચય જણાવ્યો અને ભગવાનને તે પ્રણામ કરવા લાગ્યો. ત્યાં આકાશવાણી થઈ, ‘તારી પુત્રી મારી કથાનો પ્રસાદ લીધા વિના આવી છે એટલે તેનો પતિ અદૃશ્ય થયો છે, તે ઘેર જાય અને પ્રસાદ લઈને આવશે તો તે પતિને જોઈ શકશે.’ કલાવતી આ વાણી સાંભળી ઘેર ગઈ, પ્રસાદ લઈ પાછી આવી અને જોયું તો બધું હેમખેમ હતું. પછી તેણે પિતાને ઘેર જવા કહ્યું, સાધુએ ભગવાનનું વ્રત કર્યું અને ત્યાર પછી દરેક સંક્રાંતમાં અને દર પૂનમે વ્રત કરતો થયો.

પ્રાચીન કાળમાં વંશધ્વજ નામના એક રાજા થઈ ગયા. તે પ્રજાપાલન સારી રીતે કરતા હતા. એક દિવસ તે વનમાં મૃગયા માટે ગયા. ત્યાં જઈ અનેક પ્રાણીઓ માર્યાં અને પછી આરામ કરવા એક વડના ઝાડ નીચે બેઠા. જોયું તો ગોવાળિયા બહુ ભાવપૂર્વક સત્યનારાયણનું વ્રત કરી રહ્યા હતા. રાજાએ પૂજા જોઈ પણ અભિમાનને કારણે ત્યાં તે ગયો નહીં, પ્રણામ પણ ન કર્યાં. ગોવાળો રાજા પાસે પ્ર્રસાદ લઈને આવ્યા પણ તેણે પ્રસાદ લીધો નહીં. પરિણામે તેમના સો પુત્રો મરી ગયા, બધી સંપત્તિ નષ્ટ પામી. પછી તેમણે વિચાર્યું, ‘ભગવાને જ આ બધો વિનાશ કર્યો છે.’ એટલે ગોવાળોએ જ્યાં પૂજા કરી હતી ત્યાં જઈને તેમણે ભક્તિભાવથી પૂજા કરી, એટલે તે પાછા હતા તેવા ને તેવા થઈ ગયા, પુત્ર, સંપત્તિ બધું પાછું મળ્યું. (આવન્ત્ય ખંડ, રેવા ખંડ)

કર્ણોત્પલાની કથા

પ્રાચીન કાળમાં સત્યસન્ધ નામના રાજા ઇક્ષ્વાકુ કુળમાં થઈ ગયા. તેમને ત્યાં એક કન્યા જન્મી. બારમા દિવસે મંત્રીઓ અને બ્રાહ્મણો સાથે ચર્ચા કરીને તેમણે નક્કી કર્યું, ‘મારી આ કન્યાના કાન કમળપત્ર જેવા છે એટલે તેનું નામ કર્ણોત્પલા પાડીએ.’ પછી તો તે કન્યા દિવસે દિવસે મોટી થવા લાગી. આમ કરતાં તે યુવાન થઈ. તેને જોઈને રાજા વિચારવા લાગ્યા, ‘હું આનો વિવાહ કોની સાથે કરું? એને શોભે તેવો કોઈ વર પૃથ્વી પર તો છે જ નહીં. તો હવે હું શું કરું?’ છેવટે તેમણે બ્રહ્મા પાસે જવાનો વિચાર કર્યો. ‘તે જે વર બતાવે તેની સાથે આનો વિવાહ કરી દઉં.’ આમ તેઓ કન્યાને લઈને બ્રહ્મા પાસે પહોંચ્યા. તે સમય બ્રહ્માની સંધ્યાનો હતો એટલે તેઓ તો સમાધિ લગાવીને બેસી ગયા અને અંત:કરણમાં બ્રહ્માનો સાક્ષાત્કાર કરવા લાગ્યા. તે વેળા તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતા, અંગે રોમાંચ થઈ રહ્યો હતો. સંધ્યા પૂરી કરીને બ્રહ્માએ આચમન લીધું, હાથપગ ધોયા અને બધી દિશાઓમાં દૃષ્ટિપાત કર્યો. રાજાએ પુત્રી સાથે તેમને પ્રણામ કર્યાં અને કહ્યું, ‘હું આનર્ત દેશનો રાજા સત્યસન્ધ છું અને આ મારી પુત્રી કર્ણોત્પલા છે. મને પૃથ્વી પર આને લાયક કોઈ પતિ મળતો નથી. એટલે હું તમારી પાસે આવ્યો છું. તમે જ આને યોગ્ય કોઈ પતિ બતાવો.’ રાજાની વાત સાંભળીને બ્રહ્મા હસ્યા અને બોલ્યા, ‘રાજન્, તમે અહીં આવ્યા ત્યારે ત્રણ યુગ વીતી ગયા. તમે પૃથ્વી પર જે જે લોકોને જોયા હતા તે બધા તો મૃત્યુ પામ્યા. અત્યારે પૃથ્વી પર બીજી જ સૃષ્ટિ છે. હવે તો તમે પુત્રી સાથે અહીં જ રહો. તમારા પુત્ર, પૌત્ર, ભાઈ, સેવકો બધા જ મૃત્યુ પામ્યા છે.’ રાજાએ તો કહ્યું, ‘ભલે.’ પણ તેમની પુત્રીએ કહ્યું, ‘પિતાજી, હું તો જઈશ. ત્યાં જ મારી માતા, ત્યાં જ મારી સખીઓ છે એટલે ચાલો જતા રહીએ.’ પુત્રીની વાત સાંભળી રાજા સ્નેહવશ પુત્રી સાથે પોતાના રાજ્યમાં પાછા ફર્યા. તેમણે શું જોયું? જ્યાં પહેલાં સ્થળ હતું ત્યાં જળાશય હતાં અને જ્યાં પહેલાં જળ હતું ત્યાં દુર્ગમ સ્થળ દેખાયાં. તે દેશમાં બીજા જ લોકો હતા અને તેમનો ધર્મ પણ જુદો હતો. પૂછવા છતાં પણ કોઈની સાથે કશો નાતો બાંધી શકતા ન હતા. મૃત્યુલોકની હવાનો સ્પર્શ થતાંવેંત તે બંને વૃદ્ધ થઈ ગયા. તેમણે પૂછ્યું, ‘અહીં રાજા કોણ છે, આ પ્રદેશ કયો, આ નગર કયું?’ પછી લોકોએ કહ્યું, ‘આ દેશનું નામ આનર્ત છે. ધર્મજ્ઞ બૃહદ્વલ રાજા છે, આ પ્રાપ્તિપુર નગર છે અને અહીં સાભ્રમતી નદી વહે છે. અહીં ગર્તા નામનું તીર્થ છે અને જપતપ કરતા મુનિઓ અહીં વસે છે.’ આ સાંભળી રાજા પોતાની કન્યાની સાથે ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા. બંનેને રડતાં જોઈ આસપાસના લોકો ભેગા થઈ ગયા. ‘અરે તમે આની સાથે કેમ રડો છો? તમારું કશું નાશ પામ્યું છે?’ રાજાએ કહ્યું, ‘હું આ આનર્ત દેશનો રાજા હતો. મારું નામ સત્યસન્ધ. હું આનો વિવાહ કરવા બ્રહ્મા પાસે ગયો હતો. ત્યાં મારે બે ઘડી રોકાવું પડ્યું અને પાછા આવીને જોઉં છું તો અહીં બધું બદલાઈ ગયું છે.’ આ સાંભળી ત્યાંના લોકોએ રાજાને વાત કરી. રાજા પગપાળા ત્યાં આવ્યા અને પ્રણામ કરીને બોલ્યા, ‘મહારાજ તમારું સ્વાગત. તમારું રાજય પાછું લો.’ રાજાએ તેને ભેટીને કહ્યું, ‘મેં બહુ દિવસ રાજ કર્યું, બહુ દાન આપ્યાં, પૂરી દક્ષિણાવાળા અશ્વમેધ યજ્ઞ કર્યા. હવે પુત્રી સાથે તપ કરીશ. જેથી આને ફરી યુવાવસ્થા પ્રાપ્ત થઈ જાય.’ ‘મેં લોકો પાસેથી વાતો સાંભળી હતી. રાજા સત્યસન્ધ પોતાની કન્યા લઈને ક્યાંક ચાલ્યા ગયા હતા અને પાછા આવ્યા ન હતા. તેમના મંત્રીઓએ બહુ દિવસ તે રાજ્ય સંભાળ્યું પછી તેમના પુત્ર સુહયનો અભિષેક કર્યો. તેમના જ વંશમાં મારો જન્મ થયો. હું તેમની સત્તરમી પેઢીએ છું. તમે આ જ તીર્થમાં રહી તપ કરો એટલે હું ત્રણે સમય તમારી ચરણવંદના કરી શકું.’ રાજાએ કહ્યું, ‘વત્સ, પહેલાં હાટકેશ્વરમાં મેં શિવની પ્રતિષ્ઠા કરી હતી. તે સ્થળ આજે પણ છે. તું મને આ કન્યા સાથે ત્યાં મોકલી આપ.’ પછી પુત્રી સાથે ત્યાં જઈને રાજા પ્રસન્ન થયા અને તેઓ તપ કરવા લાગ્યા. કર્ણોત્પલા પણ પવિત્ર જળાશયના કિનારે પાર્વતીની સ્થાપના કરીને તપ કરવા લાગી. તેના તપથી સંતુષ્ટ થઈને પાર્વતીમાતાએ તેને દર્શન આપ્યાં અને વરદાન માગવા કહ્યું. ‘માતા, મારા પિતા મારા વિવાહ માટે બહુ દુઃખી છે. તેઓ આટલા જ માટે બધું ગુમાવીને બેઠા છે. હું કુમારી હતી તે એકદમ વૃદ્ધ થઈ ગઈ. મારી પ્રાર્થના છે કે મારાં યૌવન અને સૌંદર્ય પાછાં સાંપડે.’ દેવીએ કહ્યું, ‘મહા મહિનાની ત્રીજે શનિવારે અને ઘનિષ્ઠા નક્ષત્ર હોય ત્યારે તું યૌવન અને સૌંદર્યનું સ્મરણ કરતી આ જળાશયમાં સ્નાન કરજે. એટલે તું યુવાન થઈશ અને સુંદર પણ. બીજી પણ કોઈ સ્ત્રી તે દિવસે આવા હેતુ માટે આવશે તો તે પણ દિવ્ય રૂપવાળી થઈ જશે.’ આમ કહી પાર્વતીદેવી અદૃશ્ય થઈ ગયાં. તેવો દિવસ આવ્યો એટલે કર્ણોત્પલાએ રૂપ, સૌભાગ્ય તથા બીજા મનોરથો સાથે મધરાતે પાણીમાં સ્નાન કર્યું અને તે રૂપ, યૌવન પામીને બહાર આવી. તે જ વેળા તેની પાસે સાક્ષાત્ કામદેવ આવ્યા અને બોલ્યા, ‘હું કામદેવ, પાર્વતીમાતાની આજ્ઞાથી આવ્યો છું. તું મારી પત્ની બન.’ કર્ણોત્પલા બોલી, ‘જો એવી વાત છે તો તમે મારા પિતાજી પાસે જઈને મારી માગણી કરો. કન્યાએ સ્વચ્છંદ રહેવું ન જોઈએ.’ કામદેવે તેની વાત માની લીધી. પછી કર્ણોત્પલા પિતા પાસે જઈને બોલી, ‘મેં પાર્વતીમાતાની આરાધના કરીને સુંદર રૂપ અને યૌવન પામ્યાં છે. હવે તમે મારો વિવાહ કરો. દેવીએ કામદેવને મારા પતિ તરીકે મોકલ્યા છે.’ પોતાની કન્યાને પૂર્વવત્ જોઈને રાજાએ કહ્યું, ‘આજે મારું તપ ફળ્યું.’ એટલામાં કામદેવે આવીને પ્રાર્થના કરીને બધી વાત કરી. રાજાએ બ્રાહ્મણોને સાથે રાખી અગ્નિની સાખે પોતાની કન્યાનો વિવાહ કામદેવ સાથે કર્યો. રતિ પછી તે કામદેવની પ્રીતિપાત્ર બની એટલે પ્રીતિ નામથી વિખ્યાત થઈ. જે જળાશય પર તેણે તપ કર્યું તે કર્ણોત્પલાતીર્થના નામે પ્રસિદ્ધ થયું. (નાગર ખંડ: પૂર્વાર્ધ)

બ્રાહ્મણકન્યા અને રાજકન્યાના પ્રેમની કથા

છાંદોગ્ય નામના એક બ્રાહ્મણ સામવેદના જ્ઞાતા હતા અને ગૃહસ્થાશ્રમ સારી રીતે ચલાવતા હતા. તેમને મોટી ઉમરે એક કન્યા જન્મી. તે વિશાળ નેત્રવાળી અને મનમોહિની હતી. જે દિવસે તેમને ત્યાં આ કન્યા જન્મી તે જ દિવસે આનર્ત દેશના એક શૂદ્ર રાજાને ત્યાં પણ કન્યાનો જન્મ થયો. તે પણ બ્રાહ્મણકન્યાની જેમ સુંદર હતી. તે રાતે જન્મી પણ પોતાની કાંતિથી આખા સૂતિકાગૃહને અજવાળી દીધું. એટલે તેનું નામ રાજાએ પાડ્યું રત્નવતી. બંને કન્યાઓ વચ્ચે સહીપણાં થયાં અને તે બંને સાથે સાથે રહેતી હતી. એક આસન, એક ભોજન, એક શય્યા. બ્રાહ્મણકન્યા આઠ વર્ષની થઈ એટલે તેના પિતાએ તેના માટે વર શોધવા માંડ્યો. આ જાણીને તે બહુ દુઃખી થઈ. સખીનો વિયોગ થાય. તેણે રત્નવતીને વાત કરી. ‘સખી, હવે પિતાજી મારો વિવાહ કરશે. પછી તો આપણે મળીશું કેવી રીતે?’ રાજકુમારી પણ આ સાંભળી સખીને ભેટી પડી અને રડવા લાગી. પુત્રીનું રુદન સાંભળી તેની મા મૃગાવતી આવી ચઢી, ‘પુત્રી, શું થયું? કોણે તને દૂભવી?’ રત્નવતી બોલી, ‘આ બ્રાહ્મણકન્યા મને જીવથીય વહાલી છે. હવે એના વિવાહની વાત ચાલે છે. હું એનાથી અળગી પડીને કોઈ રીતે જીવી નહીં શકું. એટલે મને રડવું આવ્યું.’ મૃગાવતીએ કહ્યું, ‘જો વાત આમ હોય તો તારી પ્રિય સખીનો વિવાહ એક જ સ્થળે કરીશું, જેથી તમે બંને નિયમિત મળતાં રહો.’ આમ કહીને તેણે છાંદોગ્ય બ્રાહ્મણને બોલાવી કહ્યું, ‘તમારી પુત્રી મારી પુત્રી રત્નવતીને બહુ વહાલી છે. એટલે જ્યારે મારી કન્યા કોઈ રાજકુમારને પરણે ત્યારે તેના પુરોહિત સાથે તમારી કન્યાનો વિવાહ કરી દેજો. એટલે તે બંને અળગાં ન પડે.’ છાંદોગ્યે કહ્યું, ‘દેવી, નાગર બ્રાહ્મણોની એક રૂઢિ છે. નાગરે નાગર સાથે જ પોતાની કન્યાનો વિવાહ કરવો. જે આમ ન કરે તેને ન્યાતબહાર મૂકવાનો. એટલે હું મારી કન્યા નાગર સિવાય કોઈને ન આપું.’ આ સાંભળી તે પુત્રીએ કહ્યું, ‘જો આવી વાત હોય તો હું કુમારી રહીશ. જ્યાં મારી સખી જશે ત્યાં હું જઈશ. જો તમે બળજબરીથી મારો વિવાહ કરશો તો હું ઝેર ખાઈ લઈશ અથવા સળગી મરીશ. હવે તમને જે યોગ્ય લાગે તે કરો.’ કન્યાનો આવો નિશ્ચય જાણી બ્રાહ્મણ દુઃખી થયો અને તે કન્યાને તેની સખી પાસે જ મૂકીને ચાલ્યો ગયો. તે પણ પિતાનો સ્નેહ ત્યજીને સખી સાથે આનંદ મનાવતી રહેવા લાગી, રમવા લાગી. રાજાએ પણ પોતાની કન્યા વિવાહયોગ્ય જાણી મનોમન કહેવા લાગ્યા, ‘હવે પુત્રીનો વિવાહ યોગ્ય વરની સાથે કરવો પડશે. જે કોઈ કારણવશ કે લોભવશ અયોગ્ય વરની સાથે પુત્રીને પરણાવે છે તે નરકે જાય છે.’ આમ શોધતાં શોધતાં બહુ સમય વીત્યો. પણ કોઈ યોગ્ય વર ન સાંપડ્યો.પછી રાજાએ વિશ્વવિખ્યાત ચિત્રકારોને બોલાવ્યા અને તેમને કહ્યું, ‘તમે મારી આજ્ઞાથી નીકળો અને ધરતીપરના બધા રાજાઓનાં ચિત્ર તૈયાર કરીને લાવો. તે બધાં મારી પુત્રીને દેખાડજો. તેમાંથી તે પોતે પસંદ કરી લે.’ રાજાની વાત સાંભળીને બધા ચિત્રકાર ધરતી પરના રાજાઓને ત્યાં ગયા અને જે રાજા ઉદાર, રૂપવાન અને તરુણ હતા તે બધાનાં ચિત્ર બનાવીને આવ્યા. રત્નવતીએ તે જોયાં અને તેણે દશાર્ણરાજ બૃહદ્બલને પસંદ કર્યા. રાજા પ્રસન્ન થયા અને દશાર્ણરાજને ત્યાં દૂત મોકલ્યા. તેમણે દૂતોને કહ્યું, ‘તમે ત્યાં જઈને વિનયપૂર્વક કહેજો, તમે વિવાહ માટે આનર્તનરેશને ત્યાં આવો. તે પોતાની કન્યા સાથે તમારો વિવાહ કરશે.’ તે દૂત દશાર્ણરાજને ત્યાં ગયા અને સંદેશ સંભળાવ્યો. તે સાંભળીને બૃહદ્બલને પ્રસન્નતા થઈ અને તેઓ પોતાની વિશાળ સેના લઈને આનર્ત જવા નીકળ્યા.

તે દિવસોમાં વિશ્વાવસુ નામના એક વેદજ્ઞ નાગર હતા. તેમને મોટી ઉમરે એક પુત્ર પરાવસુ નામે જન્મ્યો. તે મિત્રો સાથે વેદોનું અધ્યયન કરવા લાગ્યો. એક વેળા મહા મહિનામાં તે ગુરુને ત્યાં અધ્યયન કરતો હતો અને રાતે પણ ત્યાં જ રહેતો હતો. એક દિવસ તે મધરાતે ચુપચાપ ઊઠ્યો અને સહપાઠીઓને ખબર ન પડે તેમ કોઈ વેશ્યાને ત્યાં ગયો અને ત્યાં જ તેની સાથે સૂઈ ગયો. થોડી રાત બાકી રહી ત્યારે તેને બહુ તરસ લાગી. ઊંઘમાં ને ઊંઘમાં પલંગ નીચે મૂકેલા મદિરાપાત્રમાંથી પાણી છે એમ માનીને મદિરા પી લીધી. પીતાંવેત તેને મદિરાનો ખ્યાલ આવી ગયો. અને તે પાત્ર ફેંકી દીધું અને બહુ દુઃખી થઈ ગયો. પોતાના મનમાં તિરસ્કાર થયો અને તે પશ્ચાત્તાપ કરવા લાગ્યો, ‘અરે મેં ઊંઘમાં કેવું ખરાબ કામ કર્યું, પાણી છે એમ માનીને મદિરા પી લીધી. હવે શું કરું? ક્યાં જઉં? મારી શુદ્ધિ કેવી રીતે થશે? હવે હું આ માટે દુષ્કર પ્રાયશ્ચિત્ત કરીશ.’ પછી મનોમન આવો નિશ્ચય કરીને તે શંખતીર્થ સવારે ગયો અને શિખાસમેત મુંડન કરાવી સ્નાન કર્યું. પછી જ્યાં વેદાધ્યયન થતું હતું ત્યાં ગયો. તે દૂર જ બેઠો. તેના સહપાઠીઓએ તેને દાઢીમૂછ વગર જોયો અને તેઓ તેની મજાક ઉડાડવા લાગ્યા. ગુરુએ તેને કહ્યું, ‘વત્સ, તું ત્યાં કેમ બેઠો છે? અહીં બેસ. બોલ, કોણે તારું અપમાન કર્યું છે?’ પરાવસુએ કહ્યું, ‘ગુરુદેવ, હવે હું તમારી સેવાને લાયક નથી રહ્યો. હું વેશ્યાને ત્યાં ગયો હતો, અને ત્યાં મેં મારું કમંડળ સમજીને મદિરાપાત્ર મોઢે લગાડ્યું, હવે મારી શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કહો.’ ગુરુ પાસે બેઠેલા ધૃષ્ટ શિષ્યોએ તેની મજાક ઉડાવતાં કહ્યું, ‘રાજકન્યા રત્નવતીનાં સ્તન પકડીને તેના અધરનું પાન કરીશ ત્યારે શુદ્ધિ થશે, તે વિના નહીં.’ આ સાંભળીને પરાવસુએ કહ્યું, ‘મિત્રો, અત્યારે હું આપત્તિમાં મુકાયો છું, મજાક ન કરો. જો તમે મને ચાહતા હો તો બીજા બ્રાહ્મણોને બોલાવી કોઈ પ્રાયશ્ચિત્ત શોધો.’ પછી તે મિત્રોએ મજાક બાજુ પર મૂકી, તેના દુઃખે દુઃખી થઈ વિશ્વાવસુ પાસે જઈને બધી વાત કરી. એ સાંભળીને વિશ્વાવસુ પત્ની સાથે ત્યાં આવ્યા અને શોકગ્રસ્ત થઈ બોલ્યા, ‘અરે પુત્ર, તેં આ શું કર્યું?’ પરાવસુએ પોતાની બધી વાત કરી. ‘હું મારી શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કરીશ.’ એટલે વિશ્વાવસુએ વેદજ્ઞ અને ધર્મશાસ્ત્રજ્ઞ બ્રાહ્મણોને બોલાવ્યા, પરાવસુએ તેમને પ્રણામ કરીને બધી વાત કરી. આ સાંભળી વિદ્વાનોએ ધર્મશાસ્ત્ર જોઈ કહ્યું, ‘જે વ્યક્તિ જાણીજોઈને મદિરાપાન કરે છે તે એ મદિરા બરાબર સુવર્ણ ઓગાળીને પી જાય ત્યારે તેની શુદ્ધિ થાય અને જે અજાણતાં પી જાય તે એટલું જ ઘી ખૂબ ગરમ કરીને પી જાય તો તેની શુદ્ધિ થાય. હવે જો તું કરી શકે તો કર.’ પરાવસુએ કહ્યું, ‘મેં એક કોગળો મદિરાપાન કર્યું છે તો એટલું જ ઘી ગરમ કરીને પી જઈશ.’ આ સાંભળી વિશ્વાવસુ બોલ્યા, ‘બ્રાહ્મણો, હું આ પુત્રની શુદ્ધિ માટે સર્વસ્વ આપી દઈશ, પણ આવું પ્રાયશ્ચિત્ત નહીં કરવા દઉં.’ પિતાની વાત સાંભળીને પુત્રે કહ્યું, ‘પિતાજી, સ્નેહ બાજુ પર રાખો. મારા પ્રાયશ્ચિત્તમાં વિઘ્ન ન નાખો. મેં પ્રાયશ્ચિત્ત કરવાનો નિર્ધાર કરી લીધો છે.’ એટલે પરાવસુની માએ કહ્યું, ‘જો તારે પ્રાયશ્ચિત્ત કરવું જ હોય તો હું પહેલાં મારા પતિ સાથે અગ્નિપ્રવેશ કરીશ. તને ઊકળતું ઘી પીને મરતો હું જોઈ નહીં શકું.’ પિતાએ આ વાતમાં સૂર પુરાવ્યો. આ બધી વાત જાણીને તેમના સ્વજનોએ આવીને પરાવસુને આવું પ્રાયશ્ચિત્ત ન કરવા સમજાવ્યો. જ્યારે તેઓ પિતાપુત્ર બેમાંથી એકેને સમજાવી ન શક્યા ત્યારે સર્વજ્ઞ ભર્તૃયજ્ઞ પાસે ગયા અને પરાવસુની બધી વાત જણાવીને કહ્યું, ‘ભગવન્, જો આ બ્રાહ્મણની શુદ્ધિ માટે મદ્યપાનનું બીજું કોઈ પ્રાયશ્ચિત્ત હોય તો જણાવો, કારણ કે તમે તો સર્વજ્ઞ છો.’ એટલે તે બોલ્યા, ‘બ્રાહ્મણો અને તેમાંય ખાસ કરીને નાગર બ્રાહ્મણો જે બોલે છે તે જ પ્રમાણે થાય છે. પરાવસુના મિત્રોએ મજાકમાં જે કહ્યું તે સાચું. તેમણે કહ્યું કે રત્નવતીનાં સ્તન હાથમાં લઈને જો તું એનું અધરપાન કરીશ તો મદ્યપાનની વિશુદ્ધિ થશે. આ જ ઉપાય તે બ્રાહ્મણ માટે સુખદ રહેશે. મહર્ષિ પરાશરના અભિપ્રાય પ્રમાણે બ્રાહ્મણવચનનો આદર કરીને આવું પ્રાયશ્ચિત્ત જો તે કરશે તો તેની શુદ્ધિ થશે.’ બ્રાહ્મણોએ કહ્યું, ‘જો આ વાત રાજાને કાને પડશે તો તે બધા બ્રાહ્મણોને મારી નખાવશે.’ ભર્તૃયજ્ઞે કહ્યું, ‘આનર્તરાજા નીતિમાન છે, ધર્માત્મા છે, દેવબ્રાહ્મણોના ભક્ત છે. બધા નાગરો મારી સાથે ચાલો. કોઈ અગ્રણી પુરુષ પાસે પરાવસુના મદ્યપાનની વાત કહેવડાવીએ. આ સાંભળીને જો રાજા ઈર્ષ્યા કે ક્રોધને વશ થશે તો હું તેમને સમજાવીશ.’ આ વાત સાંભળીને બધા નાગર રાજી થયા. હરિભદ્ર અને ભર્તૃયજ્ઞને આગળ કરી, પરાવસુને તથા તેના માતાપિતા સાથે રાજા પાસે જઈ પહોંચ્યા. બ્રાહ્મણોના આગમનની વાત સાંભળીને આનર્તરાજા પુરોહિત સાથે આવ્યા. તેમનું સ્વાગત કર્યું. તેમના આશીર્વાદ પામીને બધાને સુવર્ણઆસનો પર બેસાડ્યા. પછી રાજાએ પ્રણામ કરીને કહ્યું, ‘આજે હું ધન્ય થયો છું. મારે ત્યાં સમસ્ત નાગરલોક આવ્યા છે. તમે મને આજ્ઞા આપો, હું તમારી શી સેવા કરી શકું?’ પછી રાજાને પરાવસુના મદિરાપાન, શિષ્યોની મજાકથી માંડીને બધી વાત કરી. આ સાંભળી રાજાએ કહ્યું, ‘હું ધન્ય છું, કૃતાર્થ છું, મારા ઉપર ત્રણ બ્રાહ્મણોની પ્રાણરક્ષાનો ભાર નાખ્યો. મારી પુત્રી પણ ધન્ય થશે, તે આ બ્રાહ્મણોના પ્રાણ બચાવવામાં નિમિત્ત બનશે.’ એટલે રાજાએ પુત્રીને બોલાવી અને બ્રાહ્મણોને કહ્યું, ‘હવે તમને જે યોગ્ય લાગે તે કરો.’ ભર્તૃયજ્ઞે પરાવસુને કહ્યું, ‘જો આ કન્યાના અધરનો સ્પર્શ કરતી વખતે તારા મનમાં તું એને મા માનીશ તો તારી શુદ્ધિ થશે. જો આસક્ત થઈને અધરપાન કરીશ તો તારા મોંમાં લોહી આવશે, જો તારો ભાવ શુદ્ધ હશે તો મોંમાં દૂધ આવશે. જો તું અધરપાન કરીશ તો તેનાં સ્તનોમાં દૂધ ઊભરાઈ આવશે, તો તારી શુદ્ધિ, નહીંતર જો લોહી નીકળ્યું તો તારી શુદ્ધિ નથી એમ માની લેવાનું.’ પરાવસુને આમ કહીને રાજકુમારીને કહ્યું, ‘પુત્રી, તું એને પુત્ર માનીને જોજે. તો તે તારા અધરનો સ્પર્શ કરીને શુદ્ધ થઈ જાય. તારાં સ્તનોના સ્પર્શની વાત તેના મિત્રોએ કહી છે. જો આમ નહીં થાય તો તેનું મૃત્યુ થશે.’ આ સાંભળી રાજકન્યાએ પરાવસુને કહ્યું, ‘પુત્ર, આવ. માતૃત્વનો આશ્રય લઈ આત્મશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કર. મેં તને મારો પુત્ર માની લીધો.’ પરાવસુએ પણ રાજકન્યાને પોતાની માતા માનીને બધાના દેખતાં તેનાં સ્તનોનો સ્પર્શ કર્યો અને તરત જ તેમાંથી દૂધની સેરો ફૂટી. પછી જ્યાં તેના હોઠનો સ્પર્શ કર્યો ત્યારે ત્યાંથી પણ દૂધ નીકળ્યું. આ જોઈ બધા બ્રાહ્મણો પ્રસન્ન થઈને બોલ્યા, ‘હવે આ શુદ્ધ થઈ ગયો.’ પરાવસુએ રત્નવતીની પ્રદશિણા કરી કહ્યું, ‘માતા, તું પુત્રવત્સલા માતા છે.’ આ જોઈને રાજાને બહુ નવાઈ લાગી. તેમણે ભર્તર્ૃયજ્ઞની પ્રશંસા કરી કહ્યું, ‘હું બહુ ભાગ્યશાળી છું કે મારે ત્યાં આ બધા નાગર બ્રાહ્મણો આવ્યા. મારી આજ્ઞા પાળનારી મારી પુત્રી પણ પરમ સૌભાગ્યશાલીન, સદાચારયુક્ત છે. આ પરાવસુ પણ સાધારણ બ્રાહ્મણ નથી. આવી કન્યાનો સ્પર્શ કરવા છતાં તે વિકારી ન થયો.’ આમ કહી બ્રાહ્મણોને વિદાય આપી, પોતે પુત્રી સાથે મહેલમાં પ્રવેશ્યા.

તે જ વેળા દશાર્ણરાજ રત્નવતી સાથે વિવાહ કરવા આવ્યા. તેમણે રત્નવતી અને પરાવસુની વાત જાણી એટલે તે પાછા જવા નીકળ્યા. આ જાણી આનર્તરાજ તેમની પાછળ પાછળ જઈને બોલ્યા, ‘રાજન્, મારી કન્યાનું પાણિગ્રહણ કર્યા સિવાય તમે કેમ જતા રહો છો?’ દશાર્ણરાજે કહ્યું, ‘મહારાજ, તમારા દેખતાં જ તમારી કન્યાનાં અધર અને સ્તનનો સ્પર્શ બીજા પુરુષે કરી લીધો છે. આવી સ્ત્રી જો પુત્રને જન્મ આપે તો તે દસ પેઢી સુધી અને દસ પેઢી પછીના સંતાનોને નરકમાં નાખે. એટલે હું તમારી કન્યાનું પાણિગ્રહણ નહીં કરું.’ એમ કહીને તે રાજા પોતાના નગરમાં જતા રહ્યા. આનર્તનરેશે દુઃખી થઈ ઘેર આવી બધી વાત કરી. આ સાંભળી બધાને બહુ દુઃખ થયું, મંત્રીઓએ રાજાને કહ્યું, ‘મહારાજ, આ પૃથ્વી પર અનેક રાજા છે તેમાંથી કોઈની સાથે કન્યાનું લગ્ન ગોઠવો.’ આ સાંભળી રાજાએ ત્યાં બેઠેલી પોતાની કન્યાને પૂછ્યું, ‘પુત્રી, તેં ચિત્રપટમાં ઘણા રાજાઓને જોયા છે, તેમાંથી તું એકને પસંદ કરી લે.’ આ સાંભળી રત્નવતીએ કહ્યું, ‘પિતાજી, હું દશાર્ણરાજ સિવાય કોઈને પણ પતિ નહીં બનાવું. રાજા એક વાર કોઈ વાત કરે છે, બ્રાહ્મણ પણ એક વાર બોલે છે, અને કન્યા પણ એક જ વાર કોઈને અપાય છે. આ ત્રણેય એક જ વાર થાય, એમાં ફેરફાર થઈ ન શકે. એટલે હવે મને કોઈ બીજા રાજાને ન સોંપતા. આ શાસ્ત્રવિરુદ્ધ છે.’ રાજાએ કહ્યું, ‘પુત્રી, મેં તો માત્ર વચન જ આપ્યું હતું. તેમણે ગુરુજનો, બ્રાહ્મણ કે અગ્નિ સમક્ષ તારું પાણિગ્રહણ નહોતું કર્યું. તો તે તારા પતિ કેવી રીતે?’ રત્નવતીએ કહ્યું, ‘પિતાજી, કોઈ પણ કાર્યનો પહેલાં મનમાં નિર્ધાર કરવામાં આવે છે, પછી તે મૂર્ત થાય છે. મેં મારી જાતને દશાર્ણરાજને સોંપી દીધી હતી, તમે પણ વાણી દ્વારા મારું દાન કર્યું હતું. તો પછી તે મારા પતિ કેમ નહીં. એટલે હવે હું વ્રત કરીશ, તપ કરીશ. બીજા કોઈને પતિ નહીં બનાવું.’ પુત્રીની વાત સાંભળી તેની માતા મૃગાવતીએ કહ્યું, ‘દીકરી, તારે તપ કરવાનું સાહસ નહીં કરવું, તું હજુ તો બાલિકા છે, તું સુકોમળ છે, સદા સુખમાં ઊછરી છે. તું કંદમૂળ ખાઈને, વલ્કલ પહેરીને કેવી રીતે રહીશ? હું તને કોઈ સુપાત્ર શોધીને પરણાવીશ.’ એટલે રત્નવતીએ કહ્યું, ‘મા, જો તું મને જીવતી જોવા માગતી હો તો આવી વાત ફરી કદી ના કરીશ. જો તું મારા તપમાં વિઘ્ન નાખવા જઈશ તો હું આત્મહત્યા કરીશ.’ આમ કહી તેણે બ્રાહ્મણકન્યાને કહ્યું, ‘હવે તું તારા પિતાને ત્યાં જા. તારા પિતા કોઈ નાગર સાથે તારું લગ્ન કરી દેશે. મારાથી કશું અસત્ય કે અનુચિત બોલાઈ ગયું હોય તો ક્ષમા કરજે. તારી બધી વાત પણ મેં ક્ષમા કરી દીધી.’ બ્રાહ્મણકન્યા બોલી, ‘મેં તારી સાથે મારો કન્યાકાળ વીતાવી દીધો. મને તો સોળ વરસ પણ પૂરાં થયાં. હું રજસ્વલા પણ થવા લાગી છું. સ્મૃતિવાક્ય જાણનાર કોઈ બ્રાહ્મણ મારી સાથે લગ્ન નહીં કરે. એટલે હું પણ તારી સાથે તપ કરીશ. મારે માતાપિતા સાથે નથી રહેવું.’ આવો નિર્ધાર કરીને બંને કન્યા મુનિ ભર્તૃયજ્ઞના આશ્રમે ગઈ, તેમના તપના પ્રભાવે ત્યાં રહેતાં કોઈ પ્રાણીઓમાં વેરઝેર ન હતાં. નોળિયા સાપ સાથે, બિલાડા ઉંદર સાથે, કાગડા ઘુવડ સાથે રમતા હતા. બંને કન્યાઓએ ત્યાં જઈ મુનિને પ્રણામ કર્યાં. બ્રાહ્મણકન્યા બોલી, ‘હું રાજકન્યા સાથે તપ કરવા આવી છું. અમને વિધિ બતાવો.’ પછી મુનિએ બતાવેલા વિધિ પ્રમાણે તપ કરવા માંડ્યું. તે બ્રાહ્મણકન્યા રાજકન્યાને લઈ સરોવરતટે ગઈ, તપ કરતાં પહેલાં ચાંદ્રાયણ કર્યું પછી વ્રતનો આરંભ થયો. ત્રણ વરસ સુધી અઠવાડિયે એક જ વાર ભોજન કર્યું, પછી રાજકન્યાએ પણ બીજા સરોવરકિનારે જઈ એવી જ કઠિન તપસ્યા કરવા માંડી. જેમ જેમ તપ કરતી ગઈ તેમ તેમ તેમના તેજમાં વૃદ્ધિ થતી ગઈ. પછી ભગવાન શંકર ગૌરી સાથે આવ્યા અને બ્રાહ્મણકન્યાને વરદાન માગવા કહ્યું. પણ તેને તો ભગવાનના દર્શનથી જ પરમ સંતોષ હતો. પણ ભગવાને વરદાનનો આગ્રહ રાખ્યો ત્યારે તેણે કહ્યું, ‘આ મારી સખી રત્નવતી મને જીવથીય વહાલી છે. શૂદ્ર જાતિની હોવા છતાં તેણે મારી જેમ જ તપ કર્યું છે, જો તે તપમાંથી નિવૃત્ત થાય તો હું પણ તપ નહીં કરું. તેના પ્રત્યેના પ્રેમને કારણે જ મેં લગ્ન નથી કર્યું. તેનો મનોરથ પાર પાડો.’ એટલે ભગવાન તેની પાસે ગયા અને કહ્યું, ‘હવે તું તપ ન કર. તું મનમાં આવે તે વરદાન માગ.’ રત્નવતીએ કહ્યું, ‘આ બ્રાહ્મણકન્યાએ જ્યાં તપ કર્યું છે તે તીર્થ એના નામથી પ્રસિદ્ધ થાય અને મારા નામે આ જળાશય પ્રસિદ્ધ થાય. જે અહીં સ્નાન કરે તેને સ્વર્ગ મળે. અમે બંને સખીઓ સદા મહાન તપમાં સાથે જ રહીએ અને નિત્ય તમારી આરાધના કરતી રહીએ.’ તે જ વેળા ધરતી ફાડીને સૂર્યસમાન તેજસ્વી શિવલંગિ પ્રગટ થયું, ભગવાને પ્રસન્ન થઈને કહ્યું, ‘આ બંને શૂદ્રતીર્થ અને બ્રાહ્મણી તીર્થ ત્રણે લોકમાં વિખ્યાત થશે. જે ચૈત્ર સુદ ચૌદશે, સોમવારે આ બંને તીર્થોમાં સ્નાન કરી, કમળ સંગ્રહ કરી આ તીર્થોનાં જળથી મારા લંગિને નવડાવશે તે બધાં પાપમાંથી મુક્તિ મેળવશે.’ આમ કહી ભગવાન અંતર્ધાન થઈ ગયા. બંને સખીઓ જરા અને મૃત્યુથી પર રહીને નિત્ય તપ કરતી રહી. (નાગર ખંડ: ઉત્તરાર્ધ)